Chhappar Pagi - 43 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 43

છપ્પરપગી -૪૩
—————————-
સ્વામીજી પોતાની વહેલા સુવાની આદત પણ આજે પોતે સુવા માટે મોડા હતા પણ તરત ઉંઘ આવી જાય છે જ્યારે અભિષેકભાઈ અને રૂચાબહેન પોતાના રૂમમાં જતા રહ્યા પછી પણ તરત ઉંઘ નથી આવતી અને મોડી રાત સુધી રૂચાબહેનતો પડખાં ફર્યા કરે છે. બન્નેને ઘણા વર્ષો પછી , હવે છેલ્લા કેટલાક દિવસોથી જોડે રહેવાનુ થયુ… બન્ને વચ્ચે મતભેદ હોવાં છતાં મનભેદ હવે નથી રહ્યા તે હકારાત્મક ઘટના અહીં બની છે.

અભિષેકભાઈએ રૂચાબહેન ને કહ્યુ, ‘રૂચાબહેન.. અહીં આવી જાઓ..’ પછી એમનું માથુ પોતાનાં ખોળા પર રખાવીને માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, ‘સુવાની ટ્રાય કરો..’ એ માથા પર હાથ પ્રસરાવતા રહે છે અને એજ સ્થિતીમાં બન્ને સુઈ જાય છે.
લગભગ વહેલી સવારે સાડાચાર વાગે મોબાઈલનુ એલાર્મ બન્ને ને જગાડી દે છે.. બ્રશ કરી, ફ્રેશ થઈ બન્ને ટ્રેકશુટ પહેરી પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી હોય છે ત્યાં જ ગૌશાળા પર પહોંચી જાય છે…
સ્વામીજી ગૌવંશને લીલું ઘાસ નાખી રહ્યા હતા, એક વાછરડું સ્વામીજીનો ખેસનો છેડો પોતાના મોઢામાં પકડીને સ્વામીજીની જોડે જોડે ગમાણની ફરતે ફરી રહ્યું છે એને જોઈને સ્વામીજી બોલ્યા, ‘નંદન.. બેટા ચાલો હવે મારે જવાનુ છે.. જાવ તમારી જગ્યાએ અને મને પણ હવે જવાદો..’
વાછરડું હળવેથી ખેંસનો છેડો પડતો મુકીને એનાં માટે નાનકડી ઓટલી બનાવી હતી ત્યાં જઈને બેસી જાય છે.
સ્વામીજીએ કહ્યુ, ‘તમે બન્ને આશ્રમની બાજુમાં જે કેડી નીચે ગંગામૈયા પાસે નીકળે છે તે તરફ આગળ ચાલતા નીકળો.. હું કુટીરમાં જઈ આવુ છું , તમને ચોક્કસ આગળ મળું છું.આગળ એક નાનકડો ઘાટ આવશે ત્યાં કેટલાંક લોકો સ્નાન કરતા હશે.. ત્યાં તમે બેસજો.’
બન્નેએ આશ્રમની બાજુના રસ્તેથી ગંગામૈયા તરફની વાટ પકડી અને થોડું આગળ ચાલ્યા એટલે સ્વામીજીએ જે ઘાટની વાત કરી હતી તે જગ્યા આવી ગઈ એટલે એ લોકો ત્યાં બેસી ગયા. ઘણીવાર થઈ સ્વામીજી પહોંચી જવા જોઈએ પણ આવ્યા નહીં પણ સ્વામીજી જણાવ્યુ હતુ તે મુજબ ત્યાં કેટલાંક ભક્તો સ્નાન કરી રહ્યા હતા એમાંથી એક પ્રૌઢ યુગલ પોતાનું સ્નાન પતાવી એ તરફ આવી રહ્યા હતા. પુરુષ અને સ્ત્રી બન્ને સફેદ કોરાં વસ્ત્રો પરીધાન કરેલ, પુરુષનાં માથે મુંડન હતુ..
આ લોકો બેઠાં હતા ત્યાં સુધી પહોંચવા થોડો ભીનો, કાચો અને થોડો ઊંચો રસ્તો હતો એટલે પેલી સ્ત્રીએ પોતાનો હાથ મદદ માટે આપીને પેલા પુરુષને ટેકો આપી ઘાટ સુધી પહોંચાડવામાં મદદ કરી.એ લોકો નજીક આવ્યા એટલે પેલા પ્રૌઢ વ્યક્તિએ કહ્યું, ‘ડો. અભિષેક..! કેમ છો..?’
‘માફ કરજો પણ મને આપની ઓળખાણ ન પડી..! આપ..?’
‘હું ડો.વિહાંગ અને આ મારા પત્ની ડો. પલ્લવી…! અમેરિકન મેડિકલ એસોસિએશન ની કોન્ફરન્સમાં મારા રિસર્ચ પેપર પછી તમે મને મળ્યા હતા અને આપણે એ સંદર્ભે ઘણી વાત કરી હતી.. રાઈટ..!’
‘ઓહ… હા, બિલકુલ યાદ આવ્યું. એ રિસર્ચની ચર્ચા બધે જ થઈ અને પુરા વિશ્વમાં એ ખૂબ એપ્રીસિએટ થયુ હતુ, જેનો લાભ આજે પણ તબિબી વિશ્વને મળે છે… પણ તમે બન્ને અહીં ? કેમ ?’
‘ઘણી લાંબી વાત છે પણ એ કરવી અત્યારે અપ્રસ્તુત છે.. હું અહી તમારા આશ્રમની બાજુમાં જ રહ્યું છું, મને સ્વામી રાધાવલ્લભજી સ્નાન પહેલા જ મળ્યા અને તમારી વાત થઈ અને જણાવ્યું કે સ્નાન પછી ઘાટ પર તમે બન્ને મળશો.. એમ કહો કે સ્વામીજીએ મને તક આપી કે હું પહેલાં આપને મળું અને થોડી વાત કરીએ… તો તમે બન્ને અનુકૂળ હોય તો ચાલો અમારી જોડે..!
હવે એ ચારેય વ્યક્તિઓ મેડિકલ ફિલ્ડના હતા અને ડો. અભિષેક અને ડો. રૂચા બન્ને બખૂબી જાણતાં હતાં કે ડો. વિહાંગ મેડિકલ ફિલ્ડની કેટલી મોટી હસ્તી કે ઓથોરીટી ગણાય..! ડો. અભિષેકને વિશ્વાસ નથી બેસતો કે આટલી ઉચ્ચ પ્રતિભાવંત વ્યક્તિ હવે હરીદ્વારમાં અને સંન્યાસી જેવું જીવન કેમ જીવી રહ્યા છે.. કેટકેટલાંય પ્રશ્નો ઉભા થયા પણ ડો. વિહાંગ સરે હમણાં એ વાત અપ્રસ્તુત છે એવું કહ્યું એટલે એમણે એ જિજ્ઞાસા બાજુ પર રાખી પણ એટલું તો પૂછ્યું, ‘સ્વામીજીનો પરિચય તમને કયારથી ? અમારા માટે શું કહ્યું ? સ્વામીજી પોતે અમારો ઉપાય વિશે વાત કરવાના હતા તો તમને મળવાનું કેમ જણાવ્યુ ?’
‘હા.. એ પ્રશ્નો તમારા ઉચિત છે..! કદાચ સ્વામીજીને એવુ વધારે યોગ્ય લાગ્યું હશે કે આપણે મળીને વાત કરીએ અને કદાચ એમાંથી કોઈ વિકલ્પ મળે. મને સ્વામીજીએ જે વાત કરી છે એ વાત હું આપ સમક્ષ મૂકું છું.. આપને યોગ્ય લાગે તો વિચારજો, કદાચ આપના નિર્ણયમાં જ આપનો ઉકેલ હોય શકે એવું પણ બને..!’
‘ જી… ચોક્કસ જણાવો..’ ડો. રૂચાબહેન અને ડો. અભિષેકભાઈએ બન્ને એ આતુરતાથી વિનંતી કરી.
ડો. પલ્લવીબેને કહ્યુ કે અમે આ પહેલા છ-સાત મહિના પહેલા અમેરિકાથી આવ્યા ત્યારે મારા પિતાજીની ઈચ્છા હતી કે અમે તેમને હરીદ્વાર દર્શન કરવા લઈ જઈએ.. પિતાજી એકદમ સ્વસ્થ હતા, ખાસ કોઈ કોમ્પ્લિકેશન ન હતા પણ કેમ જાણે અહીં આવીને થોડી તબિયત લથડી..એ વખતે અમે તમારાં આશ્રમમાં જ ઉતર્યા હતા. સ્વામીજીના પ્રયત્નો પછી તરત મેડિકલ ફેસિલીટી મળી, સારવાર પણ થઈ… પણ જોઈએ તે રીતે અને એવી સુવિધાથી સારવાર શક્ય ન બની… પિતાજીને થોડી સહાય મળી પણ અમારા બન્નેની હાજરી છતાં જે ફેસિલીટી મળવી જોઈએ એ ન હોવાથી અમે પણ ખાસ કંઈ કરી ન શક્યા અને પિતાજીનો કેસ થોડો ડિસ્ટર્બ થઈ ગયો અને પછી વધારે સમય ન રહ્યા અને એમનું દેહાંત થયું…એ સમય દરમ્યાન અમે સતત અહીંની હોસ્પીટલમા આવતા-જતા અને પરિસ્થિતિ જોઈ તો અમે સ્વામીજીને ફરીયાદ સ્વરૂપે બધી વાત કરતાં તો સ્વામીજીએ જ અમને કહ્યું કે, ‘બધા જ લોકો માત્ર ફરિયાદ કરશે, માત્ર અપેક્ષાઓ જ રાખશે, સરકાર કે સિસ્ટમ પર જ છોડશે તો આટલાં મોટો દેશ જે પોતેજ એક ટ્રાન્ઝીટરી ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એકલી સરકાર કે સિસ્ટમ શું કરી શકશે..!’ બધાની અપેક્ષાઓ ખૂબ વધી છે..પછી એમણે આપણાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને કહેલી વાત પણ યાદ કરાવી.. આસ્ક નોટ વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ બટ આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી.!
પછી સ્વામીજીએ કહ્યુ કે ‘બી ધ ચેન્જ, યુ વોન્ટ ફ્રોમ અધર્સ…’ અમને એમનો સંકેત સમજાઈ ગયો. નિર્ણય કરવો ખૂબ કઠિન હતો.. અમે અમેરિકા જઈને સંતાનો સાથે વાત કરી… એ લોકોએ કહ્યું કે તમારી લાઈફ છે અને તમને પુરો અધિકાર છે કે તમે જે ઈચ્છો તે નિર્ણય લો.. પણ તમે એડજસ્ટ થઈ શકો તો ચોકક્સ અમે બધો જ સહકાર આપીએ.. ઈશ્વરે પૈસા તો ખૂબ આપ્યા છે.. હવે સંતાનો પણ પૈસા માટે કોઈ ડિમાન્ડ નથી કરતા અને કહે છે કે તમારા પૈસા તમને યોગ્ય લાગે ત્યાં વાપરો.. તો અમારી હિંમત થઈ…અમે સ્વામીજી પાસે ફરી આવ્યા અને સ્વામીજીએ કહ્યું કે ચાર-પાંચ મહીનાઓ સુધી અહી હરીદ્વારમા રોકાઓ.. ગયા અઠવાડીયા સુધી તમારા આશ્રમમાં જ રોકાયા હતા. તમે લોકો આવવાનાં હોવાથી બાજુમાં આ ઘરની વ્યવસ્થા સ્વામીજીએ કરી આપી હતી એટલે અહીં આવી ગયા. સ્વામીજીએ એવો વિકલ્પ સૂચવ્યો કે થોડો સમય અહીં પસાર કરો.. અમે બન્ને પાક્કા નિષ્કર્ષ સુધી પહોંચીએ પછી જ નિર્ણય કરીએ. અને અમે બન્નેએ નિર્ણય કરી પણ લીધો છે કે હવે…!

‘શું નિર્ણય..!?’ અભિષેકભાઈએ અધિરાઈથી પુછી લીધું.

‘અમારા બન્નેની બચત અહીં ટ્રાન્સફર કરી એક અધતન હોસ્પીટલ શરૂ કરીએ… પણ પૈસા હજી ખૂટશે એવુ જ્યારે અમે સ્વામીજીને કહ્યુ તો ત્યારે સ્વામીજીએ જણાવ્યું કે તમે નિર્ણય લઈ લો તો તમે શરૂઆત કરી જ દો.. એક્સપર્ટ ડોક્ટર્સ અને પૈસા બન્ને સમય આવ્યે આપોઆપ આવી જ જશે..!’
ડો. રૂચાબહેને સૂચક નજરે ડો. અભિષેક સામે જોયું અને પછી ડો. વિહાંગભાઈને કહ્યું કે મારો તો નિર્ણય અહીં રહેવાનો થઈ જ ગયો હતો… પણ અભિષેકને એકલાં મૂકીને ક્યાંય નથી રહેવું એ પણ નક્કી હતું પણ હવે જો અહીં જ ગમતુ કામ મળે અને બાકીનું જીવન આ રીતે લોકોની સેવા કરતાં કરતાં આવી પવિત્ર જગ્યાએ વિતાવવા મળે તો બીજુ શું જોઈએ..? અને તમારા બન્ને નો પ્રોજેક્ટ અને સ્વામીજીનો નિર્દેશ હોય તો કંઈ પૂર્વનિર્ધારિત જ હોય તેવી અનુભૂતિ થાય છે.. પણ બધુ જ અભિષેક પર નિર્ભર છે..’
ડો, વિહાંગે કહ્યુ કે,’અમને જે વિકલ્પ સ્વામીજીએ બતાવ્યો એ વધારે ઉચિત છે.. તમે બન્ને પણ થોડો સમય લો.. સ્વામીજીએ એમ પણ કહ્યુ કે તમારા માતા-પિતાનો દેહ હવે વધારે સાથ નહીં આપે… તમારે એમને ટૂંકમાં વિદાઈ આપવાની થશે જ એ પણ નિશ્ચિંત છે.. એટલે થોડો સમય જવા દો.. પિતૃરૂણ ચૂકવવાનું હોય એ ફરજ સ્થિતપ્રજ્ઞ બની નિભાવી દો… પછી અમારી જેમ થોડો સમય અહીં વિતાવો.. ડો. અભિષેકને બરોબર ખાત્રી થાય કે અહીં રહીને બાકીનું જીવન વ્યતીત થઈ શકશે તો જ બન્ને એક નિર્ણય પર આવીને નક્કી કરો…હું અભિષેક સાથે પુરો સંમત છું કે જ્યાં સુધી પાક્કો નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પગલુ ન ભરવું… હવે આ ઉંમરે એક્સપેરિમેંટ ન થાય અને આવો હોસ્પિટલ ઉભી કરવી એવા મોટા નિર્ણયમાંથી પીછેહઠ પણ ન કરાય..’
આટલી વાત પુરી કર્યા ત્યાં તો સ્વામીજી આવી ગયા હતા.. અને કહ્યુ કે,
‘ડોક્ટર સાહેબ મને લાગે છે કે હાલ પુરતું તો તમને સોલ્યુશન મળી ગયુ હશે..!’
અભિષેકભાઈએ તરત કહ્યુ કે હાલ પુરતું નહીં… પણ મને પરમેનન્ટ સોલ્યુશન મળી ગયુ છે.. રૂચાની અદમ્ય ઈચ્છા છે, એ જ હવે મારી પણ ઈચ્છા છે.. મારે હવે સમય નથી જોઈતો… મને ગમતુ કામ અહીં મળે તો મને રહેવાનું પણ ગમશે જ..’
આ વાત સાંભળી રૂચાબહેન પોતાની જગ્યાએથી ઉભા થઈ અભિષેકભાઈને વળગી પડી અને ખૂબ રડ્યા.. અને કહ્યુ, ‘લેટ્સ લિવ અવર રેસ્ટ લાઈફ, વર્થ લિવિંગ..’
ચારેય ડોક્ટર્સની આંખમાં આનંદનાં અશ્રુઓની ધારા વહેવા લાગી…
ડો. વિહાંગભાઈએ કહ્યું, ‘મને ચિંતા હતી.. કે એફિસિઅન્ટ ડોક્ટર્સ અને આટલું મોટું ફંડ કેવી રીતે આવશે.. ત્યારે સ્વામીજીએ એક અઠવાડિયા પહેલાંજ આશ્વાસન આપ્યું હતું કે મદદ સામેથી આવશે.. બધુ જ પાર પડશે, તમે માત્ર પરમ શક્તિ પર ભરોસો રાખી આગળ વધો..અને જુવો તો ઈશ્વરનો ખેલ.. એવું જ બની રહ્યું હોય તેમ લાગે છે..’
સ્વામીજીએ કહ્યુ, ‘ આ નિર્ધારિત જ હતું.. અભિષેકભાઈ.. હવે આગળનું પણ ઈશ્વર જ બધુ પાર પાડશે તેવો વિશ્વાસ રાખો..’
દૂર એક મંદીર અને ઘાટ પાસે સવારની ગંગાઆરતીનો મધૂર ધ્વનિ સંભળાઈ રહ્યો છે… મૈયાના નીર આજે જાણે વધારે પ્રસન્ન બની ને વહેતા હોય તેવું લાગે છે..
સ્વામીજી અને ડોક્ટર દંપતિ આશ્રમ તરફ જવા મક્કમ પગલે આગળ વધી રહ્યા છે..

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા