Greetings from the bottom of my heart books and stories free download online pdf in Gujarati

દિલના ઉંડાણથી સલામ

આપણે ઘણાં એવા લોકો જોયા હશે કે જે રોટલી ખાય તો કોર સાઈડમાં કાઢીને ખાતા હોય છે. બસ કંઈક એવી જ રીતે આજના સમયમાં આપણે નોર્મલ સમાજે દિવ્યાંગોને સાઈડમાં કાઢીને મૂકી દીધા છે. આવું એટલા માટે બોલવું પડી રહ્યું છે કારણ કે તમે તમારી આજુબાજુ જ જોઈ લો, દિવ્યાંગ માટે બધી ફેસેલિટી હોય એવું એક પણ બિલ્ડીંગ છે ખરુ? એ લોકોને મદદ માટે આપણે કશું કર્યું છે ખરું? આવા તો ઘણા પ્રશ્નો છે પણ આજે વાત કરીએ છે એક એવા દિવ્યાંગની કે જેણે મોતને પણ જીવતા જ જોયું છે છતાં તે હાર્યા નથી અને આજે બધાને પ્રેરણા મળે એવું જીવન જીવી રહ્યા છે.

આ રીતે ધંધો ભાંગી પડ્યો

આ ભાઈનું નામ છે સંદિપ જૈન. સુરતમાં રહેવાનું અને તેમની ઉંમર છે 50 વર્ષની. જો તમે સુરતના છો અને ઘોડદોડ રોડ પર સેન્ડ જેવિયર્સ સ્કૂલની આજુબાજુ કોઈ પ્રજ્ઞાચક્ષુ કાકાને જોયા હોય તો આજે મારે એના વિશે જ વાત કરવી છે. એ ત્યાં ઉભા છે એની પાછળ ખુબ મોટો સંઘર્ષ છે. તેઓ પહેલાંથી જ સુરતમાં રહે છે. આ વાત છે 2007ની એટલે કે 13 વર્ષ પહેલાની, તેઓ પાસે એક સરસ STDની ઓફિસ હતી અને કામ કરતાં હતા, આવક સારી હતી એટલે ઘરનું મકાન પણ ખરીદી લીધું. પણ પછી નસીબનું ચક્ર પલટ્યું અને ફોનમાં બહોળી ક્રાંતિ આવી. ઘરે ઘરે સ્માર્ટફોન આવવા લાગ્યા અને STD કોલનો ધંધો પડી ભાંગ્યો, હવે શરૂ થયો ખરાખરીનો ખેલ.

3 દિવસ સુધી કોઈએ પાપડ ન લીધો

પત્ની અને બે બાળકો હતા તો ઘરે બેસીને નવરાં નવરાં તો ચાલે નહીં, પછી સંદિપ ભાઈએ નડિયાદથી પાંચ કિલો પાપડ લીધા અને વેચવાનું શરૂ કર્યું. પરંતુ 3 દિવસ સુધી કોઈ લેવા જ ન આવ્યું. જેથી સંદિપ ભાઈએ કંઈક અલગ રીતે કામ કરવાનું વિચાર્યું અને તેઓ ટ્રેનમાં જઈને ડબ્બા ડબ્બામાં ફર્યા અને પાપડ વેચવાનું શરુ કર્યું. છતાં જોઈએ એવો રિસપોન્સ ન મળ્યો અને કામમા નિષ્ફળતા મળી.

.....તો સંદિપભાઈનું મોત નિપજ્યું હોત.

આ બધાની વચ્ચે વિધીની વક્રતા જુઓ. એક વખત પાપડ વેચતી વખતે વલસાડ નજીક તેઓ રેલવેના ટ્રેક પર પડી ગયા. હવે વિચારો કે જે માણસને કશુ જ દેખાતું ન હોય એને શું ખબર કે તે ક્યાં પડ્યો છે. એક તો ઈજા થવાના લીધે ઉભું થવાય એવી હાલત પણ નહોતી. તેથી એકદમ ડરી ગયા અને નજર સામે જ મોત દેખાયું. એક તરફ ટ્રેનના હોર્નો અવાજ પણ આવી રહ્યો હતો. પછી નસીબના જોગે 3 લોકો આવ્યા અને સંદિપ ભાઈને ફટાફટ ઉભા કરીને બચાવી લીધા, જો આ 3 ફરિસ્તા સમયસર ન પહોંચ્યા હોત તો સંદિપ ભાઈ આજે દુનિયાને અલવિદા કહી ચૂક્યા હોત એવું સંદિપ ભાઈનું કહેવું છે.

મુંબઈમાં પણ કર્યો બિઝનેસ

આટલું બધું થવા છતાં સંદિપ ભાઈ હાર માનીને બેસી જાય એમાના ન હતા, કારણ કે તે લાંબી રેસના ઘોડા હતા. તેણે રોજ સુરતથી મુંબઈનું અપડાઉન શરૂ કરી ધંધો કરવાનું વિચાર્યું અને મુંબઈમાં મલાડ બીચ પર ધંધો શરુ કર્યો. લગભગ 9 મહિના જેવો ત્યાં પણ બિઝનેસ કર્યો પણ જોઈએ એવું વળતર ન મળ્યું. ત્યારપછી છેલ્લા 6 વર્ષથી તેઓ સુરતમાં ફરસાણનું કામ કરી રહ્યા છે અને હાલમાં તેઓને દસ કે બાર હજાર જેવો વેપાર થઈ જાય છે.

સંદિપભાઈનું ખુદ્દારી જોઈને કરશો સલામ

સંદિપ ભાઈના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ અને બે બાળકો છે. તેઓ હાલમાં સુરતમાં જ રહે છે. સંદિપ ભાઈની ખુદ્દારી જોઓ કે જો કોઈ તેને આર્થિક મદદ માટે પુછે તો તેઓ ઘસીને ના પાડી દે છે, કારણ કે તેમનું માનવું છે કે જો હું બીજાનું મફતમાં લઈશ તો મારા બાળકો પણ એમાંથી શીખશે અને એના ભવિષ્ય પર ખરાબ અસર પડશે. ઘણા લોકો તેને આવીને પૈસા આપવાની વાત કરે છે પરંતુ સંદિપ ભાઈને ચોખ્ખી ના જ પાડી દેતા હોય છે. આ સિવાય સંદિપભાઈને સ્કૂલવાળા અને સુરત કોર્પોરેશનનો પણ સારો સાથ સહકાર મળે છે. તેમજ તેઓ જ્યાંથી સામાન ખરીદે છે એ વેપારીઓ પણ સંદિપભાઈને ઓછા ભાવે સામાન આપીને મદદ કરે છે.

રેડિયો મિર્ચીના HR રાધિકા પણ સંદિપભાઈના કામથી ખુશ

સુરત રેડિયો મિર્ચીના HR રાધિકા પણ સંદિપ ભાઈને મળીને ખુશ થયા છે. રાધિકા વાત કરે છે કે, જ્યારે સંદિપભાઈ રેડિયો મીર્ચીના ઓફિસે આવ્યાં હતા ત્યારે મે એની સાથે ખુબ વાતો કરી હતી. તેની સાથે વાતો કર્યા બાદ મે તેમને કહ્યું કે હું કાલે તમને મળવા આવું છું, કારણ કે રાધિકાને ઓફિસ આવવા જવાનો રસ્તો એ જ હતો. પછી રાધિકા બીજે દિવસે ત્યાં ગયા અને તેમને મળ્યા, તેમજ સામાન ખરીદીને ટેકો પણ કર્યો. હવે રાધિકા રોજ ત્યાંથી પસાર થઈને સંદિપભાઈના હાલચાલ પુછે છે અને જોઈએ તો કંઈ પણ મદદ કરી રહ્યા છે.


અલ્પેશ કારેણા