Panch nani adbhut vartao books and stories free download online pdf in Gujarati

પાંચ નાની અદભુત વાર્તાઓ

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ (ભાગ-૧)

લેખક - અનિલ ચાવડા

***

૧. ટ્રેનના બે પાટા

ટ્રેનના બે પાટા હતા. એકનું નામ સુખ અને બીજાનું નામ દુઃખ. રોજ તેની પરથી જિંદગી નામની એક ટ્રેન પસાર થતી હતી. જે બાજુ સુખનો પાટો હતો તે બાજુ સુંદર ફૂલો ખીલેલાં હતાં, મધુર ધ્વનિ સંભળાતો, વાતાવરણ બિલકુલ સુગંધિત રહેતું, જ્યારે દુઃખના પાટો જે બાજુ હતો, તે બાજુ ખૂબ ઝાડી-ઝાંખરાં અને કાંટાળા થોર હતા. આના લીધે ટ્રેનને દુઃખના પાટા બાજુ ખૂબ જ વાગતું. દુઃખના પાટા બાજુના ભાગમાં ટ્રેનને વારંવાર દુખાવો થઈ જતો હતો.

ટ્રેને વિચાર્યું કે સુખ અને દુઃખના બંને પાટા પર ચાલવાને બદલે માત્ર સુખ પર જ ચાલું, જેથી રોજ રોજના આ દુઃખથી તો મુક્તિ મળે. આથી એક દિવસ છાનામાના તેણે માત્ર સુખના પાટા પર જ ચાલવાનું નક્કી કર્યું; પણ પગ મૂકતાંની સાથે જ તે લથડી પડી અને જમીન પર ફસડાઈ પડી. જમીન પર ફસડાઈ પડવાને કારણે ટ્રેનના અનેક ડબ્બાઓ ખડી ગયા. બારી-બારણાં તૂટી ગયાં. ટ્રેન ઘાયલ થઈ ગઈ.

ત્યાં જ એક બીજી ટ્રેન પસાર થઈ. એણે આ ટ્રેનને જોઈને પૂછ્યું, “શું થયું, કેમ અહીં ફસડાઈ પડી?”

ફસડાઈ પડેલી ટ્રેને કહ્યું, “આપણે રોજ આ સુખ અને દુઃખ નામના બે પાટા પર ચાલવું પડે છે, મને થયું કે આ શું રોજેરોજ દુઃખ વેઠ્યા કરવાનું? માત્ર સુખના પાટા પર જ ચાલીએ તો જીવન કેટલું સુંદર બની જાય. હું સુખના પાટા પર ચાલી અને ફસડાઈ પડી.”

બીજી ટ્રેને કહ્યું, “જો, આપણે જિંદગીની ટ્રેન છીએ, જેટલું સુખ જરૂરી છે, એટલું જ દુઃખ પણ જરૂરી છે. માટે જો જિંદગી સારી રીતે જીવવી હોય તો સુખની સાથે દુઃખના પાટા પર પણ એટલી જ સહજતાથી ચાલવું પડે અને તો જ આ આપણી જિંદગીની ટ્રેન આગળ વધી શકે.”

- - - - - - - - - - - - - - -

૨. બે રસ્તા

એક નાનકડું ગામ હતું. ગામની પાસે એક મંદિર હતું. આ મંદિર તરફ બે રસ્તા જતા જતા. એકનું નામ શ્રદ્ધા અને બીજાનું નામ અંધશ્રદ્ધા. હંમેશાં અંધશ્રદ્ધાના રસ્તે લોકોની ભરચક ભીડ રહેતી હતી. જ્યારે શ્રદ્ધાનો રસ્તો તો કાયમ સાવ સૂનો જ રહેતો હતો. અંધશ્રદ્ધાના રસ્તામાં અનેક ખાડાખડિયા હતા, અનેક ઝાડીઝાંખરાં હતાં. છતાં લોકો આ રસ્તે જ ચાલવાનું પસંદ કરતા. આ રસ્તા પર લોકોને પગમાં કાંટા વાગતા, પથ્થરની કરચો પગમાં ખૂંચતી, ક્યારેક કોઈ જીવજંતુ પણ કરડતાં, પણ ખબર નહીં કેમ, લોકોને આ રસ્તાનું જબરું આકર્ષણ હતું !

જ્યારે શ્રદ્ધાના રસ્તા પર ફૂલો પથરાયેલાં હતાં. આ રસ્તે ચાલતા કોઈ સુંદર મધુર સંગીત સંભળાતું. પ્રાર્થનાનો મધુર નાદ સંભળાતો; છતાં પણ લોકોને આ રસ્તા પ્રત્યે ખૂબ જ શંકાઓ હતી. લોકોને એમ થતું હતું કે જે એ રસ્તે જાય છે તે પાગલ થઈ જાય છે. સંસારથી વિમુક્ત થઈ જાય છે. એને કશુંક વળગી જાય છે. એ રસ્તો ખૂબ જ ખરાબ છે.

એક દિવસ એક માણસે શ્રદ્ધાના આ રસ્તા પર આગળ જવાનું નક્કી કર્યું. ગામના બધા લોકોએ એને ખૂબ સમજાવ્યો કે એ રસ્તેથી તું ઈશ્વરના મંદિર તરફ ન જઈશ, પણ તે ન માન્યો. તેને થયું કે મારે શ્રદ્ધાના રસ્તે જ ઈશ્વરને મળવું છે. તે સાહસ કરીને આ રસ્તે આગળ ગયો.

રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું એટલે એને સુંદર ફૂલોની સુગંધ અનુભવાઈ, મધુર સંગીત સંભળાયું; પણ થોડો આગળ વધ્યો કે તરત જ અણીદાર સોય જેવા કાંટા એના પગમાં ખૂંચવા લાગ્યા. છતાં તે અડગ રહ્યો. આગળ જતાં તેના રસ્તામાં જંગલી હિંસક પ્રાણીઓ આવ્યાં; છતાં પણ તે અડગ રહ્યો અને આગળ વધતો જ રહ્યો. ઝેરી જીવજંતુ પણ આવ્યાં એને ડંખવા માટે, પણ કોઈનાથી ડર્યા વિના એ સતત આગળ વધતો જ રહ્યો. એણે ભગવાનને મળવાનું નક્કી કરી જ લીધું હતું.

વળી આગળ જતાં રસ્તામાં લોભ, લાલચ, પ્રસિદ્ધિ, પૈસો, વાસના જેવા બીજા પણ અનેક રસ્તાઓ ફંટાતા હતા. જેમાં કોઈ રસ્તે સોનામહોરો વેરાયેલી પડી હતી, કોઈ રસ્તે તેના આવકારવા માટે સુંદર લલનાઓ ઊભી હતી. માણસને એક ક્ષણ માટે આ રસ્તે જવાનું મન થઈ ગયું, પણ તેણે પોતાના મન પર કાબૂ રાખ્યો.

ચાલતાં ચાલતાં તે રસ્તામાં અચાનક એક મોટા ખાડામાં પડ્યો. ખાડામાં ખૂબ જ અંધારું હતું. ઘણા બધા ખાંખાખોળા કર્યા પછી તેને એક બાજુ બારણા જેવું કશું દેખાયું, જેના પર લખ્યું હતું - ‘પાછા જવા માટે’. તેણે એક ક્ષણ માટે વિચાર્યું કે આ બારણામાંથી પાછો ચાલ્યો જાઉં, પણ વળી પાછું થયું કે જો પાછો જઈશ તો લોકોને કઈ રીતે કહીશ કે હું શ્રદ્ધાના રસ્તે ગયો હતો? તેણે ખાડામાંથી બહાર નીકળી આગળ વધવાનું નક્કી કર્યું. ખાડામાંથી બહાર નીકળવા માટે ખૂબ ધમપછાડા કર્યા, મરણિયા પ્રયાસો કર્યા, પણ ન નીકળી શક્યો તે ન જ નીકળી શક્યો.

તમામ પ્રયત્નો પછી થાકી-હારીને એને થયું, બસ હવે તો પ્રભુના સહારે જ જીવન છે. એને જિવાડવો હશે તો જિવાડશે અને મારવો હશે તો મારશે. આમ વિચારી શરીરમાં જેટલી શક્તિ હતી એટલી શક્તિથી તેણે કૂદકો માર્યો અને તે ખાડામાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો તો સાવ એની સામે જ મંદ મંદ સ્મિત કરતા પ્રભુ ઊભા હતા.

પ્રભુએ કહ્યું, “તું શ્રદ્ધાના રસ્તે આગળ તો વધ્યો, પણ હજી તને તારાપણાનો ભાર હતો, એટલે તું સરખી રીતે કૂદી નહોતો શકતો. શ્રદ્ધાના રસ્તે ચાલ્યા પછી પણ જ્યારે પોતાનામાં પોતાનો ભાર નહીં રહે, ત્યારે હું તારી પાસે જ હોઈશ.”

- - - - -

૩. ચુડેલ અને દેવદૂત

ચિંતા નામે એક ચૂડેલ હતી. ગામની વચ્ચોવચ આવેલા વડલામાં એ રહેતી હતી. જે કોઈ ત્યાંથી પસાર થતું અને એને જોતું તો એ ખૂબ ટેન્શનમાં આવી જતું. એને જોઈને લોકો સ્તબ્ધ થઈ જતા, સાવ મૂંગામસ. કોઈ બોલાવે તો બોલે નહીં એવા નીરસ. કોઈને વળી એને જોઈને ખૂબ ક્રોધિત થવાનો રોગ લાગી જતો. કોઈને વળી એને જોઈને રડવાનો રોગ લાગી જતો.

ટૂંકમાં ગામની વચ્ચોવચ વડલા પર રહેતી હોવાથી આ ચુડેલને જોઈને ગામનો દરેક વ્યક્તિ રોગી બની ગઈ હતી. કોઈ નીરસતાનો રોગી, કોઈ એકલતાનો રોગી, કોઈ રુદનનો રોગી તો કોઈ ક્રોધનો રોગી. શરીરથી બધા હટ્ટાકટ્ટા હતા, પણ મનથી સાવ ખવાઈ ગયા હતા. એમના મનને આ ચિંતા નામની ચૂડેલ ઉધઈની જેમ ખાઈ રહી હતી.

એક દિવસ આ ગામમાંથી એક મુસાફર પસાર થયો. બરોબર ગામની વચ્ચેથી પસાર થતો હતો ત્યાં જ એને કોઈ જૂનો રમૂજી કિસ્સો કે પછી જોક્સ જેવું કશું યાદ આવી ગયું અને તે અચાનક જ કારણ વગર જોરથી હસી પડ્યો. એના હસવાનો અવાજ સાંભળીને વડલા પર બેઠેલી ચુડેલ ડરી ગઈ. એને થયું આ વળી કઈ જાતનું પ્રાણી છે જે આવો અવાજ કાઢે છે.

ચિંતાએ ક્યારેય કોઈના ચહેરા પર સ્મિત નહોતું આવવા દીધું. આ તેના માટે બિલકુલ નવું હતું. માણસના હાસ્યથી ચિંતા નામની આ ચુડેલના આખા શરીરે પીડા થવા લાગી. તે ચીસાચીસ ને બૂમાબૂમ કરવા લાગી.

વળી આ માણસને તો વધારે ને વધારે હસવું આવવા લાગ્યું. કારણ વગર જ એમ ને એમ જ એ હસતો જ જતો હતો. એને હસતો જોઈને બીજા લોકોને પણ હસવું આવી ગયું. એક માણસ હસ્યો, પછી બીજો હસ્યો, ધીમે ધીમે આખું ગામ હસવા લાગ્યું. આખા ગામના હાસ્યથી ચિંતા નામની ચુડેલ પીડાથી બળી મરી.

તે દિવસથી ગામના બધા જ લોકો ખુશ રહેવા લાગ્યા. હવે દરરોજ બધા માણસો એકબીજાને મળે કે તરત જ સ્મિત કરવા લાગતા. ગામલોકોને ખબર પડી ગઈ કે ચિંતા નામની ચૂડેલને મારવા માટે સ્મિત એ દેવદૂત છે.

- - - - - -

૪. લાલચ

એક યુવક અને એક યુવતી બસસ્ટેન્ડમાં ભેગાં થઈ ગયાં. યુવતી ખૂબ જ સુંદર હતી. કોઈ પણ યુવાન જોતાંની સાથે તેના પ્રેમમાં પડી જાય એવી હતી તે. થયું પણ એવું જ. યુવતીને જોતાં જ યુવાન એના તરફ આકર્ષાયો.

યુવતીએ સામેથી વાતની પહેલ કરી, “હાય, કેમ છો?” યુવાનને તો ભાવતું હતું ને વૈદ્યે કીધા જેવું થયું.

“મજામાં છું.” યુવાને કહ્યું.

“શું કરો છો?” યુવતીએ કહ્યું.

“કંઈ નહીં, એક કંપનીમાં નોકરી કરું છું અને તમે ?”

“મારું પણ એવું જ છે.” યુવતીએ હસીને કહ્યું.

“ખેર, આઈ લાઇક યુ... તમે ખૂબ જ સુંદર છો. આજે સાંજે મારી સાથે ફરવા આવવાનું પસંદ કરશો?”

“જરૂર. મને પણ ગમશે.” યુવતીની આંખો ત્રાંસું હસી ઊઠી.

“તો સાંજે લવર્સ ક્લબમાં મળવાનું નક્કી ને?” છોકરાએ કહ્યું.

“સ્યૉર...”

વાયદો લઈને છોકરો છૂટો પડ્યો, ત્યાં જ એને યાદ આવ્યું, “અરે હા, તમારું નામ તો કહો.”

“લાલચ.” યુવતીએ હસીને કહ્યું.

- - - - -

૫. પુરુષાર્થ અને પ્રારબ્ધ

પુરુષાર્થ અને પ્રારબ્ધ નામના બે મિત્રો હતા. બાળપણથી બંને એક સાથે જ ઊછર્યા હતા. હસતાં-રમતાં, ઊઠતાં-બેસતાં, સૂતાં-જાગતાં દરેક વખતે બંને સાથે જ હોય. જ્યારે પુરુષાર્થ બૉલ ફેંકતો ત્યારે પ્રારબ્ધ બૅટિંગ કરતો. જ્યારે પ્રારબ્ધ બોલ ફેંકતો ત્યારે પુરુષાર્થ બેટિંગ કરતો. પ્રારબ્ધ દરેક કામ ફટાફટ કરી નાખતો જ્યારે પુરુષાર્થને દરેક કામમાં ખૂબ જ મહેનત કરવી પડતી.

એક દિવસ બંનેએ દરિયાઈ સફરે જવાનું નક્કી કર્યું. પ્રારબ્ધ દરિયાઈ માર્ગ પર હોડી ચલાવવામાં કાબેલ હતો. એને દરિયાના દરેક રસ્તાનું સારું એવું જ્ઞાન હતું. પુરુષાર્થને કંઈ આવડતું નહીં, હલેસાં મારવા સિવાય. મધદરિયે પહોંચ્યા એટલે પ્રારબ્ધે અભિમાનથી કહ્યું- ‘‘જો હું નાવને સીધે રસ્તે ન ચલાવતો હોત તો આપણે ક્યારના કોઈ પર્વત સાથે અથડાઈને ડૂબી ગયા હોત.”

પુરુષાર્થને ખોટું લાગ્યું. એણે હલેસાં મારવાનાં બંધ કરી દીધાં. થોડી વારમાં નાવ આગળ વધતી અટકી ગઈ. પાણી પર સ્થિર થઈ ગઈ. પ્રારબ્ધ ચિંતા કરવા લાગ્યો.

એણે પુરુષાર્થને કહ્યું, ‘‘કેમ હલેસાં મારવાનાં બંધ કરી દીધાં?”

“તું સીધા રસ્તે નાવ ચલાવ; આપણે આરામથી પહોંચી જઈશું.” પુરુષાર્થે શાંતિથી જવાબ આપ્યો.

“પણ નાવ ચાલે તો હું એને સીધે રસ્તે વાળી શકુંને.” પ્રારબ્ધે લાચારીભર્યા સ્વરે કહ્યું.

“હું તને એ જ કહેવા માંગું છું.” પુરુષાર્થે કહ્યું. “જ્યાં સુધી હું હલેસાં નહીં મારું ત્યાં સુધી નાવ પણ આગળ નહીં વધે. નાવને સામે કાંઠે પહોંચાડવામાં આપણે સરખે હિસ્સે કામ કરવું પડશે, તો જ આપણે સામે કાંઠે પહોંચી શકીશું, નહીંતર બંને ડૂબી મરીશું.”