Mrugjadi Dankh - 14 books and stories free download online pdf in Gujarati

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 14

પ્રકરણ ૧૪


કવિતા બેડરૂમની બાલ્કનીમાં ઝૂલા પર બેઠી. પરમનાં આવવાની રાહ જોઈ રહી હતી, એ આવે એટલે આજે બધું જ કહી દેવું છે જે થાય એ ખરું એવું વિચારી રહી હતી. મીનાબેન રસોડામાં વ્યસ્ત હતાં. સોનુ અને વસંતભાઈ ટીવી જોઈ રહ્યા હતા. ઘરનું આવું શાંત વાતાવરણ જાણે અતિશય તોફાની આવેશો ધરબીને બેઠું હોય એમ લાગતું હતું. સોનુ સિવાય દરેકને એકબીજાને કંઈક કહેવું હતું, સવાલોનાં ચોક્કસ જવાબો જોઈતા હતાં, કદાચ પોતે જે વિચાર્યું છે એ સાચું છે એનું પરોક્ષ રીતે સમર્થન જોઈતું હતું! કવિતાએ બૂમ મારી, " મમ્મી…." એટલે તો મીનાબેન અને સાથે વસંતભાઈ પણ "શું થયું?..શું થયું ? " કરતાં આવી પહોંચ્યાં. એ હસીને બોલી, "અરે.. અરે…ગભરાવ નહિ..જે થયું છે એનાથી ખરાબ કાંઈ નથી થવાનું. હું તો એવું કહું છું કે સોનુ સૂઈ જાય પછી મારે તમારાં બધાં સાથે આજે જ વાત કરવી છે. તમે ત્રણે સાથે હશો તો મને સારું પડશે." મીનાબેન બોલ્યા, " આજે તો તું હજી ઘરે આવી શું ઉતાવળ છે?" " આમ પણ બહુ મોડું થઈ ગયું છે મમ્મી.." કહી કવિતા ચૂપ થઈ ગઈ. વસંતભાઈએ કવિતાને માથે હાથ ફેરવતાં કહ્યું, " ઠીક છે, તું જેમ કહે એમ.." અને ફરી હૉલમાં જતાં રહ્યાં.


આલાપને માયા માટે સખત નફરત થઈ ગઈ હતી. કેવી બાઈ! કેવા કેવા સોનેરી સપને મને મહાલતો કરી દીધો હતો! એક મોટું ઘર હશે, એક રૂમમાં ફક્ત સંગીતના સાધનો અને સવાર સાંજ રિયાઝની સાથે મન થાય ત્યારે પ્રેમનો પણ રિયાઝ ત્યાં જ થઈ શકે એ માટેની પણ સગવડ કરાવીશું. ઘરની બહાર નીકળતાં જ બન્ને બાજું જાતજાતનાં ફૂલછોડ, મોટો ઓટલો અને ચાર જણ બેસી શકે એવો મસ્ત મોટો હીંચકો બાંધીશું. એ ચાર જણ કોણ એમ પૂછતો તો કેવી શરમાતા જવાબ આપતી હતી કે હમ દો હમારે દો અને હું એનાં પર ઓળઘોળ થઈ જતો. આમ, જુઓ તો બહુ સંપૂર્ણ સ્ત્રીની વ્યાખ્યામાં ફિટ બેસે એવી જ હતી કે એની વાતો પરથી બતાવતી હતી એ સમજાતું નહોતું. મગજમાંથી એનાં સારા વિચારો ફેંકી દેવાની કોશિશ અને મનથી વાસ્તવિકતા સ્વીકારવાની અવઢવ ચાલી રહી હતી. એ તદ્દન નક્કામી બાઈ પતિની થઈ ન દીકરીની થઈ. એમ જોઈએ તો હું એનાં ચક્કરમાંથી બચ્યો. પણ… પણ.. આ સાથે વિતાવેલી પળો, ઢગલો ચેટ, વીડિયો કૉલ્સ, ફોનમાં સામસામે કરેલી ગીતોની જુગલબંધી, એનો સુરીલો મોહક અવાજ અને સૌથી વધુ મનમાં વસી ગયેલી એની હસતી એ તપખીરી આંખો ભૂલી શકીશ? ના…એ..હું નહિ ભૂલી શકું ક્યારેય નહિ ભૂલી શકું. એણે વિચારોથી બચવા જૈનિશને ફોન લગાવ્યો.


ડૉકટર આશુતોષ એક ને એક બે કરી તાળો મેળવવાની કોશિશ કરી રહ્યાં હતાં. થોડાં દિવસો પહેલાં કવિતાનાં મ્યુઝિક કલાસ પાસે બહાર કવિતાને એક છોકરા સાથે ઉભેલી જોઈ હતી. પ્રેમમાં હોય એવા લોકોની બૉડી લેંગ્વેજ જ જુદી હોય. એને થોડો ડાઉટ તો લાગ્યો હતો પણ કવિતા એની દૂરનાં માસીની દીકરી એટલે બહેન થતી હતી. એટલે મગજમાંથી એ વાત ઉડાવી જ દીધી હતી. વળી, એ છોકરો નાનો અને બહુ નાદાન લાગતો હતો. એટલે એ વિચારોમાંથી મન તરત વાળી લીધું હતું. પછી એક દિવસ સુમનબેનનાં ફોનમાં અલપ ઝલપ નજર પડી તો જોયું વૉલપેપરમાં એ છોકરો દેખાયો. જે દિવસે કવિતા હોસ્પિટલમાં એડમીટ થઈ સુમનબેને એ રાતની ડયૂટી કરી અને બીજે દિવસે જ દીકરાને વાગ્યું છે કરી રજા પર હતાં. આ બધું મગજમાં એકસાથે ચકરાવા લેતું હતું એટલે તે દિવસે સુમનબેન ને ઘરે મુકવાને બહાને ગયો તો ત્યાં ફોટોમાં પણ એ જ છોકરો! વૉકિંગમાં પણ તે દિવસે જૈનિશ સાથે એ જ હતો પગમાં વાગ્યું હતું. હવે તો જૈનિશ આવે તો પાક્કી ખબર પડે.


આ બાજુ પરમ અને મિતેષ ચર્ચા કરી રહ્યાં હતાં કે એ છોકરાને પકડી એની પાસે બધી એની તરફની માહિતીઓ પણ કઢાવવી છે. ભવિષ્યમાં પણ કંઈક નુકસાન પહોંચાડે એવી માહિતી એની પાસેથી ન મળવી જોઈએ એવો ઠમઠોરવો છે. પરમ કહી રહ્યો હતો, "એ છોકરાને જો સાચે પ્રેમ બ્રેમ હોય તો એ આ હદે કવિતાને ઘાયલ ન જ કરી શકે. એ એક ફેક આઈ ડી યુઝર જ હશે અને ચોક્કસ કવિતા ફસાઈ હશે." મિતેષ બોલ્યો, "એ જે હોય એ પણ આ નામ વગર શોધવાનું સખત અઘરું પડ્યું. બીજું એ કે આપણાં કવિતામૅમ પણ ફૅક આઈ ડી યુઝર જ હતાં એ ભૂલવું જોઈએ નહિ." આટલું બોલતાં એના મોઢા પર એક તિરસ્કારની ઝાંય આવીને જતી રહી એ પરમથી છાનું ન રહ્યું. એણે ફરી વાત શરૂ કરી, "એ છોકરો મ્યુઝિક ક્લાસમાંથી કવિતા સાથે રોજ રોજ બહાર સાથે નીકળતો બહાર જ ઉભા ઉભા વાતો કરી બન્ને છુટા પડતાં એટલાં સીસીટીવી ફૂટેજ જોયાં અને વૉચમેનને થોડાં રૂપિયા સરકાવી પૂછ્યું ત્યારે બોલ્યો કે શાબજી, વો દોનો કા જરૂર કોઈ ચક્કર રહા હોગા ક્યોંકિ દોનો સાથમે હી છુટ્ટી લગાતે થે, મ્યુઝિક ક્લાસ સે બાહર આતી લડકીયા ભી દોનોકે બારે મેં કુછ અનાપ શનાપ બોલતી રહેતી થી. બસ..કહી હું નીકળી ગયો. મારાથી બીજું વધુ સાંભળી શકાય એમ નહોતું".

મિતેષે સવાલ કર્યો, " એનું નામ કઈ રીતે જાણ્યું?"


"એનું નામ જાણવા માટે પણ વૉચમેનને જ કહી રાખ્યું હતું એણે ચાલાકીથી આવતી જતી છોકરીઓ પાસે એની રીતે પૂછીને જાણી લીધું. એનું નામ આલાપ છે. પણ કવિતાની હોંશિયારી તો જો, ત્યાં પણ એણે એનું નામ માયા જ લખાવ્યું હતું. એ તો વૉચમેન બોલ્યો કે યે લડકા તો માયામૅમશાબ કે સાથ હી રહેતાં થા ત્યારે હું સમજ્યો." પરમે વિસ્તૃત જવાબ આપ્યો.


ડૉકટર આશુતોષની નજર એકધારી ગેટ પર મંડાયેલી હતી. જેવો જૈનિશ દેખાયો કે તરત ઉભા થઇ એને લેવા બહાર દોડી ગયાં. જૈનિશને સીધો એમનાં રૂમ તરફ જ દોરી ગયાં. પાણી-બાણી ની ઔપચારિકતા પતી એટલે ડૉકટર આશુતોષે એક નિષ્ણાત જાસૂસની જેમ જૈનિશ ની પૂછ પરછ શરૂ કરી, " હા, તો જૈનિશ આપણે વૉક વૅ પર મળ્યાં હતાં એ તારાં દોસ્ત આલાપને પગમાં શું થયું હતું ?"


જૈનિશ તરત જ બોલ્યો, " એક નાનકડો એક્સિડન્ટ બસ, ખાસ વાગ્યું નથી. પણ ભાઈ તમને નામ યાદ રહી ગયું એ નવાઈની વાત!"


"તું સાચું બોલે છે કે એ ખોટું બોલે છે? સમજાતું નથી. બાકી રહી નામની વાત તો એ આજકાલ અમારાં એક રીલેટિવને મોઢે બહુ સંભળાય છે.


"હેં?" બોલી જૈનિશ ચમકી ગયો. પણ પછી તરત જ બોલ્યો, " હમ્મ..હોઈ શકે એના મમ્મી નર્સ છે, પેશન્ટને પોતાના સમજીને કાળજી લેતાં હોય છે તો કદાચ કોઈને યાદ રહી ગયાં હોય અથવા ઘરોબો કેળવવાના ચાન્સીસ પણ બહુ છે. " પછી વળી વાત બદલતા બોલ્યો, "ભાઈ, આમ એ લોકો મરાઠી છે પણ વર્ષોથી ગુજરાતીઓ સાથે પોણા ગુજરાતી થઈ ગયાં છે."


"એનાં મમ્મી સુમનબેન મારી હોસ્પિટલમાં જ છેલા પંદર વર્ષથી નર્સ છે. પણ એમનાં મોઢે મેં એમનાં દિકરાનાં ડિપ્રેશન સિવાય આલાપ નામ કોઈ દિવસ નથી સાંભળ્યું. જૈનિશ તું એનો બેસ્ટ ફ્રેન્ડ છે તો એનાં ડિપ્રેશનનું કોઈ કારણ તું તો જાણતો જ હોઈશ."


જૈનિશ હજી કંઈક બોલે એટલીવારમાં ડૉકટર આશુતોષનાં ફોનની રિંગ રણકી ઉઠી.


ક્રમશ: