Avantinath Jaysinh Siddhraj - 17 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 17

૧૭

કાક ઊપડ્યો!

ઉદયને સાંભળવાનું બધું સાંભળી લીધું હતું. એના ઉપરથી એ પોતાનું અનુમાન પણ કરી શક્યો, ભુવનેશ્વરીને એક વખત એ બરાબર જાણી શક્યો હતો. એણે મહારાજને પોતાના બનાવી લીધા હતા. બરાબર એ વસ્તુ જાણે આજે ફરીને પ્રગટી હતી. પ્રતાપદેવી સ્પષ્ટ બોલી હતી. એને પટ્ટણીઓની સંસ્કારિતા વિશે બહુ ઊંચો અભિપ્રાય લાગ્યો નહિ. 

એનું ચાલે તો એ ગુજરાતના રાજાને ઘેલી યુદ્ધપરંપરામાં ભારતવર્ષના દિગ્વિજયનો મહત્વાકાંક્ષી ખ્યાલ આવે. એનું ચાલે તો એ કાન્યકુબ્જ ને કર્ણાટક સુધી એકચક્રી સત્તાનો તરંગી ખ્યાલ આ રાજાને આપે. એનું ચાલે તો વિદ્યાધામમાં બધો ખજાનો ખાલી કરાવે. એનું ચાલે તો એ એકધર્મનું રાજશાસન ચલાવે! એણે ત્યાગભટ્ટને એવો સોમરસ પાયો હોય તેમ પણ જણાયું. જોકે એ બોલ્યો કાંઈ જ ન હતો, પણ એનો ગૌરવભર્યો ચહેરો એની ઘેલછાની મૂંગી વાતો કહી જતો હતો. મહારાજની મહેચ્છાનો પડઘો એના દ્વાર આગળ ચાલશે એ કામનાએ સૌ દોરાઈ રહ્યાં હતાં.

એટલામાં તો બધાને વિદાય થતા જોઇને ઉદયને છુટકારાનો દમ ખેંચ્યો. એને તરત પોતાની મહત્તા વધારનારો એક ખ્યાલ આવી ગયો. રાજા જયસિંહદેવના અંતરની સાચી વાત એ એક જ જાણતો હતો, બીજો કાક હતો. પણ ત્રીજા કોઈને એની ખબર ન હતી; કેશવને પણ નહિ, કદાચ દંડદાદાકને પણ નહિ. 

પણ અત્યારે મહારાજ ને સૌ ચાલ્યા ગયા પછી પહેલી વાત સહીસલામત બહાર નીકળી જવાની હતી. 

પછી નિરાંતે આજની ઘટના ઉપર વિચાર કરવાનો હતો. 

ઉદયનને લાગ્યું કે આમાં હવે કૃષ્ણદેવનો ખપ નથી. એણે પોતાનો ભાવિ ક્રમ મનમાં ને મનમાં ઘડવા માંડ્યો. 

બંને ધીમે ધીમે બહાર નીકળ્યા. હજી કોઈની અવરજવર જણાતી હતી. થોડી વાર એ આમલી ઉપર બેઠા રહ્યા. ઉદયનને અનેક વિચાર આવ્યા કર્યા. ત્વરા વિના ને નિશ્ચય વિના બધું રખડી પડે તેમ હતું એમ એને લાગ્યું. 

જયસિંહદેવ, આ કુમારને, પાટણ જતાં પહેલાં જ ભૂમિકા તૈયાર કરીને પ્રતિષ્ઠિત બનાવી દેશે એ વાત હવે ચોક્કસ હતી. થોડા દિવસમાં જ – કદાચ ત્રણ દિવસમાં – એની મહત્તા અદ્વિતીય થઇ ગઈ હશે. આનકરાજ આને ઉપાડી જાય એ વાતમાં પણ ઉદયનને હવે બહુ રસ રહ્યો નહિ, એણે આંહીં જ નજર તળે હરતોફરતો રાખવો જોઈએ. નહિતર એ બહારનું કૌભાંડ હવે પાટણને આંગણે લાવ્યા વિના ન રહે. ને અત્યારે તો ઠીક, પણ જે કાળે મહારાજનો દેહવિલય થાય ત્યારે જબરજસ્ત ઘર્ષણ ઊભું કરીને એ વિજય પણ મેળવે. ગજનિષ્ણાત હતો, એ કાંઈ ચલાવેલી વાત જણાતી ન હતી. એના પાસે ગજવિદ્યાની અનુપમ સિદ્ધિ હોવાનો સંભવ કાઢી નાખવા જેવો ન હતો. એની મુખમુદ્રામાં રમી રહેલાં સ્વપ્નાં જ એ વાતની સાક્ષી પૂરતાં હતાં.

ઉદયનને એક-એક પળની કિંમત જણાવા માંડી.

ઝાડ ઉપરથી ઊતરીને એ બહાર નીકળ્યા, ગુપચુપ અંધારઘેરે માર્ગે પોતાના સંકેતસ્થાન તરફ જઈ પહોંચ્યા. ત્યાં થોડી વારમાં હઠીલો આવવાનો હતો. ઉદયને કાકને ખભે હાથ મૂક્યો. ‘ભટ્ટરાજ!’ એણે અચાનક જ કહ્યું, ‘તમે ઊપડશો?’

કાકને આ અચાનકના પ્રશ્નથી નવાઈ લાગી. તેણે ઉતાવળે જ કહ્યું: ‘ક્યાં ઊપડવાની વાત છે મંત્રીશ્વર? આપણામાંથી કોઈ આંહીંથી ખસી શકે ખરું?’

‘ભટ્ટજી! એ સાચું, પણ કેટલીક વખત તક ચૂકે, એ પછી ચૂકે જ છે. આપણે નિશ્ચય કરવાનો ને ત્વરિત પગલું ભરવાનો વખત આવી ગયો છે. મહારાજની સામે સૌ રાજમંત્રીઓ એક જ વાત મૂકશે તો ફાવશે. નહિતર હું તો આ રણમોરચે, ઘણું કરીને ત્રણ દિવસમાં જ આ ત્યાગભટ્ટને મહારાજના કુમાર લેખાનો અભિષેક થતો જોઈ રહ્યો છું. ભાવબૃહસ્પતિના મુહૂર્તનો એ મર્મ જણાય છે. આંહીં છે રણક્ષેત્ર. લક્ષ્મીદેવી દૂર પડ્યાં છે. પાટણનું મહારાજ પાટણમાં છે. આ કુમાર, રણઘેલા સૈનિકોને એક વખત દેવ થઇ પડશે, પછી તેમને કાઢી રહ્યા! એમનામાં દેવ થઇ પડે એવી મોહિની છે! અને એ રણનો કુશળ જોદ્ધો લાગે છે. આટલી નાની વય છે એટલે એની સૈન્યપ્રિયતા અદ્વિતીય થઇ રહેશે.’

‘એટલા માટે તો આપણે આનકરાજવાળી વાત કરી હતી. હજી એ ક્યાં ટળી ગઈ છે?’

‘પણ એમાંય કાંઈ નહિ પાકે. એ તો આનકરાજ! આનું પ્યાદું કરીને પાટણને હંફાવશે! આપણે તો હવે એને પણ વશ કરવો છે. પ્યાદું થાવા દેવો નથી ને જામવા દેવો પણ નથી. આનકરાજને તો આપણે ગોઠવ્યું છે તેવી રીતે જ ભગાડવો છે. પણ તમે એક ઘડિયાજોજન સાંઢણી ઉપર ન ઊપડો?’

‘ક્યાં જવું છે એ જાણ્યા વિના? ને શું કામ છે? ને આંહીંની આપણી  હાજરીનું શું? તમને ખબર છે, તમે પણ આંહીં છો એ વાત કોઈને જાણવામાં આવે તો શું થાય?’

‘એ બધી વાતનો મેં તોલ કાઢ્યો છે. તમારે પગલું લેવું જ પડશે – વહેલે કે મોડે. સો રાજમંત્રીઓ એક સાથે મહારાજને આ પગલું ભરતાં અટકાવી ન શકે તો પછી આપણે તો સ્નાન જ કરી નાખવાનું રહે છે. એટલે હવે જોખમ ખેડવામાં જ સિદ્ધિ રહી છે. તમે ઊપડો – આબુ માતા ભવાનીને દર્શને લક્ષ્મીરાણી આવ્યાં છે, એને તાત્કાલિક આંહીં લાવો. કૃષ્ણદેવજીની સાંઢણી કેવીક?’

‘એની સાંઢણીનું શું કામ છે? ઘડિયાજોજની મારી ક્યાં નથી? પણ મેં કહ્યું તેનું શું? કાલે મારી આંહીં જરૂર પડી, ને હું નહિ હોઉં, પછી?’

‘જુઓ કાકભટ્ટજી! અત્યારે જ હું દંડદાદાકને મળી લઈને, વાત આ આવી રીતે થતી નહિ અટકે તો એમાંથી ઘર્ષણ ઊભું થાશે, એનો ખ્યાલ આપી દેવા માટે, આંહીંથી પરબારો ત્યાં જ જાઉં છું!’

‘તમે?’ કાકને બહુ જ નવાઈ લાગી. 

‘હા હું પોતે. ને તમે અત્યારે ઊપડો. તે મહારાણીબાને કાલે સાંજે આંહીં લાવી મૂકો. સંદેશો હું આપું છું. મહારાણીબાને એક વખત ભુવનેશ્વરીના ઘા રમી ગયા છે. મારી વાતને એ તરત સમજી જાશે. એ આવશે ને આંહીંનું વાજું ફરશે. તમે પોતે જ ઊપડો. કાં હું જાઉં. ત્રીજા કોઈનું કામ નથી. પછી શું કરવું તે નક્કી કરીશું. પણ વખત હવે ખોવાનો નથી. તમારી સાંઢણી તો શિબિરમાં હશે?’

‘ના, સાંઢણી મારી છે હઠીલાને ત્યાં. ‘ઘડિયા જોજની’ આંહીં છે એ ખબર ન પડે ત્યાં રાખી છે. હઠીલાને હમણાં આવ્યો બતાવું. મેં કહી રાખ્યું હતું. પણ આમાં કાચું તો નથી કપાતું નાં?’

‘ના ના, હઠીલો એટલામાં આવી જાય તો બસ.’ રસ્તા ઉપર જરાક સળવળાટ જેવું જણાતાં બંને સાવધ થઇ ગયા. એટલામાં તો ત્યાં ઊગેલા છોડવાઓની પાછળથી હઠીલો જ હસતો-હસતો ઊભો થયો. ‘ક્યાં મોકલવી છે ઘડિયાજોજનીને? શાની વાતું છે મહારાજ?’ તે આંહીં ક્યારનો બેઠો હોય તેમ લાગુ. 

‘અરે! આ તો હઠીલો જ છે. ચાલો, કાકભટ્ટજી! આ પણ ફત્તેહની નિશાની સમજજો. હઠીલા! તું કાકભટ્ટને કોઈ અટપટે રસ્તે બહાર કાઢી સાંઢણી ઉપર રવાના કરી દે!’

‘અત્યારે?’

‘અત્યારે શું? આ પળે જ. કાકભટ્ટજી! તમે મેં લીધેલા પગલાં વિશે હમણાં વિચાર કરવા ન થોભતા, એ બરાબર સમયસરનું છે. ભગવાન સોમનાથનું નામ લઈને ઊપડો! આંહીં હવે હું છું. સંભાળી લઈશ. પણ તમે કાલે સાંજે આંહીં હો! મને તો મોટામાં મોટો ભય એ છે કે આપણે મોડા ન પડીએ. બાકી વાત તો બરાબર જ ઊતરશે. ઊપડો ત્યારે. મહારાણીબાને સંદેશો આપજો...’ ઉદયને એના કાનમાં થોડી વાર વાત કરી. ‘ને આ નિશાની –’ પોતાની મુદ્રા એણે કાકભટ્ટના હાથમાં સોંપી.

બે પળમાં જ હઠીલો ને કાક અદ્રશ્ય થઇ ગયા. ઉદયન એકલો અંધારું કાપતો દંડદાદાકને મળવા ઊપડ્યો.