Life path in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ - ભાગ 75

Featured Books
Categories
Share

જીવન પથ - ભાગ 75

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૭૫
 
        ‘કોઈક દિવસે....’ આ એક બીમારી છે. જે તમારાં સપનાને ખતમ કરી શકે છે.’
 
            "કોઈક દિવસે..." આ બે શબ્દો માત્ર વાક્યના ટુકડા નથી, પણ એક એવી માનસિક બીમારી છે જે માણસના સપના અને તેની ક્ષમતાઓને જીવતેજીવ દફનાવી દે છે. આપણે રોજબરોજની જિંદગીમાં આ વાક્યનો ઉપયોગ કેટલીયવાર કરીએ છીએ- "કોઈક દિવસે હું આ નવું કામ શરૂ કરીશ", "કોઈક દિવસે હું વજન ઘટાડીશ", "કોઈક દિવસે હું મારા માતા-પિતાને ફરવા લઈ જઈશ" કે "કોઈક દિવસે હું મારી કળા દુનિયા સામે મૂકીશ."
 
        આ 'કોઈક દિવસ' નામનો કેલેન્ડરમાં કોઈ વાર કે તારીખ હોતી જ નથી. આ એક એવો માનસિક ઢાલ છે, જેનો ઉપયોગ આપણે આળસ છુપાવવા અને જોખમ લેવાના ડરથી બચવા માટે કરીએ છીએ. જ્યારે પણ આપણા મનમાં કોઈ સારો વિચાર આવે છે, ત્યારે આપણો મગજનો ડરવાળો ભાગ તરત જ કહી દે છે, "અરે! આજે નહીં, કોઈક દિવસે કરીશું." અને આ 'કોઈક દિવસ' ક્યારેય આવતો નથી.
 
        ખૂબ જ સચોટ કહેવત છે કે, "કાલ કરે સો આજ કર, આજ કરે સો હવે." જે આજના કામને કાલ પર ટાળવાની આદત પર સીધો પ્રહાર કરે છે. જે માણસ હંમેશાં આવતીકાલની રાહ જુએ છે, તે જીવનની રેસમાં હંમેશાં પાછળ રહી જાય છે. કારણ કે સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી.
 
        આજના આધુનિક અને સોશિયલ મીડિયાથી પ્રભાવિત યુગમાં આપણે યોજનાઓ બનાવવામાં અને મોટા મોટા સપનાઓની વાતો કરવામાં ચેમ્પિયન બની ગયા છીએ. આપણે કલાકો સુધી પ્લાનિંગ કરીએ છીએ કે આપણે શું કરીશું, પણ એક્શન લેવાના સમયે કહીએ છીએ કે હજુ યોગ્ય સમય આવ્યો નથી. આ 'યોગ્ય સમય'ની રાહ જોવી એ જ વાસ્તવમાં 'કોઈક દિવસે' વાળી બીમારીનું લક્ષણ છે. યોગ્ય સમય જેવી કોઈ અલગ પળ નથી હોતી, પણ તમે જે ક્ષણે શરૂઆત કરો છો એ જ સૌથી યોગ્ય સમય બની જાય છે.
 
        "આજ કરે સો આજ." આ સિદ્ધાંત વગર કોઈ મહાન કામ ક્યારેય પૂરું થયું નથી. જો તમે હંમેશાં ભવિષ્યના સુરક્ષિત ખૂણામાં બેસી રહેશો, તો તમે જીવનના રોમાંચ અને સફળતા બંનેથી વંચિત રહી જશો. 'કોઈક દિવસે' એ નિષ્ફળતાનો ડર છુપાવવાની એક કાયરતાભરી રીત છે, કારણ કે જો તમે પ્રયત્ન જ નહીં કરો, તો તમે નિષ્ફળ પણ નહીં થાવ પણ આ સૌથી મોટી નિષ્ફળતા છે.
 
        આ વાતને સમજવા માટે એક અત્યંત પ્રેરક અને સરળ પ્રસંગ જોઈએ. એક યુવાન લેખક હતો. જેનું નામ રાહુલ હતું. રાહુલ પાસે એક શાનદાર નવલકથાનો વિચાર હતો. તે દરરોજ રાત્રે ડાયરીમાં લખતો કે, "આ મારી વાર્તા એક દિવસ બેસ્ટસેલર બનશે, હું 'કોઈક દિવસે' આના પર આખું પુસ્તક લખીશ." મહિનાઓ અને વર્ષો વીતી ગયા. રાહુલ જ્યારે પણ પોતાના મિત્રોને મળતો ત્યારે એ જ વાત કરતો કે તે એક દિવસ પુસ્તક લખશે.
 
        એકવાર તેના એક વૃદ્ધ અને અનુભવી મિત્રએ તેને પૂછ્યું, "રાહુલ, તું આ 'કોઈક દિવસ' ક્યારે બોલાવીશ? કેલેન્ડરમાં તો ક્યાંય 'કોઈક દિવસ' નામનો વાર નથી હોતો."
 
        રાહુલે હસીને કહ્યું, "યાર, હજુ મારી તૈયારી પૂરી નથી થઈ, મને લાગે છે કે થોડું વધુ સંશોધન કરવું પડશે."
 
        મિત્રએ ગંભીર થઈને કહ્યું, "જો તું આ જ રીતે 'કોઈક દિવસ'ની રાહ જોતો રહીશ, તો તારી આ ડાયરી તારી ચિતા સાથે સળગી જશે પણ પુસ્તક બહાર નહીં આવે."
 
        આ શબ્દો રાહુલના હૈયાને સ્પર્શી ગયા. તેને સમજાયું કે તે ડરના કારણે પોતાના સપનાને ટાળી રહ્યો હતો. તેણે એ જ રાત્રે ટીવી બંધ કર્યું, સોશિયલ મીડિયાથી દૂર થયો અને પુસ્તક લખવાનું શરૂ કરી દીધું. એક વર્ષની સખત મહેનત પછી તેનું પુસ્તક પ્રકાશિત થયું અને તે એક સફળ લેખક બની ગયો.
 
        આ પ્રસંગ આપણને શીખવે છે કે જો તમારા મનમાં કોઈ સપનું છે, તો તેને 'આજ' અને 'અત્યારે' જ શરૂ કરી દો. 'કોઈક દિવસ' એ સફળતાનો સૌથી મોટો દુશ્મન છે. કાલ પર કશું જ ન છોડો. તમારી પાસે જે સાધનો છે, જે જ્ઞાન છે અને જેટલો સમય છે, તેનાથી જ આજે જ પહેલું પગલું ભરો.
       

        જ્યારે તમે 'કોઈક દિવસે' ને 'આજે' માં બદલી નાખો છો ત્યારે અશક્ય લાગતી ચીજો પણ શક્ય બનવા લાગે છે. આજે જ તમારી યાદીમાંથી એવા કામો શોધો જેને તમે લાંબા સમયથી 'કોઈક દિવસે' કહીને ટાળી રહ્યા છો અને આજના દિવસને જ એ કામનો પહેલો દિવસ બનાવી દો.