Atut Bandhan - 8 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 8

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 8


(શિખા સાર્થકને વૈદેહીની ઉદાસીનું કારણ જણાવે છે. સાર્થકને પોતાનાં પર ગુસ્સો આવે છે કે શા માટે એ વૈદેહી સામે ગયો તો બીજી તરફ વૈદેહી જ્યારે ઘરે પહોંચે છે ત્યારે સિરાજભાઈ નામનો ગુંડો ગોવિંદભાઈ પાસે ઉધારી વસૂલવા આવ્યો હોય છે જે ગોવિંદભાઈને ઘર ખાલી કરવા કહે છે પણ વૈદેહીને જોઈ એનું મન બદલાય જાય છે. હવે આગળ)

ઘરે ગયા પછી પણ સાર્થકનાં દિલો દિમાગમાં બસ વૈદેહીનાં જ વિચારો દોડી રહ્યાં હતાં. જ્યારથી શિખાએ એને જણાવ્યું કે એનાં મામીએ એને ડામ દીધો છે ત્યાર પછી તો સાર્થકનું મગજ કામ કરતું જ બંધ થઈ ગયું હતું. અને એમાં પણ આ બધાં પાછળ ક્યાંક ને ક્યાંક પોતે જવાબદાર છે એવું એને ક્યાંક ને ક્યાંક લાગતું હતું.

એને વૈદેહીની દયા આવી રહી હતી. એની આંખો સામે વારંવાર વૈદેહીની રડીને સુજી ગયેલી આંખો આવી રહી હતી. ત્રણ વખતની મુલાકાતમાં જે આંખોમાં એને નીડરતા દેખાઈ હતી એ આંખોમાં આજે ડર અને લાચારી એણે જોઈ હતી.

"શું મારે એનાં માટે કંઈ કરવું જોઈએ ? હા, મારે કંઇક તો કરવું જ પડશે." સાર્થક બબડ્યો અને ઉતાવળા પગલે એનાં રૂમનાં દરવાજા સુધી પહોંચ્યો પણ ત્યાં જ એના પગ અટકી ગયા.

"પણ શું કરીશ ? મને તો ખબર પણ નથી કે એ ક્યાં રહે છે ? શિખાને પૂછું. પણ...શું પૂછીશ ?" સાર્થક ફરીથી રૂમમાં આવી બેડ પર બેસી ગયો.

"નહીં સાર્થક, કોઈપણ પગલું ભરતાં પહેલાં એકવાર શાંતિથી વિચાર. એકવાર એને મળીને એની સાથે વાત કરી બધું..."

"કોને મળવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છો ભાઈ ?" શિખા સાર્થકનાં રૂમમાં આવતાં બોલી.

"પ્લાનિંગ...નહીં તો...કોઈને નહીં." સાર્થક હકલાઈને બોલ્યો.

"ભા..ઈ એમ તો હું તમારા કરતાં નાની છું પણ એટલી પણ નાની નથી કે કંઈ સમજાઈ નહીં. બોલો ને કોને મળવા જવાના છો ? કોઈ છોકરી છે ?" શિખાએ એનાં ભવા ઊંચા કરીને શરારતી અંદાજમાં પૂછ્યું.

"તું જેવું વિચારે છે એવું કંઈ નથી. આવી પાછી બહુ મોટી." સાર્થકે કહ્યું.

"નહીં જણાવવું હોય તો કંઈ નહીં. મારે શું ? મને તો એમ કે કદાચ તમને મારી મદદની જરૂર હોય તો..." શિખા આટલું કહી રૂમમાંથી બહાર નીકળવા લાગી.

"ઓય શિખુડી, સંભાળ ને !"

અચાનક સાર્થકે એનો હાથ પકડી રૂમમાં ખેંચી લીધી.

"અં...મારે તારી હેલ્પ જોઈએ છે." સાર્થકે આમતેમ જોતાં કહ્યું.

"હમ્મ...હવે આવ્યા ને લાઈન પર. બોલો કોણ છે એ છોકરી જેને મારે મમ્મી પપ્પાને મળવવાની છે ?" શિખાએ કમર પર હાથ મૂકીને કહ્યું.

"એવું કંઈ નથી. મારે કોઈને મમ્મી પપ્પાને નથી મળાવવું. મારે તો બસ..." બોલતાં સાર્થક અટક્યો અને શિખા તરફ જોયું. શિખા સાર્થક તરફ જ જોઈ રહી હતી.

"એકચ્યુલી, મારાં કારણે કોઈ તકલીફમાં મુકાયું છે તો મારે જસ્ટ એને મળી માફી માંગવી છે. પણ હું..."

"પણ શું ? અને કોણ તકલીફમાં મુકાયું છે ભાઈ ? જ્યાં સુધી હું તમને જાણું છું તમે ક્યારેય કોઈનું ખરાબ નથી કરતાં તો પછી તમે કોને તકલીફમાં મૂક્યું ?" શિખા થોડી ગંભીર બની બોલી.

"અ...એ...તારી ફ્રેન્ડ વૈદેહી." સાર્થક નીચું જોઈ બોલ્યો.

"વૈદુ ! તમે એને કઈ રીતે..." શિખાનાં બોલતાં કંઇક વિચારમાં પડી ગઈ. માઈન્ડમાં અચાનક સ્પાર્ક થયું હોય એમ એ સાર્થક તરફ આંખો મોટી કરી જોવા લાગી અને કહ્યું,

"શું એ દિવસે કોલેજમાં તમે હતા એસીપી બનીને ?"

"હા, હું જ હતો. એ મારી સામે આવીને મને શું નામ હતું એનું ? હા વિ...વિક્રમ સમજી બેઠી અને મને થપ્પડ મારી દીધી. હું એને કંઇક કહું એ પહેલાં વિક્રમ ત્યાં આવ્યો અને એની સાથે મિસબિહેવ કરવા લાગ્યો. મેં એને માર્યો તો ખરો પણ પછી મને લાગ્યું કે ફરીથી એ વૈદેહીને હેરાન કરશે તો... મેં એને ખોટું કહ્યું કે હું એસીપી છું. ત્યાર પછી બાય ચાન્સ અમારી મુલાકાત થઈ અને મેં એની સાથે વાત કરી પણ મને ખબર નહતી કે મારા એની સાથે વાત કરવાની એને આટલી મોટી સજા મળશે.

પણ આજે જે પ્રમાણે તેં કહ્યું એ જોતાં મને લાગે છે કે મારે એનાં ઘરે જઈને એની માફી માંગી લેવી જોઈએ. અને પછી એનાં મામા મામીને હકીકત જણાવી દઈશ."

"તમને શું લાગે છે કે તમારાં માફી માંગી લેવાથી કે એનાં મામા મામીને હકીકત જણાવી દેવાથી એ લોકો વૈદુની આરતી ઉતારશે ? ઉલ્ટાનું કંઈ ઊંધું વિચારી એનું કોલેજ આવવાનું બંધ કરાવી દેશે. તમે જાણો પણ છો એનાં મામા મામીને ?" શિખાએ કહ્યું અને પછી એણે સાર્થકને વૈદેહી વિશે અને એનાં મામા મામી વિશે બધું જણાવ્યું.

વૈદેહી વિશે જાણી સાર્થકને એનાં પ્રત્યે સહાનુભૂતિ થઈ આવી. એની આંખોનાં ખૂણા ભીના થઈ ગયા.

****

બીજી તરફ વૈદેહીની તરફ વાસના ભરી નજરે જોતાં સિરાજે ગોવિંદભાઈનાં ખભે હાથ મૂકીને કહ્યું,

"હું તારું બધું દેવું માફ કરી દઈશ. તારે મને એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે પણ...."

"પણ શું ભાઈ ? મને...મને તમારી બધી શરત મંજૂર છે. તમે એકવાર કહો તો ખરાં." ગોવિંદભાઈએ એકદમ ઉત્સાહમાં આવીને કહ્યું.

ગોવિંદભાઈની આ વાત સાંભળી સિરાજ જોરજોરથી હસવા લાગ્યો અને કહ્યું,

"પહેલાં શરત તો સાંભળ મારી."

"મેં તમને કહ્યું ને ભાઈ કે મને તમારી બધી શરતો મંજૂર છે. તમે નિશ્ચિંત થઈને કહો." ગોવિંદભાઈએ કહ્યું.

સિરાજ લુચ્ચું હસ્યો અને વૈદેહી પાસે ગયો. એણે વૈદેહીનાં કપાળથી લઈને ગાલ સુધી એની આંગળી ફેરવી. વૈદેહીએ એક ઝાટકે એનો હાથ હટાવી દીધો. એની આ હરકત પર સિરાજ હસ્યો અને ગોવિંદભાઈ તરફ ફરીને કહ્યું,

"ગોવિંદ, તારી ભાણેજે મારું મન મોહી લીધું છે. તારી આ અપ્સરા જેવી ભાણેજ આગળ ત્રીસ લાખ રૂપિયાની કોઈ કિંમત નથી. બાકી આગળ તું સમજી જ ગયો હશે."

આ સાંભળી વૈદેહી ધ્રુજી ઉઠી. એનાં હાથ પગ કાંપવા લાગ્યા.

"નહીં..મારા મામા તારી આ શરત બિલકુલ નહીં માને." વૈદેહીએ કહ્યું.

"કેમ ગોવિંદ, મારી શરત મંજૂર છે કે નહીં ?" સિરાજે ગોવિંદભાઈ તરફ જોઈ પૂછ્યું.

"ભાઈ...ભાઈ..જરા આ તરફ આવો ને." ગોવિંદભાઈ બે હાથ જોડી વાંકા વાંકા સિરાજને એક બાજુએ લઈ ગયા. ત્યાં ગોવિંદભાઈએ સિરાજ સાથે થોડીવાર વાત કરી. સિરાજનાં હાવભાવ જોઈ વૈદેહી એટલું તો સમજી ગઈ કે જે કંઈ ગોવિંદભાઈએ એને કહ્યું તે એ માની ગયો છે.

થોડીવાર રહી સિરાજ અને ગોવિંદભાઈ વૈદેહી પાસે આવ્યા.

"વૈદેહી, તારા રૂમમાં જા." ગોવિંદભાઈએ કહ્યું અને વૈદેહી જાણે આ જ ઘડીની રાહ જોઈને બેઠી હોય એમ તરત જ દોડીને એનાં રૂમમાં જતી રહી.

થોડીવાર રહીને સિરાજ પણ ત્યાંથી જતો રહ્યો. વૈદેહીએ દયાબેન અને અંજલી સાથે મળીને ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત મૂકી. વૈદેહી રસોડામાં જઈ રસોઈની તૈયારી કરવા માંડી. પાંચ દસ મિનિટ પછી દયાબેન અને અંજલી રસોડામાં આવ્યા. એ સમયે વૈદેહી લોટ બાંધી રહી હતી. એનાં હાથમાંથી લોટનું તરભાણું લેતાં દયાબેન બોલ્યાં,

"તારે આ બધું કરવાની કંઈ જરૂર નથી બેટા. તું જા જઈને આરામ કર. પાછું કાલે આરામ કરવાનો સમય ક્યાં મળશે તને ?"

દયાબેનનાં મોંઢે પોતાના માટે બેટા શબ્દ સાંભળી વૈદેહીને સુખદ આશ્ચર્ય થયું પણ એમનું પાછળનું વાક્ય એને કંઈ સમજાયું નહીં.

"કેમ મામી ? કાલે શું છે ?" વૈદેહીએ પૂછ્યું.

"કાલે તમારી સગાઈ છે ને દીદી એટલે. હવે પોતાની જ સગાઈના દિવસે પોતાને સમય મળે ખરો ?" અંજલીએ કહ્યું.

"સગાઈ !" વૈદેહીને જાણે 440 વોલ્ટનો ઝટકો લાગ્યો હોય એમ એ એકદમ સ્થિર ઉભી રહી ગઈ.

"જો વૈદેહી, તારા મામાના માથે ત્રીસ લાખનું દેવું છે અને પૈસા કંઈ ઝાડ પર તો ઉગતા નથી કે તોડીને બધું દેવું ચૂકવી દઈએ. સિરાજભાઈએ સામે ચાલીને તારા માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે જ્યારે લક્ષ્મી સામે ચાલીને ઘેર ચાંદલો કરવા આવે તો..."

"તો શું મામી ? તમે મને એ ગુંડાને વેચી દેશો. મામી, એની અને મારી ઉંમરમાં જમીન આકાશનો ફર્ક છે અને ઉપરથી એ એક ગુંડો છે. હું એની સાથે...મામી મારે હજી આગળ ભણવાનું છે અને..."

"બસ બસ...બહુ થયું. મેં કંઈ તને પૂછ્યું નથી તને કહ્યું છે કે કાલે તારી સગાઈ છે અને એ થઈને જ રહેશે." દયાબેન બોલ્યાં અને રસોડામાંથી બહાર નીકળી ગયા.

"દીદી, એ સિરાજ પાસે કરોડોની મિલકત છે. તમે તો ત્યાં જ્યાં સુધી રહેશો ત્યાં સુધી રાજ કરશો રાજ." અંજલી બોલી.

"જ્યાં સુધી મતલબ...."

"મેં એવું સાંભળ્યું છે કે સિરાજનાં તો સેંકડો અફેર્સ ચાલે છે. જે એને વધારે પસંદ હોય એની સાથે એ લગ્ન કરી લે અને પછી જ્યારે એનું મન ભરાઈ જાય એટલે એને ખાધા ખોરાકી આપી છોડી દે."

આ સાંભળી વૈદેહીની આંખે અંધારું છવાઈ ગયું.

વધુ આવતાં ભાગમાં....