Varasdaar - 84 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | વારસદાર - 84

વારસદાર - 84

વારસદાર પ્રકરણ 84

ચિન્મયનો મક્કમ નિર્ણય સાંભળી મામા મામી થોડાં ઢીલાં પડ્યાં. ભાણો જો જાતે કન્યા પસંદ કરીને લગ્ન કરી લે તો પોતાની જ માનહાની થાય. પોતે જોડે રહીને લગ્ન કરાવે તો પોતાને પણ યશ મળે કે ભાણાને પરણાવ્યો ! અને ચિન્મય હવે માનવાનો તો છે જ નહીં એટલે પછી એમણે નમતું મૂક્યું.

" ઠીક છે ભાઈ. શેઠની આગળ તારી આટલી મજબૂરી હોય તો અમે શું કરવાનાં હતાં ? ક્યાં જવાનું છે અને કેવી રીતે જવાનું છે ? ગોળધાણાની વાત હશે તો કંઈક વ્યવહાર પણ કરવો પડશે ને ? " મામા બોલ્યા.

" છોકરી મુલુંડ રહે છે. બાકી મને બીજી કંઈ જ ખબર નથી અને મેં પૂછ્યું પણ નથી. તમારે કોઈપણ જાતનો વ્યવહાર કરવાની જરૂર નથી. મારા બૉસ બધું સંભાળી લેશે. આપણે રવિવારે સવારે ૮ વાગે લોઅર પરેલની મારી ઓફિસે પહોંચી જવાનું છે. શેઠ પણ ત્યાં આવી જશે. ત્યાંથી શેઠની ગાડીમાં જવાનું છે. " ચિન્મય બોલ્યો.

રવિવારે સવારે લગભગ ૭:૪૫ વાગે જ ચિન્મય મામા મામી સાથે એની ઓફિસે પહોંચી ગયો.

ચિન્મયને જોતાં જ સૌથી પહેલાં તો સિક્યુરિટીવાળાએ સલામ કરી. એ લોકો અંદર ગયા એટલે જે પણ છોકરા છોકરીઓ સામે મળતાં ગયાં તે બધાં જ ચિન્મયને "ગુડ મોર્નિંગ સર" "ગુડ મોર્નિંગ સર" કરતા રહ્યા. મામા મામી તો ભાણીયાનો વટ જોતાં જ રહી ગયાં ! અહીં તો નાના મોટા બધા જ ચિન્મયને સલામ કરે છે.

ચિન્મય મામા મામીને પોતાની ભવ્ય ચેમ્બરમાં લઈ ગયો. થોડીવારમાં કિસન બધાંને માટે ચા બિસ્કીટ લઈને આવ્યો. ૮ વાગ્યાની પાળીવાળો તમામ સ્ટાફ ચિન્મયની ચેમ્બરમાં આવીને રજીસ્ટરમાં સહી કરી જતો હતો.

બરાબર આઠના ટકોરે મંથન પણ મર્સિડીઝ લઈને ઓફિસની નીચે આવી ગયો અને એણે ચિન્મયને ફોન કર્યો.

" તમે નીચે આવી જાઓ." મંથન બોલ્યો.

"જી સર. બસ પાંચ મિનિટમાં પહોંચી જાઉં છું. " ચિન્મય બોલ્યો અને મામા મામીને લઈને નીચે આવ્યો.

મંથન આગલા દિવસે સાંજે જ અદિતિ અને વીણામાસીને તર્જનીના ઘરે મૂકી આવ્યો હતો. કન્યા પક્ષ તરફથી ત્યાં બીજું કોઈ જ ન હતું એટલે કન્યાને તૈયાર કરવા અને બીજી મદદ કરવા મંથન પોતાના ફેમિલીને મૂકી આવ્યો હતો.

ચિન્મયના મામા મામી જેવાં નીચે ઉતર્યાં કે તરત જ મંથને એમના ચરણ સ્પર્શ કર્યા. ચિન્મયનાં મામા મામી ગમે તેમ તોય પોતાની બહેનનાં ભાવિ સાસુ સસરા જેવાં હતાં ! મંથન કદી પોતાના સંસ્કાર ભૂલતો ન હતો.

ચિન્મય તો બસ મંથન સરને જોઈ જ રહ્યો. આટલા મોટા અબજોપતિ બૉસ પોતાના મામા મામીને પગે લાગે છે.

એણે મામા મામીને મંથનસરનો પરિચય કરાવ્યો.

" મામા આ મારા બૉસ છે. તમે એમનું નામ જાણતા જ હશો. મંથન મહેતા તરીકે બિલ્ડર લોબીમાં એમનું નામ બહુ જ મોટું છે. મુંબઈમાં અત્યારે સેવાની ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે." ચિન્મય બોલ્યો.

મામા અને મામી બંને મંથનને પગે લાગ્યાં. મંથનની પર્સનાલિટી જ એવી હતી કે મામા મામી એકદમ પ્રભાવિત થઈ ગયાં. માણસ છે તો ખાનદાન !! એ આજે પહેલી વાર મર્સિડીઝમાં બેસી રહ્યાં હતાં.

મંથને ગાડી દાદર ટીટી સર્કલ તરફ લીધી. ત્યાંથી સાયન થઈને ઈસ્ટર્ન એક્સપ્રેસ પકડી લીધો અને પછી સીધી મુલુંડ તરફ ગાડી લીધી.

સવારના ટાઈમે ટ્રાફિક પ્રમાણમાં થોડો ઓછો હતો. ગાડી ઝડપથી મુલુંડ દલીચંદ શેઠના બંગલે પહોંચી ગઈ.

બંગલાની ભવ્યતા જોઈને જ મામા મામી અંજાઈ ગયાં. ચિન્મય પણ ગાર્ડનવાળો આટલો વિશાળ બંગલો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો.

ગાડી આવેલી જોઈને અદિતિએ જ દરવાજો ખોલી નાખ્યો.

" આવો.. અંદર પધારો " મંથન બોલ્યો અને મહેમાનોને ભવ્ય ડ્રોઈંગ રૂમમાં લઈ ગયો.

"તમે લોકોએ અબજોપતિ દલીચંદ ગડાનું નામ સાંભળ્યું હશે. ડાયમંડના બહુ જ મોટા વેપારી હતા. તર્જની એમની દીકરી છે. દલીચંદ શેઠ અને શેઠાણી અત્યારે હયાત નથી. માત્ર બે દીકરીઓ છે. મોટી દીકરી કાયમ માટે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ છે. " મંથને પરિચય આપ્યો.

એ પછી અદિતિ અને વીણામાસી ડ્રોઈંગ રૂમમાં આવ્યાં અને મહેમાનોને નમસ્કાર કર્યા.

" આ મારી મિસીસ અને મારાં માસી છે. તર્જની બિચારી એકલી જ છે એટલે ગઈકાલે જ હું મારી મિસિસ અને માસીને અહીં મૂકી ગયો છું. જો છોકરા છોકરી એકબીજાને પસંદ કરી દે તો આજે દિવસ સારો છે. આજે ગોળધાણા ખાઈ લઈએ. " મંથન બોલતો હતો.

" મારો અને ચિન્મયભાઈ નો પરિચય એકદમ તાજો જ છે. થોડા મહિના પહેલાં અમદાવાદ જતી વખતે ટ્રેઇનમાં જ અમારો પરિચય થયેલો. હું મારી એક ઓફિસ માટે કાબેલ વ્યક્તિની શોધમાં જ હતો. એનામાં બધી જ યોગ્યતા હતી એટલે એમને મેં એપોઇન્ટમેન્ટ આપી. તર્જની પણ જૈન છે અને તમે લોકો પણ જૈન છો એટલે લગ્નના આ સંબંધ માટે વિચાર્યું. " મંથને ટૂંકમાં બધી વાત કરી.

" તમારી વાત સાચી છે શેઠ. અમારો ચિન્મય પણ મા બાપ વગરનો છે. અમે જ એને ઉછેરીને મોટો કર્યો છે એમ કહું તો પણ ચાલે. એનું ઘર બંધાતું હોય તો અમે તો રાજી જ છીએ. તમે જે પણ વિચારશો એ એના માટે સારું જ વિચારવાના છો." સેવંતીલાલ બોલ્યા.

" તમે શું કરો છો વડીલ ? " મંથને પૂછ્યું.

" જી હું ભૂલેશ્વર ચંપાગલીમાં કાપડની એક પેઢીમાં મુનિમ છું. કાલબાદેવી રોડ ઉપર જ ભાંગવાડીમાં અમે રહીએ છીએ. " સેવંતીલાલ બોલ્યા.

"વાહ.. મારા પિતાનો જન્મ પણ ભૂલેશ્વરમાં થયેલો. અમે લોકો બ્રાહ્મણ છીએ. મારા દાદા રેવાશંકર મહેતા પણ વર્ષો પહેલાં ચંપાગલીમાં જ એક પેઢીમાં રસોઈયા હતા." મંથન હસીને બોલ્યો.

" ચાલો એ હિસાબે ચંપાગલીનો નાતો તો છે આપણા વચ્ચે !! " સેવંતીલાલ બોલ્યા.

આ લોકોની વાતચીત ચાલતી હતી ત્યાં જ તૈયાર થયેલી તર્જનીએ ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કર્યો અને સામેના નાના સોફા ઉપર બેઠી.

તર્જનીને જોયા પછી ચિન્મયનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તર્જની એટલી બધી સૌંદર્યવાન હતી કે બધા જોઈ જ રહ્યા. અદિતિએ આજે એને તૈયાર કરી હતી એટલે મેક અપમાં એ અદભુત લાગતી હતી !

દીવો લઈને શોધવા નીકળો તો પણ પોતાના સમાજમાં આવી અપ્સરા જેવી કન્યા ચિન્મયને ન મળે ! અબજોપતિ શેઠની દીકરી અને એ પણ આટલી બધી રૂપાળી !! ભાણો ખરેખર બહુ જ કિસ્મત વાળો નીકળ્યો - મામા વિચારી રહ્યા.

" વડીલ આ અમારી તર્જની છે. મારી લાડકી બહેન છે. ખૂબ જ સંસ્કારી અને સેવાભાવી છે. ચિન્મય અને તર્જની જો એકબીજાને પસંદ કરે તો મારા માથેથી એક જવાબદારી ઓછી થાય. " મંથન બોલ્યો.

" અમને તો આ દીકરી પસંદ છે. બાકી ફાઈનલ નિર્ણય તો ચિન્મયે લેવાનો છે." મામા બોલ્યા.

" મંથન સર બતાવે એટલે મારે કંઈ પણ પૂછવાનું રહેતું જ નથી. એ જ્યાં પણ કહે ત્યાં હું લગ્ન કરવા તૈયાર છું. આજે હું જે કંઈ પણ છું એ મંથન સરના કારણે જ છું. " ચિન્મય નમ્રતાથી બોલ્યો.

તર્જની એને જોઈ રહી હતી. ભાઈએ ખૂબ જ હેન્ડસમ અને વિવેકી છોકરો પોતાના માટે શોધ્યો હતો. એની વાણીમાં પણ ભાઈ પ્રત્યે આદર છલકાતો હતો. ભાઈની પસંદગી હંમેશા શ્રેષ્ઠ જ હોય ! - તર્જની વિચારી રહી.

" તમારે બંનેને કંઈ વાતચીત કરવી હોય તો બેડરૂમમાં જઈને પાંચ દસ મિનિટ વાત કરો. લગ્નનો નિર્ણય લેતાં પહેલાં પરિચય કેળવવો જરૂરી છે. " મંથન બોલ્યો.

"મારે કંઈ પણ પૂછવું નથી ભાઈ. મારા તરફથી હા છે. " તર્જની બોલી.

" હા છતાં તમે લોકો પાંચ મિનિટ મળો તો ખરાં ! એકલાં મળશો તો જ આત્મીયતા આવશે. " મંથન હસીને બોલ્યો.

તર્જની અને ચિન્મય બંને એક સાથે ઊભાં થયાં. તર્જની ચિન્મયને પોતાના બેડરૂમમાં દોરી ગઈ. બંને જણાં બેડ ઉપર પગ જમીન ઉપર રાખીને સામ સામે ક્રોસમાં બેઠાં.

" મારે તમને કંઈ પણ પૂછવું નથી તર્જની. મારા તરફથી પણ હા જ છે. મેં તમને જોયા વગર જ મંથન સરને હા પાડી હતી. મને ત્યારે કલ્પના ન હતી કે મારા નસીબમાં આટલી સુંદર વ્યક્તિ લખાયેલી છે ! " ચિન્મય હસીને બોલ્યો.

"આજે હું જે કંઈ પણ છું તે ભાઈના કારણે જ છું. મારા વિશે ભાઈએ તમને જણાવ્યું જ હશે. મારા પપ્પાએ મારી મમ્મી સાથે બીજી વારનાં લગ્ન કર્યાં હતાં. અમેરિકા રહે છે એ મારી સ્ટેપ સિસ્ટર છે. " તર્જની બોલી.

" મને આ બધું જાણવામાં કોઈ જ રસ નથી. મને માત્ર તમારામાં રસ છે. હું પણ મા બાપ વગરનો અનાથ જ છું. મેં પણ ઘણો સંઘર્ષ કર્યો છે. સાચો પ્રેમ મને આજ સુધી મળ્યો નથી તર્જની. દિલથી તમને પ્રેમ કરવા માગું છું અને સામે એવી જ અપેક્ષા રાખું છું. મને પૈસાનો પણ ઝાઝો મોહ નથી. " ચિન્મય બોલ્યો.

ચિન્મયની આવી વાતો સાંભળીને તર્જનીની આંખો ઉભરાઈ આવી.

ચિન્મયે તર્જનીની હથેળી પોતાની હાથમાં લીધી અને પ્રેમથી પંપાળવા લાગ્યો.

" મારા તરફથી તમને જીવનમાં કોઈ તકલીફ નહીં પડે. તમે આટલાં બધાં શ્રીમંત છો એ તો મને અહીં આવ્યા પછી ખબર પડી. હું તો માત્ર તર્જનીને જ મળવા આવ્યો હતો. તમે ગરીબ હોત તો પણ મેં હા જ પાડી હોત ! " ચિન્મય બોલ્યો.

તર્જનીને અને ચિન્મયને આ લગ્ન મંજુર હતાં એટલે પછી વધારે કંઈ વાતચીત થઈ નહીં.

" આપણે જઈશું હવે ? થોડી વાતો મોબાઈલ માટે પણ રિઝર્વ રાખીએ. તમારા મોબાઇલથી મને એક રીંગ આપો એટલે હું સેવ કરી દઉં." ચિન્મય હસીને બોલ્યો. તર્જની પણ હસી પડી અને એણે રિંગ આપી.

બંને જણાં સાથે જ ઊભાં થયાં અને પાછાં ડ્રોઈંગ રૂમમાં આવીને બેસી ગયાં.

" મેં પણ તર્જનીને ભાણેજવહુ તરીકે પસંદ કરી લીધી છે ચિન્મય. હવે આ સંબંધ પાક્કો જ સમજવો. " મામા બોલ્યા અને ઊભા થઈને તર્જનીના હાથમાં શુકનના ૨૧૦૦ રૂપિયા મૂક્યા.

એ પછી ચિન્મય અને તર્જની મામા મામીને પગે લાગ્યાં અને ત્યારબાદ વીણામાસી, મંથન અને અદિતિને પણ પગે લાગ્યાં.

એ પછી અદિતિ કિચનમાં જઈને ગોળધાણાની થાળી લઈ આવી અને બધાંને ગોળધાણા વહેંચી મ્હોં મીઠું કરાવ્યું.

બરાબર આ જ સમયે મંથનને પેલી ચિરપરિચિત પરફ્યુમની સુગંધ આવી. એનો મતલબ કે ગડાશેઠ અહીં હાજર હતા અને આ સંબંધથી ખુશ હતા !

" અદિતિ હજુ ૧૦.૩૦ વાગ્યા છે. અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. ૧૧:૩૦ પછી આપણે લંચ લેવા જઈશું. " મંથન બોલ્યો.

એણે જાણી જોઈને આઇસ્ક્રીમની ફરમાઈશ કરી કારણકે ગડા શેઠને આઈસ્ક્રીમ બહુ જ ભાવતો હતો.

અદિતિ અંદર જઈને પાંચ મિનિટમાં બધા માટે આઈસ્ક્રીમ લઈ આવી. મંથને માનસિક રૂપે આઈસ્ક્રીમ ગડા શેઠને અર્પણ કર્યો અને પછી પોતે ખાધો.

" જુઓ વડીલ લગ્નમાં તમારે કોઈપણ જાતનો વ્યવહાર કરવાનો નથી. બધો જ વ્યવહાર મારા તરફથી થશે. તમારે માત્ર આશીર્વાદ આપવા માટે હાજર રહેવાનું. બે મહિના પછી ડિસેમ્બરનું સારું મુહૂર્ત જોવડાવી લઉં છું." મંથને વાત શરૂ કરી.

" મુલુંડ રોજ અપડાઉન કરવા માટે ઘણું દૂર પડે એટલે લોઅર પરેલની મારી સ્કીમમાં એક સરસ ફ્લેટ વર કન્યાને હું ગિફ્ટ આપી દઉં છું. આ મારા તરફથી કન્યાદાન હશે. તમારા કુટુંબમાં બીજું કોણ કોણ છે વડીલ ?" મંથને પૂછ્યું.

" મારે એક દીકરી જ છે. દીકરી જમાઈ બંને માટુંગા કિંગ સર્કલ રહે છે." સેવંતીલાલ બોલ્યા.

"ઠીક છે. બહેનનાં લગ્ન છે એટલે મારે એનાં સાસરિયાંનો વ્યવહાર તો કરવો પડે. બધાનો વ્યવહાર આપણે કરીશું. મારી તો ઈચ્છા અમદાવાદ ચિન્મયના ફોઈ સુધી વ્યવહાર કરવાની હતી. પરંતુ એમણે ચિન્મય સાથે ખરાબ વર્તન કર્યું. જમવાનું તો ઠીક પાણીનું પણ ના પૂછ્યું. એટલે મારું મન ઉતરી ગયું. " મંથન બોલ્યો.

" ચાલ્યા કરે શેઠ. દુનિયામાં બધાં માણસો સરખાં નથી હોતાં. જે થયું છે તે સારા માટે થયું છે. એના નસીબમાં આ સુંદર કન્યા લખેલી હશે એટલે એ ઇન્ટરવ્યૂ આપ્યા વગર જ પાછો આવ્યો ! " સેવંતીલાલ બોલ્યા.

એ પછી એ લોકોએ આઈસ્ક્રીમ ખાધો અને એક કલાક પછી આમંત્રણ ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયાં. તર્જનીએ ભાઈએ ભેટ આપેલી પોતાની ગાડીમાં વીણા માસી અને અદિતિને લઈ લીધાં.

સૌના આશ્ચર્ય વચ્ચે ભોજનમાં આજે થાળીમાં થોડો કંસાર પણ પીરસવામાં આવ્યો હતો !

" આ તો બહુ સારા શુકન છે ચિન્મય. તમારા લગ્નને ઈશ્વરના આશીર્વાદ મળેલા છે ! એકબીજાને હવે ખવડાવી જ દો" મંથન હસતાં હસતાં બોલ્યો.

લંચ લીધા પછી ફરી પાછાં બધાં ગડા શેઠના બંગલે ગયાં.

" અદિતિ અમે લોકો નીકળીએ છીએ. સાંજે તારી ગાડી લઈને સદાશિવ આવી જશે. તમે લોકો એમાં ઘરે પહોંચી જજો." મંથન બોલ્યો.

તર્જની ફરી પાછી ભાવુક થઈને ભાઈને ભેટી પડી. એનું હૈયું ભરાઈ આવ્યું હતું. એની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

" રડીશ નહીં તર્જની. દીકરી તો હંમેશા પારકા ઘરની જ લક્ષ્મી ગણાય. તારું નસીબ સારું છે કે આવું સરસ પાત્ર મળ્યું છે. " મંથન એના માથે હાથ ફેરવતાં બોલ્યો.

મહેમાનો બધા કારમાં ગોઠવાઈ ગયા એટલે મંથને સ્ટીયરીંગ સંભાળ્યું અને ગાડી ફરી લોઅર પરેલ તરફ લીધી.

ચિન્મયનાં મામા મામી મુલુંડ જઈને આવ્યા પછી ખૂબ જ ખુશ હતાં. વેવાઈ અબજોપતિ હતો એનો એમને હવે ગર્વ થતો હતો. ચિન્મય દલીચંદ શેઠનો જમાઈ બને એટલે આપોઆપ જ એ અબજો રૂપિયાનો વારસદાર બની જાય. એમના મનમાં હવે ગણતરીઓ ચાલુ થઈ ગઈ હતી.

બે મહિનાનો સમય ક્યાં પસાર થઈ ગયો એ ખબર જ ના પડી. ડિસેમ્બર આવી ગયો અને ૬ ડિસેમ્બરે તર્જની સાથે ચિન્મયનાં ધામધૂમથી લગન પણ થઈ ગયાં.

મંથને લગ્નમાં તર્જનીને રીયલ ડાયમંડનો આખો સેટ બનાવી આપ્યો. જેમાં બંગડી પાટલા નેકલેસ વીંટી અને ઇયરિંગ્સ નો સમાવેશ થતો હતો !
ઝાલા સાહેબે પણ તર્જનીને પેન્ડલ સાથેની સોનાની ચેઇન અને ચિન્મયને ભારે વીંટી આપી. કેતાએ પણ તર્જની ને સુંદર બ્રેસલેટ ગિફ્ટ આપ્યું. તો રાજન દેસાઈએ પણ સારો વ્યવહાર કર્યો. શશીકાંતભાઈ તો તર્જનીને પોતાની ભાણી જ માનતા હતા એટલે એમણે સોનાની બે બંગડીયોની સાથે ત્રણ ભારે સાડીઓ અને બે ડ્રેસ ગિફ્ટ આપ્યા.

મંથને જમાઈને બે સૂટ , આઠ લાખની એક ગાડી તેમજ લોઅર પરેલનો એક વિશાળ ફ્લેટ ગીફ્ટ આપ્યો.

આ ફ્લેટ હનીમૂન માટે ખાસ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા લગ્નના દિવસે તૈયાર કરાવ્યો હતો. સુંદરનગરના મેરેજ હોલમાં લગ્ન પતાવીને બધા મહેમાનોએ એ નવા ફ્લેટમાં જ જવાનું હતું.

ચિન્મય તરફથી એનાં મામા મામી, એમનાં દીકરી જમાઈ અને બે પાડોશીઓ લગ્નમાં આવ્યા હતા. મામા મામીએ તર્જનીને બે ભારે સાડીઓ અને બે ડ્રેસની સાથે સોનાની ચેઇન અને બે પાટલા ચડાવ્યા હતા.

સામે મંથને બહુ જ સરસ વ્યવહાર કર્યો હતો. મામાને લેંઘા ઝભ્ભાનું ભારે કાપડ અને મામીને સાડીઓ ઉપરાંત મામાને સોનાની ચેઈન અને મામીને સોનાનો હીરા જડિત નેક્લેસ આપ્યો. એમના દીકરી જમાઈને કાપડ અને ડ્રેસ ઉપરાંત એક લાખનું કવર આપ્યું ! બે પાડોશીઓને ૨૫૦૦૦ નાં બે કવર આપ્યાં.

આટલો બધો વ્યવહાર જોઈને મામા મામી તો આશ્ચર્યચકિત થઈ ગયાં. શેઠ દિલના આટલા બધા ઉદાર હશે એની તો એમને કલ્પના જ ન હતી !

લગ્ન પછી ગાડીઓમાં બેસી જાન ના તમામ માણસો સાંજે લોઅર પરેલ પહોંચ્યા. મંથનને મળેલા આ નવા ફ્લેટમાં સહુ પ્રવેશ્યા ત્યારે મામા મામીના તો હોશ જ ઉડી ગયા. આ તો સપનું છે કે હકીકત !! મુંબઈ જેવા શહેરમાં નવપરિણીત યુગલ માટે સજાવેલો કરોડોનો આ આલીશાન ફ્લેટ ભાણિયાને ગિફ્ટ મળ્યો હતો !!

લાડી વાડી અને ગાડી તે આનું નામ !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

Rate & Review

Sharda

Sharda 3 days ago

BHARAT PATEL

BHARAT PATEL 4 weeks ago

Priti Patel

Priti Patel 1 month ago

Reeta Choudhary

Reeta Choudhary 1 month ago

Neepa

Neepa 1 month ago