Gharbayelo Chitkaar - 5 books and stories free download online pdf in Gujarati

ધરબાયેલો ચિત્કાર ભાગ - ૫

Name :- Ravi Dharamshibhai Yadav Address :- Dubai, UAE.
Contact No.
:- +91 88 66 53 62 88 (WhatsApp) +971 55 898 1928 (Call)
Email ID :- cardyadav@hotmail.com
cardyadav@gmail.com

ધરબાયેલો ચિત્કાર

Part – 5

ઘટા ઇશાનને જોઇને ચાકુ લઈને મારવા દોડી પરંતુ તેણે પોતાના કાપેલા કાંડામાંથી લોહીની ધાર નીકળીને ફર્શ પર લોહી વહી રહ્યું હતું જેના પર અચાનક પગ આવતા જ તે સીધી જ ફર્શ પર ઢસડાઈ પડી અને બારણાનો ખૂણો ખભા પાસે વાગ્યો. જોરથી પેટના બળ પર નીચે પડવાથી ઘટાના માથામાં પણ થોડો થડકો લાગ્યો હતો જેના કારણે તે ત્યાં જ બરાડી ઉઠી.

ઈશાને તરત જ તેના હાથમાંથી ચાકુ લઇ લીધી અને બાજુમાં પડેલી ચુંદડીથી ઘટાના કાંડા ફરતે વીટાળી દીધી જેથી લોહી વહેવાનું બંધ થાય. અને સીધી જ હોસ્પિટલમાં લઇ ગયો. આ બધું અચાનક જ એકીસાથે બનવાના કારણે ઇશાન હેબતાઈ ગયો હતો. તેણે હવે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જઈ રહી હોય એવું લાગવા લાગ્યું હતું.

બીજી તરફ ઇશાન અને ઘટા વચ્ચે શું થયું હશે એ વિચારોમાં ખોવાયેલી સેન્ડીનું ધ્યાન અચાનક જ ફોન પર ગયું કેમ કે ઇશાનનો ફોન આવી રહ્યો હતો.

"હા ઈશુ ! શું થયું ?"

"અરે યાર ! અહિયાં ખુબ મોટો પ્રોબ્લેમ થઇ ગયો છે" ,એમ કહીને ઈશાને બનેલી બધી જ ઘટના સેન્ડીને જણાવી.

આ બધું સાંભળીને સેન્ડી તો મનોમન હરખાઈ રહી હતી કારણ કે તેને પોતાનો આ પ્લાન સફળ થતો દેખાઈ રહ્યો હતો.

"કદાચ હવે આ બંને વચ્ચે દરાર પેદા થશે. ઇશાનના અવાજ પરથી તો એવું લાગી રહ્યું હતું કે તે ઘણો ટેન્શનમાં હતો. બની શકે કે ટેન્શનમાં ને ટેન્શનમાં તે કોઈક એવું પગલું પણ ભરે કે મારો રસ્તો આપોઆપ સાફ થઇ જાય. ત્યારબાદ તો ઇશાનને મારાથી કોઈ છીનવી શકે તેમ નથી. ઇશાન તને તારી પાસે રહેલો પ્રેમ નાં દેખાયો ? "આંખ પાપણને જોતી નથી એ કહેવત તે સાચી ઠરાવી."

===***===***===

વર્તમાન સમય.

વાતાવરણમાં આજે ઠંડક પ્રસરી ચુકી હતી. કાળા ડીબાંગ વાદળાઓ જાણે આસમાનને કેદ કરવા માટે મોટી ફોજ લઈને આવ્યા હોય એ રીતે આખા આકાશને કાળા રંગથી ઘેરી લીધું હતું. સાથે સાથે સુસવાટા કાઢતા પવને પણ જાણે વાદળાઓની સાથે દોસ્તી કરી લીધી હોય એવું લાગી રહ્યું હતું કારણ કે વાતાવરણ ખરાબ કરવા માટેની આ પૂર્વ તૈયારી થઇ ચુકી હતી. વાદળછાયા વાતાવરણના લીધે આજે સાંજના સમયે રોજના સમય કરતા વહેલા અંધારું થઇ ચુક્યું હતું.

ઓફીસનો દરેક સ્ટાફ આજે પોતાનું કામ જલ્દી પતાવીને નીકળવાની તૈયારીમાં હતો. દુર રહેતા લોકો તો કલાક પહેલા નીકળી ચુક્યા હતા. ઘણી ખરી ઓફીસ ખાલી થઇ ચુકી હતી. માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો હવે કામ કરી રહ્યા હતા. બહારના વાતાવરણનો માહોલ જોઇને ઈશાને બધા જ સ્ટાફને કહી દીધું હતું કે કામ બંધ કરીને જલ્દી ઘરે જતા રહે જેથી કોઈને તકલીફ નાં પડે. ઇશાનની રજા મળતા જ બધા જ પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. પરંતુ હજુ કી-બોર્ડનો અવાજ આવી રહ્યો હતો જેથી ઇશાન પોતાની કેબીનમાંથી બહાર આવ્યો. આખી ઓફીસમાં નજર ફેરવી પરંતુ માત્ર સદીયા જ કામ કરી રહી હતી. ઇશાન ધીમેથી એની પાસે ચાલીને ગયો અને ચુપચાપ જોવા લાગ્યો કે સદીયા શું કામ કરી રહી હતી એમ. પરંતુ સદીયાનું અચાનક જ ધ્યાન જતા જાણે તે કશુક છુપાવતી હોય એમ કામ બંધ કરી દીધું અને કોમ્પ્યુટરની વિન્ડો મીનીમાઇઝ કરી નાખી.

"શું કરી રહી છે સદીયા ? મેં બધા લોકોને ઘરે જવા માટે કહ્યું. બહાર વાતાવરણ ખરાબ છે પછી ઘરે પહોચવામાં તકલીફ પડશે." , ઈશાને ઠંડા અવાજે પૂછ્યું.

"કશું નહિ સર, બસ નીકળી જ રહી છું." ,થોડા ગભરાયેલા અવાજે સદીયા બોલી.

ગભરાયેલા હાવભાવ ઇશાન સ્પષ્ટપણે ઓળખી ગયો અને સીધો જ પોઈન્ટ પર આવતા થોડા ગુસ્સા સાથે પૂછ્યું, "તમે ઓફીસ સિવાયનું કશુક કામ કરી રહ્યા છો એ તો મેં જોઈ લીધું. પરંતુ તમે શું કરી રહ્યા હતા એ હું જાણી શકું ?"

"સોરી સર ! પરંતુ ફક્ત એક મેઈલ જ કરી રહી હતી. મારું કામ તો ક્યારનું પતી ગયું છે પણ થયું કે ૧૦ મિનીટમાં આ મેઈલનું કામ પણ પતી જશે એટલા માટે થોડીવાર બેસીને હું આ પર્સનલ કામ પતાવી રહી હતી. કારણ કે આજે આ મેઈલ કરવો જરૂરી છે. મારા બાળકો માટે પૈસાની વ્યવસ્થા નહિ થાય તો તેઓની સ્કુલની ફી નહિ ભરી શકાય તેથી હું ગવર્નમેન્ટને એક અરજીપત્ર લખી રહી છું. આર્થિક સહાય માટે."

ઇશાન ચોકી ગયો. "તમારા બાળકો ? તમે પરણેલા છો ? તમે તો રિઝયુમમાં એમ લખ્યું હતું કે તમે સિંગલ છો. તો તમે મારી પાસે ખોટું બોલી રહ્યા હતા ?" ઈશાને પ્રશ્નોની જડી વરસાવી દીધી.

"અરે ના ના સર. આ બાળકો એટલે એક અનાથાલયમાં રહે છે કે જેમને હું મારા પોતાના ગણીને તેમને મદદ કરી રહી છું. મારી સેલેરીમાંથી બની શકે એટલી બધી જ મદદ હું તેમના ખાવા પીવામાં અને કપડા લેવામાં ખર્ચી નાખું છું પરંતુ હવે તેઓને ભણાવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી તેથી સરકારને પત્ર લખી રહી હતી કે તેઓ આ અનાથાલયને થોડી ગ્રાન્ટ ફાળવે જેથી કરીને છોકરાઓ ભણી શકે. જેટલું જલ્દી આ કામ પતાવીશ એટલું જલ્દી છોકરાઓ સ્કુલે જતા થશે." ,સદીયા એકીસાથે બધું જ બોલી ગઈ.

ઇશાન ચુપચાપ સાંભળતો રહ્યો અને વિચારોમાં ખોવાયો કે આટલી પ્રોફેશનલ છોકરી કે જે પોતાના કામ સિવાય કોઈ સાથે વાત પણ કરવા તૈયાર નથી હોતી તે પોતાની બધી સેલેરી એક અનાથાલયમાં આપે છે અને તે બાળકોને તે પોતાના ગણી રહી છે. બહારથી કાંઇક અલગ દેખાતી સદીયા અંદરથી કાંઇક અલગ જ છે. એક રીતે ઇશાન એની ક્વોલીટીથી આકર્ષાયો તો હતો જ પરંતુ આજે આ વાત સાંભળીને તેને સદીયા તરફ માન થઇ આવ્યું હતું.

વિચારોની આ હારમાળાને વાદળાઓની ગર્જના અને વીજળીના કડકડાટનાં કારણે તૂટી અને ઇશાનને ફરી પાછું બારીની બહાર જોયું ત્યાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. તરત જ તેણે સદિયાને પોતાનું કામ પતાવી લેવા માટે કહ્યું અને પોતે પોતાની કેબીનમાં કોમ્પ્યુટર બંધ કરવા માટે જતો રહ્યો. ઓફીસની બીજી લાઈટ બંધ કરી બધી જ બારીઓ ચેક કરી અને આવ્યો ત્યાં સદીયા પોતાનું કામ પતાવીને રેડી થઇને ઉભી હતી.

"તમારી પાસે કયું વાહન છે ?" ,ઈશાને પોતાના ખિસ્સામાંથી કારની ચાવી કાઢતા પૂછ્યું.

"એકટીવા"

"ઓહ્હ ! તો આવા વરસાદ અને પવનમાં જશો તો બીમાર પડી જશો. ચાલો મારી સાથે તમને હું તમારા ઘરે ડ્રોપ કરી દઈશ.

"ના ના વાંધો નહિ, હું જતી રહીશ. કશું નહિ થાય." સદીયા વિનમ્રતા સાથે નકારમાં જવાબ આપી રહી હતી.

"અરે આવા વરસાદમાં કેવી રીતે જશો ? ઠેર ઠેર પાણી ભર્યા હશે અને જો રસ્તામાં એકટીવા બંધ પડશે તો શું કરશો ? એક તો ઓલરેડી સાંજ પડી ગઈ છે, ખોટા હેરાન થશો એ કરતા ચાલો આજે મારી સાથે, આવતીકાલે રીક્ષા અથવા બસમાં ઓફીસ આવતા રહેજો." ,ઇશાન સમજદારીપૂર્વક વાત કરતા બોલ્યો.

થોડીવાર વિચારીને સદીયાએ માત્ર હકારમાં ડોકું ધુણાવીને એકટીવામાંથી પોતાની ચાવી કાઢી લીધી અને ચુપચાપ ગાડીમાં બેસી ગઈ.

"તમારા ઘરે ફોન કરીને કહી દેજો કે તમે આવી જ રહ્યા છો રસ્તામાં છો એમ જેથી કરીને ઘરે તમારી કોઈ ચિંતા નાં કરે." ,ઇશાન ગાડી બહાર કાઢતા બોલ્યો.

સદીયા થોડીવાર માટે કશું જ નાં બોલી, જાણે કશુક એના ગળામાં જ અટકી ગયું હતું. એટલે માત્ર "હમમ" કહીને ચુપચાપ બેસી ગઈ.

ધોધમાર વરસાદ, ગરજતા વાદળો અને વીજળીના કડકડાટની વચ્ચે ઇશાન અને સદીયા ઘર તરફ જવા માટે નીકળી ગયા. આસપાસનું વાતાવરણ ખુબ જ ગંભીર હતું. ઈશાને સદીયાને રીલેક્સ કરવા માટે અને થોડી ફ્રેન્ડલી ફિલ આપવા માટે ગાડીમાં ગીત શરુ કર્યું. રેડીઓની સ્વીચ પડતા જ વરસાદને અનુરૂપ જ ગીત આવી રહ્યું હતું.

"ટીપ ટીપ બરસા પાની, પાનીને આગ લગાઈ,

આગ લગી દિલમેં તો, દિલ કો તેરી યાદ આઈ,

તેરી યાદ આઈ તો, જલ ઉઠા મેરા ભીગા બદન,

અબ તુમ હી બતાઓ સજન, મેં ક્યા કરું.”

સદીયા થોડું હસી એટલે ઇશાન સમજી ગયો કે પોતાની ઈજ્જતનો ફાલુદો થઇ રહ્યો છે એટલે તેણે તરત જ ચેનલ બદલી પરંતુ આજે રેડીઓવાળા પણ જાણે રોમેન્ટિક મૂડમાં હોય એવું લાગી રહ્યું હતું. ફરી પાછુ વરસાદને લગતું શ્રીદેવીનું જ ગીત આવ્યું.

"લગી આજ સાવન કી ફિર વો જડી હે,

"વો હી આગ સીને મેં ફિર જલ પડી હે"

સદીયા હવે સ્થિર થઈને બેસી ગઈ હતી. કશું જ બોલ્યા વગર એટલે ઇશાનને થયું કે આ ગીત પણ બદલી નાખું અને ફરી પાછુ નવું ગીત શરુ થયું.

"બરસાત કે દિન આયે, મુલાકાત કે દિન આયે"

અચાનક જ સદીયાના ચેહરા પર ચમક આવેલી જોઇને ઈશાને તે ગીત વાગવા દીધું. ગાડીની બારીનો કાચ થોડો ખોલીને સદીયાએ પોતાની હથેળી બહાર કાઢી અને વરસાદને જાણે હથેળીથી છેક હૃદય સુધી મહેસુસ કરી રહી હોય એ રીતે બહારની તરફ આંખ બંધ કરીને વરસાદને ભરપુર માણી રહી હતી.

થોડે આગળ જતા જ રસ્તા વચ્ચે એટલા પાણી ભરાયેલા હતા કે ગાડી ત્યાં જ બંધ પડી ગઈ. સદીયા તો જાણે કાંઇક અલગ જ મૂડમાં આવી ગઈ હોય એમ સીધી જ ગાડીની બહાર નીકળી ગઈ અને રોડની સાઈડમાં જઈને બંને હાથ આકાશ તરફ ફેલાવીને આંખ બંધ કરીને ઉભી રહી ગઈ.

સદીયાની આ હરકત જોઇને ઇશાન થોડો સરપ્રાઈઝ તો ચોક્કસ થયો જ હતો કારણ કે આજે તે કોઈક બીજી જ સદીયાને જોઈ રહ્યો હતો. ગાડી તો આમ પણ બંધ જ થઇ ગઈ હતી એટલે તે પણ ગાડીની બહાર નીકળીને સદીયા પાસે જઈને ઉભો રહી ગયો અને અદબ વાળીને તેને એકીટશે જોવા લાગ્યો. સદીયા આખી પલળી ચુકી હતી અને તેના કારણે તેણે પહેરેલો સફેદ કલરનો શર્ટ તેના શરીરને એકદમ ચીપકી ગયો હતો જેથી તેના શરીરના ઉભારો ઉડીને આંખે વળગી રહ્યા હતા. સંધ્યા સમયના આવા વરસાદમાં પણ જાણે ઇશાન સદીયાના શરીરને મન ભરીને માણી રહ્યો હતો અને અચાનક જ સદીયાનું ધ્યાન ઇશાન તરફ ગયું. બંને યુવાહૈયાની આંખો અચાનક જ મળી. સદીયા ત્યા જ ઉભી રહી ગઈ અને પાણીની ધાર તેના કપાળથી થઈને સીધી જ તેના ગાલ પર પડી રહી હતી અને ત્યાંથી તેના એ ભરેલા હોઠો પર આવીને અટકી જતી હતી. જાણે પાણીના એ ટીપાં પણ તેના હોઠનો રસ પીવા માટે ઉભા રહ્યા હોય.

ઇશાન આ બધું જ જોઈ રહ્યો હતો અને તે હવે તેના મગજ પરનો કાબુ ગુમાવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. તેનું મગજ સતત તેને સદીયા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યું હતું. હોઠના એ રસનો આસ્વાદ માણવા માટે હવે તેનામાં કાબુ રહ્યો નહોતો.

વધુ આવતા અંકે….