Varasdaar - 86 books and stories free download online pdf in Gujarati

વારસદાર - 86

વારસદાર પ્રકરણ 86

સૌથી પહેલાં ઝાલા સાહેબ અને સરયૂબા હોસ્પિટલ પહોંચી ગયાં. એના પછી લગભગ અડધા કલાક પછી રાજન દેસાઈ અને શીતલ આવી ગયાં. જૂહુ સ્કીમ બહુ દૂર હતી એટલે કેતા એની મમ્મી તથા નૈનેશને પહોંચતા એક કલાક લાગ્યો. એ પણ પારલાથી ટ્રેન પકડી એટલા માટે. ચિન્મયના મામા પણ છેલ્લે આવી ગયા.

મંથન અને અદિતિ આઈ.સી.યુ માં હતાં અને કોઈને પણ અંદર જવા દેતા ન હતા. એટલે તમામ લોકો ચિન્મય અને તર્જની સાથે જ ચર્ચા કરતાં હતાં કે આ બધું કેવી રીતે બન્યું. બધાંની આંખો ભીની હતી. સરયૂબા વારંવાર રડી પડતાં હતાં . કેતા પણ એકવાર રડી પડી હતી અને એને છાની રાખવી પડી હતી.

મંથન બધાનો તારણહાર હતો અને દરેકની જિંદગીમાં એનું એક વિશેષ મૂલ્ય હતું. એ બેહોશ થઈ જાય એ બહુ ગંભીર ઘટના હતી. અદિતિ સિરિયસ હતી એટલે તમામ લોકો અભિષેક માટે ચિંતાતુર હતા.

એ મમ્મી મમ્મી કરીને રડતો હતો ત્યારે બધાની આંખો ભીની થઈ જતી હતી અને એને ફોસલાવીને છાનો રાખવો પડતો હતો. મોટાભાગે આ કામ કેતા જ કરતી હતી કારણ કે એ ઘણીવાર મંથનના ઘરે આવતી જતી હતી એટલે એની સાથે અભિષેક ભળી ગયો હતો.

થોડીવાર પછી ડૉક્ટર બંનેને તપાસીને બહાર આવ્યા ત્યારે તમામ સંબંધીઓ એમને ઘેરી વળ્યાં.

" જુઓ મંથન મહેતા અત્યારે બેહોશ છે પરંતુ એમની ઇજા સિરિયસ નથી એટલે એ ગમે ત્યારે ભાનમાં આવી શકે એમ છે. અદિતિ મેડમનો કેસ સિરિયસ છે. એમને માથામાં વધારે વાગ્યું છે એટલે એ કોમામાં જતાં રહ્યાં છે. અત્યારે ૭૨ કલાક સુધી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે. બંને પેશન્ટ સાથે સ્પેશિયલ નર્સ ગોઠવી દીધી છે. " ન્યુરોસર્જન બોલ્યા અને આગળ ચાલ્યા.

શું બોલવું અને હવે આગળ શું કરવું એની સૂઝ કોઈને પણ પડતી ન હતી. રાતના ૧૧ વાગી ગયા હતા. બધાંએ આખી રાત અહીં બેસી રહેવાનો કોઈ મતલબ પણ ન હતો. સરયૂબા અને કેતાએ અભિષેકને લઈને વીણામાસી ના સ્પેશિયલ રૂમમાં રોકાવાનું નક્કી કર્યું. બાકીના તમામ લોકો અડધો કલાક જેટલો સમય પસાર કરીને છેવટે ઘર તરફ જવા રવાના થયા.

રાજન દેસાઈ એક ચેર ઉપર બેસીને દસ મિનિટ માટે ધ્યાનમાં ઉતરી ગયો અને ગુરુજીને પ્રાર્થના કરી. તેમ જ બંને જલ્દી હોશમાં આવી જાય એવું પોઝિટિવ વિઝયુલાઈઝેશન પણ કર્યું. ગમે ત્યારે મંથન ભાનમાં આવી શકે એમ હતો એટલે એ અહીં રોકાઈ ગયો હતો.

હકીકતમાં મંથનની અવસ્થા આખી અલગ હતી. એના શરીરમાંથી એનો સૂક્ષ્મ દેહ અલગ થઈ ગયો હતો અને એ સ્વામીજી સાથે વાર્તાલાપ કરી રહ્યો હતો.

" સ્વામીજી મારા જીવનમાં આ દુર્ઘટના કેમ બની ? સાંઈબાબાનાં દર્શન કરીને અમે આવી રહ્યાં હતાં અને મન પણ આખું આધ્યાત્મિક રંગે રંગાયેલું હતું. તો પછી આટલો મોટો અકસ્માત કેવી રીતે બની શકે ? " મંથન સ્વામીજી સાથે દલીલ કરી રહ્યો હતો.

" જીવનના ઘટનાક્રમને તમારી અંદર રહેલી આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. તમારા અનેક જન્મોનાં કર્મોના પરિપાકરૂપે આ જન્મમાં નાની મોટી સારી ખરાબ ઘટનાઓ બનતી જ હોય છે. ખરાબ ઘટનાઓ ક્યારેક રોગ રૂપે હોય તો ક્યારેક આવા અકસ્માત રૂપે હોય. ઈશ્વર આમાં વચ્ચે ક્યાંય પણ આવતો નથી. " સ્વામીજી એને સમજાવી રહ્યા હતા.

" હું જોઈ રહ્યો છું કે અદિતિ પણ અત્યારે બેહોશ છે તો પછી એનું સૂક્ષ્મ શરીર આપણી સાથે કેમ નથી ? " મંથન બોલ્યો.

" દરેક બેહોશ વ્યક્તિનું સૂક્ષ્મ શરીર દેહથી છૂટું પડે એ જરૂરી નથી. તારા ઉપર ઈશ્વરની વિશેષ કૃપા છે. તારા ગોપાલદાદાની શક્તિઓ પણ કામ કરી રહી છે. એટલે તું સરળતાથી દેહથી અલગ થઈ શકે છે. બધા માટે એ શક્ય નથી. " ગુરુજી બોલ્યા.

" ભગવાનનાં દર્શન કરીને આવતાં જ અકસ્માત કેમ થયો ? અત્યાર સુધી મુંબઈમાં કેમ ના થયો ? " મંથને પૂછ્યું.

" દરેક ઘટના માટે સ્થળ અને કાળ નિશ્ચિત હોય છે. આજનો દિવસ અને એ જગ્યા તમારા અકસ્માત માટે પહેલેથી નિશ્ચિત હતાં. અને એટલા માટે તો અદિતિને શિરડી જવાનો અચાનક વિચાર આવ્યો. આ બધી પ્રેરણા નિયતિ દ્વારા મળતી હોય છે. તને એટલા માટે તો સાંઈબાબા તરફથી ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતું. એ તારી સુરક્ષા માટે જ હતું ! " સ્વામીજીએ હસીને કહ્યું.

" શું આ ગુલાબનું ફૂલ અમારી બંનેની સુરક્ષા માટે હતું ? " મંથને પૂછ્યું.

" ના. માત્ર તારી સુરક્ષા માટે. તને ગિરનારમાં મેં પહેલાં પણ કહ્યું હતું કે અદિતિ ગયા જન્મમાં તારી બહેન હતી. એની ઈચ્છા આ જન્મમાં તને અતિ શ્રીમંત બનાવવાની હતી જેથી તું ધારે તે કરી શકે. એ ઈચ્છા પૂરી થઈ જાય એટલે એ સદગતિ પામી જશે. બસ હવે ઉર્ધ્વગતિ માટે એનો આત્મા તૈયાર છે. એને સીધી ચોથા લોકમાં એન્ટ્રી મળશે. " સ્વામીજી બોલ્યા.

" આ કોઈપણ સંજોગોમાં ના થવું જોઈએ સ્વામીજી. અદિતિની આ નાની ઉંમરે હું એને ગુમાવવા નથી માગતો. કોઈ પણ હિસાબે મારી અદિતિને બચાવી લો. મારો દીકરો પણ ઘણો નાનો છે. કૃપા કરો. " મંથન આજીજી કરી રહ્યો હતો.

" ભાવિને મિથ્યા કરી શકાતું નથી અને મારા પોતાના આયુષ્યની વાત હોત તો હું મૃત્યુને આગળ પાછળ કરી શકું છું પરંતુ કોઈ બીજાના આયુષ્યને ઓછું વધતું હું કરી શકતો નથી. " સ્વામીજી બોલ્યા.

" હું સ્વૈચ્છિક રીતે મારા પોતાના આયુષ્યનાં કેટલાંક વર્ષો એને આપવા માટે તૈયાર છું. તો શું એ રીતે થઈ શકશે ? " મંથન બોલ્યો.

" કેતા સાથેનો પણ તારો પાછલા બે જન્મોનો ઋણાનુબંધ છે. એ પણ તારે પૂરો કરવાનો છે. છેલ્લા બે જન્મથી એ તારી સાથે જોડાવા માંગે છે. તને પરણવા માટે એ આ જન્મમાં સૌથી પહેલાં તારી સામે આવી પરંતુ અદિતિ તને સમૃદ્ધ બનાવવાની પૂર્વજન્મ ની ઈચ્છા પૂરી કરવા તારી સાથે જોડાઈ ગઈ. " સ્વામીજી હસીને કહી રહ્યા હતા.

" આ જન્મમાં તારો અને કેતાનો પતિ પત્નીનો ઋણાનુબંધ લખાયેલો છે. એટલે અદિતિની વિદાય નક્કી છે. જો અદિતિનું આયુષ્ય લંબાઈ જાય તો પછી કેતા સાથેનો લગ્ન સંબંધ મિથ્યા થાય. આટલા બધા ફેરફારો કઈ રીતે શક્ય બને ? " સ્વામીજી બોલ્યા.

" એ હું કંઈ પણ જાણતો નથી સ્વામીજી. તમારે આ કામ કરવાનું જ છે ભલે કેતા માટે મારે બીજો જન્મ લેવો પડે. તમે ધારો તો બધું જ કરી શકો છો. કાર્ય કારણ અને ઋણાનુબંધ ના આ ગુંચવાડામાં મને કંઈ ખબર પડતી નથી. હું તો તમને જ ઓળખું છું. " મંથનનો સૂક્ષ્મદેહ અર્જુનની જેમ બે હાથ જોડીને બોલ્યો.

" તો પછી આ માટે તારે થોડી રાહ જોવી પડશે અને તું જાગૃત થાય પછી અદિતિને આ જ કોમાની હાલતમાં તારે જોવી પડશે. હું મારી પ્રાર્થના અને તારી વિનંતી બ્રહ્માંડમાં મૂકું છું. એનો પ્રત્યુતર આપવામાં બે-ત્રણ દિવસ પણ લાગી શકે છે. અદિતિ આજે જ દેહ છોડી દેવાની છે પરંતુ હવે હું બે કે ત્રણ દિવસ મારી પોતાની શક્તિઓથી રોકી રાખું છું. મારી પ્રાર્થના મંજૂર થશે તો જ એ ભાનમાં આવશે. " કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા.

સૂક્ષ્મ જગતમાં આ બધી વાતચીત પૂરી થઈ એ પછી રાત્રે ૩ વાગે મંથન ભાનમાં આવ્યો. એનું શરીર સળવળ્યું અને એણે ધીમેથી પાણી માગ્યું. આઈ.સી.યુ ના રેસિડેન્ટ ડોક્ટરે એને તપાસી મ્હોંમાં બે ચમચી પાણી રેડ્યું. અને પછી ઘેનનું એક ઇન્જેક્શન આપી દીધું. કારણકે બાજુમાં જ અદિતિ કોમામાં સૂતી હતી. વચ્ચે પરદો રાખ્યો હતો !

બીજી બાજુ મંથનમાં જાગૃતિ આવી એટલે અદિતિને શ્વાસોશ્વાસમાં તકલીફ થવા માંડી અને છાતી ઉછળવા લાગી. આ નિશાની સારી ન હતી. રેસીડેન્ટ ડોક્ટરે તત્કાલ ન્યુરોસર્જનનો ફોનથી સંપર્ક કર્યો અને અદિતિને વેન્ટિલેશન ઉપર લેવામાં આવી.

સવારે છ વાગે ડોક્ટરે બહાર આવીને કહ્યું કે મંથન મહેતા ભાનમાં આવી ગયા છે અને ઘેનનું ઇન્જેક્શન આપ્યું હોવાથી અત્યારે સૂતા છે. અદિતિ મેડમને વેન્ટિલેશન ઉપર લેવામાં આવ્યાં છે !

આ સાંભળીને બધાં જ સ્વજનો અદિતિ માટે ટેન્શનમાં આવી ગયાં અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં. સરયૂબાને ચક્કર આવી ગયા. એમને તાત્કાલિક સૂવાડી દેવામાં આવ્યાં.

લગભગ ૭ વાગે મંથનનું ઘેન ઉતર્યું એ પછી નર્સે એક પછી એક તમામને બે મિનિટ માટે મંથનને જોવાની છૂટ આપી. હજુ વાત કરવાની મનાઈ હતી કારણ કે મન ઉપર ગંભીર અકસ્માતની અસરો ચાલુ હતી.

ન્યુરોસર્જને સંપૂર્ણ ચેકઅપ કર્યા પછી મંથનને ૧૦:૩૦ વાગે ડીલક્ષ રૂમમાં ખસેડવામાં આવ્યો. રાજન અને કેતા એની સાથે રૂમમાં જ રહ્યાં. સરયૂબા અદિતિ માટે ભયંકર ટેન્શનમાં હતાં કારણકે ડોક્ટરના કહેવા મુજબ એ કોમામાં હતી.

સવારે ૧૦:૩૦ વાગે ઝાલા અંકલ પણ ઘોડબંદર રોડ થઈને સૌથી પહેલાં આવી પહોંચ્યા. અદિતિ કોમામાં ગઈ હતી એ જાણીને એમને બહુ જ આઘાત લાગ્યો. પુરુષ હતા એટલે ખુલીને રડી શકતા ન હતા પણ એમની એકની એક દીકરી માટે એ ખૂબ જ ચિંતાતુર હતા.

ચિન્મયે પોતાના મામાને અત્યારે આવવાની ના પાડી કારણ કે પેશન્ટ સાથે વાતચીત થઈ શકતી ન હતી એટલે આટલે દૂર સુધી આવવાનો કોઈ મતલબ ન હતો.

નૈનેશ મમ્મી તથા પપ્પાને લઈને લગભગ ૧૨:૩૦ વાગે આવી ગયો. તલકચંદ શેઠના જીવનમાં જે પણ સુખદ પરિવર્તન આવ્યું એના માટે મંથન જ જવાબદાર હતો. એટલે એમના મનમાં એક કૃતજ્ઞતાની લાગણી હતી.

મૃદુલાબેન અને તલકચંદ ઘરેથી જે ભાવે તે જમીને આવ્યાં હતાં. જ્યારે હોસ્પિટલમાં રોકાયેલા બાકીના તમામ વારાફરતી કેન્ટીનમાં જઈને જમી આવ્યા. ઝાલા અંકલ અને સરયૂબા તો જમવા માટે તૈયાર જ ન હતાં. કેતાએ એ બંનેને માંડ માંડ સમજાવ્યા ત્યારે એ બ્રેડ બટર અને ચા માટે તૈયાર થયાં. જો કે સરયૂબાએ તો ચા દૂધની બાધા રાખી હતી એટલે એમણે માત્ર જ્યુસ સાથે બે બ્રેડ લીધી.

અભિષેક ચૂપ જ રહેતો ન હતો એટલે સાંજના ૪ વાગે નર્સે સરયૂબાને અદિતિને મળવાની છૂટ આપી. સામાન્ય રીતે બાળકોને આઈ.સી.યુમાં પ્રવેશ કરવા દેતા નથી પરંતુ બાળહઠ જોઈને છેવટે નર્સે બે મિનિટ માટે રજા આપી. અભિષેક બેહોશ અદિતિને વળગી પડ્યો. અદિતિ અત્યારે મમતાથી પણ પર થઈ ગઈ હતી. મમ્મી અત્યારે સૂઈ ગઈ છે એમ સમજાવીને સરયૂબા અભિષેકને બહાર લઈ ગયાં. મા ના સ્પર્શથી બાળક તો છાનું રહી ગયું પરંતુ અદિતિને જોઈને એ પોતે ફરી રડી પડ્યાં.

સાંજે ૭ વાગે ડોક્ટરે ચેકઅપ કર્યા પછી મંથનને બોલવાની છૂટ આપી. અને આજની રાત માત્ર જ્યુસ આપવાની સંબંધીઓને સુચના આપી. કેતાએ કેન્ટીનમાં રીંગ આપીને તરત જ મોસંબીનો રસ તથા નારીયલ પાણી મંગાવ્યાં.

રાજન દેસાઈએ મંથન સામે ધ્યાનમાં બેસીને ઝડપી રિકવરી માટે પ્રાણીક હીલિંગ આપ્યું. અદિતિને પણ યાદ કરીને હીલિંગ આપ્યું. એ પછી એ ઘરે જવા રવાના થઈ ગયો.

મંથન સંપૂર્ણ પણે હવે જાગૃત થઈ ચૂક્યો હતો. ઝાલા અંકલ તેમજ સરયુબા વાતચીત કરવા માટે એના રૂમમાં આવ્યાં.

" અંકલ આ બધું બનવાનું જ હતું. અકસ્માત લખેલો જ હશે એટલે પહેલી વાર અદિતિએ શિરડી જવાની વાત કરી. એની કોઈપણ વાત હું ટાળતો નથી એટલે શનિ-રવિનો મેં પ્રોગ્રામ બનાવ્યો. કઈ રીતે મારી ગાડી અથડાઈ ગઈ એ હજુ પણ હું સમજી શકતો નથી. અદિતિને કેમ છે હવે ? એ બીજા રૂમમાં છે ? " મંથન બોલ્યો.

બેભાન અવસ્થામાં થયેલો ગુરુજી સાથેનો બધો જ સંવાદ મંથન ભૂલી ગયો હતો. ગુરુજીએ જ એને વિસ્મૃતિમાં નાખી દીધો હતો.

મંથનકુમારને જવાબ શું આપવો ? એનો મતલબ કે જમાઈને અદિતિના કોમા સ્ટેટસની ખબર જ નથી ! ઝાલા અંકલ અને સરયૂબા બંને મૂંઝાઈ ગયાં.

"અદિતિ બાજુના ડીલક્ષ રૂમમાં છે. એમને વધારે વાગ્યું છે એટલે પેઈન કિલરની સાથે ઘેનનું ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે." બાજુમાં બેઠેલી કેતાએ વાત સંભાળી લીધી.

થોડીવાર પછી કેતા ચાર વર્ષના અભિષેકને લઈ આવી અને મંથનના ખોળામાં બેસાડ્યો. પપ્પાને જોઈને અભિષેક ફરી મમ્મી મમ્મી કરવા લાગ્યો. મંથને એને સમજાવ્યો અને એનું ધ્યાન બીજે વાળ્યું.

રાત્રે કેતા અને સરયૂબાને છોડીને બાકીનાં બધાં સ્વજનો ૯ વાગે રવાના થઈ ગયાં.

એ રાત્રે અભિષેક પપ્પાની સાથે જ સૂઈ ગયો. બાજુની શેટી ઉપર એનું ધ્યાન રાખવા માટે કેતા સૂઈ ગઈ.

વહેલી સવારે ચાર વાગે મંથનની આંખો ખુલી ગઈ. એ ધીમે રહીને ઉભો થયો. વોશરૂમમાં જઈને મ્હોં ધોયું અને ફરી પાછો બેડ ઉપર આવીને ધ્યાનમાં બેસી ગયો. પ્રેક્ટિસ હોવાથી ઊંડું ધ્યાન લાગી ગયું. આજે સામે ચાલીને ગુરુજી એની સામે આવ્યા.

આજે ગુરુજીએ જ એને ચાર વાગે ઉઠાડીને ધ્યાનમાં બેસવાની પ્રેરણા આપી હતી. બાકી એ તો દવાઓના ઘેનમાં સૂતો જ હતો.

અકસ્માતની રાત્રે ગુરુજી સાથે જે પણ સંવાદ થયેલો એ સંવાદ મંથનના સૂક્ષ્મ શરીર સાથે થયેલો એટલે એ સંવાદ મંથનને અત્યારે યાદ ન હતો. જૂના વાર્તાલાપનું અનુસંધાન કરવા ગુરુજીએ એના સૂક્ષ્મ શરીરને બહાર ખેંચી લીધું અને પછી વાત ચાલુ કરી.

" મારી પ્રાર્થનાનો સ્વીકાર થઈ ગયો છે. દિવ્યશક્તિ એ અદિતિને અત્યારે જીવનદાન આપી દીધું છે. એ હવે જીવનભર તારો સાથ નિભાવશે. પરંતુ કેતા સાથેનો તારો ઋણાનુબંધ આ જન્મમાં પૂરો ન થઈ શકવાના કારણે કેતાના આત્માને ઉપર બોલાવી લેવામાં આવશે. અને કેતા સાથે લગ્ન કરવા માટે તારે ફરી જન્મ લેવો પડશે. " ગુરુજી બોલ્યા.

"મારે કેતાને પણ બચાવવી હોય તો ?" મંથન બોલ્યો.

" તો તારે એની સાથે લગ્ન કરવાં પડે અને બે જનમથી ચાલી આવતી એની ઈચ્છા પૂરી કરવી પડે. પરંતુ એ હવે શક્ય નથી એટલે બીજો કોઈ વિકલ્પ પણ નથી. સૂક્ષ્મજગત ના નિયમો અફર હોય છે અને એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. કેતાને બચાવવાનું મારા હાથમાં નથી. " ગુરુજી બોલ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

"એને બચાવી લો ગુરુજી" મંથન મોટેથી બોલ્યો પરંતુ ત્યારે તો એ સ્વામીજીના આદેશથી પોતાના દેહમાં આવી ચૂક્યો હતો એટલે બોલતાંની સાથે જ એની આંખ ખુલી ગઈ.

મંથનના મોટેથી બોલાયેલા શબ્દોથી કેતા સફાળી બેઠી થઈ ગઈ.

" સર ધ્યાનમાં કોને બચાવવાની વાત કરતા હતા ? " કેતા બોલી.

" મને પોતાને જ ખબર નથી કેતા કે હું આવું કેમ બોલ્યો ? " મંથને જવાબ આપ્યો કારણ કે સૂક્ષ્મ શરીરનો આખો સંવાદ ફરી વિસ્તૃતિમાં જતો રહ્યો હતો.

" માથામાં તાજી ઈજા થઈ છે ને એટલે આવું થતું હશે. તમારે આજે ધ્યાનમાં બેસવાની જરૂર ન હતી. અત્યારે તમારે આરામની જરૂર છે સર. હું કાલે સાંજે તમારા માટે નીચે મેડિકલ સ્ટોરમાંથી બ્રશ ટૂથપેસ્ટ લઈ આવી છું. માથા ઉપર પાટો છે એટલે હમણાં ન્હાવાનું બંધ રાખો. " કેતા બોલી.

કેતાએ પોતાની પર્સમાંથી બ્રશ અને ટૂથપેસ્ટ કાઢ્યું અને વોશરૂમમાં જઈને મૂકી આવી.

"તું મારું કેટલું બધું ધ્યાન રાખે છે કેતા ! તારો ને મારો ગયા જનમનો કોઈક તો ઋણાનુબંધ હશે જ." મંથન હસીને બોલ્યો.

બંનેમાંથી કોઈ પણ જાણતું ન હતું કે આ જનમમાં જ બંનેનાં લગ્ન થતાં થતાં રહી ગયાં. અદિતિનું આયુષ્ય લંબાઈ ગયું અને કેતા ઝવેરી પરલોક જવાના વેઇટિંગ લિસ્ટમાં આવી ગઈ !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)