storm troop books and stories free download online pdf in Gujarati

તોફાની ટપલું

એક સુંદર મજાનું જંગલ હતું. આ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ હળી-મળીને રહેતા હતા. આ પ્રાણીઓમાં એક વાંદરાભાઈ, તેની પત્ની વાંદરીબેન સાથે એક ઝાડ પર રહેતા હતા. તેઓને એક બાળક હતું, જેનું નામ હતું ટપલું.
ટપલું ખૂબ જ તોફાની હતો. તેને બીજાની મસ્તી કરવાની મઝા આવતી. તે અવારનવાર કંઈક ને કંઈક મસ્તી કરતો અને મુશ્કેલીમાં મુકાતો હતો. માતા-પિતા ખૂબ સમજાવે, પરંતુ ટપલુંભાઈ તો ના સમજે.
એક દિવસ તે પોતાના મિત્રો સાથે રમવા નીકળે છે. રમતા-રમતા જંગલમાં તેઓ ઘણાં દૂર પહોંચી જાય છે. આ જગ્યા પર એક સિંહ રહેતો હતો. તેઓ જુએ છે કે ત્યાં સિંહ સૂતેલો છે. સિંહને જોઈને ટપલુંનાં બધાં મિત્રો ભયભીત થઈ જાય છે અને ત્યાંથી ઝડપથી નીકળવાં એકબીજાને કહેવા લાગે છે, પરંતુ ટપલુંનાં મનમાં તો બીજું જ કંઈ ચાલવા લાગે છે. તેને સૂતેલાં સિંહની મસ્તી કરવાનું મન થાય છે.
ટપલું તેનાં મિત્રોને કહે છે, “ચાલો આપણે આજે આ સિંહનું પૂછડું ખેંચી તેની સાથે મજાક કરીએ.” આ સાંભળીને ટપલુંનો એક મિત્ર કહે છે કે, “ ના હો તારે મસ્તી કરવી હોય તો કર, સિંહની મસ્તી થોડી હોય! સિંહને ગુસ્સો આવશે તો આપણને મારી નાખશે.”
માને એ ટપલું થોડો હોય આથી તેના મિત્ર તો દૂર ઊભા રહે છે પરંતુ, ટપલું સિંહની નજીક જઈને તેની પૂંછડી ખેંચે છે. સિંહ તો એકદમ ગુસ્સામાંથી ઊઠીને ઊભો થાય છે અને ટપલું ઉપર તરાપ મારે છે. ટપલું તો ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેના હાથમાં ટપલું ની પૂંછડી આવી જતા તેની અડધી પૂંછડી ખાઈ જાય છે. જેમ તેમ કરી પોતાનો જીવ બચાવી ટપલું પોતાના ઘરે પાછો ફરે છે.
દરેક પ્રાણીઓને પોતાની પૂંછડી દ્વારા પોતાનું સમગ્ર શરીરનું સંતોલન જાળવતાં હોય છે. પૂંછડીનાં કપાવાનાં કારણે તેને એવું લાગે છે કે હવે તેનું જીવન પૂરું થઇ ગયું આ ઘટના બાદ તે ખાવા પીવાનું છોડી દે છે. બે દિવસો વિતે છે. આમ છતાં પણ તે કંઈ ખાતો-પીતો નથી. ટપલુંનાં માતા-પિતા તો ખૂબ જ ચિંતામાં મુકાઈ છે.
તેઓ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેનો કંઈ પણ ફાયદો થયો નહી. ટપલું ની હાલત તો વધારે ખરાબ થવા લાગી.હવે તો આનો ઉપચાર માત્ર જિરાફભાઈ કરી શકે આમ વિચારી ઉપચાર શોધવા માટે જંગલના દાક્તર એવા જિરાફભાઈ પાસે ટપલું ને લઈને વાંદરાભાઈ અને વાંદરીબેન જાય છે.
જિરાફ ભાઈ ટપલું નું નિરીક્ષણ કરે છે અને તેની પૂંછડીનાં ભાગે જંગલમાં પડેલ એક દોરડાનો ટુકડો બાંધી આપે છે. દોરડાનો ટુકડો બંધાતા જ ટપલુંને અવું લાગે છે કે તેનું પૂંછડું પાછું આવી ગયું આંથી તે ત્યાં પડેલ એક ફળ ખાવા લાગે છે.
વાંદરભાઈ અને વાંદરીબેન આ જોઈને દંગ રહી જાય છે અને કહે છે કે, “અમે કેટલાંય પ્રયત્નો કર્યા છતાં પણ ટપલુંએ કશું ખાધું નહીં તો પછી આ કંઈ રીતે થયું”.
જીરાફભાઈ કહે છે કે, “તેને એવું લાગતું હતું કે તેની પૂંછડી કપાઈ ગયા બાદ હવે તેના જીવન નો અંત આવી ગયો છે. આથી તેણે ખાવા પીવાનો ત્યાગ કરી દીધો હતો. પૂંછડીનાં ભાગે દોરડું બાંધવાથી હવે તેને એવું લાગે કે તેની પૂંછડી ફરી પાછી આવી ગઈ છે.”
વાંદરાભાઈ અને વાંદરીબેન બન્ને જીરફભાઈનો આભાર માની ઘરે આવે છે. આમ ટપલું થોડા દિવસોમાં ફરી તાજો-માજો થઈ જાય છે અને તોફાન કરવાનું પણ બંધ કરી દે છે.
મિત્રો આપણે પણ ટપલું ની જેમ પૂંછડારૂપી આપણી જીવનની કોઈ વસ્તું ગુમાવવાના કારણે દુઃખી થતા હોઇએ છીએ. આપણે ટપલું જેમ ઉદાસ ન થવું જોઈએ, સતત આપણા કામને કરતાં રહેવું જોઇએ. આ ઉપરાંત આપણા માતા- પિતાની વાતને આજ્ઞા પૂર્વક માનવી જોઈએ.