Varasdaar - 85 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 85

વારસદાર - 85

વારસદાર પ્રકરણ 85

મંથન એક પછી એક જવાબદારીઓ પૂરી કરી રહ્યો હતો. ઘણા બધા કાર્યોમાં ગુરુજીએ એને નિમિત્ત બનાવ્યો હતો. એને દરેક કામમાં સફળતા મળતી હતી એનું કારણ ગુરુકૃપા અને ગોપાલદાદા ના આશીર્વાદ હતા.

છેલ્લી જવાબદારી તર્જનીની હતી એ પણ સરસ રીતે પૂરી થઈ ગઈ હતી અને મુરતિયો પણ સારો મળ્યો હતો. ચિન્મયને પોતાને પણ કલ્પના ન હતી કે મંથન સર એનું કિસ્મત બદલી નાખશે. આજે એની પાસે મુલુંડનો વૈભવી બંગલો, લોઅર પરેલનો વિશાળ ફ્લેટ, ગાડી અને અપ્સરા જેવી તર્જની હતી.

એનાં વૈભવી લગ્નના સમાચાર છેક અમદાવાદ એનાં ફોઈબા સુધી પહોંચી ગયા હતા. મંથન શેઠે ચિન્મયનાં મામા મામી અને દીકરી જમાઈ સાથે જે વ્યવહાર કર્યો એ બધી વાત એમના કાન સુધી પહોંચી ગઈ.

એમનો જીવ બળીને ખાખ થઈ ગયો. આટલા બધા દાગીના અને લાખ રૂપિયા પોતાના હાથમાંથી ગયા એનો બહુ જ અફસોસ થયો. ભત્રીજા સાથે રસોઈની વાત થઈ ગઈ હતી છતાં જીગ્નેશ ના કહેવાથી એમણે માની લીધું કે ચિન્મય ટ્રેનમાં જમીને જ આવ્યો હશે ! એમણે એ પણ ના પૂછ્યું કે તું ખરેખર જમીને આવ્યો છે કે જમવાનું બાકી છે ? પરંતુ જે થવાનું હતું તે થઈ ગયું હતું. હવે પસ્તાવાનો કોઈ મતલબ પણ ન હતો !

તર્જનીના લગ્નના લગભગ એકાદ મહિના પછી અદિતિએ મંથન આગળ શિરડી સાંઈબાબાનાં દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

" કહું છું મેં એક પણ વાર શિરડી જોયું નથી. મુંબઈથી ઘણા લોકો અવારનવાર સાંઈબાબાનાં દર્શન કરવા જાય છે. તર્જનીબેનનાં લગ્ન થયાં છે તો એકવાર આપણે બધાં સાથે શિરડી દર્શન કરી આવીએ. " અદિતિ બોલી.

" ઈશ્વરની કોઈપણ ચેતનાનાં દર્શન માટે હું હંમેશા તૈયાર જ હોઉં છું. બોલ ક્યારે જવું છે ? " મંથન બોલ્યો.

"અઠવાડિયા પછી પોષ મહિનાની પૂનમ આવે છે. દર્શન કરવા માટે પૂનમનો દિવસ સારો ગણાય એટલે એ દિવસે જ જઈએ. તમે ચિન્મયકુમાર સાથે પણ વાત કરી લેજો. " અદિતિ બોલી.

"હું આજે જ વાત કરી લઉં છું. જેથી એ પણ શિરડી જવાની તૈયારી કરે. " મંથન બોલ્યો.

ચિન્મય અને તર્જની માટે તો મંથન ઈશ્વરનો અવતાર હતો. ના પાડવાનો કોઈ સવાલ જ ન હતો અને આ તો સાંઈબાબાના દર્શને જવાનું હતું !!

છેવટે પોષ સુદ પૂનમના દિવસે મંથન અને ચિન્મય ગાડી લઈને સવારે ૭:૩૦ વાગે શિરડી જવા માટે નીકળી ગયા. સદાશિવ ચાર દિવસ માટે કોઈ મેરેજમાં રજા ઉપર ગયો હતો એટલે ગાડી મંથન જ ચલાવતો હતો.

શિરડી બે રસ્તે પહોંચાતું હતું પરંતુ વધુ સારો રસ્તો એન.એચ ૧૬૦ નો હાઈવે હતો. ૨૪૬ કી.મી નું અંતર ગાડી દ્વારા પહોંચવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગતો હતો.

રસ્તામાં જમવાનું મળી શકે એમ હતું તેમ છતાં પણ વીણા માસીએ બધાંને માટે થેપલાં દહીં અને બટેટાની સૂકી ભાજી લઈ લીધી હતી.

વચ્ચે ઇગતપુરીમાં આનંદ મંગલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ચા સાથે થેપલાં અને સૂકી ભાજીનો નાસ્તો કરી લીધો. એ પછી દેવલાલીમાં નીચે ઉતરીને ચારે બાજુનું કુદરતી સૌંદર્ય જોયું અને ત્યાં ફરી ચા પી લીધી.

શિરડી પહોંચ્યા ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. મંદિરમાં દર્શન તો મોડી રાત સુધી ચાલુ જ હતાં એટલે સૌથી પહેલો પ્રોગ્રામ જમવા માટેનો બનાવ્યો. હકીકતમાં મંથન નાહી ધોઈને જ દર્શન કરવા ઇચ્છતો હતો !

મંથને ગૂગલમાં સર્ચ કરીને મધુબન રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું અને ગાડીને રુઈ શિવ રોડ ઉપર લઈ લીધી.
ગૂગલમાં જે રીતે આ ડાઇનિંગ હોલને સારું રેટિંગ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે રસોઈ ખરેખર સરસ હતી !

સારી હોટલની ઇન્કવાયરી મંથને રેસ્ટોરન્ટમાં જમતાં જમતાં જ કરી લીધી અને એણે ઉતરવા માટે એ જ રોડ ઉપર આવેલી 'સાંઈ નીમ ટ્રી' હોટેલ પસંદ કરી.

મંથને બે રૂમ બુક કરી દીધા. વીણા માસીને પોતાની જ રૂમમાં લઈ લીધાં. તર્જની અને ચિન્મય બાજુના રૂમમાં ગયાં.

રૂમમાં સામાન વગેરે ગોઠવી દીધા પછી મંથન રિસેપ્શન કાઉન્ટર ઉપર આવ્યો અને બાબાનાં દર્શન વિશે પૂછપરછ કરી.

રિસેપ્શન ક્લાર્કના કહેવા પ્રમાણે દર્શન તો સવારના ૪ વાગ્યાથી રાતના ૧૦:૩૦ સુધી થઈ શકતાં હતાં પરંતુ સવારની મંગલા આરતી ૪:૩૦ વાગે થતી હતી એનું બહુ મહત્વ હતું. જો તમે લાઈનમાં ઊભા રહો તો બે થી ત્રણ કલાક લાગે અને જો ભીડ હોય તો ચારથી પાંચ કલાક પણ લાગે.

વીઆઈપી ટિકિટ લઈને જવું હોય તો ૬૦૦ રૂપિયામાં પ્રાયોરિટીમાં જવા દે અને જો તત્કાલ દર્શન કરવા હોય તો ૧૫૦૦ રૂપિયા ટિકિટના થતા હોય છે. એમાં સ્પેશિયલ કેસ તરીકે તરત જ દર્શન કરાવતા હોય છે. આ બધા પાસ ઓનલાઇન લેવા પડતા હોય છે.

આટલી માહિતી પૂરતી હતી. મંથને આવતીકાલ સવાર માટે ૧૫૦૦ વાળા પાંચ પાસ ઓનલાઇન લઈ લીધા. સવારે વહેલા ઊઠીને ચાર વાગ્યે જ દર્શન કરવા માટે મંદિરે પહોંચવાનું નક્કી કર્યું.

હજુ તો બપોરના અઢી વાગ્યા હતા એટલે મંથને સમયનો ઉપયોગ કરવા માટે શનિ શિંગણાપુર શનિદેવનાં દર્શન કરવાનું નક્કી કર્યું. શીંગણાપુર ૮૦ કી.મી હતું એટલે એકાદ કલાકમાં એ લોકો પહોંચી ગયા.

શનિદેવના આ મંદિરમાં લગભગ પોણા છ ફૂટ ઊંચી કાળા પથ્થરની સુંદર મૂર્તિ છે જેના ઉપર કોઈ છત્ર નથી. એકદમ ખુલ્લામાં આ મૂર્તિ છે. આ મૂર્તિ આમ તો એક કાળો પથ્થર જ છે પરંતુ એમાં શનિદેવ સ્વયંભૂ બિરાજમાન છે. એના ઉપર દર્શનાર્થી પુરુષો અડદ મિશ્રિત સરસીયાના તેલનો અભિષેક કરે છે. ત્યાં નાહ્યા વગર મૂર્તિની સ્પર્શ કરવાની મનાઈ છે અને ત્યાં ન્હાવાની સગવડ પણ છે. ન્હાઈને પહેરવા માટે પીતાંબર અથવા ધોતી પણ આપવામાં આવે છે. ધોતી પહેરીને જ તેલનો અભિષેક કરી શકાતો હોય છે.

મંથન અને ચિન્મયે નાહી લીધું અને ભીની ધોતી પહેરીને તેલનો અભિષેક કરી લીધો. વીણામાસી અદિતિ તેમજ તર્જનીએ દૂરથી બે હાથ જોડીને ભાવથી દર્શન કર્યાં.

શીંગણાપુરની એક ખાસિયત છે કે એ ગામમાં કોઈના પણ ઘરે દરવાજા હોતા નથી. કોઈના પણ ઘરમાં સૂટકેસ કે કબાટ હોતું નથી. ગમે તેવી કીમતી વસ્તુ પોટલામાં બાંધવામાં આવે છે અથવા કોઈ ડબ્બામાં રાખવામાં આવે છે.

દર્શન કરીને એ લોકો ફરી પાછા ગાડીમાં ગોઠવાયા અને દોઢ કલાકમાં શિરડી પહોંચી ગયા. સાંજના છ વાગી ગયા હતા.

હોટલે ગાડી મૂકીને મંથન લોકો શિરડીના બજારમાં લટાર મારવા નીકળ્યા અને એકાદ કલાક ચક્કર માર્યું.

મંદિરમાં પણ જમવાની સુંદર વ્યવસ્થા હતી. સાંઈ પ્રસાદાલયમાં સવારે અને સાંજે તમામ ભક્તો માટે પ્રસાદની એટલે કે ભોજનની વ્યવસ્થા હતી. માત્ર ૫૦ રૂપિયામાં દાળ, ભાત, રોટલી, સોજીનો શીરો, બે શાક અને કઠોળ પીરસવામાં આવતું હતું. એટલે પછી રાત્રે ૮ વાગે મંથન લોકોએ પ્રસાદાલયમાં જ ભોજન લઈ લીધું.

અહીં બીજું કંઈ ફરવા જેવું ન હતું એટલે પછી એ લોકો રાત્રે ૯:૩૦ વાગે સીધા હોટલ ઉપર જ આવી ગયા.

સવારે ચાર વાગ્યે દર્શન કરવા નીકળવાનું હતું એટલે બધા વહેલા સૂઈ ગયા. મંથનને તો ઉઠવાની ટેવ હતી જ. ચિન્મયે પોતાના રૂમમાં સાડા ત્રણ વાગ્યાનું એલાર્મ મૂકી દીધું. મંથન તો સવારે ત્રણ વાગે જ ઊઠી ગયો કારણકે બધાંએ ન્હાવાનું હતું.

મંદિરે પહોંચ્યા ત્યારે ૪:૨૫ થઈ ગઈ હતી. આરતી શરૂ થવાની તૈયારી હતી. ૧૫૦૦ નો પાસ હતો એટલે એન્ટ્રી તરત મળી ગઈ હતી. ભવ્ય આરતી લાંબો સમય ચાલી. મંથનને દર્શન કરતાં કરતાં એક ક્ષણ માટે સાંઈબાબા એકદમ જીવંત દેખાયા. મંથન સાઈબાબાની જાગૃત ચેતના અનુભવી રહ્યો હતો.

દર્શન પતી ગયા પછી બજારમાં જ એક સ્ટોલ ઉપરથી ચા પી લીધી. અદિતીએ અભિષેક માટે બોટલમાં દૂધ લઈ લીધું. એ પછી બધા સાડા પાંચ વાગે હોટલમાં પાછા આવ્યા.

મંથનનું ધ્યાન બાકી હતું એટલે એ ધ્યાનમાં બેસી ગયો. આજે ગમે તે કારણે સરખું ધ્યાન લાગી રહ્યું ન હતું. મન આખો દિવસ બહાર નીકળી જતું હતું અને વિચારો ઘેરી વળતા હતા. આજે આવું કેમ થાય છે એ મંથન સમજી શકતો ન હતો !

સવારે સાત વાગે અદિતિ અને ચિન્મય ને પોતાના રૂમમાં બોલાવ્યાં અને મંથને ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો.

" મારો વિચાર છે કે ગડાશેઠનો જે બંગલો છે એ ૪૦૦૦ ચોરસ વારમાં છે. હવે ત્યાં તો કોઈ રહેવાનું છે નહીં. તો આપણે ત્યાં લક્ઝુરિયસ ફ્લેટની એક સ્કીમ મૂકીએ. કરોડોનો પ્રોફિટ થશે જે તમારો જ રહેશે. " મંથન બોલ્યો.

" ભાઈ એ બંગલો મારો નથી તમારો જ છે. એના માટે તમારે જે પણ નિર્ણય લેવો હોય તે લઈ શકો છો. તમે ના હોત તો આજે પણ હું પારલાના એ માળામાં જ રહેતી હોત ! મને તમે ઘણું આપ્યું છે. " તર્જની બોલી.

" તર્જનીની વાત સાચી છે સર. તમે અમને રહેવા માટે ખૂબ જ સુંદર ફ્લેટની વ્યવસ્થા કરી આપી છે. એ બંગલો તમારો જ છે અને તમને યોગ્ય લાગે તે નિર્ણય લઈ શકો છો." ચિન્મય બોલ્યો.

" ઠીક છે તો પછી બે ચાર દિવસ પછી હું એન્જિનિયર ને ત્યાં મોકલી આપીશ. એ જગ્યા માપી લે પછી આર્કિટેકને પ્લાન કરવા માટે આપી દઈશું. પાંચ માળનાં બે ટાવર આરામથી બની જશે." મંથને કહ્યું.

" ગડાશેઠની મુલુંડમાં જે વિશાળ ઓફિસ છે અને ભાંડુપમાં એક વેરાન પડેલું કોમ્પ્લેક્સ છે એ પણ વેચી દેવાની મારી ઈચ્છા છે. કોમ્પ્લેક્સ તો એકદમ તૈયાર જ છે. એટલે કોઈ પણ બિલ્ડર એને લઈને રિનોવેશન કરી દેશે. ઓફિસ પણ કોઈ વ્યાપારી લઈ શકશે. આપણે આ બે પ્રોપર્ટી માટે જાહેરાત આપી દઈએ. " મંથન બોલ્યો.

" તમારી પાસેથી ઘણું શીખવા જેવું છે સર. તમારું મગજ કેટલું બધું સક્રિય રહે છે. અમારા માટે કેટલું બધું વિચારો છો ? " ચિન્મય બોલ્યો.

" કારણ કે હું બિલ્ડર છું. પેલી કહેવત છે ને કે સુથારનું મન સાગમાં અને માળીનું મન બાગમાં ! " મંથન હસીને બોલ્યો.

ચા નાસ્તો આવી ગયો એટલે બધાંએ ધ્યાન એમાં પરોવ્યું. એ પછી અદિતિએ અભિષેકને દૂધ પાયું અને નવરાવીને તૈયાર કર્યો. એને મંદિરમાં ઊંઘતો જ લઈ ગયા હતા.

"આપણે જમવાનું ક્યાં રાખવું છે ? કાલે બપોરે ગયા હતા ત્યાં જમવું છે કે પછી પ્રસાદાલયમાં જ જમી લેવું છે ?" મંથને પૂછ્યું.

" મને તો પ્રસદાલયનું ભોજન સારું લાગ્યું. ઘર જેવું જમવાનું હતું. હોટલનું જમવાનું એસિડિટી કરે છે. " વીણા માસી બોલ્યાં.

" બસ તો પછી માસી જ્યાં કહે એ ફાઈનલ." અદિતિ બોલી.

એ પછી ૯ વાગે મંથન લોકો ગાડીઓ લઈને દ્વારકામાઈ નામની પ્રસિદ્ધ જગ્યા ઉપર પણ દર્શન કરી આવ્યા. આ સ્થળ સાંઈબાબાનું નિવાસ સ્થાન ગણાય છે. હકીકતમાં આ એક મસ્જિદ હતી પરંતુ અત્યારે મસ્જિદ જેવું કંઈ લાગતું નથી. ત્યાંથી સમાધિ મંદિર દર્શન કરીને હોટલ ઉપર પાછા આવ્યા ત્યારે ૧૦:૩૦ વાગી ગયા હતા.

હોટલે આવીને ૧૧ વાગે એ લોકો ચાલતાં જ જમવા માટે ગયાં. આજે પણ જમવામાં સોજીના લોટનો શીરો, રોટલી, દાળ ભાત, રીંગણ પાપડી નું શાક, બટેટાનું શાક અને છોલે ચણા હતા !

" એક કામ કરો. તમે લોકો ચાલતા ચાલતા હોટલે જાઓ. હું ફરી એકવાર લાઈનમાં ઉભો રહીને સાંઈબાબાનાં દર્શન કરી આવું. " જમીને બહાર આવ્યા પછી અચાનક જ મંથન બોલ્યો.

અદિતિ મંથનના સ્વભાવને જાણતી હતી એટલે એ સમજી ગઈ.

" ચાલો આપણે હોટલ ઉપર જઈએ. એમને ફરી દર્શન કરવા દો. " અદિતિ બોલી અને બધાં હોટલ તરફ આગળ વધ્યાં.

મંથન લાઈનમાં ઊભો રહ્યો. એના નસીબે અત્યારે ભીડ ઓછી હતી કારણ કે અત્યારે જમવાનો ટાઈમ હતો. લગભગ દોઢેક કલાકમાં જ એનો નંબર લાગી ગયો. ભગવાનની મૂર્તિની બરાબર સામે આંખો બંધ કરીને એ દિલથી પ્રાર્થના કરતો રહ્યો.

મંદિરના પૂજારીને ખબર નહીં શું સૂઝ્યું કે સાંઈબાબાના ચરણોમાંથી એક ગુલાબનું ફૂલ લઈને મંથનના હાથમાં મૂક્યું. મંથને આંખો ખોલી. એની આંખો સાઈબાબાની આ કૃપા જોઈને ભીની થઈ ગઈ.

તો મને આ ફૂલ આપવા જ બોલાવ્યો હતો ને ? મંથન મનોમન હસ્યો અને સાંઈબાબાની સામે જોઈને એમનો આભાર માન્યો. ગુલાબના ફૂલને માથે ચડાવીને એણે ખિસ્સામાં મૂક્યું. એ પછી એ બહાર નીકળી ગયો અને દસ મિનિટમાં હોટલે પહોંચી ગયો.

"અત્યારે અઢી વાગ્યા છે. આપણે હવે નીકળીએ. કારણ કે પાંચ કલાકનો રસ્તો છે. શિયાળો છે એટલે વહેલી રાત પડી જશે. " મંથન બોલ્યો.

દર્શનનું કામ પતી ગયું હતું. જમવાનું પણ થઈ ગયું હતું એટલે બધા ફરી પાછા મુંબઈ જવા માટે તૈયાર થઈ ગયા.

ઘરેથી એ લોકો બે મોટા જગ લઈને આવ્યા હતા. એમાં હોટલમાંથી એકદમ ઠંડુ પાણી ભરી લીધું. ત્રણ વાગે એ લોકોએ હોટલ ચેક આઉટ કરી દીધી અને સાંઈબાબાનાં મનોમન દર્શન કરીને મંથને ગાડી સ્ટાર્ટ કરી.

દેવલાલી આવ્યું ત્યાં નીચે ઉતરીને ચા પાણી પી લીધાં. ઘર જેવી ચા ક્યાંય પણ મળતી ન હતી.

મંથને ત્યાંથી ગાડી ઉપાડી અને સીધા ઇગતપુરી ધમ્મા ગીરી લઈ લીધી. આ વિપશ્યના સાધના માટેનું એક સેન્ટર હતું. અદભુત શાંતિ પ્રવર્તતી હતી. એક ગાઈડે મંથન ફેમિલીને આખુંય સેન્ટર બતાવ્યું. આ સેન્ટરમાં અવારનવાર વિપશ્યના શિબીરો યોજાતી હતી.

ત્યાં કલાક જેવું રોકાઈને મંથને ભવાલી ડેમ તરફ ગાડી લીધી. એણે શિરડી જતાં પહેલાં જ ગૂગલ ઉપર તમામ જોવાલાયક સ્થળોનો અભ્યાસ કરી લીધો હતો. આ ડેમ ખરેખર અદભૂત હતો. પાણીનો એક બાજુ ધોધ પડી રહ્યો હતો અને બીજી બાજુ વિશાળ સરોવર હતું. નયનરમ્ય ગ્રીનરી પણ હતી. જો કે રાત પડી ગઈ હતી છતાં બધાંએ અડધો કલાક સુધી પ્રકૃતિનો આનંદ માણ્યો.

મંથને મુંબઈ જવા માટે ગાડી સ્ટાર્ટ કરી ત્યારે સાંજના સાડા સાત વાગી ગયા હતા. અને જાન્યુઆરી મહિનો હોવાથી રાત પણ વહેલી પડી જતી હતી.

હાઇવે ઉપર ટ્રાફિક ઘણો હતો અને રાતનો ટાઈમ હોવાથી સામેથી આવતી લાઈટોથી આંખો અંજાઈ જતી હતી. છતાં વર્ષોથી ગાડી ચલાવતો હોવાથી મંથન ૧૨૦ની સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો. પાછળ આવી રહેલા બહેન બનેવીનો વિચાર કરીને એ ગાડી વચ્ચે વચ્ચે ધીમી કરી દેતો હતો.

" સર તમારી પાછળ ને પાછળ જ છું. ગાડી ધીમી કરવાની કોઈ જરૂર નથી. " ચિન્મયે ફોન કરીને જણાવ્યું.

મંથને એ પછી ફરી ૧૨૦ ની સ્પીડ પકડી લીધી. જોત જોતામાં શહાપુરા પણ પસાર થઈ ગયું. શહાપુરા થી થાણા જતાં વચ્ચે એક વળાંક આવે છે. ગાડી ફૂલ સ્પીડમાં હતી. વળાંક લેતાં જ મંથનને એક ટ્રક સાઈડમાં ઊભેલી દેખાય. મંથનની લેનમાં આગળ બીજી એક બસ ધીમી ગતિએ જઈ રહી હતી.

મંથને ગાડીને કંટ્રોલ કરવા ઘણી કોશિશ કરી પરંતુ ગાડી એટલી સ્પીડમાં હતી કે બ્રેક દબાવતાં દબાવતાં તો ગાડી ધડાકા સાથે ટ્રકની પાછળ જ અથડાઈ ગઈ ! ગાડીમાં બેઠેલાં તમામ ચીસ પાડી ઉઠ્યાં.

ચિન્મયની ગાડી પાછળ જ આવતી હતી. ચિન્મયે આ ભયંકર દ્રશ્ય જોયું.

"ઓહ.. નો" એનાથી પણ બૂમ પડાઈ ગઈ.

ચિન્મયે નજીક જઈને મર્સિડીઝની પાછળ ગાડી ઉભી રાખી. ચિન્મય અને તર્જની ઝડપથી નીચે ઉતર્યાં. આજુબાજુ બીજી પણ ગાડીઓ ઉભી રહી.

ચિન્મયે આગળ જઈને જોયું તો ગાડીનું આગળનું બોનેટ ટ્રકની પાછળ નીચે ઘૂસી ગયું હતું. ગાડીના કાચ પણ તૂટી ગયા હતા અને સ્ટીયરિંગ વીલ મંથનની છાતી સુધી આવી ગયું હતું

મર્સિડીઝ ગાડી મજબૂત હતી એટલે આટલી મોટી ટક્કર હોવા છતાં બોનેટને બાદ કરતાં ગાડીનો પાછળનો ભાગ એકદમ સલામત હતો. આગળની સીટો ઉપર બેઠેલાં મંથન અને અદિતિના કપાળમાંથી લોહી નીકળતું હતું અને બંને બેભાન થઈ ચૂક્યાં હતાં.

બેભાન મંથનના ખોળામાં ગુલાબનું એક ફૂલ પડ્યું હતું ! ચિન્મયે એ ફૂલ ઉપાડીને મંથનના કપાળે અડકાડીને ફરી એના ખીસ્સામાં મૂક્યું. ચિન્મય સમજી ગયો કે આ ફૂલ જરૂર મંથન સરે સાંઈબાબાના મંદિરમાંથી લીધું હશે !

વીણામાસીને આગળની સીટ માથામાં જોરથી વાગી હતી એટલે એમને પણ થોડું લોહી નીકળ્યું હતું. છતાં એ જાગૃત અવસ્થામાં હતાં. અકસ્માત વખતે અભિષેક વીણામાસીના ખોળામાં હતો એટલે એ એકદમ સલામત હતો.

ચિન્મયે તરત જ પોલીસને ફોન કર્યો અને સાથે સાથે એમ્બ્યુલન્સ પણ બોલાવી લીધી. ૧૫ મિનિટમાં જ થાણેથી એમ્બ્યુલન્સ આવી ગઈ. પાછળ ને પાછળ પોલીસની વાન પણ આવી. ટ્રાફિક જામ થઈ ગયો હતો.

કેસ બહુ ઈમરજન્સીનો હતો એટલે પોલીસે જરૂરી પૂછપરછ કરીને ફોટા વગેરે પાડીને એમ્બ્યુલન્સમાં બન્નેને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ થાણે મોકલી દીધાં. ચિન્મય પણ વીણામાસી અને અભિષેકને લઈને પાછળ પાછળ હોસ્પિટલ પહોંચી ગયો.

ચિન્મયે રસ્તામાં જ ફોન કરીને એના મામા તેમજ ઝાલા અંકલને ફોન કરી દીધા. તર્જનીએ પણ કેતાદીદીને ફોન કરી દીધો.

બન્નેને ઇમર્જન્સી વોર્ડમાં લઈ લેવામાં આવ્યાં. વીણામાસીને ડ્રેસિંગ કરીને એક ઇન્જેક્શન આપી દીધું. એમનો કેસ સિરિયસ ન હતો.

મંથનના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા. તમામ ટેસ્ટ નોર્મલ આવ્યા. સ્ટિયરિંગ વ્હીલ દબાયું હોવા છતાં પણ એ અદભુત રીતે બચી ગયો હતો. પરંતુ માથામાં વાગ્યું હોવાથી એ બેહોશ હતો !

અદિતિની હાલત નાજુક હતી. એના ખભાના હાડકા પાસે ફેક્ચર હતું તો
માથામાં પણ સખત વાગ્યું હતું એટલે બ્રેઈન હેમરેજ થયું હતું.

ઇમર્જન્સી સારવાર આપીને બંનેને આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યાં. ચિન્મયે ડોક્ટરને મંથનનો પરિચય આપી દીધો હતો. મંથનનું નામ એની નર્સિંગ સેવાઓના કારણે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયું હતું એટલે બંનેને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી. અદિતિ કોમામાં સરી ગઈ હતી !!

નિયતિ એની રીતે જ એનું કામ કરી લેતી હોય છે. અદિતિને શિરડી જવાનો વિચાર અચાનક આવ્યો એ પણ નિયતિનો જ એક ખેલ હતો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

Rate & Review

Pravin shah

Pravin shah 2 weeks ago

prakash dave

prakash dave 3 months ago

Chetan Madhvani

Chetan Madhvani 3 months ago

Sharda

Sharda 4 months ago

milind barot

milind barot 5 months ago