Tran Vikalp - 11 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 11

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૧

નિયતિ અને કાન્તા બેડરૂમમાં આવે છે. એ રૂમમાં નિયતિની નિમિતા, રાધા, નાના અને નાની સાથે વિતાવેલી પ્રેમભરી યાદો હતી. આજે બે વર્ષ પછી આ રૂમમાં આવી હતી. રૂમની બધી વસ્તુઓ એના સ્થાન ઉપર હતી. પણ આજે રૂમનું વાતાવરણ જુદું હતું, થોડું ઉદાસ અને ખુશીઓની રાહ જોતું તથા રૂમની મસ્તી ગાયબ હતી. આજે નાના, મમ્મી અને દીદીની ગેરહાજરી હતી. કાન્તા બેડ ઉપર બેસે છે. નિયતિ નાનીના ખોળામાં માથું મૂકીને આંખો બંધ કરે છે. કાન્તાનો હાથ ધીમેથી નિયતિના માથા અને બરડા ઉપર ફરવા લાગે છે.

કાન્તા જૂની યાદો તાજી કરે છે: “આરૂ, તું આ ઘરમાં તારા નાના સાથે આવી ત્યારે એ બોલ્યા હતા કે, કાન્તા આ આરૂ છે ત્યાં સુધી આપણી રાધાને કોઈ તકલીફ નહીં આવે... યાદ છે બેટા!” નિયતિ પણ નાની સાથે યોદોમાં પરોવાય છે: “હા યાદ છે નાની... મેં અને દીદીએ ત્યારે આટલો મોટો બંગલો પહેલી વાર જોયો હતો... દીદી તો થોડી વાર સુધી કશું બોલી જ નહીં... મારી દીદીની ઈચ્છાઓ બહું ઊંચી હતી... સ્વભાવ અલ્લડ હતો... એશ-આરામથી જીવવા માંગતી હતી... આ બંગલો જોઈને એણે જીવનનો ધ્યેય નક્કી કર્યો હતો કે એ પણ આટલું મોટું ઘર બનાવશે અને બહુ બધા રૂપિયા કમાશે.”

કાન્તા: “હા… તમારાં લોકોનાં આવ્યા પછી તારા નાનાએ રાધા અને આનંદનાં છૂટાછેડા કરાવ્યા... કિશનની પત્ની થોડા વર્ષો પહેલાં કેન્સરની બીમારીનાં કારણે મૃત્યુ પામી હતી... તારા નાનાનું વર્ષો જૂનું રાધા અને કિશનનાં લગ્નનું સપનુ સાકાર થયું... એના પણ બે બાળકો હતા... સ્નેહા અને પ્રણવ.”

નિયતિ: “એ સમયે દીદીનાં મનમાં એક વાત બેસી ગઈ કે મમ્મી એને ઓછો પ્રેમ કરે છે અને પપ્પા વધારે પ્રેમ કરે છે... એ પપ્પા સાથે રહેવા ગઈ... હું પિતાનું નામ બદલાવીને મમ્મી સાથે મુંબઈ રહેવા ગઈ... દીદી અને હું રજાઓમાં અહીં રહેવા આવતાં... બે વર્ષ પછી સ્નેહાદીદી અને પ્રણવભાઈએ પણ અહીં રજાઓમાં રહેવા આવવાનું શરૂ કર્યું... જે દીદીને બિલકુલ ના ગમ્યું... દીદીની મમ્મી પ્રત્યેની લઘુતાગ્રંથિ વધારે પ્રબળ બની અને વાત કરવાનું ઓછું કર્યું... એને લાગ્યું કે મમ્મી એના સિવાય બીજા બાળકોને વધારે પ્રેમ કરે છે... પહેલાં એ પ્રેમ મારી સાથે ભાગમાં મળતો હતો... પછી ચાર વચ્ચે વહેચાયો... હકીકતમાં મમ્મી મારાં કરતાં પણ વધારે સ્નેહા અને પ્રણવને પ્રેમ આપતી હતી... હું સમજતી હતી કે સુખી પરિવાર માટે એ જરૂરી હતું... પણ દીદી!”

કાન્તા: “કિશને તને દીકરી તરીકે પૂરા દિલથી અપનાવી...” નિયતિ: “હા નાની... પપ્પાએ પિતાની તમામ ફરજ પૂરી... મને સ્નેહા અને પ્રણવ કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે...”

કાન્તા: “મીનાને નિમુ એક આંખ ગમતી નહોતી... આનંદ દીકરીને બહુ પ્રેમથી રાખતો... ઉપરથી તને મળવા આવવાના બહાના શોધતો... આનંદ આ ઘરથી હમેંશા માટે સંબંધ પૂરો કરે એટલા માટે મીનાને રાજકોટ છોડવાનું યોગ્ય લાગ્યું... ગમે તે પ્રકારે એ આનંદને અમદાવાદ લઈ ગઈ... નિમુ પણ એ લોકો સાથે ગઈ...”

નિયતિ: “અમદાવાદ ગયા પછી દીદી વધારે દૂર થઈ હતી... મમ્મી સાથે વાત કરવાનું બિલકુલ બંધ કર્યુ... બીજા બધા સાથે વાત કરવાની પણ ઓછી થઈ... એને સવિતા કોસ્મેટિક્સની જાહેરાત માટે મોડેલિંગની ઓફર આવી... એના સપનાઓને ઉડાન મળી હતી... ભારતની ખ્યાતનામ મોડેલ બનવાના સપના સાથે મોડેલિંગ શરૂ કર્યુ... થોડો સમય પરિસ્થિતી બરાબર હતી... દીદી મારી, તમારી, દાદી બધાની સાથે ક્યારેક ફોનથી વાત કરતી...”

કાન્તા: “એક દિવસ મેં એને રાજકોટ રહેવા આવવા માટે કહ્યું તો ગુસ્સે થઈ... બસ એ એની સાથે ફોન પર છેલ્લી વાત થઈ હતી... બીજા દિવસે એનો SMS આવ્યો કે હું સવારે અને સાંજે Good Morning, Good Evening એમ બે SMS કરીશ... મને મારા કામમાં હેરાનગતિ થાય છે તો મને ફોન કરશો નહીં... થોડા દિવસો પછી હું જાતે મળવા આવીશ... એના ત્રણ મહિના પછી આ ઘરની બધી ખુશીઓ ઉપર કોઇની નજર લાગી... દીકરી બહુ મહિનાઓ પછી આ ઘરમાં થોડી ખુશીની પળો તું લઈને આવી છું... પણ સાથે એક ડર...” કાન્તા બાજુમાં કોર્નર ઉપર પરિવારની ફોટોફ્રેમ હતી તે હાથમાં લે છે. જૂની વાતો જેમ યાદ આવી તેમ એનું હૈયુ ભરાઈ આવ્યું હતું. દરેક સ્ત્રી પોતાના બાળકોને અતિશય પ્રેમ કરતી હોય છે. એના બન્ને બાળકો ઉપર અચાનક મુસીબત આવી હતી. દીકરી દુનિયા છોડી ગઈ જ્યારે દીકરો વ્હીલચેર ઉપર જીવન વ્યતીત કરી રહ્યો હતો. પતિનું અચાનક મૃત્યુ થયું હતું. એક રાતમાં પૂરા પરિવાર ઉપર આભ ફટયું હતું. નિયતિ નાનીના આંસુ લૂછે છે.

નિયતિ: “નહીં નાની... ડરવાના દિવસો ગયા... હા... હજી મંઝિલ થોડી દૂર છે... બસ માધવ આવે... મારી સાથે લગ્ન કરે કે ના કરે પણ દીદી અને શુભને એમનો હક્ક આપે.”

કાન્તા અને નિયતિ જૂની યાદો તાજી કરીને થોડી વાર ખુશ અને થોડી વાર માયુસ થતાં હતાં. મોડા સુધી નાની અને દોહિત્રીની વાતો થઈ. જૂની વાતો પણ કમાલની હોય છે. કોઈ વાર ખુશી આપે તો દુ:ખ પણ આપે. ગમે એવા દુ:ખનાં વાદળો ઘેરાયા હોય, ભૂતકાળના સુખ અને ખુશીઓથી ભરેલા દિવસો યાદ આવે તો થોડા સમય માટે પણ પીડા દૂર થાય છે. નિયતિ પણ વિચારે છે આજે ઘણાં સમય પછી ખુશીનો પગરવ સંભળાય છે. માધવ એને મળવા ચોક્કસ આવશે. એનું હૈયું મોટેથી બોલવા તત્પર છે કે, ‘જલ્દી આવજે માધવ. તારી વાટ જોઈ રહી છું. મારી દરેક પીડા, દુ:ખ, તકલીફ તારા સિવાય કોઈ દૂર નહીં કરી શકે. તને હું એકલો મૂકીને આવી પણ તેં મારો સાથ છોડ્યો નથી. તું એક વાર આવી જા, હું પણ તારો સાથ જીવનભર છોડીશ નહીં.”

***

હેમા સાથે વાત કરવા માધવ પૂર-ઝડપે ગાડી ચલાવી હોસ્ટેલ જવા નીકળે છે. ઓફિસથી હોસ્ટેલનું અંતર માત્ર પાંચ કિલોમીટર હતું. એ આજે પાંચસો કિલોમીટર જેટલું લાગ્યું હતું. માધવને હોસ્ટેલમાં જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. આ પહેલાં એ માત્ર એક વાર હોસ્ટેલ આવ્યો હતો, જ્યારે નિમિતા રાજકોટ પાછી જાય છે. એ દિવસે માધવે હેમાને કડક શબ્દોમાં સૂચના આપી હતી કે કોઈ પણ સ્ત્રીને હેરાન કરવી નહીં. ત્યારે માધવનું રોદ્ર રૂપ બધાએ જોયું હતું. ગરીબ અને લાચાર મહિલાઓને માધવના રૂપમાં ભગવાન મળ્યા હતા. માધવે હોસ્ટેલમાં રહેતી દરેક સ્ત્રીને વચન આપ્યું હતું કે હવે કોઇની સાથે અન્યાય નહીં થાય. માધવના આપેલા વચન છતાં ત્યાં સ્ત્રીઓને હેરાન કરવામાં આવી હતી. એ વાત એના અંતરને દઝાડી રહી હતી. દરેક સ્ત્રીઓની તકલીફનો ભાર એને વર્તાય છે. એ આવીને સીધો હેમાની ઓફિસમાં જાય છે. ઓફિસમાં હેમા દેખાતી નથી.

માધવને જોઈને લીલા તરત ઓફિસમાં આવીને કહે: “સાહેબ બેસો હું તમારા હાટુ પાણી લાવું છું.”

માધવ: “હા પાણી લાવો... એક મોટો જગ ભરીને અહીં મૂકો અને જલ્દી હેમાબેનને બોલાવો... ક્યાં છે એ?”

લીલા ઉત્સાહથી માધવ સાથે વાત કરે છે: “નિયતિબેન ગયા એની પછી બેને મોટા સાહેબ હારે વાત કરી... પછી એમના રૂમમાં જતાં રહ્યાં છે... હું બેનને બોલવું છું...” લીલા જવાના બદલે દુવિધામાં અટવાતી માધવને પૂછે છે: “સાહેબ હું તમારા માટે ચા અને નાસ્તો પણ બનાવી દઉં? અનુપ સાહેબને અહીંનું જમવાનું બહુ ભાવતું... સાહેબ તમે નાસ્તો કરશો તો મને ઘણી ખુશી થશે.”

માધવ: “સારું... આમ પણ મને ભૂખ લાગી છે... બનાવો અને ઉતાવળ કરજો.”

લીલા એ સાંભળીને ખુશ થઈ ગઈ. માધવની સમજમાં એ ખૂબ સારી રીતે આવ્યું કે અનુપનું નામ લેતી વખતે લીલાના ચહેરા ઉપર થોડી નફરતની ઝલક સાફ દેખાઈ હતી. ગરીબી પણ કેવા ખેલ ખેલે છે. થોડી મૂડી મેળવવા માટે ગરીબો એમનું સ્વમાન અને ઇજ્જત અમીરોના પગમાં સમર્પણ કરે છે. જરૂરિયાત દુનિયામાં અમીરો અને ગરીબો બન્નેને પડે છે. અમીરો રૂપિયાથી જરૂર પૂરી પાડે છે અને ગરીબો કેટલાં ભોગ આપીને પણ પૂરી કરી શકતા નથી. એક મીઠી નજર અને બે મીઠા બોલથી જે લોકો તનમન અર્પણ કરે છે એ લોકોને રંજાડીને શું મેળવી લેવાનું. માણસાઈની અમીરી તો ગરીબાઈમાં જ જીવંત છે જે માણસને અન્નદાતા ગણીને પૂજે છે. બાકી અમીરીતો માણસને ગુલામ બનાવે છે.

હેમાને ખબર પડે છે કે માધવ આવ્યો છે. એ જાણતી હતી માધવ અચૂક આવશે. એ માધવ જે કહેવા અને પૂછવા આવ્યો છે તે બધુ સાંભળવા અને જવાબ આપવા માટે તરત ઓફિસમાં હજાર થાય છે.

હેમા: “બોલો માધવ સર તમારે મને જે કહેવું હોય તે... હું તૈયાર છું.”

એક પળનો વિલંબ કર્યા વગર માધવ બોલે છે: “મારે નિમિતા વિષે બધી વાત જાણવી છે.”

માધવની વાત સાંભળીને હેમાને અચંબો થાય છે. હેમાનું માનવું હતું કે માધવ હોસ્ટેલ નિયતિની વાત કરવા માટે આવ્યો છે. હેમા ખોટી પણ નહોતી. એ સમજી ગઈ હતી કે માધવ અને નિયતિ એકબીજાને પ્રેમ કરે છે. માધવ અત્યારે નિયતિના બદલે નિમિતાની વાત પૂછી રહ્યો છે તે હેમાને નવાઈ પમાડે છે.

હેમા: “શું? નિમિતા... પંચાલ!”

“હા... તમે બરાબર સાંભળ્યું... નિમિતા જેટલા દિવસ અહીં રોકાઈ હતી ત્યારે શું થયુ હતું એ બધી વાત તમારે મને કહેવાની છે... એની સાથે ભાઈએ શું કર્યુ? તમે શું કર્યુ? એ બધી વાત હું જાણવા આવ્યો છું... શરૂ કરો.”

માધવ કડક છટાથી નિમિતા વિશે પૂછી રહ્યો છે એ હેમાને વધારે વિમાસણમાં મૂકે છે. જરૂર નિમિતાની કોઈ વાત નિયતિ સાથે સંકળાયેલી છે.

માધવ: “હેમાબેન ક્યારે બોલવાનું શરૂ કરશો... તમે પહેલાં ખુરશી પર બેસો... પાણી પીવો... અને શાંતિથી બોલવાનું શરૂ કરો... મારે કોઈ ઉતાવળ નથી... આ પહેલાં તમે મારાથી બહું વાતો છુપાવી છે... આ વખતે તમને આ છેલ્લો ચાન્સ છે... જો કોઈ વાત કહેવાની બાકી રહી તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે... હવે હું તમને માફ નહીં કરું... એટલે તમારી યાદશક્તિને જરા તકલીફ આપીને બોલવા લાગો.”

હેમા થોડો ઊંડો શ્વાસ લઈને ખુરશી પર બેસે છે. નિમિતા જે દિવસે માર્ગદર્શન લેવા આવી હતી એ દિવસ યાદ આવતા પણ હેમાનું હ્રદય એક ધબકાર ચૂકી જાય છે. ધીરેથી અતીતની વાત યાદ કરીને બોલવાની શરૂઆત કરે છે. “આ હોસ્ટેલમાં પહેલી વાર નિમિતા આવી એ દિવસ મારા જીવનના દુ:ખદ દિવસોમાંથી એક હતો... ત્યારે અનુપે આ ઓફિસમાં મારી સાથે જે વર્તન કર્યું હતું એ યાદ આવતા પણ મારા રુંવે-રુંવે કંપારી છૂટે છે... આ ઓફિસથી નિમિતાની સફળતા અને બરબાદી બન્નેની શરૂઆત થઈ હતી... બદનસીબથી એ બન્નેની શરૂઆત પણ મારા હાથે અનુપે કરાવી હતી...”

હેમા અતીતમાં પૂરી રીતે લીન થાય છે. એક દિવસ હું શોપિંગમોલમાં ગઈ ત્યારે મને એક બહેને બોલાવી “તમે હેમાબેન છો ને?” હું એ સ્ત્રીને ઓળખવાની કોશિશ કરતી હતી. એ બહેન ફરી બોલ્યા “હેમાબેન છો? સાચું ને? અરે મને ના ઓળખી? હું અને તમે એક સ્કૂલમાં ભણતાં હતાં... હું તમારાથી ચાર ધોરણ પછી ભણતી હતી... મીના!”

હેમા: “હા... મીના, ઓળખી... ઘણાં વર્ષો પછી પણ તું મને ઓળખી ગઈ!”

મીના: “હાસ્તો વળી… તમારા ફોટા હું પેપર અને ટી.વી. પર જોતી હતી... એટલે તો ઓળખી શકી.”

બન્ને વચ્ચે થોડી બીજી વાતો થાય છે. નિમિતા અને ધૃવ હાથમાં આઇસ્ક્રીમનો કોન લઈને મીના પાસે આવે છે. નિમિતા આવે છે એટલે મીનાના મોઢા પર તિરસ્કાર તરી આવે છે. પણ નિમિતાને જોઈને હેમા બે ઘડી એને જોતી રહી જાય છે. નિમિતા ખૂબ સુંદર હતી એમાં પણ એની ત્વચાની ચમક સુંદરતામાં ચારચાંદ લગાવતી હતી.

ધૃવ: “મમ્મી જો હું અને દીદી આઇસ્ક્રીમ લાવ્યા છે... આ કોન તારો છે...” હેમાને જોઈને ધૃવ પૂછે છે “મમ્મી આ આન્ટી કોણ છે?” મીના વ્હાલથી ધ્રુવ સામે હસે છે: “બેટા આ આન્ટી અને હું એક સ્કૂલમાં ભણતાં હતાં... તને ખબર છે ધૃવ, આ આન્ટી વર્ષો પહેલાં બહુ ફેમસ મોડેલ હતાં.”

એ વાત સાંભળીને નિમિતાના ચમકદાર ચહેરા ઉપર રંગીન ચમક ઊભરી આવે છે. નિમિતા પોતે ફેમસ હિરોઈન બનવા માંગતી હતી. ફિલ્મોમાં કામ કરવા માટે પ્રખ્યાત હિરોઈનને કરોડો રૂપિયાની ફી મળતી હોય છે. ખૂબ જલદી પૈસાદાર બનવા માટે એ માર્ગ નિમિતાને સરળ લાગ્યો હતો. નિમિતા માનતી હતી મોડેલ બન્યા પછી આસાનીથી હિરોઈન બનવા માટે માર્ગ ખૂલે છે. પોતાના અરમાનોને એક સીડી મળી હોય એવો ઉત્સાહ એના દિલમા થાય છે. નિમિતા એ દિવસે હેમાનો મોબાઈલ નંબર લે છે. મીનાને નિમિતાનું હેમા સાથે વાત કરવું ગમતું નથી. એ જાણતી હતી નિમિતાના સપના કેટલા ઊંચા છે.

હેમાને મળીને નિમિતા ઘરે આવે છે ત્યારે એના તનબદનમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. વિશાળ ગગનમાં પહેલી વાર ઉડતા પક્ષીના જેવો રોમાંચ થયો હતો. પહેલી વાર ઉડતી વખતે પડી જવાની થોડી ગભરાહટની સાથે વાદળોને ચીરીને આરપાર જવાની હિંમતનો મિશ્રિત ભાવ ઉત્તપન્ન થતો હોય છે. નિમિતાના સપનાઓ પણ એવા મોડ ઉપર આવ્યા હતા. હેમાને મળીને હિરોઈન અને મોડેલ બનવા માટેનું માર્ગદર્શન લેવું હતું. સુંદરતામાં વધારે નિખાર લાવવા માટે યોગ અને કસરત નિયમિત કરતી. જમવામાં પણ ચીવટ રાખીને ચરબીયુક્ત ખોરાકમાં પરેજી રાખતી. પ્રખ્યાત હિરોઈનોના ઇન્ટરવ્યુ ટીવી પર જોતી, મેગેઝીનમાં વાંચતી અને એમના ડાયેટ પ્લાન અને બ્યુટી ટીપ્સનું અનુકરણ કરતી. જે કલાકારની એકટીંગ ગમે એની નકલ કલાકો સુધી કરતી. ક્યારેક અરીસા સામે, ક્યારેક વાસંતી, ધૃવ અને આનંદ સામે એની કલાકારી કરીને બતાવતી. ધૃવતો એ જોઈને ખૂબ મજા લેતો, સાથે નિમિતાને પ્રોત્સાહન આપતો. વાસંતી અને આનંદ પણ નિમિતાના સપનાઓ સાકાર થાય એવી પ્રાથના કરતાં.

મીના સિવાય દરેકને નિમિતાની ઇચ્છાઓની પરવાહ હતી. એની ઈચ્છા હંમેશાં નિમિતાને દુ:ખી જોવાની રહેતી. સાત વર્ષથી વધારે સમય પસાર થયો છતાં આનંદને નિમિતાથી દૂર કરી શકી નહોતી. બાપ-દીકરી વચ્ચે તિરાડ પાડવા માટે અસંખ્ય કાવાદાવા કર્યા હતા. નિમિતા એ છળકપટ ખૂબ સારી રીતે સમજી જતી અને વાત સંભાળી લેતી. નિયતિ બહુ ઓછી વાત કરતી આનંદ સાથે પણ નિમિતા રોજ પપ્પા સાથે વાત અને હસી-મજાક કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવી લેતી. નિમિતાની આ ખૂબી મીનાના અરમાનો ઉપર પાણી ફેરવી દેતી. ધૃવ પણ નિમિતા સાથે ખૂબ મસ્તી કરતો. એની સાથે ભણવા બેસતો. મીનાને ધૃવ અને નિમિતાનો વ્હાલભર્યો સંબંધ આંખમાં કળાની જેમ ખૂંચતો.

નિમિતા ઘરે આવીને વાસંતી અને આનંદની કાગડોળે રાહ જોતી હતી. જ્યારે પણ ઘરમાં આનંદ અને વાસંતી ના હોય ત્યારે નિમિતા એના રૂમમાં રહેવાનુ પસંદ કરતી પણ આજે એને દાદી અને પપ્પા સાથે વાત કરવાની તાલાવેલી વધારે હતી. માત્ર હેમાનો નંબર મળ્યો હતો પણ એનું હ્રદય કહેતું હતું ‘ખુલ્લી આંખે જોયેલા સપનાઓને પ્રથમ પગથિયું પ્રાપ્ત થયું છે.’ થોડી વારમાં આનંદ અને વાસંતી ઘરમાં આવે છે. નિમિતાના હાવભાવ જોઈને બન્ને અનુમાન લગાવે છે કે એ બહુ ખુશ છે.

આનંદ: “શું વાત છે દીકરી આજે ઘરનું વાતાવરણ બદલાયેલું અને ખુશનુમા લાગે છે!”

નિમિતા પપ્પાનો હાથ પકડી ચકરડી ખાય છે: “પપ્પા... હું મોડેલિંગ કરવા માટે જે લિંકની શોધમાં હતી... તે મને મળી ગઈ.... હું બહુ ખુશ છું...” એ સાંભળીને વાસંતી અને આનંદ બન્ને ઉત્સુક્તાથી નિમિતાને જુએ છે. હેમાને કેવી રીતે મળ્યા તે બધી વાત નિમિતા બહુ ઝડપથી કહી સંભળાવે છે. “પપ્પા કાલે હું હેમાબેનને મળવા જઇશ... આગળ શું કરવાની જરૂર છે બધુ જાણીને આવીશ.” નિમિતા, આનંદ, ધૃવ અને વાસંતી ખુશીથી એકબીજાને ભેટે છે. આનંદ દૂરથી બધુ જોતી મીના પાસે જઈ દીકરીને હેમા સાથે મેળાપ કરાવવા માટે આભાર વ્યક્ત કરે છે.

નિમિતા અભૂતપૂર્વ ઉલ્લાસ સાથે સવાર થવાની રાહ જોવામાં પૂરી રાત પડખા ફેરવતી રહી. સવારે ઊઠીને તૈયાર થઈ દસ વાગે છે એટલે હેમાને ફોન કરી મળવા જાય છે. ત્યારે અનુપ હોસ્ટેલમાં નિમિતાને જુએ છે. એ દિવસે એના શરીરના અંગે-અંગમાં વાસનારૂપી કીડો સળવળ્યો હતો.

ક્રમશ: