Nehdo - 69 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 69

ગેલાએ ઊભા થઈને એ વચ્ચે ઉભેલા વ્યક્તિનો કાંઠલો પકડી લીધો. ગેલાએ દાંત પીસીને કરડી આંખો કરી. ગેલાના કપાળમાં ગુસ્સાની રેખાઓ ખેંચાઈ આવી. ગેલો પેલા વ્યક્તિને કાંઠલો પકડી હચમચાવવા લાગ્યો. અને જોરથી રાડો પાડવા લાગ્યો, " શાબ, આ એ જ હરામખોલ માણા સે, જેણે તે'દી રાતે સામત સાવજને મારવા એદણ્ય ભેંસની લાશ ઉપર ઝેર લાખ્યું 'તું.
ઈ વાત હું તમને ખાતરીથી કવ સુ. હાસુ નો લાગતું હોય તો..."ગેલાએ એક હાથે કાંઠલો પકડી રાખ્યોને બીજા હાથે પેલા વ્યક્તિના મોટા ઝટીયા ઉંચા કરી કપાળ ખુલ્લું કરી કપાળની જમણી બાજુ પડેલો ઘા રાજપૂત સાહેબને બતાવ્યોને ખાતરી કરાવી, આગળ બોલ્યો,"..... જોવો શાબ, આ હરામખોલના કપાળે ઘોબો મેં પાડેલો સે. તે દાડે મારી ડાંગની લોઢાની કુંડલીથી પડેલો આ ઘા સે. ડાંગનો ઘા ખાયને તે દાડે એ બઠ્ઠો પડી ગયો 'તો. મને તો એમ જ થયું 'તું કે મારો હાળો મરી જયો સે!" ગેલાએ પેલા વ્યક્તિનો કાંઠલો છોડી દીધો. ગેલાના હાથની ડાંગનો માર ખાઈ ચૂકેલો પેલો શિકારી આજે પણ ગેલાથી ખૂબ ડરી ગયો. તેના મોઢા પર ભય દેખાઈ રહ્યો હતો. તેના કપાળે પરસેવો વળી ગયો. ગેલાએ તેને છોડીને બીજા ચારેય જણના મોઢા પર નજર ફેરવી તો તેમાંથી એક તો જુનાગઢથી પકડ્યો હતો તે શિકારી જ હતો. પછી બાકીના ત્રણેય જણના મોઢા પર ગેલાએ નજર ફેરવી. પછી એ રાત્રે જંગલમાં ભાગી રહેલા શિકારીના મોઢા પર ટોર્ચના પ્રકાશે ઓળખેલા મોઢા સાથે સરખાવ્યાં. એટલે તરત ગેલાને યાદ આવી ગયું. તે ફરી ખુરશીમાં બેસી ગયો અને સાહેબને કહ્યું,
" શાબ, તે દાડે રાતે આ પાસેય જણા જ હતા મને બરોબર હાંભરી ગયું."
રાજપૂત સાહેબે ગેલાને કહ્યું, "શાબાશ ગેલાભાઈ તમારી મદદથી અને તે રાત્રે તમારી હિંમતથી સામત સાવજ અને રાજમતી સિંહણ બચી ગયા. નહિતર આ નરાધમોએ તો ભેંસના શબમાં ઝેર ભેળવીને બંનેને મારી નાખવાનો કારસો બરાબરનો ગોઠવી દીધો હતો. તમારી ગીરભક્તિ અને તમારી સિંહ ભક્તિને સલામ છે. નહિતર તે દિવસે સામત સાવજ અને રાજમતી સિંહણે જ તમારી લાખેણી ભેંસને મારી નાખી હતી. જો તે' દી તમે ધારત તો આ શિકારીઓને ભાળ્યા ન ભાળ્યા કરી તે રાત્રે પાછા વળી ગયા હોત અને તમારી ભેંસના શિકારનો બદલો લઈ શક્યા હોત. પરંતુ તમે એવું ન કર્યું. સલામ છે તમને."
એમ બોલી રાજપૂત સાહેબે કપાળે હાથ લઈ જઈ ખરેખર ગેલાને સલામ મારી.
ગેલો ઘડીક નીચે જોઈ ગયો, પછી રાજપૂત સાહેબની પાછળની દીવાલે લગાડેલા પાણી પીતા સાવજ પરિવાર સામે જોઈને કહ્યું, " શાબ, આ હાવજ્યુ તો અમારે મન ભગવાન સે. ગીતામાં ભગવાન કરશણે કહેલું સે કે, ' પરાણીમાં હું સિંહ સુ.' એટલે અમારું ઢોર તો શું કેદી' ક તો અમારા માણા પણ હાવજો લય ગયેલા ના દાખલા સે. પણ ઈ બધી અમી કરશણ ભગવાનની લીલા ગણવી સી. અમારે હાવજયુ હામે કેદિય દશમનાવટ નો હોય. હાવજયુ સે તો ગીર સે, ને ગીર સે તો અમી બધાં માલધારી સવી. આ બધાં એકબીજા ઉપર ટકી રેલાં સી."
ગેલાની આ મર્મવાળી વાત સાંભળી રાજપૂત સાહેબને ગેલા પર ખૂબ માન થયું. પોલીસ ઇન્સ્પેક્ટર પણ ગેલા સામે માનભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા હતાં. પેલા પાંચેય શિકારી ગેલાની આ વાત સાંભળીને ભોમાં માથું ખોસીને ઉભા રહ્યા. પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું, "ગેલાભાઈ પેલો શિકારી પકડવામાં તમે કરેલી બહાદુરીની વાત મેં રાજપૂત સાહેબ પાસેથી સાંભળી. ખરેખર તમે એને પકડાવવામાં મદદ કરી એટલે એના દ્વારા બાકીના ચારને પોલીસ ખાતાના માણસોએ યુપીના અંતરીયાળ ગામડામાં જઈને દબોચી લીધા. જો આ લોકો ન પકડાયા હોત તો તેમનો પ્લાન હજી બીજા સાવજનો શિકાર કરવાનો હતો. જેની પૂરી તૈયારી આ લોકોએ કરી રાખી હતી. જેની માહિતી આ પાંચેયને પોલીસ સ્ટેશનના લોકઅપમાં પરસાદી આપતા પોપટ બનીને બોલી ગયા. તેમનો ચાઇના સાથેના પ્રાણીઓના અંગોના તસ્કરીના કાળા કારોબારના તાણાવાણા પણ મળી ગયા છે.જેને તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ આ બધું પકડાવવા પાછળના ખરા હકદાર ગેલાભાઈ તમે જ છો."એમ કહી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે ગેલાની પીઠ થાબડી. ગેલાના મોઢા પર સારું કામ કર્યાનો ભાવ આવી ગયો. તેણે ઉપર જોઈ, પોતાના બંને હાથ ઊંચા કરી કહ્યું, "મેં કશું નહીં કર્યું શાબ, ઈ બધું કરાવે મારો દુવારિકાવાળો દેવ."આમ બોલી ઉપર ઉઠેલા હાથ ગેલાએ જોડી દીધા.
ત્યાર પછી પોલીસે ઇન્સ્પેક્ટર સાહેબે પાંચેય શિકારી કે જેને બબ્બેની જોડીમાં હાથકડી પહેરાવેલી હતી, અને એકને કે જેણે ગેલાની ડાંગનો માર ખાધો હતો,તેના બંને હાથે હાથકડી પહેરાવેલી હતી. તેની પાછળ હારબંધ ઊભેલા છ સાત કોન્સ્ટેબલમાંથી એક હેડ કોન્સ્ટેબલને ઉદ્દેશીને કહ્યું, "પરમાર સાહેબ આ બધાને જીપમાં પૂરીને જૂનાગઢ લોકઅપ ભેગા કરો. અને જેમ બને તેમ જલ્દીથી તેના કાગળિયા ચાલુ કરી દો. તેના પર શેડ્યુલ એચમાં આવતા પ્રાણીવધના અપરાધની કલમો ઠોકી દો. અને તેનો કેસ ઝડપથી કોર્ટમાં ચાલુ થઈ જાય તેવું કરાવો. આ સાલાઓને આખી જિંદગી જેલમાં ઘાલી રાખવાના છે."આવી કડક સુચના કોન્સ્ટેબલો સાવધાન થઈ સાંભળી રહ્યા હતા. પેલા પાંચેય શિકારી નીચું જોઈ ફફડતા મને સાંભળી રહ્યા હતા. તે પાંચ શિકારીમાંથી જૂનાગઢથી પકડાયેલો શિકારીએ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સામે ત્રાસી નજરે જોયું. ઇન્સ્પેક્ટર સાહેબ ગુસ્સામાં ઊભા થઈ સામે જોઈ રહેલા શિકારીની જાંગ પર બુટની એડી વડે પાટુ મારીને બોલ્યા, " નાલાયક હજી મારી સામે તાકે છો? નીચું જો નહિતર ટાંગા ભાગી જાહે."પછી ઇન્સ્પેક્ટર સાહેબે હેડ કોન્સ્ટેબલ પરમાર સાહેબને ઉદ્દેશીને કહ્યું, "સાંભળો આમાંથી એકેય રસ્તામાં આડો અવળો થાય તો ગીરના જંગલમાં ઉતારીને ફૂંકી મારજો. બંદૂક લોડ કરેલી જ રાખજો. કદાચ એકાદો બે ઓછા થઈ જાય તો આવા ગીરના દુશ્મનોને સાચવીને શું કરવા છે? આખો કેસ એનકાઉન્ટરમાં ખપાવી દઈશું."
ડરનો માર્યો સામે તાકી રહેલો શિકારી નીચું જોઈ ગયો. કોન્સ્ટેબલે પાંચેયને ધક્કા મારીને ઉપાડ્યા ઓફિસમાં પોલીસના ખબ ખબ અવાજ આવી રહ્યો હતો. પાંચેય શિકારીને લઈને જીપમાં બેસાડ્યા. તેની આગળ પાછળ એક એક જીપ ચાલી રહી હતી.
ઓફિસમાં ઘડીક શાંતિ પથરાઈ ગઈ. ફક્ત પંખો અવાજ કરી રહ્યો હતો. શાંતિમાં ભંગ પડાવતા રાજપૂત સાહેબ બોલ્યા, "પોલીસ ખાતાએ શિકારીને શોધવા ખૂબ મહેનત કરી છે.હું આપનો આભારી છું." પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબે રાજપૂત સાહેબની વાત સ્વીકારી. અહીંથી નીકળવાની રજા માંગી. ઇન્સ્પેક્ટર સાહેબ નીકળી ગયા. રાજપૂત સાહેબે બેલ વગાડી ડ્રાઇવરને બોલાવ્યો અને આદેશ આપ્યો,
"તમે બે જણ જઈ ગેલાભાઈને નેહડે મૂકી આવો"
ડ્રાઇવરે ગાડી તૈયાર કરી. રાજપૂત સાહેબે ઊભા થઈ ગેલાને રજા આપતા કહ્યું, "અમારા માટે તમને જે તકલીફ પડી એ બદલ માફ કરજો.અને અમને મદદ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર."
ગેલાએ બે હાથ જોડી કહ્યું, " શાબ, ગર્યની રક્ષા કરો ઈ બદલ અમારે તમારો આભાર માનવો પડે. ફુરેસ્ટર અને નેહડાના માલધારીઓ હંગાથે રેશું તો ગર્યનું કોય કાય બગાડી નય હકે. લ્યો ત્યારે રામ...રામ..." કહી ગેલો જીપમાં બેઠો. જીપ ઘરઘરાટી કરતી,ધુમાડા કાઢતી રસ્તે ચડી ગઈ. રાજપુત સાહેબ જીપ દેખાતી બંધ થઈ ત્યાં સુધી એ દિશામાં તાંકી રહ્યા અને વિચારતા રહ્યા...
ક્રમશ: ...

(નેહડાના માલધારીની ગીર પ્રત્યેની વફાદારી જોવા વાંચતા રહો, "નેહડો( The heart of Gir)"

લેખક: અશોકસિંહ એ. ટાંક
Watsapp no. 9428810621