Atut Bandhan - 10 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 10

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 10
(શિખાને અપૂર્વ દ્વારા જાણવા મળ્યું કે ગોવિંદભાઈએ વૈદેહીની સગાઈ સિરાજ નામનાં ગુંડા સાથે નક્કી કરી દીધી છે. આ જાણી શિખા દુઃખી થઈ જાય છે. બીજી તરફ ગોવિંદભાઈ ચિંતામાં છે. એમને ડર લાગી રહ્યો છે કે સિરાજ આમ કંઈ એમને છોડશે નહીં તો વૈદેહી સાર્થક સાથે છે. હવે આગળ)

સિરાજ એનાં ઘરે બેઠો હતો. સામે ટીપોય પર વ્હિસ્કીની એક બોટલ મુકેલી હતી. થોડીવાર ગ્લાસમાં કાઢીને પીધાં પછી એણે આખી બોટલ મોંઢે વળગાડી દીધી અને આખી બોટલ ગટગટાવી ગયો. એની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી.

"આજ સુધી ક્યારેય મારી હાર નથી થઈ. જે વસ્તુ મને પસંદ આવે છે એનાં પર ફક્ત મારો જ હક છે. પણ આજે...આજે એ મારા હાથમાંથી છટકી ગઈ. મારી બેઇજ્જતી થઈ. હું એને આટલી આસાનીથી નહીં છોડું. તું જે કોઈ પણ છે તેં સામે ચાલીને તારી મોતને આમંત્રણ આપ્યું છે." સિરાજ બબડ્યો.

અમુક કલાકો પહેલાં

સિરાજ એનાં ગુંડા સાથીઓ સાથે નવી પઠાણીમાં સજ્જ થઈ વૈદેહી સાથે સગાઈ અને બે જ દિવસમાં લગ્ન કરી રંગીન રાતોનાં સપનાં જોતો ગાડીમાં બેઠો. અને પાંચ છ ગાડી પૂરપાટ વેગે વૈદેહીનાં ઘર તરફ દોડી. વચ્ચે કોઈનો ઝગડો ચાલતો હતો જેના લીધે ટ્રાફિક થઈ ગયું. સિરાજે થોડીવાર રહી ગાડી બીજા રસ્તે લેવા કહ્યું. હજુ તો માંડ ત્રણ ચાર કિલોમીટર જેટલું અંતર કાપ્યું ત્યાં જ સિરાજની ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું.

"એની####," સિરાજ ગાળો ભાંડતો ગાડીમાંથી ઊતર્યો. એની સાથે નીકળેલી ગાડીઓ હજી પાછળ જ હતી.

"હેય અબ્દુલ, કાલિયો ક્યાં પહોંચ્યો ? ફોન લગાડ એને." સિરાજે કહ્યું અને અબ્દુલે ફોન લગાવ્યો પણ કાલિયાને ફોન લાગ્યો નહીં. થોડીવાર રહીને એણે બીજા બધા જ સાગરીતોને ફોન લગાવ્યો પણ એનાં આશ્ચર્ય વચ્ચે બધાનાં ફોન સ્વીચ ઓફ આવી રહ્યાં હતાં.

સિરાજ ગુસ્સામાં આગબબુલો થઈ રોડ પર જ આંટા મારવા માંડ્યો. અબ્દુલ રિક્ષા પકડી પેટ્રોલ પંપ પર જઈ પેટ્રોલ લઈ આવ્યો અને ગાડીમાં નાંખ્યું. એણે જોયું તો ટાંકી કાણી હતી. એણે તાત્કાલિક એક મિકેનિક બોલાવી ટાંકી બનાવડાવી. આ બધું કરવામાં એક કલાક જેટલો ટાઈમ નીકળી ગયો પણ સિરાજનાં આશ્ચર્ય વચ્ચે એનાં સાગરીતો હજી સુધી આવ્યા નહતાં. સિરાજ ક્યારનો કાલિયાને ફોન લગાવી રહ્યો હતો પણ એનો ફોન આઉટ ઓફ કવરેજ એરિયા બતાવી રહ્યો હતો. એનાં બીજા સાથીઓના ફોન પણ બંધ આવી રહ્યાં હતાં.

"ભાઈ, આપણે બધાની રાહ જોવાની છે કે જવાનું છે ?" અબ્દુલે પૂછ્યું.

સિરાજ કંઈ બોલ્યો નહીં અને ગાડીમાં બેસી ગયો તેથી અબ્દુલે ગાડી ભગાવી. વૈદેહીનાં ઘરે પહોંચી એ એક ખુરશી પર બેઠો. ગોવિંદભાઈ એની પાસે આવ્યા અને ધ્રૂજતાં હાથે એની આગળ એક બેગ ધરી કહ્યું,

"ભાઈ, આ...આ તમારાં ત્રીસ લાખ રૂપિયા. પૂરેપૂરા ત્રીસ લાખ છે. હવે તો મારું ઉધાર ચૂકતે થઈ ગયું ને ?"

"એટલે ? તું કહેવા શું માંગે છે ? આ ત્રીસ લાખ રૂપિયા લઈને હું જતો રહું ? એય ગોવિંદ, હું અત્યારે અહીંયા વૈદેહી સાથે સગાઈ કરવા આવ્યો છું અને સગાઈ કરીને જ જઈશ. જા લઈને આવ તારી ભાણેજ ને." સિરાજે હુકમ કર્યો અને દરવાજા પાસે ઉભી રહેલી વૈદેહી તરફ જોઈ કહ્યું,

"જાન, તું હજી સુધી તૈયાર નથી થઈ ? જા જઈને તૈયાર થઈ જા નહીં તો તારો મામો અને મામી આ ઘરની જ નહીં પણ આ શહેરની બહાર નીકળી જશે અને તું અને તારી બહેન અંજલી મારી રખાત બનીને રહી જશો."

સિરાજનાં આવા ધમકીભર્યા શબ્દો સાંભળી દયાબેન વૈદેહીને તૈયાર થવા ઘરમાં લઈ ગયા. સિરાજ વૈદેહીનાં આવવાની રાહ જોઈને બેઠો હતો. અડધી કલાક પછી વૈદેહી તૈયાર થઈને આવી. સિરાજ એને જોઈ લુચ્ચું હસ્યો. વૈદેહી નીચું જોઈ ગઈ. એ એની કિસ્મત પર ફરીથી રડી પડી.

સિરાજ વૈદેહીને રિંગ પહેરાવવાનો જ હતો કે ત્યાં પોલીસ જીપ આવી. એમાંથી એક ઇન્સ્પેક્ટર ઉતર્યો અને એણે સિરાજને કહ્યું,

"ભાઈ, તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. તમારે અત્યારે જ મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે."

સિરાજે એની તરફ લાલ આંખ કરી. પેલાં ઇન્સ્પેક્ટરે સિરાજ સામે નીચું જોઈ કહ્યું,

"ભાઈ, એક વ્યક્તિએ તમારી ઉપર મર્ડરનો કેસ કર્યો કર્યો છે. બસ એક કલાક માટે ચાલો. ભાઈ, ફરિયાદ કરનાર પોલીસ સ્ટેશને મીડિયા લઈને આવ્યો હતો અને હવે જો તમે જલ્દી મારી સાથે નહીં આવો તો મીડિયા અહીંયા પણ પહોંચી જશે. પ્લીઝ ભાઈ, થોડીવાર માટે ચાલો. તમે તો મીડિયાવાળાને જાણો જ છો ને."

સિરાજે એક નજર વૈદેહી તરફ અને પછી ગોવિંદભાઈ અને દયાબેન તરફ જોઈ કહ્યું,

"આ છોકરી પર ફક્ત અને ફક્ત મારો હક છે." અને એ પોલીસ સાથે જતો રહ્યો.

પોલીસ સ્ટેશનથી આવતાં એને દોઢેક કલાક જેટલો સમય થઈ ગયો. જ્યારે એ ફરીથી ત્યાં આવ્યો ત્યારે સાર્થક વૈદેહીને મંગળસૂત્ર પહેરાવી ચુક્યો હતો અને મહારાજે લગ્ન સંપન્ન કર્યા હતા. આ જોઈ સિરાજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એ સીધો જ મંડપમાં ધસી ગયો અને ગોવિંદભાઈનો કોલર પકડી નીચે પછાડી કહ્યું,

"મારી સાથે ડબલ ગેમ રમી તેં ?"

"ભાઈ...ભાઈ...મારો કોઈ વાંક નથી. આ લોકોએ જ બધું..."

"એય સિરાજ, વૈદેહી મારી પત્ની છે અને એની તરફ આંખ ઉઠાવીને જોયું તો તારી આંખો કાઢી લઈશ." સાર્થકે સિરાજની આંખોમાં જોઈ કહ્યું. સોસાયટીનાં બીજા બધા પણ સિરાજ સામે થઈ ગયા.

સિરાજ અત્યારે એકલો જ હતો. એનાં સાગરીતો હજી સુધી આવ્યા નહતાં તેથી કંઈપણ બોલવું કે કરવું એને યોગ્ય લાગ્યું નહીં અને એ ઘવાયેલા વાઘની જેમ ત્યાંથી નીકળી ગયો.

"હું તને જીવતો નહીં છોડું. બહુ જલ્દી આપણી મુલાકાત થશે."

સિરાજ બબડ્યો અને ઊભો થઈ એનાં રૂમમાં ગયો જ્યાં પહેલાથી જ એની ત્રીજી પત્ની હાજર હતી. સિરાજે એનો બધો ગુસ્સો એની પત્નીનાં શરીરને ચૂથીને કાઢ્યો.

બીજી તરફ સાર્થકનાં ઘરે એનાં મમ્મી પપ્પા શિખા અને અપૂર્વ બેઠેલા હતાં. અપૂર્વએ ઘરે જવા શિખા અને એનાં મમ્મી પપ્પાની રજા માંગી. શિખાએ અપૂર્વનો આભાર માન્યો કારણ કે જો અપૂર્વે એની મદદ ન કરી હોત તો આજે વૈદેહીની સગાઈ સિરાજ સાથે થઈ ગઈ હોત.

જ્યારે શિખાને અપૂર્વએ વૈદેહીની સગાઈ વિશે કહ્યું ત્યારે એને સમજાઈ નહતું રહ્યું કે શું કરવું ? એણે સાર્થકને ફોન કર્યો પણ સાર્થકનો ફોન બિઝી આવી રહ્યો હતો. એ એટલી બધી ટેન્શનમાં આવી ગઈ કે એને ચક્કર આવવાં લાગ્યાં અને એ બેભાન થઈ ગઈ. અપૂર્વએ એને સાઈડ પર સુવડાવી અને એની બેગ ફંફોસી. એમાંથી એને એનું આધારકાર્ડ મળ્યું. એનાં લખેલા એડ્રેસ પર અપૂર્વ એને છોડવા ગયો. ઘરે પહોંચ્યાની દસેક મિનિટ પછી શિખા સહેજ ભાનમાં આવી અને એણે સાર્થક તેમજ એનાં મમ્મી પપ્પાને બધું જણાવ્યું.

"ભાઈ, મમ્મી પપ્પા વૈદુને બચાવી લો."

શિખાનાં પપ્પા રજનીશભાઈએ એક પળનો પણ વિચાર કર્યા વિના એમનાં એક મિત્ર જે બેંકમાં કામ કરતાં હતાં એને ફોન કરી તાત્કાલિક ત્રીસ લાખ રૂપિયા ઉપાડવા કહ્યું. રકમ વધુ હોવાથી થોડો સમય લાગશે એવું એમનાં મિત્રએ કહ્યું. આટલો સમય વૈદેહી પાસે નહતો. એમની સગાઈનું મુહૂર્ત સાંજે ચાર વાગ્યાની આસપાસ છે એવું અપૂર્વએ કહ્યું.

સાર્થકે એક પ્લાન બનાવ્યો અને શિખા તેમજ અપૂર્વને કહ્યું. તેથી અપૂર્વએ એનો એક મિત્ર જે હેકર હતો એને ફોન કરી સિરાજનાં સાગરીતોનાં ફોન બંધ કરવા કહ્યું. અપૂર્વએ એનાં બીજા બધા મિત્રોને પણ કામે લગાડી દીધા અને એમાંથી અમુકે બુરખો પહેરી સિરાજનાં સાગરીતોને રસ્તામાં રોક્યા અને એમને બેભાન કરી દીધા. સાર્થકનાં અમુક મિત્રો રસ્તામાં ઝગડો શરૂ કરી દીધો અને ત્યાં ટ્રાફિક થઈ ગઈ. એક મિત્રએ સિરાજની ગાડી જ્યારે ટ્રાફીકમાં ઉભી રહી ત્યારે પેટ્રોલની ટાંકી કાણી કરી નાંખી. જેથી સિરાજ મોડો પહોંચે. આ દરમિયાન સાર્થકે વૈદેહીનાં ઘરે પહોંચી ગોવિંદભાઈને ત્રીસ લાખ રૂપિયા સિરાજ આવે ત્યારે આપવા માટે કહ્યું અને અપૂર્વને બધાં સામે આવવાની એણે ના પાડી.

ગોવિંદભાઈએ સિરાજને રૂપિયા આપ્યા પણ ત્રીસ લાખ મળ્યા પછી પણ સિરાજ વૈદેહીને છોડવા નહતો માંગતો ત્યારે અપૂર્વએ એનાં મિત્રોની ફરીથી મદદ લીધી. એમાંથી એકે વેશ બદલી પોલીસ સ્ટેશનમાં સિરાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને સાથે સાથે એ એની સાથે નકલી મીડિયા પણ લઈ ગયો જેમાં અપૂર્વ અને સાર્થકનાં મિત્રો જ હતા. સિરાજ પોલીસ સ્ટેશન પહોંચે એ પહેલાં એ લોકો ત્યાંથી નીકળી ગયા.

પોલીસ સ્ટેશન જતાં પહેલાં સિરાજે ગોવિંદભાઈને કહ્યું હતું એ વૈદેહી સાથે લગ્ન કરીને જ રહેશે જે સાંભળી બધાં ગભરાઈ ગયા. વૈદેહીને પોતાની જાત પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ દોડીને એનાં રૂમમાં જતી રહી. સાર્થક, શિખા અને અપૂર્વ એની પાછળ દોડ્યા. વૈદેહીએ અંદરથી રૂમ લોક કરી દીધો હતો. સાર્થક અને અપૂર્વએ મહામહેનતે દરવાજો તોડ્યો. અંદરનું દ્રશ્ય જોઈ ત્રણેય ડઘાઈ ગયા. વૈદેહી પંખે લટકી રહી હતી. વૈદેહી હજી તરફડીયા મારી રહી હતી. શિખાએ તરત એનાં પગ પકડી લીધા અને સાર્થક અને અપૂર્વએ એને નીચે ઉતારી.

વૈદેહી કંઈપણ સાંભળવાની હાલતમાં નહતી. એ બસ પોતે જીવવા નથી માંગતી એનું રટણ કરતાં કરતાં બેભાન થઈ ગઈ. શિખા એની પાસે બેઠી જ્યારે સાર્થક અને અપૂર્વ બહાર આવ્યાં.

"સિરાજ આવશે ત્યારે જો એ વૈદેહીને આવી રીતે જોશે તો એ એને લગ્ન કર્યા વિના જ એની સાથે લઈ જશે." દયાબેન બોલ્યાં.

"અને તમે લઈ જવા દેશો ?" સાર્થકે ગુસ્સામાં કહ્યું.

"એમની પાસે બીજી આશા પણ શું રાખી શકાય. આજે નહીં તો કાલે તેઓ વૈદેહી સિરાજને સોંપી જ દેશે." ત્યાં ઉપસ્થિત એક માણસે કહ્યું.

"હા હા, તમે બધા તો એવું જ કહેશો ને ? જેના જીવ પર આવે ને એને ખબર પડે. શું તમે એ અપશુકનિયાળને તમારા ઘરમાં રાખવા તૈયાર છો ? એ સિરાજ હેવાન છે. એ તો એને લઈ જ જશે." દયાબેને કહ્યું.

"જો તમારી સગી દીકરી સાથે આવું કંઈ થાત તો પણ તમે આવું જ વર્તન કરતા ?" સાર્થકે પૂછ્યું. દયાબેને મોં મચકોડ્યું.

"એમને સમજાવવાથી કંઈ નહીં થાય બેટા. એમનાં હાથમાં હોય ને તો તો એ આ ફૂલ જેવી દીકરીને બજારમાં પણ વેચી આવે." એક વૃદ્ધાએ કહ્યું.

"વાત તો સાચી છે સાર્થક. વૈદેહીની સેફ્ટીની કોઈ ગેરંટી નથી. સિરાજ ગમે ત્યારે આવીને એને લઈ જશે અને આ લોકો કંઈ પણ કરશે નહીં."અપૂર્વએ સાર્થકને કોઈને સંભળાય નહીં એમ કહ્યું.

સાર્થક થોડીવાર સુધી કંઈ બોલ્યો નહીં. એણે અંજલી, દયાબેન અને ગોવિંદભાઈ તરફ જોયું. એમનું વર્તન જોઈ એને એટલું તો સમજાઈ જ ગયું કે એ લોકોને વૈદેહીની કંઈ પડેલી નથી અને જો સિરાજ ફરીથી આવશે તો તેઓ એને વૈદેહી સોંપી જ દેશે. એણે એની આંખો બંધ કરી અને એક નિર્ણય કર્યો. એ વૈદેહીનાં રૂમમાં ગયો. વૈદેહી હજી ભાનમાં આવેલી જ હતી. એ વૈદેહીનો હાથ પકડી બહાર લાવ્યો. વૈદેહી સહિત બધા જ સાર્થકને આશ્ચર્યનાં ભાવ સાથે જોવા લાગ્યા. સાર્થકે વૈદેહીની આંખમાં જોઈને કહ્યું,

"શું તું મારી સાથે લગ્ન કરીશ ? આજે જ, હમણાં જ, આ જ મંડપમાં."

સાર્થકની વાત સાંભળી બધાં જ એકબીજા તરફ જોઈ ગણગણાટ કરવા લાગ્યા. શિખા સાર્થક પાસે આવી અને કહ્યું,

"ભાઈ, વૈદેહી મારી મિત્ર જ નહીં પણ મારી બહેન જેવી છે. જો એને કોઈ તકલીફ પહોંચી તો...."

"શું તું તારી મિત્રને તારી ભાભી બનાવશે ?" સાર્થકે શિખાને પૂછ્યું.

શિખા હસી અને વૈદેહી તરફ ફરીને કહ્યું,

"વૈદુ, આ નર્કમાંથી નીકળી જા." કહી શિખાએ વૈદેહીનો હાથ સાર્થકનાં હાથમાં મૂક્યો. વૈદેહી કંઈ બોલી નહીં. એ બસ સાર્થક તરફ આંસુભરી નજરે જોઈ રહી.

સાર્થકે ત્યાં ઉપસ્થિત મહારાજને એમનાં લગ્ન કરાવવા કહ્યું અને મહારાજે ખૂબ જ ટુંકમાં એમનાં લગ્ન કરાવી આપ્યા. એ જ સમયે સિરાજ ત્યાં આવી પહોંચ્યો. એ એકલો હોવાથી કંઈ પણ કરવા અસમર્થ હતો તેથી તે ત્યાંથી જતો રહ્યો પણ એ આમ ચૂપ નહીં બેસે એ ત્યાં ઉપસ્થિત બધા જ જાણતાં હતાં.

સાર્થક વૈદેહીને લઈ એનાં ઘરે ગયો. અપૂર્વ પણ સાથે જ હતો કારણ કે સાર્થક બાઈક લઈને આવ્યો હતો તો એની બાઈક પર વૈદેહી હતી તેથી અપૂર્વ શિખાને એનાં ઘરે મૂકવા ગયો.

સાર્થક અને વૈદેહીને આ રીતે લગ્નગ્રંથિથી બંધાયેલા જોઈને રજનીશભાઈ અને ગરિમાબેનને આંચકો લાગ્યો પણ જ્યારે શિખાએ એમને બધી વાત કરી ત્યારે એમણે સહર્ષ વૈદેહીનું સ્વાગત કર્યું.

અત્યારે વૈદેહી અને સાર્થક સાર્થકનાં રૂમમાં હતા. આખો રૂમ રંગબેરંગી ફૂલો અને હાર્ટ શેપનાં બલૂન્સ વડે સજાવેલો હતો. વૈદેહી હજી પણ ઉદાસ હતી. સાર્થક એને નોર્મલ કરવાનાં પ્રયાસ કરી રહ્યો હતો.

કેવું રહેશે સાર્થક અને વૈદેહીનું લગ્નજીવન ? સિરાજ વૈદેહી અને સાર્થકનું લગ્નજીવન સુખમય રીતે આગળ વધવા દેશે ? જાણવા મળશે આગળનાં ભાગમાં....