Chhappar Pagi - 52 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 52

છપ્પર પગી ( પ્રકરણ ૫૨ )
———————————

‘હા મૌલિક મારો પણ આ ડ્રિમ પ્રોજેક્ટ છે… બસ તું બજેટની કોઈ જ ચિંતા ન કરતો, આપણે બેસ્ટ સમાજને પરત કરવુ છે. બંને ગામની સ્કૂલ્સ એક સરખી જ બનાવવી અને માતૃભૂમિનું રૂણ સરસ રીતે અદા કરી શકીએ એવો પુરતો પ્રયાસ કરવો છે. પણ એક ખૂબ મહત્વની વાત ખાસ યાદ રાખવાની છે તે એ છે કે અમારે માત્ર સંસ્થાઓમાં એક રખેવાળ ટ્રસ્ટી તરીકે રહેવાનું છે, એક પણ પૈસો કમાણી કરવાનો પણ નથી અને કોઈ જ ફી પણ લેવાની નથી, એટલે એવા પ્રકારનો પ્લાન બનાવવો કે જે ખૂબ મજબુત હોય, લાંબા સમય સુધી ગમે, ભવિષ્યમાં આવનારી જરૂરિયાતને પણ લક્ષમાં રાખવી અને ઓછામાં ઓછો મેઈન્ટેનન્સ ખર્ચ આવે જેથી અમારા પછી પણ કોઈ બીજાને નિભાવ કરવાનો થાય તો ભારે ન પડે.
આ બન્ને સંસ્થાઓના ટ્રસ્ટીઓ કોણ હશે, શું જવાબદારીઓ હશે, કેટલું અને કયા સંજોગોમાં જ ઈન્ટરફિયરન્સ કરી શકે તેમજ લોકલ ગવર્નિગ બોડીમાં કોણ કોણ હશે અને એમની ફરજો અને અધિકારો શુ હશે એ પણ મેં વિચારી રાખ્યું છે અને એ બાબતે મારી કંપનીના લિગલ લોયર સાથે એક ડિટેઈલ મૂલાકાત કરી ચર્ચા કરીને ફાયનલ ડ્રાફ્ટ તૈયારી કરી દઈશુ… હાલ તો ખર્ચની ચિંતા કર્યા વગર આગળનુ વિચાર અને શક્ય હોય તે અમલી કરી કામ આગળ વધારતો રહેજે..’

‘ભલે… પ્રવિણ તુ સહેજે પણ ચિંતા ન કરીશ હું શુભસ્ય શિધ્રમ કરી જ દઉં છું… આજે એકાદશી છે એટલે આ પ્રોજેક્ટનુ આજથી જ શ્રી ગણેશાય કરી દઉં છું.’

‘થેંક્સ ડિયર મૌલિક… આ બાબતે કંઈ પણ ચર્ચા કરવી જરૂરી લાગે તો રાત્રે નવ પછી ગમે ત્યારે વાત કરીશુ…હાલ પૂરતું એક નવી ઈનોવા કાર બુક કરાવી અને એક ડ્રાઈવર હાયર કરી લેજે આ પ્રોજેક્ટ માટે… શક્ય હોય તો ડ્રાયવર મારા ગામમાંથી જ કોઈ રાખજે એમને બે ત્રણ વર્ષ સુધી જોબ મળે અને પછી યોગ્ય વ્યક્તિ હોય તો ભવિષ્યમાં સ્કૂલ બસ માટે એને કોઓર્ડિનેટર તરીકે રાખી શકીએ..ચાલ મળીએ ત્યારે… બાકીની વાતો ફરી કરતાં રહીશું.’
પ્રવિણે ફોન પર વાત પુરી કરી.
આ લોકોને હવે એક જ દિવસ રોકાવાનુ હતુ બીજા દિવસે તો મુંબઈ પ્રયાણ કરવાનું હોવાથી, ગઈકાલે નક્કી થયુ હતુ કે સ્વામીજી અને વિશ્વાસરાવજી આ લોકોને ઋષિકેશ લઈ જવાના હતા એટલે બધા જ નાસ્તો કરી એમની વેનિટી બસમાં ઋષિકેશ જવા પ્રયાણ કરે છે. બસ ઉપડી એટલે શેઠાણીએ સ્વામીજીને કહ્યું કે રૂષિકેશ જઈએ છે તો એ બાબતે કંઈ કહો.
સ્વામીજીએ કહ્યું, ‘ હા… બિલકુલ આપણે જે જગ્યાએ જઈએ તે પહેલા એ જગ્યા વિષે પૂરતી માહિતી હોવી જ જોઈએ અને ત્યાં જઈને ક્યાં જવું ? શુ જોવું ? શા માટે જોવું ? આ બાબતો પહેલેથી જ વિચારવી જોઈએ અને તો જ યાત્રા યોગ્ય રીતે કરી કહેવાય.સાંભળો ઋષિકેશએ ભગવાન વિષ્ણુનું એક નામ છે જેનો અર્થ થાય છે વ્યવહાર જ્ઞાનના દેવ. 'રાઈભ્ય ઋષિ'એ ઋષિકેશ સ્વરૂપે ભગવાન વિષ્ણુ ની કરેલી તપસ્યા ની ફળશ્રુતી સ્વરૂપે આ જગ્યાનું નામ પડ્યું છે.સ્કંદ પુરાણમાં, આ ક્ષેત્ર કુબ્જામ્રક તરીકે ઓળખાય છે કેમકે તેઓ આંબાના વૃક્ષ નીચે પ્રકટ થયાં હતાં.
બહોળી રીતે ઋષિકેશએ શબ્દ માત્ર તે નગર જ નહીં પરંતુ પાંચ જિલ્લા ક્ષેત્રના સમૂહને અપાય છે જેમાં તે નગર અને આસપાઅસ ગંગાને બંને કિનારે આવેલા નાનકડા ગામડાં આદિનો સમાવેશ થાય છે. ઋષિકેશ એક વાણિજ્ય અને સંદેશવ્યવહારનું કેંદ્ર છે. આ સાથે વિકાસ પામતું ઉપનગર મુની-કી-રેતી; શિવાનંદ આશ્રમ અને સ્વામી શિવાનંદ સ્થાપિત ડિવાઈન લાઈફ સોસાયટી ધરાવતું શિવાનંદ નગર, ઉત્તર ઋષિકેશ; લક્ષમણ ઝૂલનું ક્ષેત્ર, થોડા વધુ ઉત્તરે આવેલ છૂટા છવાયેલ આશ્રમો અને પૂર્વ કાંઠે આવેલ સ્વર્ગ આશ્રમ આદિ ક્ષેત્રને પણ ઋષિકેશ ગણાય છે. વહેલી પરોઢે ત્રિવેણી ઘાટ પર થતી ગંગા આરતી પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. અહીંથી ૧૨ કિમી દૂર જંગલમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર અને ૨૧ કિમી દૂર આવેલ 'વશિષ્ઠ ગુફા' એ સ્થાનીય લોકોમાં પ્રખ્યાત પૂજા સ્થળ છે.
ઋષિકેશએ પૌરાણીક 'કેદારખંડ'નો (આજનું ગઢવાલ ) એક ભાગ છે. દંત કથાઓ અનુસાર ભગવાન રામએ લંકાના દાનવ રાજા રાવણને મારવા માટે અહીં તપસ્યા કરી હતી. જે સ્થળે રામના ભાઈ લક્ષ્મણે ગંગાનદી પાર કરી હતી તે સ્થળે આજે લક્ષ્મણ ઝુલા આવેલો છે. આજ સ્થળે સ્કંદ પુરાણના 'કેદાર ખંડ'માં ઈંદ્ર ખંડ આવેલ છે તેમ પણ વર્ણન છે. ૧૮૮૯માં શણના રસ્સાનો પુલ ત્યાં બનાવવામાં આવ્યો હતો જે ૧૯૨૪માં ના પુરમાં ધોવાઈ ગયો હતો, ત્યાર બાદ અત્યાર છે તે મજબૂત પુલ બનાવવામાં આવ્યો. પવિત્ર નદી ગંગા આ શહેરમાંથી પસાર થાય છે. આ સ્થળેથી ગંગા નદી હિમાલયની શિવાલિક ટેકરીઓ છોડી ઉત્તરભારતના મેદાન માં પ્રવેશે છે. આના બંને કિનારાઓ પર ઘણા પ્રાચીન અને નવા હિંદુ મંદિર આવેલા છે. તમને બધાને ખૂબ મજા આવશે જ.’
પછી કહ્યું, ‘ તમને બધાને વિશ્વાસરાવજી બધે લઈ જશે અને હું શિવાનંદ આશ્રમ પર એકલો જવાનો છું તો ત્યાં જઈ આવીશ પછી આપણે પરત જોડે જ જઈશું અને રાત્રીનું ભોજન બધા આશ્રમ પર જઈને કરજો, જેથી બહારનું કંઈ લેવુ ન પડે.’
થોડી અન્ય વાતો કરી અને માત્ર ૨૭ કિલોમીટરનુ અંતર હતુ તો તરત ઋષિકેશ પહોંચી જવાયું. સૌ પ્રથમ શિવાનંદ આશ્રમ પર જઈ બધાએ દર્શન કર્યા, સ્વામીજી ત્યાં જ રોકાઈ ગયા અને બાકી બધા ઋષિકેશ ભ્રમણ માટે નિકળી ગયા. સાંજે ગંગા આરતી કરી ફરીથી સ્વામીજીને લેવા માટે શિવાનંદ આશ્રમ પર જાય છે પરંતુ શિવાનંદ આશ્રમ પર પહોંચે છે તો સ્વામીજીએ કહ્યુ કે,’અહિથી પ્રસાદ લીધા વગર હવે જવાશે નહીં એટલે આપ બધા ફ્રેશ થઈ જાઓ પછીથી પ્રસાદ ગ્રહણ કરીને આપણે આશ્રમ જવા નિકળી જઈશું.’
બધા જ પ્રસાદ લેવા માટે બેઠાં હતા ત્યારે અચાનક જ એક અન્ય સાધુ ત્યાં આવી ચડે છે અને પ્રસાદ લેવાનું શરૂ કર્યુ જ નથી એટલે રાધાવલ્લભજી તરત ઉભા થઈ એમને નમસ્કાર કરી આવકારે છે, પ્રણામ કરે છે. લગભગ સોએક વરસની ઉંમરના જણાતા એ કૃષ્ટ કાયા, અત્યંત તેજોમય મુખ અને વિશિષ્ટ આભા ધરાવતા એ સાધુએ સામે વિવેકપૂર્વક સ્વામીજી અને સૌને નમસ્કાર કર્યા અને અન્ય કોઈ સાથે કંઈ જ વાત ન કરતાં એ સૌથી પહેલા પંગતમાં બેસેલ લક્ષ્મી પાસે બેસી ગયા અને કહ્યુ, ‘……

(ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા