Ek anokhi shiksha books and stories free download online pdf in Gujarati

એક અનોખી શિક્ષા

એક અનોખી શિક્ષા

(મારા જીવન માં બનેલી સત્યઘટના પરથી...)

“શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ” વર્ષો પૂર્વે કૂટનીતિજ્ઞ આચાર્ય ચાણક્ય દ્વારા કહેવાયેલી આ વાત આજે પણ એટલી જ સાચી લાગે. એક શિક્ષક ધારે તો શું ના કરી શકે?  પ્રાચીનકાળમાં લોકો ગુરુકુળમાં શિક્ષણ અર્થે જતા. એમને મન ‘શિક્ષણ’ની વ્યાખ્યા ઘણી વિશાળ હતી. ત્યાં ગુરુ દ્વારા તેમને વિવિધ વિષયો પર કે કળાઓ પર તો અભ્યાસ કરાવવામાં આવતો જ પણ સાથે સાથે જીવન ઘડતરનાં બીજા મૂલ્યો પર પણ એટલો જ ભાર આપવામાં આવતો. સંસ્કાર, સદાચાર અને આત્મીયતા જેવા ગુણોનું વાવેતર કરવામાં આવતું. જીવનના વિવિધ પાસાઓની ખીલવણી કરવામાં આવતી.

સાચા અર્થમાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ ‘સર્વાંગીવિકાસ’નો હોવો જોઈએ, ‘સંસ્કાર સિંચન’નો હોવો જોઈએ. સંસ્કારએ શિક્ષણનું એક અવિભાજ્ય અંગ છે. પરંતુ આજનાં આ આધુનિક યુગમાં કેટલીક જગ્યાએ  શિક્ષણનાં નામે ફ્ક્ત પાઠ્યપુસ્તકમાં રહેલો માહિતીનો ભંડાર પીરસાય છે. આવા સમયે કોઈ એવી સંસ્થા મળી આવે જે પ્રાચીન સમયમાં ચાલતા ગુરુકુળની યાદ અપાવી જાય, જે પાઠ્યપુસ્તકોની સાથે સાથે ‘જીવનલક્ષી’ શિક્ષણ પણ આપે તો સાચે જ એક આશ્ચર્ય કહેવાય. મારો ઉછેર, મારું શિક્ષણ એક આવી જ ગુરુકૂળમાં રહીને થયેલું. મારી વહાલી ગુરુકુળ.

વાત છે ૨૦૧૪ ની હું ૧૧માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. એપ્રિલ મહિનો ચાલી રહ્યો હતો જેમાં મુખ્ય પરીક્ષા યોજાતી હોય છે. ગુરુકુળના અમારા ટાઇમટેબલમાં પરીક્ષા નજીક આવવાની હોય ત્યારે વાંચવાના કલાકો વધી જતાં. આવા ભણવાના સમયે આખી ગુરુકૂળમાં નીરવ શાંતિ જોવા મળે. દસમા ધોરણથી નીચેના વિદ્યાર્થીઓને સમૂહમાં જાહેરખંડમાં વાંચવાનું રહેતું અને ૧૧-૧૨ માં વાળાને જ્યાં બેસીને વાંચવું હોય ત્યાં વાંચી શકે એવી છૂટ આપવામાં આવતી. હું ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો હોવાથી મારી રૂમમાં જ બેસીને આવનારી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો.

ટાંકળી પડે તો પણ અવાજ આવે, એવી શાંતિ ! એવામાં આવી શાંતિને ભંગ કરતો મને બહારથી કોઈની ચહલ-પહલનો અવાજ સંભળાયો. ધીમે ધીમે આ અવાજ વધુ ને વધુ તીવ્ર થવા લાગ્યો. મને આશ્ચર્ય થયું કે આવા સમયે તો બધા જાહેર ખંડમાં બેસીને વાંચતાં હોય છે તો આ પગલાં શેના છે? તપાસ કરવા માટે હું મારી રૂમનો દરવાજો ખોલીને બહાર આવ્યો. મારી રૂમ ઉપરના માળે હતી. અને ત્યાંથી આખી જ ગુરૂકૂળ સંપૂર્ણ રીતે દેખાય. ગુરુકુળની બિલ્ડિંગની રચના એવી રીતે કરવામાં આવેલી છે કે આજુબાજુ રૂમો અને વચ્ચે મોકળી જગ્યા. જ્યાં ભગવાનની મુર્તિ મૂકવામાં આવેલી છે. દરરોજ અમે ત્યાં વચ્ચે બધા ભેગા થઈને આરતી કરતાં. મે બહાર આવીને જોયું તો થોડાક વિદ્યાર્થીઓ ટોળે વળીને કઈક ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા.

ત્યાં જઈને મે પૂછ્યું, “કેમ વાંચવાનું પતી ગયું? શું કરી રહ્યા છો અહી?” મને ખબર હતી હજુ વાંચવાનો સમય પત્યો નથી પણ એ લોકોને આવી રીતે બહાર આંટા મારતા જોઈને મે મોટા ભાઈનો રોલ પ્લે કરતાં ઊંચા અવાજે પૂછ્યું. એ લોકો આઠમાં-નવમાં વાળા હતા, મારા કરતાં નાના હતા.

જવાબમાં કોઈ કંઈ ના બોલ્યું, માત્ર એક જણે‌ મને નીચે આંગળી કરીને જોવા ઈશારો કર્યો. અંદાજીત બપોરના બાર સાડા બારનો સમય હશે. તડકો ભારે હતો. સૂર્ય જાણે સંપૂર્ણપણે પોતાની ફરજ બજાવી રહ્યો હતો. નીચે નજર કરતાં એક સમય માટે તો હું સ્તબ્ધ થઈ ગયો, મને થોડી નવાઈ પણ લાગી. નીચે ભગવાનની સામે અમારી ગુરુકૂળના ચાર સ્ટાફ મેમ્બર આવા તડકામાં આંખો બંધ કરીને હાથ જોડીને બેઠા હતા. તડકામાં આવી રીતે તપેલી લાદી પર બેસી પ્રાર્થના કરવાનું શું કારણ હોય શકે?

જોકે તેઓને સ્ટાફ મેમ્બર ઉલ્લેખવું મને યોગ્ય નથી જણાતું. કારણકે સ્ટાફ મેમ્બર કરતાં તેઓ અમારા માટે ઘણું વધારે. એમાંના મોટા ભાગના તો ખાલી સેવા જ કરે, પગારના નામે શૂન્ય. અને જે લોકો લે એ પણ એમના કામની જવાબદારીનું પાંચ ટકા પણ વળતર નહી એવું કહી શકાય. એક અલગારીની પેઠે જેમણે પોતાનું સપૂર્ણ જીવન જાણે સેવા કાજે જ સમર્પિત ના કરી નાખ્યું હોય ! તેઓ અમારા શિક્ષકો તો ખરા જ, પણ સાથે એવા જ અમારા મિત્ર પણ. જેમની પાસેથી વ્યક્તિગત જીવનના તમામ પ્રશ્નોના નિરાકરણ ની અપેક્ષા રાખી શકાય. સાથે સાથે એક પિતાની જેમ ભૂલ થયે અમને ઠપકો આપે અને મા ની કમી પણ ક્યારેય ના અનુભવવા દે એટલો જ પ્રેમ આપે.

મારી કૂતુહલતા એની સીમા ઓળંગી રહી હતી અને મનમાં કેટલાય વિચારોના વંટોળ ફરવાના ચાલુ થઈ ગયા. એવું તો શું બન્યું હશે કે આવા કસમયે, આવા હેરાન કરી નાખે એવાં તડકામાં અને એ પણ એક સાથે બધા સ્ટાફ મેમ્બર ભગવાનની સામે આવી રીતે હાથ જોડીને બેઠાં છે? પણ મનોમન એટલું તો કળી જ લીધું હતું કે ચોક્કસ કંઇક તો ના બનવાનું બન્યું છે. મેં બધી નજીકનાં સમયમાં બનેલી ઘટનાઓને વાગોળવાની શરૂ કરી કે કદાચ એમાંથી મને કોઈ તાળો મળી જાય. થોડાક સમય માટે એમ જ દિમાગ પર જોર માર્યા પછી એક નજીકમાં બનેલો પ્રસંગ મારી નજર સમક્ષ ફરવા લાગ્યો :-

ત્રણ દિવસ પહેલા જ અમને બધાને ભગવાન સામેની ખુલ્લી જ્ગ્યા માં એકત્રિત થવાનું સૂચન કરવામાં આવ્યું હતું. અમે સૌ હરોળમાં બેસી ગયા. અમારી સામે ઘણી બધી ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. એટલે બધા જ સ્ટાફ મેમ્બર ભેગા થવાના છે એની નિશાની હતી એ. અમને પણ નવાઈ લાગી કે આવી રીતે ભેગા કરવાનું કારણ શું? પરંતુ તેઓનાં મુખ પરના ભાવ વાંચતા અમને અણસાર આવી ગયો હતો કે સમાચાર કંઈ સારા નથી.

બધા જ ભેગા થઈ ગયા પછી પણ થોડાક સમય માટે કોઈ કંઈ ના બોલ્યું. આ મૌન જાણે અમને અંદરથી રંજાડી રહ્યું હતું. પછી અંતે એક દીદીએ મૌન તોડ્યું, “બાળકો, આપણી ગુરુકૂળનો હેતુ બધા જ વિદ્યાર્થી ડોક્ટર કે એન્જિનિયર બની જાય એવો નથી. પરંતુ અહી આવનાર દરેક બાળક જીવન ઘડતરના એવા મૂલ્યો શીખીને જાય કે જીવનની કોઈ પણ પરિસ્થિતીમાં ક્યાય પાછો ના પડે એવો છે. આપણો ધ્યેય શિક્ષણ કરતાં ઘણો મોટો છે.” આટલું બોલ્યા પછી એ ચૂપ થઈ ગયા અને કંઈક વિચારમાં પડી ગયા.

પછી એક ઊંડો શ્વાશ લીધો અને ધીમા નિશાશા ભર્યા સ્વરમાં બોલ્યા, “પરંતુ કેટલાક સમયથી અમે લોકો જોઈ રહ્યા છીએ કે ગુરુકુળમાં ચોરીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે એકબીજાનાં કબાટમાંથી આપણે વસ્તુઓ ચોરી લઈએ છીએ રસોડામાથી ચોરીછૂપીથી ખાવાનું લઈ આવીએ છીએ. તમારા કબાટને કે કોઈ જ્ગ્યાએ આપણે ક્યારેય એટલા માટે તાળું નથી મારતાં કે આપણને ક્યારેય એની જરૂર નથી પડી. એક જ પરિવારનાં સભ્યોમાં તાળું નહી વિશ્વાસ હોય. શું આપણે સૌ એક પરિવાર નથી?”

ફરીથી થોડીક ક્ષણો માટે ચુપકીદી છવાઈ ગઈ. તેમના આ શબ્દોથી મને ધ્રાસ્કો પડ્યો. મને એવું લાગ્યું કે આ બધુ જાણે મારા માટે જ કહેવાઈ રહ્યું છે. જોકે એ તો બધાને સંબોધીને કહી રહ્યા હતા. પરંતુ હું પણ છેલ્લા કેટલાક સમયથી રાતે બધા સૂઈ જાય પછી મારા મિત્રો સાથે રસોડામાં જતો અને અમે કંઈકનું કંઈક લાવીને ખાતા. ગુરુકુળમાં અમને વેરાયટીવાળું મનગમતું જમવાનું તો પૂરતા પ્રમાણમાં સમયાંતરે મળી જ રહેતું પણ આવું ચોરી કરીને ખાવામાં અમને જાણે કઈક અલગ જ આનંદ પ્રાપ્ત થતો. અમને એમાં અદમ્ય સાહસ લાગતું. એવું લાગતું કે જાણે કોઈ યુદ્ધ જીતીને ના આવ્યા હોય ! પણ હતી તો આ ચોરી જ. જો એક વાર ટેવ પડી જાય તો એ ગમે ત્યારે મોટું રૂપ લઈ શકે.

તેમણે બોલવાનું આગળ વધાર્યું, “ દિવસેને દિવસે અપશબ્દો બોલવાનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. એકબીજાનાં ખોટા નામો પાડીને ચીડવીએ છીએ. નિશાળનાં શિક્ષકોનાં નામ પાડીએ છીએ. મસ્તી તોફાન સુધી ઠીક છે પરંતુ કોઈને વાગી જાય એવી મારામારીતો ન જ કરાય ને આપણાંથી. તમારા મમ્મી પપ્પાને અમારે શું જવાબ આપવો કે તમે અહીંથી આવા સંસ્કાર લઈ રહ્યા છો ? ”

તેમનાં શબ્દો અમારી પર અસર કરી રહ્યા હોય એમ અમે સૌ માથું નીચું કરીને સાંભળી રહ્યા હતા.

“તમારું બાળપણ તમે જરૂર માણો…. પરંતુ આપણાં સંસ્કાર આપણે ક્યારેય ના ભુલવા જોઈએ ને? ”

આટલું બોલ્યા પછી સ્પષ્ટ વર્તાઇ આવતું હતું કે એમને ગળે ડૂમો બાજી ગયો છે અને અમારી આ ભૂલોથી એમને કેટલી પીડા થઈ રહી હશે. તેઓ ખરા અર્થમાં અમારા સાચા શુભચિંતક. અમને પણ એટલો વિશ્વાસ કે ક્યારેક અમે અમારું અહિત કરી નાખીએ પણ એ લોકો તો અહિત ના જ થવા દે. આવાં જ સ્નેહના તાંતણાંઓ સાથેનો બંધાયેલો અમારો સંબંધ.

પછી એ એક એવું વાક્ય બોલ્યા કે જેની સીધી અસર જાણે અમારા હ્રદય પર થઈ ગઈ હતી અને જાણે ચક્રવાતની જેમ ઘણા સમય સુધી એ જ વાક્ય મગજમાં ઘુમરાતું રહ્યું, “તમારો કઈ વાંક નથી. ગુરુકૂળનું વાતાવરણ ડહોળાઈ જવામા સો ટકા અમારી જ ભૂલ છે. અમારામાં જ ક્યાક કચાશ છે કે અમે તમને સાચી સમજણ નથી આપી શક્યા.”

ગાળો અમે બોલીએ, ચોરી અમે કરીએ, મારામારી અમે કરીએ અને ભૂલ એમની આવું કઈ રીતે ? આ વાત મારી સમજથી પર હતી. પણ હ્રદયમાં ભાર લાગવા લાગ્યો હતો. આટલા પ્રેમાળ અમારા ગુરુજનોનો વિશ્વાસ તોડવા બદલ ભારોભાર અફસોસ પણ થઈ રહ્યો હતો. અને હું એકલો જ નહીં પણ જે લોકોએ ભૂલો કરી હતી એ બધા જ અનુભવી રહ્યા હશે. પછી એ દિવસે એમ જ સભા પૂરી કરી દેવામાં આવી અને અમે સૌ પોતપોતાની રૂમ તરફ વળ્યા.

‘અમારી ભૂલોની કોઈ સજા નહી? કોઈ જ ઠપકો નહી?’ આ વાતથી ખુશ થવું કે દુખી થવું એ સમજાતું નોહતું. પણ હંમેશા મસ્તીના હિલોળે હીંચતા અમારામાંથી કોઈ પણ એકેય શબ્દ ના બોલી શક્યા. એ વાત પરથી અંદાજ લગાવી શકાય કે કોઈ પણ આનંદમાં તો નોહતું જ. દરવખતે અમારી નાની મોટી ભૂલો પર જેમ તેઓ અમને પ્રેમથી સમજાવતા, ક્યારેક ગુસ્સો કરીને વઢતા, અને જરૂર પડ્યે શિક્ષા પણ કરતાં. આવું આ સમયે કેમ ના કર્યું?

હું વર્તમાનમાં પરત ફર્યો. મને એ સમજતા સહેજ પણ વાર ના લાગી કે સ્ટાફ મેમ્બર શા કારણથી આવા ભર તડકામાં બેઠા છે? અમે લોકો પહેલા માળેથી નીચે જોઈ રહ્યા હતા. મુખ પર કોઈ પણ જાતનાં ભાવ વગર કોઈ સંત જેમ સ્થિતપ્રજ્ઞ દશામાં બેઠા હોય એમ તેઓ બેઠા હતા.

હું પણ પેલા મિત્રો સાથે ચર્ચા માં જોડાયો. “ અડધો કલાક થઈ ગયો, ક્યાં સુધી સ્ટાફ મેમ્બર આમ જ બેસશે? ” એક જણે પૂછ્યું. જો કે એનો પ્રશ્ન વ્યાજબી લાગ્યો. અમારી ભૂલોને પોતાની સમજીને તેઓ પોતાની જાતને શિક્ષા આપી રહ્યા હોય એવું લાગ્યું

“હમણાં જમવાનો સમય થશે ને ઊભા થઈ જશે.” ટોળાંમાં ઉભેલા એક વ્યક્તિએ જવાબ આપ્યો.  “પણ હજુ તો જમવાને અડધો કલાકની વાર છે.” પેલા પ્રશ્ન પૂછનારે ચિંતા વ્યક્ત કરી. જો કે ચિંતા તો અમને બધાને થઈ રહી હતી, એમની સાથેની અમારી લાગણી જ એવી હતી.

એક જણે સૂજાવ આપ્યો “આપણે એમની પાસે જઈને માફી માંગી લઈએ.” ત્યાં ઉભેલા બધા એ વાતમાં સમંતિ પુરાવી. પણ હજુ મોટા ભાગના વિદ્યાર્થીઓ ચાલી રહેલી ઘટનાથી સાવ અજાણ જ હતા. કેમ કે તેઓ તો જાહેરખંડમાં બેસીને વાંચન કરી રહ્યા હતા. જો કે આમ જોવા જઈએ તો આમાં બધાની ભૂલ પણ નોહતી જ. પણ હા, ઘણાં મોટા વર્ગની કહી શકાય. ગાળો બોલવાનું પ્રમાણ, ચોરી, અને મસ્તી-તોફાન વધીને મારામારી સુધી પહોચી ગયા હતા.

“સૉરી.” દાદરા ઉતરી જ્યાં સ્ટાફ મેમ્બર બેઠા હતા ત્યાં પહોંચી અમે સૌ એક સાથે બોલ્યા. પણ ના તો અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો. ના તો એમની આંખો ખુલી. અમે ફરી કહ્યું, “હવે આવી ભૂલો અમારાથી ક્યારેય નહી થાય, સૉરી.” પછી બધાએ આંખો ખોલી અને એક સરે કહ્યું, “ તમારે માફી માંગવાની જરૂર નથી કારણકે તમે ભૂલ જ નથી કરી. તમે ચિંતા ના કરો. આ તો અમે તમને સાચો માર્ગ બતાવી શકીએ, એ માટે ભગવાન પાસે શક્તિઓ માગી રહ્યા છીએ. ”

જે રીતે અમને જવાબ મળ્યો એ પરથી હવે આગળ કશું બોલવાનું રહ્યું નહી અને અમે ત્યાંથી નીકળી ગયા. પણ હા અમને ખબર હતી કે તેઓ તો તેમનો ગુરુ ધર્મ બજાવવામાં સફળ જ રહ્યા હતા. પૂરી લગનથી અને નિષ્ઠાથી અમને સંસ્કારોથી શિક્ષિત કરી રહ્યા હતા. અને એટલે જ દુનિયા માટે કહેવાતી અમારી નાની ભૂલો પણ એમને મન મોટી લાગતી હતી. જેના માટે તેઓ પોતાને જ જવાબદાર ગણી રહ્યા હતા. અમારા માટે જે પણ થઈ શકે એ બધુ જ કરી રહ્યા હતા. પણ અમે અમારો શિષ્ય ધર્મ પાળવામાં ક્યાંક થાપ ખાઈ ગયા હતા.

એટલામાં બેલ વાગ્યો અને ભણવાનો સમય પૂરો થયો ને જમવાનો સમય શરૂ થયો. બધા પોતપોતાના પુસ્તકો રૂમમાં મૂકીને ભોજનલાય તરફ વળ્યા. ભોજનલાય, ભગવાનની મૂર્તિ સામે જ હતું જ્યાં સ્ટાફ મેમ્બર બેઠા હતા. એટલે જતાં આવતા દરેક વિદ્યાર્થીએ એમને આવી રીતે ભગવાન સામે બેઠેલા જોયા. બે- ત્રણ વિદ્યાર્થીઓ તેમને જઈને જમવાનું પૂછતા આવ્યા. પણ એમણે ‘ના’ પાડી.

જમવામાં જાણે કોઈ હરીફાઈ ના લગાવી હોય, એમ બધા ફટાફટ જમવાનું પતાવીને અમે બહાર આવ્યા. અમારા ટાઈમટેબલમાં જમવાનો સમય પૂરો થયા પછી એક કલાક માટે ‘મારો સમય’ ગોઠવાયેલો  હતો. આ સમયમાં વિદ્યાર્થી કેમ્પસમાં રહીને તેને ગમતી કોઈ પણ પ્રવુતિ કરી શકે, સૂઈ શકે. મોટા ભાગના લોકો સુવાનું જ પસંદ કરતાં. પણ આજે કોઈ જ સુવા ના ગયું. અને ઊંઘ પણ કેમની આવે ?

એ લોકો હજુ એમ જ આંખો બંધ કરીને ત્યાં જ બેઠા હતા. બે જણ એમને ફરીથી જમવાનું પૂછવા ગયા પણ એમણે ના પાડી દીધી. દોઢેક વાગવા આવ્યો હશે. તડકો પણ ખૂબ જ હતો. અમારી ચિંતા પણ વધવા લાગી. ‘મારો સમય’ ચાલુ થઈ ગયો હતો. એમને તડકો ના લાગે એટલે બે જણ ક્યાકથી ઉપર બાંધવા માટે લાંબુ કાપડ લઈ આવ્યા. પણ એ લાંબુ કાપડ પણ સામસામે આવેલા બે પિલરને બાંધવા માટે નાનું પડ્યું. એટલે ઘણા બાળકો બીજું કપડું શોધવા ચાલ્યા ગયા. મોટા પડદા જેવુ કઇંક મળી જાય તો ઉપર બાંધીને છાંયડો કરી શકાય એમ હતું.

થોડાક વિદ્યાર્થીઓ જઈને એમના માટે પાણી લઈને આવ્યા. બીજા કેટલાક વિદ્યાર્થી જમવાની થાળી તૈયાર કરીને ત્યાં લઈ આવ્યા. લગભગ અત્યારે ગુરુકૂળનો દરેક વિદ્યાર્થી અહી હાજર હતો. જો કે પહેલા તેઓ પાણી પીવાનું પણ ના પાડતાં હતા પણ બાળકોની આજીજી પછી પાણી તો પીધું પણ જમ્યા નહી. જે લોકો મોટું કપડું શોધવા ગયા હતા એ લોકો ખાલી હાથે પાછા આવ્યા. એટલે પિલરે બાંધવાની જગ્યાએ બધા બાળકો પહેલા માળેથી કપડું પકડીને એવી રીતે ઊભા રહ્યા કે નીચે છાંયડો પડે. પણ એ કપડું પણ પૂરો છાંયડો નોહતું આપી શકતું. જો કે સ્ટાફ મેમ્બર્સે તો અમને આવું કરવાની ના પાડી. લગભગ બધા જ કઈક ને કઈક કામ માં પરોવાઈ જ ગયા હતા. આખું જ દ્રશ્ય ભલભલાની આંખોમાં પાણી લાવી દે તેવું હતું. વિદ્યાર્થીઓનો પણ ગુરુ માટે નો અનહદ પ્રેમ દર્શાવતું હતું.

ઘડિયાળનાં કાંટા પણ આજે જાણે ધીમે ધીમે ફરી રહ્યા હોય આવું લાગતું હતું. અમારી ભૂલની શિક્ષા સ્ટાફ મેમ્બર ભોગવી રહ્યા હતા એ જોઈને ખૂબ જ દુખ થઈ રહ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓની આંખોમાં પાણી આવી ગયું. અને નાના વિદ્યાર્થીઓ તો રીતસરના રડી પડ્યા. તડકામાં એ લોકો બળતા હતા અને તકલીફ જાણે અમને થઈ રહી હતી. થોડા થોડા સમયે વિદ્યાર્થીઓ એમની માફી માગીને અહીથી ઊભા થઈને જમી લેવાનું કહેતા. જો કે તેઓ જમવાની ના પાડતા રહ્યા.

એમને બસ આમ જ આવી રીતે ભૂખ્યા પેટે બેસે ચાર કલાક થવા આવ્યા હશે. પણ હજુ પણ તેઓ એ જ સ્થિરતાથી અને ગંભીરતાથી બેસી રહ્યા હતા. દરેક પસાર થતી ક્ષણ અમને અહેસાસ કરાવતી હતી કે કદાચ અમને અમારી ભૂલ બદલ કોઈ કઠોર સજા મળી ગઈ હોતને એ સારું હોત. કેમ કે આ શિક્ષા કદાચ એ શિક્ષા કરતાં ઘણી મોટી નીવડી. પછી આશરે ચારેક વાગ્યે બાળકોની ખૂબ આજીજી પછી તેઓ ઊભા થયા.

આ પછી લગભગ બધા જ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો, મે પણ કર્યો. એમણે અમને એ જ વહાલથી સમજાવ્યું. અને એવું લાગ્યું કે ભૂલોનો સ્વીકાર કરતાં એ બાજુનો પક્ષ તૂટ્યો અને એકદમ હળવા થઈ જવાયું. અને એ પછી બધા જ સ્ટાફ મેમ્બર અમારી સાથે જાણે કશું જ ના બન્યું હોય એવું વર્તન કરવા લાગ્યા. અમારી કોઈ પણ ભૂલો માટે અભિપ્રાય ના રાખ્યો, અને એમના પ્રેમમાં પણ ક્યાય ઊણપ ના આવી.

મને ખ્યાલ નથી પણ કઈ પળે મનોમન નક્કી થઈ ગયું કે ક્યારેય કોઈનો વિશ્વાસઘાત તો ના જ કરવો જોઈએ અને એમાંથી પણ એવા વ્યક્તિનો તો નહીં જ, જેમણે આપણી પર આટલો બધો વિશ્વાસ મૂક્યો હોય. એ પછી ફરીથી જ્યારે પણ મારાથી ભૂલ થઈ તો હું જઈને કહી આવ્યો, અને મને માર્ગદર્શન મળી જતું. આવું કરવાથી મારો ભૂલો તરફનો પક્ષ તૂટ્યો અને એમનો વિશ્વાસ પણ જળવાઈ રહ્યો.

આજે પણ જ્યારે પણ ‘શિક્ષા’ શબ્દ સાંભળુંને ત્યારે મારી સ્મૃતિમાં આ આખું જ ચિત્ર આવી જાય. અને પછી ક્યાંક ઊંડા વિચારોમાં ખોવાઈ જાઉં. ક્યારેક ક્યારેક હું વિચારું છું કે જો અમને કદાચ સીધી શિક્ષા કરવામાં આવી હોત તો આટલું બધુ સારું પરિણામ ના આવ્યું હોત. પણ હવે ધીમે ધીમે સમજાય છે ગુરુઓનું તો આવું જ હોય, એમની રીત આવી જ હોય. ક્યારે, કેવી રીતે ‘શિક્ષણ’ આપી દે ને, એ આપણી સમજથી પર છે.

અંતે, સાચે જ કારગર નીવડી હતી, આ અનોખી શિક્ષા !