Final Ashram - 2 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | અંતિમ આશ્રમ - 2

Featured Books
Share

અંતિમ આશ્રમ - 2

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨

ઉજેશ રાજપરાએ ગહન ચિંતન કરીને 'જીવનલેખા' માટેની નવી નવલકથાના કરારમાં કેટલીક સત્તા તંત્રી જયરામ શેઠને આપી હતી. પહેલાં તો ઉજેશભાઇને આવી કલ્પના જ ન હતી. જયરામ શેઠ આવી શરત મૂકશે એ કલ્પના બહારનું જ નહીં માની શકાય ના એવું હતું. ઉજેશભાઇએ જ્યારે જાણ્યું કે 'વયવંદન જીવન આશ્રમ' કાર્યરત છે અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત સામાન્ય વૃધ્ધાશ્રમોથી અલગ છે ત્યારે રસ પડ્યો. અને એ આશ્રમ વિશે થોડું જાણ્યા પછી એના પરથી એક અલગ પ્રકારની નવલકથા લખવાનો વિચાર આવ્યો. એક એવી કથા જેમાં જુદા-જુદા વર્ગમાંથી જુદા-જુદા વિચાર ધરાવતા પૈસાદાર લોકોના જીવનની કથની હોય અને તે એકબીજાને સમાંતર ચાલતી હોય. આ વિચાર આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં જયરામ શેઠ સમક્ષ જ વ્યક્ત કર્યો. એ વિચાર જાણીને જયરામ પ્રભાવિત થયા. થોડા વિચાર પછી એમણે નવલકથાની સફળતા માટે શંકા વ્યક્ત કરી.

ઉજેશભાઇ, તમે 'જીવનલેખા' માટે ઘણી નવલકથાઓ લખી છે. દર વખતે એકથી એક ચઢિયાતું સર્જન કર્યું છે. ઘણા વર્ષ પછી તમે લખી રહ્યા છો અને આ વખતે કિસ્સો અલગ છે. આ કાલ્પનિક કરતાં જીવાતા જીવનની વધારે લાગે છે. આ નવલકથાના પાત્રો જીવંત છે એવો ઉલ્લેખ આપણે કરવાના છે. પણ એમનું જીવન અસામાન્ય હશે અને વાચકોને તેમાં રસ પડશે જ એવું છાતી ઠોકીને કહી શકાય એમ નથી. તમારી કલમ પર મને પૂરો વિશ્વાસ છે. છતાં હું જોખમ લેવા માગતો નથી. ભગવાન ના કરે અને વાચકોને પસંદ ના આવે તો મારા મેગેઝીનનું સર્ક્યુલેશન ઘટી જાય અને મારે ખોટ જાય. તમે જાણો છો કે અત્યારે કેવી વેબસીરિઝ અને ફિલ્મોને લોકો પસંદ કરે છે. જેમાં મનોરંજન ભરપૂર હોય એવી જ વાર્તાઓને તે પસંદ કરે છે. તમે જે પ્રકારની નવલકથા લખવા જઇ રહ્યા છો એમાં જીવાતા જીવનની વાત હશે. કલ્પના ઓછી અને હકીકત વધારે હશે. એને વાચકો કેટલી સ્વીકારશે એ આગળથી કહેવું મુશ્કેલ છે. લોકોને કલ્પનાની ઉડાન વધારે ગમે છે. ફેન્ટસીવાળી વેબસીરિઝના જમાનામાં તમે એક અલગ પ્રકારની વાર્તા ઘડવા માગો છો એ વાત મને તો પસંદ આવી છે. તમારી નવલકથા પર મારો ધંધો નભવાનો છે. એમાં કોઇ કચાશ તમે રાખશો નહીં પણ જો એમાં વાચકની અપેક્ષા મુજબ નહીં હોય અને એવી કોઇ કમી રહી જશે તો મારે ચિત્રમાં આવવું પડશે. અને એટલે જ હું આ એક નવલકથામાં સુધારો કરવાનો કે એની દિશા બદલવાનો અધિકાર માગું છું..."

જયરામે વિગતવાર પોતાની વાત મૂકી ત્યારે પહેલાં તો ઉજેશભાઇને થયું કે એમની વાત સાચી છે. પરંતુ આ તો મારી સર્જન પર કોઇનું બંધન આવી જાય એમ છે. આને એક નવલકથા લેખક તરીકેની સ્વતંત્રતા પર તરાપ ના ગણાય? મારા લખવાના અધિકાર પર એમનું વર્ચસ્વ કેવી રીતે હોય શકે? લેખક તરીકે મારા મનનું ના થાય તો અર્થ શો? પછી વિચાર્યું કે જયરામભાઇ કોઇ સેવાવ્રત લઇને બેઠા નથી. એ ધંધો લઇને બેઠા છે. એમણે પોતાના ધંધાનું જોવું પડે.

ઉજેશભાઇએ આમ ના કરવું પડે એનો બીજો રસ્તો વિચારી જોયો. "જયરામભાઇ, એવું કરીએ કે હું 'વયવંદન જીવન આશ્રમ' માં થોડા મહિના રહીને પહેલાં પ્લોટ તૈયાર કરું અને એના પર નવલકથા લખીને તમને બતાવું. એમાં કલ્પનાના રંગ પણ ભેળવવા તો પડશે જ. પછી તમને યોગ્ય લાગે તો છાપજો. જેથી આ ફેરફાર કરવાની શક્યતાની વાત ઉપસ્થિત જ ના થાય."

જયરામ હસવા લાગ્યા:"ઉજેશભાઇ, તો તો મારે વર્ષો સુધી રાહ જોવી પડે. મને તમારામાં પૂરો વિશ્વાસ છે. તમે એક પ્રકરણ લખીને આપશો એટલે હું છાપવાનું શરૂ કરી દઇશ. અને એના બદલામાં હું તમને બે લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપવા તૈયાર થયો છું...."

"એનો અર્થ એવો થયો કે તમે મારી કલમ ખરીદી રહ્યા છો...." ઉજેશભાઇ નારાજ જેવા થઇ ગયા.

"ઉજેશભાઇ, તમને ગેરસમજ થાય છે. તમારી કલમના તમે માલિક છો. આ તો નવું મકાન ખરીદતા ઘરમાલિક જેવું છે. કોઇ નવું મકાન ખરીદ્યા પછી તેનો માલિક એમાં નાના-મોટા ફેરફાર કરાવે છે કે નહીં? એ મકાનની સુંદરતા અને સુવિધા વધારવા માટેના જ ફેરફાર હોય છે ને? એ વાતનો બિલ્ડરને કોઇ વાંધો હોતો નથી. આ નવલકથાના બિલ્ડર તમે છો અને મકાન માલિક હું છું એમ સમજી લો! વિશ્વાસ રાખજો કે એટલા મોટા ફેરફાર પણ નહીં કરાવું કે મકાનનો મૂળ આકાર જ બદલાઇ જાય. અને આ ફરજિયાત પગલું નથી. કોઇ શંકા જશે તો હું ફેરફાર કરવાનો છું ને?" જયરામને થયું કે એમણે કોઇ લેખકની જેમ ઉદાહરણ આપીને પોતાની વાત સમજાવી દીધી છે.

"તમને એમ નથી લાગતું કે આ ખોટી પ્રથા પડી રહી છે? લેખકની વિચારવાની શક્તિને અટકાવવાની, એના સર્જનનો આકાર બદલવાની આ ચેષ્ટા નથી?" ઉજેશભાઇનું મન હજુ માનતું ન હતું.

"ઉજેશભાઇ, તમને તમારા સર્જનની કિંમત ચૂકવવામાં આવી રહી છે. અને હું તમારા સર્જનને બગાડવા માટે નહીં એને શ્રેષ્ઠ બનાવવા જ દખલ કરવાનો અધિકાર માગી રહ્યો છું...." જયરામ હવે નારાજ થતા હોય એમ બોલ્યા.  બે-ક્ષણ વિચારીને હથિયાર હેઠાં મૂકતા હોય એમ ઉજેશભાઇએ કરાર ઉપર હસ્તાક્ષર કરી દીધા હતા. એમની સાથેના વર્ષો જૂના સંબંધનો પણ પ્રશ્ન હતો. એ કોઇ ખરાબ આશયથી શરતમાં બાંધી રહ્યા ન હતા. આજે પોતે જે કંઇ છે એ જયરામભાઇના સહકારને લીધે જ છે. અને આ નવલકથા માટે એમણે જ પ્રોત્સાહન આપ્યું છે. સામાન્ય રીતે લેખકોના કામમાં દખલઅંદાજી કરે એવા એ માણસ નથી.

ઉજેશભાઇએ 'વયવંદન જીવન આશ્રમ' માટે પોતાનું નામ નોંધાવી દીધું હતું. હવે સામાન લઇને પહોંચી જવાનું હતું. આ આશ્રમ રેનબસેરા ન હતો. એક ઘર હતું. જેમાં અજાણ્યા લોકો સાથે એક પરિવારની જેમ રહેવાનું હતું. ઓછામાં ઓછા એક વર્ષ રહેવું ફરજિયાત હતું. અને એ પ્રમાણે એડવાન્સમાં જ ખર્ચની રકમ વસૂલ કરવામાં આવી હતી. ઉજેશભાઇ 'વયવંદન જીવન આશ્રમ' માં પહોંચ્યા ત્યારે ત્યાં પોતે પણ રહેતા એના સર્જક હસમુખભાઇએ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. એમને કેટલાક નિયમો સમજાવ્યા. ઉજેશભાઇ એ વાતથી વાકેફ હતા. જીવનમાં જ નહીં કોઇપણ સરકારી- ખાનગી સ્થળો પર નિયમોનું પાલન જરૂરી હતું. નિયમો એટલે બંધન નહીં એક પ્રકારની શિસ્ત એવું તે માનતા હતા. કોઇ એવું પણ વિચારે કે રૂપિયા ખર્ચીને નિયમોની બેડીમાં બંધાવા કોણ આવે? અસલમાં આ નિયમો જ પરસ્પરનું જીવન વધુ સરળ અને સુમેળભર્યું બનાવતા હતા.

ઉજેશભાઇએ પોતાનો લેખક સિવાયનો જ પરિચય હસમુખભાઇને આપ્યો હતો. ઉજેશભાઇ બેંકના મેનેજરના પદેથી નિવૃત્ત થયા હતા. તેમને એક પુત્રી હતી. જેનું યુવાવસ્થામાં એક અકસ્માતમાં મોત થયું હતું અને પત્ની મનખાબેન એક બીમારીમાં સ્વર્ગે સિધાવી ગયા હતા. જીવન એકલવાયું લાગતું હતું. સંપત્તિ સાથેની વૃધ્ધાવસ્થા આગળ વધી રહી હતી. આ સ્થિતિમાં ઉજેશભાઇને 'વયવંદન જીવન આશ્રમ' માં પ્રવેશ માટે લાયક ગણવામાં આવ્યા હતા. હસમુખભાઇએ એમને બધું સમજાવ્યા પછી રહેવાનું આવાસ બતાવ્યું. આશ્રમનું બાંધકામ અંગ્રેજી 'યુ' આકારમાં કરવામાં આવ્યું હતું. દરેકના ઘર એકબીજા સાથે જોડાયેલા હતા. કુલ સત્તર નિવાસસ્થાન હતા. અને ઉજેશભાઇ એમાં ચૌદમા ઘરમાં પ્રવેશ મેળવી રહ્યા હતા. હજુ ત્રણ જણ રહેવા આવવાની શકયતા હતી. ઉજેશભાઇને તો અત્યારે જે વૃધ્ધો વસવાટ કરી ચૂક્યા હતા એમના જીવનમાં જ રસ હતો. એમને વધારેમાં વધારે ચાર-પાંચ વૃધ્ધોના જીવનને આલેખવું હતું જેમનું જીવન બીજાથી અલગ હોય અને રહસ્યમય ઘટનાઓથી ભરેલું હોય. પોતે તેમની સાથે જીવન જીવવા આવ્યા છે. એમની કહાનીને લોકો સમક્ષ મૂકવા માટે આવ્યા છે એ વાતની ખબર કોઇને ના પડે એનું ધ્યાન રાખવાનું હતું.

હસમુખભાઇએ એક ફાઇલ આપી હતી. એમાં અત્યાર સુધી રહેવા આવેલા વૃધ્ધોની યાદી હતી. હવે પછી જે વૃધ્ધ કે વૃધ્ધા રહેવા આવશે એમની ફાઇલમાં પોતાનો બાયોડેટા ઉમેરાઇ જવાનો હતો એનો ઉજેશભાઇને ખ્યાલ આવી ગયો. એમણે ઘરમાં મૂકાયેલા હિંચકા પર શાંતિથી બેસીને બધાંનો ટૂંકો પરિચય વાંચી લીધો. નોકરી માટેના બાયોડેટા જેવા પરિચયના કાગળ પરથી કોઇના જીવન વિશે કલ્પના પણ થઇ શકે એમ ન હતી. બાયોડેટા ગમે તેટલો સારો હોય પણ જો ઉમેદવારમાં કામની સમજ અને કામ કરવાની ધગશ ના હોય તો તેના બાયોડેટામાં જણાવવામાં આવેલી ડિગ્રીઓની કોઇ કિંમત રહેતી ન હતી. એમ ઉજેશભાઇને ખ્યાલ આવી ગયો હતો કે કોઇ વૃધ્ધની અંગત મુલાકાત પછી જ એ જાણી શકાશે કે તેનું જીવન દળદાર નવલકથા જેવું છે કે કોઇ નવોદિતની પહેલી લઘુકથા જેવું નાનું અને સામાન્ય.

ઉજેશભાઇને થયું કે પોતે ઓળખ છુપાવીને આવી તો ગયા છે પણ સફળતા મળશે કે નહીં એ સમયના ગર્ભમાં છુપાયેલી વાત છે. તે હજુ વિચાર કરતા હતા ત્યાં ખુલ્લા બારણે ટકોરા પડયા. ઉજેશભાઇએ હિંચકાને ઠેસ મારવાનું બંધ કર્યું અને હિંચકો ઉભો રાખ્યો એમ જ મનને વિચાર કરતાં અટકાવી બહાર નજર નાખી તો એક વૃધ્ધા-દેખાવ પરથી તો હજુ હમણાં જ જેની યુવાની આથમી હોય એવી દેખાતી વૃધ્ધા સસ્મિત ઊભી છે. ઉજેશભાઇની નજર એના પર પડી અને એ ચોંટી જાય એ પહેલાં તો એ બોલી ઊઠયાં:"સાહેબ, હું અંદર આવી શકું?"

ઉજેશભાઇએ નવાઇ સહજ આવકાર આપતાં કહ્યું:"હા-હા, આવોને..."

"નમસ્કાર! હું અલ્પના કોઠારી. તમારી બાજુમાં જ રહું છું...." તે બોલ્યાં.

ઉજેશભાઇએ હમણાં જ ફાઇલમાં નજર નાખી ત્યારે આ નામ વાંચવામાં આવ્યું હતું. અહીં બે જ મહિલા હતી એની નોંધ લીધી હતી. તેમનો પરિચય યાદ કરવા મથી રહ્યા. પછી યાદ આવ્યું કે એમને બેસવાનો વિવેક કરવાની જરૂર છે. અને ઉજેશભાઇએ એક ખુરશી તરફ હાથ ચીંધ્યો.

ઉજેશભાઇના બોલવાની રાહ જોયા વગર એ આગળ બોલ્યાં:"ઉજેશભાઇ, હું તમને ઓળખું છું. તમે કયા હેતુથી અહીં આવ્યા હશો એ પણ જાણું છું..."

કોઇએ તેમના ધ્યાન બહાર બાજુમાં જ અચાનક બોમ્બ ફોડ્યો હોય એમ ઉજેશભાઇ ચોંકી ગયા.

ક્રમશ: