Nehdo - 57 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 57

રાધીએ પાણીમાં ધૂબકો માર્યો એવી તે પાણીમાં ઊંડે ઉતરી ગઈ. શાંત પાણીમાં રાધીના ધૂબકાથી ઉફાળા આવવા લાગ્યા. જ્યા રાધીએ ધુબકો લગાવ્યો એની ફરતે ગોળ ગોળ વલયો રચાવા લાગ્યા, જે પાણીમાં આગળ સુધી જવા લાગ્યા. રાધીના આમ અચાનક પાણીમાં પડવાથી નજીકમાં તરી રહેલ બતક તેના બચ્ચાને લઈને દૂર જવા લાગી. કાંઠે બેઠેલા મોટા પીળચટ્ટા દેડકા ગભરાઈને પાણીમાં કૂદી ગયા. રાધીએ જે જગ્યાએ ધુબકો માર્યો હતો, તે જગ્યાએથી હજી પણ પાણીના ઉફાળા અને બુડબુડિયા નીકળી રહ્યા હતા. રાધી હજી બહાર આવી નહોતી. પરંતુ કનો નિરાંતે એ તરફ જોઈ બેઠો હતો,કેમકે કનાને રાધીની તરણશક્તિ પર પૂરો ભરોસો હતો. રાધી ઘણો સમય સુધી પાણીમાં શ્વાસ રોકી શકતી હતી. અને તે ખૂબ સારું તરી પણ શકતી હતી. ગમે તેવું ઊંડું પાણી હોય, ધસમસતું વહેતું પાણી હોય, તો પણ રાધી તેમાં ધૂબાકો લગાવી દેતી.ને તરીને બહાર નીકળી જતી.
થોડી વાર થઈ ત્યાં રાધીએ બતકીની જેમ પાણીમાંથી ડોકી બહાર કાઢી. રાધીના વાળની લટોમાંથી, આંખની પાપણોમાંથી,ગાલ પરથી પાણીના બિંદુ નીચે ટપકી રહ્યા હતા.ધોમ ધખતા તડકામાં રાધીને ડેમના શીતળ પાણીએ ઠંડી ઠંડી કરી દીધી. આજે રાધી ખૂબ આનંદમાં હતી. તે પાણીમાં તરતી હતી,તરતા તરતા કના તરફ હાથ વડે પાણી ઉડાડતી હતી. અને કહેતી હતી, "હાલની કાઠીયાવાડી પાણી બવ શીળું છે. બવ મજા આવે સે. માર્ય ધુબાકો!!"
કનાએ મસ્તીએ ચડેલી રાધીને હાથના ઇશારાથી જ ના પાડી દીધી. વળી તેણે હાથના ઈશારાથી જ, 'હું આયા બેઠો બરોબર સુ.'એવું સમજાવી દીધું. કનાને ઉશ્કેરવા રાધીએ તરતા તરતા કહ્યું, "ઊંડા પાણીમાં નાતા ફાટે સે ઇમ કેની! આવા પાણીમાં નાવું તમારા કાઠીયાવાડીનું કામ નય. ઈ તો અમી ગર્યના માણા જ નાય હકવી. પણે ડેમની હેઠવાસમાં સીસરા પાણીમાં બેહીઁને સબસબીયા કરી આય જા."કના ઉપર રાધીના આ શબ્દરૂપી બાણની કોઈ અસર થઈ હોય તેવું લાગ્યું નહીં. તેણે હાથના ઇશારે ફરી કહ્યું, "હું આયા બરોબર સુ."જેમ કનો નાહવાની ના પાડતો ગયો તેમ રાધી તેને વધારે ઉશ્કેરતી ગઈ, "ઈમ કાંય ગર્યમાં રયે ગર્યના નો થય જાવી. ગર્યના થાવા હારું ગર્યમાં જનમ લેવો પડે. આવા ગર્યના સમદરમાં નાવાનું તમારું કામ નય! કાઠીયાવાડી!"કનાને રાધીના સ્વભાવની ખબર હતી. તે મેણા મારીને કનાને પાણીમાં નહાવા તૈયાર કરી રહી હતી. પરંતુ કનાએ જાણે આજે મક્કમ નિર્ધાર કર્યો હતો. તે આજે ધરાર પાણીમાં ન પડ્યો.
હવે રાધી પોતાના કરતબ બતાવવા લાગી. ઘડીક તરીને દૂર જાય,તો ઘડીક ઉંધી તરે, તો ઘડીક હાલ્યા ચાલ્યા વગર બંને હાથ પહોળા રાખી મોઢું આકાશ તરફ રાખી પડી રહે. હવે રાધીએ ડૂબકી દાવ ચાલુ કર્યો. એક હાથે નાક દબાવી પાણીમાં ડૂબકી લગાવી દીધી.તે ઘણીવાર સુધી બહાર ન આવી. પછી પાણીમાં ઉફાળા આવ્યા અને રાધીએ બહાર ડોકુ કાઢ્યું. હવે કનો બેસી બેસી કંટાળ્યો.એણે કહ્યું, "ગર્યની ભેંહ હવે તો બાર નિહર!"રાધીએ કહ્યું, "હજી તો થોડીક ટાઢક વળી સે. ઘડીક ઉભો ખોડાને, માંડ મજા આવી સે."આમ કહીઁ રાધી ફરી ડૂબકી લગાવી ગઈ.
હવે બરાબર બપોરનો સમય થયો હતો. કનાને લાગ્યું આજે માલ આ બાજુ નહીં આવે. ગોવાળિયાએ બપોરા કરવાનું સામે કાંઠે રાખ્યું લાગે છે. તેથી તેણે જે ડાળ પર બેઠો હતો તેના પર ઊભા થઈ ચારે બાજુ જોયું. પરંતુ કોઈ નજર ન આવ્યું. આઘે આઘે થોડો અવાજ સંભળાતો હતો. કનાએ ફરી રાધીને કહ્યું, " હિવે હાઉ કરી જાની! પાણીની બાર નીહરી જા. બપોરના રોટલા નું ટાણું થય ગયું સે."
રાધીએ કહ્યું, "એક ડુબકી લગાવી લેવા દે."એમ કહી રાધીએ ડૂબકી લગાવી. કનો મનમાં બબડ્યો, " ગર્યની ભેંહ પાણી બાર્ય નિહરવાનું નામ લેતી નથી."
ઘણી વાર થઈ પરંતુ રાધી હજી બહાર ન નીકળી. કનો રાધીના આ બધા નાટક ખૂબ સારી રીતે જાણતો હતો. વળી તે બબડ્યો, "થોડુંક તરતા હારુ આવડી જયું સે તે ક્યાંય હવામાંતી નથી!"
રાધી હજી પણ પાણી બહાર ન આવી. પાણીની ઉપર ઉફાળા વધારે આવવા લાગ્યા. ઘડીક તો કનાને પણ ચિંતા થઈ આવી. એટલામાં રાધીનું મોઢું બહાર દેખાયું. તેણે જોરથી રાડ પાડી, "કના આવજે."એટલું બોલી વળી રાધી ડૂબી ગઈ. કનો બબડ્યો, "વળી પાસા નાટક સાલુ કર્યા સે. ઈને ગમે એમ કરી મને પાણીમાં પાડવો સે. પણ મારે આજયે તો પડવું જ નહીં." વળી ઘણી વાર થઈ છતાં રાધી બહાર ન આવી. કનાનું ધ્યાન એ તરફ જ હતું. પાણીમાં ઉફાળાને બુડબુડીયા, ને ડોળ ઉપર આવી રહ્યો હતો. આ જોઈ કનાને જરાક ચિંતા થઈ. પણ ત્યાં તો રાધીનું મોઢું ફરી પાણીની સપાટી પર દેખાયું. કનાએ કહ્યું, "હવે નાટક કર્યા વિનાની બારય નીહરી જા. તું આજે હાસુ ડૂબી જા તોય હું પાણીમાં તો પડવાનો જ નહીં."
રાધીના મોઢામાંથી પાણી નીકળી રહ્યું હતું. તેની આંખો લાલ ચોળ હતી.આજે રાધી જાણે મોતને જોઈને આવી હોય એવો ભય તેની આંખોમાં કનાએ જોયો. રાધીથી માંડ માંડ "કના હું મરી જય.હાલ્ય!!"
એટલું જ બોલાયું ને રાધી ફરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. થોડીવાર તો કનાને રાધીનો આ અદ્ભુત અભિનય લાગ્યો. પરંતુ છેલ્લે તેણે રાધીની આંખોમાં ભય જોઈ લીધો હતો. આટલા વર્ષોથી સાથે રહેતા કનાએ આવો ભય રાધીની આંખોમાં એકવાર સિંહણે હુમલો કર્યો ત્યારે પણ નહોતો જોયો. રાધી બહાર ના આવતા કનાએ હવે જાજો વિચાર કર્યો નહીં. જે વડલાની ડાળ પર ચાલવા માટે પણ બે હાથ પહોળા કરી બેલેન્સ રાખવું પડે, તે વડલાની ડાળ પર કનો દોડીને ડાળના છેડા સુધી પહોંચી ગયો. કનાને ઊંડા પાણીમાં તરવાનો પૂરો મહાવરો પણ નહોતો. છતાં તેણે પાણીમાં ધુબકો મારી દીધો. જ્યાં રાધીએ ડુબકી લગાવી હતી, અને પાણીના ઉફાળા નીકળતા હતા, એ જગ્યા પર કનાએ ડૂબકી લગાવી. પરંતુ કનો ઊંડે સુધી જઈ ન શક્યો. માથોડા પાણી સુધી કનાએ ડૂબકી મારી પણ રાધીનો ક્યાંય પતો ન મળ્યો.
રાધીએ જ્યારે કનાને તરતા શીખવ્યું હતું, ત્યારે પાણીના નિયમો પણ શીખવ્યા હતા. રાધીએ કહ્યું હતું, "બે માથોડાથી વધુ ઊંડું પાણી હોય તિયારે તળિયા હૂંધી ડૂબકી લગાવવી હોય તો, હાથ પગ સીધા રાખી દેવાના, સુવાસ સાતીમાં પૂરતો ભરી લેવાનો, ને કોશીયો ધુબકો મારવાનો, એટલે સીધા પાણીને તળિયે પોગી જાવી." કનાએ આજે એ રીત અપનાવી, તે ક્યારે વધારે ઊંડા પાણીમાં નાહવાની હિંમત કરતો નહીં. ડુબકી તો લગાવતો જ નહીં! તે શ્વાસ વધારે વાર સુધી રોકી શકતો નહોતો. પરંતુ આજે રાધી હજી પાણીમાંથી બહાર ના આવતા તે ખૂબ ડરી ગયો હતો. તેને ખબર હતી કે તેલ તરૈયા જેવી રાધીને કોઈ પાણી ડુબાડી ન હકે. તેણે રાધીને ઘણી વખત ચોમાસામાં પણ ધસમસતી જતી હિરણ નદીમાં ધુબકો મારતી અને વહેતા પ્રવાહમાં ધીમે ધીમે કરીને એક બાજુ કાંઠે નીકળતા જોયેલી છે. પણ આજે કોણ જાણે શું થયું!? હજી સુધી રાધીના કોઈ સમાચાર ન મળ્યા. કનાએ હિંમત કરી કૉશીયો ડુબકો લગાવ્યો. ત્રણ માથોડા પાણીમાં કનો સીધો તળિયે પહોંચી ગયો. તળિયે આછા પાણીમાં કનાએ જોયું તો રાધી પોતાની પાસે જ ઉભી હતી. પરંતુ રાધીના હાથ ઢીલા થઈ લબડી પડ્યા હતા. રાધીની ડોક એક બાજુ નમી ગઈ હતી. રાધીનું મોઢું ખુલ્લું હતું. તેની આંખો પણ ખુલ્લી જ હતી. તે જાણે કનાને તાંકી રહી હોય તેમ, તેની આંખો કના સામે ખીલો થઈ ગયેલી હતી.
ક્રમશ: ......
(શું વાર્તા અંત તરફ જઈ રહી છે? જાણવા માટે વાંચતા રહો,"નેહડો (The heart of Gir)"....

લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no.9428810621