Atut Bandhan - 9 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 9





(સાર્થક વૈદેહીને મળી એની માફી માંગવાનું વિચારે છે અને એના મામા મામીને પણ બધું સત્ય જણાવવા માંગે છે પણ શિખા એને આમ કરતાં રોકે છે અને દયાબેન અને ગોવિંદભાઈનું વૈદેહી સાથેનાં વર્તન વિશે જણાવે છે. બીજી તરફ સિરાજ ત્રીસ લાખનાં બદલામાં વૈદેહી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે જે ગોવિંદભાઈ સ્વીકારી લે છે. આ કારણે વૈદેહી દુઃખી થઈ જાય છે. હવે આગળ)

બે લેક્ચર પૂરા થવા આવ્યા પણ વૈદેહી હજી સુધી આવી નહતી. શિખાનું ધ્યાન લેક્ચરનાં બદલે ક્લાસરૂમનાં દરવાજા પર વધુ હતું. એક બે વાર પ્રોફેસરે શિખાને ટોકી પણ શિખાનું મન લેક્ચરમાં નહતું. એનું મન ગભરાઈ રહ્યું હતું. લેક્ચર પૂરો થતાં જ એ આગળનો લેક્ચર ભર્યા વિના ક્લાસમાંથી નીકળી ગઈ અને જઈને કેમ્પસમાં બેઠી.

આમ તો શિખા કોઈ દિવસ એકલી કેમ્પસમાં બેસતી નહીં પણ આજે એ ત્યાં બેઠી એનું કારણ વૈદેહીની પડોશમાં રહેતો એક છોકરો હતો. શિખા એને વૈદેહી વિશે પૂછવા માંગતી હતી. અડધી કલાકમાં એ છોકરો એને દેખાયો. એ એનાં ફ્રેન્ડ્સની સાથે હતો. શિખા ઉભી થઈ અને જે બાજુ એ હતો એ તરફ ગઈ પણ કંઈ પણ બોલવાની એની હિંમત નહીં થઈ.

શિખા કોલેજમાં વૈદેહી સિવાય કોઈની સાથે વાત નહતી કરતી અને ખાસ તો એ છોકરાઓથી દૂર રહેવાનું જ પસંદ કરતી હતી તેથી આમ અચાનક કોઈ છોકરા પાસે જઈને એની સાથે વાત કરવી એને અજીબ લાગી રહ્યું હતું. એ ત્યાં થોડીવાર ઉભી રહી અને પાછી વળી ગઈ. આમ ને આમ એણે ત્રણેક વાર કર્યું પણ એ છોકરા સાથે વાત કરવાની એની હિંમત જ ન થઈ.

શિખાની આ હરકત પેલાં છોકરાએ પણ નોંધી. એણે એનાં ફ્રેન્ડ્સને હમણાં આવે છે એમ કહ્યું અને શિખા જ્યાં બેઠી હતી ત્યાં ગયો.

"હાય !" પેલાં છોકરાએ કહ્યું.

એને જોઈ શિખા ખુશ તો થઈ પણ પછી શું બોલવું એ એને સમજાયું નહીં.

"તમે મને કંઈ કહેવા માંગો છો ?" પેલાં છોકરાએ પૂછ્યું.

"હં.." શિખા ફાટી આંખે એને જોવા લાગી.

"મતલબ તમે ક્યારનાં મારી તરફ જોતા હતા અને ત્યાં પણ આવ્યા તો મને લાગ્યું કે તમારે કંઇક કહેવું હશે. સોરી મને લાગે છે મને ગેરસમજ થઈ." પેલાં છોકરાએ કહ્યું અને પાછો ફર્યો.

"એક મિનિટ." શિખા બોલી અને એની જગ્યાએથી ઉભી થઈ.

"અં...એકચ્યુલી હું વૈદુની ફ્રેન્ડ...મતલબ વૈદેહીની ફ્રેન્ડ છું." શિખા માંડ બોલી શકી.

"હા મેં તમને વૈદેહી સાથે જોયા છે."

"એકચ્યુલી આજે વૈદુ કોલેજ નથી આવી તો...તમે એની બાજુમાં રહો છો એવું વૈદુએ કહ્યું હતું. તો મારે જાણવું હતું કે એ..."

"તમને ખબર નથી આજે સાંજે વૈદેહીની સગાઈ છે ?" પેલાં છોકરાએ પૂછ્યું.

"સગાઈ ! વૈદુની !" શિખાને આશ્ચર્ય સાથે સાથે આઘાત પણ લાગ્યો.

"અપૂર્વ, તું આવે છે કે અમે જઈએ ?" પેલાં છોકરાનાં મિત્રએ એને બૂમ પાડીને પૂછ્યું.

અપૂર્વએ શિખા તરફ જોયું અને કંઇક વિચારી એનાં ફ્રેન્ડ્સ તરફ જોઈ કહ્યું,

"તમે લોકો નીકળો, હું પછીથી આવું છું." અપૂર્વએ કહ્યું અને શિખા સામે જોયું. શિખાને સમજાઈ નહતું રહ્યું કે શું કરે ત્યાં જ એનાં કાને અપૂર્વનો અવાજ સંભળાયો.

"તમે ઠીક તો છો ને ?"

"હં...હા હું ઠીક છું. પણ વૈદુ આમ સગાઈ કઈ રીતે..મતલબ.."

"અં...આમ તો આ એમની પર્સનલ મેટર છે એટલે કંઈ કહેવાય નહીં પણ તમે વૈદેહીનાં મિત્ર છો અને વૈદેહી ખૂબ સારી છોકરી છે તો તમને કહેતા હું રોકી નથી શકતો." અપૂર્વ આટલું બોલી અટક્યો.

"તમે શું કહેવા માંગો છો અપૂર્વજી ? શિખાએ બેબાકળા બની પૂછ્યું.

"વૈદેહીનાં મામા મામીએ એનો સોદો કર્યો છે."

"શું ?" સાંભળતા જ શિખાનાં મુખેથી ચીસ નીકળી.

અપૂર્વએ ગઈકાલે સિરાજ વૈદેહીનાં ઘરે ઉધાર વસૂલવા આવ્યો ત્યાંથી લઈ એનું ઘરમાં તોડફોડ કરવી, ત્રીસ લાખ નહીં ચૂકવવાના કારણે ઘર ખાલી કરવાની ધમકી, વૈદેહીનું આવવું અને પછી અચાનક સિરાજનું ખુશ થઈ જતું રહેવું. બધું જ જણાવ્યું.

"હવે તમે જ કહો કે જે માણસ આગલા દિવસે ઘર ખાલી કરાવવા આવ્યો હોય અને એક કલાકની પણ મુદ્દત આપવા ન માંગતો હોય એ ઘરનાં ઓનર સાથે થોડીવાર વાત કરી ખુશખુશાલ ચહેરે જતો રહે અને બીજે દિવસે એ જ ઘરની ભાણેજ સાથે એની સગાઈ થવાની હોય તો એનો શું અર્થ કાઢવો ? આમ તો સ્પષ્ટ કોઈએ કંઈ કહ્યું નથી પણ જે રીતે અચાનક વૈદેહીની સગાઈ નક્કી થઈ અને જે રીતે આજે સવારે વૈદેહી મંદિરે બેસીને રડતી હતી એ જોઈ મને તો એ જ લાગી રહ્યું છે કે એનાં મામાએ રૂપિયાનાં બદલામાં આ લગ્ન ગોઠવ્યાં છે." અપૂર્વએ કહ્યું.

"આ સિરાજ છે કોણ ?" શિખા એ પૂછ્યું.

"સિરાજ અબ્બાસ અલી. એનાં વિશે આમ તો મને પણ કંઈ ખાસ ખબર નથી પણ લોકો કહે છે કે એ એક નંબરનો બદમાશ ગુંડો છે. વ્યાજે રૂપિયા આપે છે. અમુક ડોક્યુમેન્ટ પર સહી કરાવે છે અને પછી કઈ રીતે એ ડોક્યુમેન્ટ બદલાય જાય છે કોઈને ખબર પડતી નથી. એ ઉધાર આપેલી રકમ વધારી દે છે અને વ્યાજ પણ બમણું કરી દે છે. અને જો આપેલ મુદ્દત પૂરી થતાં એ પૈસા એને વ્યાજ સહિત પરત નહિ મળે તો એ ઘર, જમીન બધું જ પડાવી લે છે.

એક નંબરનો ઐયાશ છે. ત્રણ ત્રણ વખત લગ્ન કર્યા પણ અમુક મહિનામાં જ એમને છોડી દીધી. એની બીજી પત્નીથી એને બે બાળકો પણ છે. જો કોઈ છોકરી એને ગમી જાય તો એને હાંસિલ કરીને જ જંપે છે એ. લોકો કહે છે કે એનું નેટવર્ક બહુ સ્ટ્રોંગ છે. મોટા મોટા મિનિસ્ટર સાથે એનું બેસવા ઊઠવાનું છે અને તેથી જ એને કોઈ હાથ અડાડી શકતું નથી." અપૂર્વએ કહ્યું.

અપૂર્વની વાત સાંભળી શિખા ત્યાં જ બેસી ગઈ.

"વૈદુનું તો જીવન જ બરબાદ થઈ જશે. હું શું કરું ?" શિખા આંખમાં આંસુ સાથે બોલી.

********

રાતનાં અગિયાર સાડા અગિયાર થઈ ચૂક્યાં હતાં. ગોવિંદભાઈનાં ઘરને રંગબેરંગી લાઈટો વડે સજાવવામાં આવ્યું હતું. બહાર આંગણે મંડપ સજેલો હતો. રંગબેરંગી અલગ અલગ જાતનાં ફૂલોની મહેક ચારે બાજુ ફેલાયેલી હતી. સોસાયટીનાં લોકો મંડપમાં થોડા થોડા અંતરે ટોળું વળીને ઊભા હતા અને કંઇક ઘૂસરપૂસર કરી રહ્યાં હતાં.

મંડપની વચ્ચોવચ અગ્નિકુંડનો અગ્નિ હમણાં જ હોલવાયો હોય એવું ઉઠી રહેલા ધુમાડા પરથી લાગતું હતું. ગોવિંદભાઈ એક ખુરશી પર બેઠા હતા અને દયાબેન એમને કંઇક સમજાવી રહ્યાં હતાં. અંજલી પણ એની મમ્મી સાથે ઉભી ઉભી પોતાને કંઈ ગતાગમ ન પડતી હોવાથી આમતેમ ડાફોરીયા મારી રહી હતી.

"તમે નાહકની ચિંતા કરો છો. એનાં જવાથી ફાયદો તો થયો જ છે ને ? એ ગુંડો મવાલી સિરાજ હવે પછી અહીંયા રૂપિયા લેવા આવશે તો નહીં. એ અપશુકનિયાળ વૈદેહી પણ ગઈ અને સાથે ઝંઝટ પણ લઈ ગઈ." દયાબેન બોલ્યાં.

"અરે ડફોર, તું એ સિરાજને જાણતી નથી. એ આમ કંઈ પીછો નહીં છોડે. એ હવે શું કરશે એ તો ભગવાન જ જાણે." ગોવિંદભાઈ ગભરાહટમાં બોલ્યાં.

******

ફૂલોથી સજાવેલો એક મોટો બેડરૂમ. બેડરૂમની એક દિવાલ પર અલગ અલગ ફોટો ફ્રેમ લાગેલી હતી જેમાં બધાં ફેમિલી મેમ્બર્સનાં ફોટો ફ્રેમ કરેલા હતાં અને સાથે સાથે કેટલાય મેડલ્સ પણ લટકાવેલા હતાં. બીજી તરફ નાનકડી લાયબ્રેરી જેવું હતું જ્યાં અવનવા પુસ્તકો એવી રીતે ગોઠવેલા હતાં કે સરળતાથી તમારે જોઈતું પુસ્તક મળી જાય. અને સાથે આરામથી બેસીને વાંચી શકાય એ માટે આરામદાયક કાઉચની પણ વ્યવસ્થા હતી.

બેડરૂમની વચ્ચોવચ એક કિંગ સાઈઝ બેડ હતો જેનાં પર ગુલાબનાં ફૂલોથી હાર્ટ શેપ બનાવ્યું હતું. આખા રૂમમાં હાર્ટ શેપના બલૂન્સ વિખેરાયેલા હતાં. બેડની પાછળની દિવાલ પર એક મોટી ફ્રેમ હતી જેમાં હેપ્પી મેરીડ લાઈફ લખ્યું હતું.

આવડો મોટો બેડ હતો છતાં વૈદેહી બેડનાં ખૂણા પર બેઠેલી હતી. એનાં હાથ પગ ધ્રુજી રહ્યાં હતાં. એની આંખો રડી રડીને સુજી ગયેલી હતી. પોતાનાં લગ્ન થઈ ગયા હતા એનાં પર હજુ એને વિશ્વાસ નથી થઈ રહ્યો. આગળ ભણી ગણીને મોટી ઓફિસર બનવાનું એનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. એનાં પપ્પાનું સપનું તૂટી ગયું હતું.

એક જ દિવસમાં એ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ હતી. અસંખ્ય વિચારોએ એને ઘેરી લીધી. એની આંખો સામે એનું બાળપણ આવી ગયું જ્યાં એની દુનિયા એનાં પપ્પાથી શરુ થઈ ત્યાં જ પૂરી થતી હતી. ત્યાર બાદ અચાનક થયેલું એમનું મૃત્યુ, એનાં મામા મામીનો ત્રાસ એની આંખો સામેથી પસાર થઈ ગયો.

દરવાજો ખુલવાના અવાજથી એ એનાં વિચારોમાંથી બહાર આવી. એનું શરીર વધુ ધ્રુજવા લાગ્યું. કોઈ બેડ પર એનાથી થોડું અંતર રાખીને બેઠું હોય એવું એને લાગ્યું. એ વધુ સમેટાઈને બેસી ગઈ.

"આ રૂમમાં વાઘ, સિંહ કે ચિત્તો તને દેખાઈ છે ?" એક ચિત પરિચિત અવાજ વૈદેહીનાં કાને પડ્યો. એણે ત્રાંસી નજરે એની તરફ જોયું. ત્યાં સાર્થક બેઠેલો હતો.

"નહીં મતલબ તું જેવી રીતે બેઠી છે એ જોઈને તો મને એવું જ લાગે છે કે જાણે કોઈ વાઘ અહીંયા આવશે અને તને ખાઈ જશે. પણ બિચારા વાઘને બરાબરની ખબર છે કે તને હાથ લગાડ્યા વગર જો એનાં ગાલ લાલ થઈ જતાં હોય તો તને હાથ લગાડવાથી એની શું હાલત થશે." સાર્થકે પોતાના ગાલ પર હાથ મૂકી પંપાળીને કહ્યું.

આ સાંભળી વૈદેહી સહેજ હસી અને પછી તરત જ રડી પડી.

વૈદેહીની સગાઈ તો સિરાજ સાથે થવાની હતી તો સાર્થક સાથે શું કરે છે ? જાણવા મળશે આગળનાં ભાગમાં....