Sandhya - 23 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 23

સંધ્યાને કેરલ જવાનું હોય આથી પગફેરાનો રિવાજ પતાવી દીધો હતો. પંકજભાઈ અને દક્ષાબહેનએ એમને જતી વખતે શુભેચ્છા પાઠવી હતી. દીકરીના ચહેરાને જોઈને બંનેને હાશકારો થયો હતો કે, દીકરી સાસરે ખુશ છે. સૂરજ અને સંધ્યા બંને વડીલોના આશીર્વાદ લઈને કેરલની એમની સફર માટે નીકળ્યા હતા.

એમની આ સફરનું પહેલું સ્થળ મુન્નાર હતું. ત્યારબાદ પેરિયાર, કુમારકોમ, એલ્લપૂઝા અને છેલ્લે કોચીન હતું. મુન્નારનું વાતાવરણ જ એટલું સુંદર હતું કે સંધ્યાને એમ થયું કે આનાથી વધુ કોઈ સુંદર સ્થળ હોઈ જ ન શકે! સંધ્યા જેટલી જગ્યાએ ફરી બધી જ જગ્યાઓ એકથી એક ચડિયાતી નીકળી હતી. ખુબ સરસ કુદરતી નજારો એમણે માણ્યો હતો.

કેરલમાં ખુબ સરસ હરિયાળી, સ્વચ્છ પાણી, નારિયેળીના વૃક્ષો, મસાલાનું ખેતર અને સુઘડ જોવાલાયક મંદિરો. ત્યાંના અમુક મંદિરમાં તો એવા નિયમ કે સ્ત્રીઓએ સાડી અને પુરુષોએ ધોતિયા સાથે જ પ્રવેશવાનું હતું. જે આપણી સંસ્કૃતિ માટે બહુ જ ગર્વની વાત છે. વળી, ત્યાંના મંદિરોમાં લાઈટ કે પંખા ન હોય, અંધારું થાય એટલે દિવા પ્રજવલિત કરી મંદિરનું અંધારું દૂર થતું હતું. દીવાના આછા પ્રકાશમાં મંદિર દીપી ઉઠતું હતું અને એ પ્રકાશમાં મંદિર ની શોભા અને ત્યાંની ભૂમિ માંથી મળતી ઉર્જા અદભુત જ હતી. સંધ્યા અને સુરજે પણ ત્યાં ભગવાનની સમક્ષ એકબીજાની ભાવનાને અને પરિસ્થિતિને સમજીને સાથ આપવાનું વચન લીધું હતું. કેરલમાં ગુજરાતીઓએ અંગ્રેજી ભાષા બોલીને જ કામ ચલાવવું પડે, હિંદીનું ચલણ પણ સાવ ઓછું હતું.

સંધ્યા ત્યાંના વાતાવરણમાં એટલી બધી ખુશ હતી કે એના ચહેરા પર પણ એ ખુશીની ગુલાબી ભાત છવાઈ જતી હતી. સંધ્યા મનભરીને કુદરતના નજારાને પોતાનામાં જીલતી હતી. સંધ્યાએ અનેક ફોટાઓ કુદરતી સૌન્દયૅના લીધા હતા. આખો દિવસ માણેલ કુદરતની ખુબસુરતી કરતા સૂરજને સંધ્યાની ખુબસુરતીનું કેફ રાત્રીના અંધકારમાં ખુબ ચડતું હતું. એ સંધ્યાના આલિંગનમાં આવ્યા બાદ બધું જ ભુલી જતો હતો.

સૂરજે એક નાઈટ ત્યાંની વખણાયેલ બોટહાઉસમાં વિતાવવાનું આયોજન કર્યું હતું. પાણીમાં ફરતી બોટ શાંત વતાવરણ અને શીતળ ઠંડો અહેસાસ ખુબ જ આહલાદક હતો. આટલું સુંદર રમણીય વાતાવરણ અને એમાં પણ પ્રિયતમાનો સાથ હોય ત્યારે એ ક્ષણ જીવનની અમૂલ્ય ક્ષણ જ બની જતી હોય છે. આવી અનેક ક્ષણ એ બંને ભરપૂર માણી રહ્યા હતા.

સંધ્યા અને સૂરજના ૧૫ દિવસ ક્યાં પુરા થઈ ગયા એ બંને ને ખબર જ ન પડી હતી. લગ્નજીવનનો શરૂઆતનો સમય એ બંનેએ એકબીજાને ખુબ સમય આપીને શરૂ કર્યો હતો. બંનેને એકબીજા માટે જે જીવનસાથી માટે અપેક્ષા હતી એ એમની પુરી થઈ હોય એવો સંતોષ બંને ને હતો. આજીવન યાદ રહે એવી લાગણીસભર અને અમૂલ્ય યાદો લઈને બંને પોતાના ઘરે પરત ફર્યા હતા.

સૂરજે હવે પોતાની જોબ શરૂ કરી દીધી હતી અને સંધ્યાએ પોતાની કોલેજ શરૂ કરી દીધી હતી. બંને ફરી પોતાના જીવન અને ધ્યેય તરફ વળી રહ્યા હતા. સંધ્યાનું ગ્રુપ એને ખુબ જ પજવતું હતું. ખુબ મસ્તી કરતા હતા. રાજ અને અમિનેષ સિવાય બધા જ એમના જીવનસાથીને પસંદ કરી ચુક્યા હતા. આથી અમુક વખત રાજ અને અનિમેષ આ લોકોની પેટ ભરીને મસ્તી કરતા હતા, છતાં ચારેય માંથી કોઈને ખોટું લાગતું નહોતું. ખુબ જ ગહેરી આત્મીયતા એમની વચ્ચે હતી. જે એમના જીવનને એકબીજા સાથે જોડેલી રાખતી હતી. સમય સાથે બધા જ સંબંધમાં પીઢતા આવે એ સારું પણ મિત્રતા તો કાયમ મસ્તીથી ચકચૂર જ હોવી જોઈએ. સંધ્યાનું ગ્રુપ એવું જ હતું. સૂરજ પણ ઘણીવાર એમના ગ્રુપમાં રજાઓના દિવસોમાં મળવાનું આયોજન કરતો હતો. એને પણ સંધ્યાનું ગ્રુપ પોતાનું ગ્રુપ જ લાગતું હતું.

સમય ખુબ ઝડપથી વીતવા લાગ્યો હતો. સંધ્યા પોતાનું પિયર ગામમાં જ હોય જયારે જવું હોય ત્યારે પોતાના પરિવારને મળી આવતી હતી. કહેવાય છે ને કે, દીકરીની વિદાય થાય પછી અમુક પરિવર્તન આવી જ જાય! જે હકથી એ પહેલા રહેતી એવો હક એ છૂટથી કરતી નથી. કદાચ પોતાનું સાચું સર્વસ્વ સમર્પણ સાસરીને આપેલું હોય એજ ગુણ ભાગ ભજવતો હશે! સંધ્યાને પોતાના ભાભીનો થોડો સ્વભાવ ઓળખાય રહ્યો હતો. સંધ્યા એટલી નિખાલસ હતી કે, એણે કોઈ સાથે આ વાત કહેવી પણ જરૂરી લગતી નહોતી.

સંધ્યાનું જીવન ખુબ જ સરસ રીતે પસાર થઈ રહ્યું હતું. દિવસો મહિનાઓ માં કયારે બદલાય ગયા એ ખબર જ ન પડી! સંધ્યાની ત્રીજા વર્ષની પરીક્ષા પણ પતી ગઈ હતી. સૂરજે પોતાની જોબની સાથોસાથ ખુદની ફૂટબોલ એકેડમી ખોલી લીધી હતી. બહુ જ ઓછા સમયમાં પોતાના ગામમાં જ નહીં પણ આખા સ્ટેટમાં સૂરજના નામનો સિક્કો ઉછળી રહ્યો હતો. આ બધો જ શ્રેય એ સંધ્યાને જ આપતો હતો. એ સંધ્યાને ઘણીવાર કહેતો પણ હતો કે, તું મારે માટે ખુબ લક્કી છે. સૂરજના આવા શબ્દો રશ્મીકાબહેનને ઓછા ગમતા હતા. સંધ્યાને એમનો સ્વભાવ પણ ધીરે ધીરે સમજાય રહ્યો હતો. સંધ્યા એમ સમજી મન મનાવી લેતી કે, "દરેકના જીવનમાં બધું જ સુખ નથી હોતું, તેમ છતાં હું તો કેટલી નસીબદાર છું કે, સૂરજના પ્રેમની સામે આટલું અમથું દુઃખ એ કોઈ માન્ય જ નથી." સંધ્યા પોતાના જીવનમાં હંમેશા સુખના પાસાને જ જોતી હતી. અને સુખનું પલ્લું એના ભાગ્યમાં અત્યારે અઢળક હતું.

સંધ્યા ઘણીવાર સૂરજને કહેતી, "તમે મારા જીવનમાં આવ્યા એ મારે મન ખુબ મોટું સુખ છે. બસ, તમારો સાથ જ મને આપતા રહેજો એ સિવાય મારે કઈ જ જોતું નથી."

સૂરજ જ્યારે પણ સંધ્યા આમ લાગણીવશ બોલતી ત્યારે એને કોઈ જ પ્રતિઉત્તર આપ્યા વગર પોતાના આલિંગનમાં લઈ લેતો અને એક પ્રગાઢ ચુંબનથી એની આવી વાતો બંધ કરી દેતો હતો.

આ તરફ સુનીલ અને પંક્તિના જીવનમાં થોડા ઘણા ઉતારચઢાવ આવવા લાગ્યા હતા. ક્યારેક બંને વચ્ચે બોલચાલ પણ થઈ જતી હતી. સુનીલ સમજદાર હતો આથી વાતને કેમ અંકુશમાં લેવી એ જાણતો હતો. સુનીલ એમ સમજતો કે પ્રેમથી પ્રેમને જીતી શકાય છે આથી એ કાયમ પંક્તિની વાતને માન્ય રાખી ચાલતો રહેતો હતો, પરંતુ સુનીલની સમજદારીનું એ પરિણામ આવ્યું કે, હવે જો સુનિલ કઈ કહે તો તરત પંક્તિ એમ કહેતી કે, "તમે હવે મને પહેલા જેટલો પ્રેમ નથી કરતા." બસ આવી અમુક બાબતોથી બંને વચ્ચે બોલચાલ થઈ જતી હતી. આમ સુનીલ અને પંક્તિના જીવનમાં થોડી તકલીફ સમજફેરના લીધે થઈ જતી હતી. લગ્નજીવનમાં વિશ્વાસ અને સમજદારી એ બે જ બાબત છે જે જીવનને સુખમય બનાવી શકે છે, બંને માંથી એક પણ થોડું ચુકાયું એટલે સંબંધની પકડ ઢીલી થઈ જ જાય છે.

સંધ્યાનો સમય પસાર થવો થોડો મુશ્કેલ બન્યો, સ્ટડી પૂરું થઈ ગયું હતું અને આગળ આવે એને ભણવાનું મન નહોતું. સૂરજને એણે પૂછ્યું કે, "તમને હું જોબ કરું તો તકલીફ ન હોય તો જોબ કરવા ઈચ્છું છું. મને શિક્ષકની જોબ મળી શકે એમ છે. જો આપને અને બધાને ઠીક લાગે તો મારે જોબ કરવી છે. હું આખો દિવસ ઘરે રહી ને કંટાળી જાઉં છું. મારો બપોર સુધી તો સમય જતો રહે છે પણ પછી હું ખુબ કંટાળું છું."

"હા સંધ્યા! તું તારું જીવન મારી સાથે જીવવાના વચન સાથે આવી છે નહીં કે તારુ જીવન સંપુણૅ બદલવા. મને ભલે પૂછ્યું પણ તારે તારા જીવનના કોઈ પણ નિણૅય જાતે લેવાનો હક છે અને રહેશે જ! જીવનસાથી એકબીજાને પસંદ કરીને બન્યા છીએ, પોતાની મરજી, અને વ્યક્તિત્વને મારીને તારે મારા જીવનમાં રહેવું પડે એ મારા મતે મારા પ્રેમની હાર છે." ખુબ નિખાલસતાથી અને પ્રેમથી સૂરજે કહ્યું હતું.

શું સંધ્યા ઘર અને નોકરીની જવાબદારી સંભાળી શકશે?
કેવા થશે સંધ્યાનાં જીવનમાં ફેરફાર?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻