Discrimination (Super Writer Award 2021), Part 11 books and stories free download online pdf in Gujarati

ભેદ ભરમ - ભાગ 11 (સુપર રાઈટર એવોર્ડ 2021)

હરમન, જમાલ અને ધીરજભાઈ ત્રણેયજણ પ્રોફેસર સુનિતા ખત્રીના ઘરનાં મુખ્ય ઝાંપાની બહાર આવ્યા હતા.

“ધીરજભાઈ, હવે વાસણોને જોઈ લઈએ. જેના કારણે આપણે દરેકના જીવનના છુપાયેલા રાઝ જાણવા પડ્યા.” હરમને ધીરજભાઈ સામે જોઈ કહ્યું હતું.

“હા, સાચી વાત છે, હરમનભાઈ, હું વર્ષોથી આ સોસાયટીમાં રહું છું, પરંતુ મારા જ સોસાયટીના સભ્યોની એમના જીવનમાં ઘટેલી વાતોથી હું પણ અજાણ હતો. જેની જાણ મને તમારી પૂછપરછ દરમ્યાન જ થઇ. ચાલો આપણે મારા ગેરેજમાં જઈએ. જ્યાં મેં આ બધા વાસણો સાચવીને મૂકી રાખ્યા છે.” આટલું બોલી ધીરજભાઈ પોતાના ગેરેજ તરફ ચાલવા લાગ્યા હતા.

હરમન અને જમાલ બંને એમની પાછળ-પાછળ એમના ગેરેજમાં દાખલ થયા હતા.

ગેરેજમાં ધીરજભાઈની BMW ગાડી પડી હતી. ગેરેજની એક દીવાલ ઉપર લાકડાનું કબાટ બનાવવામાં આવેલું હતું. ધીરજભાઈએ લાકડાનું કબાટ ખોલી એમાં રહેલા વાસણો તરફ હરમનને ઈશારો કર્યો હતો.

હરમન અને જમાલ બંને વાસણોને વારાફરતી ખુબ બારીકાઈથી જોવા લાગ્યા હતા. હરમન દરેક વાસણને જોઈ જે જગ્યાએ ઈશારો કરે એ જગ્યાનો ફોટો જમાલ પાડી લેતો હતો. લગભગ બધાજ વાસણને જોતા હરમનને અડધો કલાકનો સમય ગયો હતો. એ વખતે એણે એના મોબાઈલમાં સમય જોયો તો સાંજના સાત વાગ્યા હતા.

“હરમનજી, આ વાસણો તો મેં પણ બે-ત્રણ વાર ઉથલાવીને જોયા છે. પરંતુ આ વાસણોમાં તમને એવું તો શું દેખાય છે કે તમે ખુબ ધારી ધારીને જોઈ રહ્યા છો અને ફોટા પણ પાડી રહ્યા છો? મને તો આ વાસણોમાં કોઈ સંકેત કે ચિન્હ દેખાયા નહિ.” ધીરજભાઈએ આશ્ચર્ય સાથે હરમનને પૂછ્યું હતું.

“ધીરજભાઈ, હું એક જાસુસ છું. એટલે નાનામાં નાની વસ્તુને પણ જે કેસ સાથે જોડાયેલી હોય એને ખાલી એમજ સમજીને જતી કરતો નથી. અને એટલે તમે આ વાસણોમાં હું જે જોઈ શક્યો છું એ  જોઈ શક્યા નથી. દાખલા તરીકે તમે આ થાળીને જ જુઓ. આ થાળીની બરાબર વચ્ચેવચ ખુબ ઝીણવટથી જોશો તો કોઈએ ‘T9’ લખેલું છે. આજ રીતે તમે દરેક વાસણ જોશો તો જેમકે આ તપેલી, સાણસી, આ લોખંડનો ચીપીયો દરેકમાં આવી રીતે પણ અલગ-અલગ સંકેત લખવામાં આવ્યા છે. જેમકે તપેલીમાં ‘T10’ છે, ચીપિયા ઉપર ‘T11’ છે, સાણસી ઉપર ‘T11’ છે. માટે આ કોઈ સંકેત છે જે સંકેત સોસાયટીમાં રહેનાર કોઈ એક સભ્યને વાસણ મુકનાર વ્યક્તિ દ્રારા આપવામાં આવે છે. અને આ સંકેત સોસાયટીનો કોઈ સભ્ય વાંચી અને સમજી શકે છે. આ વાસણો ઉપરથી હું તમને એટલું તો ચોક્કસ કહી શકું કે આ સંકેતના માધ્યમથી વાસણ મુકનાર અને સોસાયટીનો કોઈ એક સભ્ય એકબીજાને પોતાની વાત કહી રહ્યા છે.” હરમને ધીરજભાઈને વાસણોમાં રહેલો સંકેત વિશે સમજાવતાં કહ્યું હતું.  

“હરમનજી, ‘T9, T11’ આવું લખવાથી વળી શું એકબીજાને સંકેત કે સંદેશ આપી શકાય? આ તો એવું પણ બની શકેને કે વાસણવાળાએ પોતાના વાસણની યાદી માટે આવાં કોડ લખ્યા હોય?” ગૂંચવાયેલા ધીરજભાઈએ મુદ્દાનો સવાલ પૂછ્યો હતો.

“હા બોસ, ધીરજભાઈનો સવાલ બિલકુલ બરાબર છે. આ સવાલ તો હું વાસણોના ફોટા પાડતો હતો ત્યારે મને પણ થયો હતો.” જમાલે પણ ધીરજભાઈના સવાલમાં દમ છે એવો સુર પુરાવ્યો હતો.

“ધીરજભાઈ અને જમાલ તમે સમજો. આ બહુ સરળ વાત છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. તમે જો વાસણોને બરાબર જોશો તો મારી વાત તમને સમજાઈ જશે. હવે ઉદાહરણ સ્વરૂપે આપણે આ કટાઈ ગયેલી સાણસીને લઈએ. સાણસીને જોતા જ તમને ખબર પડી જશે કે આ સાણસી બહુ જૂની છે. પરંતુ એના પર કોતરેલા ‘T11’ એ શબ્દો જો સાણસી નવી હતી ત્યારે દુકાનના માલિકે લખ્યા હોત તો એ પણ અત્યારે કાટથી ખવાઈ ગયા હોત અને વાંચી શકાય એવી પરિસ્થિતિમાં ના હોત. પરંતુ તમે જો ઝીણવટથી જોશો તો કોઈએ કાટ લાગ્યા પછી આના ઉપર ‘T11’ લખેલું છે. એનો મતલબ એવો થાય છે કે વાસણ મુકનાર જયારે સોસાયટીની બહાર વાસણ મુકવા આવે એજ દિવસે આ સંકેતને વાસણ ઉપર કોતરે છે. એવું હું ચોક્કસપણે કહી શકું.” હરમને ધીરજભાઈ અને જમાલને સમજાવતાં કહ્યું હતું.

“ઓકે હરમનજી, હું સમજી ગયો કે કોઈ વ્યકિત કાટ ખઈ ગયેલા વાસણ ખરીદે છે અને આવાં સંકેતને કોતરે છે અને સોસાયટીની બહાર મૂકી જાય છે. પણ આવાં સંકેતનો મતલબ શું હોઈ શકે? આ સંકેતથી કોઈ કશું સમજી શકે એવું હું ચોક્કસપણે માનતો નથી.” ધીરજભાઈને આ સંકેતોની વાત ગળે ઉતરી ન હતી.

“બોસ, ધીરજભાઈની આ વાત સાથે પણ હું સમંત છું. આ સંકેતો પરથી કશી લાંબી અને વધારે ખબર પડે એવી નથી. તમે જ કહોને કે આ સંકેતો માંથી શું ખબર પડે છે?” જમાલે હરમનને સવાલ પૂછ્યો હતો.

ધીરજભાઈ અને જમાલ બંનેના પ્રશ્નો સાંભળી અને એમના મનમાં ઉભી થયેલી ગૂંચવણો જોઈને હરમન થોડા સમય માટે વિચારવા લાગ્યો હતો. કારણકે આ સંકેતના રહસ્યને હમણાં જ ઉકેલવો પડે એમ હતો. કારણકે વાસણોના રહસ્યને ઉકેલવામાં પહેલી કડી અને છેલ્લી કડી આ એક માત્ર સંકેતો જ હતા.

હરમન હજી કઈ વિચારી જવાબ આપે તે પહેલા જ ધીરજભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો હતો.

“હરમનજી, આમ જોવા જઈએ તો તમે સોસાયટીમાં આવ્યા પછી બધાજ સભ્યોની પૂછપરછ કરી પરંતુ ખરેખર જોવા જઈએ તો સૌથી પહેલા તમારે વાસણો જોવા જોઈતા હતા. અને પછી બધાની પૂછપરછ કરવી જોઈતી હતી. તમને એવું નથી લાગતું?” ગૂંચવણમાં પડેલા ધીરજભાઈએ હરમનને સીધો અણીદાર પ્રશ્ન પૂછ્યો હતો.

જમાલને પણ ધીરજભાઈનો પ્રશ્ન યોગ્ય લાગ્યો હતો પરંતુ આ વખતે એ ચુપ રહ્યો હતો.

“ધીરજભાઈ, જયારે તમે મારી ઓફિસમાં મને મળવા આવ્યા અને આપે આ સોસાયટીના નાકે મુકવામાં આવતા વાસણોની વાત કરી ત્યારે જ હું સમજી ગયો હતો કે આ વાસણોના તાર સોસાયટીના કોઈ એક સભ્ય સાથે જ જોડાયેલા છે અને એટલે મેં પહેલા વાસણો જોવાને બદલે સોસાયટીના સભ્યોની પૂછપરછ કરી. તેથી હું એ જાણકારીનો ઉપયોગ કરી અને આ વાસણોના તાર કોની જોડે જોડાયેલા છે એને શોધી શકું. અને એટલે જ મેં વાસણોને જોવાનું કામ આખરી રાખ્યું હતું.” હરમને ધીરજભાઈના સવાલનો જવાબ આપતા કહ્યું હતું.

“વાસણો ઉપર લખેલાં સંકેતો વિશે તમે કશું સમજ્યા?” ધીરજભાઈએ હરમનને પાછો એક સવાલ પૂછ્યો હતો.

“હું કશું ચોક્કસપણે ના કહી શકું. પરંતુ આ લખાણ મને સમયની બાબત દર્શાવતું હોય એવું લાગે છે. જેમકે ‘T9’ નો મતલબ ‘Tonight Nine’  અથવા ‘Tomorrow Nine’ થાય. એવું મારું અત્યારે માનવું છે.” હરમને ધીરજભાઈ સામે જોઈ કહ્યું હતું.

“હરમનજી, મારો હજી એક સવાલ છે. વાસણ જેના માટે મુકવામાં આવ્યું હોય એ વ્યક્તિ આ સંકેત વાંચી વાસણ ત્યાં જ કેમ મૂકી રાખે? એ વાસણને પોતાના ઘરે ના લઈ જાય? સોસાયટીની બહાર વાસણ છોડી વિવાદ શું કરવા ઉભો થવા દે?” ધીરજભાઈ એક પછી એક હોશીયારીભર્યા સવાલો હરમનને પૂછતાં જતા હતા.

“વાસણ જેનાં માટે મુકવામાં આવે છે એ સોસાયટીનો સભ્ય જો વાસણ ઘરે લઈ જાય તો એના પરિવારના સદસ્યોને કદાચ શંકા ઉભી થાય અને એના માટે એ વાસણો અહીં મુકીને જાય છે અથવા બીજું કારણ એ હોઈ શકે કે પહેલી વખત જયારે વાસણ મળ્યું એ પછી તરત જ સોસાયટીમાં ચર્ચા ચાલુ થઇ ગઈ હશે અને એવા સંજોગોમાં વિવાદિત થયેલા વાસણોને પોતાના ઘરમાં લઈ જઈ એ વાસણો સાથે એ વ્યક્તિનું પોતાનું કનેક્શન છે એ સાબિત થાય એવું એ એના કુટુંબના સભ્યોને અને ભવિષ્યમાં આ વાત જાહેર થાય તો સોસાયટીના દરેક સભ્ય જાણી જાય કે આ વાસણો સાથે એનો કોઈ સંબધ છે તેથી આ ડર ના કારણે વાસણોને ઠેકાણે પાડવાના બદલે સોસાયટીના નાકે જ સંકેત વાંચી એ મૂકી રાખે છે.” હરમને ખુબ ચતુરાઈથી ધીરજભાઈના દરેક સવાલનો જવાબ આપી રહ્યો હતો.

“હરમનજી, તમારી હાજર જવાબી અને હોશિયારી જોઈ મને વિશ્વાસ થઇ ગયો છે કે તમે આ રહસ્યને ચોક્કસ ઉકેલી શકશો.” ધીરજભાઈએ હરમન સાથે હાથ મિલાવતા કહ્યું હતું.

જમાલ કાલે સ્કેચ આર્ટીસ્ટ લઈને આવશે અને મનોરમાબેન અને વંશિકા પાસેથી સ્કેચ દોરાવડાવશે. જેથી કરીને બિસ્કીટવાળા ફેરિયાનો ચહેરો જાણી શકાય અને તેની શોધખોળ થઇ શકે.” ધીરજભાઈને આ પ્રમાણે કહી હરમન અને જમાલ પોતાના ઘર તરફ જવા નીકળી ગયા હતા.

 

ક્રમશ:

 

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 

-      ૐ ગુરુ