Gandharva-marriage. - 2 books and stories free download online pdf in Gujarati

ગંધર્વ-વિવાહ. - 2

પ્રવીણ પીઠડીયા.

                બપોર પછીનું વાતાવરણ સાવ અન-અપેક્ષિત રીતે ઓચિંતુ જ બદલાયું હતું. ધોમધખતા તડકામાં કોણ જાણે ક્યાંથી અચાનક કાળા ડિબાંગ વાદળોનો સમુહ આકાશમાં ઉમટી પડયો. હજું હમણાં જ તો સૂર્યની ગરમીથી આ ધરા ત્રાહીમામ પોકારી રહી હતી અને જોત-જોતામાં બિહામણાં અસૂરી વાદળોએ સમગ્ર ગગનને પોતાની ગિરફ્તમાં જકડી લીધું હતું. માત્ર ગણતરીની મિનિટોમાં એ ખેલ ભજવાયો હતો. અંકુશ રાજડા અને વનો સોલંકી વાતાવરણમાં થયેલા અજીબ ફેરફારને નિહાળવા ચોકીની બહાર દોડી આવ્યાં.

                 “સાહેબ, લાગે છે કે આજે કશુંક અશુભ થવાનું છે.” વના સોલંકીને આકાશ તરફ તાકતા કહ્યું. તેનું દેહાતી મન અમંગળ આશંકાઓથી ઘેરાયું હતું. 

                  “આ વાદળો જોઈને કહે છે? ઘણી વખત આવું બને, વન વિસ્તારમાં તો ખાસ. એ કુદરતી છે. તેમાં ગભરાવાનું શું? વળી આ ’અશુભ છે’ અને ’કુદરતનો પ્રકોપ ઉતર્યો છે’ જેવા વિચારો આજનાં સમયમાં સાવ નિરર્થક ગણાય.” રાજડાએ ચોકીની પરસાળમાં આવતાં કહ્યું. જોકે આશ્ચર્ય તો તેને પણ થયું હતું કારણ કે આટલી જલદી આવો ફેરફાર આ પહેલા ક્યારેય તેણે જોયો નહોતો. બહાર એકાએક અંધકાર છવાયો હતો અને હમણાં જ વરસાદ ખાબકી પડશે એવું વાતાવરણ જામ્યું હતું. 

                  “નહીં સાહેબ, આ પહેલા પણ એક વખત આવું થયું હતું. ત્યારે…” તે એકાએક બોલતાં અટક્યો. તેના શરીરમાંથી અજાણ્યા ડરનું એક લખલખું પસાર થયું હોય એમ તે ધ્રૂજ્યો. રાજડાએ તેની તરફ ફર્યો. 

                  “ત્યારે…? તું કહેવા શું માંગે છે?” તેની ભ્રકૃટીઓ ખેંચાઈ. “મતલબ કે આવું પહેલા પણ બન્યું હતું?”

                  “હાં, આજથી લગભગ એક મહિના પહેલા.” વનાનાં અવાજમાં ડર ભળ્યો હતો. જાણે તે બોલતા ડરતો હોય. રાજડા તેને તાકી રહ્યો. અને પછી અચાનક હસી પડયો. હસતા હસતા વનાની નજીક ગયો અને તેના ખભે ધબ્બો માર્યો. તે ખખડધજ માણસ રાજડાનાં ધબ્બાથી વધું ખખડી ઉઠયો. “તું મને બિવરાવે છે! એ પછી રાખજે, હજું આજે મારો પહેલો દિવસ છે આ વગડામાં. અત્યારે તો ઠંડા વાતાવરણની મજા લેવા દે.” કહીને રાજડા પગથિયા ઉતરીને બહાર ખૂલ્લા આકાશ નીચે આવ્યો. બરાબર એ વખતે જ વિજળીનો જોરદાર કડાકો થયો અને ભયંકર ગડગડાહટથી આખું જંગલ ધ્રૂજી ઉઠયું. વિજળીનાં પ્રકાશમાં ગોરંભાયેલા વાદળોનો સમુહ સમગ્ર જંગલને પોતાનામાં સમાવી લેવા માંગતો હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. રાજડાને સમજાયું કે આ કોઈ સામાન્ય તોફાન નથી. જરૂર કંઈક તો અજૂગતું છે. વનાની વાત સાવ નાંખી દેવા જેવી તો નહોતી જ. 

                    “સાહેબ, હું સાચું કહું છું. મહિના દિ’ અગાઉ એક આખો દિવસ આવું વાતાવરણ રહ્યું હતું. એ પણ સાવ ઓચિંતુ જ બન્યું હતું. સવારે તો કંઈ નહોતું પરંતુ ખબર નહી બપોર ઢળતાં ક્યાંથી આવા જ કાળા કપાતર વાદળો ઘેરાઈ આવ્યા. ત્યારે હું ગામમાં હતો. બધા કહેતા હતાં કે જરૂર કોઈ આફત ત્રાટકશે. અને બન્યું પણ એવું જ…! અમારાં ગામનો લખો અને શ્યામલી, બન્ને તે દિવસે ગાયબ થઈ ગયા હતા. ગામ લોકોએ તેમની બહુ તપાસ કરી હતી. છેક ઢળતી સાંજે એ બન્નેનાં સગડ મળ્યાં હતા.”

                 “ઓહ.. મને એમ કે તું કંઈ રહસ્યમય વાત કરવાનો છે.” રાજડાનાં હોઠ વંકાયા. વનો વાતને રસપ્રદ બનાવવાં ગમે તેવી કહાનીઓ ઘડે છે એવું લાગ્યું તેને. 

                  “સાહેબ, તેઓએ લગનમાં પહેરે એવા કપડા પહેર્યાં હતા.” વનો તેની ધૂનમાં બોલ્યો.

                  “મતલબ?”

                  “તેઓ ઘરેથી ભાગી નિકળ્યાં હતા.”  

                  “તે એમાં શું? કદાચ તે બન્ને એકબીજાને પ્રેમ કરતા હશે અને ભાગીને પોતાની રીતે જીવન જીવવા માંગતા હશે. મને નથી લાગતું કે એ બનાવને આ ઘટના સાથે કંઈ લેવા-દેવા હોય.” રાજડાને વનાની વાત સાવ બાલિશ લાગતી હતી. તે આવા ગામડિયા વિચારને વધું ઉત્તેજન આપવાનાં મૂડમાં બિલકુલ નહોતો. વનો ઘડીક કંઈ બોલ્યો નહી. તે મૂંડી નીચે કરીને ઉભો રહ્યો. તેના મનમાં અજીબ કશ્મકશ ચાલતી હતી. 

                   “તેઓ મરેલી હાલતમાં મળ્યાં હતા. સાંજે ગામનાં તળાવમાં એ બન્નેની લાશ તરતી હતી. તેઓ ડૂબીને મર્યા હતા. તળાવ ગામથી એકાદ ગાઉ આઘે છે. ગામનાં પૂજારીએ તે બન્નેને સૌ પ્રથમ જોયા હતા અને બધાને જાણ કરી હતી. જ્યારે તેમની લાશો મળી એ સમયે જ કોણજાણે કેમ પણ એકાએક બધા વાદળો ગાયબ થઈ ગયા હતા અને ઉઘાડ નિકળ્યો હતો. એવું કેમ બન્યું એ કોઈ સમજી શક્યું નહોતું. આજે પણ એ રહસ્ય એક રહસ્ય જ બની રહ્યું છે. પરંતુ મને લાગે છે કે એ વાદળો લખા અને શ્યામલીનું મોત બનીને જ આવ્યાં હતા અને તેમને સાથે લઈને ચાલ્યાં ગયા હતા. ફરીથી એવો જ માહોલ અત્યારે છવાયો છે. આ બીહામણા વાદળો મહિના પહેલા આવ્યાં હતા ત્યારે લખા અને શ્યામલીનાં મોત થયા હતા અને હવે આજે ફરી છવાયા છે ત્યારે ખબર નહી આ વખતે શું થશે? કોના મોતનો સંદેશો આવ્યો હશે..? મને લાગે છે કે જરૂર કંઈક અમંગળ ઘટના બનશે.” વનો સ્થિર નજરે અનંતમાં તાકતો હોય એમ બોલ્યે જતો હતો. તેનો સૂકલકડી પાતળો દેહ અજીબ રીતે હલતો હતો. જાણે એ ઘટના યાદ કરતા તેનાં દેહમાં ધ્રૂજારી ઉપડતી હોય. 

                      રાજડાને સમજાતું નહોતું કે તે શું કહે..? એક તરફ નજરો સામે દેખાતું સત્ય હતું અને બીજી તરફ વનાની ઘડ-માથા વગરની કહાની હતી. તેનું આ પહેલું જ પોસ્ટિંગ હતું અને તે નહોતો ઈચ્છતો કે પહેલી જ નોકરીમાં કોઈ અજાણ્યા જમેલામાં ફસાય. ગામડાઓમાં કે અંતરીયાળ આદીવાસી વિસ્તારનાં લોકોમાં આજે પણ જાત-ભાતની અંધશ્રધ્ધાઓ ફેલાયેલી હતી. તેઓ આજનાં આધૂનિક જમાનામાં પણ પોતાના જરી-પૂરાણા રિતિ-રીવાજો પ્રમાણે જીવતા હતા એ કોઈ નવિન બાબત નહોતી. રાજડાને લાગ્યું કે અહી પણ એવું જ છે. જોકે અત્યારે તેણે વના સાથે એ બાબતે માથાકૂટમાં ઉતરવાનું ઉચિત માન્યું નહી એટલે તે ખામોશ થઈ ગયો. આખરે અહીનાં લોકો અને વના સોલંકીને તે જાણતો પણ કેટલું હતો..? હજું હમણાં જ તો અહી આવ્યો હતો.

                      “અચ્છા જા… ચા બની હોય તો લઈ આવ.” વાત વાળવાનાં આશયથી તે બોલ્યો અને ફરી પરસાળમાં આવ્યો. ત્યાં પડેલી વાંસની ખૂરશીમાં તેણે બેઠક લીધી. ગારા માટીથી લિંપાયેલી પરસાળની ફર્શમાંથી બદલાયેલા વાતાવરણને કારણે અજીબ સુગંધ ફેલાતી હતી. આવી સુગંધ મોટા શહેરોમાં લગભગ દૂર્લભ ગણાય. તેના માટે શહેરની બહાર નિકળવું પડે. વરસાદ વરસવો હજું શરૂ થયો નહોતો પણ લાગતું હતું કે હમણાં જ ધોધમાર ખાબકી પડશે. એ દરમ્યાન વનો ચા ની કિટલી લઈને આવ્યો અને ત્યાં મૂકાયેલી ટિપોઈ ઉપર રકાબીમાં ચા કાઢી.

                        “સાહેબ, તમે રજા આપો તો હું ઘરે જાઉં..?” તેના અવાજમાં ડર ભળેલો હતો. સાહેબ હજું ’સેટ’ થયા નહોતા, એ જવાબદારી તેની હતી કે તે સાહેબને અહીનાં કારભારનો હવાલો સોંપે. પરંતુ અત્યારે જે પરિસ્થિતી સર્જાઈ હતી એનો ધ્રાસ્કો તેને પડયો હતો. ગામમાં જરૂર કંઈક તો બનશે જ એવી અમંગળ આશંકાઓથી તે ફફડતો હતો અને સાહેબને એકલા મૂકતા પણ તેનો જીવ નહોતો ચાલતો. પરંતુ અત્યારે ગામ પહોંચવું જરૂરી હતું.

                        “સારું જા. પણ હજું કહું છું કે આ ફક્ત એક કુદરતી ઘટના જ છે. તું ખોટો ડરે છે.” રાજડાએ તેને રજા આપી. વનાએ ચા નાં વાસણો એકઠા કર્યા અને સાયકલ કાઢી. 

                        “તમારું સાંજનું જમવાનું કોઈકની સાથે મોકલાવી આપીશ.” તે અટકયો. “મારું માનો તો આજે તમે પણ મારી સાથે ચાલો. ત્યાં રહેવાની વ્યવસ્થા થઈ રહેશે.”

                         “તું જા, મને કોઈનો ડર નથી.” રાજડાએ કહ્યું. એ તેની ગંભીર ભૂલ સાબિત થવાની હતી. વેરાન વગડામાં રાતનાં એકલા રહેલું અચ્છા-અચ્છાને ભારે પડી જતું હોય છે. તેમાં આજે તો ઓલરેડી એવું વાતાતવરણ જામ્યું હતું જેમા ભલભલાનાં હાજા ગગડી જાય. વનાએ એક નજર પરસાળમાં બેસેલા સાહેબ તરફ નાંખી. એ નજરમાં ભારોભાર ઉપાધી છલકાતી હતી. તેના ગળામાંથી ઉંડો શ્વાસ નિકળ્યો અને સાયકલ તેના ગામ ભણી મારી મૂકી. ત્યારે તેના મનમાં સાહેબની ફિકર છવાયેલી હતી. 

                                        ----

                          “ઘરરર…. ધડામ…. ધૂમ….” વાદળોમાં ભયંકર કડાકો બોલ્યો અને પ્રભાતનું હદય એક ધબકારો ચૂકી ગયું. તેની આંખોમાં ખૌફ તરી આવ્યો. કંઈક એવી જ હાલત સંચીતાની પણ હતી. તે બન્ને કોઈ સ્થિર પૂતળાની જેમ કારની આગળની સીટમાં બેઠા હતા. હજું હમણાં જ તેમની કાર એક અવાવરું જેવા દેખાતા મંદિરનાં પ્રાંગણમાં આવીને ઉભી રહી હતી. તેઓ હાઈવે પરથી કાચા રસ્તે ઉતર્યા એની થોડી મિનિટો બાદ એકાએક જ વાતાવરણમાં ગજબનો પલટો થયો હતો અને કાળા ડિબાંગ વાદળો એ સમગ્ર જંગલને પોતાનામાં સમાવી લીધું હતું. કાર ઉભી રહી એ સાથે જ પાછળ બેસેલું પેલું આદિવાસી યુગલ નીચે ઉતર્યું અને મંદિરની દિશામાં આગળ વધ્યું. મંદિર થોડી ઉંચાઈએ… ટેકરી પર હતું. ત્યાં સુધી પહોંચવા માટે પગથિયા બનેલા હતા. દૂરથી જોતા જ જણાઈ આવતું હતું કે મંદિરમાં ઘણા લાંબા સમયથી કોઈ આવ્યું નથી કે તેની દેખભાળ લેવામાં આવી નથી. અસ્સલ કોઈ પૂરાણી ડરામણી હિન્દી ફિલ્મમાં દેખાડવામાં આવતા ભૂતીયા મંદિર જેવું જ એ મંદિર દેખાતું હતું. સાવ અવાવરું અને એકાંતભર્યું વાતાવરણ એક અજાણ્યો ડર જન્માવતું હતું.

                    પહેલા તો લાગ્યું કે એ યુગલ પગથિયા ચઢીને મંદિરમાં જશે કારણ કે તેઓ પગથિયા તરફ જ ચાલતાં હતા. પરંતુ એવું થયું નહી. પગથિયા ચઢવાને બદલે તેઓ ત્યાં નીચે જ, પહેલા પગથિયા પાસે ઉભા રહ્યાં. તેમની નજરો ઉપર મંદિર તરફ ખેંચાઈ અને આપોઆપ તેમના મસ્તક ઝૂક્યાં. બે હાથ જોડીને તેમણે મંદિરની દિશામાં નમન કર્યું. “આદેશ ગુરુજી... આદેશ.” એકસાથે બન્નેનાં મોં માથી શબ્દો સર્યા. જાણે એ મંદિરમાંથી તેમને કોઈ આદેશ મળવાનો હોય એમ આતુરતા પૂર્વક તેઓ અધ્ધર જોઈ રહ્યા. ઘણો સમય એમ જ ખામોશીમાં વિત્યો અને એકાએક મંદિરમાં ઘંટરાવ ગૂંજી ઉઠયો. “ટન… ટન… ટન… ટન… “ વર્ષોથી ખામોશી મઢેલો વન-વગડો જાણે એકાએક જીવંત થઈ ઉઠયો. બીહામણો માહોલ એ ઘંટરવનાં અવાજથી થરથરી ઉઠયો હોય એમ સમગ્ર ઈલાકો ખળભળી ઉઠયો. ઝાડવાઓ ઉપર બેઠેલા પંખીઓ અજીબ રીતે ચિત્કારીને પાંખો ફડફડવી દૂર ઉડી ગયા. પશુઓ ડરીને તેમની બખોલમાં લપાઈ ગયા. એક અજાણ્યાં ખૌફનો ઓછાયો ચારેકોર છવાઈ ગયો. વર્ષોથી એકાંત ભોગવતા વગડામાં જ્યારે અચાનક કાળજુ ચીરી નાંખતો ઘોંઘાટ શરૂ થાય ત્યારે ભલભલાનાં હાંજા ગગડી જતા હોય છે. પરંતુ… પેલા બન્ને તો જાણે આ ક્ષણની જ પ્રતિક્ષા કરી રહ્યાં હોય એમ એકતાન બનીને એ ઘંટરાવ સાંભળી રહ્યા. એ ઘંટરાવ ક્ષણ-પ્રતીક્ષણ વધુ ને વધુ તિવ્રતા ધારણ કરતો જતો હતો જાણે એકસાથે હજ્જારો ઘંટ વાગી રહ્યા ન હોય..! આસપાસ કોઈ નહોતું છતાં અવાવરું મંદિરની અંદર ઘણા બધા માણસો ભેગા થયા હોય અને તેઓ એકસાથે સમુહગાનમાં જોતરાયા હોય એવો માહોલ સર્જાયો હતો. 

                     “આદેશ ગુરુજી… આદેશ… “ પેલા બન્ને ફરીવાર બોલી ઉઠયા. વધુ જોરથી, વધુ તલ્લિનતાથી તેઓ ઉપરથી કોઈ આદેશ મળે એની પ્રતિક્ષા કરવા લાગ્યા. તેમના શરીર ઘંટરાવનાં અવાજનાં તાલે ડોલતા હતા. તેમની આંખો વિસ્ફરિત બનીને ઉંચી ચડી ગઈ હતી. ગળામાંથી અવીરત ’આદેશ ગુરુજી આદેશ’ નો નાદ નિકળી રહ્યો હતો. અને… થોડીવારમાં એ આદેશ મળ્યો. ઘંટરાવ એકાએક જ બંધ થયો. ચોમેર એકદમ જ સન્નાટો વ્યાપી ગયો. મંદિરનાં ગર્ભગૃહમાં કશીક હલચલ મચી અને એક સફેદ દાઢી ધારી વ્યક્તિ બહાર નિકળ્યો. તેણે સફેદ ઝગ લાંબો ઝભ્ભો અને ઘોતી પહેરી હતી. તેનો દેહ ઉંચો, લાંબો અને ખડતલ હતો. તેની દાઢીનાં વાળ ટેકરી ઉપરથી વહેતા પવન સાથે ફરફરતા હતા. બહાર આવી તેણે આશિર્વાદ આપતી મૃદ્રામાં હાથ ઉંચો કર્યો. આંખોથી જ આજ્ઞા આપતો હોય એમ તેની પાપણો ફરકી અને ક્ષણવારમાં ફરીથી તે મંદિરની અંદર અંતરધ્યાન થઈ ગયો. એ બહુ ઝડપી બન્યું હતું. પેલા બન્નેને જાણે એની જ રાહ હોય એમ તેમના મસ્તક ઝૂકયા અને પછી પાછળ ફરીને તેમણે કાર તરફ જોયું. તેમની નજરો પ્રભાત અને સંચીતાની નજરો સાથે મળી. તેઓ હજુંપણ હિપ્નોટાઈઝ અવસ્થામાં જ હતા અને તેમના મગજમાં ઘેરો શૂન્યાવકાશ છવાયેલો હતો. ચાર આંખોનું આપસમાં અનુસંધાન સંધાયું અને પ્રભાતે હળવેથી કારનો દરવાજો ખોલી બહાર પગ મૂક્યો. તેની સાથે સંચીતા પણ ઉતરી. આદીવાસી યુવક, યુવતીને જાણે એની જ પ્રતિક્ષા હોય એમ તેઓ ટેકરીની જમણી તરફ ચાલવા લાગ્યાં. પ્રભાત અને સંચીતા પણ એ દિશામાં તેમની પાછળ ચાલ્યાં. 

                        એ સમયે વાદળોનો ગડગડાહટ ઓર વધી ગયો. એકાએક જ વગડામાં જાણે જીવ આવ્યો હોય એમ ચારેકોર અજીબ પ્રકારની હલચલ મચી. શિયાળવાઓએ લાળી કાઢી રોવાનું શરૂ કર્યુ. તેમની આંખોએ મોત ભાળી લીધું હતું એનું એ રુદન હતું. વાતાવરણમાં મનહૂસીયત અને માયૂસી પ્રસરી. પ્રભાત અને સંચીતાનાં પગ નીચે કચડાતા જતાં સૂકા પાંદડાઓનો અવાજ તેમનાં જ હદયમાં કોઈ ઘણની જેમ પડઘાઈ રહ્યો હતો. તેઓ આદીવાસીઓની પાછળ દમ-બ-દમ કદમ મેળવીને ચાલતાં હતા. ટેકરીની પાછળ ઘનઘોર જંગલ હતું. તેઓ એ જંગલની અંદર પ્રવેશ્યા હતા અને બસ… એક અનંતની સફર શરૂ થઈ. જંગલમાં આડેધડ ઉગી નીકળેલા ઝાડવાઓ, વેલાઓ, કાંટાળી ઝાડીઓને વળોટતા તેઓ એકધારા અવીરત ચાલતા જતા હતા. ખબર નહી તેઓ કેટલું ચાલ્યાં હશે કારણ કે જંગલમાં સમયનો કોઈ ખ્યાલ રહેતો નથી. પરંતુ કહેવાય છે ને કે દરેક સફરનો એક અંત જરૂર હોય છે એમ જંગલ એકાએક જ ખતમ થયું હતું અને આદીવાસી યુવક યુવતી એક જગ્યાએ અટકયાં હતા. યુવતીએ પહેરેલા ઘરેણાનો રણકારો એકાએક જ થંભી જતા ગહેરો સન્નાટો વ્યાપ્યો. એ સૂનકાર ભલભલાનાં હદયનાં ધબકારા થંભાવી દે એવો ભયાનક હતો. અને એથી પણ ભયાનક હતો સામે દેખાતો નજરો…

(ક્રમશઃ)