Language: Integral to us books and stories free download online pdf in Gujarati

ભાષા આપણું અભિન્ન અંગ

ભાષા: આપણું અભિન્ન અંગ
“ભાષા” શબ્દ ભાષ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પૃથ્વી પરના તમામ જીવોથી અલગ પડતું જીવ છે ‘માનવ.’ ન્યુકેસલ યુનીવર્સિટીના ભાષાશાસ્ત્રી મેગી ટોલરમેન તો એમ કહે છે કે, “ મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જેની પાસે ભાષા છે અને એ જ આપણને બધાં પ્રાણીઓથી અલગ પાડે છે. ભાષાનાં માધ્યમથી વાતચીત કરવાની ક્ષમતા ઉત્ક્રાંતિ (Evolition) માં એક મહત્વનો પડાવ માનવામાં આવે છે.” કેમ્બ્રિજ યુનીવર્સિટીના માનવ ઉત્ક્રાંતિના પ્રોફેસર અને નૃવંશશાસ્ત્રી રોબર્ટ ફોલી જણાવે છે કે, “આપણને મનુષ્ય બનાવનારી કેટલીય સંકુલ બાબતોમાંથી એક બાબત “ભાષા” છે !”
ભાષા એક એવું માધ્યમ છે કે એકબીજા વ્યક્તિને જોડીને રાખે છે. પરસ્પરના સંવાદો થકી જ નવો સંબંધ રચાય છે, પરંતુ શું આપણને ખબર છે કે ‘ભાષાનાં પ્રકાર કેટલાં ? આપણે જેટલી ભાષા બોલીએ છીએ , સાંભળીએ છીએ અને જાણીએ છીએ તે ભાષાની ઉત્પતિ ક્યારે થઈ ? ભાષા આપણે ક્યારથી બોલતા શીખ્યાં? અને ભાષાનું મહત્વ કેટલું? તો આવો જાણીએ...’

ભાષાનાં બે પ્રકાર છે ૧) વર્બલ ૨) નોન વર્બલ
પહેલાં આપણે વર્બલ વિશે વાત કરીશું. વર્બલ એટલે શાબ્દિક.
આજે વિશ્વમાં ભાષાનું વૈવિધ્ય ખૂબ જ જોવા મળે છે, પણ તેમની કેટલીક પ્રાચીન ભાષા પણ છે. હાલમાં જેને આપણે પ્રાચીન ભાષા ગણીએ છીએ તે ૬૦૦૦વર્ષથી વધારે જૂની નથી. એટલે તે પહેલાં પણ કોઈ ભાષા હશે જેમાંથી પ્રાચીન ભાષા અપભ્રંશ થઈને આવી હોય. ઘણાં એમ પણ કહે છે કે, ‘ભાષાનો અસલી પ્રારંભ લગભગ ૫૦,૦૦૦ વર્ષ પહેલાં પણ થયો હોય. અથવા તેનાથી પણ ઘણાં વર્ષો પહેલા.’ પોફેસર ટોલરમેન કહે છે કે, “અમારામાંથી ઘણાં માને છે કે ભાષાની શરૂઆત પાંચ લાખ વર્ષ પહેલા થઇ હતી.” આ તમામ બાબતો પરથી એમ કહી શકાય કે , ‘ભાષાનો કોઈ ચોક્કસ સમય નક્કી નથી!...’
હા ભાષાનાં ઉદ્ભવ વિશે એક અનુમાન લગાવી શકીએ...
સૃષ્ટિની રચના થઈ અને માનવજાતની ઉત્પતિ થઈ ત્યારે આદિમાનવ જંગલમાં ભટકતા, શિકાર કરીને પેટ ભરતા આપણા પૂર્વજોમાંથી ધીમે ધીમે એકબીજાને ભોજન માટે બોલાવવા મોઢામાંથી શ્વાસ અને ધ્વનિ દ્રારા કેટલાંક શબ્દો નીકળ્યાં હશે. કોઈ પ્રાણી નજીક આવતું દેખાય એટલે વિવિધ પ્રકારનાં અવાજો દ્રારા સંકેતો આપવામાં આવતા. તે અવાજો એ જ શબ્દોનું રૂપ ધારણ કર્યું. જેમાના ઘણા શબ્દોનો આપણે આજે પણ ઉપયોગ કરીએ છીએ. જેમકે ‘શ...’ , ‘સ...’જેવા સિસકારા, એ..., એય ..., ઓ... આવાં ઘણા ઉચ્ચારો થકી જ બોલવાની શરૂઆત થઈ હશે એવું કહી શકાય.
આજે દુનિયામાં ઘણી બધી ભાષા બોલાય છે, પણ આ તમામ ભાષાનું મૂળસ્વરૂપ કયું? આ પ્રશ્નના જવાબ માટે પ્રોફેસર ફોલી એક શક્યતા દર્શાવતા જણાવે છે કે , “હાલની બધી ભાષાઓ કોઈ એકસમાન વડવામાંથી ઉતરી આવી હોય.” બીજી બાબત એ પણ છે કે આપણા જીનેટીક્સ (આનુવંશિક : વંશપરંપરાથી ચાલ્યું આવતું, વારસામાં મળેલું.) દર્શાવે છે કે ‘ આપણે આફ્રિકાના એક નાનકડા જૂથમાંથી આવ્યા છીએ.’ હવે અહિયાં એક પ્રશ્ન એ પણ થાય કે, “ ક્યાં જૂથમાંથી બોલવાની શરૂઆત થઈ હશે ?” કારણકે ત્યારે પણ ઘણાં જૂથ હતાં. એક અનુમાન એ લગાવી શકીએ કે ,’ બધાં જુથમાં અલગ અલગ ભાષાના શબ્દો બોલ્યાં પણ હોઈ શકે, પરંતુ આપણે અત્યારે જે ભાષા બોલીએ છીએ તે કોઈ એક ભાષામાં સમયાંતરે થયેલ પરીવર્તનની ભાષા હોઈ શકે !...
આજે આપણે જન્મના થોડા મહિના બાદ બોલતા શીખીએ છીએ. ઘરના સભ્યો જે બોલાવે તે બોલી પરથી આપણે બોલતાં શીખ્યાં, પણ આપણા પૂર્વજો ક્યારે બોલતા શીખ્યાં હશે? પ્રોફેસર ફોલીએ આ પ્રશ્નનો જવાબ ખુબ સરસ આપ્યો છે કે , “ભાષા એ આગવી રીતે લેવાતો શ્વાસોચ્છવાસ છે. આપણે બહું જ નિયંત્રિત રીતે શ્વાસ ઉચ્છવાસ લઈએ છીએ અને તેનાથી ધ્વની ઉત્પન્ન કરીએ છીએ !” ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સ્નાયુઓ પર સચોટ પ્રકારે કાબૂ રાખવો પડે. સ્નાયુઓના નિયંત્રણનાં લીધે સ્વરતંત્ર તૈયાર થાય છે. જે વાનરકુળના સ્વરતંત્ર કરતાં વધારે સ્નાયુ ધરાવે છે. આ તમામ સ્નાયુઓના કારણે આપણું કરોડરજ્જુ વાનરો કરતા સ્વરપેટીમાં વધારે ગાઢ બનેલું છે અને કરોડસ્તંભ પણ વધારે પહોળો છે. દસ લાખ પાછળ બહું પ્રાચીન વડવા હોમો ઇરેક્ટ્સના અવશેષોમાં કરોડસ્તંભ આટલું પહોળું જોવા મળતું નથી,પરંતુ છ લાખ વર્ષ પહેલાં સુધી અસ્તિત્વમાં રહેલ અને ત્યાર બાદ નાશ પામેલ નિએન્ડરથાલ માનવજાતિમાં કરોડસ્તંભ પહોળાં હતાં.ઘણાં લોકો એવું પણ માનતા કે આપણે નિએન્ડરથલમાંથી વિકસ્યા છીએ. તે વાત તદન ખોટી છે. આપણે હોમોસેપિયન્સ છીએ, જે શરીરરચનાત્મકતાની દ્રષ્ટીએ આધુનિક જેવા લાગતા માનવીઓ ૩,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આફ્રિકામાં ઉભરી આવ્યા હતાં. જેઓ હોમો હિડેલબર્ગેન્સીસ અથવા તેના જેવી જ પ્રજાતિમાંથી વિકસ્યા હતાં.તેમણે આફ્રિકાની બહાર સ્થળાંતર કરીને ધીમે ધીમે પ્રાચીન માનવીઓની વસ્તી સાથે સ્થાનાંતરિત કરવાની શરૂઆત કરી. માણસોએ લગભગ ૧,૬૦,૦૦૦ વર્ષ પહેલાં વર્તણૂકીય આધુનિકતાનું પ્રદર્શન કરવાનું શરુ કર્યું. આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આપણે કેટલા વર્ષો પહેલાંથી બોલવાનું શીખ્યા હોઈશું.
પ્રાચીન ભાષા વિશે વાત કરવામાં આવે તો કુલ દસ ભાષાને પ્રાચીન ગણવામાં આવે છે. સંસ્કૃત, લેટીન, તમિલ, હિબ્રુ, ઈજીપ્તિયન, ગ્રીક, ચીની મંદારીન (મેંડરિન), અરેમિક, કોરિયન, આર્મેનિયન.
સંસ્કૃત વિશે વાત કરવામાં આવે તો તે હિંદુ ધર્મની પ્રમુખ ભાષા છે. કારણકે હિંદુ ધર્મના તમામ પુરાણો મૂળ સંસ્કૃતમાં લખાયા છે. તે કેટલી જૂની છે તેની વાત કરવામાં આવે તો આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલા મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણે અર્જુનને આપેલો ગીતા સંદેશ સંસ્કૃતમાં છે. તે પહેલા મહાભારત , તેની પહેલાં રામાયણ અને બીજાં ઘણાં ગ્રંથો લખાયા છે. બીજું એ કે વર્ષો પહેલા થઈ ગયેલા મહાન ઋષિઓની ભાષા પણ સંસ્કૃત હતી. આજની આપણી રાષ્ટ્રીય ભાષા ગણાતી હિન્દી ભાષાનો ઉદ્ભવ પણ સંસ્કૃતમાંથી થયો હતો તેવું માનવામાં આવે છે!...
લેટીન ભાષા રોમન સામ્રાજ્યની રાજભાષા માનવામાં આવે છે. લેટીન ભાષા યુરોપના કેથલિક ઇસાઇઓની ભાષા માનવામાં આવે છે. હાલની યુરોપની મોટાભાગની બોલાતી ભાષાઓ ફ્રેંચ, ઇટાલિયન, સ્પેનિશ, રોમાનિયાઈ, પુર્તગાલી અને વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષા અંગ્રેજીની મૂળ ભાષા લેટીન છે!...
તમિલ ભાષા લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાથી બોલાતી ભાષા છે. તે ભારત સિવાય શ્રીલંકા, સિંગાપુર,અને મલેશિયામાં બોલાય છે અને તેની બોલનારની સંખ્યા ૮ કરોડ જેટલી છે.
હિબ્રુ ૩૦૦૦ વર્ષ જૂની પ્રાચીન ભાષા છે. જે ઇઝરાયલની રાજભાષા છે. હિબ્રુ ભાષા વિશે એવું પણ માનવામાં આવે છે કે, બાઈબલના જુના નિયમ આ ભાષામાં જ લખવામાં આવ્યા હતાં. તેથી હિબ્રુ ભાષાને યહૂદી સમુદાયની સૌથી પવિત્ર ભાષા માનવામાં આવે છે.
ઈજીપ્ત્તિયન ભાષા ઈજીપ્ત દેશની ૨૬૦૦ વર્ષ જૂની ભાષા છે. ઈજીપ્તના ધરોહર સમા વિશ્વપ્રસિદ્ધ પીરામીડોમાં પણ કોતરાયેલ જોવા મળે છે.
ગ્રીક ભાષા લેટીનની માફક યુરોપની પ્રાચીન ભાષામાંથી એક છે. તે ઇસાથી પણ ૧૪૫૦વર્ષ પ્રાચીન ગણવામાં આવે છે. આજે તે ભાષા બોલનારની સંખ્યા ૧૩મિલિયન છે અને તે ગ્રીસ, અલ્બાનિયા, અને સાઇપ્રસ દેશોમાં બોલવામાં આવે છે.
મેંડરિન ભાષા વિશ્વમાં ડ્રેગનના નામથી જાણીતા દેશ ચીનની ભાષા છે. તે ઈ.સ. પૂર્વે ૧૨૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે. આ ભાષા ચીન સિવાય પૂર્વી એશિયાના અન્ય કેટલાય દેશોમાં બોલાય છે.
અરેમિક ભાષા એક સમયની આર્મેનિયાઈ ગણરાજ્યની રાજભાષા હતી, પરંતુ હાલમાં તે હિબ્રુ અને અરબી ભાષામાં ભળી ગઈ છે. આ ભાષા ઈ.સ. થઈ પણ ૧૦૦૦ વર્ષ પૂર્વેની છે. હાલ તે ભાષા ઈરાન, ઈરાક, સીરિયા, ઇઝરાયેલ, લેબનાન અને આધુનિક રોમમાં બોલાય છે.
કોરિયન ભાષા ઉતર અને દક્ષિણ કોરીયાની મુખ્ય ભાષા છે. કોરિયન ભાષા ઈ.સ.થી લગભગ ૬૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે અને આ ભાષા ચીનની મેંડરિન ભાષાથી પ્રભાવિત છે, કારણકે પ્રાચીન સમયમાં ચીની કોરિયા જઇને વસ્યા હતાં.
આર્મેનીયન ભાષા આર્મેનિયન ગણતંત્રની રાજભાષા છે. આર્મેનીયામાં બોલાતી આ ભાષા પાંચમી સદીમાં લખાયેલ બાઈબલમાં પણ જોવા મળે છે. આ ભાષાની ઉત્પતિ ઈ.સ. પૂર્વે ૪૫૦માં થઈ હોવાનું માનવામાં આવે છે.
આ તમામ ભાષાઓમાંથી કઈ ભાષા પ્રાચીન છે તે કહેવું જરા કઠીન છે, પરંતુ આ તમામ ભાષાઓમાંથી સમય જતાં અનેક ભાષાનો ઉદ્ભવ થયો હશે તેમ જરૂરથી કહી શકાય. હાલ આખા વિશ્વમાં હાલમાં ૭૦૦૦થી પણ વધુ ભાષા બોલાય છે. જ્યારે ભારતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર કુલ ૧૯,૫૬૯ ભાષા કે બોલી બોલાય છે. જેમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, મલયાલમ, તમિલ, કન્નડ, પંજાબી, સિંધી, તેલુગુ, ઉર્દુ, આસામી, કાશ્મીરી, મૈથિલી, સંસ્કૃત, સંથાલી, અંગ્રેજી, નેપાળી, મારવાડી, બોડો, ડોગરી,કોંકણી, મણિપુરી,મૈતેયી, મૈતે, મૈથેયી, ઉડિયા અને ભોજપુરી.
હવે મૂળ આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતીની પેટા ભાષા સમાન કુલ ૫૫ જેટલી ભાષા બોલાય છે.
ગુજરાતી એટલે આપણી માતૃભાષા. તેના ઉદ્ભવની વાત કરવામાં આવે તો તે ઇન્ડો- યુરોપિયન ભાષા કુટુંબનો એક ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા ઈ.સ. ૧૧૦૦-૧૫૦૦માંથી થયો છે. ઈતિહાસકારોનાં જણાવ્યાંનુસાર ઈ.સ.પૂર્વે ૬૪૦મી સદીમાં ચાઇનીઝ પ્રવાસી હ્યું-એન-સેંગ તેના પ્રવાસ વર્ણનમાં તે સામેના ગુજરાત પ્રદેશને ‘ગુર્જર દેશ’ , આરબો તેમના વર્ણનોમાં ‘ગુર્જર પ્રદેશ’ અને રાજા ભોજ ઈ.સ. ૧૦૧૪મા ‘સરસ્વતી કંઠાભરણ’ માં ગુજરતા એવા નામોથી ઓળખાવે છે. ૧૨મી સદીથી ગુજરાતી ભાષા સાહિત્યિક ભાષા તરીકે વાપરવા લાગી. ૧૩મી સદીમાં તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવાં લાગ્યું. ૧૨મી સદીમાં હેમચંદ્રાચાર્ય ‘ગુર્જર અપભ્રંશ’, ભાલણ ‘ગુર્જર ભાષા’ એવું નામ આપ્યુ અને ૧૭મી સદીમાં પ્રેમાનંદે પહેલીવાર દશ્મ સ્કંધમાં “ ગુજરાતી ભાષા” તેવું નામ આપ્યુ. આમ ગુજરાતીઓની ભાષાનું નામકરણ ૧૭મી સદીમાં થયું.
ભારતમાં સૌપ્રથમ ગીયરશન નામના બ્રિટીશરનાં વડપણ હેઠળ ભાષા સર્વેક્ષણની કામગીરી કરવામાં આવેલી. જે ૧૯૧૫થી ૧૯૩૦સુધી ચાલી હતી. તે સમયમાં ગુજરાતમાં કુલ ૨૦ જેટલી ભાષાઓની નોધ કરવામાં આવેલી.
ગુજરાતી ભાષાની પેટા ભાષા સમાન ભાષાની વાત કરવામાં આવે તો આટલી ભાષા બોલાય છે, ગુજરાતી, સુરતી, સિંધી, પટણી, વાઘેરી, કચ્છી, હાલારી, સોરઢી, ચારની, ચરોતરી, આમ્બુડી (દક્ષીણ ગુજરાતના આમ્બુડી આદિવાસીની બોલી), કોલ્ઘા (કોલ્હા જાતિની ભાષા), કુંકણા(જ્ઞાતિની ભાષા), ચૌધરી, ઢોલીયા, દહેવાણી, ગામીત, વસાવી, ટંડેલ, હળપતિ, મિર- મિરાતી, રાઠવી, ડુંગળી ગરાસીયા, બારોટી, પંચમહાલની બિલી, વણઝારી, સામઠી, ચારણી, વાદી, મોદી, મદારી, કોળી-ચોરવાડી, મેર-ખારવાની...
ગુજરાતી ભાષાની કુલ ૧૪ બોલી છે , સુરતી, ચરોતરી, મહેસાણી, ઝાલાવાડી, ગામીત, ચૌધરી, વસાવા, ઘોડિયા, કુકણા, પારસી, વોહરા, કાઠીયાવાડી, કચ્છી અને ભીલી. જેમાં મુખ્ય ચાર છે.
કાઠીયાવાડી બોલી સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડીમાં બોલાય છે. જેના શબ્દો છે : વયા જવું - ચાલ્યાં જવું, મોર થવું - આગળ થવું, અટાણે -અત્યારે, અંદર - માંલુકોર, ખાઈ લે - ગળચી લે, ક્યાં ગયો તો - ક્યાં ગુડાણો તો...
પટણી ભાષા ઉતર ગુજરાતમાં બોલાય છે. શબ્દો : વાખ - વાસ કે બંધ કર, સઈરાખ-પકડી રાખ.
સુરતી દક્ષિણ ગુજરાતમાં બોલાતી બોલી છે.શબ્દો : પોયરો: છોકરો, માટી બૈયર- પતિ-પત્ની , ડ્ખું ચોખા - દાળભાત.
ચરોતરી બોલી મધ્ય ગુજરાતમાં બોલાતી ભાષા છે. જે સાબરમતી નદીથી મહીસાગર નદી વચ્ચેનાં પ્રદેશ બોલાય છે. જ્યાં ‘શ’ની જગ્યાએ ‘સ’અને ‘હ’ બોલાય છે. ‘ઈ’ ની જગ્યાએ ‘ઐ/ ય ‘ બોલાય છે. ‘આ’ ની જગ્યાએ ‘ઓ’ બોલાય છે. ‘ઇ’ , ‘ળ’ ની જગ્યાએ ‘એ’, ‘ર’ બોલવામાં આવે છે. શબ્દો : સાણસી -હોંણશી, ભાઈ - ભૈય , માણસ- મોણહ , નિશાળ- નિહાર, પીપળો- પેપરો...
કચ્છમાં બોલાતી કચ્છી ભાષા મૂળ ગુજરાતી નથી, પરંતુ સિંધી ભાષાની બોલી છે. બધી ભાષાઓમાં ગુજરાતી ભાષા એક જ એવી ભાષા જેના વિશે કહેવાય છે કે “ જ્યાં જ્યાં વસે ગુજરાતી , ત્યાં સદાકાળ ગુજરાત.” સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારની સંખ્યા ૬.૫૫ કરોડ છે અને તે વિશ્વમાં ૨૬માં ક્રમે છે.
તમામ ભાષાઓમાં મુખ્ય ભાષા હોય તો તે છે આપણી “માતૃભાષા.” માતૃભાષા એટલે બાળક જન્મતાની સાથે સાંભળે, ધીમે ધીમે તેને બોલતા શીખવવામાં આવે ત્યારે બોલતા હોય તેને અનુસરીને બોલતા શીખે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ લાગે તે આપણી માતૃભાષા. ગુજરાતનાં જાણીતાં કવિયત્રી અને લેખક પન્ના નાયકજી હે છે કે, “ આપણને જે ભાષામાં સ્વપ્ન આવે તે આપણી માતૃભાષા!” માતૃભાષાનો મહિમા વર્ણવવો મુશ્કેલ છે. માતૃભાષા શીખવી સહેલી છે કારણકે તે દુધની ભાષા છે. કારણકે તે જનેતાના ધાવણના ઘૂંટડે ઘૂંટડે મળેલ સંસ્કાર અને સંસ્કૃતિની ધરોહર છે. માતૃભાષા આપણી ઓળખ છે. વિશ્વના જેટલાં પણ દેશો છે તે પ્રથમ પોતાની માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તેનું કારણ એકમાત્ર એટલું છે કે તેમાં જ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છે. બીજી બધી ભાષા શીખવી જોઈએ, પણ માતૃભાષાનો ત્યાગ કરીને નહી, જે માતૃભાષાનો ત્યાગ કરે છે ને તે પોતાના સંસ્કારથી દુર થઈ જાય છે. આપણા દેશના મહાનુભાવો માતૃભાષામાં શિક્ષણ પણ મેળવ્યું છે અને પુસ્તકો પણ લખ્યા છે. સી.વી.રામન, અબ્દુલ કલામ, કલ્પના ચાવલા, ડો. બાબાસાહેબ આંબેડકર, ગાંધીજી અને સરદાર પટેલ. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ જેવા અનેક ખિતાબો, એવોર્ડ્સ અને ઇનામો પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એન્જીનીયરીંગના વિષયમાં ૨૫ જેટલી યુનીવર્સિટીઓમાંથી જેમણે ડોકરેટ કરેલું તેવા રતન તાતાનાં જમણાં હાથ સમાં તાતા કંપનીના ડીરેક્ટર અને ચાર્ટડ એકાઉટંટ અરુણભાઈ ગાંધીએ ‘બાબુ અમીચંદ પન્નાલાલ’ સ્કૂલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો હતો. અંગ્રેજી ભાષા શીખો. તે શીખવામાં કાઈ ખોટું નથી. તે પણ એક ભાષા છે!... વિશ્વનાં ઘણા એવા દેશો છે કે જે પહેલા પોતાની રાષ્ટ્રીય ભાષાને મહત્વ આપે છે. જેમકે જર્મની, રશિયા, ફ્રાંસ, ચીન, કોરિયા, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ અને તુર્કી. પોતાની રાષ્ટ્રીય ભાષા અને માતૃભાષામાં શિક્ષણણો એક ફાયદો પણ છે. ઇઝરાયલ એક એવો દેશ જે ભારતના દસમાં ભાગ બરાબર પણ નથી. છતાં વિજ્ઞાન ક્ષેત્રે કરેલ પ્રગતિના નોબેલ પ્રાઈઝ ભારત કરતા દસ ગણા છે. કારણકે ત્યાના બાળકો પોતાની શિક્ષણની શરૂઆત પોતાની ભાષાથી કરે છે.
ભારતમાં અંગ્રેજી ભાષાનું આગમન :
ભારતમાં અંગ્રેજોનું શાશન આવ્યું તે પહેલા ભારતમાં અમુલ્ય ખજાનો હતો. ઇંગ્લેન્ડમાં ૧૮૧૧માં પ્રથમ શાળાની સ્થાપના થઈ ત્યારે ભારતમાં ૭,૩૨,૦૦૦ ગુરુકુળ હતાં. જે આજના જમાનાની બોર્ડીંગ શાળા. જેમાં અનેક વિષયોનું જ્ઞાન આપવામાં આવતું. જે એ સમયમાં ભારત સિવાય કોઈ પાસે નહોતું. ગુરુકુળમાં પડેલ સાહિત્ય બ્રિટીશ ઇતિહાસકાર થોમસ બેબીન્ગ્ટન મૈકોલના હાથમાં આવ્યું અને તેને તેનું અંગ્રેજીકરણ કરાવ્યું. મૈકોલે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો સર્વે કરાવ્યો. જેમાં બે બ્રિટીશરોએ પોતાના અહેવાલ રજુ કર્યા. જી.ડબ્લ્યુ. લ્યુથરે ઉતર ભારત વિશે જણાવ્યું કે અહિયાં ૯૭%સાક્ષરતા છે અને થોમસ મુનરો દક્ષિણ ભારત વિશે જણાવ્યું કે અહિયાં ૧૦૦%સાક્ષરતા છે.
મૈકોલે કહ્યું કે “ જો ભારતને કાયમ માટે ગુલામ બનાવવું હોય તો તેની સ્વદેશી અને સાંસ્કૃતિક શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે તોડી નાખવી જોઈએ અને તેને અંગ્રેજી શિક્ષણ પ્રણાલી સાથે બદલવી જોઈએ જેથી દરેક ભારતીય અંગ્રેજી બની જાય. તેમણે ગુરુકુળોને અને સંસ્કૃતોને ગેરકાયદે જાહેર કર્યા. ગુરુકુળમાં આગ લગાવી.
ભારતીય શિક્ષણ અધિનિયમનો કાયદો ૧૮૩૫માં ઘડવામાં આવ્યો. આ કાયદા હેઠળ “ કોલકાતા યુનીવર્સીટી” , “બોમ્બે યુનીવર્સીટી” અને “ મદ્રાસ યુનીવર્સીટી” બનાવવામાં આવી , જે ગુલામીકાલની યાદગીરી રૂપે આજે પણ દેશમાં છે.
મૈકોલે તેના પિતાને લખેલ એક પત્રમાં જણાવે છે કે “આ કોન્વેન્ટ શાળા એવા વિદ્યાર્થીઓને બહાર લાવશે જેઓ દેખાવે ભારતીય હશે, પરંતુ મગજથી અંગ્રેજી હશે. તેઓ તેના દેશ વિશે કશું જાણતા નહી હોય. તેમની સંસ્કૃતિ વિશે પણ જનતા નહી હોય. તેમની પરંપરા ભૂલી જશે. જ્યારે આવાં બાળકો ભારતમાં તૈયાર થશે અને અંગ્રેજો ભારત છોડશે,પણ તેઓ અંગ્રેજી નહી છોડે.” તે સમયે લખાયેલ પત્રમાં આ વાત વાસ્તવિકરૂપે આપણી સામે છે. ત્યારથી અંગ્રેજી ભાષા શીખીએ છીએ. શીખવામાં કે બોલવામાં કઈ જ ખોટું નથી, પણ પેલા આપણી માતૃભાષા.
હવે ભાષાના બીજાં પ્રકાર પર આવીએ.
નોન વર્બલ લેન્ગવેજ. એક એવી ભાષા છે જેમાં શબ્દોની જરૂર જ નાં પાડે. વગર બોલ્યે ઘણું બધું કહી જતી ભાષા એટલે બોડી લેન્ગવેજ. દિવસ દરમિયાન માણસ 93%નોન વર્બલ અને 7% જ વર્બલ કોમ્યુનિકેશન (સંચાર, ફેલાવવું)નો ઉપયોગ કરે છે. જેમ વર્બલ લેન્ગવેજના ઘણાં પ્રકાર જોયા તેમ નોન વર્બલના ઘણા પ્રકાર છે. ઊભાં રહેવું, જોવું, સાંભળવું, હસવું, ઉદાસ રહેવું, સ્પર્શ કરવું...
કોઈ ફંકશનમાં, સ્કૂલમાં કે કોઈ વિશેષ વ્યક્તિ સામે ઉભા કઈ રીતે રહેવું તે પણ મહત્વનું છે. આપણે આપણા દેશના જવાનો અને પોલીસ અધિકારીઓને કતારબદ્ધ , એકદમ સ્થિર ઉભેલા જોઈએ છીએ. કોઈ જગ્યાએ ઇન્ટ્રોડક્સન આપતી વખતે તે વ્યક્તિનાં પગ ધ્રુજતાં દેખાય તો સામે બેઠેલ વ્યક્તિને તરત ખબર પડી જાય કે તે ગભરાઈ રહ્યા છે. ત્યાં કહેવાની જરૂર જ નાં પડે.
કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વેળાએ જોવાની રીત ઘણી છે. આંખોમાં આંખ પરોવી વાત કરવી, વાત કરતા કરતા આમ તેમ જોવું... જો બે વ્યક્તિ વાત કરતા હોય તેમાં સાંભળનાર બોલનાર સામે આજુબાજુમાં જોયા વિના એકીટશે જોઇને સાંભળે તો બોલનારને એવું લાગશે કે તેમની પોતાની વાતમાં રસ છે. જો સાંભળનાર વારેઘડીએ મોબાઈલ ચાલુ કરી જોશે કે બીજી કોઈ કાર્ય કરશે તો બોલનાર સમજી જશે કે તેને મારી વાતમાં રસ નથી. બે વ્યક્તિ વાત કરતી વખતે કોઈ ત્રીજી વ્યક્તિ સામે વારેઘડીએ જુએ એટલે એટલે ત્રીજા વ્યક્તિને એવું લાગે કે તે લોકો મારી વાત કરે છે. આંખ વડે કરેલ ઈશારા પણ ઘણું કહી જાય છે.
હસતાં રહો. મસ્ત રહો. કોઈ વ્યક્તિને મળતી વખતે અને વાત કરતી વખતે ચહેરા પરનું સ્મિત અલગ છાપ છોડી જાય છે. તે વ્યક્તિ બીજીવાર મળવાનું પસંદ કરશે. સ્મિત કરતો વ્યક્તિ બધાને ગમે. જયારે એક વ્ય્કરી વાત કરતી હોય અને સામે સાંભળનારમાં કોઈ ફિક્કું હશે એટલે સામેવાળો સમજી જાય કે તેમણે તેની વાત ગમી નહી. રસ પડે તો જોશ સાથે હસશે.
ઈશારાની ભાષા પણ ગજબ છે. એક ઈશારો ઘણું પરિવર્તન લાવી દયે છે. આપણે ઘણીવાર સાંભળ્યું પણ છેકે ‘સમજદાર કો સિર્ફ એક ઈશારા હી કાફી હૈ.’ કોઈ બાળક સામે બાય બાયનો ઈશારો કરો એટલે સમજણું થાય ત્યારે સમજી જાય કે આ જવાનો ઈશારો કરે છે. ઈશારા આંખથી, હાથથી પગથી પણ થાય છે. દરેક ઈશારા શું કહેવા માંગે છે તે સમજણ સામેવાળાની વિચાર શૈલી પર નિર્ભર કરે છે.
સ્પર્શની ભાષા ઈન્ટરનેશનલ લેવલની ભાષા છે. કોઈ સાથે પ્રથમ મુલાકાતમાં હસ્તધૂનન (હેન્ડશેક) પુરા જુસ્સાથી કરવું જોઈએ. આપણે ઘણીવાર ટીવી પર જોઈએ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોડી બીજાં દેશમાં જાય અને ત્યાનાં રાષ્ટ્રપતિને મળે એટલે પુરા જોશથી હસતા ચહેરે સ્મિત કરે અને હેન્ડશેક કરે. આ રીતે મળવાથી સામેવાળી વ્યક્તિ પર તમારો ખૂબ સારો પ્રભાવ પણ પડે. ટચના બે પ્રકાર છે. ગુડ ટચ અને બેડ ટચ. આ બંને પ્રકાર વિશે આપણું મગજ આપણને અવગત પણ કરે છે.
આવી ઘણી બાબતો છે જેનાથી વગર બોલ્યે ઘણું કહેવાય જતું હોય છે. મૌન પણ એક ભાષા છે. ચહેરાના હાવભાવ ઘણું કહી જાય છે.
ભાષા આપણા જન્મ સાથે જોડાઈ ગયેલ અભિન્ન અંગ છે. ભાષા અભિવ્યક્તિનું સાધન માધ્યમ છે. આમ ભાષાનું વૈવિધ્ય ઘણું છે. એક મહાસાગર છે, જેટલા ઊંડા ઉતરીએ એટલા મોતીડા મળે.ભાષા પહેલા પણ જરૂરી હતી અને આજે પણ જરૂરી છે. ચાહે તે ગમે તે હોય પણ તેમાં મીઠપ હોવી જોઈએ. પક્ષીઓ શું બોલે છે તે આપણને સમજાતું નથી ,પરંતુ બોલે તે આપણને સૌને ગમે છે ,તેનું કારણ માત્ર એક છે કે તેમાં મીઠાશ છે.
સાચી મીઠાશ માતૃભાષા સિવાય શેમાંય ન આવે. માતૃભાષા આપણી ઓળખ છે.સંકટ સમયે કામ લાગે તે આપણી માતૃભાષા. તેના માટે સાદું ઉદાહરણ કહું તો , ચાલતાં જતાં હોય અને કુતરું પાછળ થાય , ભશે એટલે એક જ શબ્દ નીકળે “ હઇડ ..” ત્યાં ગો ગો બોલીએ તો ન ચાલે. સુમસામ રસ્તા પરથી પસાર થઈએ અને રસ્તા પર પડેલ સૂકાં પાંદડા પવનના જોરે હલે, શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જાય ત્યારે એક જ વસ્તું યાદ આવે, હનુમાન ચાલીશા. એ બોલી એટલે ડર ઓછો થઈ જાય. ત્યાં ઇંગ્લીશની કવિતા કામ ન લાગે. કોઈ બાળક રમતું રમતું પડે એટલે મા યાદ આવે. કોઈ વ્યક્તિ તમારે આંગણે આવે તેને “ આવો...આવો...” કહેજો અને “વેલકમ” કહેજો. સંકટમાં બચાવનાર , જિંદગીભર સાથ નિભાવનાર અને ડગલે પગલે આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાને સાચવનાર માતૃભાષાને માન આપીએ. ચાલો આપણે સૌ સાથે મળી પ્રતિજ્ઞા લઈએ કે શીખીશું પરભાષા પણ પહેલા મારી મધમીઠી માતૃભાષા....

કોઈ માણસને તમે એ સમજે એવી ભાષામાં બોલો તો મસ્તક સુધી જાય છે, પણ તેને તમે એની માતૃભાષામાં સમજાવી શકો તો હદય સુધી પહોચે છે. ~ નેલ્સન મંડેલા

સાગરમંથન : સાચો ભાવ આપણી માતૃભાષામાં જ દેખાય છે. કારણકે બીજી ભાષાનાં શબ્દો મગજમાંથી આવે અને માતૃભાષાનાં શબ્દો હદયના ઊંડાણમાંથી આવે છે.