Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 7

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૨.૭

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૭ : મધુરી માટે મધુરી ચિંતા

કુમુદની કથા થોડાક અવસરમાં - થોડીક ઘડીમાં-પરિવ્રાજિકામઠમાં અને વિહારમઠમાં સુપ્રસિદ્ધ થઈ ગઈ. સંસારધર્મ અને અલખધર્મ એ ઉભયના મિશ્રણથી એક જીવનમાં જિવાયેલા બે વિવાહવાળા જીવનની કથા સર્વ સાધુજનોને ચમત્કારભરેલી લાગી અને તેને માટે અનેક શાસ્ત્રર્થ અને અનેક ચ્ચાઓ આ ઉભય મઠમાં થવા લાગી. આ સંબંધમાં મધુરીના નામ સાથે નવીનચંદ્રનું નામ પણ ગવાયું, પરંતુ મધુરી સાથેનું એનું વર્તન અધર્મ્ય ગણાયું તેમ જ બીજી રીતે વિષ્ણુદાસ સ્વામીનો એના ઉપરનો પક્ષપાત વધારે ઉચિત ગણાયો. આટલી વાતમાં સર્વ એકમત થયાં. ચર્ચાનો વિષય માત્ર એટલો જ રહ્યો કે અલખ સંપ્રદાય પ્રમાણે આ બે પ્રેમી જીવનો યોગ કરાવવો કે ન કરાવવો, અને કરાવવો તો કેવા વિધિથી કરાવવો.

કુમુદ સાધુ સ્ત્રીઓમાં રાત્રે સૂતી. થોડી વાર તેને સરસ્વતીચંદ્રના વિચાર થયા અને આંખ ઘડીમાં મીંચાય ને ઘડીમાં ઊઘડે. એની બે પાસ મોહની અને બંસરી સૂતાં હતાં તે એના મુખ ઉપર ઊંચાં થઈ દૃષ્ટિ નાંખતાં હતાં અને પાછાં સૂઈ જતાં હતાં.

પ્રાતઃકાલે સરસ્વતીચંદ્રને સાધુવેશમાં જોઈ કુમુદના ચિત્તને અત્યંત ધક્કો લાગ્યો હતો. આ મઠમાં સાંભળેલી વાતોથી એ ધક્કો જતો રહ્યો અને એના મનનો કેટલોક ભાર પણ જતો રહ્યો. તે કંઈક સ્વસ્થ થઈ સૂતી. પણ નેત્ર મીંચાય ત્યાં પ્રાતઃકાળનું ચિત્ર પ્રત્યક્ષ થાય અને ઊઘડે ત્યાં વિચાર સૂઝે.

‘આવા પુરુષ ત્યાગી હોય તે સારું કે સંસારી હોય તે સારું ? ‘એ સંસારમાં હોય તે કેટલા પ્રાણીનું કેટલું કલ્યાણ કરી શકે ?’‘હું તો ભાગ્યહીન છું તે છું પણ આવું રત્ન આ ભસ્મમાં અદૃશ્ય થાય તે તો અનિષ્ટ જ.’‘હું હવે તેમને શું કહેવા કથવાતી હતી ?’ ‘અરેરે, એમની ભવ્ય સુંદર આકૃતિ પ્રાતઃકાળના ચંદ્ર જેવી નિસ્તેજ થઈ ગઈ છે-અહીં તેમને આવું ખાવાપીવાનું અને આવાં સ્થાનોમાં સૂઈ રહેવાનું-એવા કષ્ટતપમાં તો શરીર આમ સુકાય જ !’‘-પણ તેમના મુખની આનંદમુદ્રા તો એવી ને એવી જ છે.’ ‘સૌએ તેમને બોલાવવા પ્રયત્ન કર્યો ન કર્યો થયો !’ ‘મિતાક્ષર-તે પણ આગ્રહી સાધુજનની ચતુરતાએ કઢાવ્યા.’ ‘નક્કી, એમનો શોકશંકુ ઊંડો છે- ઊંડો ઊંડો પણ છે !’‘તેમણે નક્કી મને ઓળખી.’ થોડી વારમાં તેના નયન પાસે પ્રિય મૂર્તિ ઊભી થઈ તે જોતી જોતી કુમુદ સ્વપ્નવશ થઈ. સ્વપ્નમાં લવીઃ

‘ત્વત્સ્ત્રેસંવિદવલમ્બિતજીવિતાનિ ।

કિં વા મયાપિ ન દિનાન્યતિવાહિતાનિ ।।’

મોહની અને બંસરી બેઠાં થઈ સાંભળવા લાગ્યા. ફરી તે લવીઃ

‘શોકશડ :

મર્ભાળિ કુન્તન્નપિ કિં ન સોઢઃ ।।’

મોહની ધીમેથી બંસરીને કહેવા લાગી : ‘બંસરી ! અલખના કામતંત્રમાં કહી છે તે ગુહા સેયં પરંપરા ।।’

બંસરી - ‘હા, એમ જ-’

‘દેહાદાભ્યન્તરા લજ્જા લજ્જાસ્વાભ્યન્તરં મનઃ ।

તતઃ કામસ્તતો ભાષા ગુહો સેયં પરંપરા ।।’

મોહની- ‘માધવે કહી હતી તેવી જ આ અવસ્થા.’

‘વયોવસ્થાં તસ્યાં શૃળુત સુહદો યત્ર મદનઃ ।

પ્રગલ્ભવ્યાપારશ્વરતિ હદિ મુગ્ધશ્વ વપુષિ ।।’

છેટે ચરણસંચાર સંભળાયો. ભક્તિમૈયા અને વામની મઠમાં આવ્યાં. મોહની ને બંસરી સામાં મળ્યાં.

‘સર્વ વ્‌.વસ્થા થઈ ગઈ.’ વામની બોલી.

ભક્તિમૈયા - ‘વિહારમઠના કુંજવનમાં યમિનાકુંડ પાસે મંડપ બંધાશે. ત્યાં ચંદ્રોદયકાળે રાસલીલા આરંભાશે તે પહેલાં સાયંકાળે ગુરુજી સર્વ સાધુમંડળની નિરીક્ષા કરી લેશે. નવીનચંદ્રજી ગુરુજી સાથે ફરવા નીકળશે.

રાસલીલામાં તેમને આકર્ષક કરવાનું બાકી છે. મધુરીમૈયાને ક્યાં ક્યાં લેવી તે વિચારવાનું છે.’

મોહની - ‘તમે ધારો છો તેવું સુલભ કામ નથી.

બંસરી - ‘સંસારે બનાવેલી સંપ્રત્યાત્મક પ્રીતિની પ્રતિજ્ઞા તેની અલખ પ્રીતિને ફળવા દે એમ નથી.’

મોહની - ‘તારી ભૂલ છે. એવા બંધન માલતીએ તોડ્યાં હતાં ને મદયન્તિકાએ પણ તોડ્યાં હતાં.’

ભક્તિમૈયા - ‘એ બંધનમાં એને રાખવી કે ન રાખવી એ વિચાર શ્રી અલખ ભગવાનનો છે. આપણું કામ એટલું છે કે તપ્ત લોહને તપ્ત લોહનો યોગ કરાવવો : તપ્તેન તપ્તમયસા ઘટનાય યોગ્યમ્‌ ।૫ આપણાં હ્ય્દયે ધારેલા યોગ અનવસર હોય તો મન્મથ અનંગ જ રહેશે અને શરીર ધરી રતિને નહિ વરે.’

મોહની - ‘તે તો અવતાર ધરી ચૂક્યો છે.’

ભક્તિમૈયા - ‘તેણે અવતાર ધર્યો છે કે નહીં તે તો તેને અવતાર આપનાર શ્રી યદુનંદન જાણે. તું અને હું ન જાણીએ.’

બંસરી - ‘ત્યારે આપણું કર્તવ્ય શું ?’

ભક્તિમૈયા - ‘દૃષ્ટિ પડે અને સત્ય જણાય તે પછી જ ધર્મ જણાય. નવીનચંદ્રજીને મધુરીની અવસ્થા વિદિત થાય તે પછી તેનાં હ્ય્દયમાં શું લાખ થાય છે તેનાં આપણે સાક્ષી થવું. તેમની બેની વાસનાઓ આપણને લખ થાય તે પછી વિસ્તાર કરવો કે તેમનો સુંદર યોગ કરાવવા દૂતીધર્મ પાળવો કે તેમને શાંત વિરતિ પમાડવા અલખ પરમાત્માનું બોધન કરવું.’

મોહની - ‘ભક્તિમૈયા, બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિથી કહ્યું. ગુરુજી નિરીક્ષા કરવા આવે ત્યારે મનીનચંદ્રજી મધુરીનું અભિજ્ઞાન પામે એવો યોગ રચવો, અને રાસલીલાને અવસરે મનીનચંદ્રજીની વાસના દૂરથી જાણી લેવી અને તે પ્રમાણે પછીનો વિચાર કરવો.’

ભક્તિમૈયા - ‘યોગ્ય છે.’

બંસરી - ‘પણ મધુરીની ગુહાપરંપરામાં પ્રવેશ પામવો શી રીતે ? સપ્તપદીની લખ પ્રતિજ્ઞા અને પરિશીલનના સમાવર્તનની અલખ પ્રતિજ્ઞા વચ્ચે ખેંચાતી મધુરીમૈયાના વિધાતા મર્મ કઈ વાસનાથી શાંત થશે તે પ્રથમ જાણવું વધારે આવશ્યક નથી. ?’

ભક્તિમૈયા - ‘એ પણ સત્ય છે.’

મોહની - ‘તેનો વિચાર કરવાને આખી રાત્રિ છે.’

વામની - ‘પેલી બારીએ તાળું વાસ્યું છે ?’

મોહની - ‘કેમ ?’

વામની - ‘નિરાશ હ્ય્દયનું પ્રેરેલું શરીર સમુદ્રમાંથી બચ્યું તેને આ બારી બહાર પડવાનો પણ માર્ગ છે.’

બંસરી - ‘હવે તે હ્ય્દય નિરાશ નથી.’

ભક્તિમૈયા - ‘ના. પણ ઠીક કહ્યું. ચંદ્રાવલીનું મૂર્ત હ્ય્દય આજે આપણે આણેલું છે. વામની ! જા, તાળું વાસી આવ.’

વામની તાળું વાસવા ગઈ.

સર્વ સ્ત્રીઓએ કુમુદની આસપાસ ધાબળીઓ પાથરી અને સૂતી.નિદ્રાવશ થતી થતી વામની બોલી :

‘ભગવાન મન્મથ ! અલખનાં લખ રૂપ કેટલાં છે ? મનુષ્યાવતારના હ્ય્દયને ઉદ્ધાર આપવાનાં સ્થાન કેટલાં છે ? પણ શ્રી અલખની ઈચ્છા એવી છે કે યુવજનનો પક્ષપાત તો તારા ઉપર જ થાય.

કતિ કતિ ન વસન્તે વલ્લયઃ શાખિનો વા

કિસલયસુમનોભિઃ શોભમાના બભૂવુઃ ।

તદપિ યુવજનાનાં પ્રીતયે ત્કેવલોડભૂત્‌

અભિનવકલિકાલીભારશાલી રસાલઃ ।।

બંસરી - ‘રસાલોપમ રસાલ ભવન્‌ સ્વયંભૂ મન્મથ ! તારો અવતાર જગતને સર્વાંગથી કલ્યાણકારક છે.

અધિશ્રીરુધાને ત્વમસિ ભવતઃ પલ્લવચયો

ધુરીળઃ કલ્યાળે તવ જગતિ શાખાઃ શ્રમહરાઃ ।

મુદે પુષ્પોલેખઃ ફલમપિ ચ તુષ્ટયે તનુમૃતાં

રસાલ ત્વાં તસ્માચ્છયતિ શતશઃ કોકિલકુલમ્‌ ।।

મોહની - ‘સંસારે લેવડાવવી હોય તેટલી પ્રતીજ્ઞાઓ તે લેવડાવે. પણ યુવજનનાં હ્ય્દયમાં સત્તા તો જેની છે તેની જ છે. મધુરી ! તારો ઉદ્ધાર તો દેવનાં અર્ચનમાં જ છે.’

ભક્તિમૈયા - ‘આવી સુંદર સુકોમળ દેહલતિકાને આવાં આવાં દુસ્તર સ્થાનોમાં ખેંચી લાવનાર પવન જેવા ભગવન્‌ મદન !

હારો જલાદ્રવસનં નવિનીદલાનિ

પ્રાલેયસીકરમુચસ્તુહિનાંશુભાસઃ ।

યસ્યેન્ધન્નિ સરસાળિ ચ ચન્દનાનિ

નિર્વાળમેષ્યતિ કથં સ મનોભવગ્નિં ।।

પ્રાસાદિયતિ વૈળવાદિગહનં દીપીયતિ દ્રાત્કમઃ

પર્યડીયતિ ભૂતલં દૂષદપિ શ્લક્ષ્ળોપધાનીયતિ ।

કસ્તુરીયતિ કર્દમઃ કિમપરં યૂનો રસાવિષ્ટયોઃ

યેનાલોકિતયોઃ સ વન્ધમહિમા દેવો નમસ્યઃ સ્મરઃ ।।

સર્વને ઉત્તર દેતી હોય તેમ કુમુદ લવીઃ

‘જલધર જલભર નિકરૈરપહર પરિતામુદ્ધતં જગતઃ ।

નો ચેદપસર દૂરં હિમકરકરદર્શનં વિતર ।।

મોહની - ‘ભક્તિમૈયા ! નવીનચંદ્રજી પાસે કોઈ એવી દૂતીને મોકલો કે તેને સ્પષ્ટ સમજાવે કે :

‘વિતર વારિદ વારી દવાતૂરે

ચિરપિપાસિતચાતકપોતકે ।

પ્રચલિતે મરુતિ ક્ષળમન્યથા

ક ચ ભવાન્‌ ક પયઃ ક ચ ચાતકઃ।।’

નિદ્રામાં ને નિદ્રામાં ‘હા’ ભણી ભક્તિમૈયા શાંત નિદ્રામાં પડી.

૧.તારા સ્નેહના જ્ઞાનથી મારા જીવનને ટેકવનાર કેટલા દિવસ મેં પણ નથી ગાળ્યા ?- ભવભૂતિ.

૨.મર્મને કાપતા શોકશંકુને પણ મેં શું વેઠ્યો નથી ? -ભવભૂતિ

૩.દેહથી આભ્યંતર લજ્જા, લજ્જાથી આભ્યંતર મન, તેથી કામ, ને તેથી ભાષા-આવી ગુફામાંની ગુફાઓ મુગ્ધામાં હોય છે.

૪.‘સાધુ સુહ્ય્દયવાળા તે પ્રિયાના વયની અવસ્થા સુણો ! એના હ્ય્દયમાં મદન પ્રગલ્ભપણે પોતાનો વ્યાપાર ચલાવ્યે જાયે છે અને એના શરીરમાં મુગ્ધપણે સંતાઈ રહે છે.’-ભવભૂતિ

૫.‘તપેલાં લોહ સાથે તપેલું લોહ ઘટાવવું યોગ્ય છે.’-કાલિદાસ.

૬.વસન્તઋતુમાં કેટલીકકેટલીક વેલીઓ ને કેટલાંકકેટલાં વૃક્ષ કળીઓથી અને પુષ્પોથી શોભિત ન થયાં ? પણ યુવાનોને અને યુવતીઓને વહાલો તો અભિનવ કળીઓના ભારથી લચેલો માત્ર એક રસાલ (આંબો) જ થયો-પ્રકીર્ણ.

૭.હે રસાલ ! ઉધાનમાં શ્રમાન તું છે; તારો પલ્લવસમૂહ કલ્યાણમાં મધુરીને સ્થાને-અગ્રે છે. તારી શાખાઓ જગતમાં શ્રમહર છે; તારાં પુષ્પોનો ઉલ્લેખ પ્રમોદ-આનંદ-આપનાર છે. તારું ફળ પણ શરીરધારીઓને તૃષ્ટિ-સંતોષ આપનાર છે ; માટે જ, ઓ રસાલ ! કોકિલાનાં ટોળાં સેંકડો સંખ્યાબંધ તારો આશ્રય શોધે છે-પ્રકીર્ણ.

૮.હાર, જળથી ભીનાં વસ્ત્ર, કમળપત્ર, ઝાકળના છાંટા વર્ષાવનાર ચંદ્રકિરણ, અને સરસ ચન્દન :એ જેનાં કાષ્ઠ છે તે મદનરૂપ અગ્નિ કેવી રીતે હોલાવાનો હતો ? -બાણ.

૯.કામદેવનો મહિમા કેવો નમસ્કારયોગ્ય છે ? તેનાથી વાંસનું વન મહેલ જેવું થાય છે, અંધકાર એકદમ દીવા જેવો થાય છે, પૃથ્વીનું તળિયું પગલું જેવું થાય છે, પથ્થર પણ સુંવાળા ઉશીકારૂપ થાય છે, કચરો કસ્તુરી થાય છે, ને બીજું શું કહીએ ? જે કામદેવના દૃષ્ટિપાતથી રસાવિષ્ટ યુવકૃયુગલ આવા ચમત્કાર-પરતા-અનુભવે છે તે દેવ નમસ્કાર કરવા યોગ્ય છે-પ્રકીર્ણ

૧૦.હે જલધર મેઘ ! ગમે તો પણીની મુસળધારો વર્ષાવી જગતના ઉદ્ધાત પરિતાપને હર ! અને તેમ ન કરે તો દૂર જતો રહે અને ચંદ્રકિરણનાં દર્શન કરવા દે.

૧૧.હે મેષ ! ધ્વાગ્નિએ આતુર કરેલું આ ચાતકનું બચ્ચું ઘણા કાળથી તૃપ્તિ છે ને પાણી ઝંખે છે તેને તું પાણી આપ. જો તે હાલ તું નહીં આપે તો પછી સંસારના સંયોગ ક્ષણભંગુર છે, અને આ પવન વાઈ રહ્યો છે, તેથી ક્ષણમાં તું ક્યાં ? તારું પાણી ક્યાં ? અને આ ચાતક ક્યાં-એવું થઈ જશે !-પ્રકીર્ણ.