Gandharva-marriage. - 6 in Gujarati Horror Stories by Praveen Pithadiya books and stories PDF | ગંધર્વ-વિવાહ. - 6

ગંધર્વ-વિવાહ. - 6

 પ્રકરણ-૬. 

પ્રવીણ પીઠડીયા.

              અંકુશ રાજડા અને વનરાજ સોલંકીએ બાપ જન્મારે કોઈ દિ’ આવું ભયાવહ દ્રશ્ય નહી જોયું હોય. તે બન્ને પથ્થરનાં કોઈ બૂતની જેમ ફાટી આંખોએ મંદિરમાંથી બહાર આવતા શખ્સને જોઈને ઉંડી, અંધારી ખીણમાં ધકેલાઈ ગયા હોય એમ સ્તબ્ધ બની ગયા હતા. તેમની છાતીની અંદર ધબકતું હદય એટલા જોરથી પાસળીઓ સાથે અથડાતું હતું કે હમણાં જ છાતી ફાટી પડશે અને હદય પાસળીઓ તોડીને બહાર નીકળી આવશે એવું લાગતું હતું. એથી મોટી હેરાની તો એ વાતની હતી કે એકાએક જ મંદિરનાં પરીસરનો માહોલ ભયાવહ બન્યો હતો. ટેકરી ઉપર વહેતા પવનને જાણે કોઈએ પોતાની જંગી મુઠ્ઠીમાં બાંધીને કેદ કરી લીધો હોય એમ પવન એકાએક જ સાવ પડી ગયો હતો અને ચોતરફ ફેલાયેલો કોલાહલ ભયાનક શાંતીમાં તબદિલ થઈ ઉઠયો હતો. એ શખ્સનાં આગમનથી જાણે સમસ્ત કાયનાતમાં સ્તબ્ધતા વ્યાપી ગઈ હોય એવો ભયાવહ ખૌફનો માહોલ ફેલાયો. અત્યાર સુધી માનસિક સ્વસ્થતા ધારણ કરીને ઉભેલો રાજડા પણ ખળભળી ઉઠયો હતો. તેને આવું કંઈ જોવાની અપેક્ષા બીલકુલ નહોતી. તે તો બસ… એકટીસે એ સફેદ પુરુષને નિહાળી રહ્યો. 

               એકદમ સફેદ-ઝગ, બગલાની પાંખ જેવી કફની તેના શરીરે ઓપતી હતી. પગમાં ખૂલતી મોળીનો પાયજામો પહેર્યો હતો. કફની ઉપર આછા આસમાની રંગની લાઈનિંગ વાળો સફેદ ખેસ હતો જેને ખૂબ જ સફાઈ પૂર્વક ખભા ઉપરથી વાળીને કમર સાથે બાંધવામાં આવ્યો હતો જેના લીધે તેનો દેખાવ ઓર પ્રભાવી રીતે નિખરી આવતો હતો. માથામાં વાળનો જથ્થો આછો અને સંપૂર્ણ સફેદી ધારણ કરેલો હતો. એવી જ લાંબી અને ધોળી દાઢી મંદ વહેતી હવામાં ફરફરતી હતી. જો કોઈ વ્યક્તિ પ્રથમ નજરે તેને જૂએ તો ચોક્કસ શાલિન અને પ્રભાવી પુરુષ તરીકેની તેની છાપ પડે. પરંતુ શું ખરેખર એવું હતું…? એનો જવાબ તેની આંખોમાં તરવરતો હતો. અંકુશ રાજડા અને વનો સોલંકી એટલે જ સહમી ગયા હતા. એ આંખોમાં પિચાસી ચમક હતી. તેની ગોળ કીકીઓ એકદમ ઘાટા કાળા રંગની હતી અને તેની આસપાસની સફેદીમાં લાલ હિંગોળાક-શી રતાશ છવાયેલી હતી. એ કોઈ શૈતાનની આંખો હતી. તે આ મંદિરનો પૂજારી હતો. તેની ઉંચાઈ પૂરા છ ફૂટની હતી. તેનો પડછમ દેહ ભલભલાને પછાડવા શક્તિમાન હોય એવો કસાયેલો હતો. તે એકદમ સ્થિર નજરે રાજડાને તાકી રહ્યો હતો. એ નજરોમાં ગજબનાક કાતિલ ઠંડક હતી. રાજડા પોતાની જીંદગીમાં પહેલીવાર કંપન મહેસૂસ કરી રહ્યો હતો. તેની રગોમાં દોડતું લોહી ભારે ઉત્તેજનાનાં કારણે તેજ ગતીથી દોડવા લાગ્યું હતું. અને વનરાજ… 

                 વનરાજ સોલંકીએ ફક્ત એક જ વખત પૂજારીની નજરોમાં ઝાંક્યું હતું અને તે થરથર કાંપવા લાગ્યો હતો. તેનું શરીર રીતસરનું ધ્રૂજતું હતું. આજ સુધી તેણે ફક્ત મંદિર વિશે અને પૂજારી વિશે અવનવી કહાનીઓ જ ફક્ત સાંભળી હતી અને એ કહાનીઓનો ખૌફ તેની રગોમાં દોડતો રહેતો હતો. તે જ્યારે પણ આ તરફનાં રસ્તેથી પસાર થતો ત્યારે એક અજાણ્યો ડર તેને ઘેરી વળતો. એ ડર તેને સ્વપ્નમાં પણ પજવતો. ફક્ત વાતો અને કહાનીઓથી જ તે એટલો બધો ડરી ગયો હતો કે ભૂલથીય જો ક્યારેક મંદિર નજીકથી પસાર થવાનું થતું ત્યારે તે કાંપી ઉઠતો. પરંતુ અત્યારે તેની નજરો સમક્ષ વર્ષો પહેલા મ્રૃત્યું પામેલો શખ્સ આવીને ઉભો રહ્યો હતો અને દ્રશ્ય એ તેના માટે કલ્પનાતિત હતું. આવું કંઈ થશે એની તો કલ્પના પણ ક્યાથી હોય તેને. તેનાં પગ થરથર કાંપવા માંડયા હતા. તેણે રાજડાનો હાથ પકડી રાખ્યો હતો એટલે એ ધ્રૂજારી રાજડાએ પણ અનુભવી હતી. રાજડાએ પોતાનો હાથ ઉઠાવીને હાથ વનાનાં ધ્રૂજતા હાથ ઉપર મૂકાયો હતો અને તે બન્ને હવે આગળ શું બનશે એની રાહ જોવા લાગ્યાં.

                  એક એક પળ એક એક યુગની જેમ વહી રહી હોય એમ ટેકરી ઉપર પૂરાણા મંદિરનાં પરીસરમાં અજીબ ટેબ્લો પડયો હતો. જાણે આ કાયનાતમાં ફક્ત ત્રણ જ માણસો હોય એમ તેઓ સ્થિર બનીને એકબીજાને નિહારતા ઉભા હતા. સમય જાણે ક્ષણભર માટે થંભી ગયો હોય એમ બધું જ શાંત બની ગયું હતું. ખબર નહી કેટલો સમય એમ જ વિત્યો હશે અને એકાએક…

                “અહીથી ચાલ્યાં જાઓ છોકરાઓ, નહિતર તમારું પણ મોત નિશ્ચિત છે.” એક ઘેઘૂર અવાજ વાતાવતણમાં ગુંજી ઉઠયો. જાણે કોઈ વ્યક્તિ ઉંડા પાતાળ કૂવાનાં તળીયેથી બોલતું હોય એવો ભારે ’બાસ’ વાળો અવાજ હતો એ. એ અવાજની ભયાનકતા એટલી તિવ્ર હતી કે ત્યાં સળગતા દિવાઓની જ્યોતમાં રીતસરનું કંપન ઉઠયું હતું અને દિવાઓનો ફડફડાટ વઘું તેજ બન્યો હતો. રાજડા અને વનરાજ ઓલરેડી ભયનાં આવરણ હેઠળ દટાયેલા હતા તેમાં સામે ઉભેલા શખ્સે ઓર વધારો કર્યો હતો. રાજડા હજુપણ ’શોક’માં હતો. તેને સમજાતું નહોતું કે તે શું કરે..? તેનું દિમાગ નજરો સમક્ષ ભજવાઈ રહેલું દ્રશ્ય બરાબર રીતે જોઈ તો રહ્યું હતું પરંતુ તેનું હદય એ હકીકત સ્વિકારવા તૈયાર નહોતું થતું. તેની નજરો સમક્ષ એક પ્રેત ઉભું હતું અને તે એક પેરાનોર્મલ દુનિયાનો અનુભવ કરી રહ્યો છે એ વાત કેમેય કરીને તેના જહેનમાં ઉતરતી નહોતી. તેના કાને હમણાં જ બોલાયેલા શબ્દો સાંભળ્યા હતા. પૂજારીનું પ્રેત તેમને અહીથી જવાનું કહેતું હતું અને તેમણે જો તેની  વાત ન માની તો પરીણામ ભયાનક આવશે એમાં કોઈ બેમત નહોતો. ઘડીભર માટે તો તેને અહીથી મુઠ્ઠીઓ વાળીને ભાગવાનું મન થયું… અને તેણે એવું કર્યું પણ હોત, પરંતુ… એકાએક જ પૂજારીનાં અવાજમાં તેને કંઈક ખટકયું હતું. એવું કંઈક હતું જે તેના મગજે ’નોટ’ કર્યું હતું. એ શું હતું એ સમજતા તેને થોડો સમય લાગ્યો પરંતુ જ્યારે સમજાયું ત્યારે એકાએક જ તેનો ડર ઓછો થયો હતો. અનાયાસે જ તેના જડબા આપસમાં ભિંસાયા હતા અને જીગરમાં થોડીક મક્કમતા છવાઈ હતી. એકાએક તેને લાગ્યું કે તે પરિસ્થિતી સંભાળી શકશે. તે પૂજારીને હરાવી શકશે. તેણે વનાનો હાથ છોડાવ્યો અને બે ડગલા આગળ આવ્યો. 

                 “પણ…? આ ’પણ’ નો શું મતલબ છે..? અમારી સિવાય અહી બીજું એવું કોણ છે જેણે મોતથી ડરવું જોઈએ..?” રાજડાએ સંભાળ પૂર્વક શબ્દો વાપર્યા. તેણે જે પ્રશ્ન કર્યો એનો જવાબ ઓલરેડી તે જાણતો હતો છતાં તે ચાહતો હતો કે આ વાતચીત લાંબી ચાલે. તે જાણતો હતો કે નીચે જે સેન્ટ્રો કાર ઉભી છે તેમાં જે કોઈપણ આવ્યું છે એમના મોતની વાત પૂજારી કરી રહ્યો છે. અને જો ખરેખર એવું હોય તો એક બાબત ઓર સ્પષ્ટ થતી હતી કે એ કાર વાળા લોકો હજુ જીવિત છે અને તેમને બચાવી શકાય એમ છે. તેમને બચાવાનો હવે એક જ રસ્તો હતો… અને એ રસ્તો રાજડાને અચાનક સૂઝયો હતો. એમ કહી શકો કે પૂજારીએ જે ’પણ’ શબ્દ ઉચ્ચાર્યો હતો એમાથી જ તેને એ રસ્તો મળ્યો હતો. એમાં પણ સૌથી સારી વાત એ થઈ હતી કે એક પ્રેત સાથે તેનો સંવાદ શરૂ થયો હતો. તે જાણતો હતો કે જ્યાં સંવાદ થતો હોય ત્યાં કોઈપણ સમસ્યાનો ઉકેલ મળી શકે છે. તે દ્રઢપણે એવું માનતો હતો અને બે-ત્રણ વખત એવો અનુંભવ પણ થયો હતો.  

                 “એ પૂછવા વાળો તું કોણ…? અત્યારે તને જીવન દાન આપી રહ્યો છું એજ ઘણી મોટી વાત છે. સમય બગાડયા વગર ભાગો અહીથી નહિતર તમે પણ માર્યા જશો.” પૂજારીનો અવાજ અચાનક ઉંચો થયો હતો અને તે ગુસ્સે ભરાયો હતો. તેની લાલઘૂમ આંખો વઘું લાલ બની. અને…  તેની ધમકી સાંભળીને રાજડા જોરથી હસી પડયો. તેનાથી ખડખડાટ હસી પડાયું. 

                  “અચ્છા…! એટલે તું અમને જીવન દાન આપીશ એમ..!” તેના અવાજમાં ધાર હતી અને સાથોસાથ ઉપહાસ પણ. “તને ખબર છે કે તું કઈ જગ્યાએ ઉભો છે..!” રાજડાએ એકદમ જ તેની સાથે ’તું’કારે થી વાત શરૂ કરી. એનું એક કારણ હતું, તે પૂજારીને ઉશ્કેરવા માંગતો હતો, જેમા તે કામયાબ નિવડયો. 

                   “છોકરા, મને ઉશ્કેર નહી. નહિતર પરીણામ ભયાનક આવશે.” પૂજારીનો સમગ્ર દેહ હલવા લાગ્યો. ભયાનક ગુસ્સાથી તેનો ગૌર ચહેરો લાલઘૂમ બન્યો. 

                   “તારાથી મોટો મૂરખ આજ સુધી મેં ક્યાંય જોયો નથી. ભગવાનનાં ઘરમાં ઉભો રહીને બીજાનાં મોતનો ફેંસલો સંભળાવે છે..! અરે, જે સર્વ શક્તિમાન છે એ તો અંદર બેઠો છે. શું તું એનાથી પણ મોટો ભગવાન બની ગયો છે…?” રાજડાનું હસવાનું બંધ થયું હતું અને એકાએક તે આવેશમાં આવી ગયો હતો. તેનો અવાજ મંદિર પરીસરમાં ગૂંજી ઉઠયો. આજ ક્ષણ હતી જ્યારે તે પૂજારીનાં પ્રેતને થાપ આપી શકે.      

                 રાજડાની વાત સાંભળીને પૂજારી સન્નાટામાં આવી ગયો. સાથોસાથ તેનો ક્રોધ બેવડાયો. બે સેકન્ડ માટે એવું લાગ્યું જાણે હવે ભૂચાળ આવશે અને બધું તહસ-નહસ થઈ ઉઠશે. 

                 “બસ છોકરાં, તારો સમય પૂરો થયો.” તેણે હવામાં હાથ ઉંચો કર્યો અને નજરોથી જ જાણે બધું ભસ્મીભૂત કરી નાંખવાનો હોય એમ રાજડા તરફ જોયું. તેમની વચ્ચે ક્ષણભર માટે ત્રાટક રચાયું અને પૂજારીએ અધ્ધર કરેલો હાથ જોરથી રાજડા તરફ ઝાટક્યો. એ સાથે જ રાજડા રીતસરનો હવામાં ઉંચકાયો અને કોઈકે જંગી ફોર્સથી તેને ધક્કો માર્યો હોય એમ પાછળ તરફ ફંગોળાયો. એ એટલી ભયાનક ઝડપે બન્યું હતું કે રાજડા કંઈ સમજે, વિચારે, એ પહેલા તો તે મંદિરનાં પરીસરમાં બિછાવેલી આરસની ફર્શ ઉપર ભારે વેગથી પીઠભેર પટકાયો. રાજડાને એવું લાગ્યું જાણે કોઈકે તેના પગ પકડીને ઘોબીઘાટ ઉપર ધોવાતા કપડાની જેમ ઉંચકીને પથ્થર ઉપર અફાળ્યો હોય. તેની પીઠમાં જબરજસ્ત ઝટકો વાગ્યો. ક્ષણભર માટે તે સન્નાટામાં ચાલ્યો ગયો અને તેની આંખો આગળ તારા-મંડળ રચાયું. આવું કંઈક બનશે એની સહેજે આશંકા તેને નહોતી. તેની પાછળ, તેનો હાથ પકડીને ઉભેલા વનરાજને પણ ઝાટકો લાગ્યો હતો અને આપોઆપ તે દૂર ધકેલાયો હતો. તેના મોતિયા મરી ગયા હતા. પૂજારીનું રોદ્ર સ્વરૂપ જોઈને તે એટલો ગભરાઈ ગયો હતો કે એજ ક્ષણે તે બેભાન બનીને પરીસરની લાદી ઉપર ચત્તોપાટ ફેલાઈ ગયો. ખૌફથી તેનું હદય બંધ પડતા માંડ બચ્યું હતું અને તે બેહોશીની અનંત નિન્દ્રામાં સરી પડયો. ખરેખર તો તેને એમ જ લાગ્યું હતું કે તે મરી ચૂક્યો છે. 

                  મંદિરનાં વાતાવરણમાં અચાનક ભારે પલટો સર્જાયો હતો. અત્યાર સુધી શાંત પડેલું પરીસર પૂજારીનાં ક્રોધથી એકાએક રીતસરનું સળગવા લાગ્યું હોય એમ ગરમ લાવા જેવું ધધકવા લાગ્યું. આકાશમાંથી વરસતો વરસાદ ફરી પાછો હેલીએ ચડયો હોય એમ તેજ ગતીએ ખાબકવા લાગ્યો અને વિજળીનાં કડાકા-ભડાકા સંભળાવા લાગ્યાં. એ વરસાદ જ હતો જેણે રાજડાને ફરી પાછા ઉભા થવાની હિંમત આપી હતી. પૂજારીના પ્રેતે જે રીતે તેને ઉછાળીને ફંગોળ્યો હતો એમા તેનું મનોબળ એક જ ઝટકે ભાંગીને ભૂક્કો થઈ ગયું હતું. એક જ પ્રહારમાં તેને સમજાઈ ગયું હતું કે તેનો પનારો દૂન્યવી દૂનિયામાં વિચરતા એક ખતરનાક આત્મા સાથે પડયો છે. માનસિક અને શારીરીક બન્ને રીતે તે પસ્ત થઈ ગયો હતો અને ફર્શ ઉપર પડયો પડયો કરાહી રહ્યો હતો. કદાચ તે પણ વનાની જેમ બેભાન બની ગયો હોત પરંતુ તેના ચહેરા ઉપર વરસતા પાણીએ તેને ભાનમાં રહેવા મજબૂર બનાવ્યો હતો. વરસાદ એક રીતે તેના માટે પછ્છન્ન આશિર્વાદ સાબિત થયો હતો. થોડીક કળ વળતા તે અધૂકડો બેઠો થયો અને હાથનું નેજવું કરી સામે નજર કરી. પૂજારી હજુંપણ તેની જગ્યાએ જ ઉભો હતો અને કાળઝાળ નજરે રાજડાને તાકી રહ્યો હતો. તે નજરોથી જ જાણે રાજડાને ભસ્મીભૂત કરી નાંખવાનો હોય એમ તેની આંખોમાં જ્વાળોઓ સળગતી હતી. તેનો ક્રોધ આસમાને પહોંચ્યો હતો. ફરી પાછો તેણે હાથ અધ્ધર કર્યો અને આ વખતે રાજડા પરીસરની પાળી સાથે અથડાયો. તેનું માથું દિવાલ સાથે ટિંચાયું અને કપાળમાંથી લોહીની ધાર થઈ. વહેતા પાણી સાથે એ લોહીનાં રગેડા લાદી ઉપર ફેલાયા અને એટલામાં લાલઘૂમ ખાબોચિયું ભરાયું. રાજડાએ ઝડપથી પોતાનો હાથ માથા ઉપર દબાવ્યો. કપાળ પાળીનાં ખૂણા સાથે અથડાયું હતું તેનાથી આછકલો ધા પડયો હતો અને ચામડી ચીરાઈ હતી. ઝખમ મામૂલી હતો પરંતુ લોહી ઝડપથી વહી રહ્યું હતું એટલે રાજડાએ કંઈ જ વિચાર્યા વગર ખિસ્સામાંથી રૂમાલ કાઢયો અને પાટો બાંધતો હોય એમ માથે બાંધ્યો. તેની ધારણા બહારનું ઘટી રહ્યું હતું એટલે તે સદમામાં આવી ગયો હતો. ઉપરાંત હવે તેને ચક્કર પણ આવવા લાગ્યાં હતા. તે બરાબર સમજી ગયો હતો કે જો તેણે ઝડપથી કંઈ કર્યું નહી તો ચોક્કસ પૂજારીનાં હાથે તેનું મૃત્યું નક્કી છે. તેણે પોતાનામાં બચી હતી એટલી તાકાત એકઠી કરી… હાથેથી પાળીનો સહારો લીધો અને ધીમેથી ઉભો થયો. એ સમયે જ આકાશમાં વિજળીનો જોરદાર કડાકો થયો હતો.

(ક્રમશઃ)                    

  

Rate & Review

Arzoo baraiya

Arzoo baraiya 2 months ago

Dipti Patel

Dipti Patel 5 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Darshana Jambusaria
Tejas Patel

Tejas Patel 6 months ago