Vando books and stories free download online pdf in Gujarati

વંદો

વંદો

"શું સ્ત્રી ચીંથરી ચડે એવાં વંદાઓથી પણ ગઈ ગુજરી હશે?" વંદાની શરીરરચના અંગે સાંભળી હું વિચારી રહી.

મને ભણવું અનહદ ગમે. અત્યારે હું મારી ફ્રેન્ડના 12 સાયન્સના ક્લાસમાં બેઠી હતી, છેલ્લી પાટલી પર, ખૂણામાં, ને તેના ક્લાસમાં વંદાની શરીરરચના ભણાવવામાં આવી રહી હતી.

આમ, તો હું હતી નવમાં ધોરણમાં, પણ આપણે રાખડીયે બધે, મારી હાઈટ ઓછી એટલે હું દેખાઉં પણ નાનકડી અને એટલે હું બધાની લાડકી, એનો લાભ ઉઠાવી ગમે તેવા કારસ્તાન કરી છટકી જાઉં. જો કે હું સિંહણ તો ખાલી બહાર, ઘરમાં ....ઘરમાં તો હું ઢોર જેટલી પણ મહત્વની નો'તી.

ટીચરનો અવાજ સાંભળી હું તંદ્રામાંથી જાગી, એ બોલી રહ્યા હતા કે, તેની દરેક પેઢી આગળની પેઢીની મુસીબતોમાંથી બળ મેળવી વિકસિત થતી હતી, એટલે જે ઝેરી દવાથી પહેલાં વંદા મારી શકાતા, તેની હવેની પેઢી પર અસર ન થતાં નવી દવાઓ શોધવી પડતી હતી.

આ સાંભળી હું વિચારી રહી કે, સ્ત્રીઓ તો વંદાથી પણ ગઈ ગુજરી, તે પેઢીઓથી માર ખાય છે, ને મને આજની સવારની જ ઘટના યાદ આવી ગઈ.

આજે જ રૂપલી સાથે મારે ફરી માથાકૂટ થઈ હતી. રૂપલી ને એના વર કુમારે ઢોર માર માર્યો, હું વચમાં પડી, તો મેં પણ માર ખાધો, પણ રૂપલી એકેય અક્ષર બોલ્યા વગર જાતે મલમપટ્ટી કરી રાંધવા બેઠી, ને એ જ નપાવટ, હરામી કુમારને જમાડયો. એમાંથી મારે એની સાથે માથાકૂટ થઈ ને હું જમ્યા વગર નીકળી ગઈ. મને પૂરો વિશ્વાસ છે કે, ખુદ રૂપલી હજુ ભૂખી બેઠી હશે ને કોઈ એને પુછવાનું નથી.

આ રૂપલી એટલે મારી મા ને કુમાર એટલે મારી માનો વર અને મારો બાપ.

હું જન્મી ને સમજણી થઈ ત્યારથી મેં ઘરમાં આજ ચાલતું જોયું છે. નાની નાની વાતે માર ખાતી મારી મા, અમે નાના હોય ને તોફાન કરતા હોય તો મારો બાપ અમને ઢીબી નાખે, ને મારી મા અમને બચાવવા વચમાં પડે એટલે એ ય ઢીબાઈ જાય. છતાં જાણે આ કંઈ મોટી વાત ન હોય તેમ રૂપલી સહન કર્યા કરે.

આજ સુધી ક્યારેય મેં એના મોઢેથી એના વર માટે અપશબ્દ નથી સાંભળ્યો. મારી મા કહેતી સ્ત્રીની જિંદગી આવી જ હોય. મારી મા એ એની મા ને પણ આમ જ મારા ખાતા જોઈ હતી, એની દાદી પણ આમ જ સહન કરતી એવું એણે સાંભળ્યું હતું.

જો કે એ મને ક્યારેય એમ ન કહેતી કે, તું પણ આમ જ સહન કરજે.

મારી મા હંમેશા કહેતી કે, 'તું ખૂબ ભણજે, પગભર થયા પછી જ લગ્ન કરજે ને તને હથેળીમાં રાખે એવા જ છોકરા સાથે તારા હું લગ્ન કરાવીશ.'

ને હું મનમાં બોલતી...જો રૂપલીનું કંઈ ચાલશે તો..!

આ વાતને 4-5 મહિના થયા હશે ને આમ જ માર ને ભૂખમરો વેઠતી રૂપલી મને મૂકીને ચાલતી થઈ. હું હૈયાફાટ રડી પણ સાથે-સાથે લાગ્યું કે, એ તો છૂટી આ દોજખમાંથી.

એના ક્રિયાક્રમ પત્યા ને મારા બાપના બીજા લગ્નની વાતો ચાલુ થઈ. મારુ તો જાણે હૃદય ચિરાતું હતું. આગળ શું ય થશે, કોણ જાણે?

કુમાર બીજી સાથે રંગરેલીયા મનાવી ને મને કામવાળી બનાવી દેશે કે પછી જેવું મારી મા સાથે થયું હજી એ જ બીજી કોઈ કમભાગી સાથે થશે? કંઈક વિચારોના ઘોડાપુર ઉમટ્યા, પણ હું કંઈ કરી શકું એમ નહોતી, જોયા રાખવા સિવાય.

અને મારા અહો આશ્ચર્ય સાથે કુમારનો મેં ક્યારેય ન જોયો હોય એવો રંગ જોયો. કાંચિડો તો વળી શું રંગ બદલતો હશે, જોવે એકવાર કુમારને તો આત્મહત્યા કરી લે.

બધાં સ્વજનોને કુમારે કહી દીધું કે, 'હું બાકીનું જીવન રૂપલીની યાદમાં વિતાવિશ. રૂપલી તો મારુ સર્વસ્વ હતી.'

મને સમજાયું નહીં કે આ નાટક છે કે રૂપલીના મોતે ખરેખર આને બદલી નાખ્યો હશે. મેં તો હતપ્રભ બની બધું જોયા રાખ્યું.

મારી મા ને ગયા ને બે મહિના થયા છતાં સગા ઘરમાં ધામો નાખીને બેઠા હતાં. કોને ખબર હજી શું લૂંટવાનું બાકી હતું તે જતાં નહોતા? કુમારે બીજા લગ્નની ના પાડ્યા પછી બીજા દિવસે એનાથી પણ વધુ અજીબોગરીબ ઘટના ચાલુ થઈ.

સવાર સવારમાં દીવો ને ઘંટી લઈ કુમાર આરતી ઉતારવા લાગ્યો, જાણે માનતો હશે ભગવાનને, ને પછી એ જ દીવો લઈ રૂપલીના સુખડના હાર પહેરાવેલાં ફોટાની આરતી ઉતારી. બોલો, રૂપલી આ જોઈ જાય તો બીજી વાર મરી જાય.

હવે, આ રોજનું થયું. જીવતા ઢોર હતી તે મરીને દેવતા થઈ ગઈ. સગાઓની ધીરેધીરે વિદાય થઈ ને હું ને મારો બાપ બે જ વધ્યા આખા ઘરમાં, ને હા, મારા માટે રૂપલીની યાદો અને કુમાર માટે એનો ફોટો પણ.

જીવન ચાલતું તો હતું પણ હું કંઈ 'ન' બનવાથી ફફડતી રહેતી. એક સવારે દીવો કરવા જતાં ઘી ના મળ્યું. ઘી ના પૈસા જ નો'તા તો ક્યાંથી લાવું? પણ કુમાર કઈ સાંભળે તો ને?

એ તો ખાલી અગરબત્તી કરી રૂપલીના ફોટા સામે ગોઠવાયો ને આખી સોસાયટી સાંભળે એમ મંડ્યો બરાડા પાડવા કે, જોયું ...? જોયું...તારા ગયા પછી કોઈને નથી પડી મારી, તું ગઈ ને મારી હાલત જો. મને બે ટંકનું ખાવાનું ય નથી પૂછતું કોઈ. પછી તો શું શું બોલ્યો, તે આખી સોસાયટી મારા ઘરે ભેગી થઈ ગઈ, પછી કુમારે ભરી ભરીને એની સામે રોદણાં રોયા કે, હું રંગરેલીયા મનાવું છું ને એને સાચવતી નથી.

મારા પેટમાં ગોટા વળતા હતાં એ તમાશો જોઈને. સમજાયું નહીં કે આ તમાશો જોઈને પેટમાં દુખે છે કે કસમયે ટાઈમમાં થઈ. હું પેટ પકડી પલંગ પર પડી હતી તે જોઈ કુમારની વાત પર ભરોસો ય પડ્યો બધાને ને બધાંએ મને આવા 'દેવતા' સમાન બાપને સાચવવાની સુંડલો ભરી શિખામણો ય આપી. પણ કોઈને મારી હાલત ઉપર દયા ન આવી. દયા શું વિચારે ય ન આવ્યો કે આ આમ શું કામ ટૂંટિયું વાળીને પડી હશે?

બાજુવાળા બા તો બોલ્યા ય ખરા, 'તારું મોઢું તો એકદમ રૂપલીનું જ મોઢું છે, કામ ય ઈવા કરતી જા.' કેમ કરીને કહું કે, આમ તો સ્થિતિ ય એના જેવી જ થતી જાય છે.

દુઃખતા પેટને પકડી સાંજે રસોઈ કરી, સ્કૂલ તો છૂટી જ ગઈ હતી, બેએક મહિનાથી, હવે તો બસ ઘરના કામ જ કર્યા કરતી ને તો ય ગાળો ખાતી.

ભાખરી, સેવ-ટામેટાનું શાક, ખીચડી, કઢી બધું રાંધ્યું. ને દુખાવો સહન ન થતાં પાછી પલંગ પર આડી પડી. કુમાર આવ્યો તે ઉભા થઇ એને જમવાનું આપ્યું, ને બે જ મિનિટમાં કુમારની રાડ સંભળાઈ, સાથે બે ચાર કાનના કીડા ખરી પડે એવી ગાળ પણ.

કોણ જાણે કેવાં નસીબ મારા? સવારની ખાધા-પીધા વગરની મેં આટલું રાંધ્યું ને પેટના દુખાવે ખીચડીમાં મીઠું નાંખતા જ ભૂલી ગઈ. ને કુમારે ભરેલી થાળીનો કર્યો છુટ્ટો ઘા...ને એના અવાજથી ડરી મારા પલંગ પાસે ભરાયેલો એક વંદો બહાર દોડી આવ્યો. મને કુમાર કરતાં ય વધારે બીક વંદાથી લાગે તે એક ઝાટકે ઊભા થઈ સાવરણી લીધી ને એંઠવાડમાંથી કઈ બાજુ ભાગવું એની મથામણ કરતાં વંદા પર તાકાતથી મારી.

જો કે એ મર્યો નહોતો, પણ અધમરો તો થઈ જ ગયો, તો ય મેં ય સાવરણી ઢીલી ના મૂકી. ત્યાં તો કુમાર ગુસ્સામાં લાલચોળ થઈને બે કટકે ગાળો બોલતો મને મારવા દોડ્યો. ને કોણ જાણે મને શું સુજ્યું કે, વંદા ઉપર દબાવેલી સાવરણી ખેંચીને કુમારને ઠોકી દીધી.

કુમારને તો સ્વપ્ને ય આવો વિચાર નહીં આવ્યો હોય. મારો ગુસ્સો ને મારુ કાળકા સ્વરૂપ જોઈ સાવ ઢીલો પડી ગયો. હું ગુસ્સામાં ધ્રૂજતી પલંગ પર બેઠી ને કુમારે સાવરણી-પોતું લઈ બધું સાફ કરી, જાતે લઈ જમી પણ લીધું.

આજે હું સ્કૂલે આવી બેએક મહિના પછી, હું ભણીશ જ. છેલ્લે ભણેલો વંદાની શરીરરચનાવાળો પાઠ મને હજી યાદ છે ને ઘણો કામ પણ આવ્યો.