Mane kahone shu chhe books and stories free download online pdf in Gujarati

મને કહોને શું છે

'મને કહોને શું છે?'

તરૂલતા મહેતા

મારા જીવન સાથે વણાયેલી આ વાર્તામાં કોમલનું પાત્ર મારી દસ વર્ષની ઉંમરે થયેલા અનુભવનું પ્રતિબિબ છે. મારા જીવનને ધડવામાં મહત્વનો ભાગ ભજવનાર પ્રતિકૂળ સઁજોગે દીવામાં તેલ પૂરવાનું કામ કર્યું હતું, પ્રેમની અણદીઠી બાજુ જોવાની દ્રષ્ટિ મળી ! સૌથી વધુ પ્રેમ, સહકાર જેને કંઈક ખામી છે તે ઈચ્છે છે. આ વાર્તાનો બાબુ - હરીશ મારો વ્હાલો ભાઈ એના નિર્દોષ પ્રેમથી સૌના દિલમાં વસી જતો. યુવાન ઉંમરે પડોશમાં રહેતી તેની બાળસખી જે પછી દેખાવડી, ભણેલી યુવતી થઈ તે તેની પ્રેમાળ પત્ની બને છે.

'પ્રેમની જીત ' વાર્તા તેમના પ્રેમની કહાની હતી, વાચકોએ રસથી વાંચી હતી. બાબુ આખો દિવસ ધુંધળી નજરે પૂછ્યા કરતો 'આ શુ મને કહો ને?'

કોમલને બધાં અભિનન્દન આપી રહ્યાં છે. એના 'પ્રતિકૂળ' વાર્તાસંગ્રહને પારિતોષક મળ્યું હતું. એની વાર્તાઓના પાત્રો વિપરીત સંજોગોમાં પોતાની અંદર પડેલી શક્તિને અદભુતપણે વિકસાવે છે, સમાજને નવો પ્રકાશ અર્પે છે. એટલું જ નહિ પ્રતિકૂળતામાંથી આનંદ અને ઉત્સાહ મેળવે છે. એમાંના કેટલાંક પાત્રો સ્વેચ્છાએ અનુકૂળ સંજોગો છોડી દઈ કોઈક સત્યને શોધવા નીકળી પડે છે. કોમલનું જીવન વિષેનું મંતવ્ય છે કે સુખની કેદમાંથી બહાર નીકળો તો વિરાટ જીવનનું દર્શન થાય છે. કોઈકે પશ્ન પૂછ્યો, 'કઈ વાર્તામાં તમારા જીવનની છબી છે?' એણે જવાબ આપ્યો

'મને કહોને શું છે?'

' બાબુ આવ્યો, બાબુ આવ્યો ' બાના હાથમાં ફૂલવાળી ગોદડીમાં ગોટમોટ ગુલાબી બાબુને જોવા એનાં મોટા ભાઈ -બહેન અધીરાં થયાં હતાં, બા હોસ્પીટલમાંથી આવી થાકી ગયાં હતાં, તેઓ જરા અવાજ મોટો કાઢી સૌને આઘાં કરતાં બોલ્યા, 'જાવ બધા તેયાર થઈ સ્કૂલે જાવ, બાબુ ઊંઘી ગયો છે. '

કોમલ સ્કૂલે જવા તેયાર થઈ હતી, તેની બહેનપણી તેની રાહ જોતી હતી, બા પ્રેમથી બોલ્યાં, કોમલ બેટા, આજે તું ઘેર રહેજે, મને પાણી અને ખાવાનું તારા સિવાય કોણ

આપશે? ' કોમલ પાંચમાં ધોરણમાં ભણતી હતી. તે કોચવાઈને બોલી, 'બા, આજથી પરીક્ષા શરુ થાય છે. હું નહિ જાઉં તો નાપાસ થઈશ. ' કોમલની આંખમાં આંસુ આવી ગયાં, તેણે પાણીનો તાંબાનો લોટો અને પ્યાલો બાને આપ્યોબાજુમાં રહેતાં રમામાસીને બાનું ધ્યાન રાખવા કહ્યું તેણે બાને કહ્યું, 'મારું પેપર પતાવી તરત આવી જઈશ. 'બા થાકીને સૂઈ ગયાં, કોમલ હળવેથી સરકી ગઈ. આજ સુધી તેના ત્રણ મોટા ભાઈઓની નાનકી બેની હતી. ભાઈઓની જેમ હસતી, રમતી સ્કુલે જતી. બા ઘરનું કામ કરી લેતાં, આજથી તેને માથે કોઈ જવાબદારી આવી ગઈ હોય તેમ એના ટીચરને કહ્યું, 'સર, મને વહેલા જવાની રજા આપશો, મારાં બાને ઘરમાં મદદની જરૂર

છે. ' ટીચરે એને સમજાવી, 'વિપરીત સંજોગોમાં ભણતર ના બગાડતી '. વાત એના મનમાં ભમરીની જેમ ગુણ ગુણ કરતી હતી.

કોમલ ઘેર પહોંચી ત્યારે એને 'હાશ' થઈ. ગામડેથી દાદી આવી ગયાં હતાં, દાદીની ઉમર થયેલી તેથી રસોઈ કરતાં પણ કોમલને સ્કુલેથી આવીને ઘરમાં મદદ કરવી પડતી, સાંજે બીજી બહેનપણીઓ રમતી હોય ત્યારે એને હોમવર્ક કરવું પડતું કે બાબુને હીંચકો નાખવો પડતો. ઘોડિયામાં ઝૂલતા બાબુને ટીચરે આપેલી કવિતાઓ

અને ગીતો સભળાવતી . અકબર બિરબલની વાર્તાઓ, ઇતિહાસ, ભૂગોળના પાઠ વાંચતી. એની બહેનપણી એની મશ્કરી કરતી. 'કોમલ ટીચર થવાની છે. '

એક મહિનામાં બા પહેલાંની જેમ ઘરમાં બધું કામ કરતાં થઈ ગયાં પણ નાનો બાબુ ખૂબ રડે, પજવે છે. એની આંખ લાલ રહે છે. આંખમાંથી પાણી પડ્યા કરે, પીયા દેખાયા કરે. બા-બાપુ ચિતા કરે છે. ડોકટરનું કહેવું છે કે જરા મોટો થાય પછી તપાસ થાય. પછીના વર્ષે ડોક્ટરની તપાસમાં બાબુને 'બાળમોતિયાનું 'નિદાન થયું, જેની સર્જરી એ પાંચ વર્ષનો થાય ત્યારે થશે.

બે વર્ષમાં કોમલના બન્ને મોટાભાઈઓ વડોદરાની કોલેજમાં ભણવા જતા રહયા. કોમલને અભ્યાસનું ભારણ વધ્યું હતું, પણ ઘરના કામમાં રોકાયેલી રહેતી બા બાબુને કોમલને સોંપી દેતી. બાબુ દોડીને કોમલની પાછળ ફર્યા કરતો,

ઘડી ઘડી પડતો આખડતો, બા બબડતાં, 'મોટી ઉમરે આવ્યો ને પાછો આંધળા જેવો, બિચારી નાનકીને લેસન કરવા દેતો નથી. કોમલને રડવું આવી જતું. તેનાથી બાબુને રડતો રાખી લેસન થતું નહી. ટીચરના શબ્દો 'ભણતર ના બગાડતી ' ગુણગુણ થયા કરતા. એ મનમાં ખૂબ મૂઝાતી હતી. એને થયું કોને પૂછું?બા ખાસ ભણી નહોતી પણ 'છોકરાઓ ભણ્યા વગર ચાલશે નહિ 'એમ હમેશાં કહેતાબાબુના આવ્યા પછી બહુ ઉદાસ રહે છે. કોમલે બાની પાસે જઈ પૂછ્યું 'બા બાબુ રડ્યા કરે છે, હું લેસન ક્યારે કરું?', બાએ સાડલાના છેડાથી આંખો લુછતાં કહ્યું, 'નાનકી, બીજા બે વર્ષ આપણે બાબુને સાચવી લેવો પડશે, પછી એની આંખનું ઓપરેશન થશે. એનાથી બરોબર દેખાતું થશે, એટલે આપણને નહિ પજવે 'કોમલને થયું બા એના દિલની વાત કરે છે. 'મારા પર એમને ભરોસો છે, હું વિપરીત સ્થિતિમાં ભણીશ. ' એને એટલું સમજાયું કે બાબુ એનો ભાઈ હમેશાં એની સાથે ઘરમાં રહેવાનો છે. એણે બાબુને પટાવી લેસન કરવાનું છે , રમવા જવું હોય તોય એને જોડે રમાડવાનો. દરેક વસ્તુને હાથથી પમ્પાળી તે પૂછ્યા કરે 'શું છે?, 'કોમલ બાબુને સમજાવતા થાકી જતી.

કોમલે બાબુનું બધું જ કામ ઉપાડી લીઘુ. રાત્રે પોતાની સાથે સૂવડાવતી, સ્કુલે જતાં પહેલાં એને નવડાવી તેયાર કરતી. બાબુનું ખાવાનું, દૂધ આપવાનું કરતી. જાણે બાબુની નાનકી મા !બાને હળવાશ લાગી પણ કોમલ માટે જીવ બાળતા પંખીની જેમ ઉડયા કરતી છોકરી પાંખ સમેટીને બેસી રહી છે. બાબુને દેખાતું થાય ને એ છૂટે

કોમલ હવે હાઇસ્કુલમાં જતી હતી. હાઇસ્કૂલ દૂર હતી એટલે સાઇકલ પર જતી. એની બુક્સ અને બીજી જરૂરી ચીજો લેવા તે ગઈ હતી, તેણે પાંચ વર્ષના બાબુને આડા તેડા લીટા કરવાની મઝા આવે તેવી ચોપડી લીધી, એક નાનકડું બેગપેક લીધું બાબુ નાનકીની રાહ જોતો ઘરની બહાર ઓટલે જ બેઠો હતો. સાઇકલની ઘંટડી નો અવાજ સાંભળી નાની, નાની કરતો કૂદવા લાગ્યો, બા કહે 'આણે તારા વગર ખાધુંપીધું ય નથી. '

બાબુ એનું બેકપેક લઈ દોડાદોડી કરે છે. બા રાજી થતાં હતાં, કોમલ ખડખડાટ હસી એની પાછળ દોડતી હતી.

'તું ય બાબુની જેમ રમવા લાગી કોમલ ' બહારથી આવેલા બાપૂજીએ કહ્યું, ઘરમાં હસી ખુશી જોઈ તેઓ મલકાતા હતા. કોમલે ઘણા વખત પછી બાપુને હસતા જોયા . મોટી ઉંમરે આવેલા બાબુની , આંખ નબળી એટલે એના ભણતર માટે એમને ચિતા રહેતી એમનો ધન્ધો સંભાળવા માટે હોશિયારી જોઈએ . સફેદ ઝભો, સફેદ ધોતિયું, બન્ડી, માથે ગાંધી ટોપીમાં બાપુની ગામમાં એટલી સારી છાપ હતી કે ધન્ધો ધમધોકાર ચાલતો. બાબુ મોટો થાય ત્યાં સુધી શું થશે? તેમણે જલેબીનું પેકેટ કાઢી બાને કહ્યું, 'ભગવાનને પ્રસાદ ધરાવ, બાબુના ઓપરેશનનું નક્કી થયું' બાબુ જલેબી ખાવા ઉતાવળો થયો. એને બીજું ન સમજાયું પણ કોમલ બાને ભેટી પડી. ઘરમાં બાબુની કૂમળી આંખોમાં રતાશને બદલે બે દીવડા પ્રગટવાના હતા. ઘરને ખૂણેખૂણે દીવડા જળહળશે. દિવાળી ઉજવાશેકોમલને થયું અભાવ પછીની પ્રાપ્તિનો

આનંદ અનેરો હોય છે. એણે બે ક્ષણ પોતાની આંખો બંધ કરી દીઘી

બાબુની દુનિયા એટલે રૂપરંગ વિનાની !અવાજ ની આંગળી ઝાલી દોડે અને સ્પર્શને ઓળખેએનું હદય મીણની જેમ પીગળી રહ્યું, એણે બાબુને માથે ચૂમી કરી. બોલી,

'તારી ધુંધળી આંખોથી તું પૂછ્યા કરતો 'મને કહોને પતંગિયું શું છે? હવે પતંગિયું જોવાનું ભાગ્ય તને મળ્યું. .

'હે નાની પતંગિયું કેવું હોય?' બાબુ કોમલનો હાથ પકડી પૂછતો હતો.

'તારી આંખ સારી થશે ત્યારે હું તને બાગમાં લઈ જઈશ તું પતંગિયા પાછળ દોડજે '

બાબુની ધુધળી આંખ પતંગિયાને જાણતી નથી, એણે કદી માખીની જેમ બણબણતું કે ચકલીની જેમ ચીચી કરતું પતંગિયાને સાંભળ્યું નથી ,

;નાની મને પતંગિયું કેમ ઓળખાશે ?'

કોમલ એને ગાલે ટપલી મારી દોડી, રંગબેરંગી સુંવાળું રેશમ જેવું બગીચામાં છોડ પર બેઠેલું જોઈશ એટલે તું એવૉ દૉડીશ કે .... '

'નાની તારો હાથ લીસો લીસો છે '

બાબુ કોમલનો હાથ પતગિયું હોય તેમે પકડી દોડાદોડી કરતો બોલતો હતો 'મેં પતંગિયું પકડ્યું '.

તરૂલતા મહેતા

(બાબુને આંખની સર્જરી પછી વધારે નંબરવાળા ચશ્મા પહેરવા પડતા, લાંબો સમય લખી-વાંચી શકાતું નહિ પણ સાંભળીને શીખી જતો. )

***