Bhed bharam part 12 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 12

ભેદ ભરમ - ભાગ 12

ભેદભરમ

(સુપર રાઈટર એવોર્ડ 2021)

ભાગ-૧૨

Oh No Not Again

 

ઘરે પહોંચ્યા બાદ આખો દિવસ આ કેસ બાબતે પૂછપરછ કરવાના કારણે હરમન માનસિક રીતે ખુબ થાકી ગયો હતો. પત્ની પિયર ગઈ હોવાના કારણે એણે જાતે જ ચા બનાવી અને ચા-ખાખરો ખાઈ પથારીમાં લંબાવ્યું હતું.

કેસ બાબતે બીજા દિવસના કામની વ્યૂહરચના મોબાઈલમાં ટાઇપ કરી અને એણે જમાલને ફોરવર્ડ કરી દીધી હતી. ત્યારબાદ વિચાર કરતાં-કરતાં એને ક્યારે ઊંઘ આવી ગઈ એની એને ખબર ના રહી.

        સવારે સાત વાગે એના મોબાઈલમાં રીંગ વાગી હતી. ફોનની રીંગ સાંભળી એ સફાળો ઉભો થઈ ગયો અને એણે ફોન હાથમાં લીધો હતો. ધીરજભાઈનું નામ જોઈ ફોન એણે ઉપાડી લીધો હતો.

        “હેલો હરમનભાઈ, હું ધીરજભાઈનો ભત્રીજો પ્રેયશ બોલું છું. તમે અત્યારે જ અમારા ઘરે આવી જાવ કારણકે મારા કાકા ધીરજભાઈ મુત્યુ પામ્યા છે.” રડતાં-રડતાં આટલું બોલી એણે ફોન મૂકી દીધો હતો.

આ સમાચાર સાંભળી હરમનને પણ શોક લાગી ગયો. એણે બે મિનીટ પછી જમાલને ફોન કર્યો અને તૈયાર રહેવા કહ્યું. અડધો કલાક બાદ હરમન જમાલ સાથે ધીરજભાઈના ઘરે બોપલ પહોંચ્યો. ઘરમાં રોકકડ ચાલી રહી હતી. સુધાબેન અને પ્રેયશની આંખો રડી રડીને લાલ થઇ ગઈ હતી.

        હરમનને આવેલો જોઈ ડૉક્ટર બ્રિજેશ દલાલ હરમનની પાસે આવ્યા હતા.

“ધીરજભાઈનું મૃત્યુ થઇ ચુક્યું છે. હાર્ટએટેક આવવાનાં કારણે થયું હશે એવું લાગે છે. ડેથ સર્ટીફીકેટ માટે અહીં ચાર રસ્તા પાસે ડૉક્ટર જાનીનું કલીનીક છે. મેં એમને અહીં બોલાવી લીધા છે અને પ્રેયશે પોલીસ સ્ટેશને પણ ફોન કર્યો છે. એનું કહેવું એવું છે કે છ મહિના પહેલા ધીરજભાઈએ પ્રેયશને એવું કહ્યું હતું કે મારું મુત્યુ કુદરતી થાય કે કુદરતી ના થાય, બંને સંજોગોમાં પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ ચોક્કસ કરાવજે. કારણકે ધીરજભાઈને મનોમન એવી શંકા હતી કે કોઈ એમનું ખૂન કરી શકે છે. આ વાતની જાણ પ્રેયશે સોસાયટીના બધા સભ્યોને આજે જ કરી. એટલે અમે કોઈ મૃતદેહ પાસે ગયા નથી. મેં ખાલી નાક પાસે આંગળી રાખી, કારણકે એમના શ્વાસોશ્વાસ ચાલે છે કે નહિ એ ચકાસવા માટે એવું કરવું જરૂરી હતું. પરંતુ એમના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયા છે અને એ મૃત્યુ પામ્યા છે એ ચોક્કસ છે. પોલીસ કેસ થશે એટલે મેં એમના શરીરને હાથ લગાડ્યો નથી.” ડૉક્ટર બ્રિજેશે હરમનને માહિતી આપતા કહ્યું હતું.

“ડૉક્ટર સાહેબ, તમે પણ ધીરજભાઈના મૃતદેહને તપાસીને ડેથ સર્ટીફીકેટ આપી શકો છો. અને તમે તો પાછા એમનાં ફેમીલી ડૉક્ટર છો.” હરમને ડૉક્ટર બ્રિજેશને કહ્યું હતું.

“હરમનભાઈ, ધીરજભાઈને મૃત્યુ પામેલા જોઈ હું તરત જ ઘરે જઈને મારો લેટરપેડ લઈ આવ્યો. જેથી ડેથ સર્ટીફીકેટ આપી શકાય. પરંતુ પ્રેયશે પહેલા બોપલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો અને ત્યારબાદ એણે ફોન કરીને તમને પણ બોલાવી લીધા હતા. એટલે મેં પછી મારા લેટરપેડ ઉપર ડેથ સર્ટીફીકેટ આપવાના બદલે ધીરજભાઈની તપાસ કરવા અને ડેથ સર્ટીફીકેટના લખાણ માટે  ડૉક્ટર જાનીને બોલાવી લીધા છે. જે હમણાં આવતાં જ હશે. હું ધીરજભાઈનો પર્સનલ ડૉક્ટર છું, પરંતુ સોસાયટીનો સભ્ય પણ છું અને પોલીસ જે પુછતાછ કરે એમાં પડવા માંગતો ના હોવાના કારણે મેં મારા લેટરપેડ ઉપર ડેથ સર્ટીફીકેટ આપ્યું નહિ.” ડૉક્ટર બ્રિજેશ પોતાની વાત પૂરી કરે એ પહેલા ધીરજભાઈના બંગલા પાસે પોલીસ જીપ આવીને ઉભી રહી હતી.

ડ્રોઈંગરૂમની બારીમાંથી પોલીસ જીપ આવેલી જોઈ હરમન બંગલાના વરંડામાં આવ્યો હતો.

પોલીસ જીપ માંથી ઇન્સ્પેકટર પરમારે નીચે ઉતરી અને પોતાનો બેલ્ટ સરખો કર્યો. બરાબર એજ વખતે એમની નજર હરમન પર પડી હતી.

“Oh No Not Again…. આ મુસીબત અહીં જ છે.” ઇન્સ્પેકટર પરમાર આ વાત બબડતાં-બબડતાં આવી રહ્યા હતા.

“બોસ... આ માથાના દુઃખાવા જોડે કામ કરવું પડશે?” ઇન્સ્પેકટર પરમારને જોઈ જમાલે હરમનનાં કાનમાં કહ્યું હતું.

હરમને આંખનો ઈશારો કરી એને ચુપ રહેવા કીધું હતું અને પગથીયાં ઉતરી ઇન્સ્પેકટર પરમાર જોડે હાથ મિલાવ્યો હતો.

“જાસુસ હરમન અહીંયા શું કરે છે?” ઇન્સ્પેકટર પરમારે હરમનને પૂછ્યું હતું.

હરમને ઇન્સ્પેકટર પરમારને આખી વાત, વાસણોના રહસ્યથી લઈ સવારે આવેલા પ્રેયશના ફોન સુધીની વાત ટૂંકમાં કહી અને બંને બેડરૂમમાં પ્રવેશ્યા. જ્યાં ધીરજભાઈનો મૃતદેહ પડ્યો હતો.

ધીરજભાઈનો મૃતદેહ જોઈ ઇન્સ્પેકટર પરમાર એમને ઓળખી ગયો હતો.

“આ તો પૂર્વ પોલીસ અધિકારી ધીરજભાઈ છે. મેં એમના હાથ નીચે એક વરસ કામ કરેલુ છે.” ઇન્સ્પેકટર પરમાર ધીરજભાઈનાં મૃતદેહને જોઈને બોલ્યો હતો.

“ડૉક્ટર જાની આવી ગયા છે.” ડૉક્ટર બ્રિજેશે બેડરૂમમાં દાખલ થઈને કહ્યું હતું.

“હા ડૉક્ટર સાહેબને અંદર બોલાવી લો. એ એમની રીતે બરાબર તપાસ કરી લે.” ઇન્સ્પેકટર પરમારે ડૉક્ટર જાનીને અંદર મોકલવા કહ્યું હતું.

ડૉક્ટર જાની એ આવીને પ્રાથમિક તપાસ કર્યા બાદ ધીરજભાઈ મૃત્યુ પામ્યા છે એ વાતની સંમતી આપી હતી અને કુદરતી રીતે મૃત્યુ થયું છે એવું પ્રથમ તપાસ ઉપરથી એમને લાગે છે એવું એમણે ઇન્સ્પેકટર પરમારને જણાવ્યું હતું.

“તમને ખાત્રી છે કે આ મૃત્યુ કુદરતી છે?” ઇન્સ્પેકટર પરમારે ડૉક્ટર જાનીને સવાલ કર્યો હતો.

“હા ઇન્સ્પેકટર, પ્રાથમિક તપાસ કરતાં ખબર પડી જાય છે કે રાત્રે ઊંઘમાં જ એમને હાર્ટએટેક આવી ગયો હશે. ધીરજભાઈ બ્લડ પ્રેશર અને ડાયાબીટીસના પેશન્ટ હતા અને એને કારણે જ હાર્ટએટેકથી જ એમનું મૃત્યુ થયું હોય એવું લાગે છે. શરીર ઉપર કોઈ ઘાવનાં નિશાન નથી માટે એમનું મૃત્યુ કુદરતી ના થયું હોય એવું કોઈ કારણ દેખાતું નથી.” ડૉક્ટર જાની પોતાના હાથનાં મોજા કાઢતાં બોલ્યા હતા.

હરમન લાશને જોઈ રહ્યો હતો. એને પણ કશું અજુગતું દેખાઈ રહ્યું ન હતું. એટલામાં એની નજર ધીરજભાઈના પગ ઉપર પડી હતી. પગમાં મોજા હતા અને માથા પર ગરમ ટોપી હતી. આ બંને વાત હરમનને અજુગતી લાગી. એટલે એણે પ્રેયશને ઈશારો કરી નજીક બોલાવ્યો હતો.

“પ્રેયશ, ધીરજભાઈ રાત્રે માથે ટોપી અને પગમાં મોજા પહેરીને સુઈ જાય છે?” હરમને પ્રેયશને સવાલ પૂછ્યો હતો.

ઇન્સ્પેકટર પરમારને હરમનનો સવાલ અર્થ વગરનો લાગ્યો હતો. એટલે એમણે તેની સામે અકળાઈને જોયું હતું. અને મનમાં વિચારી રહ્યા હતા. સાલો.. કુદરતી મૃત્યુને પણ ખૂન કેસમાં પરિવર્તન કરી પોતાની રોટલી શેકવા માંગે છે.

હરમનનો સવાલ સાંભળી પ્રેયશ થોડું વિચારી રહ્યો હતો.

“હરમનભાઈ, ધીરજકાકા રાત્રે હંમેશા માથે ટોપી પહેરીને સુઈ જાય છે. પંરતુ પગમાં મોજા પહેરતાં નથી. પગમાં મોજા પહેરવાની એમને ટેવ પણ નથી. એ બુટ પહેરતાં હતા ત્યારે પણ મોજા પહેરતાં ન હતા.” પ્રેયશે હરમન અને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈ કહ્યું હતું.   

 

ક્રમશ

 

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

 

-         ૐ ગુરુ    

 

 

 

Rate & Review

Sheetal

Sheetal 2 days ago

Patel Vijay

Patel Vijay 6 days ago

Hema Patel

Hema Patel 1 month ago

Pragnesh Desai

Pragnesh Desai 1 month ago

Rameshbhai

Rameshbhai 1 month ago