Gandharv-Vivah - 7 books and stories free download online pdf in Gujarati

ગંધર્વ-વિવાહ. - 7

ગંધર્વ-વિવાહ.

પ્રકરણ-૭.

પ્રવીણ પીઠડીયા.

            સમય અજીબ રીતે કરવટ બદલી રહ્યો હતો. એક તરફ રાજડા મરવાની અણી ઉપર હતો જ્યારે બીજી તરફ તળાવનાં કાંઠે એક અલગ જ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. પ્રભાત અને સંચિતા કમર-ડૂબ પાણી સુધી ઉંડા ઉતરી ચૂક્યા હતા. બસ હવે થોડી જ ક્ષણો અને પછી તેઓ એક ભયંકર મોતનો સાક્ષાત્કાર પામવાનાં હતા. પરંતુ એકાએક… પ્રભાતનાં પગે કંઈક અથડાયું. એવું લાગ્યું જાણે કોઈકે પાણીની અંદર તેનો પગ પકડયો છે. કોઈકની લાંબી, પહોળી, ખરબચડી આંગળીઓએ તેની પગની પિંડીઓને ઝકડી લીધી હતી અને તેના લાંબા, તિખા નખ પગની ચામડીમાં ભોંકાય ગયા હતા. જબરજસ્ત દર્દથી તે કરાહી ઉઠયો અને એ ભયાનક સ્પર્શનાં એહસાસથી એકાએક સફાળો તે ભાનમાં આવ્યો હતો. પોતે કઈ જગ્યાએ ઉભો છે એ સમજે એ પહેલા તેની આંખો વિસ્ફારિત બની અને તેના ગળામાંથી ભયાનક ચિખ નિકળી પડી. અને પછી તો જાણે ચિખોની એકધારી શૃંખલા રચાઈ. એ ચિખોથી તળાવ આસપાસનું સમગ્ર વાતાવરણ ખળભળી ઉઠયું. ભયાનક આતંકથી પ્રભાતનો ચહેરો ધોળી પૂણી જેવો બન્યો હતો અને હડબડાહટમાં જ તેણે બાજુમાં ઉભેલી સંચિતાનો હાથ પકડી લીધો. સંચિતા હજું પણ તંન્દ્રામાં ઉભી હતી. તેને ખ્યાલ જ નહોતો કે તે ક્યાં છે અને કઈ હાલતમાં છે…! ખરેખર તો પ્રભાત અને સંચિતાને જ્યારથી પેલા આદીવાસી યુગલનો ભેટો થયો હતો ત્યારથી તેમને કોઈક અદ્રશ્ય શક્તિએ પોતાની ગિરફ્તમાં ઝકડી લીધા હોય એવી હાલત થઈ હતી. તેમની સૂધ-બૂધ સાવ વિસરાઈ ગઈ હતી અને તેઓ કોઈ ચાવી દીધેલા પૂતળાની જેમ એ આદીવાસી યુગલની પાછળ ચાલતા ચાલતા તળાવનાં કાંઠે આવી પહોંચ્યા હતા. તેમને ખ્યાલ જ નહોતો કે તેઓ સામે ચાલીને પોતાના મોત તરફ જઈ રહ્યાં છે. તેઓ લગભગ કમર ડૂબ ઉંડા પાણીમાં ઉતરી ચૂક્યાં હતા કે અચાનક જ પાણીમાં કંઈક હલચલ મચી અને પ્રભાતનાં પગ કોઈકે પકડયા હતા. એ બિહામણા સ્પર્શથી એકાએક જ તે ભાનમાં આવ્યો. ક્ષણભર માટે પોતે કઈ પરિસ્થિતીમાં છે એ સમજાયું નહી અને… જ્યારે સમજાયું ત્યારે ભયંકર ડરથી તેનું હદય ફાટી પડયું. તેના ગળામાંથી ચિખોનો અવીરત ધોધ વહેવો શરૂ થયો. એ ભયાનક ચિખોથી સંચિતા પણ ભાનમાં આવી હતી અને પછી તો તે બન્નેએ ભેગા મળીને આખું જંગલ ગજવી મૂકયું. એકાએક જ ચારેકોર ભયાનક અફરા-તફરી મચી હોય એવો માહોલ સર્જાયો હતો અને એકાંતભર્યા સૂના વગડામાં તે બન્નેની ચિખોએ રીતસરનો આતંક મચાવ્યો હતો.    

                  પરંતુ… એ સમયે પણ પેલું આદીવાસી યુગલ એકદમ શાંત અવસ્થામાં ઉભું હતું જાણે તેઓ કોઈ પથ્થરનાં પૂતળા હોય. તેમની આંખો હજું પણ પ્રભાત અને સંચિતા ઉપર ત્રાટક કરતી હોય એમ સ્થિર હતી. જાણે તેમને એ કોલાહલનો કોઈ સ્પર્શ જ થયો ન હોય એમ તદ્દન નિસ્પૃહ હાલતમાં તેઓ ઉભા હતા એ ભયાનક આશ્વર્યની બાબત હતી. 

                   તળાવ અને તેની આસપાસનો ભેંકાર ઈલાકો ગગનભેદી ચિખોથી એકાએક જ જાગ્રત થઈ ઉઠયો હતો અને જંગલમાં દાવાનળ સળગ્યો હોય એમ ચારેકોર ફેલાયો હતો. એ કોલાહલથી રાત્રી દરમ્યાન વિચરતા નિશાચર પશું પંખીઓ પોતાના ઘર… બખોલ છોડીને દૂર ભાગવા લાગ્યાં. તેમની ભાગદોડ અને ફડફડાહટથી સમગ્ર જંગલ ડરામણું બન્યું હતું. 

                                       @@@

                    “કડડડડ્…. ધૂમ…” વિજળીના ભયાવહ ધમાકાથી કાળુભમ્મર બનેલું આકાશ ગૂંજી ઉઠયું અને પ્રકાશનો તેજ લીસોટો સમગ્ર નભને પ્રજ્વલિત કરી ગયો. વિજળીનો કડાકો ઘડીભર માટે સમગ્ર વિસ્તારને તેજ પ્રકાશમય બનાવી ગયો હતો અને થોડીવાર પછી ફરીથી અંધકાર છવાયો ત્યારે… પ્રકાશનાં એ લીસોટામાં… રાજડાની નજર ક્ષણ પૂરતી પૂજારીનાં પ્રેત ઉપર અટકી હતી અને તેના હાજા ગગડી ગયા. એક ક્ષણ… માત્ર એક ક્ષણ પૂરતી તેમની નજરો આપસમાં ટકરાઈ હતી પરંતુ રાજડાને એવું લાગ્યું જાણે કે એ વિજળી આકાશમાં નહી પરંતુ પૂજારીની આંખોમાં ચમકી છે. એ નજરોનો તાપ વિજળી બનીને તેની ઉપર ત્રાટક્યો છે અને તેનું શરીર બળીને ભસ્મીભૂત થઈ ગયું છે. રાજડા ખરેખર સહમી ગયો હતો. એક અજાણ્યો ડર તેના જીગર ફરતે વિંટળાયો હતો જે પેલા પૂજારીનાં ડરામણાં દેદાર જોઈને ઉદભવતો હતો. અત્યાર સુધી જે વાત તેને રમત લાગતી હતી એ હવે તેના જીવન મરણનો પ્રશ્ન બની ગઈ હતી. પૂજારીના પ્રેતનું રોદ્ર સ્વરૂપ તેના રોમ-રોમમાં ક્યારેય ન અનુભવ્યો હોય એવો ડર પેદા કરતું હતું. તેના પગ થરથર કાંપતાં હતા, તેનું માથું ફાટફાટ થતું હતું, તેની આંખો અજીબ ખૌફથી વિસ્ફારિત બની હતી… તેના ગાત્રો શિથિલ પડતા જતા હતા… તેનો આત્મવિશ્વાસ સાવ રસાતાળ ભણી સરકતો જતો હતો. નજરો સામે લહેરાતી ડરામણાં આત્મા સમક્ષ લગભગ શરણાગતી સ્વિકારી લેવાની હાલતમાં તે પહોંચી ચૂકયો હતો. તે સંપૂર્ણપણે પૂજારીનાં ખૌફનાક તેજ હેઠળ ઢંકાઈ ગયો હતો. હવે તેને ફક્ત એક ઉપરવાળા પ્રભુની જ આશ હતી. મંદિરમાં બેઠેલો ભગવાન જો જલદી તેની મદદે ન આવ્યો તો તેનું મોત નિશ્વિત હતું.

                 આખરે કંઈ જ ન સમજાતા રજડાએ પોતાની જાતને કુદરતનાં હવાલે કરી દીધી. એ સિવાય કોઈ બીજો રસ્તો સૂઝયો નહી તેને. સાથોસાથ એક નજર વના તરફ કરી જોઈ. જોરદાર ખાબકતા વરસાદમાં વનો હજુપણ બેભાન અવસ્થામાં ફર્શ પર પડયો હતો. એક રીતે એ સારું જ થયું હતું નહિતર તેની હાલત પણ પોતાની જેવી થાત એ વિચારે રાજડાને થોડી ધરપત ઉપજી. તે ઈચ્છતો હતો કે તે પૂજારીનો સામનો કરે… તેણે એવું કરવાની કોશિશ પણ કરી હતી પરંતુ તેની સામે એક પ્રેત ઉભું હતું… એક એવી માયા જેને નાથવામાં ખુદ ભગવાનને પણ ઘણા અવતારો ધારણ કરીને પૃથ્વી ઉપર આવવું પડયું હોય એની સામે પોતે તો એક સામાન્ય કાળામાથાનો તૃચ્છ માનવી હતો. તેનું પ્રેત યોનીમાં વિચરતા એક આત્મા સામે શું ગજું…?! મનમાં એક વખત વિચાર પણ આવી ગયો કે તે અહીથી ભાગી જાય. બીજાનું ભલે જે થવાનું હોય એ થાય પરંતુ કમસેકમ તે તો બચી જશે. તેણે ક્યાં આ આંતરીયાળ જંગલમાં ભયાવહ પ્રેતનો સામનો કરીને દુનિયા બચાવવાનો ઠેકો લીધો છે. ’આપ સલામત તો સબ ચંગા’ ની ફિલસૂફી ઘણી વખત અનુસરવા જેવી હોય છે એમાં કંઈ ખોટું હોતું નથી. 

                પરંતુ… તે અટકયો હતો. અધમૂઈ હાલતમાં પણ તે પરીસરમાં ઉભો હતો. શું કામ… અને કયા બળથી…! એ તે પોતે પણ નહોતો જાણતો. કદાચ તેના લોહીમાં નાસીપાત થવાનાં ગુણધર્મો નહોતા, અથવા તો એવી નાલોશીભરી હાર સ્વિકારવા કોઈ કાળે તે તૈયાર નહોતો. એ જે હોય તે પણ… તે અટક્યો હતો અને અડીખમ ઉભો થયો હતો. તેનું અંગ-અંગ તુટતું હતું છતા તેણે મનોમન પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા અને પાળીનો સહારો લઈને ટટ્ટાર ઉભો થયો. એટલું હલન-ચલન કરવામાં પણ તેને નવ-નેજે પાણી ઉતર્યા હતા. તેની આંખોમાં દર્દથી આંસુ ઉભરાઈ આવ્યાં. તેને ઉભો થતો જોઈને પૂજારી ઓર વધુ ભડકયો. આજે ઘણા વર્ષો બાદ કોઈ હતું જે તેને પડકાર ફેંકી રહ્યું હતુ. તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો. 

                 “છોકરા, તારું મોત તને બોલાવી રહ્યું છે.” તેણે અટ્ટહાસ્ય કર્યું. એ અટ્ટહાસ્યથી ધરા ધ્રૂજી ઉઠી અને આકાશ ખળભળી ગયું. ભયંકર ઠંડું વાતાવરણ એકાએક જ ગરમ બન્યું અને પૂજારીનો દેહ તંગ બન્યો. તે રાજડા ઉપર પ્રહાર કરવા તૈયાર હતો. 

                  “સબૂર… સબૂર…” રાજડા એકાએક જ જોરથી ચીલ્લાઈ ઉઠયો. “મારે… કંઇક પૂછવું છે. થોડી ચોખવટ જોઈએ છે. પછી ચાહે તો ભલે મને મારી નાંખ.” તે બોલ્યો અને પાળી છોડીને લંગડાતો બે ડગલા આગળ આવ્યો. આટલી વિકટ પરિસ્થિતીમાં પણ તેનું મગજ સતેજ બન્યુ હતું અને ઝડપથી વિચારતું હતું. જો જીવતા રહેવું હશે તો પૂજારી સાથે દ્વંદ યુધ્ધ કરીને તે ક્યારેય જીતી શકાશે નહી એ બાબત દિવા જેવી સ્પષ્ટ હતી એટલે તેણે એક નવો જ દાવ અજમાવવાની કોશિશ કરી. એ વિચાર તેના મનમાં એકાએક જ ઉદભવ્યો હતો. કદાચ ઈશ્વરે જ તેને એ રસ્તો સુઝાડયો હતો. અને એ રસ્તો હતો પૂજારીને વાતોમાં ઉલઝાવવાનો. એજ એક રસ્તો હતો બચવાનો. 

                  “ચોખવટ…? શેની ચોખવટ…? તું વળી કોણ મારી પાસે ચોખવટ માંગવાવાળો…?” પૂજારીનાં ગળામાંથી કર્કશ શબ્દો સર્યાં. એકાએક જ તે અટક્યો હતો. બસ… રાજડાને એજ તો જોઈતું હતું. તેના લોહી ભીના હોઠો ઉપર એક છૂપી મુસ્કાન ઉભરી આવી. એક વખત તેની અને પૂજારી વચ્ચે વાતચીત શરૂ થાય પછી તે પહોંચી રહેશે એવો આત્મવિશ્વાસ તેને હતો. જરૂર હતી તો માત્ર સંવાદ શરૂ થવાની અને એ મોકો હવે તેને મળ્યો હતો. જો કે તેઓ અહી આવ્યાં ત્યારે પૂજારીએ મોકો આપ્યો હતો પરંતુ એ સમયે પરિસ્થિતી કંઈક અલગ હતી જ્યારે અત્યારે કંઈક અલગ. એ સમયે જો તે ડરીને અહીથી ચાલ્યો ગયો હોત તો ક્યારેય એ જાણવા ન મળત કે પૂજારી આ બધું શું કામ કરી રહ્યો છે..? વનાએ અહી આવતાં જીપમાં જે કહાની સંભળાવી હતી એ અધૂરી હતી એવું તેનું મન કહેતું હતું. અને એટલે જ પૂજારીનાં પક્ષની વાત સાંભળવી જરૂરી હતી. 

                    “આ મોતનું તાંડવ શા માટે..? શું અપરાધ કર્યો છે અહીનાં ગામવાસીઓ કે તેમને સતત મોતનાં ભય હેઠળ જીવવું પડે છે..? અરે… મોતનાં ભયથી આખું ગામ આજે બીજે સ્થળાંતર કરી ગયું છે અને અહી જંગલનું સામ્રાજ્ય પથરાયું છે એ કંઈ નાનીસૂની વાત નથી. જે સ્થળે કોઈ કાળે જીવંત ગામ વસતું હતું એ સ્થાને હવે ભેંકાર વગડામાં શિયાળવા રડે છે. આ સૂનકારનું કારણ તું જ છે એ હકીકત કોઈ બદલી શકવાનું નથી. મારે એ જ ચોખવટ જોઈએ છે કે આ બધુ ક્યાં સુધી ચાલશે…?”

                   “જ્યાં સુધી મારો બદલો પૂરો નહી થાય ત્યાં સુધી.” પ્રેત હું-કારી ઉઠયું. એ ક્ષણ ભયાવહ હતી. હવામાં પડછાયાની જેમ લહેરાતો પૂજારીનો દેહ થરથર કાંપતો હતો. ક્રોધથી સમગ્ર પૃથ્વી નષ્ટ કરી નાંખવા માંગતો હોય એમ તેનો ગૌર ચહેરો લાલ-ઘૂમ બન્યો હતો. “ અનેગામવાસીઓની પેરવી કરવાની તો રહેવા જ દે… તું ફક્ત તારી ફીકર કર.” 

                    હસી પડયો રાજડા. તેનાથી અચાનક જ જોરથી હસી પડાયું. રાજડાનાં માથેથી દડતું પાણી અને કપાળેથી વહેતું લોહી એક-બીજામાં ભળતા હતા અને તેનો તાજો રાતો રગેડો તેનાં હોઠ ઉપરથી દડીને દાઢીએથી ટપકીને નીચે તેના પગ ઉપર ખાબકતો હતો. રાજડા હસ્યો ત્યારે હાસ્યનાં કારણે તેનું મોં ખૂલ્લું થયું હતું અને એ લોહીનો રગેડો તેના સફેદ દાંત ઉપર પથરાયો હતો. ક્ષણભર પૂરતું એક અજીબ દ્રશ્ય રચાઈ ગયું. સફેદ દંત પંક્તિઓ ઉપર ગાઢ લાલ રંગ પથરાયો હતો અને તેનો દેખાવ ભયાનક બન્યો. એક સેકન્ડ પુરતું એવું લાગ્યું જાણે પ્રેત પૂજારી નહી પરંતુ ખૂદ રાજડા છે. તેનો દેદાર એ હાસ્યથી ખતરનાક બન્યો હતો જાણે કે હમણાં જ કોઈનું લોહી ચાખીને તે આવ્યો હોય.

                   “મારી ફીકર કરવાવાળો એ જ છે જેની ક્યારેક તું પૂજા કરતો હતો… જે આ મંદિરની અંદર બેઠો છે. ફીકર તારે કરવી જોઈએ કારણ કે ખોટે રસ્તે તું ચડયો છે હું નહી. અત્યારે તું જે કરી રહ્યો છે… જે આતંક ગામલોકોનાં દિલમાં તે ફેલાવ્યો છે એની સજા તને મળશે જ. એનો હિસાબ તારે ચૂકવવો પડશે જ. આ લોક હોય કે પરલોક… કરેલા કર્મો તો બધાએ ભોગવવા પડે જ છે એટલે એ ગલતફહેમીમાં ન રહેતો કે તું એક પ્રેત આત્મા છે એટલે બચી જઈશ. તારો પણ અંત આવશે અને એ અંત બહું ખરાબ હશે એ લખી રાખ છે. હજું પણ તારી પાસે સમય છે… તેં આ બધું શું કામ કર્યું એ જણાવી દે અને એનો પ્રશ્યાતાપ કરી લે તો કદાચ તું બચી જા એવું બને. જો કે મને નથી લાગતું કે એવું થાય. તે ઘણા લોકોનો જીવ લીધો છે એનો હિસાબ તો તારે આપવો પડશે. એટલે જે હોય તે ફટાફટ બોલવા માંડ, કદાચ તારો ઉધ્ધાર થઈ જાય.” 

                    રાજડા એકધારું ઘણું બોલી ગયો. તેની છાતીની અંદર પાસળીઓમાં જોરદાર ચાહકા ઉઠતા હતા, તે સરખો ઉભો પણ નહોતો રહી શકતો છતાં કોઈ ગેબી બળથી તે ટક્યો હતો. તેની સામે એક ખતરનાક આત્મા ઉભી હતી જેની સાથે તે વાર્તાલાપ કરી રહ્યો હતો એ પણ કોઈ અજાયબીથી કમ તો નહોતું જ. 

                     “ગામ લોકો કેટલા સીધા છે એની તને શું ખબર છોકરાં..! એ બધા આજે તેમણે કરેલા કર્મો જ ભોગવી રહ્યાં છે, હું તો ફક્ત એ કર્મોનો બદલો વાળી રહ્યો છું. એ લોકોએ મારા જૂવાન જોધ દિકરા અને તેની ગર્ભવતી વહુને જીવતેજીવ પાણીમાં ડૂબાડીને મારી નાંખ્યા શું એ જધન્ય અપરાધ નહોતો..? શું એની સજા તેમને ન મળવી જોઈએ..?” પ્રેત આત્મા ચિત્કારી ઉઠયું. તેનો ક્રોધ દાવાનળ બનીને આંખોથી વહેતો હતો. રાજડા એકદમ સતર્ક બની ગયો. ભયાનક કટોકટીની ક્ષણ આવી પહોંચી હતી અને તે આ પળનો જ ઈંતજાર કરી રહ્યો હતો. 

                     “વાહ, મતલબ તું કરે એ બધું યોગ્ય અને બીજા કરે એ ખોટું..?” રાજડાએ સાચવીને શબ્દો વાપર્યા છતા એ શબ્દોનો ઘા સીધો જ પૂજારીનાં મર્મ ઉપર થયો હતો. તે ખળભળી ગયો. તેને આવી કોઈ ક્ષણની અપેક્ષા નહોતી.

                     “મેં… મેં… શું કર્યું હતું..?” પહેલી વખત તે થોથવાયો. રાજડા બે ડગલા વધું આગળ વધ્યો.

(ક્રમશઃ)

મિત્રો… અનીવાર્ય કારણોસર વાર્તા થોડી મોડી પોસ્ટ થાય છે એ તકલિફ બદલ ક્ષમા પ્રાર્થી છું.

પ્રવીણ પીઠડીયા.  

Share

NEW REALESED