Mrugjadi Dankh - 15 books and stories free download online pdf in Gujarati

મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 15

પ્રકરણ ૧૫


સોનુના સૂઈ ગયા પછી બધા હૉલમાં ભેગા મળી બેઠાં. કવિતાએ બોલવાનું શરૂ કર્યું. " મમ્મી, પપ્પા હું તમારાં બન્નેની માફી માંગુ છું. કદી માફ ન કરી શકાય એવી ભૂલ, ગુનાહિત ભૂલ થઈ છે. સાચું કહું તો હું પણ નથી સમજી શકતી કે કઈ રીતે આ બધું થઈ ગયું! તમારાં સંસ્કારો, તમારી શાખ, તમારો પ્રેમ એ બધું વિચારવાની બુદ્ધિ પણ કેમ ન સૂઝી?" આટલું બોલતાં એ ગળગળી થઈ ગઈ. મીનાબેન એની પીઠ પસવારતા હતા. પણ આજે બધાંએ નક્કી કર્યું હતું કે કવિતાને એકવાર બોલી દેવા લેવું એટલે એનું મન ખાલી થઈ જાય. થોડું અટકી એણે ફરી બોલવું શરૂ કર્યું, " મારે મારી બધી જ વાતોની કબૂલાત તમારાં ત્રણ સામે કરવી છે. એકરીતે જુઓ તો એ છોકરાને મેં ફસાવ્યો કહેવાય. મારી એક કીટી ફ્રેન્ડની વાતોએ લગભગ મારાં મગજને વશ કરી દીધું હતું. આવી સીધી સાદી જિંદગીમાં કંઈક બદલાવની સતત ઈચ્છા રહેતી. કંઈક નવું, કંઈક જે ન કર્યું હોય એવું જે નહિ જીવી હોઉં એવું જીવવું હતું. આમ, તો પરમ તરફથી બધી જ ઈચ્છાઓ પૂરી થતી હતી, પરંતુ આજે એક વાત નિખાલસપણે કબુલવી છે કે જોતાં જ ગમી જાય એવા પરમ આટલાં સંપૂર્ણ કઈ રીતે હોઈ શકે! એ વાત મારાં મનમાં અંદર અંદર એમની ઈર્ષ્યા કરાવતી હતી. જ્યાં જાય ત્યાં છવાઈ જતાં પરમ લગભગ મારી દરેક ફ્રેન્ડને ગમતાં સ્વપ્ન પુરુષ જેવું પરફેક્ટ વ્યક્તિત્વ ધરાવે છે. એ વાત મને ખૂંચતી! બધે જ પરમ પરમ તો હું ક્યાં? અમે બે સાથે હોઈએ તો કોઈ મારાં તરફ નજર પણ નહિ નાંખતું! જો કે, એકલી હોઉં તો વાત બહુ જુદી રહેતી. મને મગજમાં એમ જ ચાલતું રહેતું કે હું પણ પરમ સિવાય કોઈ માટે તો ખાસ હોઉં. હું પણ કોઈની સ્વપ્નસુંદરી બનું, કોઈક માટે હું પણ દુનિયાની સંપૂર્ણ સ્ત્રી બનું. વળી, એકધારા જીવનમાં નવું ટ્વિસ્ટ અને થ્રિલ મેળવવું હતું."


"ઓહઃ માય ગોડ! તું મારે માટે…મારે માટે આમ વિચારે..! ખરી છે તું કવિ..! અને એક વાત સાચી કહેજે કે તમે બે એ બધી મર્યાદાઓ તો તોડી નથી નાંખીને?" પરમ થોડી ક્ષણો માટે વડીલોની હાજરી વિસરી ને પૂછી બેઠો.


કવિતા ભીની આંખે બોલી, "ના….પરમ..એ લગ્નનાં સપના જોતો થઈ ગયો હતો. એમ માનતો હતો કે બધું લગ્ન પછી. હું આજે બધું જ સાચું કહી દઈશ, પછી જેમ તમે કહો એમ જેમ રહો એમ કે કોઈ પણ નિર્ણય લો એ હું મંજુર રાખીશ." થોડું અટકતાં આગળ બોલવાનું શરૂ કર્યું, " એ થ્રિલ એ ટ્વિસ્ટ એ એકધારાપણાનું ભૂત મગજમાં બહુ મક્કમ રીતે ઘર કરી ગયું હતું. એને માટે મારી ફ્રેન્ડે આપેલો ફેસબુકમાં ફેક આઈ ડી નો આઈડિયા મને બહુ સેફ લાગ્યો અને ગમ્યો. ત્યાં આલાપ મળ્યો તો એ પરમનાં પ્રમાણમાં દેખાવમાં એટલો ખાસ નહોતો પરંતું એનાં સંગીતના સૂરો બહુ પરફેક્ટ હતાં જે પરમમાં નહોતું. એ મને કહો કે એ મારી વિચિત્ર વિચારધારાને કહો ખૂબ ગમ્યું. એ નાનો હતો અને લગભગ પાગલની જેમ ચાહતો હતો. એટલે મારાં અહમને પુષ્ટિ મળતી હતી કે હું આટલાં નાના છોકરાને પણ આકર્ષી શકું એવી ક્ષમતા ધરાવું છું. આલાપ મારે માટે, મારા સુખ માટે બધું કરવા તત્પર રહેતો. હું જ્યારે કહું જેટલા વાગ્યે કહું એટલા વાગ્યે ફોન કરતો, વીડિયો કોલ્સ કરતો. એનું શેડ્યુલ પણ બહુ ટાઈટ પણ એ મારે માટે મારો મનગમતો ટાઈમ એડજસ્ટ કરી જ લેતો એ મને બહુ ગમતું. હું અજાણપણે તો નહિ કહી શકું પણ એનું એ રીતે સતત મને મહત્વ આપવું મને બહુ ગમતું હતું એટલે હું ખેંચાઈ રહી હતી. સામે હું પણ એની સાથે ઉમળકાભેર વાતો કરતી થઈ ગઈ હતી. એના સાથ માટે મ્યુઝિક ક્લાસ જોઈને કર્યા, મને એમ હતું કે રૂબરૂ મળીશું તો કદાચ એને મારા પ્રત્યે એટલું આકર્ષણ ન રહે પણ સંગીત અમને વધારે અને વધારે પાસે લાવતું ગયું. જાણે આલાપમાં કવિતા ગૂંથાઈ ગઈ અને કવિતા વગર આલાપના સૂરોનો અર્થ ન રહ્યો. મારી અને પરમની અંગત પળોમાં પણ મને આલાપની હાજરી અનુભવવા લાગી. ફકત થ્રીલ માટે કરેલો રોમાન્સ જ્યારે ઘર ઉપર હાવી થવા લાગ્યો ત્યારે મેં પોતાને અટકાવવાની ઘણી કોશિશ કરી પણ પરમ સિવાય પણ કોઈ મને આટલો પ્રેમ કરી શકે એ વાત મને અટકવા નહોતી દેતી. કદાચ હજી એ એની મમ્મીને મળવાનું ન કહેત તો હું પાછી ન ફરી હોત." વચ્ચે જ મીનાબેન માથું પટકતાં બોલ્યા,


" છોકરી…છોકરી…તે આ શું કરી નાંખ્યું? તારી સાથે છોકરાની જિંદગી પણ ખાડે નાંખી."


વસંતભાઈ પણ બોલી પડ્યાં,

" આ મૃગજળી દોડ ક્યાં અટકશે એવું કેમ ન વિચાર્યું? હે ભગવાન! કંઈ નથી સમજાતું કંઈ નહિ.."


આંખો નીચી કરતાં ટપકતાં આંસુ એક હાથે લૂછતાં કવિતાએ ફરી બોલવું શરૂ કર્યું, " એવું નહોતું કે પરમ પ્રત્યે હું સાવ બેદરકાર થઈ ગઈ હતી પણ એ ઘરમાં રહેતાં જ એટલું ઓછું કે એમના હોવા ન હોવાથી આ વાતમાં ફરક નહોતો પડતો."


વસંતભાઈ તરત બોલ્યા," આ તો તારી સાવ નફ્ફટાઈ કહેવાય. તારે કંઈક તો વિચારવું જોઈએ ને! આ માણસ દિવસ રાત તમને સુખ આપવાની દોડમાં હતા. એમને તો ચેંજ, થ્રિલ કે તું જે કહે છે એ કિક બિક કંઈ નહોતું જોઈતું!"


કવિતાએ આંખમાં આંસુ સાથે સોફાના કવર પર આંગળીઓ અનિશ્ચિત પણે ફેરવતાં કહ્યું, " એવું બધું સમજી પણ ઘણું મોડું થઈ ગયું હતું. હવે સાવ બેશરમીની વાત કહું એ કપલબોક્સમાં તે દિવસે હું એને મનાવી અમારાં અમુક ફોટોઝ ને વીડિયો લેવા ગઈ હતી. પણ બધું ઉંધુ થઈ ગયું." પછી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ ત્રણે એની નજીક જઈ એને પસવારી પરમે એનું માથું પાસે લઈ હાથ ફેરવતાં બોલ્યો, " કદાચ મારો ડાઉટ સાચો હતો કે તું ત્રીજે ચોથે દિવસે જ બોલતી થઈ ગઈ હોઈશ પણ જાણી જોઈને જ ચૂપ રહેતી હતી." કવિતાએ માથું નમાવી કહ્યું, "હા, આટલી હિંમત ભેગી કરવી બહુ મુશ્કેલ હતી. બીજી એક કડવી અને સાચી વાત, કોઈ સાથે આવા નાટક જિંદગીમાં ક્યારેય કર્યા નહોતાં એટલે આલાપ સાથે રહેતાં હું ક્યારે લાગણીથી જોડાઈ ગઈ ખ્યાલ નહિ રહ્યો. પરમ હવે તમે જે સજા આપો એ મંજૂર છે. આ મૃગજળી દોડનો ડંખ પણ જીરવવો જ રહ્યો ને!" પરમ એક ઊંડો શ્વાસ લઈ આંખમાં આંસુ સાથે રૂમમાં જતો રહ્યો. એની પાછળ કવિતા પણ ગઈ. તરત મીનાબેન અને વસંતભાઈ પણ ત્યાંથી ઉઠીને રૂમમાં ગયા.



આજે પરમ બાજુમાં કવિતાને સહન નહોતો કરી શકતો!

હમણાં એને કવિતાથી દૂર થવું હતું. બધાં સૂઈ ગયા એટલે એ ધીમેથી હૉલમાં આવી ગયો. પરમ જ્યારે પણ તકલીફમાં અને દુઃખી હોય ત્યારે પુસ્તકોનું શરણું લેતો. બે-ત્રણ પુસ્તકો હાથમાં લીધાં પણ ચિત્ત ક્યાંય ચોંટતું નહોતું. એણે પોતાની ડાયરીમાં ટપકાવેલી એનાં ગમતાં કવયિત્રી મેધાવિની રાવલ "હેલી"ની ગઝલો શોધવા માંડી, એની પાસે એમનું આખું કલેકશન હતું. એક એને બહુ ગમતી ગઝલ પર આંખ ટકી..


સાવ તકલાદી - બટકણું, એમ રખડાવાય નહિ,

જાળવી રાખો જતનથી, ક્યાંક દિલ પછડાય નહિ.


ઠાવકું થઈ હોઠ પર મલકાટ લીપે છે હૃદય,

ખિન્નતાના કારણો ખીસ્સે ભરી બેસાય નહિ..


શુષ્ક ને વેરાન થઈ વિશ્વાસની ભૂમિ બધી,

માંહ્યલો બળતો રહ્યો ને આગ પણ દેખાય નહિ..


જપ કરો ને ધ્યાન છૂટે, હો અવસ્થા પણ અજંપ,

સ્વપ્ન પણ ના સાંપડે ને આંખ પણ ઘેરાય નહિ.


સગપણો લીલા ઘણાં વાઢી ગયાં છે આમ તો,

અણસમજની વાડને જીહ્વા વડે વહેરાય નહિ?


આકરી લે છે કસોટી શાને તું કાયમ પ્રભુ?

શ્વાસ ભરવા હો કઠણ ને જીવ તરછોડાય નહિ.


- મેધાવિની રાવલ 'હેલી'


આ તે કેવી હકીકતી ગઝલ ! જાણે એને માટે લખી હોય એમ જ! એ ધીમે ધીમે આ કવયિત્રીની ડાયરીમાં ટપકાવેલી બધી ગઝલો વાંચતો રહ્યો. એક ગજબની વેદના ને પીડાસભર આ ગઝલોએ, તેની વ્યથાને હળવેથી પંપાળી હોય એવું લાગ્યું અને પરમ હળવો થઈ સૂઈ ગયો.


ક્રમશ: