Avantinath Jaysinh Siddhraj - 16 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 16

૧૬

ભુવનેશ્વરીનું મંદિર

દુનિયામાં કોઈ કોઈ સ્થળમાં ધરતીનો જાણે કે અંશ જ લાગતો નથી. ત્યાં રહે છે એકલી હવા. એ સ્થળે પગ દેતાં જ કોઈકની હાજરી લાગે ત્યાંના ઝાડપાન, પંખી, વૃક્ષવેલી, છોડ, ટેકરા ઝરણાં સઘળામાંથી અનોખો જ વા વાતો હોય! એ સ્થાનમા કોઈક ચેતના જાણે કે નિત્ય હાજર જણાય! ત્યાં પગલું મૂકતાં સ્વપ્નું જાગે. વિચાર કરતાં ઉત્તુંગ કલ્પના ઊભી થાય. શબ્દ બોલતાં રમ્ય પડઘા ઊઠે. કવિતા કરતાં મનોહારી અપ્સરાઓ નજરે ચડે. ત્યાં કોઈ હીણી વાત જાણે મનમાં આવી જ શકે નહિ. ત્યાં જળમાં સ્થળમાં, હવામાં અનોખું જ દર્શન દેખાય. માણસ ત્યાં પોતાની ક્ષુદ્રતા તજી બે પળ દેવત્વનો વારસો પામે. 

કોઈ કોઈ સ્થળને પોતાની એવી અનોખી મોહિની મળેલી હોય છે. 

એ સ્થળમાં વસી ગયેલ કોઈ વ્યક્તિના અખંડ જીવનસ્ત્રોતનો એ મહિમા હોય છે. ગમે તે ઘડીએ ને ગમે તે પળે જાણે કે એ ત્યાં હોય જ હોય!

ભુવનેશ્વરીના મંદિરમાં આવી મોહિની હતી. એ ધરતીનો કટકો કે મંદિર નહોતું રહ્યું, કોઈકનું જાણે કે સૂતેલું સ્વપ્ન બન્યું હતું! જીવનમાં કોઈક ને કોઈ ધન્ય પળે એક સુંદર સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નું જાણે કે આંહીં પથ્થરમાં બેસી ગયું. 

જયસિંહદેવ મહારાજ એ સ્વપ્ન નીરખવા માટે ત્યાં જવાના હતા.

કાકને ખબર પડી કે મહારાજ કાલે સાંજે જ ત્યાં જવાનાં છે એને એની અધીરતા વધી ગઈ. કૃષ્ણદેવને એણે ખોળી કાઢ્યો. પણ એને હજી ઉદયન વિશે પાછા કાંઈ સમાચાર મળ્યા ન હતા. એ પણ હરપળે હઠીલાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. 

અરધી રાત ભાંગ્યે હઠીલો આવ્યો. એ એકલો હતો. એણે કૃષ્ણદેવને ખબર કર્યા. ઉદયનને ભુવનેશ્વરીના મંદિરની આસપાસ એક છાની ગુફામાં એણે રાખ્યો હતો. 

હઠીલો પછી તરત કાકને મળ્યો. કાકે બે પળમાં જ વેશપલટો કરી લીધો. હાથમાં એકલી ડાંગ રાખી. મોંએ બુકાની બાંધી ખોવાઈ ગયેલું ઢોર ઓળખનારો રબારી થઇ ગયો. અંધકારમાં ઝાડ ને છોડનો આધાર લેતા બંને જણા ઉપડ્યા. સૈનિકોની છાવણીથી ઠીકઠીક દૂર એ નીકળી ગયા. હઠીલો આ કામમાં ખૂબ સાવચેત જણાયો, એણે એવો રસ્તો પકડ્યો હતો કે કોઈ કહેતાં કોઈ એને મળે જ નહિ! આખે રસ્તે ઝાડ-છોડને આધારે જ ચાલ્યા. જાણે કે આ જમીનનાં તમામેતમામ ઝાડને અને છોડને એણે ગજથી માપીને અગાઉથી અંતર ગોખી જ રાખ્યાં હોય!

ભુવનેશ્વરીના પશ્ચિમદ્વાર તરફ કાકનો ઓળખીતો એક વૃદ્ધ સુભટ્ટ રહેવાનો હતો. તે ત્રિભુવનપાલ મહારાજનો અનુરાગી હતો. કાકે એને સાધ્યો હતો. 

પશ્ચિમદ્વારને અડીને એક વિશાળ આમલીનું ઝાડ આવી રહ્યું હતું. કાકે ત્યાંથી અંદર પ્રવેશ કરવાની જુક્તિ ગોઠવી રાખી હતી. ઉદયનને એણે એ વાત કહી.

‘અંદર પ્રવેશ તો કર્યો, પણ પછી...? મંદિરમાં જવાનો કોઈ મારગ ત્યાં નહિ હોય તો?’ ઉદયને કહ્યું.

‘આપણે છેક ઉપરના ઘુમ્મટમાં પહોંચી જઈશું તો ત્યાં મંદિરની નીચેથી આવતી નાનકડી પથ્થર સીડી છે. એની મારફત કોઈ ને કોઈ રસ્તો જડી જાશે!’

‘હઠીલા!’ કાકે એક ધીમો અવાજ કર્યો. 

હઠીલો તરત હાજર થઇ ગયો. કાકે જોયું કે પાસે જ ઊગેલાં બે ખાખરાના છોડવામાં એ ગોઠવીને એવી રીતે બેઠો હતો કે કોઈકને જાણે ત્રીજો છોડવો જ લાગે! એને આ ભીલ બહુ જ ઉપયોગી જણાયો. 

‘હઠીલા! પેલું આમલીનું ઝાડ.’

‘પચ્છમમાં છે!...’

‘હાં. એ.’

‘ત્યાં કાલે સાંજના ગોઠવાઈ જવાનું છે! એ સારું છે. મોટે ઠેકાણેથી આઘેરું છે એટલે કોઈને બહુ નજરમાં પણ નહિ હોય! તું આંહીં આવી જજે!’

‘હોવે!’

થોડી વાર પછી હઠીલો અદ્રશ્ય થઇ ગયો. 

બીજે દિવસે સાંજ પડતાં પહેલાં જ ઉદયનને લઈને એ આમલીના ઝાડ પાસે પહોંચી ગયો હતો. ઉદયનનું શરીર કસાયેલું હતું. તેણે જુવાનીમાં કૈંક રંગ જોઈ લીધા હતા. એ ત્યાં ઉપલી ડાળીઓમાં બે ઘડી સ્થિર બેસી ગયો. થોડી વારમાં તો એણે આખા મંદિરને પ્રકાશમાં નાહી રહેલું દીઠું. સેંકડો દીપીકાઓ પ્રગટવા માંડી હતી. 

પણ હજી કાક આવ્યો હોય તેમ જણાયું નહિ. હઠીલો તો આંહીં એને મૂકીને તરત જ અદ્રશ્ય થઇ ગયો હતો. એટલે હવે કાકની ખબર કઢાય તેમ પણ ન હતું. એ વિચાર કરતો હતો એટલામાં એણે પોતાનાથી થોડે જ દૂર એક ડાળીમાં જરાક ખખડાટ થતો સાંભળ્યો. થોડી વારમાં ધીમેધીમે કાક એની પાસે આવતો જણાયો. આવીને એણે ઉદયનના કાંડા ઉપર હાથ મૂક્યો. ઉદયન સમજી ગયો. જરાક પણ અવાજ એમને પ્રગટ કરી દે તેવો ભય હતો. 

બંને જણા પથ્થરની પ્રતિમા જેવા તદ્દન શાંત થઇ ગયા!

પળ બે પળ વીતી અને કેશવ સેનાપતિનો અવાજ નીચેથી આવી રહ્યો હતો તેમ લાગ્યું. મંદિરના ચારે દ્વાર ઉપર સૈનિકોને એ સૂચના આપી રહ્યો હતો. 

કેશવ આઘો ગયો લાગ્યો કે તરત કાક ઝાડની ડાળી ઉપરથી નમીને નીચેની ડાળીએ આવ્યો. એણે હેઠે મંદિરમાં ચોગાનમાંના કોટ સામે જોયું. કોઈ સૈનિક ઊભો હતો. તેણે ધીમેથી અવાજ આપ્યો: ‘ધનુરભટ્ટ!’

નીચેથી જવાબ ન આવ્યો. પંખી બોલે છે એવી એક સૂરીલી ઝીણી તાન આવી.

‘ચાલો!’ પાછા ઉપર આવી જતાં કાકે કહ્યું.

‘કોણ છે એ?’

‘તમને ઓળખે છે. ધનુરભટ્ટ. ત્રિભુવનપાલ મહારાજનો પરમ ભક્ત છે. ત્રિભુવનપાલજીએ બર્બરક આવ્યો, ને ક્ષેત્ર છોડ્યું, ત્યારથી એ એકાકી જેવો થઇ ગયો છે. આપનો મિત્ર છે. પરમ વિશ્વાસ છે હો!’

‘ધનુરભટ્ટ કાં?’

‘હા ધનુરભટ્ટ.’

કેશવ હવે સારી રીતે દૂર થઇ ગયો હોય તેમ લાગ્યું. ઉદયન પોતાની આજની હાસ્યાસ્પદ સ્થિતિ ઉપર વિચાર કરી રહ્યો. 

એણે આ સાહસ જ કર્યું હતું. એના સ્વભાવથી એ વિરુદ્ધ ન હતું; પણ એની અત્યારની પરિસ્થિતિ જોખમ ભરેલી હતી. 

કાકભટ્ટ ગમે તેમ પણ સૈનિક હતો. પોતે મંત્રીશ્વર જેવો જવાબદાર માણસ હતો. પણ નજરોનજર જોયા વિના, મહારાજ આજે ત્યાગભટ્ટ વિશે શો નિર્ણય લેશે એની ખાતરી કરવી મુશ્કેલ હતી, અને એક વખત એ વાત ફેલાઈ જાય પછી એને અટકાવવી પણ એટલી જ મુશ્કેલ હતી. એટલે આવા કોઈક અનિવાર્ય સાહસ વિના બીજો ઉપાય પણ ન હતો. 

તે પોતાની સ્થિતિ ઉપર વિચાર કરી રહ્યો. આંહીં અત્યારે એને શોધી કાઢે તો? તો એની શી દશા થાય?

પરિણામથી એ ધ્રૂજી ઊઠ્યો. એટલામાં એણે કાકને ડાળ ઉપર આગળ વધતો જોયો. એણે એનું અનુકરણ કર્યું. 

મંદિરના ઉપલા ભાગ ઉપરની, ટોચની, ઘુમ્મટ ફરતી જગ્યામાં એ બહુ જ ધીમેથી ઊતર્યા અને પળભર તો પોતાની જાતને છુપાવતા ત્યાં પડ્યા રહ્યા.

ચારે પગે બેસીને આગળ વધતાં, આંહીં અગાશીમાં આવતી એક પથ્થર સીડીનું નાનકડું બાકોરું એમની નજરે આવ્યું. સીડી આડેઅવળે માર્ગે થઈને ચકરાવો લેતી ઉપર આવતી હતી, એટલે મંદિરના મધ્યભાગના વિશાળ મંડપની દીપીકાઓનો કોઈ પ્રકાશ આંહીંથી હજી દેખાતો ન હતો. 

કાક આગળ વધ્યો. 

તેઓ એક ખંડ નીચે આવ્યા. ત્યાંથી હજી પણ પ્રકાશનાં દર્શન થતાં ન હતાં. હજી એક ખંડ નીચે ગયા. 

ઉદયને ત્યાંથી જે જોયું તે કોઈક અદ્ભુત વસ્તુનું જાણે કે વિરલ દર્શન હતું. 

નીચેના વિશાળ ખંડનો થાંભલે થાંભલો દીપીકાઓથી ઝળહળી રહ્યો હતો. દરેક થાંભલામાં કોતરેલી પ્રતિમાઓ જાણે સ્વપ્નનગરીની અભિસારિકાઓ હોય તેવી અત્યારે સુંદર લાગતી હતી. ઉપરથી, નીચેનો આખો વિશાળ ખંડ દ્રષ્ટિએ પડતો હતો. એક રમણીય સ્વપ્નસૃષ્ટિ જાણે ત્યાં ઊભી રહી ગઈ હતી!

ઉદયન અને કાક ત્યાં ગુપચુપ એક સ્તંભની પાછળ બેસી જઈને શું થાય છે તે જોવા લાગ્યા. 

ખંડમાં ઠેકાણે ઠેકાણે સુગંધી તેલના દીવા પ્રગટાવ્યા હતા. સામેના પ્રવેશદ્વાર ઉપર એક પથ્થરની પ્રતિમા જેવો જબ્બર આદમી ઊભો હતો. ઉદયને ઝીણી દ્રષ્ટિ કરીને એને તરત ઓળખી કાઢ્યો. બર્બરક ત્યાં હતો. પોતાના આંહીં હોવા વિશે એણે જરા જેટલી પણ ગંધ હશે ખરી? મલ્હારભટ્ટ હજી છૂટ્યો ન હોય તો તો વાંધો નહિ. નહિતર આંહીંથી નીકળવામાં ભોં ભારે પડે તેવું હતું. 

હજી ત્યાં કોઈ આવ્યું લાગતું ન હતું. વિશાળ ખંડમાં બરાબર એમની સામે, એક નાની સરખી એક અત્યંત મનોહારી પથ્થરની નાજુક છત્રી આવી રહી હતી. ખંડને એ પોતાના અનોખા સૌંદર્યથી ભરી દેતી હતી. ફૂલ ઉપર કોઈક નાનકડું પતંગિયું રમત કરતું સ્થિર થઇ ગયું હોય એવી એ સુંદર લગતી હતી. જાણે હમણાં આકાશમાં ઊડી જાશે એવી હવાઈ અપ્સરાસૃષ્ટિનું સર્જન એના દરેકે દરેક પથ્થરમાં બેઠું હતું. આકાશમાંથી હમણાં જ આરામ લેવા બેઠેલી કોઈ પંખિણી જેવી એ જણાતી હતી. 

ઉદયન એ અદભૂત કલાકૃતિ સામે જોઈ જ રહ્યો! જેણે એ કરી હોય, એણે જાણે સંસ્મરણોની સઘળી મધુરપ એમાં આણી મૂકી હતી! એને જોતા માણસનાં પોતાનાં જીવનનાં સંસ્મરણોની, એક અનોખી સૃષ્ટિ દિલમાં જાગી ઊઠે એવી મનોહર જાદુભરી એની કલા હતી. 

ઉદયનના દિલમાં પણ કોણ જાણે ક્યાંથી, ત્રણ-ત્રણ શેઠાણીઓના પ્રેમની પંક્તિઓ ઊભરાવા માંડી!  એને આ પથ્થરમાં, જાણે કોઈએ રતિ અને કામની પ્રેમગોષ્ઠિ સંઘરી રાખી હોય એવું દેખાવા માંડ્યું!

એણે કાકના હાથને સ્પર્શ કર્યો. કાક પણ મૂંગો મૂંગો એની સામે જોઈ રહ્યો. એની આંખના ખૂણામાં પણ એક જલબિંદુ ચળકી રહ્યું હતું!

ઉદયનને લાગ્યું કે કહો, ન કહો, પણ આ પ્રતાપદેવી – જે નારીનું નામ સંભળાય છે – એની પાસે કોઈક મોહિની તો ચોક્કસ છે! 

એટલામાં એણે બર્બરકને એક તરફ થઇ જતો જોયો. તે ભીંત સરસો છાતી ઉપર માથું ઢાળીને નમન કરતો સ્થિર ઊભો રહી ગયો હતો. 

પળ બે પળ વીતી ને મહારાજ જયસિંહદેવ દેખાયાં. આંહીં સૂતેલી સૃષ્ટિનો કોઈ અંશાંશ પણ થડકો ન અનુભવે એની સંભાળ લેતા હોય તેમ એ અત્યંત ધીમે શાંત પગલે આવી રહ્યા હતા. ઉદયન ને કાક આશ્ચર્યચકિત થઈને એ જોઈ રહ્યા. 

મહારાજની પાછળ એમણે દંડદાદાક, મહાદેવ કે કેશવને જોવા ડોક ઊંચી કરી, પણ એમનું કોઈ ત્યાં ન હતું! મહારાજ એકલા જ આવ્યા હતા. 

કાંઈક થયું હોય કે વાતને નવો વળાંક આપવાનો પ્રયત્ન હોય, પણ કોઈ મંત્રી ફરક્યો નહિ. ઉદયનને એનો મર્મ કંઈ સમજાયો નહિ. કાકને પણ નવાઈ લાગી. છેલ્લી પળે, ગમે તે કારણે, મહારાજે એકલા જ આવવાનું નક્કી કર્યું હોય તેમ જણાતું હતું. 

એટલે તો ઉદયનને વાતમાં હવે વધુ રસ પડ્યો. હવે જે કાંઈ આંહીં થશે એના જાણકાર એ પોતે ને કાક બે જ હોવાના. એક ઊંડા આત્મસંતોષે એનું મન પ્રફુલ્લ થયું. એટલી વારમાં મહારાજ આગળ આવ્યા. ઉદયને જોયું કે આખા ખંડમાં એક રીતે જાણે હવાનું જ સામ્રાજ્ય હતું. મહારાજ પણ એ હવામાં કાંઈ જોઈ રહ્યા હતા. 

એ ધીમે પગલે પેલી મનોહર છત્રી પાસે આવીને અટકી પડ્યા. છત્રીના આગલા બે રમણીય સ્તંભ ઉપર કોતરેલી નર્તિકાઓએ, અત્યંત વિનમ્ર, પણ સંસ્કારી એવું તો સુંદર નમન કર્યું હતું કે મહારાજનું મસ્તક કુદરતી રીતે જ જરાક નમી ગયું ને હાથ પણ જાણે કે સહેજ જોડાઈ ગયા!

મહારાજ એ છત્રીના પગથિયા પાસે સ્થિર થઇ ગયા. કાંઈક સંભારતા હોય તેમ પળભર એક દ્રષ્ટિ કરીને ત્યાં શાંત ઊભા રહી ગયા હતા.

ઉદયનને સ્ફૂર્યું કે આ અત્યંત સુંદર લાગતી પથ્થરછત્રીમા એના અદ્ભુત શિલ્પીએ ભુવનેશ્વરીનાં સંસ્મરણોની સઘળી રસિક મધુરતા રેલાવી દીધી લાગે છે. એમાંથી ઊડતી હવા આંહીં એને સ્પર્શે છે તો મહારાજને એનો કેટલો અનુભવ થતો હોવો જોઈએ? મહારાજ એકલા જ કેમ આવ્યા એ અત્યારે સમજાયું.

મહારાજ જયસિંહદેવ એમ ત્યાં જરાક ઊભા રહ્યા અને ચારે તરફ છત સુધી દ્રષ્ટિ કરતી ડોક ફેરવી. એમની સંસ્મરણોની સૃષ્ટિ જાગી ઊઠી હોય તેમ કેટલીક વાર સુધી અંદરની મનોહર પ્રતિમાને જોતા જ રહ્યા!

અચાનક છત્રીનું પાછળનું, અત્યાર સુધી બંધ રહેલું બારણું ઊઘડતું જણાયું. એના દ્વાર ઉપર પ્રગટાવેલી દીપીકાઓના પ્રકાશમાં ઉદયને એ તરફ નજર કરી તો જાણે આ મનોહર સ્તંભાવલીની એકાદ અપ્સરા સજીવ થઈને આવતી હોય તેમ એક ગોરી, ઊંચી રૂપભરેલી, મનોહર, તરુણ સ્ત્રી ત્યાં આવી રહી હતી! એને જોતા ઉદયન એક પળભર તો ભુલાવમાં પડી ગયો. એને લાગ્યું કે કોઈ પ્રતિમા આજે ખરેખર સજીવન થઇ ગઈ છે!

પણ એ ત્યાં મહારાજ તરફ આવી રહી હતી. એની મુખમુદ્રાનું સઘળું આકર્ષણ એની બે આંખો અને અત્યંત સપ્રમાણ ઘાટીલી નાસિકામાં હતું! પ્રકાશ એવો ઝળાંઝળાં હતો કે એની આખી રમણીય શરીરયષ્ટિ એમાં જાણે નાહી ઊઠી હતી અને તેથી આ હવાઈ વાતાવરણમાં એક રીતે એને સત્ય અને બીજી રીતે એને કવિકલ્પનાની કોઈ સ્ત્રી માનવાનું મન થાય એવું હતું!

ઉદયનને લાગ્યું કે એની એ બે આંખમાં આખી સૃષ્ટિનાં બધાં જ સ્વપ્નાં જાણે બેઠાં હતાં. એમાં એક સ્વપ્ન પૂરું દેખાય ન દેખાય, ત્યાં એની પાછળ બીજું એનાથી વધારે ભવ્ય સ્વપ્ન ઊભેલું જણાય! અને એનો એ ચહેરો – એક વખત જોનાર એને ભૂલે નહિ, પણ એક હજાર વખત જોનાર એમાં કાંઈ યાદ પણ રાખી શકે નહિ – એવો ગગનગામી અસ્પર્શ્ય, કલ્પનાવૈભવની છોળ ઉડાડતો, રમ્ય, યુગયુગાંતરમાં કુદરતને હાથે ક્યારેય ચડી જાય છે એવો. માતૃત્વની ટોચ સમો, અને છતાં નારીનો – પ્રેરણાનું જાપ આપનારી  જુવાન નારીનો – એક ચહેરો ત્યાં બેઠો હતો. 

ઉદયનને લાગ્યું કે પ્રતાપદેવી કહે છે એ જ આ હોવી જોઈએ. એટલામાં કાકે અત્યંત ધીમેથી એના કાનમાં એક જ અક્ષર કહ્યો: પ્ર એ સમજી ગયો. આ પ્રતાપદેવી જ હતી. 

ઉદયન એની સામે જોઈ જ રહ્યો. કેટલી સમર્થ અને સંસ્કારી આ નારી હોવી જોઈએ કે જેણે જયદેવ જેવા મહારાજને, આવી માલવરણભૂમિ જેવી રણભૂમિમાં, ભુવનેશ્વરીની સંસ્મૃતિની મીઠાશનો મહાસાગર બતાવીને અત્યારે આંહીં એકલા આણ્યા હતા!

એનું સામર્થ્ય અનુભવવાને બહુ લાંબો વખત એને થોભવું પડ્યું નહિ. પ્રતાપદેવી મહારાજના સાંનિધ્યમાં આવી પહોંચી હતી. એના ચહેરા ઉપર હવે સીધો પ્રકાશ પડી રહ્યો હતો. કોઈ જાદુથી ખેંચાઈ જતો હોય તેમ ઉદયન એની તરફ એક નજરે જાણે હજી જોઈ જ રહ્યો હતો! એ મુખમુદ્રા ઉપર અનોખા પ્રકારની ભવ્યતા છવાઈ ગયેલી એણે દીઠી. પ્રતાપદેવીએ ત્યાં મહારાજ પાસે આવીને મહારાજને સહેજ માથું નમાવ્યું, બે હાથ જોડ્યા, એટલી નાની સરખી ક્રિયામાં પણ એ એટલી અદ્ભુત છટા અને ગૌરવ આણી શકી હતી કે એ એક શબ્દ બોલી ન હતી, તે છતાં ઉદયનને લાગ્યું કે આ નારી ધારે તો ત્યાગભટ્ટને પાટણના સિંહાસન ઉપર આણે જ આણે!

એટલામાં એનો શબ્દ કાને પડ્યો: ‘મહારાજ! તમારો વારસો હું આજ તમને પાછો સોંપીને અનૃણી થઇ જવા માટે આવી છું!’

‘વારસો?’ મહારાજ જયસિંહદેવે ધીમેથી કહ્યું, ‘શેની વાત કરો છો પ્રતાપદેવી? ક્યાં છે?’

‘હમણાં આવશે મહારાજ! અજિત ભીમદેવ મહારાજે જ્યાં ક્ષાત્રધર્મ અક્ષરશ: પાળ્યો હતો, એ સોમનાથી સમુદ્રને તટે, મહારાજ એક વખત આને મળ્યા હતા તે સાંભરે છે?’ પ્રતાપદેવીએ છત્રીમાંથી પ્રતિમા તરફ અંગુલીનિર્દેશ કર્યો અને મહારાજ તરફ જોયું: ‘આ ભુવનેશ્વરીને!’

મહારાજ ભુવનેશ્વરીની પ્રતિમા તરફ બે પળ જોઈ રહ્યા. સંસ્મરણોની મધુર વિટપમાં જાણે એ ભમી રહ્યા હતા. પ્રતાપદેવી આગળ બોલી રહી હતી:

‘એ નારીમાં એક અદ્બુત તત્વ હતું, મહારાજ! એ નારી ન હતી – આકાશી વાદળી હતી. એણે તમારી તમામ મહત્તા સંગ્રહીને તમારે ચરણે પાછી ધરવા માટે મને આંહીં સોંપી હતી. આજ હું એ મહારાજને પછી સોંપવા આવી છું! ક્ષત્રિયોને આ પ્રમાણે તેજસની હાથોહાથ સોંપણી થતી આવી છે અને એથી જ તેઓ અણનમ રહ્યા છે!’

‘મહારાજ! આ આવે કુલસદગુરૂજી – અને આપની અભિલાષાનો મેરુ!’

પ્રતાપદેવીનો શબ્દ બંધ થયો એ જ પળે જે દ્વારમાંથી એ આવી હતી તે દ્વારમાંથી આવી રહેલ બે વ્યક્તિઓ તરફ ઉદયનની દ્રષ્ટિ ગઈ. આગળ એક વૃદ્ધ બ્રાહ્મણ આવી રહ્યો હતો. એના કપાળમાં ત્રિપુંડ હતું. ડોકમાં રુદ્રાક્ષની માળા હતી. હાથમાં એણે રુદ્રાક્ષના બેરખા પહેર્યા હતા. શરીરે ભસ્મ લગાવી હતી. 

એની દ્રષ્ટિ શાંત, સ્થિર અને સ્વસ્થ હતી. ભવ્ય કહી શકાય એવો એનો ચહેરો, તપસ્વી ઋષિજીવનનું સૌમ્ય તેજ ધારી રહ્યો હતો. એની પાછળ એક રૂપાળો તરુણ આવી રહ્યો હતો. દેવાધિદેવની કોઈ લાડઘેલી અપ્સરાએ પોતાના છોકરાને ઘડીભર પૃથ્વી નિહાળવા મોકલ્યો હોય, તેમ એ પૃથ્વી ઉપર ચાલતો હતો, છતાં જાણે પૃથ્વીનો લાગતો ન હતો. એનામાં પોતાની અનોખી ઢબની આકર્ષક મધુરતા હતી. એના રૂપાળા તેજસ્વી ચહેરા ઉપર એવી તો મોહિની રમતી હતી કે જે કેવળ સ્વમાન ભરેલી કોઈક રૂપાળી નારીના ચહેરામાં ક્યારેક જોવા મળે છે! અને છતાં એવી એની કુમળી જણાતી રેખાએ રેખામાં દ્રઢતાની તેજકિરણાવલિ પ્રગટતી હતી. સ્વપ્નશીલ માનવ કરતાં પણ વધારે કુદરતના એક સત્વશાળી કોયડા જેવો એ જણાતો હતો! એનું દરેક પગલું સ્થિર અને આગ્રહભર્યું હતું. આંખમા બળ હતું. શરીરમાં સામર્થ્ય હતું. ફનાગીરીને વરનાર કેટલાંક સત્વશાળી આત્માઓ આ પૃથ્વીને થોડો વખત પોતાનું રહેઠાણ બનાવે છે, એ વર્ગનો આ જુવાન હતો. એની પાસે સ્વપ્નની ઘેલછા ન હતી. પણ ઘેલાં સ્વપ્નાં હતાં. તે આ પૃથ્વી ઉપર ચાલી રહ્યો હતો એટલું જ. બાકી એનું જીવનતાન કોઈક જુદે જ સ્થાનેથી આવતું જણાતું હતું. એની મુખમુદ્રામાં એક એવો અજબ રંગ દેખાતો હતો કે જે કાં પ્રેમીઓમાં જોવા મળે છે, કાં ઘેલી ઉદારતાને વરેલી વિચિત્ર વ્યક્તિઓમાં

ઉદયન સમજી ગયો કે આ જ ત્યાગભટ્ટ કહે છે તે હોવો જોઈએ. અને એ જોઈ રહ્યો. ભુવનેશ્વરીની સઘળી સ્વપ્નસૃષ્ટિએનામાંથી પ્રગટતી એણે અનુભવી. 

વૃદ્ધ બ્રાહ્મણને જોઇને મહારાજે બે હાથ જોડ્યા. પાછળ આવી રહેલા જુવાને મહારાજને અત્યંત પ્રેમથી બે હાથ જોડીને પ્રણામ કર્યા. 

બ્રાહ્મણે તેના ખભા ઉપર હાથ મૂકીને તેને આગળ કર્યો, ‘મહારાજ! ભુવનેશ્વરીએ આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં અમને આને સોંપ્યો હતો. એને આજ અમે તમને તમને પાછો સોંપીએ છીએ! અમે આને ત્યાગભટ્ટનું નામ આપ્યું છે. તમે ચારુભટ્ટ કહેશો તો ચાલશે!

જયસિંહદેવે બે પળ જુવાન સામે દ્રષ્ટિ કરી. કોઈનું પણ મન હરી લે એવો એ રૂપાળો જુવાન હતો.મહારાજે એને પાસે આણવા માટે જરાક હાથ લાંબો પણ કર્યો. એટલામાં જાણે કાંઈક સાંભર્યું હોય તેમ એ થોભી જતા જણાયા. મહારાજની નાનામાં નાની ક્રિયાને રસથી નિહાળતો ઉદયન એ જોઈ રહ્યો, અને વિચાર કરી રહ્યો.

‘કુલસદગુરૂજી! પણ એનો અધિકાર – એનું શું?’  મહારાજે થોડી વાર પછી કહ્યું. 

‘એ વિચારવાનું મહારાજને છે,’ પ્રતાપદેવીએ કહ્યું, ‘અમને તો એની માએ સોંપ્યો હતો, અને એટલા માટે માલવપતિનો રોષ વહોરીને પણ, કુલસદગુરૂએ એને આંહીં આણ્યો છે. હવે પછીનો વિચાર અમારે નહિ, મહારાજે કરવાનો છે! અમે તો ક્ષત્રિયપરંપરાને અનુસરીને એક તેજ તમને સોંપ્યું. મહારાજ એને રાખે, ન રાખે, ઉપયોગી ગણે, નિરુપયોગી માને એ જોવાનું અમારે નથી અમે તો બ્રાહ્મણ છીએ. તમારી પરંપરાને તમને હાથોહાથ સોંપવાનો અમારો આ ધર્મ હતો અમે એ બજાવ્યો. ચાલો, પિતાજી!’

‘ક્યાં?’ મહારાજે ઉતાવળે પૂછ્યું, ‘ કુલસદગુરૂને હવે ક્યાં જવાનું છે? આહીંથી હવે ક્યાંય જવાનું નથી!’ 

‘મહારાજ! અમે તો માલવદેશનાં છીએ. અમારી મા સરસ્વતી. તમારે ત્યાં હજી કોઈ સરસ્વતીધામ નથી. અમારે માટે ચોખૂટ ધરતી પડી છે!’ પ્રતાપદેવીનો શબ્દરણકો મન હરી લે એવો મધુર હતો. પણ એની છટા તો એની એ જ હતી.

‘પ્રતાપદેવી! કુલસદગુરૂજીને હવે ક્યાંય જવાનું નથી.’

‘મહારાજ! અમારા ઉપર કોપ ઉતરે.’

‘કોનો?’

‘ભગવાન મહાકાલનો. એને આંગણે આજ દિવસ સુધી ઉપાસના કરી આજ હવે અમે એને છોડીએ? જુદ્ધમાં ક્ષત્રિયો હથિયાર છોડે અને રૌરવ નરક એમને મળે; બ્રાહ્મણો દેવમંદિર છોડે, તો એમને પણ એ મળે!’

‘એ બધી વાત પછી થઇ રહેશે. તમે હમણાં આંહીં જ રહો. આ ત્યાગભટ્ટને એનો અધિકાર સોંપાતો નહિ જુઓ?’

‘જોનાર અમે કોણ? જોનાર તો આ છે...’ પ્રતાપદેવીએ એવી સુંદર છટાથી હાથ હલાવ્યો હતો કે જાણે, એણે દોરેલી રેખા હવામાં ત્યાં સ્થિર થઇ ગયેલી જણાઈ!

‘આ આંહીં હવા ક્યાં છે? કોઈની હાજરીનો સ્પર્શ થતો નહિ મહારાજ?’ તેણે ઉમેર્યું. 

મહારાજ ખરેખર બે પળ વિકળ બની ગયા હોય તેમ લાગ્યું. 

‘પણ એનો અધિકાર મારે સ્થાપવાનો છે. તમારી પાસે એનું બીજું કોઈ પ્રમાણ છે કુલસદગુરૂજી?’

કુલસદગુરૂએ પોતાની કેડ ઉપર હાથ નાખ્યો. થોડી વારમાં ધોતલીમાંથી એક રાજમુદ્રા કાઢી, મહારાજ સામે એ ધરી. એનું નંગ અત્યારે પ્રકાશમાં જાણે તેજની ધારા પ્રગટાવતું ચમકી ઊઠયું: ‘આ છે! મહારાજની પોતાની રાજમુદ્રા. ભુવનેશ્વરીએ અમને આપી હતી!’

મહારાજે તરત ઓળખી કાઢી. થોડી વરને માટે તો સોમનાથી સમુદ્રના કિનારાની ભૂમિ ઉપર જાણે, એક ક્ષણમાં પહોંચી ગયા. ત્યાં પોતે ભુવનેશ્વરીને આપી હતી – એ જ આ મુદ્રા હતી. ભૂતકાળનાં સંસ્મરણો પળ બે પળ, એ સ્થિર શાંત, હવામાં જોઈ રહ્યા હોય તેમ એકધ્યાન થઇ ગયા. એમની સામે, ‘મહારાજ! વિક્રમાદિત્યનો જાણે જમાનો ગયો. ભારતવર્ષમાં એ હવે ફરી નહિ આવે! નહિ આવે!’ એમ બોલતી ભુવનેશ્વરી જ ખડી થઇ ગઈ હતી. એ બોલી શક્યા નહિ.

ઉદયન એ જોતાં ધ્રૂજી ઊઠ્યો. કાક ઉભડક થઇ ગયો.

‘હું તો તમારી પરંપરાને વહન કરનારી નારી છું!’ એમ બોલતી ભુવનેશ્વરી પોતે જાણે હવામાં તરતી હોય અને મહારાજ એ જોઈ રહ્યા હોય, તેમ હજી પણ સ્થિર હતા. થોડી વાર પછી એ ધીમેથી બોલ્યા: ‘સદગુરૂજી તમારી જે શિષ્યાનો પુત્ર તમે આંહીં આણ્યો છે, એને એનું સ્થાન અને અધિકાર મળશે. તમે એ જોવા માટે આંહીં જ રહી જાઓ. હવે તમારે બીજે જવાનું ન હોય. સોમનાથ સમુદ્ર, ગુરુજી! તમારી રાહ જુએ છે!’

ઉદયનને વસ્તુસ્થિતિના આ સ્વરૂપે ઊંચોનીચો કરી દીધો. તે બોલ્યો નહિ. પણ તેણે ઉતાવળે કાકના ખભા ઉપર હાથ મૂકી દીધો.

‘મહારાજ! આંહીં આ પાટણને પોતાનું કોઈ ગૌરવભર્યું ભારતવર્ષના વિક્રમી સ્થાનનું સ્વપ્ન હોય, તો અમારા રહેવાનો કાંઈ અર્થ છે,’ પ્રતાપદેવીની વાણી હતી, ‘નહિતર પિતાજીનાં થોડાંક રહ્યાંસહ્યાં વરસો બગડે! તમારે ત્યાં  હજી અવંતીની ભારત ડોલાવનારી મહત્તાને કોઈ સમજતું હોય તેમ લાગતું નથી!’

મહારાજે માત્ર જરાક મસ્તક નમાવ્યું, અને ધીમેથી કહ્યું: ‘તે છતાં તમારે હવે બીજે જવાનું હોય! તમે પાટણ જોયું છે ક્યાં?’

‘મેં પાટણ જોયું નથી મહારાજ! પણ પાટણને મેં જાણ્યું છે. અજિત ભીમદેવ જેવા સમર્થ પુરુષની સામે એક નવો ધજાગરો ઊભો કરવામાં આવ્યો હતો – પાટણને પોતાનો મહત્તા વિશેનો આ ખ્યાલ ભૂલી શકાય તેવો ક્યાં છે? મહારાજ! એ જ ભય ત્યાં છે, ને એ જ પાટણ હજી આંહીં છે.’ જયદેવ વિચારમાં પડી ગયો. પ્રતાપદેવી આગળ વધી: ‘જેને કલ્પના નથી એને માટે પાટણ જેવો રૂપાળો મુલક બીજો નથી. જેને કલ્પના છે એને માટે એવો સુક્કો મુલક પણ નથી. મારે કલ્પના છે, મહારાજ!’

‘શી કલ્પના છે તમારી?’

‘આ ચારુભટ્ટ પણ જાણે છે. વિદ્યા, સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ – એ તમામમાં જે પ્રજા એકતા સાધીને સમર્થ બને એ જ ટકે. હજી સમય છે મહારાજ, - તમારી તમામ અભિલાષાઓને આ ચારુભટ્ટ દ્વારા પ્રગટ કરવાનો. એ પરંપરા ચલાવવા માટે તો એણે હું આંહીં લાવી છું. એના અધિકારની પ્રતિષ્ઠા સ્થપાતાં જ નવી હવા પ્રગટશે. કુલસદગુરૂએ મુહૂર્ત પણ જોયું છે. કાં પિતાજી?’

‘ચક્રવર્તીનું સર્વોત્તમ મુહૂર્ત છે, સુદ બીજ. ત્રણ દિવસ પછી.’ ભાવબૃહસ્પતિએ કહ્યું.

ઉદયન ઊંચોનીચો થઇ ગયો. મહારાજનો પ્રત્યુત્તર સાંભળવા તે એકકાન થઇ ગ યો. પણ મહારાજે અત્યંત ધીમા સ્વરે કાંઈક કહ્યું લાગ્યું. શું કહ્યું તે ખબર પડી નહિ. થોડી વારમાં એમણે એક સહજ તાળી પાડી. જવાબમાં બહારથી કેશવ આવતો નજરે પડ્યો. ‘કેશવ! આમને તું મળ્યો છે?’ મહારાજે ભાવબૃહસ્પતિ તરફ દ્રષ્ટિ કરતાં કહ્યું.

‘મળ્યો નથી મહારાજ! પણ જાણું છું.’

‘કુલસદગુરૂ ભાવબૃહસ્પતિ કહે છે તે. એમણે હવે ચૌલુક્ય વંશને પ્રતિષ્ઠા આપી છે, આંહીં પધારીને. બીજાની પાસે વિદ્યા રહે છે; એમની પાસે સાક્ષાત સરસ્વતી.’

કેશવે બે હાથ જોડીને ભાવબૃહસ્પતિને માથું નમાવ્યું.

‘અને આ દેવી પ્રતાપદેવી – એમનાં પુત્રી છે’ મહારાજે ઉમેર્યું, ‘સરસ્વતીએ એમને દીઠાં, ત્યારથી એમને લાગ્યું કે પૃથ્વી ઉપર હવે એમનો વાસ વધારા જેવો છે. પંડિતો માટે સરસ્વતી, દેવી છે; એમને માટે જનેતા.’

કેશવે ફરીને બે હાથ જોડીને પ્રણામ કર્યા.

‘અને આ... એને ઓળખે છે? આ સુભટ્ટને?...’

મહારાજનો શબ્દે શબ્દ પકડવા ઉદયન અધીરો થઇ ગયો. એના એક શબ્દ ઉપર અત્યારે પાટણનું ભાવિ લટકતું હતું. પણ જયસિંહદેવમાં શું છે એની અત્યારે જેવી ઉદયનને પડી એવી ક્યારેય પડી ન હતી, રાજા પોતે છે, પણ પાટણ એ તો રાજાધિરાજ છે, એવી કોઈ સંસ્કારી ઉચ્ચ વૃત્તિનો લોહીગુણ મહારાજમાંથી બોલતો હોય તેમ મહારાજ બોલ્યા: ‘કેશવ! પાટણના ભાવિ ગૌરવમાં એમનો હિસ્સો જેવો તેવો નહિ. ગજવિદ્યા એમની પાસે એવી છે કે ભલભલાનાં માન મુકાવે. તું જ કહેતો’તો નાં, એમને આપણે અશ્વવિદ્યામાં પારંગત કરી દેવા છે?’

‘હા મહારાજ!’

‘ત્યારે એ આ ત્યાગભટ્ટ!’

કેશવે બે હાથ જોડીને નમન કર્યું. 

ઉદયન વિચાર કરી રહ્યો. હજી મહારાજ જયસિંહદેવે એને પાટણપતિ કહ્યો નથી, ત્યાં સુધી એ પાટણપતિ નથી. સંભવિત છે કે મહારાજ હજી નિશ્ચય કરી શક્યા ન હોય, એમણે પ્રતાપદેવીને કહ્યું હતું તે સમજાયું ન હતું. પણ પ્રત્યુત્તર કાંઈક આવો જ હશે એમ અનુમાન થાય તેમ હતું. 

એટલામાં મહારાજે કહ્યું: ‘કેશવ! એમને તું તારી સાથે જ ફેરવતો રહેજે; એક સમય એવો આવે, જ્યારે તમારી સૌની મારા તરફની પ્રીતિનો આંક એના વડે નીકળે. આવે વખતે મને ત્રિભુવનનો  પ્રેમ યાદ આવ્યા વિના રહેતો નથી!’

ઉદયન સાંભળી રહ્યો. મહારાજના છેલ્લા શબ્દનો ધ્વનિ સ્પષ્ટ હતો. એને કુમારપાલનું ભાવિ વધારે અંધકારમય બનતું જણાયું.