Fareb - 11 books and stories free download online pdf in Gujarati

ફરેબ - ભાગ 11

( પ્રકરણ : 11 )

સબ ઈન્સ્પેકટર રાવત પોલીસ ચોકીમાં બેઠો હતો. થોડીક વાર પહેલાં જ તેના હાથમાં કશીશ પર હુમલો કરનાર મહોરાવાળા માણસની માહિતીની ફાઈલ આવી હતી. અત્યારે તે એ માહિતી પર ધ્યાનથી નજર ફેરવી રહ્યો હતો અને કશીશ સાથે બનેલી આખી ઘટનાની કડીઓ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

‘સાહેબ !’ અત્યારે તેના કાને હેડ કૉન્સ્ટેબલ નિગમનો અવાજ પડયો, એટલે તેણે ફાઈલમાંથી નજર ઊઠાવીને સામે જોયું. દરવાજા પાસે નિગમની બાજુમાં કશીશ ઊભી હતી.

‘આ તમને મળવા માંગે છે !’ નિગમે કહ્યું.

‘આવો !’ રાવતે કશીશના હાવભાવ વાંચતાં કહ્યું : ‘બેસો !’

કશીશ તેની સામેની ખુરશી પર બેઠી. નિગમ કશીશની પાછળ ઊભો રહ્યો.

‘બોલો.’ રાવતે કહ્યું : ‘તમારે આમ સામે ચાલીને અહીં કેમ આવવું પડયું ?’

‘મારી પાસે...,’ કશીશ હળવેકથી બોલી : ‘....મારી પાસે મારા હસબન્ડ અભિનવ વિશે કેટલીક જાણકારી છે !’

‘જાણકારી..,’ રાવતે આંખો ઝીણી કરી : ‘....કેવી જાણકારી ?’

‘મને એવું લાગે છે કે, અભિનવ અત્યારે ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલો છે, પૈસે-ટકે ખૂબ જ ખરાબ રીતના અટવાયેલો છે, અને એ મારાથી આ વાત છુપાવી રહ્યો છે.’ કશીશે કહ્યું : ‘અને એટલે મને એવો વિચાર આવ્યો કે, એ પણ એક કારણ હોઈ શકે કે...,’

‘...એ તમારી પર જીવલેણ હુમલો કરાવી શકે,’ રાવતે કશીશની વાતને પૂરી કરી : ‘...એ તમારું ખૂન કરાવી શકે, એમ જ તમારું કહેવું છે ને ? !’

‘હા !’ કશીશ બોલી.

‘હું અભિનવની ધંધાકિય હાલત વિશે અને તમારી પોતાની-પર્સનલ માલ-મિલકત વિશે થોડું-ઘણું જાણું છું.’ રાવતે કહ્યું : ‘અને તમારી પાસે જેટલા રૂપિયા છે, એટલા રૂપિયા તમારી પરના ખૂની હુમલા પાછળનો મુખ્ય હેતુ હોઈ શકે.’

‘એટલે...? !’ કશીશે પૂછયું : ‘તમને પહેલાંથી જ અભિનવ તરફ શંકા છે ? !’

‘હા !’ રાવતે કહ્યું : ‘અમે એના મોબાઈલ ફોનનો, ઇન કમિંગ અને આઉટ-ગોઈંગ કૉલનો રેકોર્ડ મેળવી ન લીધો, ત્યાં સુધી અમને એની પર જ શંકા હતી. અમને એમ કે, તમને બાથરૂમમાંથી રસોડામાં ખેંચી લાવનાર ફોનની રિંગ અભિનવે પોતાના મોબાઈલ ફોન પરથી વગાડી હશે, પણ અમારી એ શંકા ખોટી પડી. એ ફોન અભિનવના મોબાઈલ ફોન પરથી કરવામાં આવ્યો નહોતો, પણ બીજા જ મોબાઈલ નંબર પરથી કરવામાં આવ્યો હતો.’ રાવતે કહ્યું : ‘અને તમારી સાથે ઘટના બની ત્યારે એ કલબમાં પોતાના દોસ્તો સાથે કાર્ડ રમી રહ્યો હતો, એટલે એ કોઈ રીતના પકડમાં આવી શકે એમ નથી.’

કશીશ રાવત સામે જોઈ રહી, એની વાતને સાંભળી રહી.

‘મેેં કંઈ કેટલીય વાર તમારા કેસની માહિતીઓને એક સાંકળમાં પરોવવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે કોઈક ને કોઈક કડી બાકી રહી જ જાય છે.’ રાવતે કહ્યું : ‘અમને તમારી પર હુમલો કરનાર એ માણસના ખિસ્સામાંથી એક પર્સ મળ્યું. એ પર્સમાં હજાર-હજારની પાંચ નોટો હોવાની સાથે જ એનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ હતું. એ લાઈસન્સ પરથી અમને એનું નામ અને ઘરનું સરનામું જાણવા મળી ગયું.’ રાવતે સહેજ રોકાઈને આગળ વાત ચલાવી : ‘અમને એના ખિસ્સામાંથી એક ચાવી મળી, પણ એ ચાવી એની બાઈકની હતી. અમને એના ખિસ્સામાંથી બીજી કોઈ ચાવી મળી નહિ, તમારા બંગલાની ચાવી પણ નહિ અને એના પોતાના ઘરની ચાવી પણ નહિ.’

કશીશ રાવત તરફ જોઈ રહી.

રાવતે આગળ કહ્યું : ‘એ મહોરાવાળો માણસ તમારા બંગલાના મુખ્ય દરવાજાનું લૉક ખોલીને જ અંદર આવ્યો હતો, તો હવે સવાલ એ છે કે એ જે ચાવીથી દરવાજાનું લૉક ખોલીને અંદર આવ્યો હતો, એ ચાવી ગઈ કયાં ? !’

‘આ ઘટના બની એ પછી મારા કી-ચેઈનમાંની મારા ઘરની ચાવી ગૂમ છે અને એક બીજી ચાવી ભેરવાયેલી છે, જે મારા ઘરના દરવાજાના લૉકને લાગતી નથી ! તો શું એ ચાવી તો હુમલાખોરના ઘરની ન હોઈ શકે ને ? !’ કશીશના હોઠ સુધી આ શબ્દો આવી ગયા, પણ તેણે આ શબ્દો બોલવાના ટાળ્યા.

‘અમને થોડીક વાર પહેલાં જ તમારી પર હુમલો કરનાર એ માણસની માહિતી મળી છે.’ કહેતાં રાવતે પોતાની સામે ખુલ્લી પડેલી ફાઈલ કશીશ તરફ ફેરવી : ‘એ એક બદમાશ હતો. એનું નામ બાદલ હતું. એ થોડાંક દિવસ પહેલાં જ જેલમાંથી છુટયો હતો.’

કશીશ ખુલ્લી ફાઈલમાંનો કાગળ જોઈ રહી. કાગળમાં તેની પર હુમલો કરનાર બદમાશ બાદલનો ફોટો ચિટકાવેલો હતો. અને એના નામની સાથે એના ઘરનું સરનામું પણ નોંધાયેલું હતું. કશીશે બાદલના ઘરનું સરનામું મગજમાં નોંધ્યું.

‘મને એ ગમ્યું કે તમે આ રીતના મને મળવા આવ્યાં અને માહિતી આપવા આવ્યાં.’ રાવતે કહ્યું : ‘તમને આગળ પણ કંઈક જાણવા મળે કે મન-મગજમાં કંઈક સૂઝે તો તુરત જ મને જાણ કરજો.’

‘ભલે.’ કશીશે કહ્યું : ‘હું જાઉં.’

‘જરૂર !’ રાવતે કહ્યું, એટલે કશીશ ઊભી થઈ અને ઑફિસની બહારની તરફ આગળ વધી ગઈ.

રાવત કશીશને જતી જોઈ રહ્યો. કશીશ તેની ઑફિસની બહાર નીકળી ગઈ, છતાંય રાવત એ તરફ જ તાકી રહ્યો.

‘સાહેબ !’ હૅડ કૉન્સ્ટેબલ નિગમનો અવાજ કાને પડયો, એટલે રાવતે નિગમ તરફ જોયું.

‘આવી રીતના સામે ચાલીને માહિતી આપનાર ઘણાં ઓછા નીકળે છે.’ નિગમે કહ્યું : ‘તમારું માઈન્ડ શું કહે છે, સાહેબ !’

‘મારું માઈન્ડ બહેર મારી ગયું છે.’ કહેતાં રાવત હો-હો-હો કરતાં હસી પડયો.

રાવતની આ વાત પર હસવું કે નહિ ? એની નિગમના માઈન્ડને કંઈ સમજ પડી નહિ.

૦ ૦ ૦

અનુરાધા એક સૂમસામ ગલીમાં કાર ઊભી રાખીને બેઠી હતી. તેની નજર ગલીના સામેના નુકકડ તરફ તકાયેલી હતી.

અત્યારે અનુરાધાએ ફરી એકવાર કાંડા ઘડિયાળમાં જોયું. સાંજના ચાર વાગ્યાને ઉપર પાંચ મિનિટ થઈ હતી. ‘મુરલી સાથે મોબાઈલ પર ચાર વાગ્યે અહીં મળવાની વાત થઈ હતી, પણ એ હજુ સુધી આવ્યો કેમ નહિ ? !’ અનુરાધાના મનમાં આ સવાલ જાગ્યો, ત્યાં જ નુકકડ તરફ મંડાયેલી તેની નજરમાં ગલીની અંદર દાખલ થઈ રહેલો એક મોટરસાઈકલવાળો દેખાયો.

‘લે, મુરલી આવી ગયો.’ અનુરાધા મન સાથે વાત કરતાં તેની તરફ આગળ વધી રહેલા એ મોટરસાઈકલવાળા તરફ જોઈ રહી. એ મોટરસાઈકલવાળાએ હૅલમેટ પહેરેલી હતી, અને હૅલમેટનો કાચ પોતાના ચહેરા આગળ ઢાળેલો હતો.

મોટરસાઈકલવાળાએ તેની કારની બારી નજીક મોટરસાઈકલ લાવીને ઊભી રાખી અને પોતાના ચહેરા આગળથી હૅલમેટનો કાચ અધ્ધર કર્યો અને મુસકુરાયો.

અનુરાધા પણ સામે મલકી.

-આ એ જ મોટરસાઈકલવાળો હતો જે થોડાંક કલાક પહેલાં અનુરાધા કશીશ સાથે દરિયા કિનારે વાતો કરતાં ચાલી રહી હતી, ત્યારે એમની પર ધસી આવ્યો હતો અને જેણે કશીશને ધાક ને ધમકી આપી હતી.

‘કેવી રહી દરિયા કિનારે મારી ઍન્ટ્રી અને કેવી રહી મારી ડાયલૉગબાજી ?’ બદમાશ મુરલી મુસકુરાતાં બોલ્યો : ‘મારી ડાયલૉગબાજી સાંભળીને કશીશ ખરેખર ડરી ગઈ ને !’

‘હા !’ અનુરાધા બોલી : ‘તું એકદમ પરફેકટ રોલ નિભાવી રહ્યો છે. પહેલાં તેં નિશાંતના ઘરની બહાર બુકે-ગુલદસ્તા સાથે ‘કશીશની નજીકની વ્યકિત એના મોતની બાજી બિછાવી રહી છે,’ એવા અર્થની ચિઠ્ઠી લખીને અને પછી કશીશની પહેલી વેડિંગ એનીવર્સરીની રાતના, ‘તમારી આ પહેલી વેડિંગ એનીવર્સરી, તમારી જિંદગીની આખરી વેડિંગ એનીવર્સરી સાબિત થશે !’ એવું લખાણ લોહી જેવા લાલ રંગે ઓટલાના પગથિયા પર લખીને તેં કશીશને બરાબરની ગભરાવી હતી, તો એને ફોન કરીને તેં ‘‘અભિનવ તેનું ખૂન કરી નાંખવા માંગે છે,’’ એવી ડાયલૉગબાજી કરીને એના મનમાં અભિનવ તરફ શંકા જગાવી હતી, અને આજની તારી ઍન્ટ્રીએ તો એની અભિનવ તરફની શંકાને વધુ મજબૂત કરી નાંખી છે.’ અનુરાધાએ કહ્યું : ‘કશીશની વાતચીત પરથી એવું લાગે છે કે, હવે તું બીજી એક-બે વાર આ રીતના જ જો કશીશને ડરાવીશ-ધમકાવીશ એટલે ‘‘તને અભિનવ જ આ રીતના એની પાસે મોકલી રહ્યો છે,’’ એમ માનીને તેે અભિનવ પાસેથી છુટાછેડા લઈ લેશે.’ અનુરાધા બોલી, ત્યાં જ અનુરાધાના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તેણે મોબાઈલના સ્ક્રીન પર જોયું, કશીશનો મોબાઈલ નંબર ઝળકતો હતો.

‘કશીશનો મોબાઈલ છે. એ મારા ઘરે રહેવા આવવાની છે.’ અનુરાધાએ કહ્યું.

‘...એટલે મારે શું તમારા ઘરે આવીને એને ડરાવવા-ધમકાવવાની....’

‘ના !’ અનુરાધાએ કહ્યું : ‘હવે એકાદ દિવસ ખાલી જવા દે. પછી આગળ શું અને કેવી રીતના કરવું ? એ હું કહીશ !’

‘ભલે !’ મુરલીએ કહ્યું, એટલે અનુરાધાએ મુરલી સાથે અગાઉ નકકી થયા પ્રમાણે પર્સમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને આપ્યા : ‘હવે તું ઉપડ.’

મુરલીએ પોતાના ચહેરા આગળ પાછો હેલમેટનો કાચ ઢાળ્યો અને મોટરસાઈકલ ત્યાંથી આગળ વધારી દીધી.

અનુરાધાએ રણકી રહેલા મોબાઈલનું બટન દબાવ્યું અને કાને ધર્યું : ‘બોલ, કશીશ !’ તેણે કહ્યું, એટલે સામેથી કશીશનો ચિંતાભર્યો અવાજ સંભળાયો : ‘મોબાઈલ લેવામાં આટલી વાર કેમ લાગી ? !’

‘હું ટ્રાફિકમાં ફસાયેલી હતી !’ અનુરાધાએ મોબાઈલમાં કહ્યું.

‘ઓહ !’ સામેથી કશીશનો અવાજ સંભળાયો, ‘મને તો તારી ચિંતા થઈ ગઈ. મને થયું કે કયાંક પેલો મોટરસાઈકલવાળો...’

‘તું બધી ચિંતા છોડ.’ અનુરાધા બોલી : ‘બોલ, હું ઘરે પહોંચું ! તું કેટલી વારમાં...!’

‘ના.’ સામેથી કશીશનો અવાજ આવ્યો : ‘અત્યારે હું મારા ઘરેથી જ બોલી રહી છું. મોટરસાઈકલવાળાએ મને ધમકી આપી એ પછી મેં વિચાર બદલી નાંખ્યો. હવે હું અભિનવ સાથે એ રીતના રહીશ અને વર્તીશ કે, એને એવો અંદાજ ન આવી જાય કે એ મને મારી નાંખવા માંગે છે, એ વાતની મને ખાતરી થઈ ગઈ છે. એક-બે દિવસમાં હું ઘરમાંની મારી કિંમતી ચીજ-વસ્તુઓ ભેગી કરીને, મારી મમ્મીના ઘરભેગી કરીને પછી અભિનવથી છૂટાછેડા લઈ લઈશ.’ અને કશીશનો સામેથી સવાલ સંભળાયો : ‘આમાં તારું શું માનવું છે ? !’

‘મારું તો આમાં કંઈ મગજ જ કામ કરતું નથી.’ અનુરાધાએ કહીને પૂછયું : ‘અત્યારે શું અભિનવ ઘરમાં જ છે ?’

‘ના !’ મોબાઈલમાં કશીશનો અવાજ સંભળાયો : ‘મેં એને ફોન કર્યો તો એણે એ રાતે જ ઘરે આવશે એવું જણાવ્યું.’ કશીશનો અવાજ સંભળાયો : ‘રાત સુધી હું ઘરમાં એકલી જ છું. તું અત્યારે ઘરે આવી જાને.’

‘સારું.’ અનુરાધા બોલી : ‘હું દસ મિનિટમાં જ તારી પાસે પહોંચું છું.’ અને અનુરાધાએ મોબાઈલ કાન પાસેથી હટાવીને કારને ત્યાંથી આગળ વધારતાં મનોમન વાત કરી, ‘બસ, હવે થોડાંક દિવસોની જ વાત છે. થોડાંક દિવસમાં જ કશીશનું ઘર અને એનો હસબન્ડ અભિનવ બન્ને મારા થઈ જશે. હું એ બન્નેની માલિકણ બની જઈશ.’ અને અનુરાધા હસી પડી, કોઈ પાગલની જેમ હસી પડી.

૦ ૦ ૦

અનુરાધાથી છૂટો પડેલો મુરલી પોતાની મોટરસાઈકલમાં કલબ તરફ આગળ વધી રહ્યો હતો. તે એક નંબરનો બદમાશ હતો. તે રૂપિયા મળે તો કંઈ પણ કરવા માટે તૈયાર રહેતો હતો. અને અનુરાધાએ તેને સોંપેલું, કશીશને ડરાવવા-ધમકાવવાનું કામ તો તેના માટે સાવ જ સહેલું હતું.

જોકે, આ સહેલા કામનાય એ અનુરાધા પાસેથી સારા એવા રૂપિયા ખંખેરી રહ્યો હતો. અત્યારે તે અનુરાધા પાસેથી બીજા પાંચ હજાર રૂપિયા લઈને કલબમાં મોજ-મસ્તી માટે જઈ રહ્યો હતો.

તેણે જમણી બાજુ, ગલીમાં મોટરસાઈકલ વળાવી અને આગળ વધારી. એ ગલીમાં મોટરસાઈકલ માંડ પાંચ-સાત મીટર આગળ વધી, ત્યાં જ તેને પાછળથી કોઈ વાહનનો અવાજ સંભળાયો. તેણે પાછું વળીને જોયું તો એક જીપ રમરમાટ તેની એકદમ નજીક આવી ચૂકી હતી. તે પોતાની મોટરસાઈકલને સ્પીડ આપીને એ જીપની ટકકરથી બચાવે એ પહેલાં જ એ જીપ પૂરા જોર ને જોશ સાથે તેની મોટરસાઈકલ સાથે અથડાઈ.

ધમ્‌ ! મોટરસાઈકલે બૅલેન્સ ગુુમાવ્યું. તે મોટરસાઈકલ સાથે સડક પર પડયો. તેનું માથું સડક પર અફળાવાની સાથે જ તેની આંખે અંધારાં છવાયાં અને મોટરસાઈકલ સાથે ઢસડાતો તે થોડાંક મીટર દૂર જઈને રોકાયો. તે પળ-બે પળ તરફડયો અને પછી શાંત થઈ ગયો. તેની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ. તેનો જીવ નીકળી ગયો.

મુરલીની મોટરસાઈકલને ટકકર મારનાર જીપની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી વ્યકિતએ જીપ ગલીની બહાર કાઢી.

એ વ્યકિત પોતે મુરલીને ખતમ કરવામાં સફળ થઈ હતી, એ વાતનો આનંદ અનુભવતી જીપને ત્યાંથી દોડાવી ગઈ.

૦ ૦ ૦

અનુરાધા કશીશના બેડરૂમમાં બેઠી હતી અને કશીશ સાથે અહીં- તહીંની વાતો કરી રહી હતી, ત્યાં જ કશીશના મોબાઈલ ફોનની રિંગ વાગી. કશીશે મોબાઈલના સ્ક્રીન પર જોયું.

‘કોનો અભિનવનો ફોન છે ?’ અનુરાધાએ પૂછયું.

‘ના !’ કશીશ બોલી : ‘ઑફિસની ફ્રેન્ડનો ફોન છે.’ કહેતાં તેણે મોબાઈલ કાને ધર્યો અને બોલી : ‘હા, બોલ !’ અને સામેવાળી વ્યકિતએ કંઈક કહ્યું, એટલે તેણે કહ્યું : ‘સારું કર્યું !’ અને પછી સામેવાળી વ્યકિતએ વળી કંઈક કહ્યું, એટલે તેણે જવાબમાં કહ્યું : ‘ના ! હું નહિ આવી શકું. તું એકલી જ ફોટો ઍકઝીબીશનમાં જઈ આવ. અત્યારે મારી ફ્રેન્ડ અનુરાધા સાથે હું ઘરે જ ઍન્જોય કરી રહી છું.’

અને સામેવાળી વ્યકિતએ કંઈક કહ્યું, એટલે ‘સારું, તો પછી મળીએ છીએ.’ કહેતાં તેણે મોબાઈલનું બટન દબાવ્યું અને ઊભી થઈ : ‘હું નાહીને ફ્રેશ થઈ જાઉં. પછી આપણે ચા-નાસ્તો કરીએ.’ કહેતાં કશીશ બાથરૂમના દરવાજા તરફ આગળ વધી ગઈ.

‘તું ફ્રેશ થા, ત્યાં સુધીમાં હું ચા-નાસ્તો લઈ આવું છું.’ કહેતાં અનુરાધા બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગઈ.

કશીશ બાથરૂમમાં દાખલ થઈ ગઈ.

અનુરાધા બેડરૂમમાંથી બહાર નીકળી. તેણે રસોડા તરફ આગળ વધતાં મન સાથે વાત કરી : ‘કશીશ ! આજે તો હું તારા માટે ચા-નાસ્તો બનાવી રહી છું, પછી હું અભિનવ માટે રોજ આ રસોડામાં ચા-નાસ્તો અને જમવાનું બનાવીશ.’ અને આવા ખ્યાલોમાં રસોડામાં પહોંચેલી અનુરાધાએ લાઈટર લીધું, ગૅસનો નૉબ ચાલુ કર્યો અને લાઈટર સળગાવ્યું અને...અને એ એ સાથે જ ‘ભપ્‌ !’ કરતાં ભડકો થયો અને અનુરાધા સળગવા માંડી. અનુરાધાની પીડાભરી ચીસથી દીવાલો ખળભળી ઊઠી.

-ગૅસની પાઈપ કપાયેલી હતી અને એમાંથી નીકળેલો ગૅસ રૂમમાં ભરાયેલો હતો. પણ અભિનવ સાથેના લગ્ન-જીવનના ખ્યાલોમાં ખોવાયેલી અનુરાધાને આ ભયાનક હકીકતનો ખ્યાલ આવ્યો નહોતો અને તેણે ગૅસનું લાઈટર સળગાવ્યું હતું અને એ સાથે જ આગ ભડકી ઊઠી હતી !

-અત્યારે એ આગમાં અનુરાધા પૂરી લપેટાઈ ચૂકી હતી !

(ક્રમશઃ)