Atitrag - 2 in Gujarati Film Reviews by Vijay Raval books and stories PDF | અતીતરાગ - 2

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

અતીતરાગ - 2

અતીતરાગ-૨

આજની કડીમાં વાત કરીશું એક એવી હિન્દી ફિલ્મ વિષે જેણે, રાજેશખન્ના, શર્મિલા ટાગોર, પાર્શ્વ ગાયક કિશોર કુમાર અને નિર્માતા નિર્દેશક શક્તિ સામંતના નામને અનપેક્ષિત ઉંચાઈને આંબી, એક નવા કીર્તિમાનની સ્થાપના કરી હતી.

પણ આ ફિલ્મની સૌથી રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ છે, આ સુપર ડૂપર હિટ ફિલ્મના પ્રોજેક્ટને અધવચ્ચે પડતો મુકવામાં આવ્યો હતો. જી હાં, અને એ ફિલ્મ હતી
‘આરાધના’

વર્ષ ૧૯૬૯માં શક્તિ સામંતની આર્થિક સંકડામણ અને લાચારીની અવદશામાં જન્મ થયો ‘આરાધના’નો.

આર્થિક સંકડામણનું સબળ કારણ હતું તેમની ઝબરદસ્ત ફિલ્મ
‘ એન ઇવનિંગ ઇન પેરીસ “ થીયેટરમાં રીલીઝ થયાંના ત્રીજા જ દિવસે ભારતભરમાં થીયેટર ઓનર્સ એસોસિએશન હળતાળ પર ઉતરી જતાં, તમામ સિનેમાઘરોને તાળા લાગી ગયાં.
અને એ હડતાલ ચાલી ત્રણ સપ્તાહ સુધી. એ ત્રણ સપ્તાહ દરમિયાન શક્તિ સામંતની આર્થિકની સાથે સાથે માનસિક દશા પણ કંગાળ થઇ ગઈ.

હજુ આ અનિશ્ચિત આવેલી ઊડતી ઉપાધીની કળ વળે ત્યાં, એક બીજી વિટંબણા શક્તિ સામંતને વિકરાળ અજગરની માફક વીંટળાઈ ગઈ. તેમની આગામી ફિલ્મ ‘જાને-અનજાને’ જે ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવવાના હતાં શમ્મીકપૂર, તે ફિલ્મ પણ તેમણે ડબ્બામાં પૂરવી પડી.... કારણ, એ સમયે શમ્મી કપૂરના પત્ની ગીતાબાલીનું દેહાંત થયુ. એ અણધાર્યા આઘાતથી શમ્મી કપૂર ઘેરા શોકમાં ડૂબી ગયાં. લાંબા સમય સુધી તેમણે કોઈપણ ફિલ્મ કરવાનો ઇન્કાર જાહેર કરી દીધો.

શમ્મી કપૂરની અનિશ્ચિત સમયમર્યાદાની પ્રતીક્ષા કરવાં કરતાં શક્તિ સામંતે એવો નિર્ણય લીધો કે, કોઈ એક મધ્યમ બજેટની ફિલ્મનું નિર્માણ કરવું.

અ રીતે કાગળ પર જન્મ થયો ‘આરાધના’નો. તેમના માટે તેણે સાઈન કર્યા ન્યુ કમર રાજેશ ખન્નાને. ‘આરાધના’ પહેલાં રાજેશ ખન્ના ત્રણ ફિલ્મો કરી ચુક્યા હતાં.
ચેતન આનંદની ‘ આખરી ખત’, જી.પી,સિપ્પીની ‘રાઝ’ અને નાસીર હુસેનની ‘બહારોં કે સપને’. આ ત્રણેય ફિલ્મો ટીકીટબારી પર કશું નોંધપાત્ર નહતી ઉકાળી શકી.

‘બહારોં કે સપને’માં રાજેશ ખન્નાના અભિનયથી શક્તિ સામંત થોડા પ્રભાવિત થયાં હતાં એટલે રાજેશ ખન્નાને ‘આરાધના’માં સ્થાન મળ્યું.

શક્તિ સામંત ‘આરાધના’ના નિર્માતા અને દિગ્દર્શક પણ હતાં. પણ ‘આરાધના’ની વાર્તા લખી હતી ‘સચિન ભૌમિકે’. આ વાર્તા મૌલિક નહતી પણ, ૧૯૪૬માં બનેલી એક હોલીવૂડ એક ફિલ્મ ‘ TO EACH HIS OUN’ પરથી પ્રેરિત હતી.

જયારે રાજેશ ખન્ના તેની શેવરોલેટ કાર લઈને સ્ટોરી નરેશન માટે શક્તિ સામંતના ઘરે આવ્યાં ત્યારે તેમને જે સ્ટોરી સંભળાવવામાં આવી તે વાર્તા અલગ હતી, મતલબ ‘આરાધના’ની ફાઈનલ ટચ વાળી વાર્તા નહતી. એ સ્ટોરીમાં રાજેશ ખન્નાની સિંગલ રોલ વાળી ભૂમિકા જ લખાઈ હતી. એટલે કે ઈન્ટરવલ પહેલાંનો રાજેશ ખન્ના. તેમને ડબલ રોલ વાળા કિરદારનું પાત્રાલેખન થોડા સમય બાદ થયું.

હવે શક્તિ સામંત માટે મોટો માનસિક વ્યાયામ એ હતો કે, માત્ર રાજેશ ખન્નાના નામે માર્કેટમાં ફિલ્મ વેચવી કે ચલાવવી એ અખતરાનો ખતરો કેમ ટાળવો ? તેમને તલાશ હતી, રાજેશ ખન્ના સાથે જોડી બનાવે એવું કોઈ દમદાર નામ.

ઝબકારા સાથે નામ સુઝ્યું.. શર્મિલા ટાગોરનું.. જે અગાઉ શક્તિ સામંત જોડે તે બે સુપરહિટ ફિલ્મો આપી ચૂકી હતી.. પહેલી ‘કાશ્મીરકી કલી’ અને બીજી ‘એન ઇવનિંગ ઇન પેરીસ’ એ ઉપરાંત શક્તિ સામંત અને શર્મિલા ટાગોર વચ્ચે ખુબ સારું બોન્ડીંગ પણ હતું.

પણ... શર્મિલા ટાગોરે સાફ શબ્દોમાં ઘસીને ના પાડીને, શક્તિ સામંતના પ્રસ્તાવને ઠુકરાવી દીધો. અને તેના માટે શર્મિલા ટાગોર પાસે ત્રણ સચોટ કારણો હતાં.

પહેલું કારણ હતું, ૧૯૬૯ સુધીમાં શર્મિલા ટાગોર ખુદને એક એસ્ટાબ્લિસ્ટ એક્ટ્રેસ સાબિત કરી ચૂકી હતી. હિન્દી ફિલ્મની સાથે સાથે બંગાળી ફિલ્મોમાં પણ તેનો દબદબો હતો. અને રાજેશ ખન્ના જેવા ન્યુ કમર સાથે સ્ક્રીન શેર ન કરે એ સ્વાભાવિક હતું.

બીજું કારણ એ હતું કે, એ સમયે શર્મિલા ટાગોરની ઉમ્ર હતી માત્ર પચ્ચીસ વર્ષ, અને એ વયમાં ફિલ્મમાં નાયકની વૃધ્ધ માતાની ભૂમિકા ભજવવવાની ? આ વાત શર્મિલા ટાગોરના ગળે ન ઉતરી.

અને ત્રીજું કારણ એ હતું એ દિવસો દરમિયાન શર્મિલા ટાગોર પર હોટ ટુ પીસ બીકીની ફોટો શૂટ થયું હતું, અને તેની એક ઝલક ફિલ્મફેર મેગેઝીનના મુખપૃષ્ઠ પર જોવા મળી હતી. એ સમયગાળા દરમિયાન તે હોટ ફોટો સેશનના કારણે તે ટોક ઓફ ધ નેશન પણ બની ચૂકી હતી. તેણે વિચાર્યું કે આ હોટ ઈમેજ પર પેલી વૃધ્ધ માતાની ભૂમિકા પાણી ફેરવી દેશે.

આખરે કોઈપણ હિડન ટ્રમ્પકાર્ડ વાપરીને શક્તિ સામંતે શર્મિલા ટાગોરેને મનાવી લીધાં...

રાજેશ ખન્નાની મા બનવા માટે...

હીરો, હિરોઈન બંને રાજી... ફિલ્મ ફ્લોર પર જવા માટે ફક્ત એક દિવસની પ્રતીક્ષા હતી.. ફિલ્મ મુહૂર્તના આગલાં દિવસે શક્તિ સામંત મુંબઈના ફેમસ સ્ટુડીઓ સ્થિત આવેલી તેમની ઓફિસમાં બેઠાં હતાં.

ફેમસ સ્ટુડીઓ અનેક ફિલ્મમેકર્સ અને ફિલ્મ વિતરકોની ઓફિસીસનો ગઢ ગણાય.
જેમાં એક હતાં સુરિંદર કપૂર.. એટલે કે, બોની કપૂર અને અનિલ કપૂરના પિતાજી.
એ સમયે તેમણે એક ફિલ્મ બનાવી હતી..
‘એક શ્રીમાન એક શ્રીમતી’.
એ ફિલ્મના પ્રીમિયર શો માટે સુરિંદર કપૂરે શક્તિ સમાંતને આમંત્રણ પાઠવ્યું.

અને ફિલ્મ જોતાં જ શક્તિ સામંત શક્તિ વિહોણા થઇ ગયાં. તેમના ચહેરાનું નૂર ઊડી ગયું, કારણ..... ‘એક શ્રીમાન એક શ્રીમતી’ અને ‘આરાધના’ બન્ને ફિલ્મના ક્લાઈમેક્સ એકસમાન જ હતાં. અને બન્ને ફિલ્મના સ્ટોરી રાઈટર પણ એક જ હતાં.. જી હાં. ‘સચિન ભૌમિક’

એ પછી શરુ થયું શક્તિ સમાંત અને સચિન ભૌમિક વચ્ચે શાબ્દિક યુદ્ધ.. કલાકોની વાટાઘાટ દરમિયાન સચિન ભૌમિકે શક્તિ સામંતને સમજાવવાની ખુબ કોશિશ કરી કે, થોડું ઘણું મળતું આવે છે પણ સદંતર સમાનતા નથી.

સચિન ભૌમિકની કોઈ દલીલ શક્તિ સામંતના ગળે ન ઉતરી.. તેને ઊંડો આઘાત લાગ્યો કે તેનું ડ્રીમ પ્રોજેક્ટ તો ઓલ રેડી કચકડે મઢાઈ ચુક્યુ છે. સચિન ભૌમિકને રવાના કર્યા પછી ગુસ્સામાં લાલચોળ શક્તિ સામંત તેમની ઓફિસ બહાર ફેમસ સ્ટુડીઓની લાઉન્જમાં આમથી તેમ ચક્કર મારવાં લાગ્યાં.

ત્યાં અચાનક લાઉન્જમાં આવી ચડ્યા બે સ્ટોરી રાઈટર.. એક હતાં શક્તિ સામંતની આગામી ફિલ્મ ‘જાને-અનજાને’ ના રાઇટર મધુસુદન ક્લેલકર અને બીજા રાઈટર હતાં ગુલશન નંદા. જેમણે શક્તિ સામંત સાથે ‘સાવન કી ઘટા’ નામની ફિલ્મ બનાવી હતી.

એ પછી તેઓની ચર્ચા દરમિયાન શક્તિ સામંતે ગુલશન નંદાને પૂછ્યું કે,
‘તમારી પાસે કોઈ વાર્તા તૈયાર ખરી ? મને તાત્કાલિક ધોરણે એક વાર્તાની જરૂર છે.’

‘હાં. એક વાર્તા છે મારી જોડે... તમે કહો તો હમણાં જ તમને સંભળાવી શકું છું’
આવો જવાબ આપ્યો ગુલશન નંદાએ.

એટલે શક્તિ સામંત, મધુસુદન ક્લેલકર અને ગુલશન નંદા ત્રણેય ગોઠવાયા શક્તિ સામંતની ઓફિસમાં.. અને સળંગ એક કલાક ગુલશન નંદાએ એક વાર્તાનું નરેશન કર્યું. આ વાર્તા હતી ફિલ્મ ‘કટી પતંગ’ની.
તરત જ શક્તિ સામંતે નિર્ણય લીધો કે, હવે ‘કટી પતંગ; બનશે અને ‘આરાધના’ ડબ્બામાં જશે.

એ પછી ગુલશન નંદાએ પૂછ્યું કે,
‘આરાધના’ની વાર્તામાં શું ખૂટે છે ? શું અડચણ છે ?
તેના જવાબમાં શક્તિ સામંતે તેની વિડંબણા જાણવી.

ત્યારબાદ મધુસુદન કલેલકર અને ગુલશન નંદાએ ‘આરાધના’ની વાર્તાને શક્તિ સામંતની ઈચ્છા શક્તિ મુજબ ઢાળવાનો પ્રસ્તાવ મુક્યો..

એ પછી ત્રણેય ઉપડ્યા શક્તિ સામંતના ઘરે.. રાત્રીના બે વાગ્યાં સુધી ‘આરાધના’ની સ્ટોરી પર રી-વર્ક કરવામાં આવ્યું.. એકમાંથી રાજેશ ખન્નાની ડબલ ભૂમિકા મુજબની એક નવી વાર્તા ઘડવામાં આવી... અને ફિલ્મ ‘આરાધના’ નું નિર્માણ શરુ થયું..

પણ જયારે ફિલ્મ રીલીઝ માટે તૈયાર થઇ ગઈ ત્યારે કોઈ ફિલમ વિતરક ફિલ્મ ખરીદવા ઉત્સુક નહતા.. ખૂટતી અને ખટકતી વાત એ આવી કે, શર્મિલા ટાગોરને રાજેશ ખન્નાની માની ભૂમિકામાં દર્શક કોઇકાળે નહીં જ સ્વીકારે.. સૌએ શક્તિ સામંતને ફિલ્મ રી-શૂટ કરવાની સલાહ આપી.

ઘણાં દિવસો સુધી આ વાટાઘાટો ચાલી પણ અંતે... શક્તિ સામંતની જિદ્દ આગળ ફિલમ વિતરકો ઝુક્યા અને ફિલ્મ કોઈપણ જાતના કાપકૂ કે ફેરફાર વગર રીલીઝ થઇ.

જે ફિલ્મ અલ્મોસ્ટ અભેરાઈ એ ચડી જ ગઈ હતી... આખરે ૩૦ ઓક્ટોબર ૧૯૬૯ના દિવસે દિલ્હીમાં રીલીઝ થઇ..અને એક સપ્તાહ બાદ રીલીઝ થઇ મુંબઈમાં.

એ ફિલ્મે તે વર્ષની બેસ્ટ ફિલ્મ કેટેગરી માટે ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો.

અને.....

શર્મિલા ટાગોરેને બેસ્ટ એક્ટ્રેસની કેટેગરી માટે તેમની લાઈફનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ હાંસિલ થયો એ ‘આરાધના’ ફિલ્મ માટે જેના કારણે તેમની હોટ ઈમેજ પર તેમને પાણી ફરી જવાનો ડર હતો, એ ‘આરાધના’ એ કઈક ઈતિહાસ રચ્યાં.

-વિજય રાવલ
૨૮/૦૭/૨૦૨૨