Nehdo - 68 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 68

ગાડી ઉભી રહી, બારણા બંધ થયાનો અવાજ આવ્યો. જાપે આવી ખાખી લુગડાવાળા એક માણસે ગેલાના નામનો સાદ દીધો. ગેલાએ ભેંસ દોતા દોતા જ જવાબ આપ્યો, "એ માલિકોર્ય હાલ્યા આવો. ન્યાં જાપામાં ખાટલો પડ્યો ઈ ઢાળીને બેહો, ત્યાં હું ભેંહ દોયને આવું." ખાખી લુગડાવાળાની પાછળ ડ્રાઇવર પણ ઉતરીને જાપે આવ્યો. જાપો ખોલી બંને અંદર આવ્યા, ખાટલો ઢાળી બેઠા. આજે આકાશ ગોરંભાયેલું હતું. આકાશમાં કાળા કાળા વાદળા ચડી આવેલા હતા. વાતાવરણમાં બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. બંને જણા ખાટલે બેઠા બેઠા આંગણામાં ઊભેલી ભેંસો ઉપર નજર ફેરવી રહ્યા હતા. ધીમા અવાજે બંને અંદરો અંદર કંઈક વાતચીત કરી રહ્યા હતા.
એટલામાં ગેલાએ ભેંસ દોહી લીધી. દૂધની ડોલ ઓસરીની કોરે મૂકી.ગેલો ખાટલે બેઠેલા આવેલ વનકર્મીને મળવા આવ્યો. ગેલાએ બંનેને હાથ મિલાવી રામ રામ કર્યા. ગેલાનો હાથ મહેનત કરીને ખરહટ અને મજબૂત થઈ ગયેલો હતો. જે પેલા બંને જણાએ અનુભવ્યો. ખાખી કપડાંવાળા વનકર્મીએ ગેલાને કહ્યું, "તમારે અત્યારે અમારી સાથે સાસણ હાલવું પડશે"ગેલાના મોઢા પર પ્રશ્ન રેખાઓ ખેંચાઈ આવી.તે બોલ્યો, " કીમ વળી? કાય બન્યું હે?"
પેલાં વનકર્મીએ ટૂંકમાં પતાવ્યું. "ઈ અમને ના ખબર હોય.અમને તો ન્યાથી એમ કીધું કે ગેલાને અટાણે જ તેડી આવો." ગેલાના મનમાં જરાય ડર નહોતો. તેણે જરાય ડર રાખ્યાં વગર કહ્યું, "ઓફિસેથી કેણ આવ્યું હોય તો પસે મારે હાલવામાં કશો વાંધો નહીં. હાલો હું તૈયાર જ સુ." ત્યાં રાજી લોટામાં ચા ભરી ઓસરીની કોરે મૂકી ગઈ. નેહડે ગમે તે સમયે બહારનું કોઈ પણ મહેમાન આવે ત્યારે "ચા બનાવી નાખો"એમ કહેવાની વાટે કોઈ રહેતું નથી. ચા તો તૈયાર જ થઈ જાય છે. ને એ ચા પણ કેવી? ભેંસના એકલા દુધમાં બનાવેલી ઘાટી રગડા જેવી. ગેલાએ સ્ટીલની રકાબી લઈ આવેલ બંને મહેમાનોને ચા પાય દીધી. પોતે, રામુઆપા,અને જીણીમાએ વાટકામાં લઈ ચા પીધી.
આમ અચાનક ઓફિસેથી તેડું આવતા રામુઆપાના મોઢા ઉપર થોડી ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. તેણે ચા પીને ખિસ્સામાંથી ચૂંગી કાઢી તેમાં તમાકુ ભરી સળગાવીને એક કશ લીધો. પછી બોલ્યા, "પણ ઈમ અસાનક રાત્યમાં ગેલાનું હૂ કામ પડી જયું?"પેલા વનકર્મીએ ફરી એનું એ જ રટણ ચાલુ રાખ્યું.
"ઈ બધી અમને ખબર ન હોય, ત્યાં ઓફિસે આવે એટલે બધી ખબર પડી જાહે."ગેલાએ ચાની કીટલી રસોડામાં મૂકવાના બહાને રાજીને મળી લીધું. અને ચિંતા ન કરવા સમજાવી દીધી. ગેલાએ કહ્યું, "રાત્તે મોડે મોડે કામ પત્યે ઈવડા ઈ જ મને મેલી જાહી. ન્યા બીજું ઉપાધી જેવું કાય નય હોય ઓલ્યો શિકારી જાલ્યો હહે ઈની તપાસ હહે. દોવાની બાકી ભેંહું કનોને આપા દોય લેહે. ડેરીએ દૂધ ભરવા કનાને મોકલી દેજે.ને પાડરું એકેય બારું નો રે ઈ જોય લેજે.હમણાં બે દાડાથી એક દીપડું હળ્યું સે. કાલ રાતે ઓલ્યા વસ્યાના એક પાડરુંને દાઢવી ગ્યો તો.એટલે પાડરુંને ઘરમાં પૂરી બાયણુ બરોબર બંધ કરી. આડા લાકડા ઠેરવી દેજે. વરસાદ અંધારિયો સે રાત્યમાં આવે તો રાતની રાત ન્યા પડ્યો ય રવ. હવારે હાલ્યો આવીશ." ગેલો આવી બધી ભલામણો કરતો હતો ત્યાં પેલા બંને જણ જાપો ખોલી જીપમાં બેસી ગયા અને જીપ ચાલું કરી ત્યાં હેડ લાઈટો ચાલુ થઈ. ફરી ગાઢ અંધકારમાં ગાડીની હેડલાઈટના પ્રકાશને લીધે બધું ઝાકમજોળ થઈ ગયું. ચાલતા ચાલતા ગેલાએ રામુઆપાને પણ ભલામણ કરી, " આજે તમીને મારી માડી ઓહરીમાં ખાટલા રાખજો. વરસાદ જેવું સે એટલે પાડરુંને છોરા એકલા નો રે."રામુઆપાએ પોતાની ચિંતા દબાવીને ધરપત આપતા કહ્યું, " તું તમતારે ઉપાધી નો કરતો હું આયા બેઠો સુ ની! રાત્યે ભેંહુના વાડે બે આટા મારી આવીશ. તમતારે સંત્યા કર્યા વગર જા."ગેલો હાથમાં ડાંગ લઈ વજનદાર જોડા પહેરી ઉપડ્યો. કનોને રામુઆપા જાપે ઉભા હતા. ગેલાએ કનાને કહ્યું, " તું દૂધ ભરવા જા નીયા રસ્તામાં વાંકડે ઢોરે હાવજ્યું બેઠા હોય સે.ઇનીથી બીતો નય. ઈની હામુ નજર ખોડીને ઈને વતાવ્યા વગર નીહરિ જાજે." જીણીમાને પણ ચિંતા તો ઘણી થતી હતી પણ એ કોને કહે? જીણીમા ચિંતા ભરી નજરે જાપાની બહાર નીકળી રહેલા ગેલાને તાકી રહ્યા હતા.રાજી રસોડાના બારણે અડધી લાજ આડી રાખીને ગેલા સામે જોઈ રહી હતી.
ગેલો જીપમાં બેઠો જીપના દરવાજા બંધ થયા અને જીપ ગીરના ઉબડ ખાબડ રસ્તામાં ઉંચી નીચી થતી આગળ વધી રહી હતી. પેલા બંને આગળની સીટમાં બેઠા હતા, જ્યારે ગેલો પાછળની સીટમાં બેઠો હતો. તે બંને ગેલા સાથે વધારે કંઈ વાત કરતા ન હતા. તે બંને અંદરો અંદર વાત કરી રહ્યા હતા. રાતના અંધારામાં ગાડીના અવાજ અને હેડલાઇટના પ્રકાશથી ડરીને વચ્ચે વચ્ચે સસલા, હરણા રસ્તો આંતરતા હતા. ક્યાંક ક્યાંક જીપ એકદમ નજીક આવે ત્યાંરે રાતના પક્ષી રસ્તા વચ્ચેથી એકદમ ઉડી જતા હતા. ગોરંભાયેલા આકાશમાંથી અચાનક વરસાદની બુંદો ખરવા લાગી. તપેલી ધરતી પર વરસાદના પાણી પડવાથી માટીની આહલાદક સુગંધ આવી રહી હતી. ધીમેથી ચાલુ થયેલો વરસાદ અચાનક તેજ થઈ પડવા લાગ્યો. સરકારી જીપના વાઇપર કીચુડ..કીચુડ..અવાજ કરતા કાચ પર ચોટી ગયેલા વરસાદના પાણીને દૂર કરવા માટે મથી રહ્યા હતા. ઘડીકમાં વરસાદ ઢગલો થઈ ગયો. ગીરના કાચા રસ્તા પર પાણી વહેવા લાગ્યું. પાણીની લીધે રસ્તામાં ખાડો કેટલો ઊંડો છે તે કળવું મુશ્કેલ હતું. આવા ખાડામાં સરકારી જીપ ધડામ કરતી પડતી આગળ વધી રહી હતી. આવા ખાડા ખાબોચિયામાં થતી જીપ આગળ વધી રહી હોવાથી અંદર બેઠેલા ત્રણેય જણ હાલક ડોલક થઈ રહ્યા હતા. ગેલાએ બારીમાંથી બહાર નજર કરી વરસી રહેલા વરસાદને ઉદ્દેશી ને કહ્યું, "આય મારાજ આય, આજ્ય ગર્યની તરસી ધરતીની તરશ સિપાવીને જ જાજયે. ભેહુના ખડ ય હવે તો હુકાય જ્યા સે.તું ધરોવ કરી જા તો અમારી ગર્ય ફરીથી લીલવણી થાય."
ચાલુ વરસાદે અને રાતના અંધારાને લીધે સાસણ પહોંચતા જીપને ઘણી વાર લાગી. સાસણ ઓફિસે આવી જીપ ઊભી રહી. ગેલો નીચે ઉતર્યો, વરસાદ હજી ચાલુ હતો. ચારે બાજુ પાણી ભરેલું હોવાથી ગેલો ખબખબ કરતો પાણીના ખાબોચિયામાં પગ મૂકતો ઓફિસના દરવાજે આવ્યો.ગારાવાળા જોડા બહાર ઉતારી ગેલો ઓફિસમાં ગયો. ઓફિસમાં સામે મોટી રિવોલ્વીંગ ચેર પર રાજપૂત સાહેબ ગેલાની રાહ જોઈને જ બેઠા હતા. સાહેબની પાછળની દીવાલે એક સાથે પાણીની રકાબીની ફરતે પાણી પીતા ડઝનેક સાવજ પરિવારના સભ્યોનું મોટું પોસ્ટર લગાડેલું હતું.બીજી દીવાલ પર ગીરના ચિતલ,દીપડા,શિંગડિયો ઘૂવડ, સકરો બાજ, નવરંગો જેવા પશુ પંખીડાની ફોટો ફ્રેમ લગાડેલી હતી. ગેલાને જોઈ રાજપૂત સાહેબના મોઢા પર ખુશી આવી ગઈ. રાજપુત સાહેબને ગેલાએ શિકારીને પકડ્યો હતો, એ દ્રશ્ય યાદ આવી ગયું. તે પોતાની ચેર પરથી ઉભા થઈ આગળ ચાલી ગેલાને હાથ મેળવી ઉષ્માભર્યો આવકાર આપ્યો. ગેલાને પોતાની સામે બેસાડી બધાના સમાચાર પૂછ્યા." તમારી જેવા નેહડાવાસીઓ હોય એટલે ગીરને ઊંનીઆસ પણ ન આવે એની મને ધરપત છે."એવું ગર્વ સાથે રાજપૂત સાહેબ બોલ્યાં.
રાજપૂત સાહેબે બહાર ઉભેલા માણસને ઈશારો કર્યો. તે માણસ ત્યાંથી ગયો. ઘડીક રહીને પોલીસ બંદોબસ્ત સાથે પાંચ માણસોને હાથમાં હાથકડી પહેરાવી અંદર લાવવામાં આવ્યા. ગેલાને ઘડીક તો કશું સમજાયું નહીં. તે પાંચેય જણની પાછળથી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પણ આવ્યા. તે ગેલાની બાજુની ખુરશીમાં બેસી ગયા. પછી તેણે પોતાના પોલિસી અંદાજમાં કઠોર મોઢું રાખી ગેલાને પૂછ્યું, "જોતો આમાંથી કોઈને ઓળખે છો?"ગેલાએ હાથકડી પહેરેલા પાચેયના ચહેરા સામું જોયું. તે પાંચેય નીચું મો કરી ઊભા હતા. તેમાંથી વચ્ચેના વ્યક્તિના કપાળમાં ગેલાનું ધ્યાન ગયું. ગેલાની આંખો પહોળી થઈ ગઈ. તે ખુરશીમાંથી ઉભો થઈ ગયો.
ક્રમશ: ..

(પેલાં વ્યક્તિને જોઈને ગેલો કેમ ચોકી ગયો? જાણવા માટે વાંચતા રહો "નેહડો (The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621