Nehdo - 35 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 35

કેટલાય દિવસોથી રેગિસ્તાનનું સૂકુ રણ બની ગયેલો ગેલો આજે અચાનક આખો અહાડ શ્રાવણના વરહેલા ભરચક વરસાદથી ધરાઈને લીલુંછમ થઈ ગયેલા ગીરનાં જંગલ જેવો હરિયાળો થઈ ગયો હતો. કેટલાય દિવસોનો ભૂખ્યો ડાલામથ્થો સાવજ જેમ કોઈ હરણીને ઝાલી લે અને નાજુક હરણીને બચવાનો કોઇ રસ્તો ના હોય અને હરણી જેમ ડાલામથ્થા હાવજને સમર્પિત થઈ જાય તેમ રાજી ગેલાને સમર્પિત થઈ ગઈ. એટલામાં નેહડાની વાડની નજીક કંઈક અવાજ આવતા રાજી સફાળી બેઠી થઈ ગઈ." ઉભા થાવની જરાક બત્તી કરી બાયણે જોયા વો. દીપડો નહિ પૂગ્યો ની? ઈનું ધેન આજ આણીકોર્ય જ હહે." ગેલાએ પરાણે ખાટલામાં બેઠા થઈ આળસ મરડી, "દીપડો ય બસારો હૂ કરે? કોને ખબર કેટલા દાડાનો ભૂખ્યો હહે! ભૂખ્યા જનાવરનો ભરોહો નય ઈ ગમે ઈ કરે!"એમ બોલી ગેલાએ રાજીને જાણે પહેલી વાર જોતો હોય તેમ ઉપરથી લઈ પગ સુધી ઘૂરી. ગેલાની આવી ઘૂરકાટ ભરી નજરથી રાજી શરમાઈને સંકોરાઈ ગઈ. તે નીચું જોઈ ગઈ. તેણે ચુંદડીનો છેડો સરખો કર્યો. ગેલાએ એક મોટો નિસાસો નાખી ખાટલા નીચેથી ડાંગ અને ટોર્ચ લઈ જાંપે ગયો. તેણે જાંપે પહોંચ્યો ત્યાં સુધી ટોર્ચ બંધ રાખી. પછી ધીમેથી જાપો ખોલ્યો અને વાડ તરફ ટોર્ચ કરી ત્યાં વાડ બાજુથી સાચે જ કંઈક જનાવર જાડીમાં દોડીને ગયું. ઉડતી ધૂળને લીધે ઝરખું હતું કે દીપડો તે ખાસ ઓળખાયું નહિ. પરંતુ કોઈક જાનવર હતું એ પાકી વાત. ગેલાએ એ તરફ એક પથ્થર ફેંક્યો અને પછી ઘડીક ઉભો રહી જાપો બંધ કરી પાછો આવી ગયો.
ઘણીવારથી ભેંસની ઝર પડવાની વાટ જોઈને બેઠેલી રાજી રસોડામાં ગઈ. એક ડબ્બામાંથી ચાર પાંચ ચણોઠી કાઢી. ને ગરણામાં બાંધેલો રોટલો લીધો. રોટલાને બેવડ વાળ્યો વચ્ચે ચણોઠી મૂકીને ભેંસને ખવડાવ્યો. માલધારી અડધા વેટરનરી ડોક્ટર પણ હોય છે. પોતાનો માલઢોર બીમાર પડે કે આવી કંઈ તકલીફ થાય ત્યારે તેને જંગલ માંથી કઈ જડીબુટ્ટી ખવડાવવી તે તેને ખબર જ હોય છે. અનુભવએ મોટું શિક્ષણ છે. થોડી વાર થઈ ત્યાં ભેંસની ઝર પડી ગઈ. ગેલાએ પાવડા વડે ઢસડીને ઝરને તગારામાં ભરી. તેની ઉપર રાખ નાખી. રાજી ચૂલે ચડાવેલ ગરમ પાણીનું તપેલું લાવી ભેંસને ધમારવા લાગી. થાકેલી ભેંસને ગરમ પાણીથી રાહતનો અનુભવ થયો. તે શાંત થઈને પૂછડું ઊંચું કરી ઊભી રહી. ઘણા પ્રયત્નો પછી પાડી હવે ઉભી થવા લાગી હતી. પરંતુ હજી પૂરું સંતુલન મળ્યું ન હતું. ઉભી થઈ ફરી પાછી પડી જતી હતી. ગેલા એ ભેંસના આવ તરફ નજર કરી કહ્યું, " ભેંહનું આવ તો જો ફાટફાટા થયું સે.જો તો ખરી ભેંહ પારહોય ગઈ સે.ઈના આસળમાંથી ઈની મેતે દૂધનાં ટીપાં પડે સે.પાડીને આણિકોર્ય લાય ધવરાવિ લેવી." રાજી પાડીને એ તરફ લાવી. બન્ને જણાએ ધમાલ કરી પાડીના મોઢામાં આચળ આપ્યો. પહેલીવાર તેની માને ધાવતી પાડીના મોઢામાંથી ઘડી ઘડી આંચળ છૂટી જતો હતો. ધીમે ધીમે માના દૂધનો સ્વાદ મોઢામાં આવતા અને દૂધની શક્તિ શરીરને મળતા પાડી હવે બરાબર ધાવવા ચોટી ગઈ હતી. પાડી ધવરાવતા રાજી ગેલાનાં પડખામાં બેઠી બેઠી ગેલાને ઘડીક કોણી મારે તો ઘડીક તેના પગનો પંજો દબાવી હેરાન કરી રહી હતી. હવે પાડી ધાવવામાં રાગે પડી ગઈ હતી. તેના મોઢે દૂધના ફીણનાં ફોહા બાજી ગયા હતા. નાનું પાડરું એકસાથે વધારે દૂધ હજમ કરી શકતું નથી. ગેલાએ પાડીનું પેટ જોયું,
" પાડી ધરાઈ ગય સે.લાય હવે ઈને ઘરમાં પૂરિયાવું."આમ કહી ધાવી રહેલી પાડીને તેડીને ગેલો બાજુનાં ઘરમાં પૂરી આવ્યો. લાકડાની ફ્રેમ અને તેલનાં ખાલી ડબ્બાના પતરાથી બનાવેલ ઘરનો દરવાજો સજ્જડ બંધ કર્યો. ભેંસ ઘડીક તેની પાડી માટે અધીરી થઈ રણકવા લાગી. ગેલાએ પાવરામાં (ખાણ ખવડાવવાનો થેલો) ખાણ ભરી ભેંસના મોઢે ચડાવી દીધું. ભેંસ ખાણ ખાવામાં પડી ગઈ.
" લે હવે ખીરુ (ગાય, ભેંસ વિહાય ત્યારે પ્રથમ વખતનું દૂધ જે કેલ્શિયમથી ભરપૂર હોય છે.) પાડી લે (દોહી લે) એટલે બસારી હળવી થઈ જાય. ઈનું આવ તો જો ફાટફાટા થયું હે."રાજી ડોલ લઈ ભેંસના આચળ પાણીથી ધોઈ ભેંસને દોવા લાગી. ભેંસની આડે ઊભેલો અને ભેંસને માથે ખંજોળતા ગેલાની નજર રાજીને જ તાકી રહી હતી. રાજીએ પણ એ આડી નજરે જોઈ લીધું હતું. પરંતુ જાણે તેને કશી ખબર નથી તે રીતે એ ભેંસ દોવામાં મગ્ન થઈ ગઈ. ગેલાનું ધ્યાન બીજી તરફ હતું ત્યાં રાજીએ અચાનક ભેંસ દોતા દોતા દૂધની શેર સીધી ગેલાના મોઢા પર જવા દીધી. અચાનક થયેલા આ હુમલાથી ગેલો જજકી ગયો. ગેલાનું મોઢું દૂધ દૂધ થઈ ગયું. મોઢે હાથ ફેરવતા ફેરવતા તે બોલ્યો,
" જે નખરા કરવા હોય ઈ કરી લે.તની ખબર હે ને? હો ઘા હોનીનાંને એક ઘા લુહારનો."રાજી ભેંસ દોતી, નીચું મોઢું રાખી હસી રહી હતી.
" હિવે રાખ્ય,બધું ખીરું દોય લેવું હે?પશે ભેંહને કેલ્શિયમ ઘટી જાહે."રાજી આટલું દૂધ દોય ઊભી થઈ ગઈ, ડોલ લઇ રસોડામાં મૂકી."હવારે તમની ખીરાની બળી રાંધી દશ. ખાયની માલમાં આઢજો."
ખાણ ખાઇ લીધા પછી ગેલાએ ટાંકીમાંથી ડોલ ભરી ભેંસને પાણી પીવડાવી દીધું. ખાઈ-પીને ભેંસને હવે થોડી શક્તિ મળી હોય તેવું લાગતું હતું. ઘડીક પાડરું માટે વલખા મારીને થાકેલી ભેંસ આરામથી બેસી ગઈ. હવે ઝરને થાળે પાડવાની બાકી હતી. ગેલાએ ખંભે ત્રિકમ પાવડો લીધો, ટોર્ચ લીધી અને કુહાડી વાળી ડાંગ લીધી. રાજીએ ઝર ભરેલું તગારૂ ઊપાડ્યું. માલધારીને પોતાના માલઢોરના ગોબર કે આવી મેલી ચીજની સૂગ લાગતી નથી. માલધારીની સ્ત્રી છાણા થાપવા જાય તે જોવા જેવું હોય છે. તે માલ ઢોરના પોદળા એક તગારામાં લઈને કાયમી છાણાનો થપારો હોય ત્યાં લઈ જાય છે. પોદળા ભરેલું તગારુ ઠાલવી તેમાં થોડું પાણી નાખી પોદળાને હાથ વડે છાણું થાપી શકાય તેવો નરમ બનાવે છે. પછી આગલા દિવસે થાપેલા છાણાને ઉથલાવી બે-બેની જોડીમાં ઉભા સુકવે છે. ત્રીજા દિવસના જોડીમાં ઉભા સૂકવેલા છાણાને ઊંધા કરી સૂકવે છે. જ્યાં છાણા થાપવાના હોય ત્યાં બાજરાના ઢુંહા કે ઘઉંનાં કુવળનો છંટકાવ કરે છે. પછી તાજા છાણના હાથથી સરખા ગોળા બનાવે.છાણનાં ગોળાને નીચે થાપી તેનાં પર હાથથી થપથપાવી છાણાનો આકાર આપે છે. આગળના સુકાઈ ગયેલા છાણા તગારામાં ભરી ઘરે ફળિયામાં બનાવેલા મોઢવામાં ગોઠવાઈ જાય છે. મોઢવું પણ જાણવાને જોવા જેવું હોય છે. પરંતુ તેની આપણે આગળ વાત કરીશું. માલધારી માલની ઝરને જ્યાં ત્યાં ફેંકી દેતા નથી. જો તે જ્યાં ત્યાં ફેંકી દે તો તેને કુતરા કાગડા ચૂથે. માલઢોર સાથે માલધારીની લાગણી જોડાયેલી હોય છે. તેથી તે પોતાના માલઢોરના દરેક અવશેષનું સન્માન કરે છે. ગેલોને રાજી નેહડા પાસે આવેલ ઝરીયા ઢોરે ગયા. ટોર્ચના પ્રકાશમાં ગેલાએ ત્રિકમથી ઊંડો ખાડો ખોદ્યો. પાવડાથી માટી કાઢી. રાત ઘણી ભાંગી ચૂકી હતી. જંગલના નિશાચરો પોત પોતાના પેટ ભરવામાં તો કોઈ કોઈ પ્રણય ગાનમાં મશગૂલ હતા. ખાડો ખોદીને ગેલો પરસેવે રેબઝેબ થઇ ગયો. તે ઘડીક પોરો ખાવા ઊભો રહ્યો. ત્યાં દૂરથી સાવજ ના હૂકવાનો અવાજ આવી રહ્યો હતો. રાજીએ ગેલાને ઠોહો મારી કહ્યું, " જૂવો તમારો ભાઇબંધ હામત ઈની રાજમતીને બોલાવે છે. કેવો પરેમ સે ઈ બેય વસાળે.તમારી પાહે તો અમારી કોરી તાકવાનો ય સમો નથ જડતો.!!"
ગેલાએ કશો જવાબ આપ્યા વગર જ ઝરનું તગારુ ખાડામાં ઠાલવી દીધું. પાવડા વડે તેના પર માટી વાળવા લાગ્યો. બરાબર માટી નાખી બાજુમાંથી એક બાવળના કાંટાનો ગળાયો લાવી ખાડા પર મૂકી દીધો. કાંટા ઉપર ભારેખમ પથરા લાવી મૂકી દીધા. જેથી ઝરખ જેવા પ્રાણી ખાડો ખોદી તેમાંથી ઝર ખાય ન જાય.
બધું કામ પતાવી રહ્યા ત્યાં પોણી રાત નીકળી ગઈ હતી. ગેલાએ નેહડામાં આવી જાપો આડો કરી ટાંકી પાસે રહેલા પથ્થર પર ઉભા રહી ડબલે ડબલે પાણી ભરી હાથ પગ ધોઈ ખભે રાખેલી કાબરી લૂંગી વડે લુછવા લાગ્યો. રાજી પણ થાકેલી હતી. તે ટાંકી પાસે આવી પોતાના પગ ધોઇ રહી હતી. આછા અજવાળામાં રાજીના ગોરા પગ ગેલાનો નશો વધારી રહ્યા હતા. ગેલાએ રામુઆપા તરફ નજર કરી. એ ત્રણેય ભાંગતી રાતે ભરનિંદરમાં સુતા હતા. રાજી હજી વાંકી વાંકી હાથ-પગ ધોઈ રહી હતી. જેમ કૂણાં ઘાસમાં ચરી રહેલ બેખબર હરણીને સંતાઈને ઉભેલ દીપડો અચાનક હુમલો કરી લઈને ઝાડ પર ચડી જાય. તેમ ગેલાએ રાજીને કમરેથી પકડીને ઊંચકી લીધી. હવામા તોળાઈ રહેલ રાજી છૂટવા માટે હાથ પગ હલાવી રહી હતી. પરંતુ દીપડાના પંજામાં પકડાયેલી નાજુક હરણીની જેમ તે પણ છૂટવામાં અસમર્થ રહી. ગેલો રાજીને ઊંચકીને સીધો રૂમમાં લઇ ગયો. ત્યાં જઈ રાજીને ખાટલે નાખી. સુતરના ઢીલા ખાટલામાં પડવાથી ખાટલાનાં સુતરનો અવાજ પણ આવ્યો. ધીમી વાટે બળતો દીવો ઘરમાં ફેલાયેલા અંધારાને ઉલેચવા મથતો હતો. પ્રયત્નપૂર્વક તે દીવાને બુઝાવી દેવામાં આવ્યો. અંધારું આખા ઓરડાને ગળી ગયું. દૂરથી આવતો સામતના હૂકવાનો અવાજ પણ શમી ગયો.
ક્રમશઃ...
(રંગીલા ગીરને માણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621