Nehdo - 34 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 34

ભેંસ નવજાત પાડરુંને ચાટીને તેના પર પ્રેમ વરસાવી રહી હતી.તાજુ જન્મેલું પાડરું હજી ગોટો વળીને બેઠું હતું. જીણીમા ચૂલે ચડાવેલી બાજરાની ઘૂઘરી (બાફેલો બાજરો) એક તગારામાં કાઢીને ઠારી રહ્યાં હતા. ભેંસ કે ગાય વિહાય પછી તેને ગરમ પાણી વડે ઝારવી(ધોવી)પડે. જેથી તેનો થાક ઉતરી જાય છે. રાજી ચૂલાનાં ભાઠે એક મોટું તપેલું ચડાવી પાણી ગરમ મૂકી રહી હતી. કનો નાનકડા પાડરુંને પપલાવતો(રમાડતો) હતો. રામુઆપા ભેંસની નીચેથી પાવડા વડે પોદળા ઢસડીને સાફ કરતા હતા.આખું ઘર ભેંસની સેવા ચાકરીમાં લાગી ગયું હતું.સોલાર લેમ્પનું આછું અંજવાળું ચાંદાના અજવાળા જેવું શોભી રહ્યું હતું.
"આપા હીવે તમી હૂય જાવ. હું જાગું સૂ. ભેંહને ઝર(પશુ વીહાય ત્યારબાદ નીકળતો બગાડ)પડી જાહે પસે ઈને ગરમ પાણીએ ઝારીને પસે પાડી ધવરાવી હું હૂય જાશ." રામુઆપા સુવા માટે કનાને સાથે લઈ ભેંસો પૂરવાની જોકના ઝાંપે ઢાળેલા ખાટલે ગયા. જતાં જતાં તેણે ગેલાને ભલામણ કરી,
" હૂય જા ઈ પેલાં પાડી ઑયડામાં પૂરવાનું ભૂલતો નય પાસો."
ગેલાએ જવાબ આપ્યો, " એ હા આપા."
બાજરાની ઘૂઘરી ઠરી એટલે ભેંસની આગળ મૂકી જીણીમા સુવાની તૈયારી કરવા લાગ્યા. ગેલો તગારુ પકડી ભેંસ બાજરાની ઘૂઘરી ઢોળી ના નાખે એટલે સામે બેઠો બેઠો એને ખવડાવતો હતો. અને બીજા હાથે નાનકડી પાડીનો કાન પંપાળી રહ્યો હતો. ભેંસ ઘડીક ઘૂઘરી ખાતી તો ઘડીકમાં પાછી તેની પાડીને ચાટવા લાગતી. રસોડામાંથી બહાર આવી રાજીએ કહ્યું, "પાણીના તપેલા હેઠે તાપ નહિ કરતી. તપેલું ભાઠે સડાયું હે. ભેંહને હજી ઝર હેઠી પડતા ટેમ લાગસે. એટલી ઘડીમાં તો ભાઠે ય પાણી ઉનું થય જાહે."ગેલાએ માથું હલાવી હા પાડી. ભેંસ આખું તગારુ ભરી ઘૂઘરી ખાઈ ગઈ.તે રડ્યો પડ્યો દાણો ખાવા તગારું ચાટી રહી હતી. ભેંસને બાંધેલી સાંકળ તગારા સાથે અથડાવાથી અવાજ આવી રહ્યો હતો. ગેલાએ ભેંસની મોરથી તગારુ લઈ ઓસરીની કોરે ટેકે મૂકી દીધું.

હવે ભેંસની ઝર પડે ત્યાં સુધી વાટ જોવાની હતી. ગેલાએ ઓસરીમાં ઢાળેલા ખાટલે લંબાવ્યું. તેનું ધ્યાન ભેંસ તરફ રહે તેમ તેણે માથું રાખ્યું હતું. ભેસની ઝર પડી જાય અને પાડી થોડી ઘણી ઊભી રહેવા લાગે પછી પાડીને ધવરાવવાની ધમાલ કરવાની હતી. પાડી ઊભી થવાની કોશિશ કરતી હતી, પરંતુ પગનું બેલેન્સ ન રહેતા પાછી પડી જતી હતી. આમ ઉભી થઇ વળી પડી જતા તે ભેંસથી થોડી આઘી જતી રહી હતી. હવે ભેંસ પાડી સુધી પહોંચી શકતી ન હતી. તે ખેંચાવા લાગી. રાજી રસોડામાં બધું સમુનમુ મૂકી રહી હતી. તેનું ધ્યાન પાડી તરફ ગયું. રાજીએ આવીને પાડીને ઉચકીને ભેંસ આગળ મૂકી દીધી. ભેંસ ફરી શાંત થઈ પાડીને ચાટવા લાગી.

રાજી હવે થોડી નવરી પડી હતી. ફળિયામાં કંઈ લેવા મુકવાના બહાને તેણે આંટો મારી જોઈ લીધું રામુઆપા, જીણીમાને કનો ત્રણેય જણા સુઈ ગયા હતા. આમ પણ ઓસરીને વાડા વચ્ચે રસોડું આવેલું હતું. એટલે ઓસરીમાં ઢાળેલો ખાટલો રામુઆપાની નજરથી દૂર હતો.રાજી રસોડામાં આંટો મારી બારણું આડું કરી ગેલા પાસે આવી. ત્યાં તો થાક્યોપાક્યો ગેલો નસકોરા બોલાવવા લાગ્યો હતો. વેરાન વગડામાં ભાંગતી રાતે ચારે બાજુ સુનકાર હતો. આ સુનકારને તોડવા મથતા તમરા પોતાના ગાન કરવામાં મશગૂલ હતા. બીજી કોઈ સ્ત્રી આ સમયે, આટલી રાત્રે છળી મરે. પણ રાજી તો અસલ ગોવાલણ હતી. ભેંસને પાણી પણ હજી પાવાનું બાકી હતું. પરંતુ હજી ઝર પડી નહોતી એટલે પાણી કેમ પાવું? માલની આ બધી જાણકારી માલધારીઓને પેઢી દર પેઢી મળતી હોય છે. રાજીએ ફરી ધૂડી ભેંસ પાસે જઈ તપાસ કરી. સામે સુકલ ઝાડની બખોલમાં રહેતો શિંગડીયો ઘુવડ ચિત્કારીને રાતને વધું કાળી કરી રહ્યો હતો.

રાજી પણ વહેલી સવારથી ધમાલ કરી થાકી હતી. તેને ઘડીક પગવાળી બેસવાનું મન થયું. આમ તો નેહડે વડીલોની હાજરીમાં પત્ની તેના પતિને ખાટલે ચડીને બેસતી નથી. સ્ત્રી એકલી હોય ને તેની સાસુ હાજર હોય તો પણ તે ખાટલે બેસતી નથી. પરંતુ આજે બધા સુઈ ગયા હોવાથી રાજી બીતા બીતા ગેલાનાં ખાટલે બેઠી. કેટલાય દિવસોથી સુકોભઠ્ઠ થઈ ગયેલા ગેલાનું મોઢું જોઈ રાજી મનમાંને મનમાં જીવ બાળ્યા કરતી હતી. આજે ગેલેના મોઢા પર થોડો ભાર હળવો થયો હોય તેવું લાગી રહ્યું હતું. શાંત ચિત્તે સૂતેલાં ગેલાના ભોળા ભટાક મોઢા સામે રાજી એકધારું તાકીને જોઇ રહી હતી. ગેલાને જોઇને રાજીને તે પરણવા આવ્યો હતો એ દિવસ યાદ આવી ગયો. એ દાડે ગેલે લાંબી ચાળનું પેરણને ચોરણો પહેરેલો હતો. પગમાં ધોળા મોજા પર વજનદાર, લોખંડની ફુદડિયું લગાડેલા માલધારી જોડા પહેરેલા હતા. હાથમાં તલવાર હતી. માથે માલધારી ફેટો બાંધેલો ગેલો ગર્યના હાવજ જેવો શોભી રહ્યો હતો. હસ્તમેળાપ વખતે પોતે ગેલાના હાથમાં હાથ આપ્યો ત્યારે પોતાનો હાથ કેવો ધ્રુજી રહ્યો હતો તે રાજીને યાદ આવી ગયું. તે દાડે પોતાના ધ્રુજતા હાથને દબાવીને ગેલાએ હિંમત આપી હતી. તે બધું રાજીને અત્યારે નજર સામે દેખાઈ રહ્યું હતું. માલ ચારીને મોટી થયેલી રાજીને પણ ગીરની બાર નહોતું નીકળવું તેથી જ તેના પિતાજીએ રાજીના લગ્ન પણ ગીરમાં જ કર્યા. આ બધું યાદ કરતા કરતા રાજી વીતેલા સુખ-દુઃખના વર્ષોમાં ખોવાઈ ગઈ. છેલ્લા ઘણા દિવસોથી નેહડા પર આવી પડેલા સંકટે રાજીને તોડી નાખી હતી. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. અચાનક રાજીની કમરે કોઈએ વળ દઈ ચુંટિયો ખણ્યો. અચાનક ચૂંટિયો ભરવાથી રાજી ડરી ગઈને ઉભી થવા ગઈ, મોઢેથી રાડ પાડવા ગઈ ત્યાં ગેલાએ મોઢા આડે હાથ રાખી દીધો. અડધી ઊભી થઈ ગયેલી રાજીને ગેલાએ ખેંચીને પાછી બેસાડી દીધી. અને નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા જણાવ્યું. ગેલાના અચાનક હુમલાથી રાજી થોડી ડરની મારીને થોડી શરમાઈને ગેલાની પાસે બેસી ગઈ. તે મનમાં વિચારવા લાગી કે પોતાને સૂતેલો લાગતો ગેલો, કોને ખબર એ ક્યારનો તેને જોઈ રહ્યો હશે? હજી તો રાજી આમ વિચારતી હતી ત્યાં ગેલાએ તેનો એક હાથ પકડી એવો આંચકો માર્યો જેથી રાજી, સમુદ્રનું મોજુ જેમ કિનારા પર પડે તેમ ગેલા પર પડી.
ક્રમશઃ....
(નેહડાનો સ્નેહ,પ્રેમ, હેત..મહેનત કશ દામ્પત્ય જીવન જોવા વાંચતા રહો "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no.9428810621