Chhappar Pagi - 51 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 51

છપ્પર પગી ( પ્રકરણ ૫૧ )
——————————
સ્વામીજીએ એક સ્મિત ભરી નજરે વિશ્વાસરાવજી સામે જોયું અને તરત કહ્યુ, ‘તમારામાં નામ પ્રમાણે ગુણ તો ચોક્કસ છે જ હો..! ચાલો તમને વિશ્વાસ છે એટલે સંપન્ન થઈ જશે… બાકી આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ.ઈશ્વરની ઈચ્છા હશે એ રીતે બધું જ સરસ પાર પડશે. આપણા માટે સૌથી સદ્દભાગ્યની વાત એ છે કે ચાર વિદ્વાન ડોક્ટર્સનુ સમર્પણ સતત રહેશે.’
સ્વામીજી હવે પોતાના નિત્ય કાર્યમાં વ્યસ્ત થઈ જાય છે. વિશ્વાસરાવજી હોસ્પીટલની લીગલ પરમીશન અંગે પેપર્સ વિગેરે ચર્ચા કરવા ફોન પર પ્રવૃત થઈ જાય છે.

બન્ને ડોકટર્સ કપલ એક રૂમમાં બેસી અમેરિકા પરત જઈને સ્ટેપ વાઈઝ પ્લાન અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત થઈ જાય છે. એ ચારેય ને જાણે નવી જિંદગી, નવો રોમાંચ, નવી પ્રેરણા અને નવા જ અભિગમથી એક નવી શરૂઆત કરવાની હોય તેમ તરોતાજા સપનાઓ સાકાર થવા જઈ રહ્યા હોય એમ નવા જોમ સાથે આગળની જિંદગી જીવવા માટે રોમાંચની અનુભૂતિ થઈ રહી છે…આ બધા વિચારો અને ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બધાને વૃદ્ધાવસ્થાની શરૂઆતને બદલે પ્રૌઢાવસ્થાની શરૂઆત થઈ રહી હોય તેવો શક્તિનો સંચાર થવા લાગ્યો.
હવે શક્ય તેટલી ઉતાવળ કરી અમેરિકા પરત ફરવા અંગે આયોજન કરી લે છે.
શેઠ અને શેઠાણી બન્ને એવું જ વિચારીને હરીદ્વાર આવ્યા હતા કે પુત્ર અને પુત્રવધૂ સાથે આ છેલ્લી મૂલાકાત હશે અને એમનો દેહ પણ આવી કોઈ પવિત્ર જગ્યાએ પડે… પણ હવે તો એ બન્ને નવી હોસ્પીટલનુ સપનું સાકાર થવા જોવા ઈચ્છતા હોય જીવનમાં અમૂક સમય ઉમેરાઈ ગયો હોય તેવી અનુભૂતિ કરી રહ્યા હતા. એ લોકો પણ મુંબઈ પરત જઈ નવા ઉમંગ અને ઉત્સાહથી ફરી હરીદ્વાર આવવાનાં સપનાઓ જોવા લાગ્યા. પ્રવિણ અને લક્ષ્મી બન્ને તો પહેલેથી જ નિસ્પૃહી જ હતા અને હવે તો દિકરી પલ ના નૂતન અભિગમ પછી એ બન્નેમા વધારે ઉદાર અને ઉદ્દાત ભાવના જન્મી હોવાથી પોતાનાં સ્વપ્નો સાકાર કરવા વધારે ઉત્સાહી બની ભાવિ આયોજનો માટે વિચારમગ્ન બની ગયા છે.
પ્રવિણે તો પોતાનો બચપણનો લંગોટિયો મિત્ર જે હવે તેના ગામમાં સરપંચ બની ગયો હતો તેને ફોન કરી પોતાના અને લક્ષ્મીના બન્નેના ગામ માટે અધતન સ્કૂલ બનાવવા માટે જમીન સંપાદન કરવા માટે કહી દીધું અને પોતાના આર્કિટેક્ટ મિત્ર મૌલિકને બન્નેના ગામની સ્કૂલ માટે સંપૂર્ણ સુવિધાજનક વિધાભવન નિર્માણ થઈ શકે તેની તૈયારીઓ શરુ કરવા જણાવી દીધુ. સાથે સાથે પોતે ઘણા વર્ષોથી જે વિચારો હતા તે પણ અમ્લમાં મૂકવા માટે જણાવ્યું.. પ્રવિણની ઈચ્છા હતી કે ધોરણ ૧૨ સુધી બધીજ સ્ટ્રીમનુ શિક્ષણ મળી રહે, વિશાળ મેદાન, અધતન પુસ્તકાલય, યોગ સેન્ટર, ઈન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, જિમ્નેશિયમ વિગેરે માટે જરુરી સાધનો અને યોગ્ય ઉપયોગ થઈ શકે તેવા કોર્ટ્સ, સમગ્ર કેમ્પસ લીલુંછમ દેખાય તે માટે વૃક્ષો, છોડ અને પ્લાન્ટેશન, કુદરતી હવા ઉજાશ રહે તેવા વર્ગખંડો, પ્રોજેક્ટર સહિતની સુવિધાઓ દરેક વર્ગોમાં , પ્રાર્થના હોલ, મિટીંગ હોલ, શિક્ષકોને સહેજ પણ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ સુવિધાયુકત કોમન સ્ટાફરૂમ, કોમપ્યુટર લેબ, ઈનોવેશન લેબ, વિજ્ઞાન વિષયો માટેની લેબ્સ, પ્રાચિન ભારતની શોધો અને સિદ્ધિઓ દર્શાવતો પ્રદર્શન ખંડ અને પ્રતિકૃતિઓ બતાવતી પ્રયોગશાળા,અધતન ટોઈલેટ બલોક્સની સુવિધા, શાળા અને મેદાન પુરી થયા પછી ફરજીયાત ઓર્ગેનિક ખેતી વિષયક જ્ઞાન મળે તેવી ગૌ આધારિત ખેતી પ્રયોગ, ગૌશાળા, આજુબાજુના નાના ગામોમાંથી ભણવા આવનાર માટે છાત્રાલય સુવિધા આ બધુ જ અને ખાસ એક એવી લેબ કે જ્યાં બાળકોને જે મન થાય તે તોડે, જોડે ને નવુ કંઈ બનાવી શકે તેવા અનેક રિસોર્સીઝ આપી બાળકોને જે કંઈ નવુ બનાવવાની ઈચ્છા થાય તો કોઈ રોકે કે ટોકે નહી તેવો પુરતો સ્કોપ અપાય તેવી ‘ફ્રી ઈનોવેશન લેબ’ આવું બધુ જ આપી શકાય તેવી સ્કૂલ સમાજને આપી શકાય તેવો અભિપ્રાય આપ્યો.
આ બધુ સાંભળીને મૌલિકે હસતા હસતા કહ્યુ, ‘પ્રવિણ તારા જેવા ઓછું ભણેલ પણ વધુ ગણેલ માણસ જ આટલું વિચારી શકે. દોસ્ત મારે તો આ કોન્સેપ્ટ માટે બહુ મહેનત કરવી પડશે, ઘણા બધા તજજ્ઞોને કન્સલ્ટ કરવા પડશે ત્યારે આ પ્લાન એક્ઝૂક્યુટ થશે…અને મને ખબર છે કે તુ આ બધી મહેનતની એક રાતી પાઈ પણ મને નથી આપવાનો..!’
પ્રવિણે પણ કહ્યું, ‘અલા દોસ્ત હું આપીશ તો પણ તુ લેવાનો નથી જ ને ..! એ પણ મને ખબર છે જ.’
‘ક્યાંથી લઉ તારી પાસે? હવે તો આ તારું રૂણ ચૂકવવાનો સમય છે ને !’
‘બસ… હવે આગળ કશુ યાદ નથી કરવુ મિત્રો વચ્ચેની આપ-લે ની વાત મિત્રો સુધી જ રહે તે જ યોગ્ય.’
‘સારું પ્રવિણ હવે તુ શાંતિથી ઉંઘી જજે… સરપંચ જોડે કોન્ટેક્ટમા રહી મારે જેટલી જગ્યા જોઈએ તે જણાવીને ફોલોઅપ કરતો રહીશ.મારી કારકિર્દીનો આ બેસ્ટ ડ્રિમ પ્રોજેક્ટ હશે પ્રવિણ..!’
‘હા મૌલિક મારો પણ… બસ તું બજેટની કોઈ જ ચિંતા ન કરતો, આપણે બેસ્ટ સમાજને પરત કરવુ છે. બંને ગામની સ્કૂલ્સ એક સરખી જ બનાવવી અને માતૃભૂમિનું રૂણ સરસ રીતે અદા કરી શકીએ એવો પુરતો પ્રયાસ કરવો છે. પણ એક ખૂબ મહત્વની વાત જે આપણે બધાએ ખાસ યાદ રાખવાની છે તે…’

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા
( મથુરાથી ટ્રેનમાં પરત ફરતા )