Nehdo - 58 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 58

રાધીને આમ ની:ચેતન જોઈ કનો હાંફળો ફાંફળો થઈ ગયો. કનાથી વધારે વખત શ્વાસ રોકી શકાતો ન હતો. તેણે પાણીને તળિયે ઉભા રહીઁ તત્કાલ નિર્ણય લઈ, રાધીને એક હાથે કમરેથી બાથ ભીડી બીજો હાથને બંને પગે પાણીના તળિયેથી પોતાના શરીરને ઉપર તરફ ધક્કો માર્યો. રાધી પણ કનાની સાથે ઉપર ખેંચાવા લાગી. અડધે પાણીએ પહોંચ્યા ત્યાં રાધી ઉપર આવતી અટકી ગઈ. કનાએ જોર કર્યું તો જાણે રાધીને કોઈક નીચે ખેંચી રહ્યું હોય તેવું લાગ્યું. હવે કનાનો શ્વાસ પણ ખૂટવા આવ્યો હતો. છતાં કનાએ તાકાત કરી રાધીને ઉપર ખેંચી. પરંતુ રાધી વધારે ઉપર ખેંચાતી ન હતી. કનાએ પાણીમાં જોયું તો રાધીની ચુંદડી તળિયે પડેલા એક મોટા કાંટાના જાખરામાં ભરાઈ ગઈ હતી. રાધીની ચુંદડીના બંને છેડાની સામસામે ગાંઠ મારેલી હતી. ચુંદડીનો વચ્ચેનો ભાગ જાખરામાં ભરાયેલો હતો. હવે જો એક મિનિટ પણ વધારે નીકળે તો કનો પણ પાણીના તળિયે બેસી જાય તેમ હતો. કનાએ મનમાં દ્વારિકાવાળા અને મા ખોડીયારનું સ્મરણ કરી રાધીની ચુંદડીને દાંતમાં પકડી એક હાથે આંચકો માર્યો. રાધીની ચુંદડી વચ્ચેથી ફાટી ગઈ. રાધી બંધનમાંથી મુક્ત થઈ ગઈ. કનાનો શ્વાસ પણ હવે ખૂટી ગયો હતો. તેના મોઢામાં પાણી ભરાવા લાગ્યું. કનો પાણી પીવા લાગ્યો.અને બુડબુડિયા બોલાવા લાગ્યો. ઘડીક તો કનાને એવું લાગ્યું કે રાધી હાથમાંથી છૂટી જશે. પરંતુ કનાએ પોતાના એક હાથે રાધીના કમર અને પેટ ફરતે બરાબર ભરડો લઈ લીધો. કનો પાણીમાં પોતાના પગ અને હાથને જીવ ઉપર આવી વિંજવા લાગ્યો.
કનાનું મોઢું પાણીની સપાટી પર આવતા જ ક્યારનો શ્વાસ વિહીન થઈ ગયેલો અને ધીમાં પડી ગયેલા ફેફસામાં નવો શ્વાસ પુરાતા ફેફસા ફરી ફુલવા લાગ્યા. હવે કનાના શરીરમાં નવી શક્તિ મળી ગઈ. કનો જોર જોરથી પોતાના હાથ પગ વિજવા લાગ્યો. તે પાણી ઉડાડતો ઢબી રહ્યો હતો. તેણે હજી પણ એક હાથે રાધીને બાથ ભીડેલી હતી. રાધી તેની સાથે સાથે મડાની માફક ખેંચાતી આવતી હતી. રાધીનું માથું કનાના ખંભા પર ઢળી પડેલું હતું. તેની આંખો હવે અધ ખુલ્લી અને ડોળા સ્થિર થઈ ગયેલા હતા. હવે રાધીને કાંઠે પહોંચાડવાની હતી. રાધીએ જ કનાને તરતા શીખવતી વખતે અલગ અલગ પરિસ્થિતિમાં કેમ તરવું તે શીખવાડેલું હતું. તેમાં જો ક્યારેક વિકટ પરિસ્થિતિ આવે, અને આપણે પાણી પી ગયા હોઈએ અને ડૂબવા લાગ્યા હોઈએ, શરીર થાકી ગયું હોય ત્યારે શરીરના ઓછા હલનચલનથી કઈ રીતે તરવું એ રીતથી અત્યારે કનો રાધીને કાંઠા સુધી લઈ જવા જજૂમી રહ્યો હતો. રાધીની શીખવેલી આ રીત કનાને અત્યારે રાધીને બચાવવામાં ઉપયોગી થઈ રહી હતી.
આમ તો કોઈ નદી, કૂવો,ધરો કે ડેમ રાધીને ડુબાડી શકે તેમ ન હતો. પરંતુ જ્યારે પોતાનો કાળ બોલાવતો હોય ત્યારે પોતાની સર્વ વિદ્યા ખરા ટાઈમે કર્ણની જેમ ભુલાઈ જાય છે. બાકી કર્ણને ખૂંપી ગયેલા રથનું પૈડું નીચે ઉતરીને કાઢવાની જરૂર કયાં હતી? તેવી રીતે હંમેશા સાવચેત રહેતી રાધીને પણ તેની નાની ભૂલથી ચુંદડી પાણીમાં તળિયે પડેલા કાંટાળા ઝાંખરાંમાં અટવાઈ ગઈ. જે ખૂબ પ્રયત્ન કરવા છતાં ન નીકળી. જો રાધી ધારેત તો તે પણ પોતાની ચુંદડી કાઢીને મુક્ત થઈ શકી હોત. પરંતુ અંતકાળે તમારી સર્વ વિદ્યા અને હોશિયારી નાશ પામે છે.
કનો ધીમે ધીમે હિંમત રાખી પોતાના થાકેલા શરીરને ટકાવી રાખી, રાધીને કાંઠા સુધી લઈ તો ગયો. કાંઠે છીછરું પાણી આવતા કનાએ રાધીને અડધી પાણીમાં અને અડધી કાંઠે બહાર ઢસડીને સુવડાવી દીધી. હવે થાકીને લોથપોત થઈ ગયેલો કનો પણ અડધો પાણીમાં અને અડધો બહાર રાધીની બાજુમાં પડી ગયો. વધારે પડતા શ્રમને લીધે અને શરીરમાં ઓછા મળેલા શ્વાસની ઘટ પૂરી કરવા કનો પડ્યો પડ્યો હાંફી રહ્યો હતો. કનાના પેટમાં અને શ્વાસનળીમાં પણ પાણી ઘૂસી ગયું હતું. કનો જોર જોર થી ખાસવા લાગ્યો. તેના નાકમાંથી અને મોઢામાંથી પાણી પડવા લાગ્યું. કનાની આંખો લાલ ચોળ થઈ ગઈ અને થોડી બહાર આવી ગઈ. શરીરને પૂરતો પ્રાણવાયુ મળવાથી કનો ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. ઘડીક તો તેનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું હતું. શું નિર્ણય લેવો તે પણ તે નક્કી કરીશ શકતો નહોતો. પરંતુ હવે તેનું મગજ સક્રિય થયું. પછી તેને ભાન આવ્યું કે તે રાધીને બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. અને રાધીને બચાવતા પોતે પણ ડૂબતા ડૂબતા માંડ બચ્ચો છે. કનાએ બાજુમાં જોયું તો રાધી હજી પણ ની:ચેતન થઈ પડેલી હતી.
કનો હવે પૂર્ણ હોશમાં આવી કાંઠે ઊભો થઈ ગયો. તેણે કમર સુધી પાણીની બહાર સૂતેલી રાધીને ખંભેથી પકડી હલબલાવી કહ્યું, "રાધી...એ... રાધી....ઉઠ"પરંતુ હવે રાધીની આખો સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. કનાએ રાધીના ગાલ પર હળવી ટપલીઓ મારી તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ રાધીએ કંઈ જવાબ ન આપ્યો. હવે કનાએ રાધીને પાણીમાંથી બહાર કાંઠા પર લાવવા તેના બંને હાથની વચ્ચે બંને બગલમાં હાથ નાખી રાધીને ખંભેથી જાલી બહાર ખેંચી. રાધી કાંઠા તરફ ઢસડાવા લાગી. થાકેલા કનાએ રાધીને માંડ માંડ કાંઠે લાવીને મૂકી. કનાએ ઊભા થઈ રાધીની સામે જોયું તો,રાધીએ જીવન મરણના છેલ્લા શ્વાસ સુધી લડી લેવા ખૂબ જ હાવલા માર્યા હશે તેવું દેખાઈ રહ્યું હતું. રાધીએ ચણીયાનો કસોટો માર્યો હતો, તે છૂટી ગયો હતો. પાણીથી તરબોળ થઈ ગયેલી રાધીના વાળમાંથી હજી પાણી ટપકી રહ્યું હતું. રાધીના ભીના કપડા અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. કનાએ ચુંદડી તોડી એ વખતે રાધીની ચોલીના બે બટન પણ તૂટી ગયેલા હતા. કાઠે સતીપાટ પડેલી શ્વેત નમણી રાધી પર પાણીના બિંદુઓ ચંપાના ફૂલની પાંદડીઓ પર પડેલા ઝાંકળ બિંદુ જેવા શોભી રહ્યા હતા. હમણાં થોડી વાર પહેલા પવનની છેડછાડને લીધે કનાની નજર રાધીની યુવાની પર સ્થિર થઈ હતી,તે યુવાની અત્યારે સામે દેખાતી હોવા છતાં કનાનું ધ્યાન રાધીની બંધ સ્થિર થઈ ગયેલી આંખો ઉપર જ હતું.
કનાને રાધીને શું થઈ ગયું?તે સમજાતું નહોતું. તેણે રાધીની ફરતે એક આંટો માર્યો. પછી તેણે રાધીના અસ્તવ્યસ્તને ભીના, શરીરે ચોટી ગયેલા કપડાં સરખા કર્યા. હવે કનાને યાદ આવ્યું કે રાધીના શ્વાસ ચાલે છે કે નહીં? તેણે રાધીના ખુલ્લા, ચોટી ગયેલા પેટ પર નજર કરી તો પેટ સ્થિર હતું. કનાએ પોતાની આંગળી રાધીના નાક નીચે મૂકી તો તેની આંગળી સાથે રાધીનો શ્વાસ ટકરાતો નહોતો. હવે કનાને ખૂબ ડર લાગ્યો. તે દોડીને ડેમની પાળ પર ગયો. પરંતુ આજુબાજુ કોઈ દેખાતું ન હતું. પાળ પર ઉભેલા કનાએ નીચે નજર કરી તો રાધી હજી એમ જ પડી હતી. કનાને આજે એવું લાગતું હતું કે, "રાધી આજ મને મેલીને વય જય લાગે સે!?"વળી તેને યાદ આવ્યું,ગીરમાં ભયસુચક ઇમરજન્સી માટે એક ખાસ પ્રકારની સિટી મારવામાં આવે છે. જે બધા ગોવાળિયાને આવડતી હોય છે. હાથની બીજી આંગળી અને અંગૂઠો ભેગા કરી જીભ નીચે મૂકી હવા ફુકવામાં આવે એટલે આ ભય સૂચક સીટી વાગે છે. જે ખૂબ દૂર સુધી સંભળાય છે. કનાએ બે ત્રણ વાર આવી સીટી વગાડી. પછી તે ડેમની પાળ ઉતરી રાધી પાસે આવ્યો. ત્યાં તેને અચાનક તેના ગેલામામાએ બાળ ગોવાળિયાને ડૂબતો બચાવ્યો હતો તે યાદ આવી ગયું.
કનાએ રાધીના ખુલ્લા પેટને જોરથી દબાવ્યું ત્યાં રાધીના મોઢામાંથી પાણીના ઘળકા નીકળવા માંડ્યા. હવે કનાના થાકેલા શરીરમાં ઉર્જા આવી ગઈ. તેણે ફરીવાર રાધીનું પેટ દબાવ્યું એટલે રાધીના મોઢામાંથી ફરી થોડું પાણી નીકળ્યું. કનાએ ક્યારે કોઈની હાથની નાડી તપાસેલી તો નહોતી, પરંતુ તેને ભણવામાં એવું આવતું હતું કે કોઈના હાથના કાંડાની ધોરી નસ ઘડીક દબાવી રાખીએ તો તેના શરીરમાં રક્તસંચાર ચાલુ છે કે નહીં તે ખબર પડી જાય છે. કનાએ રાધીના ડાબા હાથનું કાંડુ પોતાના જમણા હાથમાં લીધું. રાધીની ધોરી નસ પર જેવી રીતે ડોક્ટર તપાસ કરતા હોય તેમ અંગૂઠો મૂક્યો અને બાકીની ચાર આંગળીઓ નીચે રાખી, પછી રાધીનું કાંડુ દબાવી રાખ્યું. પરંતુ કનાને રાધીના શરીરમાં કંઈ હલચલ ન લાગી. હવે કનો ગભરાયો. તેણે રાધીના ગાલે ટપલી મારતા કહ્યું, "રાધી... આંખ્યું તો ઉઘાડય. પાણીની બતકી તને હૂ થય ગ્યું? રાધી... આંખ્યું ઉઘાડય. તું તો કેતી'તી ને કે હું ગર્યની સિંહણ સુ! તો તને કાંય નો થાય. હાલ્ય જટ ઊભી થય જા. તારી વિના માલ રગતા હહે. રાધી... ઉઠય ઉભી થા.. હું તારા આપાને હૂ જવાબ આલીશ? રાધી.... તને ગર્યના હમ સે. તને દુવારિકાવાળાના હમ સે તું આખ્યું ઉઘાડ રાધી...."
કનો રાધી... રાધી... બોલતો જતો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેતા જતા હતા. છેલ્લે કનાએ જોરથી "રાધી... "એમ બૂમ પાડી. પછી સતીપાટ પડેલી રાધીના ખંભે પોતાનું માથું નાખી કનો નાના બાળકની માફક રડી રહ્યો હતો.
સુરજ દાદો માથે આવી તપી રહ્યો હતો. ડેમના પાણી પરથી આવતો પવન ઠંડો લાગતો હતો. બધા પંખીડા પણ મૌન થઈ ગયા હતા. વચ્ચે ક્યારેક ક્યારેક ટીટોડીના બોલવાનો અવાજ આવી રહ્યો હતો. રાધી સ્થિર થઈ પડી હતી. તેના પર આડો પડેલો કનો હીબકા ભરી રહ્યો હતો. ડેમને કાંઠે સારસ જોડલુ વારાફરતી પાણીમાં ચાંસ જબોળી પાણી પી રહ્યું હતું. પછી સારસ જોડી આ બાજુ તાકી રહી હતી..............

(વાચક મિત્રો છેલ્લા 58 હપ્તાથી આપ મારી નવલકથા "નેહડો (The heart of Gir)"વાંચી રહ્યા છો. પહેલા તો મને વાંચવા માટે અને પ્રતિભાવો આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વાર્તાનો એક અંત મેં આવી રીતે વિચારેલો છે. શું આપને આ અંત યોગ્ય લાગ્યો? આપને અચાનક આવી રીતે વાર્તાનો અંત આવી જતા ઝટકો તો લાગ્યો હશે જ! પણ બાકીની વાર્તા વાંચકોના મનમાં ચાલતી રહેશે.આવો દર્દનાક અંત એ પણ વાર્તા લેખનની એક રીત છે.મારી નવલકથા અહીં પૂર્ણ થાય છે...
આપ મને મારા whats app નંબર 9428810621 પર આપનો પ્રતિભાવ અવશ્ય મોકલજો. જો વધારે વાંચકોને વાર્તાનો આ અંત નહીં ગમે તો બીજો અંત પણ મેં વિચારી રાખેલ છે.જો આપ સર્વ કહેશો તો વાર્તા હજી આગળ વધારીશું. વાર્તાનો અંત કેવો આપવો તે આપના પ્રતિભાવોને આભારી રહેશે. આપ આપનો પ્રતિભાવ ઉપરના નંબર પર whats app મેસેજથી અથવા ફોન કોલથી પણ આપી શકો છો.)
આભાર... મારાં માનવંતા સર્વ વાંચકોનો....
લેખક: અશોકસિંહ એ. ટાંક
Wts up no. 9428810621