Gandharva-marriage. - 4 books and stories free download online pdf in Gujarati

ગંધર્વ-વિવાહ. - 4

પ્રકરણ-૪.

પ્રવીણ પીઠડીયા.

              “અને શું વનરાજ..?” રાજડાને થોડો રસ પડયો. તેણે જીપ ચલાવતાં અધીરાઈ ભેર પૂછયું. “મને આવી બધી વાતો સાવ ગપગોળા જ લાગે પરંતુ અત્યારનું વાતાવરણ જોઈને થાય છે કે તારી કહાની ઉપર થોડોક વિશ્વાસ કરું.” અંકુશ રાજડા નાનપણથી જ કઠણ કાળજાનો હતો. ભૂત, પલિત, ડાકણ, ચૂડેલ, ભૂવા, ડાકલા કે એવી અન્ય કોઈ દૂન્યવી બાબતોનો ક્યારેય કોઈ ખોફ તેને લાગતો નહી. અલબત્ત આવી વાતોને તે હસી નાંખતો. તેને માટે આ જગતમાં ડર નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી જ નહોતી એટલે વનરાજની વાતોથી તેને નવાઈ જરૂર લાગતી હતી પરંતુ ડર નહી. વળી આ ગંધર્વ વિવાહ શબ્દ પણ તેણે પહેલી વખત સાંભળ્યો હતો એટલે તેનું આશ્વર્ય બેવડાયું હતું. “તું ખૂલીને વાત કહે તો કંઈક સમજાય.”

             “સાહેબ… અત્યારે એવો સમય નથી. જો હું તમને વિગતે વાત કરવા રહીશને તો જરુર કંઈક ન બનવાનું બની જશે. પહેલા આપણે મંદિરે પહોંચીએ પછી બધું જણાવીશ.” વનો સોલંકી ખરેખર ફફડતો હતો. જૂની વાતો યાદ કરવાની હિંમત તેનામાં નહોતી. ઉપરાંત પેલી કારનાં અસવારોની ચિંતા પણ તેને કોરી ખાતી હતી. 

              “અરે પણ… જો મને ખ્યાલ જ નહી હોય કે હું શેના માટે જઈ રહ્યો છું તો તારી મદદ કેમ કરીશ. ભલે વિગતવાર ન જણાવ પણ આપણે મંદીરે પહોંચીએ ત્યાં સુધીમાં જેટલું કહી શકે એટલું તો બોલ.” રાજડાએ ઉબડ-ખાબડ રસ્તા ઉપર જીપને સંભાળતા કહ્યું. તેના અંદરની જિજ્ઞાષા ઉછાળા મારવા લાગી હતી. 

              “એ સમયને યાદ કરતા પણ ડર લાગે છે સાહેબ. છતા તને કહો છો તો સાંભળો… આજથી અઢાર કે વીસ વર્ષ પહેલાની વાત છે. ત્યારે અમારું ગામ આપણે જે મંદિરે જઈ રહ્યાં છીએ તેની આસપાસ વસતું હતું. ગામ અને મંદિર જાણે એકાકાર માટે જ બન્યા હોય એટલી શ્રધ્ધા લોકોમાં હતી. પરંતુ એક ગોજારા દિવસે ન થવાનું થયું. નાનકડા ગામ માટે તો એ અકલ્પનિય ઘટના હતી. ગામનો એક જૂવાન છોકરો બાજુનાં ગામની કુંવારી છોકરીને ભગાડી લાવ્યો હતો. એ ઘટનાએ ગામમાં હાહાકાર મચાવી મૂક્યો હતો કારણ કે એ ક્રૃત્ય અમારા સમાજમાં અધમ પાપ ગણાતું હતું. એ છોકરા અને છોકરીને પકડીને ગામ લોકો મંદિરનાં પૂજારી પાસે લઈ આવ્યાં હતા. એ સમયે આ મંદિરનું અને મંદિરની સેવા કરતાં પૂજારીનું બહું મહાત્મ્ય હતું અને ગામ લોકો પૂજારીને જ ભગવાનનું બીજું સ્વરૂપ માનતા હતા. પૂજારીનો આદેશ હુકમ સમાન ગણાતો અને બધા તેને માન્ય રાખતા હતા. ગામ લોકોને વિશ્વાસ હતો કે પૂજારી આ મામલામાં છોકરાને ઉચિત સજા આપશે અને છોકરીને સન્માન પૂર્વક તેના ગામે પાછી મોકલવાનો ન્યાય તોળશે. પરંતુ…” વનરાજ એકાએક અટક્યો. જાણે તેના ગળામાં કશુંક અટક્યું હોય એમ તે ચૂપ થયો. 

               “પરંતુ શું વનરાજ…?” રાજડા એકધ્યાનથી વનાની વાત સાંભળતો હતો તેમાં વિક્ષેપ પડતા તેની અધીરાઈ છલકાઈ ઉઠી. એ દરમ્યાન જીપે મંદિર તરફ જતા રસ્તે વળાંક લીધો હતો. હવે મંદિર વધુ દૂર નહોતું.  

               “જ્યારે ગામ લોકોએ પૂજારી સમક્ષ સમગ્ર હકીકત રાખી ત્યારે પૂજારી ઘડીક વિચારમાં પડી ગયા. અને પછી… એ કર્યું જેની કોઈને અપેક્ષા નહોતી. પૂજારીએ ગામ લોકો સાથે દગો કર્યો સાહેબ. તેણે બધાની હાજરીમાં એ બન્નેનાં ગંધર્વ વિવાહ યોજયા. એ દિવસે અને એ ઘડિયે જ મંદિરની અંદર તેમના ગંધર્વ વિધિથી લગ્ન કરાવ્યાં હતા. ગામનાં વડિલોએ, મૂખિયાએ… અરે અમે પણ ભારે વિરોધ કર્યો છતા પૂજારી માન્યા નહી અને તેમણે પોતાનું ધાર્યું જ કર્યું હતું. એ અધમ… નીચમાં નીચ ક્રૃત્ય હતું છતાં કોઈ કંઈ કરી શક્યું નહી કારણ કે આજ સુધી પૂજારી સામે કોઈ બોલ્યું જ નહોતું. પૂજારીએ એ વાતનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો અને પોતાનું ધાર્યું કર્યું હતું.” વનરાજ એટલું બોલતા રીતસરનો કંપી ઉઠયો. જાણે એ દિવસ તેની નજરો સમક્ષ તરતો હોય.

               “પણ શું કામ…? પૂજારીએ એવું કેમ કર્યું…? કોઈ તો કારણ હશે ને કે પૂજારીએ સમસ્ત ગામજનોની વિરુધ્ધ જઈને એ લોકોનાં લગ્ન કરાવ્યાં હોય. અને  આ ગંધર્વ વિવાહ એટલે શું એ હજું મને સમજાયું નથી.” રાજડાએ પ્રશ્નો ઉછાળ્યાં. 

               “તેમણે એવું શું કામ કર્યું એ હું તો કેમ કહી શકું..? પરંતુ ગંધર્વ વિવાહની મારી સાદી સમજ એટલી છે કે જે વિવાહ ચોરી-છૂપીથી… સમાજની આમન્યા રાખ્યા વગર છોકરો અને છોકરી પોતાની મરજીથી કરી લે એને ગંધર્વ વિવાહ કરી લીધા ગણાય. આ પ્રથા પૃથ્વી ઉપર જ્યારે દેવો, દાનવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો રાજ કરતા હતા એ સમયથી ચાલી આવે છે. તેમા કોઈની જરૂર પડતી નથી. ફક્ત બે વ્યક્તિ પોતાની મરજીથી, રાજીખુશીથી, પોતાના મનથી એકબીજાની બની જાય અને અગ્નિ ફરતે ફેરા ફરી લે એ ગંધર્વ વિવાહ. જે એ વખતે પૂજારીએ કરાવી આપ્યા હતા. તેમા છોકરો અને છોકરી બે જ જણા રાજી હતા. બીજું કોઈ નહી. અરે છોકરીનાં ઘરવાળાઓને તો ખબર સુધ્ધા નહોતી કે તેમની છોકરી શું કરી રહી છે.” વનરાજે જાણે ખૂબ મોટી જાણકારી વહેંચી હોય એમ બોલી ઉઠયો.

              “ઓહ, તો એમ વાત છે. પણ મને શું લાગે છે વનરાજ કે પૂજારીએ જે કર્યું એ યોગ્ય જ હતું. જ્યારે પૂખ્ત વયની કોઈ બે વ્યક્તિ આપસમાં લગ્ન કરવા માંગતી હોય તો કાયદો પણ એમને રોકી શકે નહી. મારે હિસાબે તો પૂજારીએ તે બન્નેનાં લગ્ન કરાવી આપ્યાં એ બરાબર જ કર્યું ગણાય.” રાજડાએ પોતાનો તર્ક જણાવ્યો. પરંતુ તેને પોતાનાં જ શબ્દોની પોકળતા સમજાતી હતી. આજનાં આધૂનિક કહેવાતા સમાજમાં જ્યાં હજું પણ ભાગીને લગ્ન કરનારને ગુનેગારની દ્રષ્ટિથી જોવાતા હોય તેમાં આજથી વીસેક વર્ષ પહેલાની તો કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. વળી આ પાછું ડાંગ જેવા પછાત ગણાતા આદિવાસી લોકોનાં રીતરીવાજો તો એનાથી પણ જૂનવાણી અને ઝનૂની હતા. 

               “એ તો સાહેબ, જેવા જેનાં રીવાજ.” રાજડાની વાત સાંભળીને ન ચાહવા છતા વનરાજનાં ભવા સંકોચાયા. થોડો ગુસ્સો પણ આવ્યો છતા સાહેબ સામે વધું કંઈ બોલ્યો નહી. તેને પોતાના સંસ્કારો અને રીવાજોની અવગણના બીલકુલ પસંદ આવી નહી.

               “અચ્છા પછી શું થયું એ કહે…?” રાજડાને વનરાજની નારાજગી કે બીજી વાતોમાં રસ નહોતો. તેને તો એ સમયે શું થયું હતું એ જાણવાની તાલાવેલી જાગી હતી. વનરાજની કહાની રસપ્રદ જણાતી હતી.

                “પૂજારીએ લગ્ન તો કરાવી નાંખ્યાં પરંતુ ગામલોકોએ એનો જબરો વિરોધ કર્યો હતો. પહેલા તો પૂજારીની આમન્યાં કે તેમના પ્રત્યેનાં આદરનાં કારણે કોઈ કંઈ બોલ્યું નહી પરંતુ પછી છાનો ગણગણાટ શરૂ થયો જેણે સમય જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્નનાં બીજા જ દિવસે એ છોકરો અને છોકરી ગામ છોડીને નાસી ગયા એટલે ગામવાસીઓ ઓર ક્રોધે ભરાયા હતા. જાણે એ બધું પાપ કર્મ પૂજારીને કારણે જ આચરાયું હોય એમ લોકોનો ગુસ્સો વધતો ગયો હતો અને ધીરે ધીરે એ ગણગણાટ… એ ગુસ્સો એક ભયાનક કૃત્યમાં પલટાયો હતો. એ રાત્રે ગામનાં થોડાક માથાભારે માણસો મૂખીનાં ઘરે ભેગા થયા હતા અને તેમની વચ્ચે કંઈક ગોઠવાયું હતું. એ લોકોને ખબર હતી કે ગામનો સામાન્ય વર્ગ ચાહવા છતાં પૂજારી સામે કંઈ બોલશે નહી એટલે જે પણ કંઇ કરવું હશે એ તેમણે જ કરવું પડશે એટલે તેઓએ એક ખતરનાક કાવતરું ઘડયું.” વનરાજનો અવાજ ફરીથી કંપવા લાગ્યો. એ સમયને યાદ કરતાં કે પછી આ બધું તે આ નવા આવેલા સાહેબને શું કામ જણાવે છે એના ડરનાં કારણે તેનું મન બેચેન બની ગયું. પણ તે અટક્યો નહી. “બીજા દિવસે વહેલી સવારે… તેમણે પૂજારીનાં જવાન દિકરાને પકડ્યો.” વનરાજનો અવાજ ફરી થથર્યો. તેનો સૂકાયેલો ચહેરો કાળો પડી ગયો. રાજડાની પીઠમાં કરંટ દોડયો હોય એમ ટટ્ટાર થયો. કહાનીમાં આવો કોઈ ખતરનાક વળાંક આવશે એની તેને અપેક્ષા નહોતી. તેના હાથ મજબૂતાઈથી જીપનાં સ્ટિયરિંગ ઉપર ભિંસાયા.

                 “શું કર્યું તેમણે પૂજારીનાં છોકરા સાથે…?” રાજડાનું હદય તેજ ગતીથી ધબકતું હતું. આગળ શું બન્યું એ સાંભળવા તેના કાન અધિરા બન્યા.

                                      @@@@@

                 બરાબર એ સમયે… ટેકરી ઉપર ભયાવહ માહોલ સર્જાયો હતો. મંદિરની અંદર એકાએક જ ઘંટરાવ શરૂ થઈ ગયો અને એકસાથે હજ્જારો ઝાલરો વાગતી હોય એવો શોર ગૂંજી ઉઠયો. છાતીનાં પાટિયા બેસી પડે એવા ભયાનક નાદે નગારાઓનો પડઘમ ચારે દિશાઓમાં સંભળાવા લાગ્યા. એ અવાજની સાથોસાથ ઉંચા સ્વરમાં કોઈક મંત્રોચ્ચાર કરતું હતું અને એ મંત્રોચ્ચારની અસર થતી હોય એમ સમગ્ર મંદિરમાં હજ્જારો દિવાઓ ઝળાહળ સળગીને આખા મંદિર પરીસરને પ્રકાશથી ભરી દીધું હતું. દૂરથી જોતા એ નજારો ભલભલાનાં હાજા ગગડાવી નાખવા પુરતો હતો. વર્ષોથી આ જંગલ એકાંત ભોગવતું હતું તેમા એકાએક જ ભયાવહ શોર-નાદ ગુંજી ઉઠતા ત્યાં રહેતા નિશાચરોમાં ફફડાટ ફેલાઈ ગયો. વૃક્ષો ઉપર સૂતા પક્ષીઓ પાંખો ફફડાવીને આંધાધૂંધ ઉડવા લાગ્યા. તેમની ચીચીયારીઓથી આખું જંગલ ભરાઈ ગયું.  

                  અંકુશ રાજડા અને વનરાજને લઈ જતી જીપ એ સમયે એ ટેકરીથી માત્ર થોડે જ દૂર હતી. તેમના કાને અચાનક એ ધડબડાટી સંભળાઈ હતી અને તેઓ ચોંક્યા હતા. વનરાજને તો સીધી ફાળ જ પડી હતી કે ચોક્કસ કશુંક અજુગતું બન્યું છે. એક તો ઓલરેડી તે ગભરાયેલો હતો તેમા આ અવાજે તેને આતંકિત કરી મૂકયો.

                   “સાહેબ, જલ્દી કરો. મને લાગે છે કે આપણે મોડા પડીશું. આ અવાજ સંભળાય છે તમને..? એ ચોક્કસ માતમ ફેલાવશે.” વનો બીકનાં માર્યા બોલી ઉઠયો. રાજડાને પણ અચરજ થયું હતું. ભેંકાર જંગલ એકાએક જ જાગી ઉઠયું હોય અને એક સાથે કેટલાય લોકો ઢોલ-નગારા અને ઝાલરો લઈને નિકળી પડયા હોય એમ ચારેકોરથી ભયાનક શોર-બકોર સંભળાતો હતો. રાજડાએ દાંત ભિસ્યા અને જીપનાં એક્સલરેટ ઉપર દબાણ વધાર્યું. એ સાથે જ ખખડધજ સરકારી જીપમાં જાણે જીવ આવ્યો હોય એમ જીપ ભારે અવાજ કરતી મંદિરની દિશામાં ભાગવા લાગી. ટેકરી અને મંદિર હજું તેમને દેખાતા નહોતા કારણકે વચ્ચે ઘેઘૂર વૃક્ષોની આડાશ છવાયેલી હતી.

                “તારી વાત અધૂરી છે વનરાજ. બોલવાનું ચાલું રાખ.” રાજડાને હવે ખરેખર રસ પડયો હતો. તેના મનમાં સવાલોનો વંટોળ ઉમડયો હતો. જે બાબતને આજ સુધી તે સાવ હંબગ ગણતો હતો એનો સાક્ષાતકાર તેની નજરો સામે ભજવાઈ રહ્યો હતો એટલે તેની જિજ્ઞાષા ઉછળા મારવા લાગી હતી. “એ પૂજારીનાં છોકરાનું શું થયું હતું…?”

                 “તેને મારી નાંખ્યો એ લોકોએ. જીવતે-જીવ તળાવમાં ડૂબાડીને મારી નાંખ્યો.” વનરાજનો અવાજ કાંપી ઉઠયો. એ શબ્દો તેને પોતાને જ અચરજ પમાડી ગયા. જે વાક્યાતને યાદ કરતા તેની રુહ કાંપતી હતી એ વાત આજે તેણે એક અજનબી વ્યક્તિને કહી હતી. 

                   “વોટ…?” રાજડા રીતસરનો ઉછળી પડયો. વનરાજે વાત શરૂ કરી અને પૂજારીનાં છોકરાની વાત આવી ત્યારે જ તેને સમજાય તો ગયું હતું કે જરૂર ગામ લોકોએ તેની સાથે કોઈ અમાનવિય ક્રૃત્ય આચર્યું હશે. છતાં તેને ધક્કો લાગ્યો હતો. કોઈનાં કર્મોની સજા કોઈ નિર્દોષને મળે એ તેનાથી સહન થયું નહી. “એ તો હેવાનીયત કહેવાય. જે થયું તેમા પૂજારીનાં છોકરાનો શું વાંક હતો..?” તેનો અંતરઆત્મા પોકારી ઉઠયો.

                  “વાત એટલી જ નથી સાહેબ.” વનરાજ હજું પણ કંઈક બોલવા માંગતો હતો. તેની કાળી ઉંડી આંખો સામે દેખાતા ઉબડ-ખાબડ રસ્તાઓને અપલક દ્રષ્ટિથી તાકી રહી હતી. જાણે ’ટ્રાન્સ’માં આવીને બોલતો હોય એમ તે સ્થિર થઈ ગયો હતો.

                  “જે કહેવું છે એ એકસાથે કહી નાંખને. આમ વાત અધ્ધર તોળી ન રાખ.” રાજડાની અધીરાય છલકાઈ ઉઠી. 

                   “તેના હજું છ મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેની સ્ત્રી ને મહિના જતાં હતા. એ મા બનવાની હતી. પૂજારીનાં છોકરાની સાથે તેની સ્ત્રીને પણ એ લોકો ઢસડીને લઈ ગયા હતા અને તેને પણ તળાવમાં નાંખી હતી. એ પરોઢે ભયાનક હેવાનિયત ભર્યો ખેલ ખેલાયો હતો. ત્રણ-ત્રણ જિંદગીઓ અત્યંત ક્રૂરતાથી મોતને હવાલે કરવામાં આવી હતી. તે દિવસે કદાચ વિધાતા પણ રડયો હશે કે અરેરે… મેં કેવા માનવીઓનું સર્જન કર્યું છે.” વનરાજનો આત્મા રડી પડયો. તે ગામડીયો એકાએક ભાવુક બની ગયો. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. 

                    અને… અંકુશ રાજડા સ્તબ્ધતામાં સરી પડયો. 

(ક્રમશઃ)