Chhappar Pagi - 44 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 44

છપ્પરપગી ( ભાગ-૪૪ )
——————————
આજે વહેલી સવારે સ્વામીજીની ઈચ્છાનુસાર ડો.અભિષેકભાઈ અને ડો. રૂચાબહેન ગંગાસ્નાન માટે ગયા પણ સ્વામીજીએ તો કંઈ અલગ જ યોગ સર્જી આપ્યો જેથી ડો.વિહાંગભાઈ અને ડો. પલ્લવીબહેન સાથે સંપર્ક થયો…
કદાચ સ્વામીજી પોતે કોઈ સલાહ કે માર્ગદર્શન આપે એના બદલે વ્યક્તિ પોતે જ નિર્ણય લઈ કોઈ નિષ્કર્ષ પર પહોંચે એવો એમનો આશય સ્પષ્ટ જણાયો…પણ હવે રૂચાબહેન બહુ જ ખુશ હતા કે એક નિષ્કર્ષ પર પહોંચાયુ તો ખરું.
હવે આશ્રમમાં બધા સવારનાં નાસ્તા માટે ભોજનાલયમાં મળે છે ત્યારે વિશ્વાસરાવજી પોતે જ બધાને નાસ્તો પીરસવા લાગે છે અને અભિષેકભાઈના ચહેરા સામે જોઈ સમજી જાય છે કે આ લોકોનો પ્રશ્ન હળવો બની ગયો છે.
બધાને નાસ્તો પીરસી વિશ્વાસરાવજી પણ અભિષેકભાઈ જોડે પોતાની પ્લેટ લઈ બેસી જાય છે અને જણાવે છે કે આશ્રમમાં અન્ય બે બ્લોક ખાલી છે એટલે હવે એમણે ડો.વિહાંગભાઈને પરત આશ્રમમાં બોલાવી લીધા છે.. હમણાં જ બે સેવક ભાઈઓ એમનો લગેજ શિફ્ટ કરાવીને આવતા જ હશે, બપોરે ભોજન પણ જોડે જ લેવાના અને ત્યાર પછી સ્વામીજી સાથે તમારી મિટીંગ ગોઠવી છે, જેમાં હવે આગળ શું કરવું તે અંગે બ્લુપ્રિંટ તૈયાર કરવાનું આયોજન છે..
રૂચાબહેનને તો જાણે એક નવો ઉમંગ, ઉત્સાહ અને જોમ આવી ગયુ હોય તેમ આ નવસર્જનની પ્રકિયાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા…બપોરે ભોજન લેતાં પહેલાં અભિષેકભાઈ અને રૂચાબહેન શેઠ અને શેઠાણીના રૂમમાં જઈને પોતાના આ નિર્ણયની જાણ કરે છે. બધીજ વાત વિગતે સાંભળ્યા પછી શેઠ કહે છે… ‘અભિષેક… બેટા અંદાજે કેટલો સમય લાગી શકે..?’
‘પપ્પા… બધુ જ ધાર્યું થઈ જાય તો બે વર્ષમાં અધતન હોસ્પીટલ શરૂ થઈ શકે.કામ મોટું અને અઘરૂ છે પણ બે વર્ષ પૂરતા છે.’
‘ફંડ અંગે નો શું પ્લાન છે..? કોઈ આયોજન ?’
‘હા…પપ્પા.. ડો. વિહાંગ સર અને પલ્લવીબહેન પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી રહ્યા છે.. અને હુ અને રૂચા પણ પોતાનું બધુ જ આપવા મક્કમ છીએ.. અમે અમેરિકા પરત જઈ બધું જ વાઈન્ડઅપ કરી એક મહિનામાં પરત આવી જવા ધારીએ છીએ.કદાચ વાર લાગે તો રૂચા ત્યાં થોડું વધારે રોકાઈ જશે અને મેડિકલ ફિલ્ડ રીલેટેડ ટેકનિકલ સપોર્ટ જોઈએ તે બાબતે સંભાળશે..’
શેઠાણી બોલ્યા, ‘તમારા બન્નેની સંપતિથી આ કામ પાર પડી જશે..?’
રૂચાબહેને કહ્યું, ‘ના… શક્ય નથી, પણ સ્વામીજીએ કહ્યુ કે શરૂઆત કરી દો. પૈસા માટે કોઈ જ કામ નહીં અટકે.. રાહ જોઈશું તો રાહ જોતાં જ રહી જઈશું.આગળનું ઈશ્વર પર છોડી દો એ જ પુરુ કરશે. એમના વિશ્વાસપૂર્વક કહેલ આ વાત પર અમને શ્રદ્ધા બેસી છે, એટલે આગળ વધીએ.’
શેઠે કહ્યુ, ‘સ્વામીજીનાં સંપર્કો ખૂબ છે.. કદાચ સમગ્ર ભારતમાં અને અન્ય દેશોમાં પણ… લક્ષ્મી પાસેથી એમનાં વિશે જે વાત સાંભળી છે એ મુજબ મને લાગે છે કે એ તમને બધાને કદાચ નિમિત્ત માત્ર બનાવે છે અને ઈચ્છે તો પોતે પણ બહુ જ સરળતાથી આ કામ પાર પાડી શકે.. પણ હોસ્પીટલ.. ખાસ કરીને ચેરિટી માટે શરૂ કરવાની હોય ત્યારે સુવિધાઓ કે પૈસા કરતાં સમર્પિત ડોક્ટર્સનું મહત્વ વધારે હોય છે.. તમે ચારેય નિષ્ણાંતોનું સમર્પણ હોય તો બાકી બધુ જ ગૌણ બની જશે.. પણ તમારો આ નિર્ણય સાંભળીને હવે અમને પણ આ ભગીરથ કાર્ય નિર્માણ થતુ જોવાની ઉત્કંઠા વધી છે.. શક્ય છે અમારું જીવન બે વર્ષ લંબાઈ પણ જાય.. બાકી ઈશ્વર ઈચ્છા. પણ હવે ગમે ત્યારે જવાનું થાય તો પણ અમે એક પૂર્ણ સંતોષ સાથે જઈ શકીશુ… તમારી સાથે થોડા દિવસો વિતાવવાનું સપનું હતુ પણ આ દિવ્ય કાર્ય માટે અમારાં સંતાનો નિમિત્ત બની રહ્યા છે એ સાંભળી જીવન ધન્ય બની ગયુ છે એ અહેસાસ થાય છે.. બેટા આજે એ વાત સ્પષ્ટ બની ગઈ કે એક દ્રઢ સંસ્કાર વાળો સનાતની જ્યાં પણ જાય, જ્યાં પણ રહે, ગમે તેટલાં ભૌતિક સુખ સમૃદ્ધિમાં આળોટતા હશે, શક્ય છે થોડો સમય કદાચ અટવાઈ પણ જાય અંતે તો મૂળ સંસ્કારોમાં પરત ફરશે જ… મને પ્રવિણ અને લક્ષ્મી માટે ખૂબ સન્માન છે અને એમને જ અમારાં સાચા માનસ સંતાનો માનું છું પણ આજે તમારા આ નિર્ણયથી દિલમાં ઉંડે ઉંડે તમારા માટે એક દુખ હતુ જે આજે દૂર તો થઈ જ ગયુ પણ તમારાં બન્ને માટે પ્રવિણ અને લક્ષ્મી જેટલું જ સન્માન ઉભુ થઈ ગયુ.’

શેઠાણીએ કહ્યું, ‘રૂચા.. મેં મારી તમામ સંપતિ માટે લક્ષ્મીને અધિકાર આપી દીધા છે એટલે મારી પાસે હવે કંઈ જ નથી પણ મારા આશીર્વાદ સદા તારી જોડે રહેશે… તું લક્ષ્મીને વાત કરજે એ ચોક્કસ આ બાબતે કંઈ યોગ્ય વિચારશે જ… પણ હું તો આ હોસ્પીટલ જોયા વગર હવે ઉપર આવવાની નથી એવું તો ઠાકોરજી પાસે હવે માંગીશ જ..’
‘મમ્મી, પપ્પા તમારે બન્ને એ આ હોસ્પીટલનુ ઓપનીંગ કરવાનુ જ છે.. અમને તમારા બન્નેના આશિષ એ દિવસે જોઈએ જ છે..’ અભિષેકભાઈએ લાગણીથી કહ્યું.
‘હમમમ… હવે તો અમે પણ ઈચ્છીએ છીએ કે જલ્દી ન જઈએ.. બાકી તો ઘરેથી નીકળ્યા હતા ત્યારે અમે બન્ને એ આપણાં ઘરને અલવિદા કહીને જ નીકળ્યા હતા, પણ હવે તો ગંગામૈયાને પ્રાર્થના કરીએ કે ફરી આવી શકીએ ત્યાં સુધી મૈયાના આશીર્વાદ રહે.’ એકદમ હળવાશથી અને સહજ મુસ્કરાહટ સાથે શેઠાણીએ પોતાનો સુર પુરાવ્યો.
આ લોકો આ બધી વાત કરી રહ્યા હતા ત્યાં એક સેવક ભાઈએ આવીને કહ્યું કે સ્વામીજી, ડો. વિહાંગસર અને બાકીના બધા ભોજનશાળાએ પહોંચી ગયા છે અને તમારી રાહ જોવે છે.
બધાએ ખૂબ શાંતિથી ભોજન પૂર્ણ કર્યું અને નક્કી થયુ તે મુજબ સ્વામીજી, વિશ્વાસરાવજી અને બન્ને ડોક્ટર દંપતિઓ સ્વામીજીની કુટીરમાં જઈ મિટીંગ શરૂ કરે છે.
એ બધાની ચર્ચામાં હોસ્પીટલની જગ્યા, રોડ કનેક્ટીવીટી, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરલ એન્જીનીયર કોને રોકવા, લિગલ ફોર્માલિટી કોણ આટોપશે?, શરૂઆતમાં કઈ કઈ સુવિધાઓ ઉભી કરવી, પછીથી કેટલું એક્સટેન્શન કરવુ જરૂરી બનશે, ભાવિ સુવિધાઓ વધારવા કઈ કઈ જોગવાઈઓ રાખવી, હોસ્પીટલ ટ્રસ્ટીઓ કોણ રહેશે, રિકરીંગ એક્સપેન્સીસ કેવાં અને કેટલાં આવી શકે, કઈ કઈ ચેલેન્જીસ આવી શકે અને એને કઈ રીતે પહોંચી વળાય, કોઈ જ ફી કે ચાર્જ વસૂલ કર્યા વગર આજીવન હોસ્પીટલ ચલાવવા કેવી જોગવાઈઓ કરવી વિગરે ઘણી બધી બાબતોની શક્ય એ તમામ પાસાઓ આવરી ચર્ચાઓ કરી અને એની મિનીટ્સ પણ નોંધી રાખી.
સ્વામીજીએ સૂચવ્યુ કે અમારી પાસે સારી એવી રકમ છે જે વિશ્વાસરાવજીએ પોતાની બધી જ બચત આશ્રમ ટ્રસ્ટને આપી દીઘી હતી તે બેંકમાં થાપણ તરીકે મુકેલી છે, તમારા બન્નેની આટલી મોટી બચત એ બધુ ભેગું કરીએ તો ખૂબ જ સરળતાની આ હોસ્પીટલનુ અધતન નિર્માણ થઈ જ જશે.
‘પણ… સ્વામીજી નિર્માણ પછી હોસ્પીટલ ચલાવવી એ જ સૌથી મોટો પડકાર છે. મેડીકલ ઈન્સ્ટ્રમેંટ્સનો ખર્ચ, નિભાવ, રિકરીંગ ખર્ચાઓ, ડોક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ સ્ટાફ, એડમિનીસ્ટ્રેટિવ અને સપોર્ટીંગ સ્ટાફ, મેડીસીન્સ અને લેબ એકસ્પેંસ આવુ તો ઘણું બધું આવશે… એ પણ આપે વિનામૂલ્યે બધુ જ કરવું એવું સૂચવ્યું તો એ કેવી રીતે મેનેજ કરીશું ?’ ડો. વિહાંગભાઈએ ચિંતાના સૂર સાથે પોતાનો અભિપ્રાય આપ્યો.
‘હા.. બિલકુલ યોગ્ય ચિંતા છે આપની’ એવો સૂર પલલવીબેને પણ પુરાવ્યો.
સ્વામીજીએ કહ્યું કે ‘હું આ પ્રોજેક્ટ માટે છેલ્લા બે ત્રણ વર્ષથી વિચારી રહ્યો છું.. વિશ્વાસરાવ તો આ રીતે ચાલતી ત્રણ થી ચાર હોસ્પીટલ્સમાં એક એક અઠવાડિયું રોકાઈને સરસ અભ્યાસ કરીને પણ આવ્યા છે એટલે એ બધી બાબતો એમણે જીણવટ પૂર્વક વિચારી છે અને મને જણાવ્યું તો અમે એ અંગે બિલકુલ સતર્ક છીએ જ..’
‘ તો…શું આ બાબતે આપની પાસે કંઈ જોગવાઈ છે જ એમને….?’ એકદમ ઉત્સાહથી બોલી અભિષેકભાઈએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
‘કદાચ હા…’
‘કેમ કદાચ હા..!’ રૂચાબહેને આશ્ચર્ય વ્યક્ત કર્યું..
‘ મારી પાસે હમણાં થોડી વાર પછી એક પરીવાર પોતાનો એક મોટો પ્રશ્ન લઈને આવી રહ્યો છે.. જનરેશન ગેપના કારણે નવી અને જૂની પેઢી વચ્ચે થોડા મતભેદ બધા જ પરીવારોમાં સર્જાતા હોય છે… આ પરીવારમાં પણ કંઈક આવું જ બની રહ્યુ છે.. સંપતિ અને સંતતિ વચ્ચે તાલમેલ ન હોય તો ક્યારેક મા-બાપ પ્રેમ, લાગણી કે સંતાનો માટેના વધારે સુરક્ષિત ભવિષ્ય પુરુ પાડવાના અતિરેક ભર્યા આગ્રહને કારણે મતભેદ સર્જાતા હોય છે… ખાસ કરીને બન્ને પક્ષે જયારે પરસ્પર હકારાત્મક લાગણી વધારે હોય ત્યારે બન્ને પક્ષે સાચા હોવાનો ભાવ વધારે પ્રબળ બની જતા કોઈ એક પક્ષ સમાયોજન સાધી ન શકે, જે ખરેખર બન્ને પક્ષે થવું જરૂરી હોય છે..’
સ્વામીજીની આ વાત ચારેયમાંથી હાલ તો કોઈને પુરી ન સમજાઈ એટલે અભિષેકભાઈ એ પુછ્યુ,
‘સ્વામીજી એ પરીવારનાં પ્રશ્ન ને આપણી સાથે શું નિસ્બત …!?’
‘કદાચ એમનાં પ્રશ્નનું સમાધાન જ આપણા આ પ્રશ્નનું સમાધાન બની શકશે..!’
‘એમનાં પ્રશ્નના નિરાકરણમાં આપણો પ્રશ્ન કેવી રીતે ઉકેલાશે..’ ડો. વિહાંગભાઈને આ બાબત થોડી રહસ્યમય લાગી..
‘હશે… સ્વામીજી છે… એ પરીવારની સમસ્યા ઉકેલે તો આપણું પણ નિરાકરણ જોડે આવે.. આવું તો સ્વામીજી જ વિચારી શકે… હું તો અમૂક બાબતો સ્વામીજી કહી દે તો પછી વિચારતો જ નથી, એમની કેટલીક બાબતો અકળ હોય છે. મને તો ઘણી વખત એવો અનુભવ થયો જ છે કે જ્યાં મારું વિચારવાનું પુરૂ થઈ જાય ત્યાથી તો એ વિચારવાનું શરૂ કરતા હોય છે…એટલે એ જાણે પણ આપણું કામ અટકશે નહીં એવી તો મને ચોક્કસ ખાત્રી છે’ વિશ્વાસરાવજી બોલ્યા.
‘કોણ છે એ પરીવાર..? અહીં આવવાના છે ?’ અભિષેકભાઈએ પૂછ્યું.
‘હા… આપણી વાત પુરી થાય એટલે હવે એમનો સમય… હવે થોડી વારમાં આવ્યા જ સમજોને ..!’ સ્વામીજીએ કહ્યુ.
‘તો… અમે લોકો હવે જઈએ ને..? એટલે એમને વાતચીત માટે પુરો અવકાશ મળે ને..!’ રૂચાબહેન બોલ્યા.
સ્વીમીજીએ કહ્યું કે મારે એમનાં માતા-પિતા સાથે વ્યક્તિગત આ બાબતે વાત થઈ છે જ… હવે બધાને જોડે બોલાવ્યા છે…! તમે લોકો એ આવે ત્યારે અહીં બેસો તો પણ કંઈ વાંધો નથી.
પણ અમેરિકન કલ્ચર કોઠે હોય આ બન્ને દંપતિઓને લાગ્યું કે આપણે બેસવું ન જોઈએ એટલે એ બન્ને દંપતિ સ્વામીજીની કુટીરમાંથી વિદાય લઈ જ રહ્યા હોય છે ત્યાં જ કુટીર ની બહારથી એક પરીવાર અંદર આવી રહ્યું છે, એમને જોઈને અભિષેકભાઈ અને રૂચાબહેન ફાટી આંખે જોઈ જ રહે છે અને પુછે છે,
‘ઓહ…. તમે ? કેમ અત્યારે અહીંયા ????’

- (આપ બધા વિચારો કે કોણ હશે આ પરીવાર ? ? ? એમનો પ્રશ્ન અને ઉકેલ સાથે હોસ્પીટલના ભાવિ નિભાવ ખર્ચનો ઉકેલ પણ ભાગ ૪૬ માં તૈયાર …😊)

( ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા