Sandhya - 22 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 22

સંધ્યા પોતાની વિદાય વખતે ખુશી અને દર્દ એમ બેવડી લાગણીના આંસુ સાથે હસતા ચહેરે સાસરે ગઈ હતી. જેવી સંધ્યા ગઈ કે, પંકજભાઈ ખુબ જ રડી પડ્યા હતા. એમના મનમાં જે ડૂમો ભરાયેલો હતો એ હવે બહાર ઠેલવાય ગયો હતો. એમનું રુદન જોઈને પંક્તિના પેરેન્ટ્સ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા. દક્ષાબહેને એમને પાણી આપીને શાંત પાડ્યા હતા. દક્ષાબહેન બોલ્યા, "તમે આમ હિમ્મત હારશો નહીં. આજે આપણી દીકરીની વિદાય થઈ પણ પંક્તિના આગમનથી આપણું દીકરી વગર ઘર સૂનું નહીં રહે! આપણને કુદરતે દીકરી સમાન વહુ આપી છે. ચાલો એના આગમનને ખુશીઓથી વધાવી લો."

"હા દક્ષા! તારી વાત સાચી છે. હું સંધ્યાની વિદાયથી વધુ જ લાગણીવશ થઈ ભાવુક થઈ ગયો હતો." એમ કહી પંકજભાઈએ આંખના આંસુ લૂછ્યાં અને પાણી પીધું હતું.

"આપની દીકરીની આપ બિલકુલ ચિંતા ન કરશો. એ હવે અમારા ઘરનું સદશ્ય છે, અમારી ફરજ છે અને અમારી ઈજ્જત છે. આપ ઈચ્છો ત્યારે એમને મળવા આવી શકો છો અને તમારે ઘરે ઈચ્છા અનુસાર લઈ જઈ શકો છો. મન પર કોઈ જ ભાર ન રાખતા." આટલું પંકજભાઈ ગમગીન અવાજે પંક્તિના પપ્પાને કહી રહ્યા હતા.

"મારી દીકરી ખરેખર ખુબ ભાગ્યશાળી છે. આપનો પ્રેમ હંમેશા એમના પર આમ જ વરસાવતા રહેજો." ભાવુક થઈને પંક્તિના પપ્પા બોલી રહ્યા હતા. બધા જ હવે પોતપોતાના ઘર તરફ સુંદર મજાની યાદ લઈને વળ્યાં હતા.

સંધ્યાનો ખુબ સરસ રીતે ગૃહપ્રવેશ કરાવ્યો હતો. સંધ્યા જેવી ઘરમાં પ્રવેશી કે આખું ઘર રંગબેરંગી લાઈટ, સુંદર ધીમું મ્યુઝિક સાથે આવકારવા સજાવેલું હતું. સંધ્યા જેવી કંકુપગલા કરીને અંદર પ્રવેશી ત્યારે દરવાજાની ઉપર બાંધેલ એક કાપડ માંથી પારિજાતના ફૂલની વર્ષા થઈ હતી. સંધ્યાનું આટલું ઉમળકાભેર થયેલ સ્વાગત એના મનને ખુબ જ આનંદ આપી રહ્યું હતું. નવવધુને થતો ડર ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યો હતો.

આ તરફ પંક્તિનો ગૃહપ્રવેશ પણ ખુબ જ ઉમળકાથી કરવામાં આવ્યો હતો. સંધ્યા તો નહોતી પણ એની બીજી પિતરાઈ બહેનોએ પ્રવેશદ્વાર પાસેનો લ્હાવો માંગ્યો હતો. એ દરમિયાન જે ભાઈ અને બહેનો વચ્ચે નોકજોક થઈ રહી હતી એ જોઈને પંક્તિ ખુબ જ હસી પડી હતી. એને સુનીલનું આવું નખરાળું રૂપ ખુબ ગમ્યું હતું. હળવા વાતાવરણથી પંક્તિને પણ જે ગભરાહટ હતી એ દૂર થઈ ગઈ હતી.

સૂરજ જે મિલનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો એ સમય અંતે આવ્યો જ હતો. એમની પ્રથમરાત્રિ એક ખુબ સરસ હોટેલમાં રાખી હતી. સંધ્યા માટે આ વાત સરપ્રાઈઝ હતી. એ સૂરજની સરપ્રાઈઝથી ખુશ થઈ ગઈ હતી. જેવી એ હોટલના રૂમમાં પહોંચી કે રૂમની સજાવટ જોઈ ખુબ ખુશ થઈ ગઈ હતી. રૂમમાં જેવા બંને પ્રવેશ્યા કે દરવાજો બંધ કરીને સૂરજ પોતાની બાહોમાં એને તેડીને સંધ્યાની આંખમાં આંખ પરોવીને બેડ સુધી લઈ ગયો હતો. બંનેની નજર એકબીજા પરથી હટતી જ નહોતી. સંધ્યાને બેડ પર બેસાડી પોતાના ખિસ્સામાંથી એક રિંગ સૂરજે કાઢી અને સંધ્યાના હાથમાં પહેરાવી હતી. સંધ્યા સૂરજના પ્રેમને સુંદર હાસ્ય સાથે જ જીલી રહી હતી. બંને મૌન હતા. આંખ એમની વાચા બની લાગણી વ્યક્ત કરી રહી હતી. બંન્ને ક્યારે એકબીજાની નજીક આવી ગયા એ એમને ખુદને ખબર નહોતી. સૂરજ હજુ સંધ્યાને સ્પર્શે એ પહેલા જ સંધ્યાના નરમ હોઠ સૂરજના હોઠને સ્પર્શી ગયા હતા. બંનેના મન તો ક્યારના એક થઈ જ ગયા હતા. આજ બંનેની આત્મા એકબીજાને રૂહને સ્પર્શી રહી હતી. બંનેના મનનો ઉત્પાત એકબીજાના સ્પર્શે શાંત કર્યો હતો. બંનેની રજની ખરા અર્થમાં મધુર બની ગઈ હતી.

બીજા દિવસની સવાર હજુ રાત્રીના એ આહલાદક અહેસાસ સાથે જ પડી હતી. બંનેએ સવારનો નાસ્તો હોટલમાં કર્યા બાદ ચેકઆઉટ કરી ઘરે પરત ફર્યા હતા.

આ તરફ સુનીલએ પ્રથમરાત્રિ માટે એક ફાર્મહાઉસ બુક કરાવ્યું હતું. પંક્તિ પણ ખુબ જ ખુશ હતી. બંને ફાર્મહાઉસ પહોંચ્યા ત્યારે મહેલ જેવી સજાવટ જોઈને પંક્તિ વધુ ખુશ થઈ રહી હતી. એ હરખમાં સુનીલને વળગી પડી હતી. બંને એકબીજાના આલિંગનમાં એટલા મગ્ન થઈ ગયા કે, બધું જ ભૂલીને એકબીજાના પ્રેમને જ વરસાવી રહ્યા હતા. પ્રેમમાં તરબતર બંનેએ એકબીજાના પ્રેમને ભરપૂર માણ્યો હતો. બે દિવસ એ બંને આજ ફાર્મહાઉસમાં રહ્યા હતા. જમવાની બધી જ સુવિધાઓ પણ ત્યાં હતી. જે જોઈએ એ બધું જ ત્યાં જમવાનું હાજર થઈ જતું હતું. સતત બે દિવસ એકબીજાના સાનિધ્યમાં રહ્યા બાદ એ દુનિયાભરની ખુશી અને યાદોને સમેટીને ઘરે પરત ફર્યા હતા.

સુનીલ અને પંક્તિ ઘરે આવ્યા ત્યારે મહેમાનો જતા રહ્યા હતા. દક્ષાબહેને પંક્તિને આજ પહેલી વખત લગ્ન બાદ ઘરે જમવાનું હોય ભાત ભાતના ભોજન બનાવ્યા હતા. તેઓ એટલા ખુશ હતા કે, એમની આંખોની ખુશી પંક્તિને સ્પર્શી ગઈ હતી. એ એમને જોઈને સહેજ ભાવુક થઈ ગઈ હતી.

"શું થયું બેટા?" દક્ષાબહેન એની આંખની ભીનાશ જોઈને પૂછવા લાગ્યા હતા.

"બસ, એમ જ તમને જોઈને મમ્મી યાદ આવી ગયા. હંમેશા સાસુ વહુ માટે નેગેટિવ વાતો જ સાંભળી છે. આથી મને એ વાતોથી ખુબ ડર હતો. પણ હવે હું મારા જ ખોટા વિચારોને સમજી ગઈ છું." એમ કહીને પંક્તિ દક્ષાબહેનને પગે લાગી હતી.

"અરે બેટા! તારું સ્થાન ચરણોમાં નહીં અમારા દિલમાં છે." એમ કહી દક્ષાબહેન એને પોતાને ગળે લગાવી લીધી.

"વાહ! મને ભૂલી ગઈ ને મમ્મી?" એમ કહી સુનીલે મજાક કરી હતી.

બધા સુનીલની મજાકથી હસી પડ્યા હતા.

આ તરફ સંધ્યા અને સૂરજ જેવા ઘરે આવ્યા કે ચંદ્રકાન્તભાઈ અને રશ્મિકાબેને બંનેને પ્રેમથી આવકાર્ય હતા. રશ્મિકાબેન થોડા જુનવાણી સ્વભાવના ખરા આથી એમને બંનેની નજર પણ ઉતારી હતી. સંધ્યાને થોડું અજુક્તું લાગતું હતું પણ એ એમના પ્રેમને સમજી શકતી હતી.

સૂરજે બપોરે જમ્યાબાદ સંધ્યાને ફરી એક સરપ્રાઈઝ આપી હતી. એમની કેરલની ટિકિટ સંધ્યાના હાથમાં મુકતા એ બોલ્યો, "તને કુદરતના સાનિધ્યમાં ગમે છે આથી હનીમૂન માટે એનાથી ઉત્તમ જગ્યા મને કોઈ ન જણાઈ!"

"મને એ જગ્યાનું ખુબ આકર્ષણ હતું, પણ ક્યારેય ગઈ નથી." સંધ્યા ખુબ જ ખુશ થઈ ગઈ અને આમ કહેતા સૂરજને ભેટી પડી હતી.

કેરલની ટિકિટ આવતીકાલની હોય બંને પેકીંગમાં વ્યસ્ત થઈ ગયા હતા. સુરજે ૧૫ દિવસની વધુ રજા હનીમૂન માટે લીધી હતી. એ બંનેની જીવનની શરૂઆત ખુબ જ સરસ રીતે થઈ હતી. બંનેના મનમાં એકબીજાની લાગણી માટે પારાવાર સંતોષ હતો.

આ તરફ સુનીલને એની ઓફિસમાંથી બે કલીક પહેલેથી રજા લઈ ચુક્યા હતા. આથી સુનીલને રજા મળી નહોતી. એ આસપાસની જગ્યાએ જ પંક્તિને રોજ ફરવા લઈ જતો, મોડી રાત્રી સુધી લોન્ગડ્રાઈવ પર ફરતો અને શક્ય એટલું પંક્તિને ખુશ રાખવાની કોશિષ કરતો હતો. આમ એ બંનેના લગ્નની શરૂઆત પણ ખુબ સારી રીતે હતી, પણ પંક્તિના ઈર્ષાળુ સ્વભાવના લીધે એને સંધ્યાની અદેખાઈ થઈ જતી હતી. સંધ્યા હનીમૂન માટે ૧૫ દિવસ ફરવાની હતી, એ વાત પંક્તિને મનના ખૂણે ડંખતી હતી. આથી એ કારણના લીધે એને સૂરજ કરતા સુનીલનો પ્રેમ ઉતારતો લાગતો હતો. અહીં બંનેની લાગણીમાં સુનીલને હતો એવો સંતોષ પંક્તિને નહોતો. પરંતુ હજુ સુનીલ પંક્તિના ખરા સ્વભાવને જાણી શક્યો નહોતો.

કેવી રહેશે સંધ્યાની કેરલની ટ્રીપ?
કેવા હશે લગ્નજીવનના આવનારા દિવસો?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻