Udta Parinda - 3 books and stories free download online pdf in Gujarati

ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 3

આંશીને સમજાવનાર આજે એની પાસે કોઈ નહોતું. ગાડી શહેરની ભીડમાંથી પસાર થઈ રહીં હતી. એ હજારો લોકોની રોડ પરની અવરજવર અને ભીડમાં વચ્ચે રહેલી આંશી જાણે કોઈ અજાણ્યા રસ્તે ખોવાઈ ગઈ હોય એવું અનુભવી રહીં હતી. હજારોની ભીડમાં પણ આંશી એકલી હતી. જીવનભરનો સાથ આપનાર એની બકબક સાંભળનાર, એની દરેક જીદ પુરી કરનાર આજે એને છોડીને ચાલ્યો ગયો હતો. બસ એની એક યાદી હાથમાં રહી ગઈ હતી. " પ્લીઝ તમે રડો નહીં. અધિક આપને વારંવાર વિડિયો પર સમજાવી રહ્યો છે. તમે દુઃખી થશો તો એની આત્માને વધુ દુઃખ થશે. તમે એને વધારે દુઃખી જોવા માંગો છો ? " ગાડી ચલાવી રહેલાં જયકારે આંશીને આશ્ર્વાસન આપતાં સમજાવી રહ્યો હતો.

" કોઈ પોતાનું વ્યક્તિત્વ જે તમને જીવથી વધારે વહાલું હોય એ વ્યક્તિ હરહંમેશ માટે તમને છોડીને જતું રહે તો ? તમે કેવી રીતે જિંદગી પસાર કરી શકો. " રડતાં રડતાં આંશીએ ગાડી ચલાવી રહેલાં જયકારને સવાલ કર્યો. " એ વ્યક્તિની યાદમાં જીંદગી પસાર કરવી પડે. એની આત્માને ખુશ રાખવા માટે એનાં પ્રેમને માન આપવા માટે હસતાં મોઢે જિંદગી પસાર કરવી પડે." આંશીની વાત સાંભળીને એકાએક એનો ભુતકાળ એની આંખો સામે આવી ગયો. જયકારે ઉંડો શ્વાસ ભર્યો અને એનાં ભીંતરખાને ભભૂકી રહેલી આગને કાબૂમાં રાખીને એણે આંશીની વાતનો ટુંકમાં જવાબ આપ્યો.‌ " ખરેખર જો તમે અધિકના સાચા મિત્ર હોત તો, અધિકને બચાવવાનો પ્રયાસ અવશ્ય કર્યો હોત. " આંશીએ આંખમાં રહેલાં આંસુને લૂછતાં જયકારને ગુસ્સેથી જણાવી રહીં હતી.

" તમને શું લાગે છે કે, અમને અધિકના મૃત્યુનુ દુઃખ નથી ? એ તમારી સાથે તો ફક્ત ત્રણ વર્ષથી હતો. હું એને ઓછામાં ઓછાં પાંચ વર્ષથી ઓળખું છું. " જયકારે એકાએક ગાડીને બ્રેક મારીને કહ્યું. એકાએક ગાડી ઉભી રહેતાં પાછળ બેઠેલાં બધાનો જીવ અધ્ધર થઈ ગયો. " સર તમે અહિયાં નિરાંતે બેસ હું ગાડી ચલાવું છું. તમારો ગુસ્સો અમે બધાં સમજી શકીએ છીએ. આંશી હાલ કોઈપણ વાત સમજી શકે એવી પરિસ્થિતિમાં નથી. " અભિમન્યુએ જયકારના હાથ પર હાથ રાખીને કહ્યું. જયકાર ગાડીમાંથી બહાર ઉતરીને બાજુની સીટમાં બેઠો અને અભિમન્યુએ ગાડી ચલાવી. ગાડીને હાઈવે પરથી સુનસાન એક કાચી સડક પર ઉતારી અને અભિમન્યુ એ રસ્તા પર આગળ ગાડી ચલાવી રહ્યો હતો.

રાત્રે અંધારું હોવાનાં કારણે આગળ રસ્તામાં રહેલાં ખાડાને લીધે ગાડી માંડ માંડ ચાલી રહીં હતી. આખરે એક જુનવાણી દેખાય રહેલાં ઘરની બહાર અભિમન્યુએ ગાડી ઉભી રાખી. ગાડીનો દરવાજો જેવો ખુલ્યો કે, સામે ઉભેલી એક પચ્ચીસેક વર્ષની ઉંમરમાં લાગી રહેલી યુવતી સીધી દરવાજા પાસે આવી પહોંચી. " શું થયું ? મારો ફોન કેમ ન ઉઠાવ્યો ? " પેલી યુવતીએ પોતાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

આંશીની નજર સામે શું ચાલી રહ્યું હતું એ બધું એની સમજણ બહાર હતું. અધિકનો વિડિયો, અચાનક કોઈ વ્યક્તિ આવીને ધડાધડ ગોળીઓનો વરસાદ કરે છે. બીજી તરફ આ બધા અજાણ્યાં લોકો. ગાડીની બહાર ઉભેલી યુવતીએ આંશીનો હાથ ઝાલીને અંદર લઇ જઈ રહીં હતી.‌ આંશી પણ નાના બાળકની માફક કોઈ હાથ ઝાલીને કોઈ જગ્યાએ લઈ જઈ રહ્યું હોય એમ સુન્ન બનીને પાછળ ચાલી રહીં હતી. " અધિકને ખોઈ બેસવાનું દુઃખ અમને બધાંને છે. આ સમય હિમ્મત હારીને બેસી રહેવાનો નથી, પરિસ્થિતિનો સામનો કરવોનો છે. " આંશીનો હાથ ઝાલીને ઘરની અંદર લઇ આવનારી યુવતીએ એકાએક જુસ્સેથી કહ્યું.

રૂમની અંદર રહેલી નાનકડી બારીની બહાર નજર કરતાં ચોતરફ બસ અંધકાર છવાયેલો હતો. હાથમાં રહેલાં પાણીનાં ગ્લાસને એક તરફ રાખીને આંશી આકાશ તરફ જોઈ રહીં હતી.‌ " અધિક તને દરરોજ એકને એક તારા કેવી રીતે જોવાં ગમે ? " રૂમમાંથી કોફીનો કપ હાથમાં લઈ અને અધિક બાલ્કનીમા બેસી અને આકાશ તરફ નિહાળી રહેલાં અધિકને એ સવાલ પુછતી. " અમે નાના હતાં ત્યારે પરિવારનાં સભ્યો કહેતાં,કે તારાં પપ્પા ત્યાંથી તારો બનીને તને જોઈ રહ્યા છે. મારી મમ્મી પણ આમ કલાક સુધી મારા પપ્પાને નિહાળ્યાં કરતી હતી. એનાં ગયાં પછી હું મારા મમ્મી અને પપ્પા બંનેને આકાશમાં નિહાળ્યાં કરૂં છું. " અધિક આકાશ તરફ એકીટશે મન ભરીને જોયાં કરતો અને આંશીના સવાલનો જવાબ આપ્યા કરતો.

આજે આંશી પણ આકાશ તરફ મીટ માંડીને બેઠી છે. એ આકાશમાં કદાચ એક ચમકતો તારો એને અધિક મળી રહે. વર્ષો પહેલાં કોઈ તારાને ખરવાની રાહ જોઈને બેઠાં હતાં કે, ખરતા તારાને જોઈ પ્રાથના કરવાની તો આપણી ઈચ્છા પુરી થશે. આંશીની એ ઇચ્છા પણ પુરી થઈ. આખરે એ ઈચ્છા એવી પુરી થઈ કે, અધિકને તેનાંથી જાણે હજારો કિલોમીટર દુર કરી નાખ્યો હતો.

" એ પણ તને ત્યાંથી જોયાં કરશે. એ હરહંમેશ તારી સાથે છે, શરીરથી નહીં પણ આત્માથી. " રૂમમાં ફરીથી પેલી યુવતીએ પ્રવેશ કર્યો અને આકાશ તરફ મીટ માંડીને બેઠેલી આંશીને એણે કહ્યું. આંશીના મનમાં ઉઠતાં જાતજાતના સવાલો અને જવાબ આપનાર વ્યક્તિ કોણ હશે ? એ વાતોનું વમળ વધુને વધુ વિશાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. પેલી યુવતીએ આંશીને ગળે લગાડી.‌ કોઈનો એવો સહારો મળ્યો કે, આંશી મન ભરીને બસ રડી શકે. એની અંદર રહેલી આગને કાબુમાં રાખી શકે. એનાં દુઃખને એ વ્યક્ત કરી શકે.

આંશી મન ભરીને રડી રહી હતી. આજે એનાં મૌન સંવાદને સમજનાર આસપાસ કોઈ નહોતું. આંશીનો ફોન વારંવાર વાગી રહ્યો હતો.‌ ફોન પર વાત કરવાની હિમ્મત નહોંતી. હાથમાં રહેલી ડાયમંડ રિંગ તરફ જોતાં જોતાં એણે પલંગ પર લંબાવ્યું. " બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. ટીમના સૌથી વધારે ભરોસાપાત્ર વ્યક્તિની હાજરી મને ત્યાં જોઈએ. લોકલ પોલિસને જાણ કરવાની કોઈ જરૂર નથી. એક એક ગોળીઓને ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલો. એ ગોળીઓની તપાસ પછી એક એક ગોળીને મારે મારા ટેબલ પર જોઈએ છે. કાંઈ પણ આડાઅવળુ થયું તો તમારી બધાંની નોકરીનો સવાલ છે. " અભિમન્યુએ ફોન પર ગુસ્સેથી સામે વાત કરનાર વ્યક્તિ સુચના આપતાં કહ્યું.‌

" સર તમે ચિંતા નહીં કરો, હું હમણાં નિલ સાથે વાત કરી એને આગળ શરૂ કરવું એ જણાવું છું. તમે ચિંતા નહીં કરો. " પેલી યુવતીએ અભિમન્યુને ગુસ્સે થતાં જોઈ એને સમજાવતાં કહ્યું. " હું એ કોઈને નહીં છોડુ. જેણે મારા ભાઈનું ખુન કર્યું છે.‌એ પણ કાયર બનીને પીઠ પાછળ ઘા કર્યો છે. " અભિમન્યુએ ગુસ્સેથી ટેબલ પર હાથ પછાડીને કહ્યું.

" મારૂં નામ રોમા છે. તમે મારી સાથે વાત કરી શકો છો. તમે આમ સતત રડયા કરશો તો, અધિકને વધારેને વધારે દુઃખ થશે. તમે અધિકને દુઃખી કરવાં માંગો છો ? " આંશીને રૂમમાં અંદર લાવનાર રોમાએ પોતાનો પરિચય આંશીને આપતાં એને સમજાવી રહીં હતી.

" આધિકને મારનાર વ્યક્તિ કોણ છે ? અધિક તો સપનામાં પણ કોઈ વિશે ખરાબ ન વિચારી શકે. " આંશીએ રડતાં રડતાં બહાર ખુરશી પર બેઠેલાં અભિમન્યુને સવાલ કર્યો. " એ બધું સમજવા માટે તમારે મનથી અને શરીરથી એકદમ મક્કમ બનવું પડશે. અત્યારે તમે એ બધું સમજવાની હાલતમાં નથી. " અભિમન્યુએ બારી બહાર નજર કરતાં આંશીને જવાબ આપ્યો.

રૂમની ઝાંખી પડેલી લાઇટને રોમાએ બંધ કરી અને આંશી જે ખાટલા પર સુતી ત્યાં એની બાજુમાં આવીને બેઠી. બન્ને બસ બારી બહાર નજર રાખીને જોઈ રહીં હતી. " અધિક તારા વિના હું શું કરીશ ? " આંશી આકાશમાં રહેલાં તારા તરફ નજર કરીને મનોમન સવાલ પુછી રહીં હતી. એ તારા તરફ જોતાં જોતાં ક્યારે સવાર પડી ગઈ એ ખબર ન પડી. રાતના અંધારાનો ઓછાયો જેવો દુર થયો કે, સુરજદાદા પોતાનાં કિરણો પાથરીને આગળ વધી રહ્યાં હતાં.‌

અધિકના વિરહમાં આંશીનુ જીવન કેવું રહેશે ? અધિકે એવું શું કામ કર્યું હશે કે, કોઈ એનું ખુન કરી શકે ? જોઈએ આગળનાં ભાગમાં.

પ્રેમથી તરબોળ જીવન એનું સુધારી ગયો,
એ આજે આકાશમાં તારો બની ચમકી ગયો.‌

ક્રમશ....