Guru devo Bhav books and stories free download online pdf in Gujarati

ગુરુ દેવો ભવ:

ધાર્મિક જીવનમાં રસ હોય કે નહીં પણ સનાતન હિંદુ ધર્મમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ સર્વસાધારણ રીતે "ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ: ગુરુદેવો મહેશ્વર:,
ગુરુ સાક્ષત્કારમબ્રહ્મ તસ્મેયશ્રી ગુરુવે નમઃ" મંત્ર જાણતો જ હોય છે.

ગુરુનો દરજ્જો દરેકના જીવનમાં ઉંચો જ હોય છે. એમનું ઋણ આપણે કદી ચૂકવી શકતા જ નથી. હું માતૃભારતી માધ્યમનો આભાર માનું છું કે હું મારા ગુરુ શ્રી કિશોરકુમાર સિમરીયા માટે મારા મનમાં રહેલ ગુરૂભાવના હું અહીં રજુ કરી શકું છું. સાહેબ દ્વારા મને મળેલ માર્ગદર્શન દ્વારા જે મારી જીવનનૈયા સચવાય ગઈ તેને હું ખુબ ખુશીથી ભોગવી રહી છું, મારા જીવનમાં આવેલ કસોટીઓમાં મારી જાતને હકારાત્મક વલણ રાખીને હું જીવન ખુશીથી જીવી રહી છું.

શ્રી કિશોરકુમાર સિમરીયાને આખું ગામ કિશોરસાહેબથી જાણે છે. સાહેબનો સ્વભાવ એકદમ અનોખો છે. બાળક સાથે બાળકબની, વડીલો સાથે આદરણીય બની, પુખ્તો સાથે મસ્તીમજાકનું સ્થળબની જતા તેમને વાર લાગતી નથી. મારા માટે મારા સાહેબ ક્યારેક પિતા સમાન તો ક્યારેક ભાઈ સમાન તો ક્યારેક ગુરુબની માર્ગદર્શક બની ચુક્યા છે.

સાહેબનો સ્વભાવ જેટલો રમુજી એટલો જ આકરો પણ ખરો! હા, કલાસમાં એકવાર સૂચના અપાઈ એટલે એનું પાલન અચૂક કરવાનું જ હોય, ન પાલન કરનારને સાહેબના હાથનો મેથીપાક અવશ્ય ચાખવા મળે જ... એ ચાખવામાં છોકરાઓને જ મોટેભાગે લાભ મળતો કારણકે એમની પર્સનાલિટી જ કલાસમાં એટલી ધીરગંભીર કે ચાલુ કલાસમાં છોકરીઓની તો બોલતી બંધ જ રહેતી..

વળી, સાહેબની ભણાવવાની રીત એટલી રસપ્રદ કે ભણવામાં રસ ન હોય એમને પણ પુસ્તક સાથે પ્રેમ થઈ જાય! સાહેબ જે વિષય ભણાવે એ વિષયમાં વિદ્યાર્થી હસતા હસતા સારા માર્ક લાવી શકે એવી એમની ભણાવવાની છટા ફક્ત મને જ નહીં પણ લગભગ એમના હાથનીચે થી જેટલા વિદ્યાર્થીઓ નીકળ્યા હશે એમના મનમાં એક અનોખું સ્થળ જન્માવી દે એવા અમારા સાહેબ દરેક વિદ્યાર્થીઓના હીરો કહો તો પણ કદાચ ખોટું નહીં. એમના નિખાલસ સ્વભાવના લીધે એમને ક્યારેય કોઈ સાથે મનદુઃખ થયું નહીં.

હવે, કદાચ બધા વાચકમિત્રોને પણ અમારા સાહેબ કોણ એ ક્યાં રહે છે એ જાણવાની ઉત્સુકતા થતી હશે, તો તમારા દરેકની ઈચ્છાને ન્યાય આપવા એમના વિશે ટૂંકો પરિચય હું અહીં રજુ કરી રહી છું.

સાહેબનો જન્મ ૨૧/૨/૧૯૬૭ ના મીઠાપુર કે જે દેવભુમીદ્વારકા પાસે આવેલ છે ત્યાં થયો છે. તેમનું પૂરું નામ શ્રી કિશોરકુમાર ચત્રભુજભાઈ સિમરીયા છે. તેમણે ભણતર Bsc Bed વિથ કેમેસ્ટ્રી કે જે સેન્ટ ઝેવીએસ કોલેજ અમદાવાદથી મેળવેલ છે. તેમના પરિવારમાં ૩ ભાઈ, ૧ બેન અને માતાપિતાનો સમાવેશ થાય છે.

સાહેબનું ભણતર હજુ ચાલુ જ હતું ત્યાં તેમને મીઠાપુરની સ્કૂલમાંથી હાયર સેકેન્ડરી માં શિક્ષકની નોકરી મળી ચુકી હતી. જે તેમની સારી પ્રતિભા અને કાબેલિયતને છતું કરવા માટે પૂરતું જ છે. રિઝલ્ટ આવ્યું કે તરત જ તેમને નોકરી શરૂ કરી દીધી હતી. સાહેબનું જીવન સતત પ્રગતિશીલ જ રહ્યું છે. એમાં કદાચ તેમનો હંમેશા હકારાત્મક વલણ અને કાર્યને ઉચિત ન્યાય આપવાનો સ્વભાવ મૂળભૂત કારણ હોઈ શકે. તેમને પરિસ્થિતિને હંમેશા હસ્તાંદિલે અને ખુમારીથી જીતી છે. એજ શીખ તેમના વિદ્યાર્થીઓને પણ આપતા રહે છે.

૬/૧૦/૧૯૯૨થી સાહેબનું લગ્નજીવન શરૂ થયું છે. સાહેબ જેટલા પ્રભાવશાળી એટલું જ તેમની સરખામણીમાં આવી શકે એવું વ્યક્તિત્વ ધરાવનાર એટલે તેમના ધર્મ પત્ની શ્રીમતી કોષાબેન કિશોરકુમાર સિમરીયા. હું તો કોષાબેનની સહનશીલતાથી આભા જ બની જતી હતી, કારણકે સાહેબ સવારના ૫:૩૦ થી ૧૧:૦૦ સુધી એમના ટ્યૂશન ઘરે જ કરાવતા હતા, એક બેચ પતે એટલે તરત બીજી એમ ૧૧ વાગતા. વળી સાહેબનો અવાજ પણ પહાડી આથી ઘરના બીજા રૂમમાં પણ એ પહોંચતો જ હશે, આથી અમે જે ભણતા હતા એ કોષાબેન પણ ન ઈચ્છવા છતાં આલ્ફા, બીટા, ગેમા અને એસિડ, બેઇઝ ની કેમેસ્ટ્રી શીખતાં જ હશે. અમે ૧ કલાકમાં ઘરે રવાના પણ સાહેબ બધી બેચ પુરી કરે ત્યાં સુધી કોષાબેનનું મગજ પણ મેથસ, ફિજીક્સ, કેમેસ્ટ્રી ના ગીતો ગાતું થઈ જ જતું હશે. હવે તમને કદાચ અંદાજ આવી ગયો હશે કે મેં શુકામ તેમની સહનશીલતા ના વખાણ કર્યા..

મીઠાપુરમાં સાહેબએ ૧૦, ૧૧, ૧૨ ધોરણના સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવવાનો લાભ ફક્ત ૧૯ વર્ષ જ આપ્યો હતો. તેઓ ત્યારબાદ ૨૦૦૬થી રાજકોટની SNK માં ૩વર્ષ સુધી પોતાનો લાભ વિદ્યાર્થીઓને આપી ચુક્યા છે.

સાહેબ છેલ્લા ૧૧ વર્ષથી રાજકોટની જીનિયસ ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને લાભ આપી રહ્યા છે. સાહેબ ફક્ત ૩ લેક્ચર જ સ્કૂલમાં લે છે, ત્યારબાદનો ફ્રી સમય નો થોડો ઉપયોગ ૩ થી ૭ સુધીનો પોતાના કલાસીસ ચલાવવામાં લે છે. કલાસિસનું નામ કે.સી.કલાસીસ કે જે કોટેચા ચોકમાં ધોરણ ૯ અને ૧૦ ઈગ્લીશ મીડિયમના વિદ્યાર્થીઓને માટે કાર્યરત છે. આપ વાચકમિત્રોમાંથી કદાચ કોઈ તેમના સંપર્કમાં પણ હોઈ શકે.

સાહેબએ જેટલું વિદ્યાર્થીઓને ભણાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે એટલું યોગદાન એમને પોતાના પુત્ર દર્શિલ ( BDS વિસનગરથી) અને પુત્રી દ્રષ્ટિ (MBBS સી.યુ.શાહ સુરેન્દ્રનગરથી) માટે પણ આપ્યું છે. બંને છોકરાઓ ભણવામાં હોશિયાર હોવાથી ફક્ત પૈસા ટકે થોડી ખેંચ સિવાય કોઈ જ સમસ્યા તેમના ઉજવળજીવન માટે બાધારૂપ બની નહીં.

અંતમાં હું સાહેબનો નવી પેઢીમાટેનો msg આપને અવશ્ય જણાવીશ.
૧. નવી પેઢી મોબાઈલનો દૂરપયોગ ન કરે.
૨. પ્રત્યક્ષ કોન્ટેકને આધીન બને.
૩. યોગ, મેડિટેશન અને એક્સસાઈઝ ને જીવનનો એક ભાગ સમજી નિયમિત કરે.
૪. હંમેશા હકારાત્મક વલણ રાખે.
૫. નોકરી ગમે ત્યાં કરો પણ પ્રામાણિકતા છોડાવી નહીં.
૬. જીવનમાં ડેરિંગ કરતા રહેવું.
૭. ભગવાન પર શ્રદ્ધા અવશ્ય રાખવી.

આપ સૌએ લેખ વાંચ્યો તેથી આપ દરેકવાચક મિત્રની હું આભારી છું. લેખ વાંચીને આપને પણ આપના ગુરુ અવશ્ય યાદ આવ્યા હશે, ખરું ને??
Happy teachers day all of you ...