Atitrag - 3 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 3

અતીતરાગ- ૩

આજની કડીમાં આપણે ચર્ચા કરીશું, મારા વન ઓફ ધ મોસ્ટ ફેવરીટ રાઈટર, ડીરેક્ટર અને ગીતકારની સાથે સાથે પ્રતિભાશાળી વ્યક્તિવના ધણી એવાં ગુલઝાર સાબ વિષે..

ફિલ્મ જગતમાં આવ્યાં એ પહેલાં પ્રારંભના સંઘર્ષભર્યા દિવસો દરમિયાન ગુલઝાર સાબ મુંબઈમાં એક મોટર ગેરેજમાં મેકેનિકની ફરજ બજાવતાં હતાં.

અ સમય દરમિયાન સદ્દભાગ્યે તેમનો ભેટો થયો, મહાન ફિલ્મકાર બિમલ રોય જોડે. અને મુલાકાતનો સિલસિલો સળંગ ચાલતાં.... ગુલઝાર સાબને તક મળી ફિલ્મ ‘બંદિની’ ના ગીતો લખવાની. આ તક ગુલઝારની કારકિર્દી માટે ઉજળી અને ઉત્તમ અને સાબિત થઇ.

અને પછી જે જેટ સ્પીડે ગુલઝાર સાબની કેરિયરે ગતિ પકડી, તેનો સઘળો શ્રેય જાય છે બિમલ રોયને.

બિમલ રોયની કલાપારખું નજર એ જાણી ગઈ હતી કે, ગુલઝારની પ્રતિભા માત્ર ગીતકાર પુરતી જ સીમિત નહતી.
એટલે ફિલ્મ ‘બંદિની’ ના નિર્માણ દરમિયાન બિમલ રોયે ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જવાબદારી પણ ગુલઝાર સાબના શિરે નાખી દીધી.

ત્યારબાદ બિમલ રોયે તેમની ફિલ્મ ‘કાબુલીવાલા’માં પણ ગુલઝારને
ફરી એકવાર આસિસ્ટન્ટ ડાયરેક્ટરની કામગીરી સોંપી.

બિમલ રોય જેવાં દિગ્ગજ ફિલ્મકાર સાથે ડીરેક્શનની બારીકીઓ તેમણે એટલી ચીવટ અને ઝીણવટથી હસ્તગત કરી હતી કે, જયારે ગુલઝાર સાબને સ્વતંત્ર દિગ્દર્શક તરીકે તેમની પહેલી ફિલ્મ મળી ત્યારે તેમનો આત્મ વિશ્વાસ બુલંદી એ હતો.

એ ફિલ્મ હતી ‘મેરે અપને’

આ ફિલ્મ અને તેનું નિર્માણ ગુલઝાર સાબ માટે એક આચર્યજનક સુખદ અકસ્માત હતો.

ડાયરેક્ટ તપન સિન્હા, જેમણે દિલીપકુમાર સાથે ફિલ્મ ‘સગીના’ નું નિર્માણ કર્યું હતું. તેમણે બંગાળી ભાષામાં એક સફળ ફિલ્મ બનાવી હતી,
નામ હતું.. APAN JAN ( આપુન જોન ) તેનો અર્થ થાય છે, આપણા લોકો.

એ ફિલ્મની વાર્તાને હિન્દીમાં રૂપાંતરિત કરવાનું કામ સોંપવામાં આવ્યું ગુલઝાર સાબને.

ગુલઝાર સાબે તેમના લેખનનો જાદુઈ ટચ આપ્યાં પછી ફિલ્મને ટચી નામ પણ આપ્યું ‘મેરે અપને’.

આ મૂળ બંગાળી ફિલ્મ ‘APAN JAN’ રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૬૮માં.
હિન્દી આવૃત્તિ ફિલ્મ ‘મેરે અપને’ના મુખ્ય કિરદાર માટે તપન સિન્હાની પ્રથમ અજોડ પસંદગી હતી..
એ બન્ને પાત્રો સિલ્વર સ્ક્રીન પર આવ્યાં હોત તો કદાચ એક અલાયદી જોડીનો અનન્ય અભિનયનો લાહવો કરોડો ફિલ્મરસિકોને માણવાનો અવસર મળ્યો હોત.

એ ફિલ્મી જોડીનું નામ હતું.. કિશોરકુમાર અને વહીદા રહેમાન.

ફિલ્મ ‘મેરે અપને’ ફ્લોર પર જવાની છેલ્લી ઘડીએ તપન સિન્હાનું મન કચવાયું, તેમના મનમાં એક છૂપો ડર ઘર કરી ગયો કે, આ ફિલ્મ હિન્દી ભાષામાં સફળ નહીં જાય. અનેક કશ્મકશના અંતે તેમણે ‘મેરે અપને’ ના પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકી દીધું.

જે ધગશ અને લગનથી ગુલઝાર સાબે બંગાળીમાંથી હિન્દીમાં આ ફિલ્મની વાર્તાને ઢાળી અને જે જુદા જ રંગરૂપ આપ્યાં હતાં... તે ગુલઝાર સાબ
આ વાત સાંભળીતાં જ અત્યંત નિરાશ થઇ ગયા. પણ સદ્દભાગ્યે તે નિરાશા ગુલઝાર માટે ક્ષણિક સાબિત થઇ.

ફિલ્મ ‘મેરે અપને’ ના નિર્માતા હતાં એન.સી, સિપ્પી. આ એ એન,સી. સિપ્પી, જેમના માટે ગુલઝાર સાબે ફિલ્મ ‘આનંદ’ અને ફિલ્મ ‘ગુડ્ડી’ ની વાર્તા લખી હતી. અને બન્ને ફિલ્મોના દિગ્દર્શક હતાં, મહાન ફિલ્મકાર ઋષિકેશ મુખરજી.

એન.સી.સિપ્પી એવું ઇચ્છતા હતાં કે, ફિલ્મ ‘મેરે અપને’ પડદા પર આવે.
તે માટે તેમણે ગુલઝાર સાબને કોઈ સારા અને સફળ ડાયરેક્ટનું નામ સુચન કરવાં કહ્યું, ત્યારે ગુલઝાર સાબે છલોછલ આત્મવિશ્વાસ સાથે ઉત્તર આપ્યો કે, જો આપની રજામંદી હોય તો આ ફિલ્મને હું સ્વયં જ ડીરેક્ટ કરવાં ઈચ્છું છું.

ગુલઝાર સાબની આંખોમાં જોયેલી અનેરી ચમક અને ભરપુર આત્મવિશ્વાસ સાથેનો ઉત્તર સાંભળીને એન.સી.સિપ્પીએ ખુશી ખુશી ફિલ્મની બાગડોર ગુલઝારના હાથમાં સોંપી દીધી.

આમ જો બધું સમું નમું પાર ઉતરી જતું હોત તો તો શું જોવુ’તું ?
કહે છે કે, ને સારા કામમાં બિલાડીની માફક સો વિઘ્નો અડચણ બનીને આડા ઉતરે.

એન.સી.સિપ્પી અને ગુલઝાર વચ્ચે મતભેદ ઊભાં થયાં ફિલ્મ કાસ્ટીંગની પસંદગીના મુદ્દે.

ફિલ્મની વાર્તાનું કેન્દ્રબિંદુ હતું એક સ્ત્રીના વિવિધ પાસાની આસપાસ ગૂંથાયેલી કથા હતી.
તે કિરદાર માટે એન.સી.સિપ્પીની પ્રથમ પસંદગી હતી.. નયનરમ્ય નયનોની મલ્લિકા નિમ્મી. અને એન.સી.સિપ્પી નિમ્મીના અભિનયથી પ્રભાવિત પણ હતાં.

પણ ગુલઝાર એવું ઇચ્છતાં હતાં આ કિરદાર મૂળ બંગાળી ફિલ્મની હિરોઈન છાયા દેવી જ આ પાત્ર ભજવે.

અંતે કૈક વાટાઘાટો અને દલીલ બાદ એક મધ્યમાર્ગ અપનાવતા નામ ફાઈનલ થયું... મીનાકુમારીનું.

પણ હજુયે તોંતેર મણનો ‘તો’ પ્રશ્નાર્થની માફક લટકતો જ હતો.

એ સમયગાળા દરમિયાન મીનાકુમારીનું સ્વાસ્થ્ય કથળેલું રહેતું. કોઈપણ ફિલ્મનો હિસ્સો બનવા તે રાજી નહતા.

હવે આવી પરિસ્થિતિમાં મીનાકુમારી પાસે આ પ્રસ્તાવ લઈને કોણ જાય ? અને જાય તો પણ શું મીનાકુમારી આ પ્રસ્તાવ સ્વીકારે ખરા ? એ પણ એક વિકટ સવાલ હતો.

અંતે આ વાતનું બીડું ઝડપ્યું, એન.સી.સિપ્પીના પુત્ર, રોમુ સિપ્પીએ. પિતા પાસેથી મેળવેલા ગુણના આધારે રોમુ સિપ્પી મીનાકુમારીને સંમત કરવામાં સફળ રહ્યાં.

અને એન.સી.સિપ્પીના બીજા પુત્ર રાજ સિપ્પી બન્યા ફિલ્મમાં ગુલઝાર સાબના મદદનીશ દિગ્દર્શક.

રોમુ સિપ્પી અને રાજ સિપ્પીના નામથી આપ અપરિચિત હોય તો આપને જણાવી દઉં કે આ સિપ્પી બંધુઓએ મહાનાયક અમિતાભ બચ્ચનને લઈને એક ખુબ સફળ અને મનોરંજક ફિલ્મ બનાવી હતી..
ફિલ્મનું નામ હતું, ‘સત્તે પે સત્તા.’
જેના ડાયરેક્ટ હતાં રાજ સિપ્પી અને નિર્માતા હતાં રોમુ સિપ્પી.

ફિલ્મ ‘મેરે અપને’માં નાયકના કિરદાર માટે સૌ પહેલાં પ્રસ્તાવ મુક્યો સંજીવકુમાર સામે તેમણે ઇન્કાર કર્યો એ પછી વાત આવી રાજેશ ખન્ના પાસે, પણ તેમણે પણ અનિચ્છા દર્શાવી. બન્ને પાસે એક જ કારણ હતું કે, જો ફિલ્મનું કેન્દ્રબિંદુ એક સ્ત્રી પાત્ર છે, તો આમાં અમારા ભાગે તો કશું કરવાનું આવશે જ નહીં.

એ પછી ગુલઝાર સાબની નજરે ચડ્યો એક ચહેરો, જે ચહેરો તેમને સુનીલદત્તની ફિલ્મમાં એક નકારાત્મક ભૂમિકા ભજવતાં જોવાં મળ્યો હતો.
એ ફિલ્મ હતી ‘મન કા મીત’ અને એ ચહેરાનું નામ હતું વિનોદ ખન્ના.

કોઈપણ ન્યુ કમર પાસે કામ કઢાવવું કપરું છે, છતાં જાણે કે, ગુલઝાર સાબ પાસે તે કલાની એક રહસ્યમય હથોટી હતી.

એ ફિલ્મમાં હતાં.. ડેની, અસરાની,પેન્ટલ અને દિનેશ ઠાકુર, આ સૌની આ પહેલી ફિલ્મ હતી, આ સૌ ન્યુ કમર હતાં પણ અભિનયના પાઠ આત્મસાત કરી ચુક્યા હતાં.

શત્રુઘ્ન સિંહા પણ ફિલ્મમાં હતાં.. અને તે સમયે તેમણે પણ કોઈ ખાસ નામના નહતી બનાવી.

ફિલ્મ ‘મેરે અપને’ કચકડે મઢાઈ ગઈ અને રીલીઝ પણ થઇ ગઈ.. પણ..
એક રંજ આજદિન સુધી ગુલઝાર સાબને રહી ગયો..
ફિલ્મના મુખ્ય કિરદાર મીનાકુમારી સાથે એક મહત્વના ગીતનું શૂટિંગ ગુલઝાર સાબ ન કરી શક્યા.
‘રોજ અકેલી આયે.. રોજ અકેલી જાયે..ચાંદ કટોરા લિયે ભિખારન..’
આ ગીતનો ફિલ્મના મ્યુઝીક આલ્બમમાં સમાવેશ છે પણ પણ ફિલ્મમાં નથી, કારણ .. મીનાકુમારીનું નાદુરસ્ત સ્વાસ્થ્ય. ફિલ્મનું નિર્માણ માત્ર ચાળીશ દિવસમાં પૂર્ણ કરાયું હતું.

આ ફિલ્મનું સૌથી યાદગાર ગીત એ હતું.. જેને વિનોદ ખન્ના પર ફીલ્માવામાં આવ્યું હતું.. એ ગીત વિનોદ ખન્ના, યોગિતા બાલીને યાદ કરતાં ગણગણે છે.. ગીતના શબ્દો હતા..

‘કોઈ હોતા, જીસકો અપના, હમ..’

આ ફિલ્મ આજથી પાંચ દાયકા પહેલા એટલે કે વર્ષ ૧૯૭૧માં રીલીઝ થયેલી, આજે પણ જો આપ આ ફિલ્મને જોશો તો આજના દેશ વ્યાપી મુદ્દા જેવા કે,ભ્રષ્ટાચાર. મોંઘવારી અને લંપટ રાજકારણીની કાળી બાજુઓને ઉજાગર કરતી વાર્તા આજે પણ એટલી જ અસરકારક છે.

તો આ હતી બહુપ્રતિભા સંપ્પન, વિરાટ વ્યક્તિત્વની છબી ધરાવતાં આપણા સૌના ચહીતા, માનીતા અને જાણીતા મહાન ફિલ્મકાર ગુલઝાર સાબના ફિલ્મ કેરિયરની એક નાની એવી ઝલક.

ફિલ્મી પડદા પાછળની કોઈ રસપ્રદ ઘટનાની યાદોને મમળાવવા માટે ફરી મળીશું ‘અતીતરાગ’ ક્ષેણીની હવે પછીની કડીના સથવારે.

વિજય રાવલ
૦૩/૦૮/૨૦૨૨