Antim Aashram - 1 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | અંતિમ આશ્રમ - 1

Featured Books
Share

અંતિમ આશ્રમ - 1

રાકેશ ઠક્કર

પ્રકરણ-૧

શહેરથી દૂર આવેલા 'વયવંદન જીવન આશ્રમ'માં ઉજેશભાઇએ પ્રવેશ મેળવ્યો એની પાછળ તેઓ વૃધ્ધ અને એકલા હતા એ એકમાત્ર કારણ ન હતું. એક અલગ આશય સાથે તેમણે પ્રવેશ મેળવ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમનો હેતુ કેટલો પાર પડવાનો છે અને તે વહેતા ઝરણાના નિર્મળ નીર જેટલી સરળતાથી રહી શકવાના છે કે દરિયામાં આવતા તોફાન જેવો અનુભવ કરવાના છે. આ આશ્રમ બીજા વૃધ્ધાશ્રમોથી અલગ હતો. એમાં આર્થિક રીતે પછાત કે જીવનમાં દુ:ખી વૃધ્ધોથી પ્રવેશ મેળવી શકાતો ન હતો. આ એવા વૃધ્ધો માટેનો આશ્રમ હતો જ્યાં રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી હતી. સમાજમાં એવા અનેક એકલા વૃધ્ધ સ્ત્રી-પુરુષો છે જેમની પાસે પૈસા છે પણ તેમની સાથે કોઇ વાત કરે કે રહે એવી પરિસ્થિતિ નથી. એવા વૃધ્ધો આ આશ્રમમાં નિવાસ કરીને એકલતા દૂર કરી શકે અને પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉજેશભાઇ 'વયવંદન જીવન આશ્રમ'માં પ્રવેશ માટેની એ બંને લાયકાત ધરાવતા હતા જેનું નિર્ધારણ આશ્રમની સ્થાપના વખતે થયું હતું.

આજથી છ વર્ષ પહેલાં હસમુખભાઇ ઓડેદરાને આ 'વયવંદન જીવન આશ્રમ'ની સ્થાપનાનો વિચાર આવ્યો હતો. અને એને માત્ર એક જ વર્ષમાં મૂર્તિમંત કરી દીધો હતો. વૃધ્ધાવસ્થાને કારણે લાચાર બનેલા અને સંતાનો હોવા છતાં દુ:ખ ભોગવતા વૃધ્ધો માટે દાતાઓ તરફથી અનેક જગ્યાએ વૃધ્ધાશ્રમ કાર્યરત હતા. પણ એવા વૃધ્ધો માટે કોઇ સ્થાન ન હતું જે પોતાના બંગલાઓમાં એકલતાના શિકાર હતા. જે બીજાની લાગણીના ભૂખ્યા હતા. પૈસાથી બધી વસ્તુઓ ખરીદી શકાય છે. કોઇનો પ્રેમ ખરીદી શકાતો નથી. એ વાત હસમુખભાઇ જાણતા હતા. હસમુખભાઇને એકપણ સંતાન ન હતું. પત્નીના અવસાન પછી તે એકલા પડી ગયા હતા. નિવૃત્ત જીવનમાં પડછાયો જ જાણે એમનો એકમાત્ર સાથી હતો. એકલા-એકલા તે વિચારતા રહેતા હતા. આ એકલતા અને કંટાળામાંથી તેમને 'વયવંદન જીવન આશ્રમ'નો જે વિચાર આવ્યો એ આજે ઘણા વૃધ્ધો માટે આશીર્વાદરૂપ બની ગયો હતો.

સુરતથી સાઇઠ કિલોમીટર દૂર અંતરિયાળ જાનગઢ ગામમાં 'વયવંદન જીવન આશ્રમ' બનાવવા માટે તેમણે જગ્યા પસંદ કરી હતી. આ ગામ પસંદ કરવા પાછળ તેમની પાસે અનેક કારણ હતા. આ એક એવું આદર્શ ગામ હતું જ્યાં બધી આધુનિક સુવિધાઓ હતી. છતાં તેમાં ગામઠીપણું જીવંત હતું. નજીકમાં જ હીરાવતી નદી પસાર થતી હતી. અને નાનું જંગલ જેવું હતું. કુદરતના ખોળે જીવનના છેલ્લાં વર્ષો ગાળવાનો આનંદ એવો મળે કે જીવનમાં ખરેખર વર્ષો ઉમેરવાની સાથે વર્ષોમાં જીવન ઉમેરાતું રહે. અહીં તબીબોની વ્યવસ્થા હતી પણ માંદા પડવાની શક્યતા ન હતી. અહીં શહેરી જીવનની સુવિધાઓ હતી પણ ગામડાનો મોહ છૂટે એવો ન હતો. જે પણ વડિલ આ આશ્રમમાં રહેવા આવે એમને એમ થતું કે તેઓ વહેલા વૃધ્ધ થઇ ગયા હોત તો કેટલું સારું! સાઇઠની ઉંમર પછી જ પ્રવેશ અપાતો એ મર્યાદાનું એમણે પાલન કરવું પડ્યું હતું. હસમુખભાઇ પાસે પૈસાની કોઇ કમી ન હતી. અને જેની પાસે પૈસાની કમી હોય એ આશ્રમમાં પ્રવેશ મેળવી શકવાના ન હતા. હસમુખભા કહેતા કે પોતાના કોઇ ધંધા માટે આ આશ્રમની સ્થાપના કરી નથી. આશ્રમ પાછળનો ખર્ચ વહન કરવા તેમણે પૈસાદાર અને એકલા વૃધ્ધો હોવાની લાયકાત રાખી હતી. ખુદ હસમુખભાઇની આગળ-પાછળ કોઇ ન હતું કે વધુ કમાઇને વધુ ધનનો વારસો છોડી જાય. એમને તો એક એવો વારસો છોડી જવો હતો જેમાં વૃધ્ધો અંતિમ શ્વાસ સુધી જીવવાની જીજીવિષા રાખે. એમણે જાનગઢ ગામમાં 'વયવંદન જીવન આશ્રમ'ના રૂપમાં એક નાનું ગામ જ ઊભું કરી દીધું હતું. વૃધ્ધોને વૈભવી સુવિધા સાથે આરોગ્ય જાળવવા માટે પૂરતું માર્ગદર્શન અપાતું હતું. એક આરોગ્ય સહાયક હતો જે વૃધ્ધોના આરોગ્યની સંભાળ રાખતો હતો. અહીં કોઇ વાતની કમી ન હતી.

લેખક ઉજેશ રાજપરાએ જ્યારે 'વયવંદન જીવન આશ્રમ' વિશે જાણ્યું ત્યારે ત્યાં જવાની ઉત્કંઠા વધી ગઇ. બલ્કે ત્યાં જવા તૈયારી જ કરી લીધી. પોતે એકલા હતા અને સીત્તેર વર્ષના હતા એ પ્રાથમિક લાયકાત એમની પાસે હતી. પરંતુ આશય અલગ હતો. એમને 'વયવંદન જીવન આશ્રમ'માં રહેતા બીજા વૃધ્ધો સાથે રહેવું હતું. તે જીવનમાં એકલા હતા પણ મનથી ન હતા. મનમાં તો વાર્તાઓનો મેળો લાગતો હતો. તે પોતે એક જાણીતા લેખક હતા. એ વાતની જમાનાને ખબર હતી અને ન પણ હતી. તે પોતાના ઉજેશ રાજપરાના નામથી લખતા ન હતા. તેમણે પોતાનું નામ યુ.આર. 'ફ્રેન્ડ' રાખીને જ બધું સર્જન કર્યું હતું. વાર્તાઓ અને નવલકથાઓના તે બાદશાહ ગણાતા હતા. તેમણે જાહેરમાં આવવાનું હંમેશા ટાળ્યું હતું. જાતજાતના માધ્યમોથી એમને વાચકો અને ચાહકોના સંદેશા મળતા હતા. તે કોઇને રૂબરૂ મળતા ન હતા. તે માનતા હતા કે હું જાહેરમાં બધાને મળતો થઇ જઇશ તો એમના જેવો સામાન્ય બની જઇશ. એમના જેવું જ વિચારીશ અને અસામાન્ય લખી શકીશ નહીં. આ એમનો ભ્રમ, માન્યતા કે વિશ્વાસ-અંધવિશ્વાસ જે કહો એ હતું. તેમની કેટલીક નવલકથાઓએ તો એવી ધૂમ મચાવી હતી કે બહાર પડતાની સાથે જ ચપોચપ વેચાઇ ગઇ હતી. તેમની ભાષા, તેમના શબ્દો અને વિચાર એવા સટીક અને દમદાર રહેતા કે ધારાવાહિક સ્વરૂપે કોઇ અખબાર કે મેગેઝિનમાં નવલકથા આવતી ત્યારે વાચકો એના બંધાણી બની જતા હતા. તેમનું દરેક પાત્ર જાણે જીવંત વ્યક્તિ હોય એવું લાગવા માંડતું હતું. જે દિવસે નવલકથાનું નવું પ્રકરણ આવવાનું હોય ત્યારે વાચકોની ઉંઘ સવારે વહેલી ઊડી જતી. તે કોઇ પાત્રને જાણે કલમથી નહીં પણ વિધાતાની જેમ બનાવતા હતા. કેટલાકને તો ઊંઘ જ આવતી ન હતી. એક વાચક તો એમની નવલકથાનો એવો દિવાનો બની ગયો હતો કે નવું પ્રકરણ વહેલું વાંચવા મળે એટલે એ અખબારમાં ઓછા પગારમાં નોકરીએ લાગી ગયો હતો! પાછળથી જ્યારે એના આશયની ખબર પડી ત્યારે તેને સમજાવીને નોકરીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

યુ.આર. 'ફ્રેન્ડ' ની વાર્તાઓ એટલી રસપ્રદ રહેતી કે દિવાળી અંકો માટે વધારે માંગ રહે. અને એને પહેલા સ્થાને જ છાપવામાં આવે. કેટલાય વાચકો એવા હતા જે માત્ર એમની વાર્તાઓનું રસપાન કરવા જ દિવાળી અંક ખરીદતા હતા. આવા લેખક જ્યારે પોતાના કોઇ સર્જન માટે 'વયવંદન જીવન આશ્રમ'માં પ્રવેશ મેળવે ત્યારે તેમની પાસેથી અપ્રતિમ સર્જનની અપેક્ષાઓ ઊભી થાય જ. આ વાતને તે ખાનગી રાખવા માગતા હતા. પોતાના સર્જનમાં કોઇ અંતરાય ના આવે એ માટે તે એક લેખક તરીકે નહીં એક એકાકી વૃધ્ધ તરીકે 'વયવંદન જીવન આશ્રમ'માં રહેવા માગતા હતા. છેલ્લા ઘણા મહિનાથી તેમણે કોઇ નવલકથા લખી ન હતી. 'વયવંદન જીવન આશ્રમ'માં રહેતા વૃધ્ધોને મળીને તેમની સાથે હળીમળી જઇ તે જીવતી વાર્તાઓ મેળવવા માગતા હતા. દરેકના જીવનમાં એવું કંઇક જરૂર હોય છે જેને શબ્દદેહ આપી શકાય. અને આ તો અનોખો 'વયવંદન જીવન આશ્રમ' હતો. જ્યાં એવી હસ્તીઓ મળવાની હતી જેના જીવનની કલ્પના કરી ન હોય. કથાના પાત્રોની વચ્ચે એક નવા જ સર્જનનો આનંદ મેળવવાનો હતો.

લેખક ઉજેશ રાજપરાએ એક અલગ પ્રકારની દુનિયાની નવલકથા લખવા માટે જાણીતા સાપ્તાહિક 'જીવનલેખા' સાથે કરાર કર્યો હતો. પહેલી વખત તેમણે સૌથી મોટો કરાર કર્યો હતો. આ વખતે તેમને એક નવલકથાના બે લાખ રૂપિયા મળવાના હતા. પરંતુ કરારમાં એક શરત આમેજ કરવામાં આવી હતી. તેમની આ નવા વિષય પરની જીવંત નવલકથાને અપેક્ષા પ્રમાણે પ્રતિસાદ નહીં મળે તો? એવી શંકા 'જીવનલેખા' ના તંત્રી જયરામ શેઠને હતી. એ કારણે તેમણે એક શરત એવી રાખી હતી કે જરૂર પડશે તો તે કથાપ્રવાહમાં ફેરફાર કરાવી શકશે. તે કથાના પ્રવાહને બદલવા માટે સૂચન જ નહીં આદેશ કરી શકશે અને અમુક વખત વાર્તામાં ફેરફાર કરવો પડશે કે પાત્રને બદલવું પડશે. તેમણે કહ્યું હતું કે આ બધું અસામાન્ય સંજોગોમાં કરવું પડશે. જેની શકયતા ઓછી છે. તમારી વાર્તાઓએ ક્યારેય નિરાશ કર્યા નથી. પણ આ વિશેષ નવલકથા માટે કરારમાં આટલો સુધારો કરવાની જરૂર પડી છે. થોડી ચર્ચા પછી ઉજેશભાઇએ જયરામ શેઠને નવી નવલકથામાં સમય- સંજોગ અનુસાર ફેરફાર કરવા માટે કરારમાં સત્તા આપી દીધી હતી. ત્યારે ઉજેશભાઇને ખબર ન હતી કે એ આ તેમના લેખક જીવનની જ નહીં અંગત જીવનની પણ એક ભૂલ સાબિત થવાની શકયતા હતી.

ક્રમશ: