Gandharva-marriage. - 3 books and stories free download online pdf in Gujarati

ગંધર્વ-વિવાહ. - 3

પ્રવીણ પીઠડીયા.

                  વના સોલંકીનો શ્વાસ ભરાઈ આવ્યો. ઉબડ-ખાબડ રસ્તા ઉપર સાયકલનાં એકધારા પેડલ મારવાનાં કારણે તેના ફેફસા કોઈ ઘમણની જેમ ચાલતાં હતા. ફોરેસ્ટ ચોકીથી તેનું ગામ માંડ પાંચેક માઈલ છેટું હશે પરંતુ એ પાંચ માઈલ કાપવા તેને અત્યારે બહુ અઘરા લાગ્યાં. એવું જ થતું હોય છે… ઘણી વખત માણસને જ્યારે ખુબ ઉતાવળ હોયને… ત્યારે એ કામ કોઈ દેખીતા કારણ વગર જ વિલંબમાં પડતું હોય છે. કુદરત જાણે કસોટી લેતો હોય એટલો ધીમો એ સમય વિતે. વના સાથે પણ એવું જ બની રહ્યું હતું. તેને ગામ પહોંચવાની જબરી ઉતાવળ હતી કારણ કે અમંગળ આશંકાઓથી તેનું મન ફફડતું હતું. નાનકડું અમથું ગામ હોય તેમાં કોઈ અશુભ ઘટના ઘટે ત્યારે આખા ગામમાં એના બહુ ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે. ગયા મહિને જે બન્યું હતું એવું જ આજે ફરીથી બની રહ્યું એટલે તેનો જીવ અધ્ધર થઈ ગયો હતો અને જોશભેર તે સાયકલનાં પેડલ મારતો હતો, પરંતુ એમ કંઈ ગામ આવે..? તેણે માથું ધૂણાવ્યું અને ગામથી થોડે દૂર આવેલા મંદિરની ફરફરતી ફાટેલી ધજા ઉપર નજર ખોડી. મંદિરને જોઈને જ તેના મોતિયા મરી ગયા હતા. તે એ મંદિરનું સત્ય જાણતો હતો એટલે તેના જીગરમાં ધ્રાસ્કો પડયો. જોકે અહીથી હવે ગામ જાજુ દૂર નહોતું એ ખ્યાલે તેનો ઉત્સાહ વધ્યો અને મંદિર ફરતે જતી સડક ઉપર સાયકલ નાંખી. 

                      પરંતુ અચાનક તેની ઉંડી ઉતરી ગયેલી આંખોમાં આશ્ચર્યનાં વાદળો તરી આવ્યાં. આપોઆપ તેના પગ અટકયાં અને તે ઉભો રહી ગયો. “અરે... આ કોની ગાડી છે?” ટેકરી ઉપર આવેલા મંદિરનાં પગથિયાથી થોડે દૂર એક લાલ રંગની કાર ઉભી હતી એ જોઈને તેના મનમાં ભારે અચરજ ઉભર્યું. આવાં કપરાં સમયે મંદિરમાં કોઈ આવ્યું હોય એ કલ્પના પણ કરવી અશક્ય હતી કારણ કે મંદિર ઘણાં લાંબા સમયથી સાવ અવાવરું અવસ્થામાં હતું. મંદિરમાં બહારનાં તો શું… આ ગામનાં લોકો પણ આવતાં નહી. તેનું કારણ એ હતું કે મંદિર વિશે ઘણાં લાંબા સમયથી જાત-ભાતની અફવાઓ ફેલાતી રહી હતી. અને તેમાં ઘણુંખરું સત્યનો અંશ પણ સમાયેલો હતો. વર્ષો પહેલા ગામ આ મંદિરની આસપાસ વસતું હતું પરંતુ જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ લોકો દૂર રહેવા ચાલ્યાં ગયા હતા અને મંદિરની આસપાસ ઘનઘોર જંગલે પોતાનો કબ્જો જમાવી લીધો હતો. સમય વિતતા પછી ગામ લોકો અહી સુધી આવતાં બંધ થયા હતા અને મંદિરનું મહાત્મ્ય ઓછું થતું ગયું હતું. વળી અહી એક ઘટના બની ગઈ હતી જેનો ઓછાયો આજે પણ ગામ લોકોને ડરાવતો હતો. પાછલા થોડા વર્ષોની અંદર તો ગામ લોકો આ મંદિરને સાવ જ ભૂલી ગયા હોય એવો ઘાટ થયો હતો અને મંદિર એકલું અટૂલું આ વગડામાં નધણીયાત બની ગયું હતું. એવા સમયે અત્યારે મંદિરમાં કોઈ આવ્યું હોય એ ખ્યાલ જ વનાને ડરાવતો હતો.

                   વનો સાયકલ ઉપરથી નીચે ઉતર્યો અને કારની નજીક પહોચ્યો. તેણે ધ્યાનથી કારની આસપાસ એક ચક્કર માર્યું અને ખાતરી કરી કે કારની અંદર કોઈ નથી. તો શું કારમાં આવેલા લોકો મંદિરમાં ગયા હશે..? કે પછી તેની પાછળ આવેલા તળાવ તરફ ગયા હશે…? “ઓહ ભગવાન…!” એ તળાવ યાદ આવતાં જ તેના મોતિયા મરી ગયા અને ગભરાઈને તેણે સાયકલ તરફ રીતસરની દોટ મૂકી. 

                    ગયા મહિને લખા અને શ્યામલીની લાશો એ તળાવમાંથી જ મળી હતી. એ સમયે પણ આવું જ ભયાવહ વાતાવરણ હતું એ ખ્યાલ તેને ધ્રૂજાવી ગયો. તે સાયકલ ઉપર સવાર થયો અને પોતાના શરીરની તમામ તાકાત લગાવીને પેડલ મારવા લાગ્યો.  

                                         ----

                     આગળ ચાલતું આદીવાસી યુગલ એકાએક એક જગ્યાએ અટકી ગયું. ચાવી દીધેલા કોઈ પૂતળાની જેમ તેમની પાછળ ચાલતા આવતાં પ્રભાત અને સંચીતા પણ તેમનું અનુકરણ કરતા હોય એમ એકાએક ઉભા રહી ગયા. એ ચારેયની નજરો સામેની દિશા તરફ મંડાયેલી હતી. તેઓ જ્યાં ઉભા હતા એ જગ્યાએથી સામે દેખાતું દ્રશ્ય ભલભલાનાં કાળજા થંભાવી દેવા પૂરતું હતું. સામે વિશાળ જળરાશી ધરાવતું તળાવ હિલોળા લઈ રહ્યું હતું. બે તરફ પહાડીઓથી ઘેરાયેલા તળાવનાં પાણીમાં અત્યારે ભયંકર ઉફાણ સર્જાતું હતું. એવું લાગતું હતું જાણે કોઈ વિશાળ સગડી ઉપર એ પાણીને ગરમ કરી રહ્યું છે. તળાવનાં હિલોળાતા પાણી ઉપર ઝળુંબતા કાળા ઘનધોર વાદળો ભયાનક ગડગડાટી મચાવી રહ્યાં હતા. એ ગડગડાહટનો નાદ સમગ્ર વિસ્તારમાં કોઈ ગેબી અવાજની જેમ ગુંજતો હતો. કાચાપોચા હદયનો માનવી તો એ દ્રશ્ય જોઈને જ છળી મરે એવો ડરામણો અને એકાંતભર્યો માહોલ જામ્યો હતો. તળાવમાં જાણે કોઈ શૈતાની શક્તિ સમાયેલી હોય એમ પાણી ભયંકર રીતે ઉછાળા મારતું હતું. જાણે કેટલીય પ્યાસી આત્માઓ એ તળાવમાં એકઠી થઈને ધમાસાણ મચાવતી હોય એમ પાણી તળાવના કિનારાને ઓળંગવા આવ્યું હતુ. એવા ભયંકર વાતાવરણમાં ચાર વ્યક્તિઓ તળાવનાં કિનારે આવીને ઉભી હતી અને એમને જાણે આ પરિસ્થિતિમાં કોઈ ફરક જ ન પડતો હોય એવી નિર્લેપતા તેમના ચહેરા ઉપર છવાયેલી હતી. કોઈ કંઈ જ બોલતું નહોતું. એ ચારેય મીણનાં પૂતળાની જેમ ઉભા હતા અને બસ… એમ જ સમય વહેતો ગયો. ખબર નહી કેટલો સમય એ ચારેય સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં ઉભા રહ્યાં હશે અને… પછી એકાએક પેલું આદીવાસી યુગલ પાછળ ફર્યું અને પ્રભાત અને સંચીતાની સંન્મૂખ થયું. 

                તેમની ઉંડી ઉતરી ગયેલી આંખોનાં ગોખલામાં અજીબ ચમક ઉભરી આવી હતી. એ કોઈ સામાન્ય ચમક નહોતી. તેમાં શૈતાની તાકતનો પરછમ લહેરાતો હતો. આંખોથી જ જાણે તેઓ સમગ્ર સૃષ્ટીને ભષ્મ કરી નાંખવા માંગતા હોય એવી અગન એ નજરોમાં વર્તાતી હતી. તેમણે પ્રભાત અને સંચીતાને નજરોથી જ આજ્ઞા કરી… એ આહવાન હતું કે જોર હતું એ સમજાય એ પહેલા પ્રભાત અને સંચીતાએ આપમેળે ચાલવાનું શરૂ કર્યું. તેમની મંઝિલ પેલું ભયાનક તળાવ હતું જેનું ઉંફળતું પાણી તેમને બોલાવી રહ્યું હતું. શું હતું એ પાણીમાં…? કોણ તેમને ખેંચી રહ્યું હતું..? અને કોણ હતું એ આદીવાસી યુગલ..? કોના આદેશથી તેઓ અહી સુધી આવ્યાં હતા…? 

                                         ----

                  વના સોલંકીને અજીબ અજીબ વિચારો આવતા હતા. તેના દિલમાં ધ્રાસ્કા પડતા હતા. સાયકલ ચલાવતા તેના પગ આપમેળે ધ્રૂજતા હતા અને આખા શરીરે પરસેવો ઉભરી આવ્યો હતો. એ મંદિર તેને ડારી રહ્યું હતું. જો કોઈ એ મંદિર સુધી આવ્યું હશે તો ચોક્કસ તેની હાલત પણ લખા અને શ્યામલી જેવી થવાની હતી. અને પેલું તળાવ..? વળી તે ધ્રૂજયો અને આંખો મીચીને તેણે સાયકલનાં પેડલ ઉપર જોર વધાર્યું. ગામ બસ હવે બે ડગલાં જ દૂર હતું. તે ગામનાં ઝાંપા સુધી તો પહોંચી જ ગયો હતો પરંતુ એકાએક તે અટક્યો. સવા આચિંતો જ એક વિચાર તેના મનમાં ઝબક્યો હતો અને તે ઉભો રહી ગયો. આજે નવાં આવેલા સાહેબ આવી કોઈ બાબતમાં માનતાં નહોતા તો તેમને જ આ વાત કરું તો…? ઘડીભર માટે તે ત્યાં જ ખોડાઈ રહ્યો. તેણે ગામમાં પ્રવેશતા ધૂળિયા રસ્તા ઉપર નજર નાંખી. જો તે ગામમાં જઈને આ વાત કહેશે તો કોઈ મંદિર સુધી આવવા તૈયાર નહી થાય કારણ કે બધાને એ મંદિરની બીક લાગતી હતી. અને જો ખરેખર પેલી કારમાં કોઈ અજાણી વ્યક્તિ મંદિર સુધી આવી હશે અને તેને એ મંદિર વિશે ખબર નહી હોય તો ચોક્કસ તે મુસીબતમાં મુકાયા વગર નહી રહે. શું કરવું જોઈએ એ અજીબ દૂવિધામાં અટવાતો તે એમ જ ઘડીક ઉભો રહ્યો અને પછી મનોમન ફેંસલો કરી હોય એમ તેના હોઠ ભીડાયા અને સાયકલ હેઠે ઉતરી તેણે સાયકલને ફરી પાછી ચોકીની દિશામાં વાળી. એ સમયે તેને ખબર નહોતી તેનો આ ફેંસલો કેટલો ખતરનાક નિવડશે.

                                         ----

                    “ગુરુજીનો આદેશ… ગુરુજીની જય…” આદીવાસી યુગલનાં હોઠો ઉપર એકધારા શબ્દો રમતાં હતા અને તેમની દ્રષ્ટી પ્રભાત અને સંચીતાની દૂર જતી પીઠ તરફ મંડાયેલી હતી. તેમનાં માટે ગુરુજીની આજ્ઞા સર્વોપરી હતી અને એ અફર સત્ય હતું. ગુરુજીએ આજ્ઞા કરી હતી કે આ લોકોને તેમના આખરી મુકામ સુધી પહોંચાડવામાં આવે. એ કામ બહું અઘરું સાબિત થયું નહોતું, બસ… હવે થોડીક જ વાર હતી અને તેઓ તળાવમાં સમાઈ જવાનાં હતા. એ લોકોની જળ-સમાધી લેતાં જ તેમનો છૂટકારો થઈ જવાનો હતો. છેલ્લા એક મહીનાથી તેઓ આ પ્રેત યોનીમાં ભટકી રહ્યાં હતા. સ્વયં ગુરુજીએ તેમની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો એટલે તેમાં કોઈ મીન-મેખ થવાનો પ્રશ્ન જ નહોતો ઉદભવતો. જો કે તેમની આ હાલતનાં જવાબદાર પણ ગુરુજી જ હતા એ ખ્યાલ તેમને ક્યાં નહોતો..! મહિના દિ’ પહેલા આવી જ રીતે તેમણે પણ આ તળાવમાં ઝંપલાવ્યું હતું અને ત્યારથી તેઓ પોતાની જેવા જ કોઈ યુગલ શોધી રહ્યાં હતા જે તેમની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરે. અત્યારે તેમની આંખોમાં અમાનવિય ચમકારો વર્તાતો હતો. તળાવની ધારથી તેઓ ઘણે દૂર ઉભા રહી પ્રભાત અને સંચીતાને જાણે નજરોથી જ પાણીમાં ધકેલી રહ્યાં હતા. એ દ્રશ્ય રુંઆટા ખડું કરનારું હતું. 

                    પેલા લોકો તળાવની ધારે પહોંચીને ઉભા રહ્યાં. તળાવની અંદર કોઈક અદ્રશ્ય શક્તિ હતી જે તેમને પોતાની તરફ ખેંચી રહી હતી. તેઓ સંપૂર્ણપણે હિપ્નોટાઈઝ અવસ્થામાં ચાવી આપેલા પૂતળાની જેમ વર્તતા હતા. તેમને ખુદને ખ્યાલ નહોતો કે તેઓ ક્યાં છે અને શું કરી રહ્યાં છે! બસ.. એક કદમ દૂર તેમનું મોત તેમને સાદ દેતું હતું. તળાવ કિનારાની ભિની માટીથી તેમના પગ ખરડાયા હતા અને તળાવમાં ઉફળતું પાણી જાણે એ લોકોને પોતાની આગોશમાં સમાવવા અધીરુ બન્યું. આકાશમાં તોળાતા વાદળોમાં એ સમયે અજીબ ખળભળાટ મચવા લાગ્યો. અને… એ લોકો પાણીમાં ઉતર્યા.

                                        ----

                   “સાહેબ… “ વના સોલંકીએ જોરથી બૂમ પાડી. તે ધસમસતો ચોકીનાં કંમ્પાઉન્ડમાં ધુસ્યો હતો અને સાયકલને તેણે રીતસરની એક તરફ ફંગોળી હતી. તેનો શ્વાસ તેના જ ગળામાં આવીને અટક્યો હતો. “ઓ સાહેબ…” તેણે ફરીથી બૂમ પાડી અને ચોકીમાં અંદર તરફ દોડયો. અંકુશ રાજડા વના સોલંકીનાં ગયા પછી ચોકીનું નિરિક્ષણ કરવામાં પરોવાયો હતો કે અચાનક વનાનો ગભરાયેલો સાદ તેના કાને પડયો. તે ચોકીની વચ્ચે મુકાયેલા ટેબલની પેલે પાર ઉભો હતો. હજું તે કંઈ સમજે એ પહેલા વનો દોડતો આવીને તેની સામે ઉભો રહ્યો. 

                   “શું છે..? કેમ પાછો આવ્યો… અને આટલો ગભરાયેલો કેમ છે..? કોઈ ભૂત બૂત જોઈ લીધું કે શું..?” રાજડા વનાની હાલત જોઈને બોલી ઉઠયો. 

                    “સાહેબ, તમે ચાલો મારી સાથે.” વનાનાં કપાળે પરસેવો ઉભરાતો હતો અને છાતી કોઈ ધમણની જેમ ફૂલતી હતી. 

                    “અરે પણ, થયું છે શું એ તો કહે..?”

                    “એ રસ્તામાં કહીશ. પહેલા તમે મારી સાથે ચાલો નહિતર ખરેખર મોડું થઈ જશે.” 

                     રાજડા અસમંજસમાં પડયો. હજું હમણાં જ તો વનો તેના ગામ જવાં નિકળ્યો હતો અને ઘડીકમાં એવું તે શું થયું કે તે આમ બેબાકળો બનીને પાછો આવ્યો. પણ વનાનાં ચહેરા ઉપર છવાયેલો આતંક સ્પષ્ટ ચાડી ખાતો હતો કે જરૂર કંઈક અમંગળ ઘટયું છે.

                      “ઉભો રહે, આવું છું.” રાજડાએ કહ્યું અને ઝડપથી તે ચોકીમાં દાખલ થયો. તેનો સામાન હજું ત્યાં જ પડયો હતો. તેમાથી તેણે એક થેલો ખોલ્યો અને અંદર હાથ નાંખી કશુંક ફંફોસ્યું. તેની આંગળીઓનાં ટેરવે એક કઠણ લોખંડનો સ્પર્શ થયો અને તેની આંખોમાં ચમક ઉભરી આવી. ઝડપથી તેણે એ ચીજ બહાર ખેંચી કાઢી. તેના હાથમાં આઠ ઈંચનું ગજવેલ ચાકું ચળકતું હતું. રાજડાનાં ચહેરા ઉપર એક વિશિષ્ટ પ્રકારની ચમક પથરાઈ. આ તેનું ફેવરીટ ચાકું હતું જેને તે હંમેશા પોતાની સાથે રાખતો હતો. તે ઉભો થયો અને ચાકુને પેન્ટની પાછળ ખોસી બહાર નીકળ્યો. “ચાલ.” તેણે જીપ તરફ પગ ઉપાડયા. વનો તેની પાછળ લગભગ દોડતો જ આવ્યો અને જીપમાં ગોઠવાયો. રાજડાએ ડ્રાઈવર સીટ ઉપર બેઠક લીધી અને સરકારી વિભાગ દ્રારા ફાળવાયેલી ખખડધજ જીપને સેલ્ફ માર્યો. “કઈ તરફ લેવાની છે.” તેણે જીપનું સ્ટિયરિંગ ચોકીનાં વરંડા બહાર નીકળવાનાં રસ્તા તરફ ફેરવ્યું. 

                     “સીધા જ જવા દો. ગામથી થોડે આઘે એક મંદિર છે. એ મંદિરે જવાનું છે.” વનો બોલ્યો. 

                      “કેમ, એ મંદિરમાં શું છે?”

                      વનો થથર્યો. તેનું ગળું સૂકાયું. “સાહેબ, ત્યાં એક કાર ઉભી છે.”

                        “કાર ઉભી છે, મતલબ..? તું પાગલ તો નથી થઈ ગયોને..? ચોખવટથી કહે કે આખરે વાત શું છે..? આજે સવારે હું આવ્યો ત્યારથી તારી આવી બે-માથાળી વાતો સાંભળીને મારું માથું ભમી ગયું છે. અને અત્યારે તું મને કોઈ મંદિરે લઈ જાય છે, એ પણ એક કાર બતાવવા.?” રાજડાનો પિત્તો ઉછળ્યો. ઘડીક તો થયું કે તે જીપ ઉભી રાખીને વનાને ઉતારી દે. પણ તેણે એવું કર્યું નહી.

                         “સાહેબ, મેં તમને વાત કરી હતીને કે ગયા મહિને આવા જ વાદળો ઘેરાયા હતા અને ગામનાં બે વ્યક્તિઓ તળાવમાં ડૂબીને મરી ગઈ હતી!”

                         “હાં, પણ તેનું અત્યારે શું છે?”

                         “એ તળાવ આ મંદિરની બરાબર પાછળ આવેલું છે. મને લાગે છે કે આજે પણ કોઈક મરશે. હું ગામનાં રસ્તે હતો ત્યારે મંદિર પાસે મેં લાલ રંગની કાર ઉભેલી જોઈ એટલે મને ખાતરી થઈ કે ચોક્કસ કોઈક તો અહી આવ્યું છે. હવે તમે જ વિચારો કે સાવ અવાવરું મંદિરમાં આવા ભયાનક વાતાવરણમાં કોણ આવે..? મારું મન કહે છે કે ગઈ વખતની જેમ એ તળાવ આજે પણ કોઈકને ભરખી જશે.”

                    “પણ એ મંદિર અને એ તળાવમાં આવું તે શું છે કે તું આટલો ગભરાય છે.” રાજડાને વનાનાં અજૂગતા વર્તનનું રહસ્ય થોડુક સમજાયું.

                     “એ મંદિર અને તળાવ શાપિત છે.” વનાએ ઘટસ્ફોટ કર્યો. “વર્ષો પહેલા એ મંદિરમાં એક ઘટના બની હતી. એક વિવાહ થયા હતા. ગંધર્વ વિવાહ. ત્યારે ગામ આખું ત્યાં ભેગું થયું હતું. અને…” વનો અટક્યો.

                     “અને… શું વનરાજ?” રાજડાનાં મસ્તકમાં અસંખ્ય સવાલો ઉદભવ્યાં. 

(ક્રમશઃ)  

Share

NEW REALESED