Nehdo - 33 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 33

સામત અને રાજમતી મળી જવાથી બધા નેહડા વાસીઓએ રાહતનો દમ લીધો. છેલ્લા ઘણા દિવસોથી સામત ગુમ થવાથી નેહડા પર આવી પડેલા સંકટને લીધે બધા પરેશાન હતા. ખોબા જેવડા નેહડામાં એકના દુખે બધા દુઃખી અને એકના સુખે બધા સુખી. છૂટાછવાયા દસ-બાર કાચા ઝુંપડા જેવા ઘર અને વાડામાં જંગલની વચ્ચે વસવાટ કરતા નેહડાવાસીઓ એકબીજાના આધારે જીવન વિતાવતા હોય છે. સારા માઠા પ્રસંગો બધા સાથે મળી ઉકેલતા હોય છે. DFO સાહેબના ગયા પછી બધા મોડે સુધી ગેલાના નેહડે બેઠા. રામુઆપા જોડે ઘણી વાતો કરી. વાતનો વિષય નવી પેઢી જૂની પેઢી જેટલું કામ ન કરી શકેથી લઈ હવેની પેઢી વધારે વર્ષો નેહડામાં નહીં કાઢે, નવી પેઢીએ ભણવું જોઈએ, સામત અને રાજમતી અંધારી ગર્યમાં જતા રહ્યા હશે તેવો હતો.
રામુઆપાએ વાત આગળ ચલાવી, "અટાણે તો અંધારી ગર્ય કેવાની જ રય સે. અમી જુવાન હતા તે દી તો કોય અંધારી ગર્યમાં જાવાની હિમત નોતું કરતું. ઈ વખતે ઈમ કેવાય સે કે ન્યાં હૂરજનો તડકો ભો હૂંધિ નતો પોગી હકતો. અંધારી ગર્યમાં અજગરિયા બવ મોટા મોટા રેતા'તા. હાસું ખોટું તો રામ જાણે પણ અમી નાના નાના હતા તારે લોક એવું કેતા'તા કે અંધારી ગર્યમાં અજગરિયાનું ભૂત રે સે. ઈ વખતે એક બે ગોવાળે અંધારી ગર્યમાં જાવાની હિમત કરીથી પણ નીયાથી હજી લગી પાસા આયા નથ."બધા ગોવાળિયા શાંતિથી રામુઆપાની આ ભય ઉપજાવનારી વાત સાંભળી રહ્યા હતા. ઓસરીમાં માળા ફેરવતા જીણીમાએ હસતા હસતા કહ્યું,
" તમી ય તે હૂ આ ગોવાળિયાને બિવરાવો હો? ઈવા તો કાય અજગરીયાનાં ભૂત હતાં હહે?"
રામુઆપાએ તેની વાતનો વજન વધારતા કહ્યું, "આપણે કોય દાડો અંધારી ગર્યમાં નહીં ગ્યાં. પણ ઝાઝુ માણા કેતુ હોય ઈ ખોટું થોડું હોય? જેવા તેવા હાવજ્યુ ય ન્યા જાતા બિતાતા. ઈ ટાણે અંધારી ગર્યમાં કેટલાય અજગરિયાં હતા.. પણ ઈમાં એક મિંઢો અજગરિયો બહુ મિસળો શિકારી હતો. ઝાડવાની ડાળે વીટાણેલો હોય તીયારે ડાળનો ને ઈનો રંગ એક થઈ જાય.માણા એવું કે સે કે ઈ મીંઢા અજગરિયાએ વડલા હેઠે હુતેલા હાવજ ફરતે એવો ભવડૉ મારી દીધો કે હાવજના હાડકે હાડકાની કરસ્યું બોલાવી નાખી. આવડા બળુકા હાવજની હલવા નોતો દીધો. આખેઆખા હાવજની ગળી જ્યો, પશે વડલાની ડાળે ભરડો મારીને કેટલાય મયના હુંધી પડયો રયો'તો. ફુરેસ્ટનાં માણસ પણ નીયા જાવાની હિંમત નહિ કરતાં. મીંઢોં અજગરીયો કોણ જાણે કેટલા વરહથી હહે? મારાં દાદાએ ઈની વાત મને કરી'તી અને હજી ઘણાં કે સે કે અમી મીંઢા ને નજરો નજર ભાળ્યો'તો. તો પસે ઈ અજગરિયાનુ ભૂત નહિ તો બીજું હૂ?" "હવે તમી તમારી કથા પૂરી કરો તો બસારા ગોવાળ ખાટલા ભેળા થાય. તમી તો હુંય રેહો પણ ઈ બધાની ચાંદડ્યું ઉગ્યે ઊભું થાવું જોહે. હવે હાવ કરો."ઓસરીમાંથી જીણી માએ ઠપકો આપતા કહ્યું.
" ઠીક તારે સોકરાવ તમારી ડોહી ખીજાય ઈ પેલાં તમી વિખાય જાવ. ફરીવાર કેદીક ભૂતિયા અજગરરિયાની વાત માંડીશ. મારે તો વાતુ લાંબી અને રાત્યું ટૂંકી જેવા વેહ થયા સે."
બધા ગોવાળિયા ડાંગના ટેકા લઈ ઊભા થયા. રામુઆપાને બધાએ રામ-રામ કહી વિદાય લીધી. બધાના મોઢા ઉપર આજે હળવાશ દેખાઈ રહી હતી. હમણાંથી ઘણા દિવસ પછી બધા ભેળા થઇ બેઠા. નહિતર પેલાં રોજ રાત્રે મોડે સુધી બેસતાં, વડીલો જૂની વાતો ઉખાળે એટલે છોકરાઓ અને જુવાનીયાઓને મજા આવે. આજે રામુઆપાને જીણીમા પણ ખુશ હતા. રાજીના મોઢા ઉપર રાજીપો દેખાતો હતો.
રાજીએ જોકના ડેલા પાસે રામુઆપા અને જીણીમાનો ખાટલો પાથરી દીધો. ગેલાનો ખાટલો ઓસરીમાં પાથરી દિધો. ગેલો નાના પાડરું અને વાછરું પડખેના ઘરમાં પૂરી રહ્યો હતો. જીણીમા વધેલું દૂધ મેળવવા રસોડામાં ગયા હતા. સુતા પહેલા રોજિંદા ક્રમ પ્રમાણે રામુઆપાએ જોકમાં એક આંટો માર્યો. આવીને ગેલાને કહ્યું, "આજ ધૂડી ઢીલી સે.ઉઠક બેઠક કરે સે. હૂળાતિ (પ્રસવપીડા) લાગે હે. રાત્યમાં વિહાય જાય તો કેવાય નય. રેઢી વીહાય જાહે તો એની જર (પશુ વિહાય ત્યારે નીકળતો બગાડ) ની વાશે દીપડો પોગી જાહે. દીપડો પોગી જાહે તો પાડરુંને મોઢું મારી જાહે.હમણાંકથી એક દીપડો તો આયાં નેહડા હામું જોયને જ બેઠો સે. તણ દાડા પેલાં પાડરું પુરવાના ઘરના બાયણે માથા મારી ગ્યો સે. ઈ તો હું જાગી ગ્યો ને ડાંગ લઈ વાહે થ્યો એટલે ભાગી જ્યો.પણ ધૂડી રેઢી વિહાય જાહે તો પાસો આજ આયા વિના નય રે."
ગેલાએ હાથમાં ટોર્ચ લઈ વાડામાં આટો માર્યો. ત્યા જઈ જોયું તો ખરેખર ધૂડી નામની ભેંસ શુળાતી હતી. ગેલાએ તેને બીજી ભેંસોથી જુદી કરી ધીમે ધીમે વાડામાંથી બહાર કાઢી આંગણામાં લાવ્યો. આંગણામાં લાવી જ્યાં પોતાનો ખાટલો ઢાળ્યો હતો તેના બાજુના ખીલે બાંધી. નેહડે પશુ વિહાય એટલે બધાને ખુબ રાજીપો થાય. પશુ વીહાય એટલે માલધારીને દૂધમાં વધારો થાય અને આવક વધે. સાથે સાથે પોતાના પશુધનમાં પણ એક નવા સભ્યોનો વધારો થઈ જાય.
પશુ વિહાય ત્યાર પહેલા કરવી પડતી તૈયારી માલધારીને નાનપણથી શીખવાડવામાં આવે છે. જ્યાં ભેંસને બાંધી હોય તેની આજુબાજુ નીચે ઓગઠ (માલઢોરે ખાધેલી નીરણમાંથી વધેલ રાડા અને કચરો) ની પથારી કરી નાખી. જેથી પાડરું પડે તો તેને વાગે નહીં. રાજીએ રસોડામાં ચૂલામાં શાંત પડી રહેલા દેવતાને એક બળતણીયુ લઈ આઘાપાછા કરી તેના પર બાઝી ગયેલ રાખ દૂર કરતા દેવતાએ ફરી પોતાનો અસલ મિજાજ બતાવ્યો. દેવતા લાલચોળ થઈ ગયા. રાજીએ ચૂલામાં બળતણ સંકોરતા ઘડીક ધુમાડો થયો. તેણે ફુકણી ફૂકીને તાપ કર્યો. ચૂલે તપેલું ચડાવી તેમાં પાણી ભરીને બાજરો ઓર્યો, તપેલાને છીબુ ઢાંકી દીધું. ધીમા તાપે ચડેલો બાજરો બફાઈને વિહાયેલા માલ ઢોર માટે તાત્કાલિક શક્તિ પૂરી પાડતી ઘૂઘરી બની જાય છે. જીણીમાએ ખૂણામાં ભેગી કરેલી રાખનું તગારું ભરી હાજર રાખ્યું. નેહડામાં કોઈ વસ્તુ નકામી જતી નથી. ચૂલે બાળેલા છાણા અને બળતણની રાખ પણ સંઘરી રાખવામાં આવે છે. આ રાખનો ઉપયોગ કઠોળ સંઘરવામાં, વાસણ ધોવામાં અને વિહાતા માલઢોરનું પાડરું ખેંચતી વખતે હાથ લપસી ના જાય તેના માટે કરવામાં આવે છે. આ રાખનું તગારું જીણીમાએ ભેંસની નજીક મૂકી રાખ્યું.
બધા ભેંસને વીહાવાની વાટ જોઈ બેઠા હતા. ભેંસની અકળામણ વધતી જતી હતી. ઘડીક તે ઉભી થતી તો ઘડીકમાં બેસી જતી હતી. તે ઘડીએ ઘડીએ ફર્યા કરતી હતી. ને વારે ઘડીએ મૂતર્યા કરતી હતી. ખૂબ ઝડપથી હાફી રહી હતી. સંતાન આખી જિંદગી મા માટે ઘસી નાખે તો પણ માની પ્રસવપીડાનો હિસાબ ચૂકવી શકે તેમ નથી. આ જોઈ અનુભવી રામુઆપાએ કહ્યું, "પાડુ લોઠકુ હોવું જોઈ. નકર ધૂડીને વિહાતા આવડી વાર નો લાગે."આમ વાત કરતા હતા ત્યાં ભેંસ નીચે બેઠી. પાડરુંના આગળના ખરીયાને મોઢું દેખાયું. ગેલો રાખ વાળા હાથ કરી પાડરુંનું મોઢુંને ખરીયા ખેંચવા લાગ્યો. ભેંસે પણ જોર લગાડ્યું. ભેંસ વિહાય ગઈ. તરત ભેંસ ઊભી થઈ ગઈ. પાડરું જોઈ રામુઆપાએ તરત જાહેર કર્યું, "પાડી સે ગેલા. જો તો ખરો નવસુંદરી સે. સારેય પગ ધોયેલા સે.(પગની ખરીથી ઉપરના ભાગે સફેદ નિશાન) કપાળે ધોળું ટીલું ને પૂંછડી ય ધોળી. હું નો'તો કે'તો લોઠકી નીહરિ ને!? આ તારે લાખેણી ભેંહ થાહે. આના બાપની મા દૂધનો વીવડો (વીરડો) હતી. આ નવસુંદરી જોજે દૂધનો વીવડો જ થાહે. તારા ભાગ (ભાગ્ય) જોર કરે હે. અલ્યા કના, આયા આય જોય. જો તો ખરો નેહડે દીવો થ્યો. તારી મા જીવતી હોત તો આ નવસુંદરી ઈને ધમેણામાં આલેત."એટલું બોલતા રામુઆપાનું ગળું ભરાઈ ગયું ને આંખના ખૂણા છલકાય ગયાં.
ક્રમશઃ...
( લાગણી ભીની ગીર માણવા વાંચતા રહો. "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621