Tran Vikalp - 13 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 13

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૩

નિમિતા મોબાઈલમાં એક નંબર ડાયલ કરે છે: “આરૂ... મને મોડેલિંગની ઓફર મળી ગઈ... મારા પગ જમીન ઉપરથી આકાશમાં ઉડવાની તૈયારીમાં છે...” નિયતિ સુખદ આશ્ચર્ય સાથે ફોન સ્પીકર પર કરે છે: “દીદી કાલે તો તું મળવા ગઈ હતી... આજે ઓફર પણ મળી ગઈ!”

નિમિતા: “અરે ગાંડી, હું આલ્બમ મૂકીને આવી હતી... અને તારી દીદી છે જ એટલી સુંદર કે એ લોકો મને કામ આપવા માટે મજબૂર થયા...” બોલીને બન્ને બહેનો ખડખડાટ હસે છે. બન્ને બહેનો ખૂબ ખુશ થઈને વાત કરતી હતી. રાધા પણ બધું સાંભળીને ખુશ થાય છે.

નિયતિ દીદીને થોડી ચેતવે છે: “દીદી કેમેરા પાછળની દુનિયા વિષે આપણે અવાર-નવાર સારા અને ખરાબ બન્ને પાસા સમાચારમાં જોઈએ છે... તું તારું ધ્યાન રાખજે... કોઈ તારો ગેરલાભ ઉઠાવે નહીં તે જોજે... રોજ મારી સાથે વાત કરજે...”

નિમિતા: “હા આરૂ, હેમાબેન છે ને તું મારી ચિંતા નાં કરીશ... હું કાલે હોસ્ટેલ રહેવા જઈશ…”

નિયતિ: “તું અમદાવાદ રહું છું... ઓફિસ પણ એ શહેરમાં છે... તો હોસ્ટેલમાં રહેવાની શું જરૂર છે?”

નિમિતા: “માણેક લેધર અને સવિતા કોસ્મેટિક્સ કંપનીનો નિયમ છે, ત્યાં કામ કરતી બધી છોકરીઓએ ફરજિયાત એમની હોસ્ટેલમાં રહેવું પડે છે.”

નિયતિને હોસ્ટેલમાં રહેવાની વાત સમજમાં આવતી નથી: “દીદી આ વાતથી તને નવાઈ નથી લગતી... એક શહેરસમાં રહેતી છોકરીને છૂટછાટ આપવી જોઈએ...”

નિમિતા બેફિકર થઈને બોલે છે: “હા… પણ ત્યાં રહેવાથી ફાયદો થશે એ વિચારીને મને કોઈ વાંધો નથી... આરૂ હોસ્ટેલની બહાર સરસ નાનો ગાર્ડન છે... એમાં રોજ ખુલ્લી હવામાં યોગા અને કસરત કરવાનો લાભ લેવાની છું... રોજ કુદરતી હવામાં કસરત કરવા માટે મારે ચાર કિ.મી. દૂર જવું પડે છે… ઉપરથી મ્યુનિસિપલ ગાર્ડનમાં કેટલા બધા લોકો આવે છે, રોજ મારા યોગાસન અધૂરા રહે છે... સૌથી મોટો આ ફાયદો છે... બીજું હેમાબેન ૨૪ કલાક સાથે હશે તો એમની પાસેથી ઘણું શીખવા મળશે... સફળતાના શિખર ઉપર ભોગ આપ્યા વગર નથી જઈ શકાતું આરૂ... મારે સફળતાના શિખર નહીં આસમાનની ઊંચાઈ સર કરવાની છે... જ્યારે હું મારી મંઝિલ ઉપર પહોંચી જઈશ ત્યારે તને તારી દીદી ઉપર અભિમાન થશે.”

નિમિતા પોતાના સપનાઓમાં સારું કે ખોટું સમજવાની પરિસ્થિતીથી ઘણી દૂર હતી. સ્ટુડિયોની ચમક-દમક એને આકર્ષતી હતી. દિવસ-રાત એની વાતો, આંખો અને સપનામાં મોટો બંગલો બનાવવો છે અને સફળ હિરોઈન બનવું છે એ રટણ ચાલતું. જુદા જુદા મોટા દેશોમાં ફરવા જવાની લગની લાગી હતી. બહુ ઓછા સમયમાં વધારે સફળતાની આંધળી ડોટ શરૂ થઈ હતી. નિયતિ દીદીને ખુશ જોવા માંગતી હતી. દીદી બહુ નામના મેળવી મમ્મીને બતાવવા માંગતી હતી કે જો તારા સાથ અને પ્રેમ વગર હું કામયાબ બની શકું છું. નિયતિ બીજા અનેક સવાલો પૂછે છે અને શંકા પણ વ્યક્ત કરે છે, એને આવનારા ખતરાનો થોડો અણસાર આવ્યો હતો. પણ નિમિતા દરેક વાતને સકારાત્મક બતાવી બધી શંકાઓ દૂર કરવામાં સફળ થાય છે. જો એ દિવસે નિમિતાએ સાપનાઓને બાજુ પર મૂકીને મગજથી વિચાર કર્યો હોત તો એની જિંદગી નરક ના બનત. બીજા દિવસે નિમિતા હોસ્ટેલ રહેવા જાય છે. મીના એ દિવસે પનોતી ગઈ વિચારીને પાંચ પકવાન બનાવે છે અને નિમિતાની ખુશીથી પોતે બહુ ખુશ છે એમ નાટક કરે છે.

***

નિમિતા હોસ્ટેલનો રૂમ જોઈ થોડી નિરાશ થાય છે. એને હતું કે રૂમમાં બધી સગવડ હશે. ૧૨ બાય ૧૨ની રૂમ, એક ખૂણામાં બેડ અને બીજા ખૂણામાં એક ટેબલ, ખુરશી હતાં. નાનકડી બાથરૂમ હતી અને એક દીવાલમાં નાની બારી હતી. એક કબાટ હતું જેમાં સાથે લાવેલા કપડાં પણ સરખી રીતે મૂકી શકાય તેમ નહોતું. એ મનને મનાવે છે કે સારું કામ કરીને મોટો બધી સગવડ વાળો રૂમ બહુ જલ્દી લેવો પડશે અને મારે ક્યાં અહીયાં વધારે દિવસો કાઢવાના છે. એક વાર થોડી જાહેરાતો કરીને બીજી મોટી એડ એજન્સીમાં એપ્લાય કરીશ તો ત્યાં પણ સારું કામ મળી જશે.

બીજા દિવસે નિમિતા બીજી છોકરીઓ સાથે સ્ટુડિયો આવે છે. એ દિવસે અનુપ ત્યાં હોય છે પણ એ નિમિતા બાજુ ધ્યાન આપતો નથી. મીનાએ નિમિતાના સ્વભાવ અને સપનાઓ વિષે બધી માહિતી હેમા અને અનુપને આપી હતી. અનુપ સમજી ગયો હતો કે બીજી ગરીબ છોકરીઓને મજબૂર કરીને પોતાનું કામ પાર પાડતો હતો એ તરકીબ નિમિતા ઉપર ચાલશે નહીં. આ સ્વપ્ન સુંદરીને પોતાની જાળમાં કેદ કરવા માટે બહુ ધીરજ અને બુધ્ધિથી કામ લેવું પડશે. એને કેમેરાથી જેટલી દૂર રાખવામાં આવશે એટલી એ વધારે જલ્દી કાબૂમાં આવશે. તરસ્યાને નદી કિનારે લાવીને દૂર બાંધી રાખો તો કેવી દશા થાય. પાણી આંખો સામે હોય તો પણ એ ત્યાં જઈને પી શકે નહીં અને તરસ્યો રહી પણ શકે નહીં. પાણી પીવા માટે બધી શરત એ માનવા મજબૂર થાય. એવી જ કોઈ ચાલ અનુપ રમી રહ્યો હતો.

એ આખો દિવસ નિમિતાએ અનુપનું ધ્યાન એના ઉપર લાવવા માટે કોશિશ કરી. પણ અનુપ બહુ કઠણ બનીને નિમિતાથી દૂર રહ્યો. એના હાથ અને પગ નિમિતાના શરીરના અંગે-અંગ ઉપર ફરવા માટે તૈયાર હતા. એના હોઠ અને જીભ નિમિતાના માખણ જેવા શરીરનો સ્વાદ ચાખવા માટે વ્યાકુળ હતા. અનુપ પણ કાચો ખેલાડી નહોતો. એણે પણ નક્કી કર્યુ હતું કે નિમિતા સાથે બે-ચાર વખત નહીં ઘણાં મહિનાઓ સુધી સંભોગ કરવાની મજા લેવી છે. જેટલી તડપ વધારે થશે એટલી જ શરીરસુખની વધારે મજા લેવામાં આવશે. અજય અને રાકેશ પણ અનુપના કહ્યા પ્રમાણે ઠાવકા બની નિમિતાની દરેક હિલચાલ જોઈ રહ્યા હતા.

એ રાત્રે નિમિતા બહુ ઉદાસ હતી. કાલનો દિવસ સારો હશે એમ વિચારીને સૂઈ ગઈ. હેમાએ પણ નિમિતાને બહુ ભાવ આપ્યો નહીં. હેમાએ હોસ્ટેલની બધી છોકરીઓને કડક સૂચના આપી હતી કે સ્ટુડિયોમાં અનુપ અને એના મિત્રો સ્ત્રીઓ સાથે જે પણ કરે છે તેની ખબર નિમિતાને બિલકુલ થાય નહીં. જો કોઈ ભૂલમાં પણ નિમિતાને બધી માહિતી આપશે તો એ છોકરીની હાલત ‘વિદ્યા’ જેવી કરવામાં આવશે. વિદ્યાની દયનીય હાલત બધી છોકરીઓએ જોઈ હતી. દરેક છોકરીએ મનમાં નિર્ણય લીધો હતો કે નિમિતાની સાથે વધારે વાતચીત કરવી નહીં. બીજી બાજુ ત્રણેય મિત્રોની હાલત ખરાબ હતી. બધાને નિમિતા સાથે મજા માળવી હતી.

***

બીજા દિવસે સવારમાં હેમા એના રોજના સમયે બહાર બાગમાં પાણી રેડવા આવે છે ત્યારે નિમિતા બાગમાં યોગા કરતી હતી. હેમા એ નાના બાગનું ખૂબ ધ્યાન રાખતી. ફૂલછોડને પાણી આપવાનું કામ એ જાતે કરતી. બસ આ એક કામ હતું જે કરવામાં હેમા બધા દુ:ખ ભૂલી જતી. નિમિતા પ્રાણાયામ કરીને થોડા આસન કર્યા પછી સૂર્યનમસ્કાર ચાલુ કરે છે. સૂર્યનમસ્કાર કરતી વખતે એના શરીરના દરેક અંગનું લચીલાપણું સ્પષ્ટ દેખાતું હતું. થોડી વાર પછી નિમિતાનું ધ્યાન હેમા ઉપર જાય છે. એ ઉત્સાહપૂર્વક હેમા જોડે આવે છે: “હેમાબેન ગુડ મોર્નિંગ.”

હેમા: “ગુડ મોર્નિંગ… રોજ યોગા કરે છે કે અહીં આવીને શરૂ કર્યું?”

નિમિતા: “રોજ કરું છું... મારા દિવસની શરૂઆત એનાથી જ થાય છે... જે દિવસે ના કરું એ દિવસ મારો નીરસ પસાર થાય છે.” હેમા છોડને પાણી આપતા બોલે છે: “મારૂ પણ એવું જ છે... જે દિવસે હું છોડને પાણી ના આપું તો મને ચેન પડે નહીં.”

હેમા સાથે નજીક આવવાનો મોકો છે એમ નિમિતા વિચારે છે: “સાચે એવી કોઈ વાત હોવી જોઈએ એ કરવાનું આપણને રોજ મન થાય... એ કામ મનને ખૂબ સંતોષ આપે... સાચી વાતને હેમાબેન?”

હેમા: “હા, હવે અંદર જા... ૮ વાગે નાસ્તો અને ચા નો સમય થશે... તું મોડી પડીશ તો ઠંડુ થઈ જશે.”

નિમિતા: “એ તો હું ફટાફટ તૈયાર થઈસ... મોડુ નહીં થાય... હેમાબેન શૂટિંગ દ્વારા જાહેરાત કરવાનો લાભ અહી નોકરી કરતી બધી છોકરીઓને મળે છે?

હેમા: “ના... બધી છોકરીઓ કેમેરા સામે સારું કામ કરી શકતી નથી... જે પોતાની આવડત, નજાકત અને લોભામણી અદાઓથી ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે આકર્ષિત કરી શકે, એ છોકરીઓનું શૂટિંગ કરવામાં આવે છે... દરેક છોકરીનો ત્રણ થી ચાર વખત ટ્રાયલ લેવાય, પછી કંપનીના નિષ્ણાત સભ્યોની સમિતિ સારો પ્રતિભાવ આપે એવી છોકરીઓની જાહેરાત પસંદ કરે છે... પછી એ ટીવી, ન્યૂજપેપર, મેગેઝીન વગેરેમાં મોકલવામાં આવે છે.

નિમિતા: “જે છોકરી ટ્રાયલમાં નાપાસ થાય એ છોકરીને શું કામ કરવાનું?” હેમા: “છોકરીએ જે અભ્યાસ કર્યો હોય એ પ્રમાણે નાનું-મોટું કામ કરે. જો એ કામ પણ ના કરી શકે તો છૂટી કરવામાં આવે”

નિમિતા: “નવી છોકરીના કેટલા દિવસ પછી શૂટિંગના ટ્રાયલ શરૂ થાય છે?” નિમિતા પોતાની આતુરતાને રોકી શકતી નથી. હેમા પણ સમજી ગઈ કે ગઇકાલે એના તરફ કોઈએ ધ્યાન નથી આપ્યું એ તીર નિશાના ઉપર વાગ્યું છે. હજી વધારે લાંબો આ ખેલ ચલાવવાનો છે. તો આ છોકરી કાબૂમાં જલ્દી આવશે નહિતો પંખી ઊડી જશે.

હેમા: “કેમ આવો સવાલ? તને તારા ઉપર વિશ્વાસ નથી કે તું સારું કામ કરીશ?” નિમિતાએ સામે આવા સવાલની અપેક્ષા નહોતી રાખી. હેમાએ માનસિક રીતે નિમિતાને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. નિમિતાની માત્ર એક જ કમજોરી હતી એના સપના. જે એના શરીરની રગેરગમાં આત્માની જેમ વસેલા હતા. મહત્વાકાંક્ષાની વાત હોય ત્યારે નિમિતા માત્ર દિલથી વિચારતી હતી. એનું મન અને શરીર સપના પૂરા થવાની શરૂઆત થઈ છે એમ માનીને ચાલતા હતા, મન અને શરીર પૂરી રીતે સપનાની દુનિયામાં એકરૂપ થયા હતા. પરંતુ મગજ ઈચ્છા પ્રમાણે ક્યાં વિચારતું હોય છે? નિમિતાનું મગજ પણ એના મનનાં કહ્યા પ્રમાણે નહોતું ચાલતું. હેમાના એક જ સવાલે નિમિતાને વિચાર કરતી કરી હતી. હેમા પહેલો દાવ જીતી હતી. નિમિતા કશું બોલે એ પહેલા કાન્તાનો ફોન આવે છે: “નાની, જય શ્રી કૃષ્ણ... હું દૂધ અને નાસ્તો કરવા બેસું છું... મેં કહ્યું છે તમને, હું સમયસર જમીશ...” કદાચ કોઈ વાત કામ આવે એવું વિચારીને નિમિતા અને નાનીની બધી વાત હેમા સાંભળે છે.

***

બધી છોકરીઓ ચા અને નાસ્તો કરતી હતી. નિમિતા ત્યાં આવીને ખાલી ખુરશી ઉપર બેસે છે. જોડે જે છોકરી હતી એની સાથે વાત કરે છે. બધી છોકરીઓ માત્ર નિમિતાના સવાલના જવાબ આપે છે અને ઉતાવળથી નાસ્તો કરીને ત્યાંથી જતી રહે છે. નિમિતાને થોડું અજુગતું લાગે છે પણ મગજથી વિચારવાનું અત્યારે પોસાય એમ નહોતું. એ નાસ્તા તરફ એનું ધ્યાન એકત્રિત કરે છે. એ સમયે લીલા એક ડિશમાં નાસ્તો અને ચા લઈને કોઈને આપવા જાય છે. નિમિતા વિચારે છે કે લીલા નાસ્તો હેમાબેન માટે લઈ જાય છે.

***

અનુપ, અજય અને રાકેશ સ્ટુડિયોના બેડરૂમમાં આજે શું કરવું તે ચર્ચા કરતા હતા. અજય: “યાર અનુપ, નિમિતાનાં મલાઈના લોચા જેવા શરીરને ક્યાં સુધી દૂરથી જોઈને ખુશ થવાનું છે?” રાકેશ: “અનુપ, સાચે હો... જલ્દી કશું કરજે... પહેલાં તારો જીવ ભરાશે પછી મારો અને અજયનો વારો આવશે...”

અનુપ: “તમને બન્નેને શું લાગે છે... મને તો ક્યારનું એને નોચી ખાવાનું મન થયું છે... પણ આ બીજી છોકરીઓ જેવી ગરીબ નથી... વિદ્યાથી થયેલી મુસીબતને હજી પંદર દિવસ થયા છે... માધવ પણ હમણાં અહિયાં રોકાવાનો છે... એ જ્યાં સુધી દિલ્લી થોડા દિવસ માટે જાય નહીં ત્યાં સુધી આપણે શાંતિ રાખવી પડશે... એક વખત ચકલીને એની જાતે પાંજરામાં આવવા દો... પછી એ આકાશમાં ઊડવાનું ભૂલી જશે...”

ઘણાં દિવસ રાહ જોવાની છે, એ વિચાર માત્રથી ત્રણેય મિત્રો નિરાશ હતા. ઉપરથી માધવથી સાવચેત રહેવાની જરૂર હતી. સીધી દેખાતી વિદ્યાએ બે દિવસ ત્રણેય મિત્રોની ઊંઘ હરામ કરી હતી એ વાત પણ હજી તાજી હતી. વિદ્યા પણ બીજી છોકરીઓની જેમ મોડેલિંગ કરવા માટે આવી હતી. ગરીબ ઘરની પણ સ્વમાની અને સમજદાર છોકરી. એને અનુપ અને મિત્રોની આદત અને ચાલબાજી બહુ જલ્દી સમજમાં આવી હતી. પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. એક દિવસ રાકેશને ખબર પડી કે વિદ્યા બધું જાણી ગઈ છે અને કંપની છોડીને જાય છે. બસ ત્રણેય મિત્રોએ એને ઓફિસના બેડરૂમમાં કેદ કરી. ૧૫ દિવસ સુધી એની ઉપર અનેક બળાત્કાર કર્યા. વિદ્યા હિંમત હારી ગઈ અને કોઈને ફરિયાદ નહીં કરે એમ વિશ્વાસ આપીને હોસ્ટેલ પાછી આવી. ફરીથી રોજ ઓફિસ આવવા લાગી. ચાર મહિના પસાર થયા પછી હેમાને ખબર પડે છે કે વિદ્યા મા બનવાની છે. એ મિત્રોને જાણ કરે છે. અનુપ એને એબોર્શન કરાવવા માટે કહે છે. પણ વિદ્યા કહે છે ‘એ બાળકને જન્મ આપશે. કોનું બાળક છે એ જાણવામાં રસ નથી. એને કંપનીમાંથી કાયમ માટે છૂટી કરવામાં આવે, થોડા રૂપિયા અને બાળક લઈને એ કયાંક દૂર જતી રહેશે. ફરી કોઈ દિવસ ત્રણમાંથી કોઈને મોઢું પણ બતાવશે નહીં.’ અનુપને ભવિષ્યમાં વિદ્યા અને એના બાળકથી મોટી મુસીબત થાય એ સમજતા વાર ના લાગી. વિદ્યાના ઈરાદાને એ જાણી ગયો કે બાળકને ચોક્કસ જન્મ આપશે.

અનુપનો સ્વભાવ પ્રેમાળ અને હિંસક બન્નેનું મિશ્રણ હતો. જ્યાં સુધી કોઈ વ્યક્તિ એની વાત માને ત્યાં સુધી એ ખૂબ સારો હતો, એ વ્યક્તિ માટે એ ગમે તેવું જોખમ ઉઠાવતા ખચકાય નહીં અને એનું જીવન ખુશીઓથી ભરતો. પણ જો કોઈ સામે થાય અને એની વાત ના માને તો એ વ્યક્તિનું જીવન યાતનાઓથી ભરી દેતો. એની સામે થવું મતલબ સૂતેલા સાપને છંછેડવો. અનુપના અજીબ પ્રકારના સ્વભાવ વિશે વિદ્યાને કોઈ અનુમાન નહોતું. વિદ્યાની જિંદગી બરબાદ થઈ હતી, એને બાળકને જન્મ આપી પોતાનું જીવન સુધારવાની ઈચ્છા હતી.

અનુપે બે દિવસ વિદ્યાની સમસ્યાના ઉકેલ માટે વિચાર કર્યો. એણે મુસીબતમાંથી છૂટકારો મેળવવા માટે બહુ મોટું અધમ કૃત્ય કર્યુ જેનો વિચાર કોઈને પણ આવે નહીં. વિદ્યાને બેભાન કરી હોસ્પિટલ લઈ ગયા. માત્ર બાળક નહીં એનું ગર્ભાશય પણ કઢાવી લીધું. વિદ્યા ભાનમાં આવી ત્યારે અનુપે રાક્ષસ જેવુ અટ્ટહાસ્ય કરીને કહ્યું ‘હવે આખી જિંદગી બાળક માટે તડપજે. વાત માનીને એબોર્શન કરાવ્યુ હોત તો કદાચ તને છૂટકારો મળી જતો. પણ હવે આખી જિંદગી અમારી પાસે રહેવું પડશે.’ વિદ્યાએ પણ અનુપ આટલો હેવાન થશે એવું વિચાર્યું નહોતું.

અનુપ ચિંતાતુર થઈને બોલે છે: “હેમાબેન, પેલી વિદ્યા ત્યાં હોસ્ટેલમાં છે...”

હેમા: “તમે ચિંતા ના કરશો... બધી છોકરીઓને મેં નિમિતાથી ચોક્કસ અંતર રાખવાનું કહ્યું છે અને દરેકને વિદ્યાના જેવી હાલત થશે એવી ધમકી આપી છે... નિમિતાને કોઈ દિવસ વિદ્યા નામની છોકરી હોસ્ટેલમાં રહે છે એ ખબર પણ નહીં પડે.”

***

નિમિતા સાંજનું ભોજન લેવા નીચે આવે છે. ત્યારે ફરી લીલાને થાળી લઈ કોઈને આપવા જતી જુએ છે. સવારની જેમ એ વિચારે છે કે હેમાબેન માટે હશે. પણ હેમાબેન ત્યાં છોકરીઓ સાથે જમવા બેઠા હતા. હેમાબેન એમની બાજુની ખુરશી પર નિમિતાને બેસવા કહે છે અને બીજી છોકરીઓને ઈશારો કરી ઝડપ કરવાનો સંકેત આપે છે. લીલા કોના માટે રૂમમાં જમવાનું લઈ જાય છે એ જાણવા માટે નિમિતા સીધો સવાલ કરે છે: “હેમાબેન, લીલાબેન કોના માટે જમવાનું લઈ ગયા?” એ સાંભળીને હેમાના હાથમાંથી કોળિયો પડી જાય છે. રૂમમાં જમવાનું વિદ્યા માટે જતું હતું. જે વાત છુપાવાની હતી એ વાતની જડ સુધી પહોચતાં નિમિતાને વાર નહોતી લાગી. હેમા શૂન્યમનસ્ક થઈને નિમિતાનો ચહેરો જુએ છે.

ક્રમશ: