Sapnana Vavetar - 24 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 24

સપનાનાં વાવેતર પ્રકરણ 24

અનિકેતને મુંબઈ આવ્યાને બીજા ૧૫ દિવસ થઈ ગયા. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો.

" આપણે હવે શ્રુતિને ૪ દિવસ માટે મુંબઈ બોલાવી લઈએ. તમારે દાદાને અને મમ્મી પપ્પાને જે રીતે વાત કરવી હોય એ રીતે કરી લો. જેથી કદાચ મારા દાદા ફોન કરે તો પણ આપણા દાદા ટાઈફોઈડ જેવી સામાન્ય બીમારીની વાત કરે. કોઈ મોટી બીમારીની વાત કરશે તો દાદા દોડતા આવશે. " કૃતિ બોલી.

" ઠીક છે હું એક બે દિવસમાં જ વાત કરી લઉં છું. " અનિકેત બોલ્યો.

અને અનિકેતે બીજા દિવસે જ સૌથી પહેલાં પોતાના દાદાને વાત કરી કારણ કે હરસુખભાઈ ફોન કરે તો પણ સૌથી પહેલાં દાદા જોડે જ વાત કરે. પપ્પા સાથે વાત ના કરે.

" દાદા તમારે અમને એક સપોર્ટ આપવાનો છે. " અનિકેત એમના રૂમમાં જઈને બેઠો અને બોલ્યો.

" બોલને બેટા... કઈ જાતનો સપોર્ટ જોઈએ છે ?" ધીરુભાઈ બોલ્યા.

" મારી સાળી શ્રુતિને ત્રણ-ચાર દિવસ ફરવા માટે અહીં આવવું છે પરંતુ એના દાદા પરમિશન આપતા નથી કે દીકરીના સાસરે પ્રસંગ વગર એમ ના જવાય. એ થોડાક જૂનવાણી છે એટલે દીકરીના સાસરે ફરવા ના જવાય એવું માને છે. તો કૃતિ પોતાને ટાઈફોઈડ થયો છે એવું કંઈક બહાનું કાઢીને એના ઘરે વાત કરે અને ત્રણ ચાર દિવસ માટે શ્રુતિને સેવામાં બોલાવે તો કદાચ મોકલે. પણ શ્રુતિ ફોન કરે એટલે તરત જ એના દાદાનો ફોન તમારા ઉપર આવે જ. જો એ ફોન કરે તો તમારે પણ ટાઈફોઈડની વાત કરવાની. " અનિકેત બોલ્યો.

" અરે પણ બેટા એના માટે કૃતિને બીમાર પડવાની ક્યાં જરૂર છે ? અરે હું પોતે હરસુખભાઈ સાથે વાત કરું તો એ તરત મોકલશે. એ મને ના પાડી શકે જ નહીં. હું વાત જ એવી રીતે કરીશ કે એ તરત જ મોકલી દેશે. એ તું મારી ઉપર છોડી દે. " ધીરુભાઈ બોલ્યા.

" ઠીક છે દાદા તો પછી હું તમને કહું પછી ફોન કરજો. અત્યારે ને અત્યારે ના કરતા. " અનિકેત બોલ્યો.

પરંતુ શ્રુતિને મુંબઈ બોલાવવા માટે આવાં કોઈ કારણોની જરૂર ના પડી. ઘટના ચક્રો જ એવી રીતે ગોઠવાયાં કે શ્રુતિને મુંબઈ આવવાનું થયું.

શ્રુતિના ડિઝાઇન કરેલા ડ્રેસ એની બિઝનેસ પાર્ટનર દેવાંશી મુંબઈની એક બીજી ડ્રેસ ડિઝાઈનર કેતકી ઝવેરીને મોકલતી હતી. અને કેતકીના ગ્રાહકોને એ ખૂબ જ પસંદ આવ્યા હતા.

શ્રાવણ મહિનો શરૂ થયો એટલે ત્યાં મુંબઈમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે લેટેસ્ટ ફેશનના લેડીઝ ડ્રેસનું એક મોટું સેલ એક્ઝીબીશન દાદર વેસ્ટમાં કબુતરખાના પાસે કરસન લઘુ નિસર હોલમાં ભરાવાનું હતું.

દેવાંશીની મુંબઈની ફ્રેન્ડ કેતકી ઝવેરીએ શ્રુતિ અને દેવાંશીને ફોન કર્યો.

" દેવાંશી રક્ષાબંધન તહેવાર નિમિત્તે અહીં દાદરમાં એક મોટું પ્રદર્શન ભરાવાનું છે અને ત્યાં મુંબઈની અને મુંબઈ બહારની સારામાં સારી ફેશન ડિઝાઈનરો ભાગ લેશે. તમારા લોકોની ઈચ્છા જો અહીં સ્ટોલ રાખવાની હોય તો તમારા વતી હું ફોર્મ અહીં ભરી દઉં. ત્રણ દિવસનું સેલ છે જેની ફી ૧૦૦૦૦ રૂપિયા થશે. " કેતકી બોલી.

" આ તો સારામાં સારી તક છે કેતકી બેન. અમારે ચોક્કસ ભાગ લેવો છે. ફી હું તમને ટ્રાન્સફર કરી દઉં છું. તમે એક સ્ટોલ રાખી લો. " દેવાંશી બોલી.

" ઓકે. દસ દિવસ પછી પ્રદર્શન છે એટલે દસ દિવસમાં જેટલા પણ ડ્રેસ તમે તૈયાર કરી શકો તે બધા લઈને આવજો. સારામાં સારા ડ્રેસ બનાવજો. અહીં કિંમત કોઈ પૂછતું નથી. શ્રીમંત વર્ગના લોકો જ આવતા હોય છે. એ સિવાય અહીં મોટા મોટા શોરુમ વાળા વેપારીઓ પણ ડ્રેસ જોવા આવે છે. તમારી ડિઝાઇન જો પસંદ પડી જશે તો એ સ્ટોરવાળાના તમને મોટા ઓર્ડરો મળશે અને લાખો રૂપિયા કમાઈ શકશો." કેતકી બોલી.

"અમે ચોક્કસ આવીશું કેતકીબેન. તમે સ્ટોલ રાખી જ લેજો." દેવાંશી બોલી.

અને આ રીતે શ્રુતિનો મુંબઈ જવાનો પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો. ૧૦ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હતો. શ્રુતિ અને દેવાંશી ૬ તારીખે સવારે મુંબઈ પહોંચી ગયાં. અનિકેત સાથે વાત થયેલી હતી એટલે એણે દાદરમાં જ આ લોકો માટે હોટલ બુક કરાવી દીધી હતી.

૬ તારીખે બપોર પછી હૉલની અંદર સ્ટોલ ગોઠવવાનો હતો અને ૭ તારીખે સવારે પ્રદર્શન ચાલુ થવાનું હતું. ૭ તારીખથી ૯ તારીખ સુધી પ્રદર્શન હતું.

પ્રદર્શન ખૂબ જ સફળ રહ્યું. કૃતિ પણ સમય કાઢીને ૮ તારીખે અનિકેતને લઈને પ્રદર્શન જોવા આવી હતી. એણે પણ કેટલાક ભારે ડ્રેસ ખરીદ્યા. શ્રુતિ મુંબઈ આવી એનો એને બહુ આનંદ થયો.

શ્રુતિએ ડિઝાઇન કરેલા ડ્રેસ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવ્યા અને ત્રણ દિવસમાં તો લગભગ બધો જ માલ ખલાસ થઈ ગયો એટલું જ નહીં મોટા મોટા શોરૂમ વાળાએ એડવાન્સ પૈસા આપીને આ પ્રકારના નવા ડ્રેસ મોકલવા માટે ઓર્ડર આપ્યા. શ્રુતિ ખૂબ જ ખુશ થઈ ગઈ. એની કલ્પના બહાર એને બિઝનેસ મળ્યો.

" શ્રુતિ તારી ડિઝાઇન કમાલની છે હોં ! રાજકોટ તારા જેવી ટેલેન્ટેડ છોકરી માટે ઘણું નાનું છે. તું મુંબઈમાં રહેતી હોય તો ઘણું કમાઈ શકે. પહેલી જ વાર સ્ટોલ કર્યો અને આટલી બધી સફળતા મળી એ કોઈ નાનીસૂની વાત નથી. " કેતકીબેને અભિનંદન આપતં કહ્યું.

૯ તારીખ પ્રદર્શનની છેલ્લી હતી એટલે રાત્રે ૮ વાગે અનિકેત અને કૃતિ ગાડી લઈને દાદર શ્રુતિને લેવા માટે આવ્યાં હતાં. દેવાંશીની તો રાતની ટ્રેઈનની ટિકિટ હતી એટલે એ તો સ્ટેશન જવા માટે લોકલ ટ્રેનમાં નીકળી ગઈ.

અનિકેત ગાડીને પહેલાં હોટલ ઉપર લઈ ગયો અને હોટલ ચેક આઉટ કરાવી દીધી. ત્યાંથી ગાડી થાણા તરફ લીધી.

" તું આવી ગઈ બેટા ? ચાલો બહુ સરસ થઈ ગયું. આમ પણ અમે તને બોલાવવાના જ હતા ત્યાં અચાનક તારે આ રીતે તારા બિઝનેસ માટે આવવાનું થયું. " ધીરુભાઈ શ્રુતિને આવકારતાં બોલ્યા.

" હા દાદાજી. દીદીના ઘરે બે ત્રણ દિવસ રોકાવાની મારી ઘણી ઈચ્છા હતી. " શ્રુતિ ધીરુભાઈના ચરણસ્પર્શ કરીને બોલી. એ પછી એણે તમામ વડીલોના ચરણસ્પર્શ કર્યા.

" આવી જ છે તો હવે અઠવાડિયું રોકાઈ જા. હરસુખભાઈ સાથે હું વાત કરી લઈશ. અનિકેત તને ગેટવે ઓફ ઇન્ડિયા, નરીમાન પોઇન્ટ અને મરીન ડ્રાઈવ જેવા વિસ્તારો બતાવશે. અહીં સિદ્ધિવિનાયક, બાબુલનાથ અને મહાલક્ષ્મી મંદિરે પણ જઈ આવજો. આ બધું એકવાર જોવા જેવું છે. અને હવે તમે લોકો જમી લો. ઘણું મોડું થઈ ગયું છે. " ધીરુભાઈ બોલ્યા.

" અરે પાંડુ આ દીદીની બેગ અમારા બેડરૂમમાં મૂકી આવ. " કૃતિ નોકરને બોલી.

એ પછી ત્રણેય જણાં જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર ગયાં.

અત્યારે જમવામાં વેજીટેબલ પુલાવ અને કઢી હતાં. સાથે તળેલા પાપડ હતા. મહારાજની રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હતી.

"આજે તમે બંને બહેનો મારા બેડરૂમમાં સૂઈ જજો. હું ગેસ્ટ બેડરૂમમાં સૂઈ જઈશ. તમે મોડે સુધી વાતો કરી શકો. " જમતી વખતે અનિકેત બોલ્યો.

" અરે ના ના જીજુ. તમે લોકો તમારા બેડરૂમમાં સૂઈ જાવ. હું ગેસ્ટ રૂમમાં સૂઈ જઈશ. આમ પણ ચાર પાંચ દિવસ રોકાવાનું થાય એટલે વાતો તો થવાની જ છે. " શ્રુતિ બોલી.

" તારા જીજુ સાચું કહે છે. તારા માટે નવી જગ્યા છે એટલે તને એકલીને નહીં ફાવે. તું મારી સાથે જ સૂઈ જજે. " કૃતિએ પણ આગ્રહ કર્યો.

છેવટે કૃતિ અને શ્રુતિએ અનિકેતના બેડરૂમમાં સૂવાનું નક્કી કર્યું.

" દીદી દાદરના એકઝીબિશનમાં મારા લગભગ બધા જ ડ્રેસ વેચાઈ ગયા અને બહુ જ મોટા ઓર્ડર મળ્યા. મારી કલ્પના બહાર મને સફળતા મળી છે. અહીંના મોટા મોટા શોરૂમના પણ ઓર્ડર મળ્યા છે. જીજુએ મને ખરેખર ખૂબ જ મદદ કરી છે. " શ્રુતિ બોલી.

" મુંબઈ તો મુંબઈ છે શ્રુતિ. જેને કમાતાં આવડે એના માટે મુંબઈ જેવું કોઈ શહેર નથી. અહીં કોઈ ભાવ પૂછતું નથી. જેને પસંદ આવે એ લઈ જ લે. ભાવતાલ કરવાની આદત ગુજરાતમાં વધારે છે. જો કે અહીંયા પણ ઘણી ગુજરાતી સ્ત્રીઓ ભાવતાલ કરતી જ હોય છે છતાં એનું પ્રમાણ ઓછું. " કૃતિ બોલી.

"અચ્છા દીદી એ કહો કે લગ્નને આઠ મહિના થઈ ગયા. હવે તમારા રિલેશન ચાલુ થયા કે નહીં ? " અચાનક શ્રુતિએ પ્રશ્ન કર્યો.

" થઈ જશે મને વિશ્વાસ છે. હું હવે એ બાબતમાં એમને કંઈ કહેતી નથી. અત્યારે તો મેં મન મનાવી લીધું છે. એ સિવાય એ મને બહુ સારી રીતે રાખે છે. " કૃતિ બોલી.

બીજા દિવસે સવારે અનિકેતે સમય ફાળવીને સૌપ્રથમ સિદ્ધિવિનાયક મંદિરે જવાનો પ્રોગ્રામ બનાવ્યો. એના ડ્રાઇવર દેવજીને એણે સૂચના આપી દીધી.

" દેવજી સૌથી પહેલા સિદ્ધિવિનાયક આપણે જવાનું છે એટલે ગાડીને અત્યારે દાદર બાજુ લઈ લે. ત્યાંથી આપણે બાબુલનાથ જઈશું. ત્યાં દર્શન કર્યા પછી ચર્ની રોડ ગોલ્ડન થાળ લઈ લેજે . ત્યાં જમીને પછી બપોર પછી મહાલક્ષ્મી જઈશું. " અનિકેત બોલ્યો.

ગાડી લગભગ દોઢ કલાકે દાદર સિદ્ધિવિનાયક પહોંચી ગઈ.

"લગનને આઠ મહિના થઈ ગયા પણ આજે પહેલીવાર તારા જીજુ મને અહીં દર્શન કરવા લઈ આવ્યા છે." કૃતિ અનિકેત સાંભળે એમ બોલી.

"સમય જ ક્યાં મળે છે કૃતિ ? આ તો દાદાએ ખાસ કહ્યું એટલે મને થયું કે ચાલો બધે દર્શન કરી આવીએ. હું પણ આજે અહીં વર્ષો પછી આવ્યો. આ સિદ્ધિવિનાયકનું મંદિર મુંબઈનું ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે. આખું મહારાષ્ટ્ર ગણેશજીને પૂજે છે એટલે કોઈ પણ વ્યક્તિ મુંબઈમાં રહેવા માટે આવે એ અહીં દર્શન કર્યા વગર રહેતો જ નથી. મુંબઈમાં રહેવા આવનાર હંમેશા એના નસીબ પ્રમાણે સફળતા મેળવતો જ હોય છે." અનિકેત બોલ્યો.

" મુંબઈનો તો મને અનુભવ થઈ જ ગયો છે કે અહીંની ધરતી જ જુદી છે. માત્ર ત્રણ જ દિવસમાં આટલો બધો બિઝનેસ મેં કરી દીધો. " શ્રુતિ બોલી.

એ પછી ત્રણે જણાંએ મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરી ખૂબ જ ભાવથી સિદ્ધિવિનાયક ગણપતિદેવનાં દર્શન કર્યાં અને દિલથી પ્રાર્થના પણ કરી. દુર્વા અને જાસુદનો હાર અર્પણ કર્યો. મોદકનો પ્રસાદ પણ ધરાવ્યો.

લગભગ પોણા કલાકનો સમય અહીં પસાર થઈ ગયો. ત્યાં દર્શન કરીને દેવજીએ ગાડી બાબુલનાથ તરફ લીધી.

" ઊંચાઈ ઉપર આવેલું આ શિવ મંદિર ખૂબ જ પુરાણું છે અને આ મહાદેવની કૃપા આખાય મુંબઈ ઉપર છે. મુંબઈના લગભગ તમામ શેઠિયાઓ અવાર નવાર અહીં પાણી ચઢાવવા આવતા જ હોય છે. શિવરાત્રીના દિવસે અને શ્રાવણ મહિનામાં તો અહીં લાઈનો લાગે છે. પ્રત્યક્ષ ચેતના છે. મારા દાદા પણ એમને બહુ માને છે. " મંદિરમાં પ્રવેશ કર્યા પછી અનિકેત બોલતો હતો.

અનિકેતે પણ ત્યાં "ૐ નમઃ શિવાય" મંત્ર બોલતાં બોલતાં ઘડો લઈને પાણી ચઢાવ્યું.

એ પછી ત્યાંથી અનિકેતે ગાડી ચર્નીરોડ લેવડાવી અને બધાને લઈને ગોલ્ડન થાળ ડાઇનિંગ હોલમાં ગયો. બપોરના ૧૨:૩૦ વાગી ગયા હતા. ડ્રાઇવરને પણ એણે જમાડી દીધો.

ત્યાંથી એ લોકો સીધા મહાલક્ષ્મી મંદિરે ગયા.

" મુંબઈની આ જાહોજલાલી આ મહાલક્ષ્મી માતા સંભાળે છે એવું કહેવાય છે. મુંબઈમાં રહેતી કોઈપણ વ્યક્તિ વર્ષમાં એકવાર તો મહાલક્ષ્મી નાં દર્શને આવતી જ હોય છે. " અનિકેત બોલ્યો.

મંદિર ઘણું ભવ્ય હતું અને લોકોની ભીડ પણ ઘણી હતી. કૃતિ અને શ્રુતિ પણ મુંબઈનાં આ ત્રણે મંદિરોને જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયાં હતાં.

"૪:૩૦ વાગી ગયા છે. સાંજનો ટાઈમ છે એટલે આપણે જૂહુ ચોપાટી ઉપર આંટો મારી આવીએ. એકવાર જવા જેવું છે. મુંબઈની આ એક રોનક છે. ત્યાંથી ઇસ્કોન મંદિરનાં દર્શન કરીને આપણે પાર્લાં થઈ ઘરે જવા નીકળી જઈશું. કાલનો રૂટ અલગ છે એટલે આ બાજુ નહીં અવાય." અનિકેત બોલ્યો.

અને અનિકેતે દેવજીને જૂહુ ચોપાટી તરફ ગાડી લેવાની સૂચના આપી. શ્રુતિ પહેલીવાર મુંબઈનો આ સમૃદ્ધ એરીયા જોઈને ખુશ થઈ ગઈ.

" મોટાભાગના ફિલ્મ કલાકારો આ જૂહુ એરીયા અને બાંદ્રામાં જ રહે છે" વચ્ચે વચ્ચે અનિકેત બંને બહેનોને સમજણ પાડતો હતો.

છેવટે ચોપાટી ઉપર ગાડી આવી ગઈ. ગાડી પાર્ક કરીને ત્રણે જણાં બીચ ઉપર આવી ગયાં. અફાટ દરિયા કિનારે આવેલી જૂહુ ચોપાટીની આ રમણીય જગ્યા પણ શ્રુતિને ખુશ કરી ગઈ. કૃતિ કરતાં શ્રુતિમાં પ્રકૃતિ પ્રેમ વધારે હતો.

ઘણા બધા લોકો અહીં ફરવા માટે આવતા હતા. ખાણીપીણી ના ઘણા સ્ટોલ પણ ચોપાટી ઉપર ગોઠવેલા હતા. અનિકેતે ભેળ કે આઇસક્રીમ લઈ આવવાની વાત કરી પરંતુ બપોરે જમેલાં હોવાથી કોઈને કંઈ ખાવાની ઈચ્છા ન હતી.

ત્યાં દરિયા કિનારે અડધો કલાક બેસીને ત્રણેય જણાં ઊભાં થઈ ગયાં અને અનિકેતે ગાડી ઇસ્કોન મંદિર લેવડાવી. ત્યાં દર્શન કરીને એ લોકો નીકળી ગયાં અને દેવજીએ ગાડી પાર્લા થઈને સીધી થાણા તરફ લીધી.

"આજે તો આપણે ઘણું બધું ફર્યાં દીદી. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. " શ્રુતિ બોલી.

" તારી સાથે હું પણ આજે પહેલીવાર આટલું બધું ફરી છું. તું મુંબઈ આવી એનો લાભ મને મળ્યો. " કૃતિ હસીને બોલી.

" ઘરે જતી વખતે રસ્તામાં શ્રુતિને આપણી મુલુંડની સાઈટ પણ બતાવી દઈશું ? " અનિકેતે કૃતિને પૂછ્યું.

" ના ના હવે રાત પડવા આવી છે એટલે જોવાની એટલી મજા નહીં આવે. કાલે સવારે અહીં થઈને જ નીકળીશું." કૃતિ બોલી.

અને બીજા દિવસે સવારે ૯ વાગે ગેટવે ઓફ ઇન્ડિયાનો પ્રોગ્રામ બનાવ્યો ત્યારે અનિકેતે સૌથી પહેલાં ગાડી મુલુંડ પોતાની સાઈટ ઉપર જ લેવડાવી.

"જો આ રોડ ટચ પ્લોટ ઉપર આપણાં બે ટાવરો બની રહ્યાં છે. આકૃતિ-એ અને આકૃતિ-બી. કૃતિના નામ ઉપર જ એનું નામ રાખ્યું છે. આ એરીયા અહીંનો પોશ એરિયા ગણાય છે અને અમને ઘણું સારું બુકિંગ મળી ગયું છે. જો આ હોર્ડિંગમાં દેખાય છે એવા ફ્લેટ બનશે. " અનિકેતે શ્રુતિને સમજાવ્યું.

"લોકેશન તો બહુ જ સરસ છે દીદી. અને જીજુએ ફ્લેટ પણ બહુ સરસ ડિઝાઇન કર્યા છે. મુંબઈ તો મુંબઈ જ છે જીજુ" શ્રુતિ ખુશ થઈને બોલી.

" લગ્ન પછી તરત એમની પ્રગતિ થઈ છે એ એમણે યાદ રાખવાનું છે. મારા પગલે આ બધી જાહોજલાલી છે. " કૃતિ ગર્વથી બોલી.

" સોરી દીદી. એવી રીતે વાત ના કરાય. દરેક વ્યક્તિ મનમાં નોંધ લેતી જ હોય. આ રીતે તારે અભિમાન કરવાનું ના હોય. એમનું નસીબ બળવાન છે માટે આ થઈ શક્યું. તું તો નિમિત્ત બની. " શ્રુતિ બોલી. એને દીદીની આ વાત ગમી નહીં.

"હું અભિમાન નથી કરતી શ્રુતિ. હું તો જસ્ટ વાત કરું છું. દાદાએ પણ કબૂલ કર્યું છે કે મારાં પગલાં લક્ષ્મીવંતાં છે." કૃતિ બોલી.

અનિકેત કંઈ બોલ્યો નહીં. એને કૃતિનું આ અભિમાન ન ગમ્યું. તે દિવસે રાત્રે પણ ૪ ફ્લેટ પોતાના નામે કરવાનું એણે કહી દીધેલું ! એને ક્યારેક ક્યારેક કૃતિનું આવું વર્તન સમજાતું ન હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)